Sunday, January 20, 2013

બેફામ ફિલ્મી પત્રકારત્વના પ્રણેતા બાબુરાવ પટેલ

પોતાની જાતને વધુ પડતી ગંભીરતાથી લેતા'જોયું? આપણે કેવાં છોંતરાં કાઢી નાખ્યાં'- એવું માનીને જાતે ને જાતે પોરસાતા ફિલ્મ સમીક્ષકોનો ત્રાસ આજકાલનો નથી. આ સિલસિલો ૧૯૩૦ના દાયકાથી શરૃ થઇ ચૂક્યો હતો. એ અરસામાં મોટા ભાગનાં સામયિકો ફિલ્મોની જાહેરખબર છાપીને અને બદલામાં ફિલ્મો વિશે પ્રચારાત્મક લખીને ગાડું ગબડાવતાં હતાં, ત્યારે ૧૯૩૫માં શરૂ થયેલા 'ફિલ્મ ઇન્ડિયા'એ નવો શીરસ્તો પાડયો. તેના દબંગ તંત્રી બાબુરાવ પટેલને શિષ્ટાચાર સાથે બાર ગાઉનું છેટું અને અંગ્રેજી ભાષા પર તેમની પકડ સંપૂર્ણ.  તેમના અંગ્રેજીમાં મરાઠીની જરાય છાંટ નહીં, પણ તેમનો મિજાજ પૂરો મરાઠા. ખરેખર તો એમને ફિલ્મી દુનિયાના બાળ ઠાકરે કહી શકાય. કાયમ 'લડ કાં લડનાર દે'ના મૂડમાં ને ધોંસ જમાવવાની ફિરાકમાં હોય. તેમની યુદ્ધભૂમિ કહો તો યુદ્ધભૂમિ ને દરબાર કહો તો દરબાર એટલે 'ફિલ્મ ઇન્ડિયા' માસિક./ Film India
1946ના ફિલ્મ ઇન્ડિયા/ Film Indiaના મુખપૃષ્ઠ પર
 કે.આસિફના 'મોગલ-એ-આઝમ'ની જાહેરાત. એ વખતે
ફિલ્મમાં  ચંદ્રમોહન-નરગીસ અને વીણા હતાં
લીસા સફેદ આર્ટપેપર, સફાઇદાર પ્રિન્ટિંગ, રંગીન ટાઇટલ અને થોડાં રંગીન પાનાં, તસવીરોનો ભંડાર અને એ બધાથી ચાર ચાસણી ચડી જાય એવી બાબુરાવ પટેલની કલમ. એ ફિલ્મના રીવ્યુ પણ લખે ને 'એડિટર્સ મેઇલ'નાં આઠ-દસ પાનાંમાં વાચકોના સવાલોના બેફામ જવાબો પણ આપે. (બાબુરાવ વિશેના લેખમાં 'બેફામ' શબ્દનું પુનરાવર્તન ક્ષમ્ય ગણવું.) બાબુરાવનું અંગ્રેજી એવું છટાદાર-ચટાકેદાર કે અંગ્રેજી ભાષા માટે 'ફિલ્મ ઇન્ડિયા' વાંચનારા લોકો પણ હતા. બાબુરાવની માલિકીના ઉર્દુ પેપર 'કારવાં'માં કામ કરનાર ઉર્દુના વિખ્યાત લેખક મંટોએ લખ્યું હતું,'બાબુરાવની કલમમાં હતું એવું હળાહળ ઝેર હિંદુસ્તાનના બીજા કોઇ અંગ્રેજી સાહિત્યકારને નસીબ થયું નથી.'
'ફિલ્મઇન્ડિયા' ભારતીય ફિલ્મઉદ્યોગના આરંભિક દાયકાઓનો ઉત્તમ દસ્તાવેજ તો છે જ- અને એ રીતે જાણકારો તેને માને પણ છે. પરંતુ તેના કારણે બાબુરાવ પટેલની પ્રશંસા કરતી વેળા ઘણી વાર પ્રમાણભાન રહેતું નથી. એક નમૂનોઃ દેવ આનંદ જેવા એ જમાનાના સ્ટારે બાબુરાવને અંજલિ આપતાં કહ્યું હતું, 'હી મેડ એન્ડ અનમેડ સ્ટાર્સ.  હી એસ્ટાબ્લિશ્ડ ઓર ડીસ્ટ્રોય્ડ એ ફિલ્મ વીથ જસ્ટ એ સ્ટ્રોક ઓફ હિઝ પેન.' બીજા ઘણા લોકો પણ આવું માનવા પ્રેરાય છે, પરંતુ સચ્ચાઇ તેનાથી સાવ જુદી છે. એની વાત કરતાં પહેલાં બાબુરાવના 'ઝેર'ના થોડા નમૂના.

દિલીપકુમાર સુપરસ્ટાર બન્યા તે પહેલાં, એમની કારકિર્દીની બીજી જ ફિલ્મ 'મિલન'ના રીવ્યુમાં બાબુરાવે લખ્યું હતું, 'દિલીપકુમાર એક કમનસીબ ચહેરો લઇને પડદા પર આવ્યો છે. હીરો તરીકે કોઇ એના ચહેરાની કલ્પના કરી શકે એમ નથી.'.  નૌશાદના 'બૈજુ બાવરા'ના સંગીત માટે તેમણે 'ઠીક ઠીક મહેનત કરી છે' એવો રીવ્યુ લખ્યો ને 'મરના તેરી ગલીમેં, જીના તેરી ગલીમેં' જેવું સૂરીલું ગીત ધરાવતી નૌશાદની ફિલ્મ 'શબાબ' માટે બાબુરાવે લખ્યું, 'નૌશાદે તેરી ગલી-મેરી ગલી જેવાં હલકાં ગીતો બનાવ્યાં છે. '

ફિલ્મના રીવ્યુમાં તેમની હિંસકતાની શરૂઆત ઘણી વાર મથાળાંથી જ થઇ જતી. એક સિંધી નિર્દેશકે બનાવેલી મોગલ સમયની ફિલ્મના રીવ્યુનું બાબુરાવે આપેલું મથાળું હતું,'એ સિંધી મર્ડર્સ મોગલ હિસ્ટરી'. તેમણે ઘણી વાર વાપરેલું વિશેષણ હતું, 'વિઝ્યુઅલ ટોર્ચર'.  કબૂલ કે ઘણી ફિલ્મો આ વિશેષણોને લાયક બનવા ભરપૂર પ્રયાસ કરતી હોય છે, પરંતુ બાબુરાવની સોટીને ધડો ન હતો. તેમને લાગતું હશે કે સોટીના સબકારા બોલાવવાથી વટ પડે છે અને મોટા ભાગના લોકો ધાકમાં રહે છે. એટલે તે છોંતરાં કાઢી નાખતા હતા. ગુજરાતી ન હોવા છતાં, 'નાગાની પાંચશેરી ભારે' એ કહેવતનું હાર્દ તે જાણતા હતા અને તેને અમલમાં પણ મૂકતા હતા. સાથોસાથ, આત્મપ્રશંસામાં તે જરાય પાછીપાની કરતા ન હતા. (ગુજરાતી કટારલેખકો આ બન્ને બાબતમાં ઘણા મોડા કહેવાય)

ફિલ્મ ઇન્ડિયા/Film Indiaનો ફિલ્મ રીવ્યુ વિભાગ

'શ્રી ૪૨૦'ને બાબુરાવે 'એન્ટી-સોશ્યલ પિક્ચર, બોરિંગ એન્ડ અનકન્વિન્સિંગ' તરીકે ઓળખાવીને લખ્યું હતું, 'મનોરંજનની દૃષ્ટિએ જોઇએ તો ૧૬ હજાર ફીટ કરતાં પણ વધુ લાંબી આ ફિલ્મ કંટાળાનો (બોરડમનો) યાદગાર નમૂનો છે.' ફિલ્મમાં રાજ કપૂરના ચરિત્ર વિશે તેમણે લખ્યું હતું, 'એ સહાનુભૂતિ જીતવામાં સદંતર નિષ્ફળ જાય છે અને ફિલ્મ પણ બહુ ધૂમધડાકા ને સ્થૂળ કોમેડી છતાં કશું સિદ્ધ કરી શકતી નથી.' ફિલ્મના ગીત-સંગીત પક્ષ વિશેઃ 'અમુક ગીતો ઇન્ટરેસ્ટિંગ છે. મ્યુઝિક 'પોપ્યુલરલી પ્લીઝન્ટ' થી 'ડલ એન્ડ ફેમિલિઅર' છે. અને ડાયરેક્શન? 'ટેકનિકલ ચમકદમકને બાદ કરતાં ડાયેરક્શન 'પૂઅર'  અને 'અનઇમ્પ્રેસિવ' છે.'

દેવ આનંદની સુપરહિટ ફિલ્મ 'સી.આઇ.ડી.' વિશે બાબુરાવે લખ્યું હતું, 'એ ફક્ત 'અનપ્લીઝન્ટ' જ નહીં, 'સ્ટુપિડ' ક્રાઇમ સ્ટોરી છે.' બાબુરાવની અભિવ્યક્તિની કળા ત્યાર પછીના વાક્યમાં ઝળકે છે, જેમાં તેમણે ફિલ્મ વિશે લખ્યું હતું, 'ઇટ ઇઝ થીન એઝ એર એન્ડ એઝ અનકન્વિન્સિંગ એઝ એ રશિયન પ્રિઝનર્સ કન્ફેશન.' (એ હવા જેટલી પાતળી ને રશિયન કેદીના એકરાર જેટલી જ બિનભરોસાપાત્ર છે.)

નૂરજહાં અને દિલીપકુમારને ચમકાવતી ફિલ્મ 'જુગનુ' વિશે  બાબુરાવના રીવ્યુમાંથીઃ 'ટૂંકમાં, જુગનુ એક 'ડર્ટી', 'ડિસ્ટગસ્ટિંગ' અને 'વલ્ગર' પિક્ચર છે, જે થોડાઘણા પણ ઠેકાણાસરના હોય એવા કોઇ પણ પ્રદર્શકે પોતાનાથિએટરમાં દેખાડવું ન જોઇએ.'
આવાં સંખ્યાબંધ ઉદાહરણ ટાંકી શકાય, જેમાં બાબુરાવે ફિલ્મને અને તેની સાથે સંકળાયેલાં લોકોને સદંતર ઉતારી પાડયાં હોય.  છતાં એ  ફિલ્મ ચાલી હોય. માત્ર વ્યાવસાયિક રીતે જ નહીં, બધી રીતે તે સફળ નીવડી હોય અને બાબુરાવના રીવ્યુ પસ્તી બની ગયાના દાયકાઓ પછી પણ એ ફિલ્મો અને ગીત-સંગીત લોકો યાદ કરતા હોય.  બાબુરાવ ભૂલાઇ ગયા હોય, પણ તેમણે જેમને ઉતારી પાડયા હોય, એવા લોકો હજુ લોકહૃદયમાં પ્રેમાદરભર્યું સ્થાન ધરાવતા હોય.

એનો અર્થ એવો નહીં કે બાબુરાવ કદી વખાણ કરતા જ ન હતા. સત્યજીત રાયની 'પાથેર પાંચાલી'ની તેમણે ઘણી પ્રશંસા કરી હતી.  પૃથ્વીરાજ કપૂરના નાટક 'દીવાર' વિશે તેમનું મથાળું હતું, 'પૃથ્વીરાજ ગીવ્ઝ વર્લ્ડ્સ બેસ્ટ પ્લે.' તેનાથી ઘણી નબળી એવી ફિલ્મોને પણ બાબુરાવની દયાનો લાભ મળતો હતો. પરંતુ બાબુરાવ સૌથી વધારે ખીલી ઉઠતા હતા તેમનાં પત્ની અને અભિનેત્રી સુશીલારાણી પટેલનાં વખાણ કરવામાં. તેમણે પોતે 'ગ્વાલન' અને 'દ્રૌપદી' જેવી ફિલ્મો બનાવીને તેમાં સુશીલારાણીને હીરોઇન બનાવ્યાં હતાં. શાસ્ત્રીય ગાયનનાં જાણકાર અને એમ.એ. થયેલાં સુશીલારાણી બાબુરાવ કરતાં ૧૫ વર્ષ નાનાં. છતાં બાબુરાવ સાથે પરણીને, તેમના અગાઉનાં પત્ની સાથે એક જ ઘરમાં રહેવાનું તેમણે સ્વીકાર્યું.

બાલકૃષ્ણ પાંડુરંગ પાટિલ તરીકે ૪-૪-૧૯૦૪ના રોજ જન્મેલા બાબુરાવને નાનપણમાં અપરમાનો ત્રાસ અને છોકરાને આઇ.સી.એસ. બનાવતા પિતાનો માર વેઠવો પડયો હતો. તેનાથી ત્રાસીને બાબુરાવે ઘર જ નહીં, પિતાની આપેલી અટક પણ છોડી દીધી. બાપની વાત નીકળે ત્યારે બાબુરાવ મંટોને હંમેશાં કહેતા, 'વો સાલા પક્કા હરામી હૈ.' અને મંટોએ લખ્યું હતું, 'બાબુરાવ બુઢ્ઢા પટેલને હરામી માનતો હોય તો એ પોતે હરામીપણામાં એમના કરતાં ઘણો આગળ છે.')

બાબુરાવે 'ફિલ્મ ઇન્ડિયા'માં શરૂ કરેલો વાચકોના સવાલના તોફાની જવાબ આપવાનો સિલસિલો 'ફિલ્મફેર'માં આઇ.એસ.જૌહર અને પછી શત્રુધ્ન સિંહાએ આગળ વધાર્યો. ફિલ્મોની બેફામ ટીકા કરવા બદલ બાબુરાવ પર બ્લેકમેઇલિંગના આરોપ થયા ત્યારે બાબુરાવે એ જમાનામાં માતબર કહેવાય એવું રૂ..૨૫ હજારનું ઇનામ જાહેર કર્યું. ખેલ પાડીને છવાઇ જવામાં નિષ્ણાત બાબુરાવે રૂ..૨૫ હજારની રકમ ખાતામાં જમા કરાવી, તેનો કોરો ચોક 'ફિલ્મ ઇન્ડિયા'માં છાપ્યો અને લખ્યું હતું, 'મને બ્લેકમેઇલર સાબીત કરો અને આ ચેક લઇ જાવ.' સ્વાભાવિક છે કે એ ચેક વટાવ્યા વગરનો જ રહ્યો.

બાબુરાવના રાજકીય વિચારો, હોલિવુડ સાથેના સંબંધ, 'ગિરનાર' બંગલો - તેમનાં વ્યક્તિત્વમાં રંગોની ખોટ ન હતી. પણ ફિલ્મોના રીવ્યુકાર તરીકે હવે જ્યારે પણ તેમની વાત નીકળે, ત્યારે તેમની અહમયુક્ત નિષ્ફળતાની સાફ શબ્દોમાં નોંધ લેવાવી જોઇએ.

Friday, January 18, 2013

કોંગ્રેસના ધાબે ઉત્તરાયણ

ઉત્તરાયણ અને ચૂંટણીની અસરોમાંથી રસિયાઓ ધીમે ધીમે બહાર આવી રહ્યા હશે. પરંતુ આ બન્નેનું સંયોજન રસિક કલ્પનાનો વિષય છે. ધારો કે ચૂંટણી એક મહિનો મોડી આવી હોત અને એ માહોલમાં કોંગ્રેસના ધાબે ઉત્તરાયણ ઉજવાઇ હોત તો કેવાં દૃશ્યો સર્જાયાં હોત? 

***
(ધાબે સફેદ ઝભ્ભાલેંઘાધારીઓનું ટોળું જામ્યું છે. એક ખૂણામાં કોંગ્રેસી ઘ્વજનો રંગ ધરાવતા પતંગનો ઢગલો છે. તેની સાથે ખાલી, ભરેલી ફિરકીઓ, પિલ્લાં, પરચૂરણ દોરી, ગાંઠોડિયા દોરીનાં નાનાં-મોટાં પિલ્લામાં અને થોડી લચ્છીઓ દેખાય છે. બીજા ખૂણામાં પતંગ પકડવાના લાંબા ઝંડાનો ખડકલો છે. એક ખૂણે થોડા પથ્થર અને નળીયાના ટુકડાનો જથ્થો છે. બઘું તૈયારી થઇ ગઇ હોવા છતાં અને ધાબામાં ન સમાય એટલી સંખ્યામાં માણસોની ભીડ થઇ હોવા છતાં, હજુ પતંગ ચગવાના શરૂ થયા નથી. થોડી રાહ જોયા પછી...)

કાર્યકર ૧: ભાઇ, સામેના ધાબા પરથી તો ક્યારના પતંગ ચડવા લાગ્યા. આપણે શાની રાહ જોઇએ છીએ? 

નેતા ૧:  શાની નહીં, કોની. તમે કેટલા વર્ષથી કોંગ્રેસમાં છો? ખબર નથી, આપણે દિલ્હીથી આદેશ ન આવે ત્યાં સુધી દોરી પણ પીવડાવતા નથી. પતંગ ચગાવવા તો બહુ દૂરની વાત રહી. 

નેતા ૨: એમ અધીરા થયે ન પાલવે, ભાઇ. આપણે પક્ષના શિસ્તબદ્ધ સૈનિક છીએ...

કાર્યકર ૨: આપણે નહીં, અમે લોકો. તમે શિસ્તબદ્ધ પણ નથી ને સૈનિક પણ નથી.

નેતા ૩: હજુ કશું શરૂ થયું નથી, એ પહેલાં આપણે આમ અંદરોઅંદર વિખવાદ કરીએ તે ઠીક નથી.

કાર્યકર ૩: એ વાત પણ ખરી. ટાંટિયાખેંચ માટે આપણે કમ સે કમ દિલ્હીના આદેશની રાહ તો જોવી પડે. 

નેતા ૨: આ વખતે આપણે ટાંટિયાખેંચ પર અંકુશ રાખીએ તો આપણને પતંગયુદ્ધમાં વિજયી બનતાં કોઇ રોકી શકે એમ નથી. 

નેતા ૧ અને નેતા ૩ (અલગ અલગ રીતે, પણ એક સૂરમાં): આહાહા..આપણે પતંગયુદ્ધ જીતી જઇએ તો મારા મોંમાં ઘી-સાકર..

કાર્યકર ૨: વિજય તો એના ઘેર રહ્યો. તમે લોકો પહેલાં ‘મારા મોંમાં ઘી-સાકર’ને બદલે ‘તમારા મોંમાં ઘી-સાકર’ એવું બોલવાની ટેવ પાડો, તો પણ બહુ છે. 

નેતા ૧ (નફ્‌ફટાઇથી હસીને): તમારી સેન્સ ઓફ હ્યુમર બહુ સારી છે. પણ હું ખરું કહું છું. આ વખતે સામેવાળાની દોરી બરાબર નથી. પેલું ત્રીજું ધાબું બંધાયું છે ત્યાંથી પતંગ ચડે કે ન ચડે, પણ સામેના પક્ષની પતંગો પર લંગરિયાં વાગવાનાં છે ને નળિયાયુદ્ધ પણ થવાનાં છે. એની પરથી લાગે છે કે આ વખતે આપણે જીતી જઇશું.

કાર્યકર ૨: તમારી સેન્સ ઓફ હ્યુમર પણ બહુ સારી છે...

નેતા ૩: આપણે સેન્સ ઓફ હ્યુમરથી નહીં, આપણા યુદ્ધકૌશલ્યથી ચૂંટણી જીતવાની છે. 

કાર્યકર ૧: કોના યુદ્ધકૌશલ્યથી? પેલા ત્રીજા ધાબાવાળાના?

નેતા ૩: આપણી તકલીફ જ આ છે. આપણે સામેવાળાની સાથે પટાબાજી કરવાને બદલે અંદરોઅંદર પટાબાજી કરીએ છીએ.

નેતા ૧: ગાંધીજીએ કહ્યું છે કે આંતરિક લોકશાહી પક્ષની તંદુરસ્તીનું ચિહ્ન છે..

કાર્યકર ૨: કયા ગાંધીજીએ? રાહુલ ગાંધીજીએ કે રાજીવ ગાંધીજીએ?

નેતા ૧: બસ, બધી બાબતમાં ગમ્મત ન હોય. શાની ગમ્મત ન થાય, એની તમને ખબર ન પડતી હોય તો કોંગ્રેસમાં તમે શી રીતે ટકશો? 

કાર્યકર ૨: આપણે ક્યાં સદાકાળ કોંગ્રેસમાં રહેવું છે? બસ, પતંગોની વહેંચણીની જાહેરાત થાય ત્યાં સુધી રાહ જોઇએ છીએ. 

(એવામાં નીચે ગયેલા નેતા ૩ હાથમાં એક યાદી સાથે ધાબા પર આવે છે. તેમને જોઇને ધાબા પરનો કોલાહલ શમી જાય છે.)

