Monday, January 20, 2025
વાળ ઓળવા વિશે
જેમ કેટલાંક સરનામાં કેવળ સરનામાં નહીં, સત્તાકેન્દ્ર હોય છે, તેમ કેટલીક ક્રિયાઓ ફક્ત ક્રિયાઓ નહીં, પુખ્તતાસૂચક કસોટી હોય છે. પોતાના વાળ જાતે ઓળવા તે એવી જ એક ક્રિયા છે. અગાઉ બાળપણમાં મા કે મોટાં ભાઈબહેન વાળ ઓળી આપતાં હોય, ત્યારે બાળકને કોઈ પૂછે કે મોટો થઈને તું શું કરીશ? તો એકાદ વાર તે એવો જવાબ પણ આપી શકે, ‘જાતે મારા વાળ ઓળીશ.’
કેમ કે, માતાઓ, ખાસ કરીને જૂના સમયની માતાઓ બાળકના વાળ ઓળવાની ક્રિયાને ખાસી કષ્ટપ્રદ બનાવી શકતી હતી અને ભૂલેચૂકે જો બાળક કષ્ટની બૂમ પાડે તો જીવનમાં કષ્ટના મહિમા વિશે એક લઘુવાર્તા પણ પ્રસારિત કરી શકતી હતી. ઘણી માતાઓ બાળકના વાળ ઓળતાં પહેલાં તેના માથામાં તેલ નાખતી હતી. અલબત્ત, તેલનો જથ્થો ધ્યાનમાં રાખતાં, તે તેલ નાખવાને બદલે તેલ રેડતી હતી તેમ કહેવાનું વધારે ઠીક ગણાય.
બાળકનું માથું એક વાર તૈલી પદાર્થ બની ગયા પછી માના એક હાથની હથેળી સકંજો બની જતી અને બાળકનું મોં તે સકંજામાં ભીડીને બીજા હાથે તે વાળમાં કાંસકો ફેરવતી. એ રીતે વાળ ઓળાઈ ગયા પછી શરૂઆતમાં બાળકોને સમજાતું નહીં કે વાળ ઓળાવ્યા પછી માથાને બદલે ગાલ કેમ દુખે છે. કેટલાક છોકરાઓની અને સરેરાશ છોકરીઓની સ્થિતિ વધારે ખરાબ હતી. કારણ કે, તેમના મગજમાં વિચારોનો ગુંચવાડો હોય, એના કરતાં પણ વધારે ગુંચવાડો તેમના વાળમાં લટોનો રહેતો.
‘લટ ઉલઝી હૈ, સુલઝાદે મોરે બાલમા’ સુધી પહોંચવાને ઘણાં વર્ષોની વાર હોય, ત્યારે ગુંચવાયેલી લટોવાળું માથું આઝાદી પહેલાંના ભારતના નકશા જેવું બની જતું. રજવાડાં એટલી ગૂંચો અથવા તો જાણે, ગૂંચો એટલાં રજવાડાં. તેમાંથી કોઈ સીધી રીતે ઉકલી જાય ને કોઈ સાથે કાંસકા વડે પેચ લડાવવા પડે. હળવા ઉંહકારા તો ચાલતા રહે, પણ કોઈ લટ (કે રાજ્ય)માં એવું પણ થાય કે હળવા હાથે કામ ન ચાલે.
