Monday, February 15, 2016
દેવદાસયુગની અને ગાંધીઘરાનાની અનોખી પ્રેમકહાની : આચાર્ય કૃપાલાની- સુચેતા મજુમદાર
![]() |
| Acharya Kripalani- Sucheta Kripalani / આચાર્ય કૃપાલાની - સુચેતા કૃપાલાની |
કયો યુગ વધારે પ્રેમવિરોધી હતો? સમાજનાં
બંધનોને કારણે પ્રેમિકા પાછળ ખુવાર થઇ જતા દેવદાસનો યુગ? કે પછી બ્રહ્મચર્યના ચુસ્ત
આગ્રહી- કડક વ્રતપાલક ગાંધીજીનો યુગ?
‘જવાબ નક્કી કરવાનું અઘરું છે’ એટલું પણ કહેતાં પહેલાં એક સ્પષ્ટતા : અહીં ‘પ્રેમ’નો
અર્થ પરંપરાગત અર્થમાં પુખ્ત વયનાં સ્ત્રી-પુરૂષ વચ્ચેનો પ્રેમ--એવો કરવો.
દેવદાસોને સમાજ નડતો હતો અને ગાંધીજીના
અંતેવાસીઓને ગાંધીજી-ગાંધીવાદ. અંગત વ્યવહારમાં ગાંધીજી અત્યંત પ્રેમાળ અને
સાથીદારોની નાનામાં નાની બાબતોની દરકાર કરનારા હતા. પરંતુ સ્ત્રી-પુરૂષ
પ્રેમસંબંધોની વાત આવે ત્યારે તેમનું વલણ આત્યંતિક લાગે એટલું કડક રહેતું. એની
પાછળ રૂઢિચુસ્તતા નહીં,
પણ ધ્યેયનિષ્ઠા કારણભૂત હતી. તેમને લાગતું હતું કે તેમના
સાથીદારો પ્રેમ કે લગ્ન કે બન્નેની જંજાળમાં પડશે, તો એમાં જ અટવાઇ જશે ને દેશની
સેવા બાજુ પર રહી જશે.
આચાર્ય કૃપાલાનીના મામલે એવું જ બન્યું.
ગાંધીજી સાથે સાવ શરૂઆતના ગાળામાં જોડાનારા લોકોમાં ઇતિહાસના અધ્યાપક જીવતરામ
કૃપાલાની હતા. આઝાદમિજાજ,
બંડખોર, તીક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને એવી જ તીવ્ર રમુજવૃત્તિ ધરાવતા કૃપાલાની
ચંપારણ સત્યાગ્રહથી ગાંધીજીના નિકટના સાથી બન્યા, પણ કોઇનાથી પ્રભાવિત થવાનું
તેમના સ્વભાવમાં ન હતું. ‘તમારા ઉપર પ્રાથમિક સંસ્કાર કોના પડ્યા?’ એવું પૂછનાર પત્રકારને તેમણે
કહ્યું હતું,‘મારી પર મોસમ અને પર્યાવરણ સિવાય બીજા કોઇનો પ્રભાવ કે સંસ્કાર પડ્યા નથી.’ ગાંધીજીની
હયાતીમાં કૃપાલાનીએ કહી દીધું હતું કે ‘ગાંધીવાદ જેવી કોઇ ચીજ અસ્તિત્ત્વ ધરાવતી નથી.’ અને
ગાંધી જેનું નામ, તેમણે કૃપાલાનીના આ મંતવ્યને પૂરો ટેકો જાહેર કર્યો હતો. સાથે યાદ રાખવા જેવી
વાત એ પણ છે કે કૃપાલાનીએ છેક ૧૯૨૦માં
ઉત્તર પ્રદેશમાં ‘શ્રી ગાંધી આશ્રમ’ની સ્થાપના કરીને ખાદીપ્રવૃત્તિને અપનાવી હતી. એ આશ્રમના સાથી ધીરેન્દ્ર
મજુમદાર થકી કૃપાલાની મજુમદાર પરિવારના અને ધીરેન્દ્રની ભત્રીજી સુચેતાના પરિચયમાં
આવ્યા.
૧૮૮૮માં જન્મેલા કૃપાલાનીથી ઉંમરમાં વીસ
વર્ષે નાનાં સુચેતા વિદૂષી હતાં. (જન્મ : ૨૫ જૂન, ૧૯૦૮) પિતા ડૉક્ટર. પરિવારમાં ‘બ્રહ્મસમાજ’ જેવી
સુધારક સંસ્થાના સંસ્કાર. તેમાં સ્વદેશીનો આગ્રહ ભળ્યો. બનારસ હિંદુ
યુનિવર્સિટીમાં ઇતિહાસ અને રાજકારણનાં અધ્યાપિકા સુચેતા કૉલેજમાં ખાદીની સાડી
પહેરતાં હતાં. એ ઘણી વાર કૃપાલાનીને રાષ્ટ્રીય ચળવળ વિશે પ્રવચન આપવા બોલાવતાં.
તેમાંથી બન્નેનો પરિચય વધ્યો. નિકટતા થઇ. ત્યારે કૃપાલાની ફક્ત ‘પ્રૉફેસર’ રહ્યા
ન હતા. ૧૯૨૨-૧૯૨૭ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠનું આચાર્યપદું શોભાવીને દેશભરના લોકો માટે ‘આચાર્ય કૃપાલાની’ બન્યા
હતા.
ચાળીસ વટાવી દીધા પછી પણ આચાર્ય
કૃપાલાની અપરણિત હતા અને ગાંધીજીના નિકટના સાથી. એટલે ઘણા એવું માનવા પ્રેરાતા કે
તેમણે બ્રહ્મચર્યનું વ્રત લીઘું છે. વાસ્તવમાં, બ્રહ્મચર્યનું જ નહીં, કોઇ
પણ પ્રકારનું વ્રત રાખવા સામે તેમને વાંધો હતો. પ્રતિબદ્ધતા અને સેવાભાવ છતાં, વ્રતથી
બંધાવાનું આચાર્ય કૃપાલાનીના મિજાજને અનુકૂળ ન હતું. સુચેતા સાથે ૧૯૨૭ની આસપાસથી
શરૂ થયેલો તેમનો પરિચય ધીમે ધીમે એટલો ગાઢ બન્યો કે લોકોમાં એ વિશે ગુસપુસ થવા
લાગી. પોતાને સાચું લાગે એ બાબતમાં ગાંધીજીને ન ગાંઠે એવા કૃપાલાની ‘સમાજ’થી
દબાય એવા ન હતા. સાથોસાથ,
તે સમજતા હતા કે આ પ્રકારની કુથલીમાં સૌથી વધારે સહન
કરવાનું સ્ત્રીના ભાગે આવે છે. માટે, તેમણે સુચેતા સાથે લગ્નનો નિર્ણય લીધો.
કૃપાલાનીની કમાણી કે ઘરબારનું ત્યારે
કશું ઠેકાણું ન હતું. નજીકના ભવિષ્યમાં ઠેકાણું પડવાની કોઇ સંભાવના પણ ન હતી.
સરોજિની નાયડુ તેમના માટે ‘નામાંકિત રખડેલ’ જેવું વિશેષણ વાપરતાં.’ પરંતુ
સુચેતાને આ કશાનો વાંધો ન હતો. કદાચ એનું આકર્ષણ પણ હોય. આચાર્ય કૃપાલાનીને સુચેતાની
બૌદ્ધિકતા, વાચન, સુક્ષ્મ હાસ્યવૃત્તિ,
રાષ્ટ્રીય આંદોલનમાં ઝંપલાવવાની તૈયારી જેવા ગુણ ખૂબ ગમતા
હતા.
બન્ને જણ રાજી હતાં, પણ
કાજી સરખા ગાંધીજીનું શું?