નેતા ૩: સાથીઓ, દિલ્હીથી પતંગ વહેંચણીની યાદી આવી ગઇ છે.તેને ગુંદરપટ્ટીથી હું અહીં ભીંતે લગાડી દઉં છું. તેમાં જેમનાં નામ લખ્યાં હોય એ લોકો પોતાના આઇ-કાર્ડ સાથે આ ખૂણે આવે. તેમને પતંગ અને ફિરકી આપવામાં આવશે. 
યાદી જોવા માટે ભીડ અને ધક્કામુક્કી થાય છે. ત્યાર પછી પતંગ લેવા માટે લાઇન લાગે છે. બજારમાં પતંગની ખોટ નથી. દુકાનમાં જોઇએ એવા પતંગ મળે છે, પણ આ ધાબેથી પતંગ ચગાવવા મળે તો વચ્ચે વચ્ચે નાસ્તાપાણી, ગુંદરપટ્ટી, પીલ્લાં, ફિરકીની પણ વ્યવસ્થા થઇ જાય. હરીફાઇ એના માટેની છે. પતંગો લેતી વખતે અવનવા બનાવ બને છે. એક ભાઇ તેમનું આઇ-કાર્ડ હાથમાં પકડીને પતંગ લેવા જતા હોય ત્યારે એક ટેણીયું તેમના હાથમાંથી આઇ-કાર્ડ તફડાવીને સડસડાટ દાદર ઉતરી જાય છે. થોડી વાર પછી એ ટેણીયું ત્રીજા ધાબે જોવા મળે છે. 


કેટલાક કાર્યકરો પગ પછાડતા પગથિયાં ઉતરી જાય છે. તેમનું નામ પતંગની યાદીમાં નથી. થોડા વખત પછી એ કાર્યકરો સામેના ધાબે પતંગ અને ફિરકી સાથે જોવા મળે છે. એક મોટા નેતા નારાજ થઇને હવામાં આમતેમ હાથ વીંઝતા દેખાય છે. તેમના હાથમાં એક ઝંડો છે. તેમની ફરતે રહેલા કેટલાક ટેકેદારો પણ ઉશ્કેરાયેલા છે. થોડી વાર પછી એ નેતા ઝંડા જેવા કાર્યકરો અને કાર્યકર જેવા ઝંડા સાથે ધાબું છોડી જાય છે. થોડી વાર પછી સામેના ધાબે આનંદોત્સવનું વાતાવરણ જોવા મળે છે. ઝંડાવાળા નેતાનું ભવ્ય સ્વાગત થાય છે. એ ધાબેથી પણ કેટલાક કાર્યકરો આ ધાબે આવે છે. તેમને મતલબ ધાબેથી પતંગ ચડાવવા સાથે છે. ધાબું કોનું છે, દોરી કેસરી છે કે લીલી, પતંગ ચીલ છે કે લબુક, એ તેમના માટે ગૌણ બાબત છે. 


બન્ને ધાબે કચવાટનું વાતાવરણ છે. ફરક એટલો કે કોંગ્રેસના ધાબે કોને કોની સામે કચવાટ છે એ સ્પષ્ટ થતું નથી. કારણ કે સૌ એકબીજા સામે આંગળી ચીંધી રહ્યા છે અને દિલ્હી ભણી જોઇને માથું નમાવી રહ્યા છે. કોંગ્રેસના પતંગો પર જુદાં જુદાં સૂત્રો લખાયેલાં છે. જેમ કે, ‘તમે અમારો પતંગ ચગવા દેશો, તો અમે તમને ધાબાનું ધાબું આપીશું.’ સામેની છાવણીમાંથી આ વખતે નવો પ્રયોગ થયો છે. અઢળક નાણાં ખર્ચીને પરદેશી ટેકનોલોજીની મદદથી એવો ભ્રમ ઊભો કરવામાં આવ્યો છે કે એક પતંગ ચડતો હોય ત્યારે ત્રણ-ત્રણ પતંગ ચડતા હોય એવું લાગે. તેમાંથી કયો અસલી છે ને કયો થ્રી-ડી એ ખબર ન પડે. એ ચડાવનાર નેતા અસલી છે કે થ્રી-ડી, એ નક્કી કરવું પણ અઘરું બને છે. ત્રીજા ધાબા પરથી આડેધડ વીંઝાતા ઝંડા હવામાં ઊંચા થયા પછી તેમને ભાન રહેતું નથી કે તે કોની પતંગનું સત્યાનાશ વાળી રહ્યા છે. બન્ને છાવણીમાં અમુક ફિરકીઓ જ્ઞાતિવાદની ચાઇનીઝ દોરી ધરાવે છે, તો અમુક કોમવાદની. ઠેરઠેર ફિરકી અને પીલ્લાંથી છવાયેલાં કોંગ્રેસના ધાબામાં દાંતી પાડવાની પ્રવૃત્તિ પૂરબહારમાં ચાલી રહી છે. નેતાઓના પતંગ હવામાં પેચ લડાવવા પહોંચી ગયા છે, પણ તેમને ચિંતા ધાબામાં પડનારી દાંતીઓની છે.


આ પેચબાજીમાં ફક્ત જીતનું જ મહત્ત્વ છે. એટલે જીતનારને આખા વિસ્તારના શ્રેષ્ઠ પતંગબાજ ઘોષિત કરવામાં આવે છે. રાષ્ટ્રિય સ્તરે પેચ લડાવવાના તેમના કોડ પૂરા કરવા દિલ્હીમાં ધાબું ચણવાના શરૂ થઇ ચૂકેલા કામમાં ઝડપ વધે છે, જ્યારે હારેલા અને હાથોહાથમાંથી જેમનું ખેંચાઇ ગયું હોય એવા પતંગબાજો ચાઇનીઝ દોરા, ખરાબ પતંગ, વિપરીત હવા જેવાં પરિબળોનો વાંક કાઢતાં, પોતાની અણઆવડતને સંતાડવા પ્રયાસ કરે છે.

Tuesday, January 15, 2013

ગુજરાતી પત્રકારત્વ વિશેનાં ત્રણ પ્રવચનઃ અજય ઉમટ, દીપક સોલિયા અને પ્રકાશ ન. શાહ

તા.8 જાન્યુઆરીના રોજ સાહિત્ય પરિષદના એક પરિસંવાદમાં અજય ઉમટ/ Ajay Umat, દીપક સોલિયા/Dipak Soliya અને પ્રકાશ ન. શાહે/ Prakash N. Shah આપેલાં પ્રવચનની ઓડિયો લિન્ક.

દીપક સોલિયાનું પ્રવચન

પ્રકાશ ન. શાહનું પ્રવચન

અજય ઉમટનું પ્રવચન

(હાલ 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'માં વરિષ્ઠ હોદ્દો ધરાવતા અને અગાઉ 'દિવ્ય ભાસ્કર'ના સ્ટેટ એડિટર રહી ચૂકેલા અજય ઉમટે કેટલીક એવી વાતો કરી, જે સામાન્ય રીતે કરવામાં આવતી નથી. માટે, તેમના પ્રવચનના કેટલાક અગત્યના અંશોનું શબ્દાંકન પણ અહીં મૂક્યું છે. વધુ રસ ધરાવતા કે ખરાઇ કરવા ઇચ્છતા સૌ પ્રવચનની ઓડિયો લિન્ક સાંભળી શકે છે.  રેકોર્ડિંગઃ બિનીત મોદી)

અજય ઉમટ/Ajay Umat

કોઇ મને પૂછતું હતું કે છાપામાં સાચું શું આવે છે? મેં કહ્યું, તારીખિયું, વર્તારો, હવામાન સમાચાર, ક્રિકેટનો સ્કોર, અવસાનનોંધ એટલું સાચું. બાકીનું તમારે વિવેકબુદ્ધિ વાપરીને નક્કી કરવાનું.

પત્રકાર વિધાયક પરિબળ કેમ બની શકે?- પહેલી ત્રણ જાગીરો ટોટલ ફ્લોપ ગઇ છે. એક્ઝિક્યુટીવ ટોટલ કરપ્ટ. લેજિસ્લેચરમાં તમે પાર્લામેન્ટમાં કદી સિરીયસ ડીબેટ સાંભળી?  ગુજરાતમાં તો સુખ છે. વર્ષમાં 32 દિવસથી વધારે વિધાનસભા ચાલતી જ નથી. એટલા માટે કે એ વૈધાનિક જરૂરિયાત છે. 28 દિવસ બજેટનું સેશન. ચાર દિવસ સેકન્ડ સેશન. એમાંથી એક દિવસ અવસાનનોંધ-શ્રદ્ધાંજલિમાં. બાકીના બે દિવસ વિરોધપક્ષના નેતાને સસ્પેન્ડ કર્યો હોય એમાં જતા રહે અને છેલ્લા દિવસના પ્રસ્તાવમાં કોઇ દિવસ કોઇ હાજર હોતું નથી. કારણ કે ડીબેટ કે વોટિંગ થતું નથી. લેજિસ્લેચર ઇઝ રીડ્યુસ્ડ ટુ ફીશમાર્કેટ..

જ્યુડિશ્યરી વિશે જાહેરમાં બોલાય એવું નથી. પણ રાઇટ ટુ ઇન્ફર્મેશનમાં ગુજરાત હાઇકોર્ટના 32માંથી 31 જજીસે પ્લોટો લીધા ગુજરાત સરકાર પાસેથી પ00 રૂ. ચોરસ મીટરના ભાવે, એટલે નેનો કરતાં પણ ઓછા ભાવે, એ સમાચાર કોઇ છાપાએ છાપ્યા નથી, ઇન્ક્લુડિંગ માય ન્યૂઝપેપર. કારણ કે એમની વિરુદ્ધ કોણ પડે? વણલખી આચારસંહિતા છે કે જ્યુડિશ્યરીની ટીકા કરવી નહીં. તમને પાસ ન મળે અને એ લોકો પ્રેસિડેન્ટ બોક્સમાં બેઠા હોય તો પણ તમારે ચૂપ રહેવાનું. જજીસ વિશે કંઇ બોલવાનું નહીં, એટલે હું પણ નથી બોલતો.

રહી ચોથી જાગીર એ આપણી પત્રકારત્વની છે. એ વિધાયક પરિબળ એટલા માટે છે કે તેમાં કોમ્પીટીશન આવી છે. દસ વર્ષ પહેલાં માત્ર બે છાપાં હોય ને ઉપલા લેવલ જ મેનેજ થઇ જતું હોય તો વીસ પત્રકારોને કે પ્રોફેશનલ તંત્રીઓને કોઇ ગણતું ન હતું. બે છાપાંના માલિકો સચવાઇ જાય એટલે બધું સચવાઇ જતું હતું.

અંગ્રેજી અને ગુજરાતી પત્રકારત્વ. મને લાગે છે કે મોટામાં મોટો તફાવત એ છે કે હુ સેટ્સ ધ એજન્ડા? આઇ થીંક ઇંગ્લીશ ન્યૂઝપેપર્સ આર સેટિંગ એજેન્ડા. પછી એ રાયટ્સ હોય, એન્કાઉન્ટર હોય, ડીબેટ, ડીસેન્ટ હોય, રાઇટ ટુ ઇન્ફર્મેશન હોય કે બળાત્કાર હોય. વિદ્યાપીઠમાં ભણતા વિદ્યાર્થીએ સ્ટડી કર્યો હતો. એણે કહ્યું કે 10,329 સે.મી. જગ્યા દિલ્હીની પીડિતાને મળી છે. ગુજરાતના ટોટલ બળાત્કાર જે થયા તેનું કવરેજ 2 હજાર સે.મી. પણ નથી. ઇંગ્લીશ ચેનલમાં આવ્યું, ઇંગ્લીશ ન્યૂઝપેપરમાં આવ્યું એટલે અહીં આવે છે.
ગુજરાત રાયટ્સ વખતે ઇટ બીકેમ ઇંગ્લીશ ન્યૂઝપેપર્સ વર્સીસ ગુજરાતી ન્યૂઝપેપર્સ, ઇંગ્લીશ ચેનલ્સ વર્સીસ ગુજરાતી ન્યૂઝપેપર્સ. ગુજરાતનું ગૌરવ. તમે જો રાયટ્સની ટીકા કરો એટલે તમે ગુજરાતવિરોધીઓ થઇ ગયા. હકીકતમાં રાયટ્સની પાછળ જે ઇશ્યુઝ હતા તે વિશે કોઇએ કોઇ દિવસ ચર્ચા કરવાની તસ્દી લીધી ન હતી. આજે પણ નથી લેતા. આજે પણ એવું માનવામાં આવે છે કે એના વિશે ના બોલો તો સારું.

એન્કાઉન્ટરની ચાર્જશીટો હવે ખુલે છે – સાદિક જમાલ કેસ, સોરાબુદ્દીન-કૌસરબી કેસ- ત્યારે ખબર પડે છે કે દાઉદ ઇબ્રાહિમે મુંબઇ પોલીસને કહીને આઉટસોર્સિંગનું કામ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યું હતું. દાઉદને જે નહોતા ફાવતા એ બધાનાં એન્કાઉન્ટર ગુજરાતમાં કરવામાં આવતાં હતાં. અને એમાં આઇબી પણ ઇન્વોલ્વ્ડ હતું, મુંબઇ પોલીસ પણ ઇન્વોલ્વ્ડ હતી ને બધા જ લોકો ઇન્વોલ્વ્ડ હતા. ઇટ ઇઝ નથિંગ બટ એન આઉટસોર્સિંગ જોબ ડન બાય દાઉદ, સિટિંગ ઇન દુબઇ ઓર પાકિસ્તાન- ક્યાં છે એ તો જાવેદ મિંયાદાદને ખબર હોય. કારણ કે આપણી પોલીસને ખબર નથી. એ આઉટસોર્સિંગનો જોબ આટલા વર્ષે ખુલ્યો, પણ તમે એવું માનો છો કે અમને પત્રકારોને આ વિશે ખબર નહોતી? વી ઓલ વેર નોઇંગ. એટલીસ્ટ એટલા સોર્સીસ તો અમારા પણ હતા ક્રાઇમ બ્રાન્ચમાં અને હોમ ડીપાર્ટમેન્ટમાં. વી ઓલ હેડ એક્ટેડ લાઇક સ્ટેનોગ્રાફર્સ. વણઝારાસાહેબ જે ડીક્ટેટશન આપે એ બધા જ લખતા હતા. એટલા માટે કે સામેના પક્ષે કોઇ બોલવા તૈયાર ન હતું. બોલે તો કોઇ સાંભળવા તૈયાર ન હતું. (આ ‘વી’માં સન્માનજનક અપવાદ હતો પ્રશાંત દયાળ- સં.) કાં તમે એવું માનો કે તમે આતંકવાદીની તરફેણમાં આવી ગયા છો કાં તમે કોની તરફેણ કરી રહ્યા છો.

સીમીલરલી ડીબેટનું કલ્ચર ગુજરાતમાં નર્મદા યોજના થવાની હતી ત્યારથી, પ્રોજેક્ટ અફેક્ટેડ પીપલ, કેનાલ અફેક્ટેડ પીપલ..પ્રકાશભાઇ બરોડામાં હતા ત્યારે એમને યાદ છે કે ઘણી બધી ચર્ચા ત્યારે થતી. પણ એક તબક્કા પછી ચીમનભાઇ પટેલે ગુજરાતની અસ્મિતાના નામે..આજે પણ એ ચાલે છે. ચીમન પટેલ છોટા સરદાર હતા, આજે મોદીસાહેબ છોટા સરદાર થઇ ગયા છે. પ્રકાશભાઇ ત્યારે મજાકમાં એવું કહેતા હતા કે જો સરદાર ચીમનભાઇ પટેલ પછી જન્મ્યા હોત તો લોકો એને શું કહેત? છોટે ચીમન. આજે એ કદાચ છોટે મોદી કે છોટે અડવાણી બની જાય.

નર્મદા યોજના 1961માં પાયો નાખ્યો. આજે 2013ની વાત કરું છું. હજુ પણ મોદી સરકારના શાસનમાં નર્મદા યોજનાનું 8 હજાર કિલોમીટરનું કેનાલ, સબકેનાલ, માઇનર, સબ માઇનર એટલું કામ થયું છે. એથી અગાઉ કોંગ્રેસ અને કેશુભાઇના શાસનમાં લગભગ 12 હજાર કિલોમીટરનું કામ થયું હતું. બાબુભાઇ જશભાઇ પટેલ, સનત મહેતા એ કક્ષાના લોકો – ખૂબ રસ લીધો હતો એને કારણે કામ થયું હતું. હજુ 64 હજાર કિલોમીટરનું કામ બાકી છે. અને આ સ્પીડે જો પ્રોજેક્ટ ચાલે તો બીજાં 17 વર્ષ સુધી પ્રોજેક્ટ પૂરો થાય એમ નથી. નર્મદા યોજના કુલ 9 મિલિયન એકર ફીટ પાણી મળે એવું છે ને આપણા મોદીસાહેબે 27 મિલિયન એકર ફીટ (પાણી)ની વહેંચણી કરી નાખી છે.

આજના છાપાઓમાં લખાય છે કે સૌરાષ્ટ્રના તમામ ડેમ સુકાઇ ગયા છે.   આ (દીપક) કહે છે ને કે અર્બન મિડલ ક્લાસ. મોદીસાહેબ એને નીઓ મીડલ ક્લાસ કહે છે. એ જ એના મતદારો છે. અમરેલીમાં શું થાય છે..વિશ્વ હિંદુ પરિષદે બહુ સારી ટીકા કરી છે કે જો ખરેખર વિકાસ થયો હોત તો 12 ટકા એગ્રીકલ્ચરલ ગ્રોથ કરનાર દિલીપ સાંગાણી કૃષિમંત્રી તરીકે હારી ન જાત. એ અમરેલીમાં હારી ગયા. જો નેનો પ્રોજેક્ટ સક્સેસ સ્ટોરી હોત તો સાણંદમાં ભાજપ ન હારી ગયું હોત. જો જયનારાયણ વ્યાસે હેલ્થ મિનિસ્ટર તરીકે સારું કામ કર્યું હોત તો એ સિદ્ધપુરમાં હારી ન જાત. ફકીર વાઘેલાએ સામાજિક અને ન્યાય અધિકારિતા તરીકે સારું કામ કર્યું હોત તો એ વાવ-થરાદમાં હારી ન જાત અને હોમ મિનિસ્ટરે ખરેખર સારું કામ કર્યું હોત તો એ હિંમતનગરમાં હાર્યા ન હોત. અને ભારતીય જનતા પાર્ટી જો ખરેખર આટલી સારી પાર્ટી ચાલતી હોત તો પાર્ટીના પ્રેસિડેન્ટ જામનગર જિલ્લામાં હાર્યા ન હોત. પણ એ વીએચપી કહે તો શોભાસ્પદ છે. કારણ કે એ એમને ગઝની પણ કહે છે અને ગદ્દાર પણ કહે છે કે તમે આ ઓડના લોકોને કેમ છૂટ આપી. કારણ કે એ તેમને વધારે સારી રીતે ઓળખે છે...

ચર્ચાનો વિષય એ નથી. ચર્ચાનો વિષય એ છે કે આપણે ત્યાં ડીબેટનું કલ્ચર નથી. પછી એ એક્સપ્રેસ હાઇ વે બનવાનો હોય, નર્મદા યોજનાની વાત ચાલતી હોય, દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર કોણ બનાવે છે, દિલ્હી-મુંબઇ ફ્રેટ કોરિડોર કોણ નક્કી કરે છે, ગુજરાતમાં ન્યુક્લિઅર પાવર સ્ટેશન બનવું જોઇએ કે નહીં, કઇ જગ્યાએ ફેક્ટરી—મને યાદ છે, ડોક્ટર કનુ કલસરિયા સીએમ ઓફિસમાંથી બહાર આવ્યા ત્યારે રીતસર એમની આંખમાંથી આંસુ વહેતાં હતાં. મેં એમને પૂછ્યું, શું થયું? ત્યારે એમણે કહ્યું, ‘મને સાહેબે એવું કહ્યું, તમે મેધા પાટકરની પુરૂષ આવૃત્તિ છો. તમે નિરમા પ્રોજેક્ટનો વિરોધ શું કામ કરો છો? મેં કહ્યું કે હું માત્ર એટલી રજૂઆત કરવા ગયો હતો કે જે જગ્યાએ તમે પ્લાન્ટ બનાવો છો એ પ્લાન્ટની માટે ના માટે એ જગ્યા યોગ્ય નથી.’ ત્યારે એમને એ બિરૂદ આપવામાં આવ્યું.  પ્રોબ્લેમ એ છે કે આપણે ત્યાં ડીબેટનું કલ્ચર નથી. એટલે પત્રકારત્વ એ વિધાયક પરિબળ ચોક્કસ છે, પણ એને ડીબેટનું પરિબળ એન્કરેજ કરવાનો  કોઇ અધિકાર નથી અથવા એના માટેની મોકળાશ નથી.

ગુજરાતમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીઅન બનતો હોય કે સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન બનતો હોય કે ગિફ્ટ સિટી બનતું હોય તો ત્યાં ખરેખર લાભાર્થીઓ કેટલા છે અને આસપાસમાં રહેતા લોકોને કેટલું નુકસાન થાય છે એના વિશે કોઇ ચર્ચા પણ કરવા તૈયાર નથી. ક્લાસિક એક્ઝામ્પલ રાઇટ ટુ ઇન્ફર્મેશનમાં એ છે કે આપણે ત્યાં 12 હજાર રાઇટ ટુ ઇન્ફર્મેશન એપ્લિકેશન પેન્ડિંગ છે. અને એમાં એવી એક સે બઢકર એક ચુનંદા એપ્લિકેશન્સ છે કે જેનો તમને અંદાજ પણ ન આવી શકે.