માતા કાંસકાના થોડા દાંતાથી, બાળકને આંચકો ન લાગે એવી રીતે ગુંચ ઉકેલવાની કોશિશ કરી જુએ, પણ તે સમયની માતાઓ પાસે ઝાઝો ટાઇમ ન હોય—બાળકો માટે તો ન જ હોય. એટલે પછી હૈદરાબાદ-જૂનાગઢની જેમ અમુક પ્રકારની ગૂંચો ઉકેલવા માટે કાંસકા વડે લશ્કરી બળ વાપરવાની ફરજ પડે. બળપ્રયોગ સાથે જ બાળકના મનમાંથી ઊંહકારો કે ભેંકડો નીકળી જાય. ત્યારે આશ્વાસન આપવાને બદલે માતા તરફથી ઠપકો મળે કે આવા કેવા વાળ કરી નાખ્યા છે? સરખી રીતે ઓળાતા જ નથી. ઘણી વાર સ્થિતિ એવી હોય કે વાળમાં ગૂંચ છે એમ કહેવાને બદલે, ગૂંચોમાં વાળ છે એવું જ કહેવું પડે. કઠણ લડાઈ માટે શસ્ત્રો સજતા યોદ્ધાની જેમ, માતાઓ કાંસકા-કાંસકી અને જરૂર પડ્યે કાતર જેવાં અસ્ત્ર ધારણ કરીને, અઘરી ગૂંચો ઉકેલવા મેદાને પડે ત્યારે બેક ગ્રાઉન્ડમાંથી શંખના આવાજ સંભળાવા જ બાકી રહે.
ગૂંચ એ વાળનો આંતરિક મામલો છે, પરંતુ માથામાં (એટલે કે વાળમાં) જૂ પડે ત્યારે આખો તખ્તો વિદેશી આક્રમણનો અને તેનાથી માથાની સ્વભૂમિને બચાવવાનો થઈ જતો હતો. તેના માટે કેવળ તેલ નાખવાથી કે વાળ ધોવાથી કામ ચાલતું નહીં. કેટલીક માતાઓ બપોર પડ્યે બાળકના માથાના જંગલમાં જૂઓના શિકારે ઉપડતી હતી અને કામ પૂરું થયા પછી, કેટલી જૂઓનો શિકાર કર્યો તેનો આંકડો ગૌરવભેર જાહેર કરતી હતી.
વાળની દેખભાળ અને તેમને લાડ કરવા માટે હવે શેમ્પૂ, હેર કન્ડિશનર અને બીજી કંઈક જાતની બોટલો ને ઉત્પાદનો વાળની સારસંભાળ માટે મળે છે અને તેમનો વપરાશ વરણાગીપણાનો ભાગ ગણાતો નથી. બાકી, વર્ષો સુધી વાળ ઓળવા એ સભ્યતાથી માંડીને સ્ટાઇલ સુધીનાં અર્થઘટનો આવરી લેતી ચેષ્ટા હતી. વાળ ઓળવાનું કામ પણ કેટલીક બાબતોમાં ન્યાય તોળવાની સમકક્ષ ગણી શકાય. તે થયું હોય એટલું પૂરતું નથી. તે થયું છે એવું સામેવાળાને લાગવું જોઈએ. એટલે કે, માણસે વાળ ઓળ્યા છે કે નહીં, તે એ પોતે નક્કી કરી શકે નહીં.
ઘરના અરીસા સામે પાંચ મિનિટ સુધી કાંસકા અને માથાનું યુગલગાન ચાલ્યું હોય, અથવા સમાજવાદી ઉપમા આપીને કહીએ તો, માથાના ખેતરમાં કાંસકાનું હળ ફર્યું હોય, તેમ છતાં સામે મળેલો માણસ એવું કહી શકે છે,‘ઉંઘમાંથી ઉઠીને આવ્યા કે શું? વાળ પણ ઓળ્યા વિના દોડ્યા છો.’ અથવા ‘વાળને શું થયું? માથામાં કૂતરાં સામસામાં લડ્યાં હોય એવા વાળ થઈ ગયા છે.’ તેમની સરખામણીમાં કેટલાક લોકો માથાની અંદર નહીં, માથાની બહાર-ઉપર પણ લોકશાહીમાં શ્રદ્ધા ધરાવે છે અને તેના પરિણામે આવી પડતી અરાજકતાને લોકશાહી પ્રક્રિયાનું અનિવાર્ય પરિણામ ગણે છે.