આચાર્ય કૃપાલાનીને તેમણે એક વાર કહી જોયું. પરંતુ એ મક્કમ
હતા. તેમણે એ મતલબનું લખ્યું હતું કે અમે રહેવાના છીએ મિત્રની જેમ, પણ લગ્ન
કરીને ગુસપુસનો અંત આણી દેવો છે. કૃપાલાનીને બરાબર ઓળખતા ગાંધીજીએ ત્યાં પ્રયાસ
કરવાનું છોડીને,
સુચેતા પર દબાણ આણવાનું શરૂ કર્યું. છેલ્લા પત્તા તરીકે એવું પણ કહ્યું કે ‘તમે
(કૃપાલાની સાથે) લગ્ન કરશો, તો મારો જમણો હાથ કપાઇ જશે.’ સુચેતાએ દલીલ કરી,‘એવું
ન બને કે તમને એકને બદલે બે કાર્યકર મળે?’ ત્યારે ગાંધીજીએ કહ્યું હતું,‘એવું
બનતું નથી. લોકો ઘરગૃહસ્થીમાં પડી જાય છે. અત્યાર સુધી એવું બહુ જોયું છે.’
તેમ છતાં, એક તબક્કે ગાંધીજીના સતત આગ્રહને
વશ થઇને સુચેતા એવા નિર્ણય પર પહોંચ્યાં કે તે આજીવન અપરણીત રહેશે. ગાંધીજીને
એટલાથી પણ સંતોષ ન હતો. તેમણે સુચેતાને કહ્યું,‘તમને દુઃખી જોઇને કૃપાલાનીના મન
પર ભાર રહેશે. એટલે તમારે બીજા કોઇને પરણવું જ જોઇએ.’ એ વાત સુચેતાને બહુ આકરી લાગી.
તેમણે ગાંધીજીને કહ્યું,‘તમારું સૂચન બરાબર નથી. એ અન્યાયી અને અનૈતિક છે.’ એ ચર્ચાના અંતે સુચેતાએ નક્કી
કરી લીધું કે તે આચાર્ય કૃપાલાની સાથે લગ્ન કરશે. એમ તો, કૃપાલાનીનાં બહેન અને સિંધનાં નામાંકિત
કાર્યકર્તા કીકીબહેનને પણ એવી બીક હતી કે ભાઇ આ ઉંમરે લગ્ન કરશે, તો
તેની આબરૂ ધૂળમાં મળી જશે. પરંતુ પોતાની દોસ્તીને કારણે કોઇ સ્ત્રીની ન બદનામી થાય, એ કૃપાલાની
માટે વધારે અગત્યનું હતું.
હવે લગ્ન આડે છેલ્લો, કામચલાઉ
અવરોધ બાકી રહ્યો. એ સમયે કૃપાલાનીના પરમ મિત્ર પંડિત જવાહરલાલ નેહરુ જેલમાં હતા.
તે મુક્ત થાય ત્યાં સુધી બન્ને જણે રાહ જોઇ અને એપ્રિલ, ૧૯૩૬માં બ્રહ્મસમાજ વિધિથી લગ્ન
કર્યાં. (એ જ વર્ષે દેવદાસની કરુણ પ્રેમકથા હિંદી ફિલ્મ
તરીકે પહેલી વાર રજૂ થઇ) જવાહરલાલ તેમના સાક્ષી બન્યા. તે પહેલાં (જમનાલાલ બજાજ
જેવાની રજૂઆતો પછી) ગાંધીજીએ બન્ને જણને લગ્ન માટે લીલી ઝંડી જેવા આશીર્વાદ મોકલી
આપ્યા હતા. સૂચેતાએ નોંધ્યું છે કે ‘અમારા લગ્નના સમાચાર ગાંધીજીને આપ્યા જ નહોતા. તેમણે
છાપાંમાં એ વિશે વાંચ્યું હશે.’
લગ્ન પછી સુચેતા મજુમદાર મટીને સુચેતા
કૃપાલાની તરીકે જાણીતાં બન્યાં. કૃપાલાની દંપતિએ ૩૮ વર્ષનું સહજીવન મહદ્ અંશે
દેશસેવામાં વીતાવ્યું. આચાર્ય કૃપાલાની વિરોધ પક્ષમાં ને સુચેતા સત્તાપક્ષમાં હોય
કે સુચેતા (૧૯૬૩માં) ઉત્તર પ્રદેશનાં મુખ્ય મંત્રી બને એવા પ્રસંગો પણ આવ્યા. છતાં
બન્ને વચ્ચેનો સ્નેહ અતૂટ રહ્યો. સહજીવનનો તેમણે લીધેલો નિર્ણય કેટલો ઠરેલ અને
સમજદારીભર્યો હતો, તે સમયે દર્શાવી આપ્યું. ૧૯૭૪માં સૂચેતા કૃપાલાનીનું અવસાન થયું અને આચાર્ય
કૃપાલાનીએ ૧૯૮૨માં, તેમને ‘આચાર્ય’ બનાવનાર અમદાવાદમાં છેલ્લા શ્વાસ લીધા. પરંતુ સુચેતાને તેમણે આપેલી અંજલિ
તેમના ઉત્કટ પ્રેમસંબંધના ચરમબિંદુ જેવી છે. તેમણે કહ્યું હતું,‘દરેક
હિંદુ ઇચ્છે કે અંત ઘડીએ તે ભગવાનને યાદ કરે. મારી આજીવન એ જ ઇચ્છા હતી. (પણ) શક્ય
છે કે એવું ન બને. મને શંકા છે કે છેલ્લી ઘડી આવશે ત્યારે મારી સ્મૃતિમાં સૂચેતાની
છબિઓ દેખાતી હશે. હું પ્રાર્થના કરું છું કે આવું ન થાય, જેથી છેલ્લી ક્ષણોમાં હું
પરમાત્માને યાદ કરી શકું.’
ભલભલી ફિલ્મી પ્રેમકથાનો પ્રેમી આનાથી
વધારે શું કહી શકવાનો હતો?
સંદર્ભ : આચાર્ય કૃપાલાનીની આત્મકથા, शाश्वत विद्रोही नेता आचार्य जे.बी.कृपलानी, लेखक – रामबहादुर राय)
Labels:
Gandhi/ગાંધી,
history/ઇતિહાસ,
love story
Thursday, February 11, 2016
ચટણી : પૂર્વનું પ્રવાહી સોનું
પેટ્રોલિયમને જેમ ‘કાળું
સોનું’ કહેવામાં આવતું હતું ને ડ્રગ્સને ખાનગી રાહે કદાચ ‘સફેદ સોનું’ કહેવાતું
હશે, એવી રીતે સ્વાદપ્રેમીઓ ચટણીને ‘પ્રવાહી સોનું’ કહી શકે. તેની કિંમત સોના જેટલી
તો શું, સોનાના ઢોળ જેટલી પણ નથી. છતાં, બધી વખતે કિંમત ન ગણાય. ક્યારેક મૂલ્ય પણ વિચારવું
પડે. કોઇને ગાંઠિયાની કે ગોટાની કે ખમણની ચટણીવિહોણી એક ડિશ આપી જુઓ. પ્લેટમાં આવો
નાસ્તો જોઇને માણસનો ચહેરો એકદમ ખીલી ઉઠશે, પણ જો તેનો પિંડ સ્વાદુ હશે
તો બીજી જ ક્ષણે તેની નજર પ્લેટમાં ચટણી
શોધવા લાગશે. વાઇફાઇ ચાલુ કર્યા પછી સિગ્નલ માટે ફાંફાં મારતા સ્માર્ટફોન કે
કમ્પ્યુટરની જેમ, થોડી ક્ષણો ચૂપચાપ મહેનત કર્યા પછી એ પૂછશે,‘ચટણી નથી?’ જવાબ
નકારમાં મળશે, તો તેનો ચહેરો નિઃસાસાનો પર્યાય બની જશે. કોઇ બોલી નાખશે ને કોઇ વિવેકમાં ચૂપ
રહેશે, પણ મનનો ભાવ એક જ હશે : ‘ધૂળ પડી તમારા ફરસાણમાં, જો તેની સાથે હોવી જોઇએ અને તેને
સંપૂર્ણતા બક્ષતી ચટણી નથી.’