એક એપ્લિકેશન એવી છે કે નેનો પ્રોજેક્ટને ગુજરાત સરકારે શું રાહત આપી? એનો છેલ્લે ચીફ ઇન્ફર્મેશન કમિશનરે એવું કહીને નિકાલ કર્યો કે આ ટ્રેડ સિક્રેટ છે. એટલા માટે માહિતી ન મળે. હવે વાસ્તવિકતા એ છે કે નેનો પ્રોજેક્ટ માટે 1100 એકર જમીન 900 રૂ.ના ભાવે આપવામાં આવી. પ્લસ 100 એકર બીજી વધારાની જમીન એન્સીલીઅરી યુનિટ્સ માટે આપવામાં આવી. પ્લસ એને બીજી વધારાની 100 એકર જમીન પોલ્યુશન ડમ્પ કરવા માટે આપવામાં આવી. એને એગ્રીમેન્ટમાં લખવામાં આવ્યું છે કે સ્ટેમ્પ ડ્યુટી માફ. કોઇ સર્વિસ ટેક્સ નહીં લેવામાં આવે. 9760 કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોન 20 વર્ષના મોરેટોરિયમ પીરિયડથી 0.1 ટકાના દરે આપવામાં આવી છે. એટલું જ નહીં, સિંગુરથી સાણંદ નેનો પ્લાન્ટ પ્રોજેક્ટ આવે એ માટેનો સરકારે 750 કરોડ રૂ. રિલોકેશન ચાર્જ પણ ભરી દીધો છે. નેનો જ્યાં બને ત્યાંથી દિલ્હી મુંબઇ ફ્રેટ કોરિડોર, દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને હાઇ વે સુધી ટુ લેન અને ફોર લેનના રોડ બાંધી આપવાની પરવાનગી આપવામાં આવી છે અને એથી પણ વિશેષ લખવામાં આવ્યું છે કે ગુજરાતના યુવાનોને રોજગારી નહીં આપવાની તમને છૂટ આપવામાં આવે છે. આ બધું જ પબ્લિક ડોમેઇનમાં છે, છતાં પણ રાઇટ ટુ ઇન્ફર્મેશનમાં મળતું નથી. એટલા માટે કે સરકાર એવું માને છે કે એ ટ્રેડ સિક્રેટ છે...

બીગેસ્ટ ચેલેન્જ ગુજરાતી જર્નાલિઝમ સામે છે તે એ કે એક તો પેઇડ ન્યૂઝ કલ્ચર છે. અને જે લોકો દાવો કરે છે કે અમે પેઇડ ન્યૂઝમાં નથી માનતા એ એટલા કરે છે કે તેમનું પ્રી-પેઇડ મેનેજમેન્ટ થયેલું છે. સેકન્ડ પ્રોબ્લેમ એ છે કે જે ઓપિનિયન્સ અને આર્ટિકલ્સ આવે છે તે જનરલી મેન્યુફેક્ચર્ડ થઇને આવે છે. પછી એપ્કો એજન્સી લખી આપતી હોય કે કોઇ પીઆર એજન્સી લખી આપતી હોય કે નિવૃત્ત તંત્રીઓ લખી આપતા હોય.

હું છેલ્લાં પાંચ વર્ષમાં એટલી નવી ટર્મિનોલોજી, દૃષ્ટિબહેન, શીખ્યો છું..લોબીઇંગ તો આપણે સમજ્યા, અમુક લોકો કહે કે હું ‘મીડિયા ઇન્ટેલિજન્સ’ના જોબમાં છું. મેં કહ્યું, ‘એટલે શું?’ એટલે કહે, ‘બધી તમારી માહિતી અમારે આપવાની સાહેબને. અમને એનું પૂરું વળતર મળે છે.’ અમુક લોકો જે પ્લાન્ટિંગ સ્ટોરી કરવાના જ (કામમાં) છે. અમુક લોકો મીડિયા એજ્યુકેશનમાં છે. એટલે કે આ દીપકભાઇને જઇને સમજાવી આપવાનું કે એમાં ખરેખર લાભ આટલા છે, ગેરલાભ આટલા છે. મને આવીને બ્રીફ આપી જાય. કોઇ અજાણ્યા નામેથી મારી પર ઇ-મેઇલ આવી જાય અને તેમાં કમ્પ્લીટ ડીટેઇલ્સ હોય...

પર્સનલી મને લાગે છે કે મીડિયા ઇઝ નોટ બાયસ્ડ. મીડિયા ઇઝ ફેસિંગ ક્રેડિબિલિટી ક્રાઇસિસ... લોકો નક્કી કરી જ લે છે કે બે દિવસ ને ત્રણ દિવસ સ્ટોરી આવે એટલે હજુ આનું સેટિંગ નથી થયું. અધરવાઇઝ... અને એનું કારણ ન્યૂઝપેપર ઇકોનોમિક્સ પણ છે.

મુંબઇમાં 600 કરોડ (રૂ.)નું એડ રેવન્યુ હોય તો તેમાંથી 475 કરોડ રૂ. માત્ર અંગ્રેજી છાપાં ખાઇ જાય છે. બાકીના 50 કરોડ ચેનલો ખાઇ જાય છે. 75 કરોડમાંથી ગુજરાતી છાપાં, મરાઠી છાપાં, હિંદી છાપાંએ જો પોતાનો મેળ કરવાનો હોય તો એ કઇ રીતે પોતાનું ઇકોનોમિક્સ સેટ કરી શકે?

બીજું કે, ગુજરાતી અને મરાઠી કે હિંદી કે લેંગ્વેજ છાપાંની મર્યાદા એ છે કે વગર લેવેદેવે 33 ટકાનો ભાગીદાર તો તમારો હોકર થઇ જાય છે. બે રૂ.નું છાપું હોય તેમાંથી 33 ટકા હોકરને આપી દેવાના. પ્લસ એડવર્ટાઇઝમેન્ટ યિલ્ડ ઇઝ નોટ વેરી હાઇ. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પર કોલમ સેન્ટિમિટર 5,500 રૂ. હોય તો દિવ્ય ભાસ્કરમાં એ 900 રૂ. હોય અને એમાં પણ 80 ટકા ને 40 ટકા ને એવું ડિસ્કાઉન્ટ ચાલતું હોય, વીચ ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ નેવર કોમ્પ્રોમાઇઝ. બટ ગુજરાતી ન્યૂઝપેપર્સ, બીકોઝ ઓફ કોમ્પીટીશન, ધે હેવ ટુ કોમ્પ્રોમાઇઝ. પ્રોડક્શન કોસ્ટ ઓફ ન્યૂઝપેપર ઇઝ વેરી હાઇ. બે રૂપિયામાં જે છાપું વેચાય છે તેની પ્રોડક્શન કોસ્ટ 8 થી 9 રૂ. છે. તેમાં હોકરને 33 ટકા આપી દેવા પડે છે. એડમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. ન્યૂઝ પેપરના ભાવ વધે છે. ડોલરની પેરિટી જે છે – કારણ કે તમે બધું ઇન્વેસ્ટમેન્ટ ડોલરમાં કર્યું હોય. એ કોસ્ટ વધે એને કારણે ફટ લઇને પ્રોડક્શન કોસ્ટ વધી જાય છે. એક ડોલર દીઠ એક રૂપિયાનો વધારો થાય તો ન્યૂઝપેપરની એક મહિનાની પ્રોફિટેબિલીટીમાં એક કરોડ રૂ.નું નુકસાન થાય. આ એક સિમ્પલ મેથેમેટિક્સ છે- જો તમારું સર્ક્યુલેશન દસ લાખ કે વધારે કોપી હોય તો.

એને કારણે રિજનલ ન્યૂઝપેપર્સનો પ્રોબ્લેમ છે કે ધે હેવ ટુ કોમ્પીટ વીથ એવરીબડી. વિથ ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ, વિથ ચેનલસ્, વિથ હોર્ડિંગ્સ..એને કારણે પ્રોફિટેબિલિટી મેનેજ નથી અને એને કારણે એને આઉટ ઓફ ધ વે જઇને કોમ્પ્રોમાઇઝ કરવાં પડે છે. એ કેવાં હોય છે?

એડવર્ટાઇઝમેન્ટની પણ એક લિમિટ હોય છે. 1600 સે.મી.ના છાપામાં તમે 800 સે.મી.થી વધારે એડ તો ન જ છાપી શકો. પછી તમે શું કરો? પછી તમે એડવર્ટોરિયલ છાપો, સ્પેશ્યલ સપ્લીમેન્ટ છાપો...રૂપર્ટ મર્ડોકને એક વખત એક પત્રકારે સવાલ પૂછ્યો કે વોટ ઇઝ ધ બિગેસ્ટ ચેલેન્જ? એણે બહુ સરસ જવાબ આપ્યો કે ધ બિગેસ્ટ ચેલેન્જ ફોર ધ ન્યૂઝપેપર્સ ઇન ફ્યુચર ઇઝ ટુ હેવ બ્રિજ બિટવિન ડિજિટલી ડિવાઇડેડ પીપલ...

અનધર પ્રોબ્લેમ વિચ રીજનલ પેપર્સ આર ફેસિંગ- દિવ્ય ભાસ્કરનું સર્ક્યુલેશન દસ લાખ થઇ જાય એથી માલિકોને સંતોષ નથી થતો. કારણ કે ત્યાર પછી પણ જાહેરખબર એટલી આવે છે કે નહીં. એડ આવે છે તો કયા ક્લાસની આવે છે. સર્ક્યુલેશન દસ લાખ કોપી છે નદીની પેલી બાજુ નથી જોઇતું. નદીની આ બાજુ જોઇએ છે. સેટેલાઇટનો રીડર આપણું છાપું વાંચે છે કે નહીં. નવરંગપુરાનો રીડર આપણું વાંચે છે કે નહીં. જજિસ બંગલો રોડ પર આપણી કેટલી કોપી જાય છે?..એ લોકો કહે છે કે આપણું છાપું સોશ્યો-ઇકોનોમિક કેટેગરી ‘એ’માં વંચાવું જોઇએ. બી, સી અને ડી નહીં જાય.... જો બાપુનગરમાં છોકરી પર બળાત્કાર થાય તો મને ઉપરથી સૂચના મળે છે, ‘યાર, છોડ દો. વો ફાલતુ બલાત્કાર હૈ. ઉસમેં મત પડો. સેટેલાઇટમેં બલાત્કાર હો તો કરવાઓ. ઉસકો બઢિયા કવરેજ દે દો. મર્ડર જો હૈ વો વસ્ત્રાપુરમેં હોના ચાહીએ.ધેન ઇટ્સ ન્યૂઝ. વહાં કોઇ મર ગયા તો ઠીક હૈ, કોઇ નહીં પઢતા.’ હું ને પ્રકાશભાઇ તો આ સ્થિતિમાંથી પસાર થઇ ચૂક્યા છીએ...

ક્રોની કેપિટાલિઝમની વાત કરીએ તો મારે ક્રોની કેપિટાલિઝમ શું છે એ સમજાવવું પડે. નેનો પ્લાન્ટના અઢી હજાર કરોડના પ્રોજેક્ટ પાછળ ગુજરાતે 33 હજાર કરોડ રૂપિયા આપ્યા, પણ એ 33 હજાર કરોડ આપવાના કારણે ગુજરાતના ટ્રાઇબલ બેલ્ટમાં કોઇ જ વિકાસ કર્યો નહીં. અલોકેશન ફ્રોમ  ઇઝ 2.92 પર્સન્ટ ફ્રોમ યોર બજેટ એન્ડ અલોકેશન ઇન ધીસ અર્બન એરિયા..માં 80 ટકાથી વધારે તમારું અલોકેશન છે. ધેટ મીન્સ તમારી પ્રાયોરિટી માત્ર ગોલ્ડન કોરિડોર પ્રત્યે છે. વાપી, વલસાડ, નવસારી, સુરત, અંકલેશ્વર, વડોદરા, આણંદ, મહેસાણા, આ બધા એરિયામાં જ તમે ડેવલપમેન્ટ કરવા માગો છો. બ્રોડગેજ ટ્રેનનો જે એરિયા જાય છે તેના વીસ કિલોમીટર આ બાજુ ને વીસ કિલોમીટર આ બાજુ. પૂર્વ પટ્ટી આદિવાસી વિસ્તારમાં આજે પણ જુઓ તો, બનાસકાંઠામાં, સાબરકાંઠામાં, દાહોદમાં, પંચમહાલમાં – જેમ પ્રેસ કાઉન્સિલના જસ્ટિસ કાત્જુએ કહ્યું કે ત્યાં હાલત સોમાલિયા કરતાં બદતર છે- એમાં કદાચ અતિશયોક્તિ હશે, પણ 50 ટકાથી વધારે નહીં હોય. કારણ કે હાલત ખરેખર બદતર છે. એવું પ્રો.વાય.કે.અલગ અને ઇંદિરા હીર્વે પણ કહે છે. અનફોર્ચ્યુનેટ વાત એ છે કે એ કોઇ સાંભળવા તૈયાર નથી. ગુજરાતમાં તો સૌથી ખરાબ પરિસ્થિતિ એ છે કે વી હેવ એ કલ્ચર ઓફ શૂટિંગ ધ મેસેન્જર. એટલે કે આશિષ નંદીએ દિલ્હીમાં બેઠાં બેઠાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એડિટ પેજ પર એક આર્ટિકલ લખ્યો અને એમાં એમણે કહ્યું કે ગુજરાતનું અર્બન મિડલ ક્લાસ કલ્ચર છે તેને કારણે ભાજપ સરકાર સત્તામાં આવે છે. તો એની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ થઇ ગયો અને બિચારાને સુપ્રીમ કોર્ટમાં જઇને જામીન લેવા પડ્યા. નાઉ, પ્રો. આશિષ નાંદી ઇઝ 76 યર્સ ઓલ્ડ સોશ્યોલોજિસ્ટ. નથિંગ ટુ ડુ. છતાં એને કંઇ દેશદ્રોહ કરવા જેવી વાત હતી નહીં. પ્રબલ પ્રતાપસિંઘ- અનધર જર્નાલિસ્ટ. એણે રાષ્ટ્રપતિ એપીજે કલામ સાથે વાત કરીને કહ્યું કે આ એક બાળક રાહત છાવણીમાં છે. એને મદદ મળતી નથી. એપીજે કલામે રાજ્યપાલને કહ્યું. છતાં ત્રણ મહિના પછી મદદ મળી નહીં. પ્રબલ પ્રતાપસિંઘે એ સ્ટોરીનું ફોલોઅપ કર્યું. એની સામે પણ રાષ્ટ્રદ્રોહનો કેસ થયો. સુભાષિની અલીએ એવું કહ્યું કે આ દેશ માટે ઓસામા બિન લાદેન ખતરનાક છે, તો નરેન્દ્ર મોદીની કટ્ટરવાદી નીતિ પણ ખતરનાક છે. એમની સામે પણ રાષ્ટ્રદ્રોહનો કેસ થયો. ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ સામે પણ રાષ્ટ્રદ્રોહનો કેસ થયો. રાષ્ટ્રદ્રોહના લગભગ ડઝન જેટલા કેસીસ ગુજરાતમાં થયા. બીકોઝ ધે ફીલ કે મીડિયા શુડ આઇધર રીમેઇન સાઇલેન્ટ ઓર શુડ બીકમ સાઇલેન્ટ સ્પેક્ટેટર એન્ડ શુડ હેવ નો વોઇસ...

ગુજરાતી પત્રકારત્વે પણ વાઇબ્રન્ટ કે વિધાયક બનવું હોય અને વિઘાતક ન બનવું હોય તો ઇટ ઇઝ ટાઇમ. એ સમય આવી ગયો છે...તમે જ્યાં પણ રહો, ડોન્ટ કોમ્પ્રોમાઇઝ વિથ યોર કન્ટેન્ટ, ડોન્ટ કોમ્પ્રોમાઇઝ વિથ યોર કન્સીસ્ટન્સી. એન્ડ ઇફ યુ ડોન્ટ ડુ ઇટ, વન ડે પીપલ વુડ અન્ડરસ્ટેન્ડ વ્હેર ટ્રુથ લાઇઝ અને તો જ પત્રકાર એક વિધાયક પરિબળ તરીકે બહાર આવી શકે. 

Sunday, January 13, 2013

સોમનાથઃ ઇતિહાસનું સગવડીયું અનુસંધાન

રોમીલા થાપરના પ્રવચનની ઓડિયો લિન્ક (રેકોર્ડિંગઃ બિનીત મોદી)
http://www.hark.com/clips/zcymmmlsrq-romila-thapars-lecture-on-somnath-temple

ગુજરાતી ઇતિહાસકાર શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઇ અને તેમના પછીના સમયમાં રાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતાં ઇતિહાસકાર રોમીલા થાપર- આ બન્નેના એકબીજાથી સ્વતંત્ર અભ્યાસમાંથી એક વાત જણાય છે કે ઇ.સ.૧૦૨૬માં મહેમૂદે સોમનાથ પર કરેલી ચડાઇ (વીસમી સદીમાં થયેલા) હિંદુ-મુસ્લિમ વેરઝેરનું મૂળ કારણ અથવા તેના પાયામાં રહેલી ઘટના નથી.

રોમીલા થાપરની રજૂઆત પ્રમાણે, અંગ્રેજ ઇતિહાસકારોએ ભારતના ઇતિહાસને પોતાની સગવડ ખાતર  હિંદુ યુગ અને મુસ્લિમ યુગમાં વહેંચી નાખ્યો. આમ કરવા પાછળનો એક સંભવિત હેતુઃ ‘મુસ્લિમ યુગ’નો અંત આણવા બદલ  હિંદુઓ અંગ્રેજોના આભારી રહે.

‘હિંદુ યુગ’ માટે અંગ્રેજોએ સંસ્કૃત- જૈન ગ્રંથો અને ‘મુસ્લિમ યુગ’ માટે તેમણે પર્શિયન-તુર્કી ગ્રંથોને જ પ્રમાણભૂત ગણ્યા. સોમનાથ પર મહેમૂદના આક્રમણ અને ત્યાર પછીના સમયગાળા માટે પણ તેમણે દરબારી ઇતિહાસ સિવાયનાં બીજાં (સંસ્કૃત- જૈન ધર્મનાં) લખાણોની અવગણના કરી.

પ્રો. થાપરે - અને ત્યાર પહેલાં શંભુપ્રસાદ દેસાઇએ- ટાંકેલા, ચડાઇ પછીનાં સો-બસો વર્ષના ગાળાના ભારતીય ગ્રંથોમાં, મહેમૂદના આક્રમણ પછી સ્થાનિક  હિંદુ મુસ્લિમો વચ્ચે વેરભાવના કોઇ ઉલ્લેખ કે સંકેત તેમને મળ્યા નથી. સિદ્ધરાજ જયસિંહના અનુગામી કુમારપાળે હુમલાની એકાદ સદી પછી સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, ત્યારે હુમલાથી નહીં પણ હવામાનથી કે લાકડાં જૂના થઇ જવાથી મંદિર જીર્ણ થયાના ઉલ્લેખો એ ગ્રંથોમાં હોવાનું પણ બન્ને ઇતિહાસકારોએ નોંઘ્યું છે. (અલબત્ત, એ વાંચતી વખતે જૈન ધર્મ અને શૈવ-શિવભક્તોના સંપ્રદાય વચ્ચેનો સ્પર્ધાભાવ પણ યાદ રાખવો પડે.)

પ્રો.થાપરનું બીજું તારણ ચર્ચાસ્પદ છે. અમદાવાદમાં ઉમાશંકર જોશી સ્મૃતિવ્યાખ્યાનમાં - અને તેના ગુજરાતી સારમાં- તેમણે કહ્યું કે  સોમનાથ પર આક્રમણના મુદ્દે  હિંદુ મુસ્લિમો વચ્ચેનું વેરઝેર અંગ્રેજોના દિમાગની પેદાશ છે. હિંદુ-મુસ્લિમ વચ્ચે ફૂટ પાડીને ભારત પર નિરાંતે રાજ કરવા માગતા અંગ્રેજોએ સોમનાથને  હિંદુની ધાર્મિક લાગણીનો મુદ્દો બનાવી દીઘું. આ દલીલના ટેકામાં એમણે 1843માં બ્રિટિશ સંસદમાં થયેલી ચર્ચાનો હવાલો આપ્યો છે.