વ્યવસ્થિતતાનો આગ્રહ તો સમજાય, પણ ટાપટીપના પ્રેમીઓનું કામકાજ ચેઇન સ્મોકર જેવું. વીર સાંકળેશ્વર સીગરેટવાળા (ચેઇન સ્મોકર) એક કંડિકા પૂરી થઈ નથી કે બીજી સળગાવે. એવી રીતે, કેટલાક લોકો વાળ ઓળ્યા પછી પણ વાળ ઓળે ને વાળ ઓળતાં પહેલાં તો વાળ ઓળેલા જ હોય. તેમના મનમાં સતત એવો સરમુખત્યારી અજંપો રહ્યા કરે કે વાળને સહેજ પણ છૂટ આપીશું તો તે સામો વિદ્રોહ કરશે. તેમને કતારબદ્ધ અને ‘સાવધાન’ મુદ્રામાં રાખેલા જ સારા.
પરંતુ કેટલાકને, સરમુખત્યારોની જેમ જ, સમજાય છે કે બધા વાળને બધો સમય કચડીદબાવીને રાખી શકાતા નથી. એમ કરવા જતાં સરવાળે ટાલ પડી શકે છે. હા, તેનો એટલો ફાયદો ખરો કે વાળના વિદ્રોહની બીક ટળી જાય છે.
Thursday, January 09, 2025
રવિવારની કવિતા
કવિ કાલિદાસ નોકરી કરતા ન હતા. એટલે તેમને કદાચ રવિવારનું મહત્ત્વ સમજાયું નહીં હોય. તે કવિતા કરતા હતા અને રાજદરબારમાં પણ જતા હતા. તેથી કંઈ એવું ન કહેવાય કે તે દરબારી કવિ હતા—અને વર્તમાન અનુભવે સૌ જાણે છે કે દરબારી કવિ-લેખક હોવા માટે દરબારમાં જવું જરૂરી નથી.
પણ મુદ્દો એટલો જ છે કે, કાલિદાસે અષાઢના પહેલા દિવસ વિશે
કવિતા લખી અને ‘નવા વર્ષના
પહેલા રવિવારે’ અથવા ‘રવિવારે’—એવો વિષય તે ન
સ્પર્શ્યા.
ફક્ત નવા વર્ષનો પહેલો રવિવાર જ શા માટે? નોકરિયાત
માણસને કોઈ પણ રવિવાર કવિતા જેવો કે કવિતા લખવા જેવો લાગી શકે છે. ‘રવિવાર
નોકરિયાતોનો આરાધ્ય દેવ છે’—એવું વિધાન
હાસ્યને બદલે ચિંતનની કોલમમાં આવ્યું હોય તો લોકો પ્રભાવિત થઈ જાય. આમેય, ચિંતનની
કોલમોમાં આવતી ઘણી સામગ્રી હાસ્યની કોલમમાં ચાલે એવી હોય છે અને ઘણા હાસ્યકારોને—ખાસ
કરીને બોલીને હસાવતા લોકોને—ચિંતક ને ફિલસૂફના વહેમ હોય છે.
પણ મૂળ વાત પર પાછા આવીએઃ રવિવાર નોકરિયાતોનો આરાધ્ય દેવ
છે. આ વાક્ય વાંચીને કોઈને રવિવારનું મંદિર બનાવવાનો ફળદ્રુપ વિચાર આવે તો નવાઈ
નહીં. આમેય ઠેકઠેકાણે ઢંગધડા વગરનાં ધર્મસ્થાનો ઊભાં થઈ જાય તો પણ ત્યાં ભાવકોની કદી
ખોટ પડતી નથી. તો પછી રવિવારે શો ગુનો કર્યો? ‘રવિવારનું મંદિર’—એ કલ્પના નોકરિયાતોને રોમાંચ અને ધર્મનો ધંધો ધમધમાવતા લોકોને હથેળીમાં
ખંજવાળ પ્રેરે એવી છે.