સ્વાદ બાબતે વધુ પડતી સહિષ્ણુતા ધરાવતા
લોકોને આવી વાતોથી ભલે કશો ફેર ન પડતો હોય, પણ જેમની જીભ બોલવા સિવાયનાં
કામમાં પણ ‘ચાલતી’ હોય (‘વર્કિંગ’ના અર્થમાં) તેમનું બિનસત્તાવાર સૂત્ર હોય છે : ‘ગોળ વિના મોળો કંસાર, ચટણી
વિના સૂનો સંસાર.’ ચટણી વિશે આદરવચન સાંભળીને કોઇ મોં મચકોડે, તો ચટણીપ્રેમીઓએ દુઃખી ન થવું.
દરેક બાબતને રૂપિયાના ત્રાજવે તોળતા ઘણા લોકો, ચટણી મફત મળે છે એટલા કારણથી
તેનું મૂલ્ય પિછાણીપ્રમાણી શકતા નથી. બાકી, ઘણી દુકાનોની વાનગીઓ કરતાં તેની
ચટણી વારે વખણાતી હોય છે. ત્યાં લોકો
વાનગી સાથે ચટણી નહીં,
ચટણી માટે વાનગી ખાતા હોય છે. જેમ કે, લારી
પર વેચાતી ચોળાફળી અને તેની સાથે આવતી ફુદીનાની લીલી ચટણી. ઘણા આ ચટણીના એવા આશિક
હોય છે કે તે ચટણી ફાફડામાં ‘બોળીને’ ખાતા
હોય એવું લાગે. લારી પરથી તે ચોળાફળી ખરીદે ત્યારે તેની સાથે મફત આવતી ચટણીનું
પ્રમાણ એટલું થઇ જાય કે ત્રાજવે તોળવામાં આવે તો કદાચ ચોળાફળી કરતાં ચટણીનું
પલ્લું નમી જાય.
ચોળાફળીની ચટણી તીખાશની રીતે જ નહીં, ભૂમિકાની
દૃષ્ટિએ પણ ‘મિડીયમ’(માધ્યમ) હોય છે. માર્શલ મેક્લુહાનને નહીં વાંચવા છતાં લારીવાળા-દુકાનવાળા
જાણે છે કે આ મામલો ‘મિડીયમ ઇઝ મેસેજ’
(માધ્યમ એ જ સંદેશો--એટલે કે મુખ્ય ચીજ છે) પ્રકારનો છે.
એટલે તે ચોળાફળીના વજનમાં કરકસર કરે તો કરે, પણ ચટણી ભરવામાં કચાશ દાખવતા
નથી.
ચટણી હક છે કે ફરજ, એ ગંભીર
ચર્ચાનો મુદ્દો છે. જે રીતે દરેક વાતે સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજીઓ (PIL) થઇ રહી છે એ જોતાં, નજીકના
ભવિષ્યમાં આ મુદ્દે પણ PIL થઇ
શકે. આ શક્યતાને હસી કાઢવાને બદલે, બંધારણીય દૃષ્ટિથી વિચાર કરતાં જણાશે કે અદાલતે
કન્સ્ટિટ્યુશનલ બૅન્ચ બેસાડવી પડે, એવો આ કેસ છે. ફરસાણ વેચનારા માને છે કે ચટણી આપવી એ
‘માર્ગદર્શક સિદ્ધાંત’
છે,
જેનો અમલ ઇચ્છનીય હોવા છતાં ફરજિયાત નથી. તેમની બંધારણીય
સમજ સાથે મોટા ભાગના ગ્રાહકો સંમત નથી. ગ્રાહકોને લાગે છે કે ચટણી આપવી એ
ફરસાણવાળાની ફરજ અને ચટણી મેળવવી એ ખરીદનારનો હક છે. નાગરિક ભૂમિકાએથી દેશમાં બીજા
સંઘર્ષ ભલે ઓછા થાય કે ન થાય, પણ આ મુદ્દે વખતોવખત નાનાંમોટાં ઘર્ષણ થતાં રહે છે.
અલબત્ત, હજુ સુધી દેશમાં ક્યાંય ‘ચટણી સત્યાગ્રહ’ નોંધાયો નથી, એ
સૂચવે છે કે આ દેશમાં ગાંધીમૂલ્યોનો વારસો લુપ્ત થઇ ચૂક્યો છે.
ફરસાણવાળા મોંઘવારીની દુહાઇ આપવાથી
માંડીને ગ્લોબલાઇઝેશનના જમાનામાં વધારે ચટણી માગવી એ ‘ડાઉન માર્કેટ’
ચેષ્ટા છે, એવું ગ્રાહકોને સમજાવવાની કોશિશ કરે છે. એ સાંભળીને
સરકારી વ્યાખ્યા પ્રમાણે ‘વિકાસ’ પામેલા ગ્રાહકો ચૂપચાપ ચાલતી પકડે છે, પણ
સ્વ-રાજનો મિજાજ ધરાવતા કેટલાક ટિળક મહારાજના આધુનિક અનુયાયી બની જાય છે અને
ચટણીને જન્મસિદ્ધ હક ગણાવીને, ‘એ અમે મેળવીને જ જંપીશું’ એવો ટંકાર કરે છે. સારું છે, ફરસાણવાળા હજુ સરકારોના રવાડે નથી ચડ્યા. બાકી, તે
પોતાના હકની ચટણી માગનારા સામે વિકાસદ્રોહનો ગુનો દાખલ કરાવે.
નાગરિકસમાજની જ વાત માંડી છે તો નોંધવું
જોઇએ કે ભારતમાં રાજકારણનો ભલે ધર્મ સાથે વિચ્છેદ ન થયો, પણ ચટણી અને ધર્મ વચ્ચે સંપૂર્ણ
અલગાવ જોવા મળે છે. અખંડ ભારતનાં (દીવા)સ્વપ્ન જોનારાને પણ ઢોકળાં સાથે લીલી ચટણી
ખાવામાં કશો વાંધો પડતો નથી. એવી જ રીતે, સંઘ પરિવારના રાજકારણના પ્રખર વિરોધીઓ કેસરી ઝાંય
ધરાવતી ખાટીમીઠી ચટણી હોંશે હોંશે ખાઇ શકે છે. પ્રખર સ્વાદપ્રેમી અને પ્રખર
રાષ્ટ્રભક્ત એવા લોકોને ખાટીમીઠી ચટણી, દહીંની ચટણી અને ધાણા-ફુદીનાની ચટણીથી બનેલો
ત્રિરંગો ફરફરતો હોય એવાં સપનાં આવી શકે છે.
કેટલાક ફરસાણવાળા ચટણીપરંપરાને ‘રૂઢિ’ ગણીને, રૂઢિદાસ્યને
તાબે થવાનો ઇન્કાર કરે છે. તેમની દુકાનેથી ફરસાણનું પડીકું લીધા પછી અજાણ્યો
ગ્રાહક ચટણી માગે, ત્યારે દુકાનદાર એવું મોં કરે છે, જાણે ગ્રાહકે કોકેઇન કે હૅરોઇન માગ્યું હોય. રાજા
રામમોહન રાય જે રીતે કહે કે ‘હું સતીપ્રથામાં માનતો નથી’, કંઇક એવા જ અંદાજમાં અમુક
દુકાનદારો કહે છે, ‘અમે ચટણીમાં માનતા નથી. અમારું ફરસાણ એવું હોય છે કે તેમાં ચટણીની જરૂર જ નહીં
પડે.’ આમ કહીને, ચટણી આપનારા ફરસાણિસ્ટોના માથે અણઆવડતનું આળ મૂકીને, તે ગ્રાહકના હાથમાં ચટણી વગરનું
પડીકું પકડાવી દે છે.