શંભુપ્રસાદ દેસાઇએ તેમના ગ્રંથ ‘પ્રભાસ અને સોમનાથ’ના ચોથા પરિશિષ્ટમાં ‘સોમનાથનાં દ્વારો’ એ પ્રકરણ હેઠળ આ મુદ્દો વિગતે નોંઘ્યો છે. તેમાં જણાવ્યા પ્રમાણે, ૧૮૩૬માં અફઘાનો સામેના યુદ્ધમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સૈન્યનો કારમો પરાજય થયો. એ માટે અંગ્રેજી સૈન્યમાં રહેલા મુસ્લિમો પણ ગૌરવ અનુભવવા લાગ્યા. પરાજયનો બદલો લેવા માટે, નવા નીમાયેલા ગવર્નર જનરલ એલનબરોએ  નવેસરથી, ફક્ત  હિંદુ ના બનેલા સૈન્યને કાબુલ મોકલવા વિચાર્યું. નવેમ્બર ૧૭, ૧૮૪૨ના રોજ ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો કે ‘જનરલ નોટ કાબુલ પર ચડાઇ લઇને જાય છે, તેને આજ્ઞા કરવામાં આવે છે કે કાબુલ અને ગઝનીના વિજય પછી મહમૂદ ગઝનવીના મકબરામાં તેની ગદા લટકે છે તે અને તેના મકબરાનાં દ્વારો કે જે સોમનાથ મંદિરનાં છે તે લઇ આવવાં. તે એમની વિજયકૂચનાં સાચાં સ્મારક થશે.’
ગવર્નર જનરલ એલનબરો/ Ellenborough

આ તરકીબને કારણે કે એ સિવાય, પણ અંગ્રેજો વતી લડતા  હિંદુ સૈનિકો અફઘાન યુદ્ધમાં વિજયી થયા. સાથે તે મહમૂદના મકબરા પર લગાડેલાં દ્વાર પણ આદેશ મુજબ લઇ આવ્યા. પણ લોર્ડ એલનબરોએ વચન મુજબ એ દ્વાર સોમનાથ મોકલવાની દરખાસ્ત કરી ત્યારે બ્રિટિશ સંસદમાં તેનો વિરોધ થયો. માર્ચ ૯, ૧૮૪૩ના રોજ સંસદમાં એ વિશે શરૂ થયેલી ચર્ચાને અંતે વિરોધનો ઠરાવ ૨૪૨ વિરુદ્ધ ૧૪૭ મતે પસાર થતાં એ દ્વાર સોમનાથ મોકલવાનું માંડી વાળવું પડ્યું અને શંભુપ્રસાદે ૧૯૬૫માં તેમનો ગ્રંથ લખ્યો ત્યાં સુધી એ આગ્રાના કિલ્લામાં જ પડી રહ્યાં હતાં. એ દ્વારનાં માપ અને વર્ણન સાથે શંભુપ્રસાદે નોંઘ્યું છે કે ‘આ બારણાં, તેનું કાષ્ટ, ઘડતર અને માપનો વિચાર કરતાં (તે) સોમનાથનાં હોવાનું જણાતું નથી.’

આ વિગતો થકી રોમીલા થાપરે એવું તારવ્યું કે સોમનાથના મુદ્દે  હિંદુ મુસ્લિમો વચ્ચેના વેરનો ખ્યાલ પહેલી વાર બ્રિટિશ સંસદમાં ઉદ્‌ભવ્યો. સાથોસાથ, મહમૂદના હુમલાનો બનાવ  એક હજાર વર્ષ પછી પણ કેવી રીતે યાદ રહ્યો તે ‘રસનો અને કોયડાનો વિષય છે’ એવું તેમણે પ્રવચનમાં કહ્યું.

શંભુપ્રસાદે નોંધેલી તવારીખ પણ નજર કરતાં જોકે આ વાત એટલી કોયડારૂપ લાગતી નથી. પ્રો. થાપર સોમનાથ પર મહમૂદની ચડાઇથી અટકી જાય છે, પરંતુ ત્યાર પછીની સદીઓમાં તેની પર થયેલા બીજા હુમલા ને તેમની અસરો વિશે વાત કરતાં નથી. શંભુપ્રસાદે નોંઘ્યું છે, ‘ઇ.સ.૧૦૨૬માં મહમૂદ ગીઝનવીએ સોમનાથના પવિત્ર દેવાલયનો ઘ્વંસ કર્યો, તે પછી પોણા ત્રણસો વર્ષ શાંતિમાં પસાર કરી પ્રજાએ ઇ.સ.૧૩૦૦માં અલાઉદ્દીન ખિલજીના પ્રબળ સૈન્યો દ્વારા સોમનાથનો વિનાશ જોયો અને તે પછી ચાર સદીઓ સુધી એ જ કાર્યક્રમ વારંવાર નિહાળ્યો.’ ‘ઇતિહાસકારોનાં વિધાનો વિચારતાં એમ જણાય છે કે સોમનાથના દેવાલય ઉપર ચડાઇ કરવાની એક ફેશન થઇ ગઇ હતી.’ એવી ટીપ્પણી પણ તેમણે કરી છે.

ગુજરાત અકબરના સામ્રાજ્યનો હિસ્સો બન્યું ત્યાર પછી તેનો સેનાપતિ મિર્ઝા કોકા ઇ.સ.૧૫૯૪માં પ્રભાસ આવ્યો હતો. એ વખતે  શહેરના કાજી અને સ્થાનિક લશ્કરી અધિકારીએ કાવ્યસ્વરૂપે ફારસી ભાષામાં લાંબી અરજી કરી હતી. તેમાં મિર્ઝાને વિનંતી કરાઇ હતી કે શહેરના સર્વ નિવાસીઓ મૂર્તિપૂજક હોવાથી તેમની કતલ કરવી અને સોમનાથનું મંદિર તોડાવી પડાવું. આ સચવાયેલી અરજી ચારેક સદી પછી ખુદ શંભુપ્રસાદ દેસાઇએ વાંચી હતી. એટલું જ નહીં, તેમાંથી એમને યાદ રહેલી છ ફારસી પંક્તિઓ પણ તેમણે ગ્રંથમાં ટાંકી. આ અરજી આધારભૂત હોય તો એ સૂચવે છે કે સોમનાથ મુદ્દે  હિંદુ મુસ્લિમોના અમુક વર્ગ વચ્ચે તનાવ અંગ્રેજોના આગમન પહેલાં શરૂ થઇ ચૂક્યો હતો.

પ્રો.થાપર બ્રિટિશ સંસદમાં ઇ.સ.૧૮૪૩માં થયેલી ચર્ચાથી સોમનાથના મુદ્દે  હિંદુ મુસ્લિમ વિખવાદનાં મંડાણ દર્શાવે છે, પણ એ અરસામાં ઇ.સ.૧૮૧૨થી સોમનાથમાં થયેલી કોમવાદી ખટપટોનો ઉલ્લેખ પ્રો.થાપરના પ્રવચન કે નોંધમાં મળતો નથી. ઇ.સ.૧૮૩૩માં જૂનાગઢના નવાબ બહાદરખાને   હિંદુઓની ફરિયાદને લક્ષમાં રાખીને, તેમની ધાર્મિક લાગણીઓ દુભાય એવાં કૃત્યો બંધ કરાવ્યાં. એ અંગે શંભુપ્રસાદ લખે છે,‘જૂનાગઢના મુસ્લિમ નવાબ અને મુસ્લિમ અધિકારીઓએ નિષ્પક્ષપાત ન્યાય કર્યો.  હિંદુનાં તીર્થોની મર્યાદા જાળવી. મુસ્લિમોનો મોટો ભાગ શાંતિમય જીવન જીવવા અન્ય વ્યવસાયમાં પડ્યો, પણ જે તત્ત્વોને ઉપદ્રવ જ કરવો હતો તેમણે તેમની પ્રવૃત્તિ ચાલુ રાખી.’

આમ, પ્રો. થાપરની દલીલનો પહેલો ભાગ, બીજા પુરાવા ન મળે ત્યાં સુધી સાચો છે કે મહમૂદની ચડાઇ પછીનાં સો-બસો વર્ષમાં  હિંદુ-મુસ્લિમો વચ્ચે વિખવાદ કે તનાવની નોંધ મળતી નથી.

પરંતુ તેની શરૂઆત બ્રિટિશ સંસદમાં છેક ઇ.સ.૧૮૪૩માં થઇ, એવી તેમની દલીલ સ્વીકારી શકાય એવી નથી. કારણ કે શંભુપ્રસાદ દેસાઇના ‘પ્રભાસ અને સોમનાથ’માં મહમૂદની ચડાઇથી માંડીને ૧૯મી સદી સુધીના ગાળામાં એવી ઘણી ઘટનાઓ મળે છે, જે સોમનાથના મુદ્દે  હિંદુ મુસ્લિમ વિખવાદ સૂચવતી હોય. પ્રો. થાપર આ ઘટનાઓને તેમના અભ્યાસમાં કેવી રીતે ગોઠવે છે, એ જાણવાથી આ ચર્ચા સાર્થક દિશામાં આગળ વધારી શકાય.

સોમનાથ પર ચડાઇના મુદ્દે બે-ત્રણ મહત્ત્વની આડવાતોનો પણ છેલ્લે ઉલ્લેખ કરી લઇએ.

સોમનાથ પરની ચડાઇને કેવળ  હિંદુ  પર મુસ્લિમ આક્રમણ તરીકે ન જોઇ શકાય, એ દર્શાવવા માટે પ્રો.થાપરે કહ્યું કે સુન્ની મુસ્લિમ એવો મહમૂદે રસ્તામાં આવતા શિયા કે ઇસ્લામિયા મુસ્લિમોનાં ધર્મસ્થાન તોડ્યાં હતાં અને એ લોકોને હણ્યા હતા. એવી જ રીતે, પોર્ટુગીઝોએ ઇ.સ.૧૫૪૭માં દીવનું યુદ્ધ જીતી લીધા પછી પ્રભાસમાં આગ અને લૂંટફાટ મચાવી. તેમાં બીજાં મંદિર-મસ્જિદ ઉપરાંત સોમનાથનું મંદિર તોડ્યું હોવાનું શંભુપ્રસાદે નોંઘ્યું છે.

પ્રચલિત માન્યતા એવી છે કે મહમૂદે સોમનાથ પર સોળ વાર ચડાઇ કરી હતી, પરંતુ નોંધાયેલા ઇતિહાસ પ્રમાણે ઇ.સ.૧૦૦૦થી ઇ.સ. ૧૦૨૨ સુધી કરેલી પંદર સવારીઓમાં એક પણ વાર તે સોમનાથ ગયો ન હતો.  સોળમી સવારી માટે તે ૧૮ ઓક્ટોબર, 1025ના રોજ ગઝનીથી નીકળ્યો અને ૨૪ જાન્યુઆરી, 1025ના રોજ સોમનાથથી મુકામ ઉપાડીને ગઝની તરફ વળતી કૂચ કરી. મહમૂદના સૈન્યમાં તિલક અને સુંદર જેવા  હિંદુ અફસરો ઊંચા હોદ્દા પર હતા, એ જાણીતી વાત છે. એવી જ રીતે ગઝનીમાં પણ હિંદુઓની નોંધપાત્ર વસ્તી હતી.

ભૂતકાળમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે થયેલાં મનાતાં પાણીપતથી માંડીને બીજાં ઘણાં મહત્ત્વનાં યુદ્ધોમાં મુસ્લિમ સૈન્યમાં  હિંદુનું અને  હિંદુના સૈન્યમાં મુસ્લિમોનું હોવું સામાન્ય ગણાતું હતું. એટલે, વિજેતા મુસ્લિમ શાસક ઇસ્લામના નામે લૂંટફાટ કે કત્લેઆમ કરતા હોવા છતાં, એ લડાઇને અત્યારના સંદર્ભે ‘ હિંદુ-મુસ્લિમ’નાં ચોકઠાંમાં ન મૂકી શકાય.  રાજકારણીઓ સૌથી મોટી કુસેવા એ કરી કે તેમણે ઐતિહાસિક ઘટનાઓને, વચ્ચેનો સમયગાળો અને તેના સંદર્ભો કૂદાવીને, સીધેસીધી વર્તમાનકાળમાં બેસાડી દીધી અને તેના થકી ઉશ્કેરણીનું રાજકારણ શરૂ કર્યું.

સૌથી છેલ્લો સવાલઃ સોમનાથનું મંદિર સૌથી છેલ્લું કોણે અને ક્યારે તોડ્યું? કલ્પી શકો છો?

શંભુપ્રસાદ દેસાઇએ લખ્યું છે,‘અનેક વખત ખંડિત થયા છતાં કાલ સામે અટ્ટહાસ્ય કરી ઊભેલા ભગવાન મહાકાલ સોમનાથના મંદિરને પાડીને તે સ્થળે નૂતન મંદિર બાંધવાનો’ નિર્ણય સોમનાથ ટ્રસ્ટનો હતો, જેના અઘ્યક્ષ જામસાહેબ હતા અને મંદિરના નવનિર્માણની ઘોષણા સરદાર પટેલે કરી હતી. ‘પ્રભાસના પ્રજાજનો, પ્રભાસ ઇતિહાસ સંશોધન સભા, સૌરાષ્ટ્ર ઇતિહાસ પરિષદ વગેરે સંસ્થાઓએ અને વ્યક્તિઓએ (જૂનું મંદિર પાડવા સામે) સખ્ત વાંધાઓ લીધા. સોમનાથ ટ્રસ્ટે આ વાંધાઓ અમાન્ય કરી પુરાતત્ત્વના એક અપ્રતિમ નમૂના જેવા આ મંદિરને પાયેથી પાડી નાખવા નિર્ણય લીધો.’

ઇતિહાસનો આનાથી વિચિત્ર વળાંક કયો હોઇ શકે?

Thursday, January 10, 2013

કળિયુગનાં કેટલાંક સનાતન સત્ય


મોટિવેશનલ, સ્પિરિચ્યુઅલ, ઇન્સ્પીરેશનલ- આ પ્રકારનાં વિશેષણ ધરાવતાં સેમિનાર, પુસ્તકો, કાર્યક્રમોનું બજાર ગરમાગરમ છે. આંબાઆંબલીની ખેતી બારમાસી થઇ ગઇ છે. પરંતુ તેમાં જીવનનાં અસલી રહસ્યો, વ્યવહારુ સત્યો અને રોજિંદી જિંદગીને  સ્પર્શતી બાબતોનો ભાગ્યે જ સમાવેશ થતો હોય છે. તેમાં આપણે શું કરવું જોઇએ એ બહુ કહેવાતું હોય છે - અને એવી ગળા સુધીની ખાતરી સાથે જ કે, તમે ભલે અહીં ડોકાં ઘુણાવો, પણ બહાર જઇને તમારાથી આમાંનું કશું જ થવાનું નથી.

એવાં સત્યોમાં વખત બગાડવાને બદલે - કે બગાડી લીધા પછી- થોડાં વ્યવહારુ છતાં સનાતન સત્ય પ્રકારનાં વિધાનો વધારે ચોટદાર લાગે છે. આ એવાં સત્ય છે જેનો છૂટથી પ્રયોગ કરનારને કોઇ હરિશ્ચંદ્ર કહેતું નથી. ખરેખર તો, સત્યવાદી રાજા હરિશ્ચંદ્રે આ સત્યવચનોમાંથી કેટલાકનો પ્રયોગ કર્યો હોત -જેમ કે, તેણે વિશ્વામિત્રની માગણીઓ સ્વીકારવાને બદલે, કહ્યું હોત કે ‘તમને આપેલું વચન ઠીક છે, પણ હવે પહેલાં જેવું ક્યાં રહ્યું છે? બદ્ધા ચોર છે.’- તો તેની ખરાબ દશા ન થઇ હોત.

ખાતરીથી કહી શકાય કે આવો હળાહળ કળિયુગ ન હોત, તો આ બધાં સનાતન સત્યવચનો કોઇ સારા ધર્મગ્રંથમાં સ્થાન પામ્યાં હોત અથવા શ્રીકૃષ્ણે અર્જુનને ગીતાના કોઇ અઘ્યાયમાં સંભળાવ્યાં હોત.

બદ્ધા જ ચોર છે

આર.કે.લક્ષ્મણના એક કાર્ટૂનમાં ચોકીમાં ઉભેલા બે પોલીસ  સામાન્ય માણસની જેમ કાયદો-વ્યવસ્થાની કથળી ગયેલી સ્થિતિ વિશે ચર્ચા કરતા હતા. જાણે કહેતા હોય, જવા દોને, બદ્ધા ચોર છે.

કેટલીક સમસ્યાઓની જેમ તેની પર અપાતા પ્રતિભાવ પણ સનાતન હોય છે. આ એવો એક પ્રતિભાવ છે, જે કોઇ પણ પ્રકારના બનાવો-પ્રસંગોમાં એકસરખી તીવ્રતાથી અને ખોટા પડવાની બીક વિના ફેંકી શકાય છે. વિષય ચાહે પાણીની અછત હોય કે સાહિત્યમાં ઉઠાંતરી, સ્ત્રી પર થતા અત્યાચાર હોય કે સરકારનાં કૌભાંડ.
માતાજીના પરચાનાં પોસ્ટકાર્ડની સાત નકલો કરનારને પુણ્ય મળશે એવું કહેવાય છે, તેમ આ વાક્ય વારંવાર બોલનારને પોતે જાગ્રત નાગરિક હોવાનો ઊંડો સંતોષ મળે છે. ‘હું બઘું જોઉં-જાણું છું. મારા ઘ્યાનબહાર કશું નથી.’ અને ‘બદ્ધા ચોર છે, પછી મારા જેવો એકમાત્ર શાહુકાર માણસ શું કરી લેવાનો? એટલે હું કંઇ કરતો નથી’ એવી જુદી જુદી અર્થચ્છાયાઓ આ સનાતન સત્યવચનમાં સમાયેલી છે. દિવસમાં ઓછામાં ઓછું બે વાર, જમ્યા પછીની ચર્ચામાં આ બોલવાથી પેટ સાફ આવે છે, એવો અનુભવી વૈદ્યોનો અભિપ્રાય છે.

હવે પહેલાં જેવું ક્યાં રહ્યું છે?

ભૂતમાં કેટલા લોકો માને છે એ જાણવું અઘરું છે, પણ મોટા ભાગના લોકો ભૂતકાળમા માનતા હોય છે. ૮૫ વર્ષના દાદા તેમના ૬૦ વર્ષના નિવૃત્ત દીકરાને કહે છે, ‘અમારા જમાનામાં બે પડી રોટલી ને કંસાર-ઘીની નાતો થતી હતી. તારી બા જોડે મારું ગોઠવાયું ત્યારે છેક લગ્ન સુધી મેં એનું મોં જોયું ન હતું. હવે પહેલાં જેવું ક્યાં રહ્યું છે? આપણો નાનો કેવો એની બહેનપણીઓને ઘરમાં લાવે છે. અમારી વખતે આવું કરીએ તો દાદા ટાંટિયા તોડી નાખે.’

૬૦ વર્ષના નિવૃત્ત પિતા તેમના ૩૫ વર્ષના પ્રવૃત્ત પુત્રને કહે છે,‘આવી રીતે ધંધો થતો હશે? અમારા જમાનામાં બે આંખની શરમે કામ ચાલતું હતું. હવે પહેલાં જેવું ક્યાં રહ્યું છે? નાગાઓનું રાજ છે હવે તો..’

૩૫ વર્ષના પ્રવૃત્ત ભાઇ તેમના ટેણીયાને કહે છે,‘આખ્ખો દહાડો ટીવી ને ગેમ. એ સિવાય બીજો ધંધો જ નહીં. અમને તો આંક ના બોલીએ ત્યાં સુધી ખાવાનું જ ન મળે.’ એટલે ટેણીયાની મમ્મી ટાપસી પૂરશે, ‘હવે પહેલાં જેવું ક્યાં રહ્યું છે?’

ટેણીયું વળતા વ્યવહારે પરદાદાને પૂછશે,‘દાદા, પહેલાં કેવું હતું? મારા જેટલા હતા ત્યારે તમને એબીસીડી આવડતી હતી?’
 ‘ના.’
 ‘ગેમ્સ.. ટીવી..મોબાઇલ..?’
 ‘ના.’
 ‘તમે અમારા જેટલી ધમાલ કરતા હતા?’
 ‘હા, તમારાથી વધારે, પણ તમારા બાપાઓની માફક અમારા બાપાઓ ધમાલથી રાજી થવાને બદલે, અમને ઝુડી પાડતા હતા.’
એ સાંભળીને ટેણીયું કહી શકે છે, ‘હવે ખબર પડી કે પહેલાં કેવું હતું. સારું છે, હવે પહેલાં જેવું નથી.’

કોઇ જાણભેદુ હોવો જોઇએ

લાક્ષાગૃહમાં આગ લાગી ત્યારે સહીસલામત રીતે બહાર નીકળતી વખતે ઘુંઆપુંઆ થયેલા ભીમે પૂછ્‌યું, ‘કોનું કારસ્તા હશે આ?’ ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે મંદ મંદ સ્મિત સાથે કહ્યું હતું, ‘કોઇ જાણભેદુ હોવો જોઇએ.’ ફક્ત યુધિષ્ઠિર જ નહીં, કોઇ પણ આર્યપુરૂષ કે આર્યનારી આ સંજોગોમાં આવું જ કહે.

ગુનાખોરીની ઘટનાઓમાં ‘બદ્ધા ચોર છે’ એ સત્ય કામ લાગતું નથી. એટલે ઘટના વિશેની બારીક ચર્ચા અને ગુસપુસ પછી શેરલોક હોમ્સ- જેમ્સ બોન્ડના મિશ્ર લક્ષણો ધરાવનારા સજ્જનો કહે છે, ‘ગમે તે કહો, પણ કોઇ જાણભેદુનું કામ લાગે છે. એ સિવાય આવું થાય નહીં.’ આવું બોલનાર એટલો ગંભીર હોય છે કે ઘણી વાર તે પોતે પોતાના આવા અદ્‌ભૂત નિરીક્ષણ પર ફીદા થઇને વિચારે છે, ‘આટલું ઊંડું અને મૌલિક તારણ આપવા બદલ મને પોલીસમાંથી કે સીબીઆઇમાંથી ઉચ્ચ હોદ્દા માટે કહેણ આવશે તો હું ના પાડી દઇશ. એ બધામાં આપણા જેવા સારા માણસનું શું કામ?’