અભ્યાસીઓ કહી શકે છે કે રવિ ઊર્ફે
સૂર્યનાં મંદિરો આપણા દેશમાં છે જ. તેમની વાત સાચી છે, પણ પૂરતી નથી. મોઢેરા કે
કોણાર્કનાં સૂર્યમંદિર જે રવિની વાત કરે છે તે અને રજાના દિવસવાળો રવિ—એ બંને જુદા
છે. એટલે તેમનાં મંદિર પણ જુદાં હોવાં જોઈએ. સંસ્કૃતિની ગુરુતાગ્રસ્ત
લઘુતાગ્રંથિથી પીડાતા લોકો દલીલ કરી શકે છે કે રવિવારે રજા તે પશ્ચિમી સંસ્કૃતિની
દેન છે. તેનું મંદિર આપણે શા માટે બનાવવું જોઈએ? તેમને ‘સંસ્કૃતિ ખતરેમેં’ની વૃત્તિ પર કાબૂ રાખવાની ભલામણ સાથે જણાવવાનું કે સંસ્કૃતિ ગમે તે હોય, રજા
રજા હોય છે. અથવા રજાનો દિવસ પોતે જ સ્વતંત્રપણે આગવી સંસ્કૃતિ કે પેટાસંસ્કૃતિ
(સબ-કલ્ચર) છે.
અઠવાડિયાની વચ્ચે આવી પડતી રજાની
તારીખ ભલે અગાઉથી નક્કી હોય, પણ તેની અસર બોનસ જેવી કે ભર ઉનાળે વરસાદના માવઠા
જેવી હોય છે. તેની સરખામણીમાં દર રવિવારે આવતી રજા નિશ્ચિત આવક જેવી ટાઢક આપનારી
હોય છે. તે એવી જૂજ વસ્તુઓમાંની એક છે જે નિયમિત આવતી હોવા છતાં તેનાથી કંટાળો નથી
આવતો. બલ્કે, તેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે. શાયરોએ જેટલા શેર મિલન ને વિરહ
વિશે લખ્યા છે, એનાથી સોમા ભાગના શેર પણ રવિવારની રજા વિશે લખ્યા નથી. આવું કેમ,
તેની તપાસ કરતાં જાણવા મળતું એક કારણ એવું છે કે રવિવારની રજા નોકરી કરતા લોકોને જ
હોય—અને બહુમતી શાયરો નોકરી કરવા માટે જાણીતા ન હતા.
રવિવારની રજા એવી ચીજ છે, જેની
કલ્પનામાત્રથી મનમાં હર્ષ ઉપજે. ઘણાના સોમવારની શરૂઆત આવનારા રવિવારની રાહ જોવાથી
થાય છે અને તે પ્રવૃત્તિ આખું અઠવાડિયું ઓછીવત્તી તીવ્રતા સાથે ચાલુ રહે છે. તેમાં
પણ અઠવાડિયાની ગાડી બુધવારનું સ્ટેશન વટાવે એટલે મનમાં ઊંધી ગણતરી શરૂ થઈ જાય છે.
એમ કરતાં શુક્રવાર જાય અને શનિવાર આવે એટલે, પહાડી નજીક આવતાં પહેલાં દૂરથી તેની
ઝાંખી થાય તેમ, રવિવારની ઝાંખી થવા લાગે છે. થાય છે કે બસ, હવે હાથવેતમાં છે.
છેવટે શનિવારની સાંજ અને રાત પડે છે. દિવસનો અંત સૂર્યાસ્તથી થાય, એટલે કે,
શનિવારે સૂર્યાસ્ત થાય તે સાથે જ રવિવાર શરૂ થઈ જાય, એ ભારતીય પરંપરા છે. પરંતુ
બાકીની બાબતોમાં પાશ્ચાત્ય પરંપરાને અનુસરતા લોકો આ બાબતમાં ભારતીય પરંપરા મુજબ
ચાલે છે અને શનિવાર સાંજથી રવિવારના મિજાજમાં આવી જાય છે. શનિવારની સાંજ એ
રવિવારની કવિતાનો ઉપાડ છે અથવા રવિવારની ગઝલનો મત્લા છે.