મથાળામાં ચટણીને પૂર્વના ગૌરવ તરીકે
ઓળખાવી છે. કેમ કે, પશ્ચિમના લોકોને પૂર્વમાં ભોજનમાં વપરાતાં બધાં પ્રવાહી ‘ચટની’ કે ‘કરી’ લાગે
છે. એમને બિચારાને પૌર્વાત્ય ચટણીવૈવિઘ્ય વિશે અંદાજ સુદ્ધાં નથી હોતો. ‘પશ્ચિમે
પૂર્વ પાસેથી ઘણું શીખવાનું છે’- એવું કહેવામાં આવે ત્યારે ઊચ્ચ ભાવનાધારીઓને લાગે છે
કે અધ્યાત્મની વાત ચાલે છે. હકીકતમાં એ
વિધાન પૌર્વાત્ય ચટણીને પણ લાગુ પડે છે. પૂર્વ પાસેથી પશ્ચિમ અધ્યાત્મ શીખે
કે ન શીખે, ‘ચટની’ શીખી ચૂક્યું છે. (અંગ્રેજી ભાષા સહિત) કોઇ પણ ચીજના પૂર્વીકરણ વિશે કે
ભેળસેળીયા પણા વિશે એટલે તો ‘ચટનીફાઇડ’ જેવો અંગ્રેજી શબ્દ બાકાયદા વપરાય છે.
કોણે કહ્યું કે ચટણીમાં અઘ્યાત્મ ને
ચિંતન નથી? ચિંતનમાં ચટણી હોય તો ચટણીમાં ચિંતન શા માટે નહીં? ચટણી વાસ્તવમાં અભિમાનરહિત
અવસ્થાનું પ્રતીક છે. કોઇનું ગર્વખંડન થાય ત્યારે તેની ‘ચટણી બનાવી દીધી’ એવું
કહેવાય છે. અભિમાન વગરની મનોસ્થિતિ અધ્યાત્મની દૃષ્ટિએ ઉચ્ચ ગણાય છે. આમ, વૃત્તિ
હોય તો ચટણી થકી ફક્ત સ્વાદમાર્ગે જ નહીં, સ્વકલ્યાણ અર્થે અઘ્યાત્મમાર્ગે
પણ પ્રવાસ કરી શકાય છે.
Labels:
food
Wednesday, February 10, 2016
શહીદોને ‘નિર્દોષ’ ઠરાવવાની મથામણ
ભગતસિંઘ, સુખદેવ અને
રાજગુરુ- આ ક્રાંતિકારી ત્રિપુટીને અખંડ
ભારતના લાહોરમાં 23 માર્ચ, 1931ના રોજ ફાંસી આપવામાં આવી. તેના આઠ દાયકા પછી
ભગતસિંઘને લાહોર કાવતરા કેસમાં નિર્દોષ પુરવાર કરવા માટેની મથામણ ચાલી રહી છે--અને
એ પણ પાકિસ્તાનમાં.
આનંદની વાત એ છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે દેખીતી દુશ્મનાવટ
છતાં, શહીદ ભગતસિંઘની સ્મૃતિને
બન્ને દેશોના કેટલાક લોકો સહિયારી ગણે છે. લાહોરમાં ‘ભગતસિંઘ મૅમોરિયલ ફાઉન્ડેશન’ ચાલે છે. તેના અધ્યક્ષ ઍડવોકેટ ઇમ્તિઆઝ કુરેશીએ
આઠ દાયકા જૂના કેસમાં ભગતસિંઘને કાનૂની રાહે ‘નિર્દોષ’ ઠરાવવા માટે પાકિસ્તાની
અદાલતમાં દાદ માગી છે.
ભગતસિંઘ અને તેમના સાથી બટુકેશ્વર દત્તની ધરપકડ ગુલામ
ભારતની સંસદ (વડી ધારાસભા)માં બૉમ્બ ફેંકવાના આરોપસર થઇ હતી. તેમણે ફેંકેલા બૉમ્બ ‘બહેરી સરકારના કાને ઇન્કિલાબનો અવાજ પહોંચાડવા
માટેના’ હતા. એ બૉમ્બ નુકસાન કે
જાનહાનિ કરે એવા ન હોવાનું ત્યારના
વાઇસરૉય ઇરવિને પણ સ્વીકાર્યું હતું. ભગતસિંઘ-દત્તે બૉમ્બ ફેંકીને ભાગી જવાને બદલે, સામે ચાલીને ધરપકડ વહોરી. તેમને મૃત્યુ કે કાળા
પાણીની સજા થાય એવો એ કેસ ન હતો. પણ લાહોરમાં થયેલી અંગ્રેજ પોલીસ કર્મચારી
સૉન્ડર્સની હત્યામાં તેમની સંડોવણીની વાત ખુલતાં મામલો ગંભીર બન્યો.
લાહોર કાવતરા કેસ તરીકે ઓળખાયેલો એ મુકદ્દમો શરૂઆતમાં
સામાન્ય રાહે ચલાવવાનો પ્રયાસ થયો,
પણ ભગતસિંઘ અને
ક્રાંતિકારીઓની લોકપ્રિયતાનો ચઢતો જુવાળ જોઇને, તેમને ફાંસીએ ચડાવી દેવાની અંગ્રેજ સરકારને જાણે ઉતાવળ પેઠી. વાઇસરોયના ખાસ
વટહુકમથી ત્રણ ન્યાયાધીશોની ટ્રિબ્યુનલ બની. આરોપીઓની ગેરહાજરીમાં કાર્યવાહી ચલાવી
શકાય અને ટ્રિબ્યુનલના ચુકાદા સામે ઉપલી અદાલતમાં અપીલ ન કરી શકાય, એવી અન્યાયી જોગવાઇઓ વટહુકમમાં હતી. વડી
ધારાસભામાં મહંમદઅલી ઝીણા અને મોતીલાલ નેહરુ સહિતના નેતાઓએ ભગતસિંઘની તરફેણમાં અને
વટહુકમના વિરોધમાં નિષ્ફળ છતાં જાનદાર રજૂઆતો કરી. ન્યાયના નામે કરુણ ફારસ માટે
કટિબદ્ધ ટ્રિબ્યુનલે કહેવા પૂરતો કેસ ચલાવીને ભગતસિંઘને ફાંસીની સજા આપી. આઠ દાયકા
જૂના એ ચુકાદાને લાહોરના ઍડવોકેટ કુરેશીએ પડકાર્યો છે.
કુરેશી ઇચ્છે છે કે ભગતસિંઘ પર લાગેલું અપરાધીનું લેબલ દૂર
થાય, તેમની સાથે સંકળાયેલા
મકાનમાં મ્યુઝીયમ બને અને ભગતસિંઘને સરકાર તરફથી મરણોત્તર સન્માન મળે. વર્ષ
૨૦૧૩માં લાહોર હાઇકોર્ટના એક ન્યાયાધીશે કુરેશીની રજૂઆત સાંભળ્યા પછી સૂચવ્યું કે
આ કેસ વધુ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ મુકાવો જોઇએ. એટલે બે ન્યાયાધીશોની બેન્ચ
બનાવવામાં આવી. તેમની સમક્ષ ૩ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ કેસની સુનાવણી થઇ ત્યારે
એવો મુદ્દો આવ્યો કે ભગતસિંઘને સજા ત્રણ ન્યાયાધીશોની બનેલી ટ્રિબ્યુનલે આપી હતી.
માટે તેના વિશે પુનર્વિચાર કરવા (ભગતસિંઘને સત્તાવાર રીતે, મરણોત્તર નિર્દોષ જાહેર કરવા) માટે ત્રણથી વધુ ન્યાયાધીશોની બેન્ચ નીમાવી જોઇએ. બે વર્ષ પહેલાં એવા સમાચાર પણ આવ્યા હતા કે
લાહોરના અનારકલી પોલીસ સ્ટેશનમાંથી મળેલી સૉન્ડર્સની હત્યાની મૂળ એફ.આઇ.આર.માં
ભગતસિંઘનું નામ નથી. માટે ભગતસિંઘના ‘નિર્દોષ’ સાબીત થવાની શક્યતાઓ ઊજળી છે.