ભારતમાં સસ્પેન્સ નવલકથાઓ અને ફિલ્મો અમુકથી વધારે લોકપ્રિય થઇ શકી નથી, તેનું સસ્પેન્સ પણ આ સનાતન સત્યમાં છુપાયેલું હોઇ શકે છે. સસ્પેન્સ સ્ટોરીમાં ખૂન થાય એટલે લોકો વિચારતા થઇ જવા જોઇએ કે ખૂની કોણ હશે? એને બદલે મોટા ભાગના લોકો વિચારે છે, ‘નક્કી કોઇ જાણભેદુ હોવો જોઇએ.’

અમે અહીં રહેવા આવ્યા ત્યારે જંગલ હતું, હવે આ એરિયા વચ્ચોવચ આવી ગયો

આ શહેરીકરણ પામેલી સંસ્કૃતિનું અત્યંત પ્રચલિત સનાતન સત્ય છે. શહેરમાં પાંચ વર્ષથી કે પચીસ વર્ષથી રહેતા સૌ કોઇ હકપૂર્વક આ વાત કહી શકે છે. બહારથી શહેરી યજમાનને ત્યાં આવેલા લોકોને આ સત્ય અચૂક સાંભળવા મળે છે. પુખ્ત વયના યજમાનો આવું કહે ત્યારે તેમાં થોડો ગૌરવનો પણ ભાગ હોય છે કે ‘આ જંગલને આબાદ કરવામાં અમારો પણ ફાળો છે. અમે હંિમત ન કરી હોત તો હજુ અહીં વરૂ-શિયાળવાં ફરતાં હોત.’ કેટલાક શહેરી યજમાનોના ઘરમાં સભ્યોની  અને ખાસ કરીને બાળવર્ગની અસભ્ય રીતભાત જોયા પછી મહેમાનો મનમાં વિચારે છે, ‘તમારો વિસ્તાર ભલે વચ્ચે આવી ગયો, પણ જંગલના સંસ્કાર તમારા ઘરમાંથી છેક નીકળ્યા નથી.’ અને પ્રગટપણે ઉત્સાહથી યજમાનની વાતને ટેકો આપતાં કહે છે, ‘હા, અહીં પહેલાં જંગલ હશે એ તો લાગે જ છે.’

Tuesday, January 08, 2013

સોશ્યલ નેટવર્કિંગઃ ક્રાંતિ અને ભ્રાંતિ વચ્ચેની વાસ્તવિકતા

‘ફ્‌લેશ મોબ’- આ શબ્દપ્રયોગ એક નવી પદ્ધતિ માટે થોડાં વર્ષ પહેલાં સાંભળ્યો હતો. તેનો અર્થઃ ફોન, ઇ-મેઇલ કે સોશ્યલ નેટવર્કિંગની વેબસાઇટ દ્વારા અપાયેલા સંદેશાના પ્રતાપે, જાણે હવામાંથી પ્રગટ્યું હોય તેમ, ઓચિંતું આખું ટોળું કોઇ જાહેર સ્થળે ભેગું થઇ જાય. આશય? બસ, મઝા અથવા આશ્ચર્ય સર્જવું. આ અહેતુકતાને લીધે, જાહેરાતથી માંડીને વિરોધ પ્રદર્શન જેવા ચોક્કસ હેતુ માટે એકઠાં થતાં ટોળાં ‘ફ્‌લેશ મોબ’ કહેવાતાં ન હતાં. હમણાંથી એ શબ્દપ્રયોગ ઓછો સંભળાય છે. તેના બદલે, ‘ફ્‌લેશ મોબ’ના થોડા ગંભીર અને ચોક્કસ હેતુ ધરાવતા ફેસબુક-ટ્‌વીટરપ્રેરિત દેખાવો સતત ચર્ચામાં રહ્યા છે.

અણધાર્યો હેતુફેર 

જાણીતા અજાણ્યા સૌ સાથે ઔપચારિકતા વિના, ઑનલાઇન મળવાની સુવિધા કરી આપતી સોશ્યલ નેટવર્કિંગની સાઇટો શરૂઆતમાં ‘કોલેજિયનો માટેની પ્રવૃત્તિ’ ગણાતી હતી. એ વખતે કોણે ધાર્યું હશે કે કોલેજિયનો-યારોદોસ્તો-સગાવહાલાંની ગપસપ માટે સર્જાયેલી સોશ્યલ નેટવર્કિંગની સાઇટો સત્તાનાં સિંહાસનો સામે મોરચા માંડવાના- અને થોડી અતિશયોક્તિ સાથે કહીએ તો, ક્રાંતિ સર્જવાના- કામમાં આવશે? ‘ટાઇમપાસ’ જ નહીં, ઘણી વાર ‘ટાઇમવેસ્ટ’ ગણાતી આ વેબસાઇટોએ વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શનો યોજવા, સરકાર સામે નાગરિકોના અત્યાર સુધી દબાયેલા અવાજને બુલંદ કરવા અને સત્તાના નશામાં મસ્ત શાસકોને ચોંટીયા ભરીને તેમને દોડતા કરવા જેવાં કામમાં ખાસ્સી સક્રિયતા દાખવી છે.

‘આરબ સ્પ્રિંગ’ - આરબ દેશોમાં લોકશાહીરૂપી વસંતની લહેર જગાડનાર અને ઇજિપ્ત સહિતના કેટલાક દેશોમાં એકહથ્થુ શાસકોને ઉખેડી ફેંકનારાં આંદોલનોમાં સોશ્યલ નેટવર્કિંગ સાઇટોની ભૂમિકા બહુ ચર્ચાઇ. અમેરિકામાં હવે હવાઇ ગયેલા, પણ એક વખતે બહુ ગાજેલા ‘ઓક્યુપાય વૉલસ્ટ્રીટ’ આંદોલનમાં સોશ્યલ નેટવર્કિંગનું માઘ્યમ મહત્ત્વનું બન્યું. ભારત જેવા ‘થાય છે, રહે છે’ અને ‘સબ ચલતા હૈ’ની રાજકીય તેમ જ નાગરિકી પરંપરા ધરાવતા દેશમાં, ચોતરફ ફેલાયેલા નિરાશાના ઘુમ્મસ વચ્ચે સોશ્યલ નેટવર્કિંગ સાઇટોએ આશાનાં થોડાં કિરણ અવશ્ય પ્રસરાવ્યાં છે.

દિલ્હીનો બહુ ચર્ચાસ્પદ બનેલો અત્યાચાર ભારે અરેરાટી ઉપજાવનારો હતો, પરંતુ સાબૂત મનથી વિચારતાં સ્ત્રી પર થતા દરેક અત્યાચાર આટલા જ કમકમાટી ઉપજાવનારા હોય છે. ફક્ત એ વિશે આટલી તીવ્રતાથી વિચારવાનું બનતું નથી એટલું જ. દિલ્હીની યુવતીના કિસ્સામાં સોશ્યલ નેટવર્કંિગ સાઇટો પર લોકોની તીવ્ર પ્રતિક્રિયાઓ આવી. નારીગૌરવ અને કાયદો વ્યવસ્થાના ખુલ્લેઆમ ભંગ કરતાં પણ વધારે, દિલ્હીમાં રહેતા લોકોને પોતાની તથા પરિવારની સલામતીનો  મુદ્દો ઊંડે સુધી સ્પર્શી ગયો હોય એવું પણ બને. કારણ જે હોય તે, પણ સોશ્યલ નેટવર્કંિગની સાઇટોએ લોકોના રોષને બહાર આવવા માટે મોકળું મેદાન પૂરું પાડ્યું.

નાગરિકો દ્વારા, નાગરિકો માટે

લોકલાગણીને વાચા આપવાનું કામ પરંપરાગત રીતે વ્યાવસાયિક પ્રસાર માઘ્યમોનું ગણાતું હતું. અખબારો અને ટીવી ચેનલો સમાચારો ઉપરાંત લોકોનાં લાગણી- સમસ્યા-પ્રશ્નોને જાહેરમાં આણીને, તેના ઉકેલ માટે સત્તાધીશો પર દબાણ ઊભું કરે, એવું તેમની પાસેથી અપેક્ષિત હતું. પરંતુ રાજકીય પક્ષોની જેમ પ્રસાર માઘ્યમો જેમ વઘુ ને વઘુ વ્યાવસાયિક બન્યાં, તેમ એેમની તાકાતના પાયામાં રહેલા લોકોથી-નાગરિકોથી અને તેમની સમસ્યાઓથી વઘુ ને વઘુ વિમુખ થતાં ગયાં. રાજકીય પક્ષોની અને નેતાઓની આવી વિમુખતા ટીકાનો વિષય બની, પણ પ્રસાર માઘ્યમોના વલણમાં ક્રમશઃ આવેલો આ બદલાવ એટલો ચર્ચાયો નહીં.

ચર્ચાય પણ ક્યાં? કારણ કે ચર્ચાનો મંચ પ્રસાર માઘ્યમો પોતે જ પૂરો પાડતાં હતાં. મુખ્યત્વે એ જ કારણથી પ્રસાર માઘ્યમોની બાંધી મૂઠી રહી ગઇ. ઘણાંખરાં પ્રસાર માઘ્યમ કેમિકલ ફેક્ટરી કે મોલ-મલ્ટીપ્લેક્સની જેમ ધંધા માટે નહીં, પણ ટપાલ-રેલવેની જેમ લોકો માટે ચાલે છે, એવો ભ્રમ હજુ ઘણાના મનમાં રહ્યો હોય, તો એનું કારણ આગળ જણાવ્યું એ જ.

ટીવી ચેનલોના અને ઇન્ટરનેટના આગમન પછી નાગરિકો પાસે સમાચાર મેળવવાનાં ઠેકાણાં વઘ્યાં. તેના પરિણામે છાપાંનાં વેચાણ પર તો મોટો ફટકો ન પડ્યો, પણ તેમના પ્રભાવ, વિશ્વસનીયતા અને અસરમાં ગાબડું પડવા લાગ્યું. એક સમયે અન્યાય-અત્યાચાર સામે લડતો નાગરિક ‘છાપામાં આપી દઇશ’ એવી ચીમકી આપી શકતો હતો અને સામેવાળા પર ઘણી વાર તેની અસર પણ થતી હતી. છાપાંનો તાપ મઘ્યાહ્‌નથી આથમણી દિશા તરફ જવા લાગ્યો, એટલે ‘જ્યાં  આપવું હોય ત્યાં આપી દેજો ને થાય તે ઉખાડી લેજો’ એવો અભિગમ વધવા લાગ્યો. તેની સાથે થતી દલીલ હતી, ‘છાપાવાળા ક્યાં સુધી- કેટલા દિવસ છાપશે? અને આટલા બધા સમાચારોની વચ્ચે છાપામાં શું છપાયું એ કોને, કેટલું યાદ રહેશે?’

છાપામાં છપાય એટલે સત્તાધીશો કે ખોટું કરનારા દોડતા થઇ જાય, એ જમાનો વીતી ગયો. ટીવી ચેનલો આવી, એટલે સાર્થક ચર્ચાના બદલે ચર્ચકો વચ્ચે કૂકડાયુદ્ધ કરાવતા બરાડીયા એન્કર આવ્યા. પરંતુ ચેનલો કયા મુદ્દાને કેટલું વજન આપશે, કયો મુદ્દો ક્યાં સુધી ચગાવીને છોડી દેશે, એ બધા સવાલ ઉભા જ રહ્યા. સૌથી અગત્યનું એ કે છાપાંની જેમ ચેનલોના દરવાજા સામાન્ય નાગરિક માટે બંધ રહ્યા. ઉલટું, તેમાં પ્રવેશવાનું અને તેના થકી પોતાનો અવાજ બહાર પહોંચાડવાનું કામ વધારે અઘરૂં જ રહ્યું.

એકવીસમી સદીના ઉત્તરાર્ધમાં સોશ્યલ નેટવર્કિંગની સાઇટો નાગરિકો માટે ખુલ્લો મંચ અને વૈશ્વિક વ્યાપ લઇને આવી. જે બોલવું હોય તે બોલો, લખવું હોય તે લખો. પહેલી ધારની નિરંકુશ અભિવ્યક્તિ. પોતાના વિચારો કે લાગણી કે અસંતોષ અભિવ્યક્ત કરવા માટે ધંધાદારી પ્રસાર માઘ્યમોની મોહતાજી ન રહી. તેનો ઉપયોગ મુખ્યત્વે ગપ્પાંગોષ્ઠિ અને જાતમહિમાથી માંડીને અંગત ગમા-અણગમા બેફામપણે વ્યક્ત કરવા થવા લાગ્યો. પરંતુ ‘આરબ સ્પ્રિંગ’ દરમિયાન ઇજિપ્તના તહરીર ચોકનાં યુવક-યુવતીઓએ  ફેસબુક-ટ્‌વીટરનો અસરકારક ઉપયોગ આંદોલનને હવા આપવા માટે કર્યો. વિશ્વભરમાં તેની નોંધ લેવાઇ અને સત્તા છોડતાં પહેલાં પ્રમુખ મુબારકે ઇજિપ્તમાં ફેસબુક-ટ્‌વીટર પ્રતિબંધિત કરીને આડકતરી રીતે એ સાઇટોનું માહત્મ્ય કબૂલ્યું.

ભારતમાં તેનો પહેલો મોટા પાયે પરચો અન્ના આંદોલન વખતે મળ્યો. ‘ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન’ના ફેસબુક પેજ થકી આંદોલનની ગતિવિધિઓની જાણ કરવામાં આવતી હતી. આ માઘ્યમનું મહત્ત્વ આંદોલનના નેતાઓને મન કેટલું હશે, તેનો ખ્યાલ આપતી એક વાતઃ અન્ના અને કેજરીવાલના રસ્તા જુદા પડ્યા, ત્યારે ‘ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન’ની માલિકી પણ મુદ્દો બની અને તે છેવટે અન્ના હજારે પાસે રહી.

સંભાવના અને મર્યાદા

સોશ્યલ નેટવર્કિંગ સાઇટોની તાકાત જોતાં લાગે કે આઝાદીના આંદોલન વખતે ગાંધીજીએ તેમનાં ‘નવજીવન’, ‘યંગ ઇન્ડિયા’ જેવાં પ્રકાશનો જે આશયથી શરૂ કર્યાં હતાં, કંઇક એ જ પ્રકારની ભૂમિકા અદા કરવાનું સામર્થ્ય તેમનામાં રહેલું છે. ખોટ હોય તો તેની અઢળક ક્ષમતાનો નિઃસ્વાર્થ, સાતત્યપૂર્ણ અને સચોટ ઉપયોગ કરી શકે એવા નેતાની.

સોશ્યલ નેટવર્કિંગની એક ખૂબી એ છે કે તેમાં કોઇ નેતા ન હોય તો પણ, કેવળ નાગરિકો થકી આખી ચળવળ એક હદ સુધી ચાલી શકે છે. દિલ્હીમાં યુવતી પર અત્યાચારના મુદ્દે થયેલાં વિરોધ પ્રદર્શન સોશ્યલ નેટવર્કિંગથી પ્રેરિત અને કોઇની નેતાગીરી વગરનાં હતાં. છતાં, સરકાર આ બનાવને બળાત્કારનો વઘુ એક કિસ્સો ગણીને ખંખેરી શકી નહીં. નેતા વગરનાં ટોળાંના ઘણા પ્રશ્નો હોય છે. આગળ જતાં તેમાં રામદેવ પ્રકારના તકસાઘુઓ મંચ કબજે કરવા પહોંચી ગયા હતા. છતાં, શરૂઆતમાં તે મહદ્‌ અંશે સ્વયંભૂપણે ઉભો થયેલો આક્રોશ હતો, જેને સોશ્યલ નેટવર્કંિગની સાઇટોએ હવા અને મંચ આપ્યાં.

ટીવી ચેનલો અને છાપાં જેવાં પરંપરાગત પ્રસાર માઘ્યમોએ લોકલાગણીને અનુસરવું પડ્યું. તેમાં અલબત્ત ધંધાદારી ગણતરીઓ ખરી જ. છતાં, એક મુદ્દો લોકોના જોશ-જુસ્સાથી પ્રસાર માઘ્યમોએ ઉપાડવો પડ્યો અને સરકારે તેના વિશે નિર્ણયો લેવાની સ્થિતિમાં મુકાવું પડ્યું. બધી આશા ગુમાવી બેઠેલા નાગરિકો માટે એ આશાસ્પદ ઘટના કહેવાય. તેને સાવ ટોળાંશાહીમાં ખપાવી શકાય નહીં.

મોબાઇલ ફોનને કારણે ઇન્ટરનેટનો પ્રસાર વધે તેમ વઘુ ને વઘુ નાગરિકોના હાથમાં સોશ્યલ નેટવર્કિંગનું શસ્ત્ર મુકાવાનું છે. નાગરિકો પોતાને સ્પર્શતા મુદ્દે સરકારની ઉદાસીનતાને આ રીતે ખંખેરી શકે એ બહુ આવકારદાયક અને ઇચ્છનીય બાબત લાગે છે.

કોઇ નેતા ન હોવો કે અસંતોષની અભિવ્યક્તિ સિવાય ઉકેલની કોઇ ચોક્કસ દિશા ન હોવી, એ તેની ખૂબી જેટલી જ તેની મર્યાદા પણ છે. તેનો ફાયદો એ થાય કે દિલ્હીના કેસમાં બન્યું તેમ, રોજ ભેગાં થતાં ટોળાંના દબાણના લીધે (અને એવાં ટોળાં સાથે પનારો પાડવાની સરકારની અણઆવડતને કારણે), સરકારને કાયમી અસર ધરાવતાં કેટલાંક નક્કર પગલાં ભરવાની ફરજ પડે. જેમ કે, પોલીસ સ્ટેશનોમાં અમુક સ્ટાફની નિમણૂંક અથવા ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના અથવા અમુક પ્રકારના ગુના માટેના ખાસ સેલ. આવું કંઇ થાય અને તે ઔપચારિકતાને બદલે અસરકારકતાથી કામ કરે તો એ કામચલાઉ આંદોલનની કાયમી ઉપલબ્ધિ બને.

આ પ્રકારની અસરોનું ભયસ્થાન એ કે તે ફાંસી જેવી આત્યંતિક માગણીઓ તત્કાળ મંજૂર કરવાનો આગ્રહ રાખે અથવા જનલોકપાલ જેવા વિવાદાસ્પદ જોગવાઇઓ ધરાવતા ખરડા પરથી તરત કાયદો બની જાય એવી માગણી કરવા લાગે. તેમાંથી ટોળાંશાહીનો ન્યાય ઉદ્‌ભવે તો બકરું કાઢતાં ઊંટ પેસે. ભારતમાં નવાં તંત્ર ઉભાં થઇ જાય એટલાથી રાજી થઇ શકાતું નથી. એ અસરકારક રીતે કામ ન કરે તો તેના માટે પણ સોશ્યલ નેટવર્કિંગ દ્વારા વિરોધ પ્રદર્શનનો રિવાજ પડવો જોઇએ.

હજુ સોશ્યલ નેટવર્કિંગ દ્વારા નાગરિકોના હાથમાં તાકાત આવવાની શરૂઆત થઇ છે. એટલે નાગરિકો અને સરકાર એમ બન્ને પક્ષે તેમાં નવાઇનું તત્ત્વ ભળેલું છે. સમય જતાં સરકારો વધારે રીઢી થાય અથવા સોશ્યલ નેટવર્કિંગ સાઇટો પર મુકાતાં સ્ટેટસને મળતા પ્રતિભાવો ઓસરવા લાગે અથવા આ પ્રકારના આંદોલનો પછી કામચલાઉ ધોરણે સંતોષાયેલી માગણીઓ લાંબા ગાળે કશી અસર પાડી શકે નહીં, એવું પણ બને.

એથી ઉલટું, સોશ્યલ નેટવર્કિંગ થકી લોકોને ભેગા કરીને, સ્થાનિકથી રાષ્ટ્રિય સ્તર સુધી વિવિધ મુદ્દે લોકઝુંબેશ આદરી શકાય એવું પણ શક્ય છે. અત્યારે તો એ નાગરિકોના ભાથામાં આવેલું સરકારોને ઢંઢોળવાનું અસ્ત્ર લાગે છે. લાંબા ગાળે તેની અસરકારકતાનો આધાર નાગરિકોની સજ્જતા, મૌલિકતા, ઓફલાઇન (અસલી દુનિયામાં) સક્રિયતા અને હેતુની શુદ્ધિ પર રહેશે.

Monday, January 07, 2013

સોમનાથઃ ઇતિહાસ, સંશોધન અને રાજકારણ

Somnath Temple
(રોમીલા થાપરના પ્રવચનની ઓડિયો લિન્ક- રેકોર્ડિંગઃ બિનીત મોદી)
http://www.hark.com/clips/zcymmmlsrq-romila-thapars-lecture-on-somnath-temple

ઇતિહાસ સાથે મોટા ભાગના લોકોને, પાઠ્યપુસ્તકોથી આગળ કશી લેવાદેવા હોતી નથી. દસમા ધોરણ સુધી ઇતિહાસ ભણવાનો અને પછી ભૂલી જવાનો. તેનો સૌથી મોટો ફાયદો ઇતિહાસના શિક્ષકોને અને નેતાઓને થાય છેઃ ઇતિહાસ કદી બદલાતો નથી, એવું માનતા શિક્ષકો આખી જિંદગી એક જ પ્રકારના, બીબાઢાળ ઇતિહાસ પર ખેંચી કાઢે છે, જ્યારે નેતાઓ? એ લોકો ઇતિહાસમાં પોતાને અનુકૂળ એવા વળ અને વળાંકો ચઢાવીને, તેમાંથી રાજકીય ફાયદો નીચોવવા પ્રયાસ કરે છે. મોટા ભાગના લોકોનો ઇતિહાસ વિશેનો અભિગમ ‘સિકંદરને પોરસસે કી થી લડાઇ, તો મૈં ક્યા કરું?’ ટાઇપનો હોય છે. એટલે નેતાઓનું કામ બહુ સહેલું થઇ જાય છે.