રવિવારની આખી કવિતા બધા માટે જુદી
જુદી હોઈ શકે છે. કોઈના માટે રવિવાર સમય બગાડવાનો સમય હોય છે. તેમને તે દિવસે કશું
જ સમયસર નહીં કરવાનો મહિમા લાગે છે. સુખિયા જીવો રવિવારે દસ-અગિયાર વાગ્યે ઉઠે ને
દોઢ-બે વાગે નહાય, ત્યારે જ તેમને રવિવારનો અહેસાસ થાય છે. તે વખતે તેમનાં
પરિવારજનોને—ખાસ કરીને સ્ત્રીવર્ગને—ઉપરતળે થતાં જોઈને લાગે છે કે રવિવાર પછી
સોમવાર તેમની પ્રાર્થનાને કારણે જ આવતો હશે.
બીજો વર્ગ રવિવારે સમય વાપરવા માટે
કૃતનિશ્ચયી હોય છે. તે આખા અઠવાડિયાંનાં ભેગાં થયેલાં કામનું રવિવારે વહેલી સવારથી
રાત સુધીમાં ચુસ્ત આયોજન બનાવે છે. કરવાનાં કામની તેમની યાદી જોઈને પહેલા પ્રકારના
લોકોને ચક્કર આવી શકે, પણ કર્મવીરોને તેમાં જ રવિવારની સાર્થકતા લાગે છે. રજાના
આખા દિવસને પોતાના અથવા મનગમતા કામથી ભરી દેનારા સાંજ પડ્યે થાકે છે ખરા, પણ બીજા
દિવસે સોમવાર આવશે તે વિચારે હારી જતા નથી. કારણ કે, તેમનો સોમવાર રવિવાર કરતાં
ઓછો વ્યસ્ત હોય છે.
વર્ક ફ્રોમ હોમનો રિવાજ શરૂ થયા કેટલાક
લોકોને ઓફિસે જવાનું નથી હોતું. તે અર્થમાં તેમને રોજ રવિવાર લાગે છે. એવા લોકો થોડા
સમય પછી સોમવારને ઝંખતા થઈ જાય, તો નવાઈ ન લાગવી જોઈએ.
Friday, January 03, 2025
હેપી તુલસી-ક્રિસ્મસ
નાતાલના દિવસે ક્યાંક યોજાયેલા તુલસીપૂજનના કાર્યક્રમ વિશે જાણીને હૈયું ગૌરવથી છલકાઈ ગયું. ધર્મ અને સંસ્કૃતિની અસલી મઝા સ્પર્ધામાં છે. કોઈની સાથે હરીફાઈ ન હોય, કોઈને પછાડવાના ન હોય, કોઈને નીચાજોણું કરાવવાનું ન હોય તો કેવળ પોતાનાં ધર્મ ને સંસ્કૃતિની માળા ફેરવવામાં શી મઝા?
આપણી
સંસ્કૃતિ સ્વતંત્ર રીતે મહાન હોય એવું જરૂરી નથી અને એવું હોય તો પણ તે પૂરતું તો
જરાય નથી. ‘આપણી
સંસ્કૃતિ’ એટલે
સિંધુ સંસ્કૃતિથી શરૂ કરીને પાંચ-છ હજાર વર્ષનો કયો હિસ્સો—તેની ચર્ચા પણ ગૌણ છે.
તે બધું કામ બાલની ખાલ કરનારા સંશોધકોને સોંપ્યું.