ભગતસિંઘને નિર્દોષ પુરવાર કરવાના પ્રયાસો પાછળની ઉમદા ભાવના પ્રત્યે પૂરા માન સાથે એવો સવાલ થાય
કે તેમાં આટલાં સમય-શક્તિ ખર્ચવાની જરૂર છે ખરી? કેટલાંક કારણ :
૧) એ.જી.નુરાણીએ ૧૯૯૬માં લખેલા અભ્યાસપૂર્ણ પુસ્તક ‘ધ ટ્રાયલ ઑફ ભગતસિંઘ’ની વિગતો પરથી સ્પષ્ટ થાય છે કે અંગ્રેજોને
ભગતસિંઘના મુદ્દે ન્યાય તોળવામાં કશો રસ ન હતો. શરૂઆતમાં ટ્રિબ્યુનલમાં બે
અંગ્રેજની સાથે એક ભારતીય (જસ્ટિસ આગા હૈદર) ન્યાયાધીશ પણ હતા. તે સ્વંતત્ર
મિજાજના હોવાથી તેમને અધરસ્તે દૂર કરી દેવાયા. આવી ટ્રિબ્યુનલના ચુકાદાથી
ભગતસિંઘના જીવનનો અકાળે, આઘાતજનક અંત
આવ્યો, પરંતુ તેમની
સ્મૃતિને-તેમની સાથે સંકળાયેલા આદરને ટ્રિબ્યુનલનો ચુકાદો જરાય કલંકિત કરી શક્યો
નથી. ‘દોષી’ના ચુકાદાથી કશો ફેર
પડ્યો નથી--પડવાનો પણ નથી. તો આટલાં વર્ષે તેમને નિર્દોષ ઠરાવવાની --અને એ માટે
અત્યારની અદાલતોની મદદ લેવાની વાત સમજાય એવી નથી.
૨) લાહોર હાઇકોર્ટની પાંચ ન્યાયાધીશોની બેન્ચ ભગતસિંઘને
નિર્દોષ જાહેર કરે તો કશો ફેર પડવાનો નથી, પણ દોષી જાહેર કરીને, તેમને ફાંસીને
બદલે તેનાથી હળવી સજા માટે યોગ્ય ઠરાવે તો? એ વિચિત્ર સ્થિતિ ન કહેવાય?
૩) સોન્ડર્સ હત્યાની એફઆઇઆરમાં ભગતસિંઘનું નામ ન હોય, તે બિલકુલ સમજાય એવું છે. સોન્ડર્સ પર હુમલો
થયો ત્યારે ભગતસિંઘ સહિતના ક્રાંતિકારીઓ અજાણ્યા યુવાન હતા. તેમનાં નામ કે ચહેરાથી
પણ પોલીસ કે સાક્ષીઓ તેમને ઓળખતા ન હતા. ચારેક મહિના પછી તેમણે વડી ધારાસભામાં
બૉમ્બ ધડાકો કર્યો (અને તે પહેલાં દિલ્હીના એક સ્ટુડિયોમાં તેમની વિખ્યાત બનેલી
હૅટવાળી તસવીર ખેંચાવી) ત્યાર પછી તેમની ઓળખો જાહેર બની.
૪) જેલમાં અને અદાલતમાં ભગતસિંઘનો મોટા ભાગનો સંઘર્ષ રાજકીય
કેદી તરીકેના દરજ્જા અને તેને અનુરૂપ વર્તણૂંક માટે હતો. સૉન્ડર્સની હત્યાનો
ઇન્કાર તેમણે કર્યો નથી. એક સમયે તેમના સાથી અને પછી પોલીસના સાક્ષી બની ગયેલા
જયગોપાલે આખા કાવતરા વિશે બયાન આપ્યું હતું. નુરાણીએ પુસ્તકમાં જયગોપાલના નિવેદનની
અને નેશનલ આર્કાઇવ્ઝમાં સચવાયેલી તેની નકલની વાત લખી છે. એ નકલમાં સુખદેવે જયગોપાલના જૂઠા દાવા સામે હાંસિયામાં
સાચી હકીકત લખી હતી. પરંતુ સૉન્ડર્સને પહેલાં રાજગુરુએ અને પછી ભગતસિંઘે ગોળીઓ
મારી હતી, એ વિશે સુખદેવે કોઇ શંકા
કરી નથી. નુરાણીએ નોંઘ્યું છે કે ‘ભગતસિંઘે અને
રાજગુરુએ સૉન્ડર્સને ઠાર કર્યો હતો,
એ વાતને આજે કોઇ
ઇતિહાસકાર પડકારતા નથી...ખરો મુદ્દો મુકદ્દમાના ન્યાયીપણાનો છે.’ (પૃ.૧૮૬, ધ ટ્રાયલ ઑફ ભગતસિંઘ)
ભગતસિંઘ સામે થયેલી અદાલતી કાર્યવાહીમાં ન્યાયતંત્રના
મૂળભૂત સિદ્ધાંતો નેવે મૂકી દેવાયા હતા, એ નિર્વિવાદ અને સ્થાપિત થયેલી હકીકત છે. ભગતસિંઘની સ્મૃતિ માટે એટલું પૂરતું
છે. તેમને ‘નિર્દોષ’ સાબીત કરવાના પગલાથી ઉલટું નવો અને અનિચ્છનીય
ચીલો પડે એમ છે. ગયા અઠવાડિયે ‘અમર શહીદ સુખદેવ વેલફેર સોસાયટીના’ પ્રમુખ અને તેમના કુટુંબી વિશાલ નૈયરે સુખદેવનો
કેસ નવેસરથી ખોલવાની સરકાર સમક્ષ માગણી કરી છે અને એ માટે સુપ્રીમ કોર્ટમાં જવાની
તૈયારી દર્શાવી છે.
એમ તો, ટિળક- ગાંધીથી
માંડીને ઘણા નેતાઓ સત્તાવાર રીતે ગુનેગાર ઠર્યા હતા. ઇતિહાસમાં ખોટી રીતે દોષી
ઠરાવાયેલા અને લોકનજરમાં સન્માનનીય ગણાતા કેટલા લોકોના કેસ ‘સત્તાવાર નિર્દોષતા’ સિદ્ધ કરવા માટે ફરી ખોલાવવા? એને બદલે, શહીદોની સ્મૃતિ વર્તમાન રાજકારણમાં ન રગદોળાય અને જે સ્વપ્ન માટે તેમણે બલિદાન
આપ્યું, એ સાકાર કરવાની દિશામાં
એકાદ ડગલું પણ ભરાય તો ઘણું.
Labels:
history/ઇતિહાસ
Monday, February 08, 2016
ઝિકા વાઇરસ : હાઉ, હોબાળો અને હકીકત
મોટા ભાગના લોકોએ હમણાં સુધી જેનું નામ
પણ સાંભળ્યું ન હતું, એવો ઝિકા/Zika
નામનો વાઇરસ આજકાલ લેટેસ્ટ કુદરતી આતંકવાદી તરીકે તરખાટ મચાવી રહ્યો છે. ના, એણે
સેંકડો-હજારોના જીવ નથી લીધા કે નથી તેણે લાખોને ચેપ લગાડ્યો. છતાં, વિશ્વ
આરોગ્ય સંસ્થા WHO એ આ
સપ્તાહે ‘ઝિકા’ને ‘ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી’ (આરોગ્યના મામલે વૈશ્વિક સ્તરની તાકીદ) તરીકે જાહેર
કર્યો અને એવી આશંકા વ્યક્ત કરી કે તે ૨૩ દેશના કુલ ચાળીસેક લાખ લોકોને તેનો ચેપ
લાગી શકે છે. દક્ષિણ અમેરિકાના દેશોમાં
સંભવિત ઉત્પાતખોર તરીકે પ્રકાશમાં આવેલા ઝિકા વાઇરસનું પોત હજું પૂરેપૂરું કળાયું
નથી--કે પૂરેપૂરું પ્રકાશ્યું પણ નથી. છતાં, ભૂતકાળમાં ઇબોલા સહિત અનેક
ખતરનાક વાઇરસોનો કોપ વેઠ્યા પછી સંશોધકો જરા વધારે સાવચેતીથી અને વધારે સાવધ થઇને
ઝિકા વાઇરસ વિશે વાત કરી રહ્યા છે.