ભારતના ઇતિહાસમાં એવો એક વિષય છેઃ સોમનાથ/Somnath Temple પર મહંમદ ગઝનીનો હુમલો. આ હુમલાને મુસ્લિમોના હિંદુ પરના હુમલા તરીકે ગણાવીને, હિંદુઓનું ‘સ્વાભિમાન’ જગાડવા માટે તેનો ઉલ્લેખ કરવાનું સામાન્ય ગણાય છે. ઇ.સ. ૧૦૨૬માં ગઝનીના મહમૂદે કરેલા હુમલાથી ‘હિંદુઓની સામુહિક ચેતનામાં - હિંદુ માનસમાં પેદા થયેલી ચોટ’ હજુ બરકરાર છે અને એ હિંદુ-મુસ્લિમ સંઘર્ષનાં મૂળ કારણમાંનું એક છે, એવું એક વર્ગ દૃઢતાપૂર્વક માને છે.

ઇતિહાસકારોનો બીજો વર્ગ આ માન્યતાનું ખંડન કરીને, ‘હિંદુઓની સામુહિક ચેતનામાં-હિંદુ માનસમાં પેદા થયેલી ચોટ’ના ખ્યાલને અંગ્રેજોની ‘ભાગલા પાડો, રાજ કરો’ ચાલબાજીની પેદાશ ગણાવે છે. તેમની દલીલ છે કે અંગ્રેજોએ હિંદુ-મુસ્લિમો વચ્ચે તિરાડ પહોળી કરવાના બદઇરાદાથી, મહમૂદના આક્રમણનાં લગભગ ૮૦૦ વર્ષ પછી સોમનાથનો મુદ્દો ‘હિંદુઓ પર મુસ્લિમોના આક્રમણ’ તરીકે ચગાવ્યો. આ ઇતિહાસકારો કહે છે કે હુમલો એક લૂંટારુ વૃત્તિ ધરાવતા ધર્મઝનૂની સુલતાને સમૃદ્ધ મંદિરને લૂંટવા-નષ્ટ કરવા માટે કરેલી કાર્યવાહી હતી. તેને ‘હિંદુ-મુસ્લિમ’ સંઘર્ષનો મામલો ગણી શકાય નહીં. આ પ્રકારનો મત ધરાવતાં એક ઇતિહાસકાર છે રોમીલા થાપર. અમદાવાદમાં ઉમાશંકર જોશી સ્મૃતિવ્યાખ્યાન નિમિત્તે તેમણે આ વિષય અંગે આધારપુરાવા સાથે અને રાજકારણના સ્પર્શ્યા વિના, શાલીનતાપૂર્વક રજૂ કરી.

વિચારધારાના ડાબલા ચઢાવેલા ન હોય એવા સૌ કોઇએ, ડાબેરી કે જમણેરી આક્રમક પ્રચારથી અંજાયા કે અભડાયા વિના, તપાસવાનું એ રહે છે કે તથ્યો શું કહે છે?

શરૂઆત એક લાંબા પણ ઇતિહાસના અર્થઘટન માટે જરૂરી સમજણ પૂરી પાડતા એક અવતરણથી કરીએઃ

‘મઘ્ય યુગમાં ધર્મના નામે જે અઘટિત કૃત્યો થયાં તેના પરિણામે કોઇ ધર્મ, જાતિ કે રાષ્ટ્રને કાંઇ લાભ થયો નહીં. ઇતિહાસ વાંચતા જણાય છે કે આ અંધાર યુગમાં માનવીના જીવનની કિંમત પશુનાં જીવન કરતાં વિશેષ ન હતી...તેઓ (રાજ્યકર્તાઓ) તો પાડોશી રાજ્યો ઉપર ચડાઇઓ લઇ જઇ તે રાજ્યોની કે તેની પ્રજાની સંપત્તિ લૂંટી, તેમના દેશને સમૃદ્ધ કરવામાં જ રાષ્ટ્ર અને રાષ્ટ્ર શક્તિશાળી કે સમૃદ્ધ થાય છે તેમ માનતા અને તેમની આ નિંદ્ય અને ઘૃણિત પ્રવૃત્તિ ધર્મના નામે કરી આત્મસંતોષનો અનુભવ કરતા. આવી મનોવૃત્તિ સેવતા વિદેશી રાજ્યકર્તાઓએ ભારત ઉપર આક્રમણો કર્યાં અને ભારતમાં સ્થિર થયેલા સુલ્તાનોએ તેનું અનુસરણ કર્યું. તેમની પ્રવૃત્તિ ન્યાયી કે વાસ્તવિક હતી કે નહીં તેનો નિર્ણય આજના પરિવર્તિત દૃષ્ટિકોણથી કરવાનું વાજબી નથી. તે સમયની રાજનીતિ જ તે પ્રકારની હતી. એ સાથે એ પણ લક્ષ્યમાં લેવું ઘટે કે એ યુગમાં અનેક સમર્થ સત્તાધીશો અને બળવાન રાજ્યકર્તાઓ થઇ ગયા. છતાં અમુક વ્યક્તિઓએ જ તેની શક્તિ, સામર્થ્ય અને સંપત્તિનો ઉપયોગ આવાં કૃત્યો પાછળ કર્યો. એટલે એ માટે કોઇ જાતિ કે દેશ ઉપર દોષારોપણ થઇ શકે નહીં, તેમ જે ધર્મનું તેઓ અનુસરણ કરતા અથવા જે ધર્મના નામે તેમણે આ કૃત્યો કર્યાં તે ધર્મની નિંદા પણ કરી શકાય નહીં. તેવાં કૃત્યો માટે તે કરનાર વ્યક્તિ જ જવાબદાર હતી તેવું અર્થઘટન વાજબી અને વાસ્તવિક છે.’

આ દીર્ઘ અવતરણને રોમીલા થાપરનું ‘દંભી સેક્યુલર વલણ’ ગણીને તુચ્છકારી કાઢવા ઉત્સુક સૌને જણાવવાનું કે આ રોમીલા થાપરે  નહીં, તેમનાથી ઘણાં વર્ષ પહેલાં ૧૯૬૫માં, સૌરાષ્ટ્રના ઇતિહાસકાર શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઇએ લખ્યું હતું. તેમનો દળદાર ગ્રંથ ‘પ્રભાસ અને સોમનાથ’ આ વિષય પરનાં નોંધપાત્ર પુસ્તકોમાં સમાવેશ પામે છે.

સોમનાથ પર મહમૂદની ચડાઇ માટે લૂંટારુવૃત્તિ ઉપરાંત ધર્મઝનૂન જવાબદાર હતું, તેણે મંદિરમાં તોડફોડ મચાવી અને હિંદુઓની શ્રદ્ધાના આ વિખ્યાત સ્થાનકને લગભગ નષ્ટ કરવાના ‘ધર્મકાર્ય’ બદલ ગઝનીના કેટલાક ધર્મપુરૂષોએ મહમૂદને ધાર્મિક ઇલકાબો આપ્યા, એ  શંભુપ્રસાદની જેમ રોમીલા થાપરે પણ કહ્યું છે. આ ચડાઇ ‘હિંદુઓ પર મુસ્લિમોનો હુમલો’ નહીં, પણ વિદેશી લૂંટારુ મુસ્લિમ આક્રમણખોરની બહુહેતુક લશ્કરી કાર્યવાહી હતી, એવો શંભુપ્રસાદનો મુદ્દો રોમીલા થાપરે તેમના પ્રવચન અને પુસ્તકમાં વઘુ વિગતો સાથે મુક્યો.

રોમીલા થાપરની રજૂઆત પ્રમાણે, મહમૂદના હુમલા પહેલાં અને ઇસ્લામના ઉદ્‌ભવથી પણ પહેલાં આરબો સાથે ગુજરાતના લોકોનો વેપાર-વ્યવહાર હતો. ઇસ્લામના પ્રચાર-પ્રસાર પછી પણ, ગુજરાતના લોકો વેપારી આરબો અને હુમલાખરો તુર્કોને ‘મુસ્લિમ’ ગણીને એક લાકડીએ હાંકવાને બદલે, તેમની વચ્ચે ફરક પાડતા હતા.

રોમીલા થાપરની કેન્દ્રિય દલીલ એવી છે કે ઇ.સ.૧૦૨૬માં થયેલો હુમલો ત્યાર પછીના અરસામાં હિંદુ-મુસ્લિમ વચ્ચેના ઊંડા અને કાયમી વેરભાવ તરીકે સંઘરાઇને રહ્યો હોય, એવા પુરાવા મળતા નથી. આ દલીલના ટેકામાં તે મુસ્લિમ આક્રમણખોરો અને શાસકોના દરબારી ઇતિહાસકારો ઉપરાંત જૈન અને સંસ્કૃત લખાણો તથા શિલાલેખો ટાંકે છે. જેમ કે, ઇ.સ.૧૨૬૪માં (મહમૂદની ચડાઇની બે સદી પછી) પ્રભાસ (સોમનાથ)માં સ્થાયી થયેલા મુસ્લિમ સોદાગરો અને વહાણવટીઓ માટે મસ્જિદ બનાવવાનું નક્કી થયું. એ વખતે પ્રભાસના હિંદુ હોદ્દેદારો-વહીવટદારો અને નગરના હિંદુ અગ્રણીઓએ મસ્જિદ માટેનાં જમીન-ખર્ચ-નિભાવની સુવિધા કરી આપી. વેરાવળ હરસિદ્ધ માતાનો આ શિલાલેખ ટાંકીને રોમીલા થાપર એવું તારણ કાઢે છે કે સોમનાથ પર મહમૂદે કરેલા હુમલાની ‘હિંદુ સામુહિક ચેતના’ પર ઊંડી અસર હોય તો આ કેવી રીતે શક્ય બને? અને જે અસર હુમલાની બે સદી પછી ન હોય, તે દસ સદી પછી કેવી રીતે રહી શકે?

આ જ શિલાલેખ શંભુપ્રસાદ દેસાઇએ પણ ટાંકીને નોંઘ્યું છે, ‘જ્યારે ભારતમાં મુસ્લિમ સુલતાનો મંદિરોનો ઘ્વંસ કરી ત્યાં મસ્જિદો બનાવતા કે બાંધતા ત્યારે પ્રભાસના હિંદુઓએ મુસ્લિમ મુસાફિરો કે પ્રજાજનો માટે મસ્જિદ બાંધવાના કાર્યમાં સહાય કરી.’

મહમૂદની ચડાઇની એક સદી પછી, સિદ્ધરાજ જયસિંહના ઉત્તરાધિકારી કુમારપાળે ગાદી સંભાળી અને જૈન આચાર્ય હેમચંદ્રને ગુરૂપદે સ્થાપ્યા. જૈન હેમચંદ્ર અને શૈવ મતના, સોમનાથ શિવમંદિર મુખ્ય આચાર્ય ભાવબૃહસ્પતિ વચ્ચે ધાર્મિક માન્યતાઓનો સંઘર્ષ હતો.  આ બન્નેને અલગ અલગ રીતે સોમનાથના મંદિરના જિર્ણોદ્ધાર માટેનો જશ આપતા ગ્રંથો અને શિલાલેખ છે, પરંતુ મહમૂદની ચડાઇની એક સદી પછીનાં એ લખાણોમાં ક્યાંય મહમૂદની ચડાઇનો ઉલ્લેખ આવતો નથી. ક્યાંક લખ્યું છે કે દરિયાનાં મોજાંના લીધે મંદિર જિર્ણ થયું, તો ક્યાંક લાકડાં જૂનાં થવાને કારણે મંદિર નષ્ટ થઇ રહ્યું હોવાનું લખાયું છે.  રોમીલા થાપર તેના દ્વારા એવું સૂચવે છે કે ચડાઇ અને તેના કારણે પેદા થયેલા હિંદુ-મુસ્લિમો વચ્ચેના કાયમી વેરભાવની વાત માનવાજોગ નથી. કારણ કે સો વર્ષ પછીનાં લખાણોમાં જ ચડાઇનો કે તેના પગલે સર્જાયેલા વેરભાવનો કોઇ ઉલ્લેખ જોવા મળતો નથી. શંભુપ્રસાદ દેસાઇ આ વિરોધાભાસ, જૈન તથા શૈવ મતનો સંઘર્ષની વાત કરીને મંદિરના જીર્ણોદ્ધારનો યશ કુમારપાળને આપ્યો છે, પણ મંદિરના જીર્ણ થવાના કારણ વિશે કે તેમાં મહમૂદની ચડાઇનો ઉલ્લેખ ન હોવા અંગે કશું કહ્યું નથી.

રોમીલા થાપર સોમનાથ પર મહમૂદની ચડાઇ, તેમાં થયેલી લૂંટફાટ કે કત્લેઆમને જરાય હળવાં કર્યા વિના કે ઓછાં આંક્યા વિના, એવું દર્શાવે છે કે તેના લીધે હિંદુ-મુસ્લિમ વચ્ચે કાયમી અને ઊંડી દુશ્મનાવટ થઇ હોય, એવા પુરાવા મળતા નથી. શંભુપ્રસાદ દેસાઇએ પણ એમાંથી જ ઘણા પુરાવા, તેમનાથી પહેલાં ટાંક્યા છે અને આ આક્રમણને હિંદુઓ પર મુસ્લિમોના હુમલા તરીકે નહીં જોવા જણાવ્યું છે. પરંતુ એક બાબતમાં આ બન્નેનાં આલેખન જુદાં પડે છે.

શંભુપ્રસાદે મહમૂદના હુમલા પછીની સદીઓમાં બીજા શાસકો- મુસ્લિમો અને પોર્ટુગીઝો- દ્વારા થયેલા સોમનાથ પરના હુમલાની તવારીખ આપી છે. તેમાં હિંદુ-મુસ્લિમ વચ્ચેના ‘કાયમી અને ઊંડા વેરભાવ’ તરીકે નહીં, પણ ઐતિહાસિક રીતે, સોમનાથના ખંડનનો સિલસિલો છેક ઇ.સ.૧૭૦૭ સુધી લંબાય છે.  ત્યાર પછી ૧૯મી સદીના આરંભે સોમનાથમાં કેટલાક લોકોના કારણે કોમવાદી સંઘર્ષનાં મંડાણ થાય છે. આ સમયગાળો, રોમીલા થાપરના મતે ‘બ્રિટિશ સંસદમાં પહેલી વાર થયેલી ચર્ચા’ કરતાં પહેલાંનો છે.

એટલે કે, સોમનાથ નિમિત્તે હિંદુ-મુસ્લિમોનો સંઘર્ષ એ માત્ર ને માત્ર અંગ્રેજી શાસકોની ભાગલાવાદી નીતિની દેન છે, એવા રોમીલા થાપરના દાવા સામે શંભુપ્રસાદે નોંધેલી ઘટનાઓ પ્રશ્નાર્થ ઊભો કરે છે.

વઘુ આવતા સપ્તાહે

Thursday, January 03, 2013

હમ અંગ્રેજકે જમાનેકે સુપરવાઇઝર હૈં


જેમ ભ્રષ્ટાચારના આરોપ  વિના જેમ જાહેર સેવક અઘૂરો છે, ધક્કામુક્કી વિના લાઇન અઘૂરી છે, ‘હાય, હાય’ના સૂત્રોચ્ચાર વિના કુલપતિનો કાર્યકાળ અઘૂરો છે, તેમ સુપરવાઇઝર વિના પરીક્ષા અઘૂરી છે. ‘સુપરવાઇઝર’નો  ડિક્શનેરીનો અર્થ ભલે ‘દેખરેખ રાખનાર’ એવો થતો હોય, પણ ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ જાણે છે કે વ્યવહારમાં સુપરવાઇઝરના અનેક પ્રકાર હોય છે અને પ્રકારે પ્રકારે એ શબ્દના અર્થ બદલાતા હોય છે.  જેમ કે,

સુપર-વાઇઝર
 ડાહ્યા અને દોઢડાહ્યા વચ્ચે, તેમ ‘વાઇઝ’ અને ‘સુપર-વાઇઝ’ વચ્ચે પણ ફરક હોય છે. કેટલાક લોકો સુપર- વાઇઝર હોય છે. ક્લાસમાં પ્રવેશતાંની સાથે એ, સેલ્સમેનની નિસ્પૃહતાથી, સામેવાળા પોતાનું સાંભળે છે કે નહીં તેની પરવા કર્યા વિના, બોલવાનું શરૂ કરી દે છે. સામે બેઠેલા વિદ્યાર્થીઓને લાગે છે કે આ ભાઇ પરીક્ષા લેવા નહીં, પણ ભાષણ ઝીંકવા આવ્યા છે. તેમના ભાષણનો મુખ્ય વિષય હોય છેઃ ‘હું અને મારી આવડત.’

પોતે કેટલા મૈત્રીપૂર્ણ છતાં કડક એટલે કે ‘યારોંકા યાર, દુશ્મનોંકા દુશ્મન’ ટાઇપ છે, પોતે કેટલા વર્ષથી (પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓના જન્મ પહેલાંથી) સુપરવિઝન કરે છે, પોતે (કેટલી દિવાળીઓની જેમ) કેટલી પરીક્ષાઓ જોઇ નાખી, પોતે કેવા કેવા માથાભારે વિદ્યાર્થીઓ સાથે પનારો પાડ્યો, પોતે સમયના અને શિસ્તના કેવા પાબંદ છે- આ બઘું તે એટલા ઉત્સાહથી અને હોંશથી કહેતા હોય છે કે સાંભળનારથી હસી પણ શકાય નહીં. સામે બેઠેલા પરીક્ષાર્થીઓની ગંભીર મુખમુદ્રા જોઇને તેમને લાગે છે કે વક્તવ્યની ધારી અસર પડી રહી છે. હકીકતમાં પરીક્ષાર્થીઓ પેપર કેવું નીકળશે અને તેમાં નહીં તૈયાર કરેલા સવાલ અચૂક પુછાશે, એવી પાકી આશંકાને કારણે ગંભીર હોય છે.

પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ જેવો આજ્ઞાંકિત શ્રોતાસમુદાય મળવો મુશ્કેલ છે. શરૂઆતમાં વિદ્યાર્થીઓ આદતવશ, સામાન્ય લેક્ચરમાં કરતા હોય એ રીતે, સૂચનાઓ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે. પછી કેટલાંક ચબરાક પરીક્ષાર્થીઓને ખ્યાલ આવે છે કે સુપરવાઇઝર સાહેબની વાતમાં આપણે રસ લઇ રહ્યા છીએ એવું બતાવીશું, તો કદાચ એ  સાહેબ પરીક્ષામાં સહકારની ભાવના ચરિતાર્થ થવા દેશે, જેને ‘ચોરી’ જેવા હલકા શબ્દથી ઉતારી પાડવામાં આવે છે.

‘સહકારી પ્રવૃત્તિ’માં પ્રોત્સાહન મેળવવાના ઉમદા આશયથી કેટલાક વિદ્યાર્થી સાહેબની સામે જોઇને મુગ્ધ ભાવે તેમની આપવડાઇ અને બાળબોધી સૂચનાઓ સાંભળી લે છે. પછી ધીમે રહીને તે સાહેબની એકાદ બડાઇ પર પ્રશંસાસૂચક સ્મિત વેરે છે, જેથી સાહેબને વિદ્યાર્થી પર પ્રેમ જાગે અને ‘સહકારી પ્રવૃત્તિ’ કરતી વખતે વિદ્યાર્થીઓ એ પ્રેમને વટાવી શકે.

પરંતુ સુપર-વાઇઝર સાહેબો આવી તરકીબોથી પલળતા નથી. કેટલાક ગબ્બરસિંઘ-સ્વરૂપ સુપરવાઇઝરો પહેલાં પોતે હસે છે અને વિદ્યાર્થીઓને હસાવતા હોય એવો દેખાવ કરે છે, પરંતુ જેવા વિદ્યાર્થીઓ હસવાનું ચાલુ કરે કે તરત  તે ‘કિતને આદમી દે’વાળી ગબ્બર-મુદ્રામાં ‘ફાયરિંગ’ શરૂ કરી દે છે. વિદ્યાર્થીઓની આશાનાં ઢીમ ઢળી જાય છે. બીજા કેટલાક ‘શોલે’ના અસરાનીની જેમ ‘હમ અંગ્રેજકે જમાનેકે જેલર હૈ’ ની સ્ટાઇલમાં પોતાની ચુસ્તી-સ્ફુર્તિ-ચબરાકી પર પોતે જ મુગ્ધ થતા રહે છે. પરંતુ વિદ્યાર્થીઓ ત્રણ કલાક પૂરતા કેદીસ્વરૂપ હોવાથી, આવા સુપર-વાઇઝરો સામે પ્રગટપણે હસી શકતા નથી.