આપણું
કામ જુદું છે. રીલે દોડમાં જેમ સ્પર્ધકો હાથમાં એક નાનકડું ભૂંગળું લઈને દોડે છે
અને તેમનું અંતર પૂરું થતાં, તે ભૂંગળું ત્યાં ઊભેલા બીજા સાથીદારને આપે છે એટલે
પછી તે ભૂંગળું લઈને દોડવા માંડે છે. એવી રીતે, આપણું કામ સંસ્કૃતિનું ભૂંગળું
લઈને, કચકચાવીને દોડવાનું અને આપણી સંસ્કૃતિને વિજેતા બનાવવાનું છે. તેમાં ભૂંગળું
કોણ પકડાવે છે અને ભૂંગળામાં શું છે (કે શું લખ્યું છે) એ જોવા કોણ રહે? જે એવા ચીકણાવિદ્યા કરવા રહે તે
દોડી ન શકે અને એવા લોકોએ જીતવાનું તો ભૂલી જ જવાનું. સવાલ આપણી હારજીતનો નથી—સંસ્કૃતિની
હારજીતનો છે અને તેની જવાબદારી આપણી છે. કમ સે કમ, ભૂંગળું પકડાવનારાએ તો એવું જ
કહ્યું છે.
કોઈ
વાંકદેખા કહેશે કે આપણું આયુષ્ય સાત-આઠ દાયકાનું અને સંસ્કૃતિ તો પાંચ-સાત હજાર
વર્ષ જૂની છે. તો આપણે સંસ્કૃતિને કેવી રીતે જીતાડી શકીએ? આવી દલીલની ભ્રમજાળમાં પડવું નહીં.
આવી આળસથી જ સંસ્કૃતિ હારી રહી છે અને તેને જીતાડવાની જરૂર પડી છે. દલીલબાજને કહી
દેવાનું કે પાંચ-સાત હજાર વર્ષ સુધી તમારા જેવા આળસુ અને ઉદાસીન લોકોના હાથમાં
સંસ્કૃતિનું સુકાન રહ્યું, એટલે જ આજે આ દશા આવી છે અને આપણે જોર લગાડીને
સંસ્કૃતિને જીતાડી દઈએ તો બીજાં પાંચ-સાત હજાર વર્ષ સુધી વાંધો નહીં આવે.
વળી
કોઈ એવી દલીલ કરે કે સંસ્કૃતિઓ વચ્ચે ખેલકૂદની સ્પર્ધા કે મેચ તો રમાતી નથી, તો
પછી તેમની હારજીત શી રીતે નક્કી થાય? ખરું પૂછો તો આવી કે આગળ જણાવેલી કોઈ પણ પ્રકારની દલીલ કરનારને
સંસ્કૃતિના વિરોધી જાહેર કરી દેવા, એ સૌથી સલાહભરેલું--અને સહેલું પણ-- છે.
ચર્ચામાં ઉતરીએ તો હારવાની આશંકા રહે. એને બદલે આવા મુદ્દા ઊભા કરનારનું ટ્રોલિંગ
જ ચાલુ કરી દેવાનું. એવું કરવાથી સામેવાળો માણસ સંસ્કૃતિની દુહાઈ આપવા માંડશે અને
કહેશે કે ‘આ કંઈ
આપણી સંસ્કૃતિ નથી.’ એ
વખતે કહી દેવાનું કે આપણી સંસ્કૃતિ બચાવવા માટે અને આપણી સંસ્કૃતિનું ગૌરવ અનુભવવા
માટે સંસ્કૃતિની બહાર જઈને પગલાં ભરવાં પડે, તેનો પણ અમને બાધ નથી. બસ, કોઈ પણ
ભોગે અને કોઈના પણ—અરે, સંસ્કૃતિના પોતાના પણ—ભોગે, સંસ્કૃતિ જીતવી જોઈએ, તેના
વાવટા ફરકવા જોઈએ. વાવટા તરીકે કોઈ વસ્ર હોય તો તેનો પણ બાધ નથી.