અત્યાર સુધીની વાત આટલી છે : વિશ્વભરમાં વસતી ધરાવતાં એડીસ/Aedes પ્રકારનાં મચ્છરો મેલેરિયા, ચિકુનગુનિયા, ડેન્ગ્યુ
જેવા ખતરનાક રોગોનાં એજન્ટ છે. આ રોગોના વાઇરસ (વિષાણુ) તે માનવશરીરમાં પહોંચાડે
છે. એક મચ્છર માણસનું શું કરી શકે, એવા નાના પાટેકરના ફિલ્મી ડાયલોગની વાત નથી. આ
મચ્છરની લાગુ પડતી ડેન્ગ્યુ જેવી બિમારી જીવલેણ નીવડી શકે છે. છતાં કેન્સર, હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર
જેવા રોગોની સરખામણીમાં મચ્છરથી થતા રોગો વિશે પ્રમાણમાં ઓછી જાગૃતિ જોવા મળે છે.
એ જ કારણથી, આ રોગોની હરોળમાં આવે એવો ઝિકા વાઇરસ મહદ્ અંશે ઉપેક્ષિત રહ્યો.
આ વાઇરસની પહેલવહેલી ઓળખ ૧૯૪૭માં
આફ્રિકાના એક વાનરમાં થઇ હતી. ૧૯૬૦ના દાયકામાં વાઇરસને અલગ તારવવામાં આવ્યો. એ
માટે મચ્છરોનો અભ્યાસ યુગાન્ડાના જંગલ- ‘ઝિકા ફૉરેસ્ટ’-માં થયો હોવાથી, વાઇરસને
નામ મળ્યું : ઝિકા.વાઇરસનો થોડો ઘણો ફેલાવો આફ્રિકા અને એશિયાના થોડા દેશોમાં જોવા
મળ્યો. તેનો ચેપ જીવલેણ ન હોવાથી, વાઇરસ એકંદરે ‘નિર્દોષ’ ગણાયો. પરંતુ ગયા વર્ષના
અંતભાગમાં તે નવેસરથી ચર્ચામાં આવ્યો. કારણ કે, અમેરિકામાં તેનો એક કેસ નોંધાયો.
‘ઝિકા’નાં લક્ષણ પારખવાં અઘરાં છે. કારણ કે, તેનો ફેલાવો ડેન્ગ્યુ જેટલો નથી, પણ
ઘણાં આરંભિક લક્ષણ ડેન્ગ્યુ જેવાં જ છે. શરૂઆતના તબક્કે લૅબોરેટરીના ટેસ્ટમાં પણ ‘ઝિકા’ની
હાજરી પકડવી અઘરી છે. કસોટી કરનારને એવું જ લાગે કે મળેલાં પરિણામ ડેન્ગ્યુની કે
વેસ્ટ નાઇલ પ્રકારના વાઇરસની હાજરી દર્શાવે છે. પરંતુ બીજા મુખ્ય વાઇરસની ઓળખ પાકી
ન થતાં અને કેટલાંક લક્ષણ જુદાં પડતાં, છેવટે તપાસમાં અસલી આરોપી ‘ઝિકા’નો પત્તો લાગ્યો.
સામાન્ય ખ્યાલ એવો હતો કે ઝિકાના ચેપની
ચિંતા કરવાની જરૂર નથી,
પણ બે ચિંતાજનક સંભાવનાઓએ ઝિકા પ્રત્યે
સંશોધકો-અભ્યાસીઓ-તબીબોનું વલણ બદલી નાખ્યું. ઝિકાનો ઉપાડો ધરાવતા દક્ષિણ
અમેરિકાના દેશ બ્રાઝિલમાં છેલ્લા થોડા વખતમાં માથું શરીરના પ્રમાણમાં નાનું હોય
એવા બાળકો વધારે પ્રમાણમાં જન્મવા લાગ્યાં. આ બાળકો એક એવી ખામીનો ભોગ બનેલાં
મનાતાં હતાં, જેમાં તેમના મગજનો વિકાસ અધૂરો રહી જાય. તબીબી પરિભાષામાં માઇક્રોસેફલી/Microcephaly તરીકે ઓળખાતી આ સ્થિતિ અગાઉ વર્ષે ૧૫૬ બાળકોમાં જોવા
મળતી હતી, પરંતુ ઑક્ટોબર, ૨૦૧૫થી જાન્યુઆરી ૨૦૧૬ વચ્ચેના ટૂંકા ગાળામાં નાના માથા સાથે જન્મેલાં બાળકોની
સંખ્યા આશરે સાડા ત્રણ-ચાર હજારે પહોંચી ગઇ. આ ઉછાળો અસાધારણ અને ચિંતા ઉપજાવનારો
હતો અને તેને ઝિકા વાઇરસના ફેલાવા સાથે સાંકળવામાં આવ્યો.
બ્રાઝિલમાં મર્યાદિત પ્રયોગો પરથી એવું
પણ જણાયું કે સગર્ભા સ્ત્રીઓને ઝિકા વાઇરસનો ચેપ લાગ્યા પછી, સંભવતઃ
તેની અસરને કારણે બાળકો નાના માથાંવાળાં જન્મ્યાં. એવી જ રીતે, થોડા
વખત પહેલાં એવું જાણવા મળ્યું કે ઝિકાનો ભોગ બનેલા દર્દીઓ રોગપ્રતિકારકશક્તિને
લગતી એક બિમારીનો ભોગ બની શકે છે, જે છેવટે લકવા નોતરે છે. તબીબી પરિભાષામાં તે ગિલન
બેરે/ Guillain Barre
સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. આ અધકચરાં તારણોના પરિણામે નવેસરથી ઝિકાનો હાઉ ઊભો થયો. તેને ‘મર્યાદિત
નુકસાન’ કરનારને બદલે સંભવિત ખતરનાક વાઇરસ ગણવાનું શરૂ થયું. બ્રાઝિલ ઉપરાંત કોલંબિયા, જમૈકા
અને અલ સાલ્વાડોર જેવા દેશની સરકારોએ મહિલાઓને હાલપૂરતી સગર્ભાવસ્થા ટાળવા માટે
અપીલ કરી છે. અમેરિકામાં વિજાતીય શારીરિક
સંબંધ થકી આ વાઇરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં દાખલ થયાનો કિસ્સો જાહેર થયો, એટલે
ઝિકા વિશેની બીક ઓર વધી.
મામલો વાઇરસનો હોય ત્યારે સાવચેતીથી, ફૂંકી
ફૂંકીને ચાલવું સલાહભરેલું છે. પરંતુ ઝિકાના મામલે તેના સંભવિત પ્રકોપની અમંગળ
કલ્પનાઓથી ઘાંઘા થઇ જવાની જરૂર નથી. ઝિકાને ખતરનાક બનાવતી બન્ને બાબતો - મગજના
અપૂરતા વિકાસની બિમારી ‘માઇક્રોસેફલી અને લકવા નોતરતો ‘ગિલન બેરે સિન્ડ્રોમ’ - હજુ અટકળનો ભાગ છે. ઝિકા વાઇરસ
સાથે તેમનો સીધો સંબંધ સ્થાપિત થઇ શક્યો નથી. જેની બીક સૌથી વધુ બતાવવામાં આવે છે
તે ‘માઇક્રોસેફલી’ ના ડરામણા આંકડા ઘડીભર બાજુ પર રાખતાં એવું જાણવા મળે છે કે આ વાઇરસ વીસથી વધુ
દેશોમાં ફેલાયેલો છે. છતાં, બાળકોમાં નાના માથાનો પ્રશ્ન ફક્ત બ્રાઝિલમાં જોવા
મળે છે. વધારે ગંભીર અને વિચારવાલાયક બાબત એ છે કે બ્રાઝિલમાં નાના માથાંવાળાં
બાળકોની સંખ્યામાં થયેલા વધારાનો મોટો આંકડો આપવામાં આવે છે. પરંતુ, પ્રમાણમાં
નાનું માથું ધરાવતું દરેક બાળક ‘માઇક્રોસેફલી’નો ભોગ બનેલું જ હોય એવું જરૂરી
નથી. બાળકનું માથું નાનું હોવાનાં અનેક કારણ હોઇ શકે. સંશોધકો હજુ સુધી ઝિકા અને
માઇક્રોસેફલી વચ્ચે કાર્યકારણનો સીધો સંબંધ સ્થાપિત કરી શક્યા નથી. એવું જ ‘ગિલન
બેરે સિન્ડ્રોમ’ માટે પણ છે.