‘ભાઇ’ અને શાર્પશૂટર

સુપરવાઇઝરોનો એક વર્ગ કમરે બંદૂક લટકાવીને ફરતા ટપોરી જેવી માનસિકતા ધરાવે છે. વાતે વાતે ‘ભાઇ’નો હાથ બંદૂક પર જાય તેમ, આવા સુપરવાઇઝરો પૂર્ણવિરામની જગ્યાએ એક જ ધમકી ઉચ્ચારે છે: ‘કોપીકેસ થઇ જશે.’

દા.ત.‘મોબાઇલ જોડે હશે, તો કોપીકેસ થઇ જશે..સરખા નહીં બેસો, તો કોપીકેસ થઇ જશે... પાછળ જોશો, તો કોપીકેસ થઇ જશે... આગળ જોશો, તો કોપીકેસ થઇ જશે... બેન્ચમાં વચ્ચે બેસવાને બદલે બાજુ પર બેસશો તો કોપીકેસ થઇ જશે... પેપરમાં લીટી સરખી પાડશો, કોપીકેસ થઇ જશે...’ તેમનું આ રટણ એવી રીતે ચાલે છે કે કેટલાક વિદ્યાર્થીઓને બીક લાગે છેઃ સાહેબ ક્યાંક એવું ન કહી દે કે ‘ખબરદાર, શ્વાસ બહાર કાઢ્‌યો છે તો કોપીકેસ થઇ જશે...ને અંદર લીધો છે તો પણ કોપીકેસ થઇ જશે...’

લક્ષણો પરથી સ્પષ્ટ છે કે આ પ્રકારના સુપરવાઇઝર માટેનું વિશેષણ ‘ભાઇ’ જાતિસૂચક નથી. બહેન સુપરવાઇઝર પણ ‘ભાઇ’ હોઇ શકે છે.

‘ભાઇ’માં એક પેટાપ્રકાર ‘શાર્પશૂટર’નો હોય છે. તે જાહેર જનતાજોગ ધમકી આપવાને બદલે, ચોક્કસ નિશાન તાકીને કહે છે, ‘એય ગુલાબી લાઇનિંગ, હવે બોલ્યો છું તો પેપર લઇ લઇશ’ અથવા ‘એય બ્લેક ટીશર્ટ, હવે પાછળ જોયું છે તો...’ અથવા ‘એ વ્હાઇટ શર્ટ,..’ આવું કંઇ પણ બોલાય, વિદ્યાર્થીઓને તો ‘ટપકા ડાલુંગા’ જ સંભળાય છે.

મહેણાંમારુ

મહેણાં મારવાની બાબતમાં કેટલાક સુપરવાઇઝરોનો એવા પાવરધા હોય છે કે સ્ટીરીયોટાઇપ સાસુ-નણંદો તેમની આગળ પાણી ભરે. ‘પીનેવાલેકો પીનેકા બહાના ચાહીએ’ની જેમ મહેણાંમારુ સુપરવાઇઝરો ગમે ત્યાંથી મહેણાં મારવાનાં નિમિત્ત ઉભાં કરી લે છે. સામે બેઠેલા વિદ્યાર્થીઓ નાના હોય તો એ કહેશે, ‘હજુ ડેંટીયાં જેવડાં છો ને ચોરીઓની આશા રાખો છો? તો મોટાં થઇને શું કરશો?’    પરીક્ષાર્થીઓની ઉંમર વધે, તેમ મહેણામારુઓ ખીલે છે. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને જોઇને એ કહે છે,‘આ વખતો તો તમે મત પણ આપ્યો હશે અને હવે ચોરીઓની આશા રાખો છો?’ આ બન્ને બાબતો વચ્ચે શો સંબંધ છે એ સમજવું પરીક્ષાર્થીઓને કઠણ પડે છે, પણ મહેણામારુઓને તેથી કશો ફેર પડતો નથી.

પહેલાંના વખતમાં ગામડાના લોકો શહેરી લોકોને ભેખડે ભરાવવા માટે ગમે તે વાતમાં ‘તમારા જેવા ભણેલાગણેલા થઇને..’ એવું મહેણું મારીને તેમને પછાડી નાખતા હતા. એવી જ રીતે આ પ્રકારના સુપરવાઇઝરો ‘તમને- આટલા મોટા વિદ્યાર્થીઓને કહેતાં પણ અમને શરમ આવે છે’ એમ કહીને, વિદ્યાર્થીઓને શરમમાં નાખવાનો અને એક જવાબદાર નાગરિક તરીકે તેમની જવાબદારીનું ભાન કરાવવાનો પ્રયાસ કરે છે, પણ તેમાં બહુ સફળતા ન મળતાં, ન્યૂઝચેનલની નીચે ચાલતી સમાચારપટ્ટી (સ્ક્રોલ)ની જેમ, તેમનું આ વિધાન દર થોડા વખતે પુનઃપ્રસારિત થતું રહે છે.

‘કલાપી’-કમ-‘કબીર’

‘રે પંખીડાં, સુખથી ચણજો’ (‘કલાપી’) અને ‘રામકી ચિડીયા, રામકા ખેત, ખા લો ચિડીયા, ભર ભર પેટ’ જેવી ફિલસૂફી ધરાવનારા સુપરવાઇઝર, ભલે ઓછી સંખ્યામાં, પણ હોય છે ખરા. તેમને મન આ સંસાર એક માયા હોય છે. ‘શું લાવ્યા ને શું લઇને જવાના?’ એવી અનુભૂતિ તેમના ચિત્તમાં કાયમ માટે ઠરેલી હોય છે. ‘કાપલી લઇને આવ્યા ને માર્ક લઇને જવાના’ એવી પરીક્ષાર્થીઓની સંકુચિત દુનિયાદારી તેમને સ્પર્શતી નથી. એટલે વિદ્યાર્થીઓની ચોરી કે અંદરોઅંદરની વાતચીત પ્રત્યે તે અનુકંપાથી જુએ છે.

કોઇ તેમને યાદ કરાવે કે ‘વિદ્યાર્થીઓને ચોરી કરવા ન દેવી એ તમારી ફરજ છે’ ત્યારે, ગાંધીજીના સત્યાગ્રહ વખતે અંગ્રેજી રાજની નોકરીઓમાંથી રાજીનામાં આપનારા મુખી-તલાટીઓ જેવો ભાવ તેમના મનમાં છવાઇ જાય છે. તેનો અર્થ હોય છેઃ ‘માસુમ, કાચાં-કુંવારાં બાળકો પર જુલમ કરવો એ જ ફરજ ગણાતી હોય, તો હું ફરજદ્રોહી બનવાનું વધારે પસંદ કરીશ.’ ઘણા એવું માની લેવા પ્રેરાય છે કે મમતાભર્યા હૃદયને કારણે સાહેબો કરતાં બહેનોમાં આ લક્ષણ વધારે જોવા મળે છે. પરંતુ છેવટે આ હૃદયનો મામલો છે. તેમાં જાતિ જેવા ભેદભાવ ગૌણ બની જાય છે. એટલે બહારથી નમણાં-નાજુક-માયાળુ દેખાતાં બહેનો શિસ્તના મામલે ‘હંટરવાલી’ નીવડી શકે છે અને ચહેરેમહોરે રૂક્ષ ભાઇં ‘જાવ તમતમારે, જલસા કરો.  બસ, અવાજ કર્યા વિના જે કરવું હોય તે કરજો.’ એવું અભયવચન આપી શકે છે.

તાજા રંગરુટો

અંગ્રેજીમાં નવા ‘રીક્રુટ’ માટે ગાંધીયુગમાં વપરાતો શબ્દ હતોઃ રંગરૂટ. પરીક્ષામાં કેટલીક વાર મુખ્ય સુપરવાઇઝર મોટા સ્ટારની જેમ સેટ પર આવીને પોતાના ડાયલોગ બોલી જાય, પછી બાકીનો સમય પરીક્ષાર્થીઓને રંગરૂટોના હવાલે કરવામાં આવે છે. અમૂલ ચોકલેટની જૂની પંચલાઇન પ્રમાણે, ‘ટુ ઓલ્ડ ફોર સ્ટુડન્ટ, ટુ યંગ ફોર સુપરવાઇઝર’ જેવા આ રંગરુટો ચહેરા પરથી નિર્દોષ-માસુમ અને વહાલથી ટપલી મારીને બોલતા બંધ કરી દેવાનું મન થઇ આવે એવા હોય છે. પરંતુ સત્તા ભલભલાને અભડાવતી હોય તો આ રંગરુટોનું શું ગજું? તેમાંથી ઘણા ત્રણ કલાક માટે મળેલી સત્તાના નશામાં મહાલે છે અને ખોટેખોટો કડપ બતાવવાના નિષ્ફળ પ્રયાસ કરે છે. તેમની અસલી સત્તા અને છેવટનું શસ્ત્ર ‘સાહેબને બોલાવીશ’ જ હોય છે. એટલે પરીક્ષાર્થીઓ તેમની દયા ખાઇને, તેમને વઘુ પરેશાન કરવાનું માંડવાળ કરે છે.

Tuesday, January 01, 2013

કેટલીક પુરૂષપ્રધાન ગેરમાન્યતાઓ


આંતરરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર અને વડીલ મિત્ર વૃંદાવન
સોલંકી/ Vrundavan Solankiએ વર્તમાન ઘટનાક્રમ વિશે કરેલું ચિત્ર.
બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્રો માટે પંકાયેલા વૃંદાવનભાઇએ આ ચિત્રમાં
ભારતના નકશાના આકારમાં મુક્લો તિરંગો, ખરેખર રંગનો જરૂરી
અને સચોટ ઉપયોગ જણાય છે
‘પુરૂષપ્રધાન’ જેવો શબ્દ વાંચીને ભડકનારા ભાઇઓ-બહેનોના લાભાર્થે પહેલી ચોખવટઃ આ લેખ ‘નારીવાદી’ નહીં, પણ ‘માણસવાદી’ છે.

બીજી અગત્યની સ્પષ્ટતાઃ ફક્ત પુરૂષો જ પુરૂષપ્રધાન માનસિકતા ધરાવતા હોય, એવું માની લેવું નહીં. લોખંડી સકંજા જેવી પુરૂષપ્રધાન સમાજવ્યવસ્થાના લાંબા ઇતિહાસને, ઘણી સ્ત્રીઓ પણ પુરૂષપ્રધાન માનસિકતાથી વિચારતી થઇ ગઇ છે.

આ ચર્ચા છેડવા માટે દિલ્હીમાં થયેલા સામુહિક અત્યાચાર જેવા બનાવની રાહ જોવી પડે, એ પહેલી કરૂણતા છે. આશ્વાસન એટલું કે ક્યારેક તો જાગ્યા. બીક એ છે કે આ જાગૃતિ કેટલું ટકશે? એ ‘સ્મશાન-જાગૃતિ’ તો પુરવાર નહીં થાય? અને પાકી આશંકા એ છે કે આપણે ખરેખર જાગ્યા છીએ ખરા? અત્યાચારી માટે ફાંસીની સજા કે ખસીકરણની માગણી કરવી, એ જ આપણો ન્યાયનો અને સ્ત્રીગૌરવનો ખ્યાલ છે? બનાવ પછી કેવળ અત્યાચારીને જ સજા આપવાપણું છે? આપણે, પુરૂષપ્રધાન સમાજનાં સ્ત્રીપુરૂષો, સદંતર નિર્દોષ છીએ? કે થોડીઘણી જવાબદારી આપણા માથે પણ આવે છે?

આ અણીયાળા સવાલોના જવાબ, પુરૂષપ્રધાન સમાજની કેટલીક (ગેર)માન્યતાઓમાં ઊંડા ઉતરીશું એમ મળતા જશે.

ગેરમાન્યતા ૧: સ્ત્રી તો સમાજનું ઘરેણું છે. તેને સાચવી-સંતાડીને રાખવી જોઇએ

સાંભળવામાં બહુ ગળચટ્ટી અને ભવ્ય લાગે એવી વાત છે. હજી એનાથી બે-ચાર પગથિયાં ઉપર જવું હોય તો ‘જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે’ એ શ્વ્લોક ફટકારી શકાય અને ભારતવર્ષમાં આદિકાળથી નારીચરિત્રનો કેવો મહિમા છે તેની કથાઓ માંડી શકાય છે. પરંતુ નારીનો બધો મહિમા કરી લીધા પછી, તેમને પૂજનીય જાહેર કરી લીધા પછી, તેમની સાથે કરવાનું શું?

બસ, એ જ જે ‘પૂજનીય’ ચીજો સાથે કરવામાં આવે છે. મૂર્તિને શું કરાય? તેની પૂજા-અર્ચના થાય, શણગાર કરાય, રોજેરોજ નવા-નવા વાઘા પહેરાવાય, પણ તેણે આ બધાને લાયક બનવું હોય તો કઇ રસ્તા પર થોડા હાલી નીકળાય? મર્યાદામાં-માપમાં રહેવું પડે, પોતાના સ્થાનકની બહાર પગ ન મુકાય, પોતાની ‘પવિત્રતા’ જાળવી રાખવી પડે, કોનાથી સ્પર્શાય અને કોનાથી ન સ્પર્શાય તેના કડક નિયમો અને વિધિવિધાનો પાળવાં પડે. ટૂંકમાં, પૂજાવું હોય તો માણસની જેમ જિંદગી ન જીવાય. પથ્થર બનીને રહેવું પડે.

સ્ત્રીને પૂજનીય ગણવા અંગે જોરશોરથી વાતો કરનારામાંથી ઘણા લોકો સ્ત્રી પાસે પથ્થરની મૂર્તિ જેવી જ અપેક્ષાઓ રાખતા નથી? તેમને સમાજનું ઘરેણું કે ઝવેરાત ગણીને તિજોરીમાં બંધ રાખવાની હિમાયત કરનારાને એટલો સાદો વિચાર નહીં આવતો હોય કે સ્ત્રી નિર્જીવ જણસ નહીં, જીવતોજાગતા માનવમનની આસપાસ રચાયેલું માનવશરીર છે? તેને પૂજનીયતા તો ઠીક, સલામતી ખાતર પણ બંધનમાં રાખવાનું સૂચવવું, એ તેની પૂજનીયતાનો સ્વીકાર નહીં, તેને નિર્જીવ જણસ ગણવાનું સૂચન છે?

ગેરમાન્યતા-૨: સ્ત્રીઓએ અમુક સમય પછી ઘરની બહાર નીકળવું જ ન જોઇએ. જાણીને જોખમ લેવાની શી જરૂર?

આ દલીલમાં ફક્ત તમાશબીન પુરૂષો કે પુરૂષપ્રધાન સમાજને આત્મસાત્‌ કરી ચૂકેલી સ્ત્રીઓ જ નહીં, જાતિવિહીન એવું સરકારી તંત્ર પણ વિશ્વાસ ધરાવે છે. એટલે, અત્યાચારના કિસ્સા ચગે તેની સાથે જ, સાંજ પછી સ્ત્રીઓના હરવાફરવા પર અથવા એ પ્રકારની અવરજવરને ઉત્તેજન આપતાં સ્થળો પર પોલીસની ધોંસ ઉતરે છે.

સ્ત્રીઓ સાંજે બહાર નીકળે તો તેમની એકલતાનો ગેરલાભ લેવાવાનો પ્રશ્ન ઊભો થાય ને? એને બદલે એવું દબાણ ઊભું કરો કે સ્ત્રીઓ અંધારું થયા પછી બહાર જ ન નીકળે. (ધોળા દિવસે થતા અત્યાચારો કે છેડછાડ વિશે પછી જોઇ લઇશું.) અત્યારે અંધારું, એકલતા અને ગેરલાભ જેવા શબ્દોના ઓળા નચાવીને સ્ત્રીઓને ભયભીત કરો, જેથી તે ગમે તે સમયે નિર્ભયતાથી હરીફરી શકે એવું વાતાવરણ પેદા કરવાની કડાકૂટ બચી જાય. ત્યાર પછી પણ કોઇ સ્ત્રી મોડેથી બહાર નીકળે અને ફરિયાદ કરવા આવે તો સૌથી પહેલાં ઠપકો એને જ આપી શકાય કે, અત્યારે બહાર નીકળવાની શી જરૂર હતી?

ગેરમાન્યતા ૩: પુરૂષોને પણ શરમ આવે એવાં કપડાં પહેરે, પછી બીજું શું થાય? 

સ્ત્રી પર અત્યાચાર વિશેની વાત ચાલતી હોય ત્યારે બીજું કંઇ પણ જાણ્યા વિના, ઉપરની દલીલ કરીને ચર્ચામાં ભારપૂર્વક સામેલ થઇ શકાય છે અને બહુ મોટું સામાજિક સત્ય શોધી કાઢ્‌યાનો સંતોષ પણ લઇ શકાય છે.

આ વિધાન પાયામાંથી ખોટું છે. કારણ કે તેમાં પુરૂષમાં રહેલી મૂળભૂત વૃત્તિનો ધરાર અસ્વીકાર કરીને, દોષનો આખો ટોપલો સ્ત્રીઓના માથે ઢોળવાની વાત છે.

મેરિલીન મનરોના નામે ચડેલો એક કિસ્સો એવો છે કે એક વાર મનરો ફક્ત-હા, ફક્ત- સ્લીપર પહેરીને બહાર ફરવા નીકળ્યાં ત્યારે લોકો તેમના પગ ભણી ટીકી ટીકીને જોઇ રહ્યા હતા. આ વાત સાચી છે કે નહીં એ ગાૌણ છે. પણ તેમાં સૂચવાયેલી માનસિકતા એકદમ સચોટ છે. જાડા સાધારણીકરણ પ્રમાણે જેને પુરૂષવૃત્તિ કહી શકાય એ માનસિકતા એવી છે કે તેને ઉત્તેજન માટેનું બહાનું જ જોઇતું હોય છે.  સ્ત્રીનાં વસ્ત્રો સાથે તેનો સંબંધ સાવ ઓછો સંબંધ હોય છે અથવા તો પુરૂષ માનસિકતાને ઉત્તેજતાં પરિબળોમાં સ્ત્રીનો પોશાક બહુ પછીના ક્રમે આવે છે - અને તે બહુ ઓછા પ્રમાણમાં કારણભૂત હોય છે.

એવું ન હોત તો શહેરી વિસ્તારોમાં, લંબાઇ કે ટૂંકાઇની પરવા કર્યા વિના પોતાને મનગમતાં-અનુકૂળ વસ્ત્રો પહેરીને ફરતી સ્ત્રીઓની સલામતી જ ન હોત. પરંતુ આપણે જાણીએ છીએ કે એ સાચું નથી. બીજી તરફ સ્ત્રીની છેડતી કે તેનાથી વઘુ આગળ વધનારા લોકો માટે વસ્ત્રો ઘણે ભાગે ગૌણ હોય છે. તેમની ‘ઉશ્કેરણી’ માટે સ્ત્રીદેહ જ સૌથી મોટો ભાગ ભજવે છે.

એટલે, ‘સ્ત્રીઓનાં વસ્ત્રોથી પુરૂષોની વૃત્તિઓ ઉશ્કેરાય છે અને તે અત્યાચાર કરવા પ્રેરાય છે’ એવું જો કહેવું હોય, તો એ વિધાનનો થોડોક જ તર્કવિસ્તાર કરીને કહી શકાય કે ‘ખરેખર તો સ્ત્રીઓના દેહથી જ પુરૂષની વૃત્તિઓ ઉશ્કેરાય છે અને તે અત્યાચાર કરવા પ્રેરાય છે. એટલે ખરો વાંક પુરૂષો કરતાં પણ વધારે સ્ત્રીઓનો છે કે તે આવો દેહ લઇને જન્મી.’

આ દલીલ હાસ્યાસ્પદ કે વાહિયાત લાગે તો સારી વાત છે. બાકી, ઘણા નમૂના એવા પણ હશે જે આવી દલીલ ગંભીરતાપૂર્વક કરતા હશે.

ગેરમાન્યતા ૪: એ તો છે જ એવી

સ્ત્રીઓ વિશે પ્રમાણપત્રો ફાડવા સરેરાશ પુરૂષોને કે પુરૂષપ્રધાન સમાજના પૂરજા જેવી સ્ત્રીઓને ઘણી વાર કાચી સેકંડ પણ લાગતી નથી.‘એ તો છે જ એવી’ અથવા સાવ દેશી ભાષામાં જેને ‘લૂઝ કેરેક્ટરની’ કહેવામાં આવે, એવી સ્ત્રીઓની ટીકા કરનારા પુરૂષોમાં મોટે ભાગે પોતે રહી ગયાનો ભાવ વધારે કામ કરતો હોય છે- અને એવી ટીકા કરતી સ્ત્રીઓ ‘બીજું જે હોય તે, પણ આ બાબતમાં આપણે  કેટલાં ચડિયાતાં છીએ’ એવો સંતોષ લે છે. કેટલીક ટીકાકાર સ્ત્રીઓ પોતે જે કરવા ઇચ્છે છે, પણ નથી કરી શકતી તેની કસર, ‘મુક્ત વર્તણૂંક’ ધરાવતી સ્ત્રીઓની ટીકા દ્વારા પૂરી કરે છે.