જે
દિવસે જગતઆખામાં ક્રિસમસ ટ્રીની બોલબાલા ચાલતી હોય, ભેટો અને સુશોભનથી લદાયેલા
ક્રિસમસ ટ્રી પર રોશની ઝળહળતી હોય ત્યારે તુલસીપૂજનની વાત કરવી, એ પ્રખર
સંસ્કૃતિપ્રેમ માગી લેતી ચેષ્ટા છે. તેનાથી થયેલા સનાતન ધર્મના જયજયકારના પડઘા છેક
ધ્રુવ પ્રદેશો સુધી પડ્યા છે અને ત્યાંનાં પેંગ્વિનો તેમ જ ધ્રુવીય રીંછો પણ સનાતન
ધર્મનો જયજયકાર ગજાવી રહ્યાં છે. તુલસીનું આપણી સંસ્કૃતિમાં આગવું મહત્ત્વ છે.
તુલસી નાખેલી ચા પણ સરસ લાગે છે, જ્યારે ક્રિસ્મસ ટ્રીનાં પાંદડાં ચામાં નાખવાથી
તેમનો કશો સ્વાદ આવતો નથી. ચા પરદેશી પીણું છે, છતાં તે ક્રિસ્મસ ટ્રીને બદલે
તુલસી તેના સ્વાદમાં ઉમેરો કરે છે, એ દર્શાવે છે કે સનાતન ધર્મ જ સર્વોપરી છે. આ
દલીલ આગળ વધારતાં કોઈ તુલસીના છોડને બદલે તુલસી પાનમસાલાનાં ગુણગાન ગાવાનું શરૂ
કરી દે, ત્યારે આજુબાજુ કોઈ તેની વિડીયો ઉતારતું ન હોય એટલું ધ્યાન રાખવું. તે પણ
સંસ્કૃતિના રક્ષણનો જ એક ભાગ છે.
ક્રિસ્મસ
ટ્રી તમામ કદમાં મળે છે, જ્યારે તુલસીના છોડ અમુકથી વધારે મોટા હોતા નથી. પરંતુ
કોઈ પણ રીતે સંસ્કૃતિને જીતાડવી હોય તો દેશના વિજ્ઞાનીઓએ તુલસીના છોડને બર્ફીલા
પ્રદેશોમાં થતાં મોટાં વૃક્ષ જેટલા તોતિંગ બનાવવાની દિશામાં પ્રયોગો કરવા પડશે. એમ
કરવાથી સંસ્કૃતિની જીતમાં વિજ્ઞાન પણ ભળશે અને આપણી સંસ્કૃતિનું અવ્વલપણું
વિજ્ઞાનઆધારિત છે, એવું પણ કહી શકાશે. તુલસીના છોડને બદલે વૃક્ષ થાય, ઠેકઠેકાણે
તેમનું વાવેતર કરવામાં આવે અને તેમની સરસ ઘટા થતી હોય, તો તે વૃક્ષોને કાપીને પણ
દેશનો વિકાસ કરી શકાય. આમ, તુલસીના વૈજ્ઞાનિક પ્રયોગો અને ઉપયોગોની શક્યતા અનંત
છે.
દરેક
સંસ્કૃતિપ્રેમીનું અને આપણી સંસ્કૃતિનો જયજયકાર ઇચ્છનારનું સ્વપ્ન હોવું જોઈએ કે
2047 સુધીમાં દુનિયાભરમાંથી ક્રિસ્મસ ટ્રી વપરાતાં બંધ થઈ જાય અને તેમની જગ્યાએ
ક્રિસ્મસના તહેવારમાં તુલસીના છોડ જ જોવા મળે. દુનિયાભરમાં તુલસીના છોડ પૂરા
પાડવાનું કામ સહેલું નથી, પણ વિશ્વગુરુ સંસ્કૃતિવિજયના ઝનૂનથી પ્રયાસ કરશે તો તે
અશક્ય નથી.
--અને
ધારો કે, 2047 સુધીમાં આ લક્ષ્ય હાંસલ ન થયું તો? નવી મુદત 2075ની આપી દેવાની.
વડાપ્રધાન પાસેથી એટલી પ્રેરણા તો લઈ શકાય ને?