પરંતુ અમેરિકામાં કેસ નોંધાયા પછી, વૈશ્વિક
સ્તરે પ્રસાર માઘ્યમોમાં ચર્ચાયા પછી અને તેનું કોઇ મારણ (રસી) ન હોવાને કારણે
ઝિકા વાઇરસ માનવજાતને કનડનારા બીજા વાઇરસની હરોળમાં અત્યારે હાઉભર્યું સ્થાન
પામ્યો છે. અલબત્ત, આ લખાય છે ત્યારે હૈદરાબાદની ‘ભારત
બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ’ દ્વારા સૌ પ્રથમ વાર ઝિકાની રસી શોધાઇ હોવાનો દાવો
થયો છે. ડેન્ગ્યુ-ચિકુનગુનિયાના વાઇરસના પ્રતાપની પાછળ છુપાઇ રહેલા આ વાઇરસનો
નમૂનો તેમણે આઠ મહિના પહેલાં સત્તાવાર રીતે મંગાવ્યો હતો. તેની પરથી ઝિકા વાઇરસનું
મારણ તૈયાર કર્યું હોવાનો તેમનો દાવો છે. આ દાવાની ચકાસણી અને જરૂરી વિધી સરકારી
રાહે થવાને બદલે, બિનજરૂરી વિલંબ વિના થાય તો ચાર મહિનામાં રસીના ૧૦ લાખ ડોઝ તૈયાર કરી શકાય એવી
તૈયારી કંપનીએ બતાવી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઝિકાને વૈશ્વિક
ખતરો જાહેર કર્યો હોય ત્યારે તેની રસીના કામકાજમાં કરોડો રૂપિયાના કારોબારની
સંભાવના છે. સાથોસાથ,
‘વા વાયો ને નળિયું ખસ્યું’ની જેમ, ઝિકાને લઇને થયેલો હોબાળો
તલસ્પર્શી તપાસ પછી સાવ સૂરસૂરિયું થઇ જાય એવું પણ શક્ય છે. વાઇરસના મામલે ગાફેલ
રહેવા જેવું નથી હોતું તેમ, હોલિવુડની ફિલ્મોના અંદાજમાં, સીધેસીધા
વિશ્વવ્યાપી રોગચાળાની કલ્પના સુધી પણ જવા જેવું નથી હોતું. સરકારોએ લીધેલાં
સાવચેતીનાં પગલાં આવકાર્ય છે અને તેની રસી ભારતમાં શોધાયાનો દાવો સાચો નીવડે તો એ
દેશને જશ અપાવનારો છે. પરંતુ ઝિકા વિશેની ઝીંકાઝીંક ટાળવા જેવી છે.
Friday, February 05, 2016
દીવાનખાનામાં રહેલો હાથી દેખાય છે?
અંગ્રેજીમાં શબ્દપ્રયોગ છે : એલીફન્ટ ઇન ડ્રૉઇંગ રૂમ. એવી
વાસ્તવિકતા, જેને અણદેખી
કરવાનું અશક્ય હોય. પરંતુ નિષ્ણાત જાદુગરો જેમ સ્ટેજ પરના હાથી ગુમ કરી શકે છે, તેમ રાજકીય જાદુગરો (સૌમ્ય જોષીની કવિતાનો શબ્દ વાપરીને કહીએ તો, કીમિયાગરો) એવી સામુહિક ભૂરકી છાંટે છે કે
લોકોને પોતાના દીવાનખાનામાં ઊભેલા હાથી ધરાર ન દેખાય.
જ્ઞાતિ આધારિત ભેદભાવ, ‘ભારત’ કહો કે ‘ઇન્ડિયા’--બન્નેના દીવાનખાનામાં ઊભેલો હાથી છે. કૉલેજો અને યુનિવર્સિટીઓ આપણા સમાજની
વચ્ચે, સમાજના લોકો દ્વારા જ
ચાલે છે. એટલે જ્ઞાતિ આધારિત ભેદભાવોની બાબતમાં તેમની સ્થિતિ જરાય જુદી નથી.
સામાન્ય --અને ખોટી--માન્યતા એવી છે કે માણસ ભણેગણે, તેમ જરા ‘સુધરે’. તેની સમજ સંકુચિત મટીને વિશાળ થાય. હકીકતમાં, ભણતરને લીધે આવું બનવાનું કોઇ કારણ નથી. કારણ
કે, અભ્યાસક્રમમાં ક્યાંય
વિદ્યાર્થીની સામાજિક સમજ-સંવેદના વિસ્તારે (ખાસ કરીને જ્ઞાતિવાદ જેવી બાબતોમાં)
એવું કશું આવતું નથી. ‘ડૉ.આંબેડકર
બંધારણના ઘડવૈયા છે’ આટલું નિર્દોષ
સત્ય જ પાઠ્યપુસ્તકોમાંથી જાણવા મળે છે. જોતિરાવ ફૂલે-સાવિત્રી ફૂલે? એ વળી કોણ? ડૉ.આંબેડકરના સત્યાગ્રહો? કોની સામે? શા માટે? સત્યાગ્રહો તો ફક્ત અંગ્રેજો સામે જ ન હોય? અને એ ફક્ત ગાંધીજીના જ ન હોય?
આઝાદ ભારતમાં અનામતની જોગવાઇ, તેનાં કારણ, અમલ, મર્યાદાઓ, સંઘર્ષ અને વિકલ્પો જેવી બાબતો અભ્યાસક્રમમાં શા માટે ન હોવી જોઇએ? પણ નથી. પરિણામે, સામાન્ય નાગરિકો તો ઠીક, અભ્યાસી કહેવાય
એવા લોકો ‘અનામતની જોગવાઇ તો ફક્ત
દસ વર્ષ માટે હતી’ એવી ખોટી માહિતી
આત્મવિશ્વાસથી કહી નાખે છે. બહુમતી વર્ગ તો દલિતો પ્રત્યે ભેદભાવ રખાય છે એ માનવા
જ તૈયાર નથી. અસમાનતા સામેનો સંઘર્ષ તેમને ‘જૂના ઘા તાજા કરવા જેવો’ લાગે છે.
રોહિત વેમુલાની આત્મહત્યા જેવો કોઇ કિસ્સો ચગે, ત્યારે અચાનક ‘દીવાનખાનાનો હાથી’ ચર્ચામાં આવે છે.
પણ જોતજોતાંમાં ‘જાદુગરો’ આવી પહોંચે છે. પછી રાજકીય શોરબકોર ચાલુ ને
હાથી ગુમ. દરમિયાન, કેટલાક કીમિયાગરો
એવા પણ હોય છે જે કહે,‘વિમાનને પાંચ
મિનીટમાં રંગવું છે? સાવ સહેલું છે.
વિમાન આકાશમાં ઉડે ત્યારે એકદમ ટચુકડું હોય છે. એ વખતે તેને રંગી નાખવાનું.’ આ રમૂજ છે, પણ ‘કૉલેજ કૅમ્પસ પર જ્ઞાતિની
સભાનતા-જ્ઞાતિના ભેદભાવ કાઢી નાખવા છે? સહેલું છે. અનામત નાબૂદ કરી નાખો.’ એવું કહેવામાં આવે, ત્યારે ઘણાને
સમજાતું નથી કે આ પણ રમૂજ છે--કહેનારાની અણસમજમાંથી, એની જાણબહાર નીપજેલી રમૂજ. સાઠ-સિત્તેર વર્ષ જૂની (અને થોડીઘણી અસરકારક રીતે
તો છેલ્લાં ત્રીસેક વર્ષથી અમલી) અનામત નહીં રહે, તો સદીઓ જૂના જ્ઞાતિના ભેદભાવ કમ સે કમ કૉલેજ કૅમ્પસમાંથી તો નાબૂદ થઇ જ
જશે--એવું માની લેવા માટે ખાસ પ્રકારની મુગ્ધતા જોઇએ.