‘એ તો છે જ એવી’ એ વાક્યનો સૌથી ખતરનાક સૂચિતાર્થ એ છે કે તેને આટલા પુરૂષમિત્રો હોય કે છોકરાઓ સાથે તે આટલી હળતીભળતી હોય, તો પછી એની પર અત્યાચાર થાય તેમાં હાયવોય શાની? આ ‘સમજણ’ ભયંકર છે. કારણ કે, તેમાં સ્ત્રીના સ્વતંત્ર વ્યક્તિત્વને અને તેની મરજી-નામરજીને સદંતર નજરઅંદાજ કરવામાં આવે છે. પુરૂષો સાથે અંગત કે વ્યાવસાયિક સંબંધ ધરાવતી સ્ત્રી ઉપર પણ અત્યાચાર કરવાનો અધિકાર કોઇને નથી- ન હોઇ શકે, એટલું સાદું સત્ય ભૂલી જવામાં આવે છે.

ગેરમાન્યતા ૫: સર્વસ્વનો સવાલ છે

એ ખરું કે જાતીય અત્યાચારની શારીરિક ઉપરાંત માનસિક અસરો પણ ઊંડી હોય છે. છતાં, માનસિક ઘા માટેનાં કેટલાંક મુખ્ય કારણોમાંનુ એક છેઃ અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીનું ‘સર્વસ્વ’ લૂંટાઇ ગયાની પુરૂષપ્રધાન માન્યતા- અને અત્યાચાર કરનારને બદલે ભોગ બનનારની થતી બદનામી.

સ્ત્રીનું ‘સર્વસ્વ’ સોફ્‌ટ ડ્રિન્કની બોટલમાં ભરેલો કાર્બન ડાયોક્સાઇડ છે કે એક વાર ઢાંકણ ખુલે એટલે ખલાસ. તેનું ‘સર્વસ્વ’ લૂંટાઇ જાય? સ્ત્રીની આબરૂ-ઇજ્જત લક્ષ્મી છાપ ટેટાની લૂમ છે કે એક વાર ફૂટી જાય એટલે તે કાયમ માટે નકામી થઇ જાય? પરંતુ સ્ત્રીને જણસ ગણીને, તેને ‘કાબૂમાં’ રાખવાની પુરૂષપ્રધાન માન્યતા ખુદ સ્ત્રીઓના જ મનમાં ઊંડે ઉતારી દેવા માટે, આ ભ્રમ ઉભો કરવામાં આવ્યો હશે, એવું ધારી શકાય.

સ્ત્રીને પોતાના જ જેવી માણસ ગણવાને બદલે માલિકીની ‘ચીજ’ બનાવવાની માનસિકતાને કારણે ‘ઓનરકિલિંગ’થી માંડીને અત્યાચાર જેવા અનેક ધૃણાસ્પદ ગુના થાય છે. ‘ઓનરકિલિંગ’ના નામે હત્યા કરતાં કુટુંબીજનો માને છે કે તેમની ‘માલિકીની’ છોકરીએ કુટુંબની ઇચ્છાવિરુદ્ધ લગ્ન કરીને, કુટુંબની ‘આબરૂ બગાડી છે.’ એવી જ રીતે, ઘણા અત્યાચાર જાતીય વાસનાપૂર્તિ માટે નહીં, પણ બદલો લેવાના કે પાઠ શીખવવાના ઝનૂનથી કરવામાં આવે છે.

સ્ત્રીઓ પોતે આવડત, સ્વમાન, સ્વત્વ જેવા પોતાના માનવીય ગુણોને બદલે, સ્થૂળ એવી શારીરિક બાબતોને ‘સર્વસ્વ’ ગણવા લાગે, પછી પુરૂષપ્રધાન સમાજે બીજું કંઇ કરવાનું રહેતું નથી. અત્યાચાર વેઠનાર સ્ત્રીને ન્યાય મળે અને તે નવેસરથી જીવતી થઇ જાય, એમાં સમાજની ભૂમિકા સૌથી અગત્યની હોઇ શકે છે. પરંતુ સહાનુભૂતિના નામે પુરૂષપ્રધાન સમાજ ‘અરર, બિચારીનું સર્વસ્વ લૂંટાઇ ગયું’ કહીને, આઘાતમાંથી બહાર આવવા મથતી સ્ત્રીને બળ આપવાને બદલે નિર્બળતા ભણી ધક્કા મારે છે. સમાજના સરેરાશ લોકોનો - અને પ્રસાર માઘ્યમોનો પણ- આ અત્યાચાર એટલો મોટો હોય છે કે ક્યારેક તે મૂળ અત્યાચારને ટપી જતો લાગે.

ગેરમાન્યતા ૬: ભ્રમરવૃત્તિ પૂરૂષોમાં જન્મજાત હોય છે. તેમાં એ લોકો પણ શું કરે?

ઐતિહાસિક રીતે આ વાત સાચી હોય તો પણ, એ જ્યારે પુરૂષો દ્વારા થતા અત્યાચારોના ખુલાસા, સમજૂતી કે બચાવ માટે વપરાય ત્યારે બિનપાયાદાર લાગે છે. કારણ કે, આદિમાનવથી સભ્ય અને સામાજિક બનવા સુધીની હજારો વર્ષની પ્રક્રિયાનો આ એક જ લીટીમાં છેદ ઉડા જાય છે. વૃત્તિ-પ્રકૃતિ ગમે તેટલી જન્મજાત હોય, લાંબા સમયગાળા પછી તે અંકુશમાં આવી શકે છે. ‘આ નહીં ચાલે’ એવો ચોખ્ખો સંદેશો સમાજ તરફથી અને કાનૂનીતંત્ર-ન્યાયતંત્ર તરફથી મળે, તો પ્રકૃતિ પણ માપમાં રહેતી થઇ જાય.

તેમાં અપવાદ જરૂર હોય, પણ એ પ્રકૃતિ નહીં, વિકૃતિ કહેવાય.

Sunday, December 30, 2012

સચિનઃ ક્રિકેટજગતના ‘સુપરમેન’નું ફ્‌લેશબેક

ઓક્ટોબર 23- નવેમ્બર 3, 1990
ધ ઇલસ્ટ્રેટેડ વિકલી ઓફ ઇન્ડિયાનું કવર

સચિન તેંડુલકર એટલે ક્રિકેટજગતની સૌથી મોટી બ્રાન્ડ? સચિન એટલે ક્રિકેટનો દેવતા? સચિન એટલે રેકોર્ડનો ભંડાર? સચિન  એટલે જાહેરખબરોનો ખડકલો? સચિન એટલે સફળતાનો પર્યાય? સચિન એટલે...

ગયા સપ્તાહે વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરનાર સચિનમાં હવે એટલાં તત્ત્વોનું મિશ્રણ થઇ ગયું છે કે કયા સચિનની વાત થાય છે, તે નક્કી કરવું અઘરૂં પડે. સમયની તાસીર ઘ્યાનમાં રાખતાં બને છે એવું કે મોટે ભાગે જે ગુણગાન, ભક્તિભાવ અને પૂજાઆરતી થાય છે, તે સચિનની સફળતા, પ્રસિદ્ધિ અને સમૃદ્ધિના લાભાર્થે હોય છે. ક્રિકેટમાં અને ભારતમાં માત્ર ને માત્ર મઘ્યાહ્‌નના સુરજને પૂજવાનો રીવાજ છે. ઉગતા ને આથમતા સૂર્યો તરફ જોવાની ભાગ્યે જ કોઇને ફુરસદ હોય છે. તેનો પરચો છેલ્લા થોડા સમયથી થઇ રહેલી સચિનની બેફામ અને બેજવાબદાર ટીકાઓ પરથી મળી રહેશે. ‘સચિન મહાન હોય તો એના ઘરનો. ફેસબુક પર તો અમને વધારે ખબર પડે.’ આવો અભિગમ કોઇ પણ મુદ્દે જોવા મળતો હોય, તો સચિન પણ તેમાંથી શી રીતે બચી શકે?

બે દાયકાથી પણ વઘુ સમય સુધી ભારતીય ક્રિકેટજગતમાં ટોચનું સ્થાન ટકાવી રાખવું કેટલું અઘરું છે, તે સૌ ક્રિકેટપ્રેમીઓ જાણે છે. આ સિદ્ધિ મેળવનાર સચિનની વન ડે-વિદાય નિમિત્તે તેમના વિક્રમોની કે જાહેરખબરોની કમાણીની કે દેવતાઇ દરજ્જાની વાત માંડવાને બદલે, સચિનના આરંભિક સંઘર્ષ, નિષ્ઠા, પરિશ્રમની વાતો યાદ કરવા જેવી લાગે છે. એના વિના સચિનનાં સિદ્ધિ-સફળતા બીજી કોઇ પણ ‘સેલિબ્રિટી’ જેવાં લાગી શકે છે. સચિનને ‘જિનિયસ’ કહીને આગળ વધી જવાનું બહુ સહેલું છે, પણ ભલભલા જન્મજાત પ્રતિભાશાળીઓ ચોટલી બાંધીને મહેનત ન કરે અને થોડી સફળતા મળે એ સાથે જ ઉડવા માંડે, તો એમની પ્રતિભા ઠેરની ઠેર રહી જાય છે.

એપ્રિલ 1990ના 'વિકલી'ના અંકમાં 'માય આર્ટ'
વિભાગમાં છપાયેલી સચિનની તસવીર
ત્રણ ભાઇ અને એક બહેનના પરિવારમાં સચિન એટલો નસીબદાર કે તેનાથી દસ વર્ષ મોટા અને પોતે ક્રિકેટર નહીં બની શકેલા ભાઇ અજિતનો મજબૂત સધિયારો અને માર્ગદર્શન મળ્યાં. મઘ્યમ વર્ગીય પરિવાર. પિતા અઘ્યાપક. માતા નોકરિયાત. મોટાં ભાઇ-બહેન પાસે ઉછરવાનું. અજિત તેંડુલકરને ભણતર અને ક્રિકેટમાંથી એકની પસંદગી કરવાની આવી ત્યારે ક્રિકેટમાં કારકિર્દી બને કે કેમ એવી શંકાઓ હતી, પણ દસ વર્ષ પછી સચિનનો વારો આવ્યો ત્યારે ફક્ત ભાઇ જ નહીં, માતાપિતા પણ ક્રિકેટની કારકિર્દીની તરફેણમાં હતાં.

પરંતુ ભારતમાં ક્રિકેટની કારકિર્દી એટલે ખાવાના ખેલ છે? અન્ડર-૧૫, અન્ડર-૧૭, અન્ડર-૧૯, રણજીટ્રોફી અને ત્યાર પછી ચુનંદા લોકો ટેસ્ટ મેચની ટીમ સુધી પહોંચી શકે. ત્યાં પહોંચ્યા પછી પણ નોકરીઓ તો ટીચવી જ પડે- ભલે ત્યાં હાજરી ભરવામાંથી છૂટછાટ મળતી હોય. ટેસ્ટ ટીમમાં સામેલ થયા પછી રમવાની તક મળે અને તેમાં આવડતનો પરચો બતાવ્યા પછી કાયમી સ્થાન મળે ત્યાં સુધીના ‘જો’ અને ‘તો’ રસ્તામાં પથરાયેલા હોય. પણ શેરીમાં બાળકો સાથે રમતા ભાઇ સચિનને જોઇને અજિતને થયું કે તેનામાં ક્રિકેટર બનવાનાં પૂરાં લક્ષણ છે. ભારતમાં - અને મુંબઇમાં તો વિશેષ- એ સમયે સુનિલ ગાવસ્કરનો દબદબો હતો. ક્રિકેટ રમતાં બધાં છોકરાંને ‘લીટલ માસ્ટર’ બનવું હોય, પણ એંસીના દાયકામાં ધીમે ધીમે ક્રિકેટની જૂની ઢબમાંથી ઉત્ક્રાંતિ આવી રહી હતી. પાંચ દિવસની ટેસ્ટ મેચની સાથોસાથ ૫૦ ઓવરની વન ડે ક્રિકેટ પ્રચંડ લોકપ્રિયતા મેળવી રહી હતી. ઔપચારિક તાલીમ માટે અજિતે જાણીતા કોચ રમાકાંત આચરેકરનો સંપર્ક કર્યો. આચરેકર શિવાજી પાર્કના મેદાનમાં છોકરાઓને તાલીમ આપતા હતા. તેમણે પૂછ્‌યું, ‘સીઝન બોલથી રમ્યો છે?’ અજિતે એ તાલીમ ભાઇને નાનપણથી આપવાનું શરૂ કરી દીઘું હતું. એટલે, આચરેકરના ક્લાસમાં સચિનને પ્રવેશ મળી ગયો.

ક્રિકેટર બનતાં પહેલાં સચિનને ટેનીસનો જબરો શોખ હતો. જોન મેકેન્રો તેનો પ્રિય ખેલાડી. એની જેમ સચિન પણ માથે પટ્ટી બાંધતો હતો. પણ ટેનિસ મુખ્યત્વે અમીરોની રમત. એના માટેની સાધનસુવિધાઓ તેંડુલકર પરિવારની પહોંચની બહાર હતી. એટલે સચિનનું સંપૂર્ણ ઘ્યાન ક્રિકેટ તરફ કેન્દ્રિત થયું. થોડા દિવસ સુધી તેની રમત જોયા પછી આચરેકરે સચિનના ઘરે ફોન કરીને કહ્યું,‘તમે એને ખરેખર ક્રિકેટર બનાવવા ઇચ્છતા હો તો શારદાશ્રમ હાઇસ્કૂલમાં મૂકો.’ એ સ્કૂલમાં આચરેકર સત્તાવાર કોચ હતા. ત્યાં પહોંચવું હોય તો બાંદ્રા રહેતા સચિને બે બસ બદલવી પડે.  માંડ ૧૧ વર્ષના બાળકને આવી રીતે એકલો અને તે પણ મુંબઇમાં શી રીતે મોકલાય? એટલે સવારે પિતા તેને સાથે લઇ જાય અને વળતાં પરિવારમાંથી બીજું કોઇ સચિનને લઇ આવે. આખો દહાડો રમવાનું, ભણવાનું અને બસમાં મુસાફરી. એટલે સાંજ પડ્યે ૧૧ વર્ષનું ટાબરિયું લોથ થઇ જાય. થોડા દિવસ પછી બસમાં અપ-ડાઉન આકરું લાગતાં, શિવાજી પાર્કમાં રહેતા કાકાને ત્યાં સચિને મુકામ કર્યો.

અપ-ડાઉનની મહેનત બચી, પણ મેદાન પર આચરેકર જરાય દયામાયા ન રાખે. વેકેશનમાં પણ સવારે ૭ વાગ્યામાં નેટ પ્રેક્ટિસ માટે પહોંચી જવાનું. બે કલાક પ્રેક્ટિસ પછી એક કલાકનો વિરામ. ૧૦ વાગ્યાથી પ્રેક્ટિસ મેચ શરૂ થાય. સાંજે ૫ વાગ્યાથી ફરી બે કલાકની નેટ પ્રેક્ટિસ. લગભગ બે મહિનાના વેકેશનમાં સચિને હોંશે હોંશે આ  મહેનત કરી. આચરેકરનો પ્રેક્ટિસ માટેનો આગ્રહ અને સચિનની સ્વયંશિસ્ત- એ બન્નેના મિશ્રણમાંથી એવું રસાયણ પેદા થયું કે સફળતાની ટોચે પહોંચ્યા પછી પણ સચિને કદી પ્રેક્ટિસમાં ગાફેલિયત ન રાખી.

છોકરાઓનું સારી પેઠે તેલ કાઢી નાખ્યા પછી પણ આચરેકર પાસે તેમને આપવા માટે કોઇ ખાતરી ન હતી. અજિત તેંડુલકરને તેમણે કહ્યું હતું, ‘હું એને શક્ય એટલી બધી મદદ કરીશ, પણ તકદીર અને રાજકારણ સામે હું કંઇ જ નહીં કરી શકું.’ ૧૯૮૮માં આચરેકરના બન્ને શિષ્યો સચિન અને વિનોદ કાંબલીએ હેરીસ શિલ્ડની સ્કૂલ ટુર્નામેન્ટમાં ત્રેવડી સદી ફટકારીને ૬૬૪ રનની વિક્રમસર્જક ભાગીદારી નોંધાવી. અન્ડર-૧૫ ટીમ, રણજી ટ્રોફી..એમ સચિન તેંડુલકર માટે આગળના રસ્તા ખુલવા લાગ્યા. સચિનની શારદાશ્રમ હાઇસ્કૂલની મેચ હોય ત્યારે બીજા સિનિયર ખેલાડીઓ પણ જોવા આવવા લાગ્યા. તેની રમત જોઇને સુનિલ ગાવસ્કર સાથે તેની સરખામણી પણ થવા લાગી.

કાંબલી, માંજરેકર, તેંડુલકરઃ આ તસવીર વિશે માંજરેકરે કહ્યું હતું, 'ફેર એન્ડ લવલી'
ની જાહેરખબરની જેમ ઉઘડતા વાનના ક્રમમાં બધા ઉભા છીએ 
ભારતની ટીમ ૧૯૮૭માં પાકિસ્તાનના પ્રવાસે ગઇ, ત્યારે ઉંમરની રીતે અન્ડર-૧૭માં સ્થાન પામે એવા સચિનને ટેસ્ટ ટીમમાં સમાવવામાં આવ્યો. પાકિસ્તાનની ટીમમાં ત્યારે ઇમરાનખાન, વસીમ અકરમ, વકાર યુનુસ જેવા કાતિલ ફાસ્ટ બોલર અને અબ્દુલ કાદીર જેવા શ્રેષ્ઠ લેગસ્પિનર હતા. તેમની સામે તેંડુલકર સાવ વામનજી લાગે. કરાચીમાં રમાયેલી મેચમાં તો પ્રેક્ષકો પૂંઠાં પર ચીતરી લાવ્યા હતા, ‘ગો બેક હોમ ટુ મધર, કિડ’ (બાબા, જા ઘરે મમ્મી જોડે જતો રહે). પરંતુ એ જ સિરીઝમાં ‘બાબા’એ બતાવી આપ્યું કે ક્રિકેટમાં તેનું કદ ‘બાબા’ જેવું નહીં,‘દાદા’ જેવું છે. એ સિરીઝની એક ટેસ્ટમાં વકાર યુનુસનો એક બાઉન્સર નાકે ટીચાયા પછી લોહીલુહાણ થયા પછી સચિન હિંમત ન હાર્યો. ઊલટું, તેનામાં પોતાની રમત માટેનું ઝનૂન પેદા થયું અને પ્રાથમિક સારવાર પછી તેણે બેટિંગ ચાલુ રાખીને વકારની બોલિંગમાં ઉત્તમ ફટકા માર્યા. એવી જ રીતે, અબ્દુલ કાદીરની છેતરામણી સ્પિન બોલિંગમાં છગ્ગા પર છગ્ગા ફટકારીને તેણે કાદીરની એનાલિસિસ બગાડી નાખી. કાદીરે પછીથી સચિનની પ્રશંસા કરતાં કહ્યું હતું, ‘આ છોકરો અલગ છે. એ ગાવસ્કર કે વેંગસરકર કે અમરનાથ નથી. એ એન્ટરટેઇનર છે- રોહન કન્હાઇ જેવો.’

તેંડુલકરના આદર્શ હતા ગાવસ્કર અને વેસ્ટ ઇન્ડિઝના વિવિયન રિચાર્ડ્‌સ. ગાવસ્કરના પ્રિય ખેલાડી હતા વેસ્ટ ઇન્ડિઝના રોહન કન્હાઇ, જેમના નામ પરથી ગાવસ્કરે પોતાના પુત્રનું નામ રોહન પાડ્યું. - અને કાદીર સચિનને રોહન કન્હાઇ સાથે સરખાવી રહ્યા હતા. આગળ જતાં વિક્રમો અને મહાનતાને કારણે સચિનની સરખામણી ડોન બ્રેડમેન સાથે થવા લાગી. અગાઉના- છેક ગાવસ્કર સુધીના- મહાન ખેલાડીઓ અને સચિન વચ્ચેનો સૌથી મોટો તફાવત ક્રિકેટના બદલાઇ રહેલા સ્વરૂપનો અને એ દરેકમાં સચિનની મહારતનો હતો. પહેલી વાર સચિનની ટેસ્ટ ટીમમાં પસંદગી થઇ ત્યારે કમિટીના ચેરમેન એવા રાજસિંઘ ડુંગરપુરે સચિનની રમતમાં ટેલેન્ટ, ટેમ્પરામેન્ટ અને ટેક્‌નિક ત્રણેનો સમન્વય જોયો હતો. તેંડુલકરની સૌથી મોટી ખૂબીઓમાંની એક એ હતી કે તે વન-ડેના આક્રમણ જેટલી જ સહેલાઇથી ટેસ્ટ મેચની ‘ક્લાસિક’ રમત રમી શકતા અને એનાથી પણ મોટી સિદ્ધિ એ હતી કે ક્રિકેટની દુનિયામાં સર્વોચ્ચ દરજ્જો પામ્યા પછી પણ, તેની હવા કદી તેમના વર્તન કે રમતમાં જોવા મળી નહીં.

ભારતીય ક્રિકેટમાં ૧૯૯૦થી ૨૦૧૦ સુધીના બે દાયકા નિર્વિવાદપણે ‘સચિન તેંડુલકર- યુગ’ તરીકે ઓળખાશે.