રોહિતની આત્મહત્યા જેવા મુદ્દે ‘યુનો’વાદીઓ (હુમલાખોર અને ભોગ બનનાર બન્ને પ્રત્યે ‘સમભાવ’થી જોનારા માટે ‘રાગ દરબારી’માં વપરાયેલો પ્રયોગ) એવો ઉપાય સૂચવે છે કે ‘કૉલેજમાં વિદ્યાર્થીઓએ રાજકારણથી દૂર રહીને ભણવામાં ધ્યાન આપવું જોઇએ.’ એટલે કે, ચૂંટણી વખતે રાજકારણીઓ જેમના નામની માળા જપે છે, એવા ભારતના યુવાધને રાજકારણના પ્રવાહોની સમજ મેળવ્યા વિના, ફક્ત ચૂંટણી આવે ત્યારે મત આપવાના. કૉલેજની
ચૂંટણીમાં બહુ હિંસા થાય છે ને બહુ રૂપિયા ખર્ચાય છે? સિમ્પલ : ચૂંટણી બંધ કરાવી દો. આ જ તર્ક
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ પાડીને ‘સમરસ’ જેવી બિનલોકશાહી પ્રથા ઘૂસાડી
દેવામાં આવી અને તેને રાજ્યસરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવ્યું. કારણ એટલું જ
કે નિયમોની મર્યાદા પાળીને ચૂંટણી લડવાની એકેય રાજકીય પક્ષની દાનત નથી. એવી જ રીતે, કૉલેજની ચૂંટણીમાં અશાંતિનો પ્રશ્ન વાસ્તવિક
છે. પણ તેનો ધોરણસરનો ઇલાજ શોધવાની કવાયતમાં ઉતર્યા વિના, ચૂંટણીઓ જ નાબૂદ કરી દેવાની અને માની લેવાનું
કે કૉલેજમાં બધું સમુંસૂતરું થઇ રહેશે, એ પોતાની આંખ મીંચીને દીવાનખાનાના હાથીને અદૃશ્ય કરવા જેવું છે.
પરંતુ યુનિવર્સિટીઓના ઉપકુલપતિ (વાઇસ ચાન્સેલર) તરીકે પ્રતિભાશાળી શિક્ષણવિદ્ કે નિષ્ઠાવાન
અધ્યાપકોને બદલે પોણીયા સરકારી માણસોને બેસાડવામાં આવે, પછી બીજી અપેક્ષા પણ શી રાખી શકાય? બધાં પાપની જેમ આ પાપની શરૂઆત કૉંગ્રેસે કરી
હતી. ગુજરાત યુનિવર્સિટીમાં પ્ર.ચુ.વૈદ્ય
જેવા સ્વતંત્ર મિજાજ અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા વિજ્ઞાની ઉપકુલપતિપદે રહે, એ કૉંગ્રેસને પરવડ્યું ન હતું. કૉંગ્રેસી
નેતાઓને ન ગાંઠતા, રોકડું પરખાવતા
ને કાચી સેકન્ડમાં હોદ્દો છોડવાની ખુમારી રાખતા વૈદ્યસાહેબ કે ઉમાશંકર જોષી જેવા
ઉપકુલપતિઓ રામાયણ-મહાભારતકાળમાં થઇ ગયા હોય, એવું અત્યારના વાતાવરણ પરથી લાગે.
પહેલાં ગુજરાતમાં અને પછી કેન્દ્રમાં ભાજપ-એનડીએના રાજમાં
સંઘ પરિવારના ‘આશીર્વાદ’ ધરાવતા ઘણા કુલપતિઓ અને ઉચ્ચ શિક્ષણસંસ્થાઓના
મુખિયાઓએ ધોરણહીનતાનો આતંક મચાવ્યો છે. તેમના માટે ‘મીડિયોકર’ (મઘ્યમ બરના) એવો
શબ્દ પણ ન વપરાય. કારણ કે ‘બર’ (કક્ષા) જેવો કોઇ ખ્યાલ જ તેમને લાગુ પડે એમ
નથી. સમારંભોમાં મહેમાન તરીકે આ લોકો રામદેવને (IIT, દિલ્હીમાં), બેફામ કોમવાદી બોલનારા યોગી આદિત્યનાથને
(અલાહાબાદ યુનિવર્સિટીમાં) આમંત્રણ આપી શકે છે. લખનૌની આંબેડકર યુનિવર્સિટીના
ઉપકુલપતિ મંત્રી સ્મૃતિ ઇરાનીની ચાપલૂસીમાં કવિતા વાંચી શકે છે. આ વર્ષે ઉત્તર
ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પદવીઅર્પણ સમારંભ માટે સંઘ પરિવારના
અગ્રણી--અજમેર બૉમ્બ બ્લાસ્ટ કેસના આરોપી ઇન્દ્રેશ કુમારને નિમંત્રણ અપાતાં વિવાદ
થયો છે. ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ ઉપકુલપતિ પરિમલ ત્રિવેદી તત્કાલિન મુખ્ય
મંત્રી મોદીને પગે લાગે, પ્રવેશ ફૉર્મમાં
પોતાના ફોટા છપાવે, રક્ષણ માટે
બાઉન્સર રાખે. બદલામાં ભાજપ સરકાર તેમને બે મુદત સુધી ઉપકુલપતિપદે ચાલુ રાખે. આ
હરોળમાં બીજાં પણ નામ ગણાવી શકાય.
--અને બનારસ હિંદુ યુનિવર્સિટીની આઇ.આઇ.ટી.માં ભણાવતા, ૨૦૦૨માં મેગ્સાયસાય ઍવોર્ડથી સન્માનિત સંદીપ
પાંડેને સંઘવફાદાર ઉપકુલપતિ ગિરીશચંદ્ર ત્રિપાઠીએ જાન્યુઆરીમાં તેમનો કરાર પૂરો થવાની રાહ જોયા વિના, રવાના કરી દીધા. કારણ કે તે ‘નક્સલવાદી અને દેશવિરોધી તત્ત્વો સાથે સાંઠગાંઠ
ધરાવે છે.’ આઇ.આઇ.ટી.મુંબઇના ચેરમેન
અનિલ કાકોડકર અને IIT દિલ્હીના ડાયરેક્ટર રઘુનાથ શેવગાંવકરે પણ
સરકારી દખલગીરીના વિરોધમાં રાજીનામાં આપી દીધાં--અને સરકારે, સંભવતઃ ટાઢા પાણીએ ખસ ગઇ એમ વિચારીને, એ લઇ પણ લીધાં. સંઘ પરિવારના મુખપત્રમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો કે ‘IIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ
દેશવિરોધી અને હિંદુવિરોધી પ્રવૃત્તિઓનો અડ્ડો’ બની છે.
દેશની સાચી પરંપરા જોખમાવતી અને યુવાનોના ભવિષ્ય સામે સીધો
ખતરો ઊભી કરતી ઉચ્ચ શિક્ષણમાં રાજકારણની દખલગીરી દીવાનખાનામાં ઊભેલો એવો મહાકાય
હાથી છે, જેની નોંધ સીધા અસરગ્રસ્ત
એવા નાગરિકો પણ લેતા નથી--અથવા એની હાજરીથી તે ટેવાઇ ગયા છે. સવાલ ફક્ત એક રોહિત
વેમુલાના અપમૃત્યુનો નહીં, સમગ્રપણે ઉચ્ચ શિક્ષણના
સ્તરની હત્યાનો છે.
Labels:
dalit,
education/શિક્ષણ,
politics
Subscribe to:
Posts (Atom)

