Thursday, June 16, 2011
MIDNIGHT ARREST - ગાંધીજીની મધરાતની ધરપકડનું ઐતિહાસિક ચિત્ર
બે દિવસ પહેલાં મુકેલી પોસ્ટમાં, દાંડીકૂચ પછી કરાડીથી મધરાતે થયેલી ગાંધીજીની ધરપકડના પ્રસંગનું વર્ણન આપ્યું હતું- અને ગઇ કાલે એક એવું પુસ્તક હાથ લાગ્યું જેમાં એ બનાવનું ચિત્ર, ચિત્રકારના બયાન સાથે મળી આવ્યું.
ગાંધીજીની ૭૫મી વર્ષગાંઠના દિવસે પ્રકાશિત થયેલા, દળદાર અને ઉત્તમ સાજસજ્જા-છપાઇ-સામગ્રી ધરાવતા એ ગ્રંથ ’ગાંધીજી’માં વિનાયક એસ. મસોજી નામના ચિત્રકારનો આખી ઘટના વિશે અંગ્રેજીમાં લેખ છે.
ધરપકડના દિવસે સાંજે ગાંધીજીના પ્રેમી અંગ્રેજી રેજિનાલ્ડ રેનોલ્ડ્સ સાથે ગાંધીજીને મળેલા વિનાયક રાત્રે દાંડીથી પાછા ફર્યા અને મધરાતે ગાંધીજીની ધરપકડ થઇ. વિનાયકે લખ્યું છે કે ’દરિયાકિનારે છાવણીમાં શાંતિપૂર્વકના જીવનની સ્મૃતિઓ મારા મનમાં તાજી હતી અને તેમની ધરપકડના સમાચારથી મને જોરદાર આંચકો લાગ્યો. બાળપણના દિવસોની યાદ તાજી થઇ, જ્યારે અબુધ શસ્ત્રસજ્જ સૈનિકો દ્વારા ઇસુ ખ્રિસ્તની ધરપકડની વાર્તા સાંભળી હતી... એ પ્રસંગનું ચિત્ર બનાવવાની લાંબા સમયની ઝંખના આખરે ઘણાં વર્ષો પછી માઉન્ટ આબુના એકાંતમાં પૂરી થઇ.’
વિનાયકનું આ ચિત્ર કોંગ્રેસના એક અધિવેશનમાં પ્રદર્શન માટે મુકાયું હતું. એ પ્રદર્શન જોવા માટે રાજકુમારી અમૃતકૌર, મહાદેવ દેસાઇ અને બીજા કેટલાક લોકો સાથે ગાંધીજી પણ આવ્યા હતા. ’મિડનાઇટ એરેસ્ટ’ જોઇને રાજકુમારી અમૃતકૌરે ગાંધીજીને પૂછ્યું હતું ’આ ચિત્ર કેવળ કલાકારની કલ્પના છે? કે ખરેખર એવું બન્યું હતું?’ વિનાયકની નોંધ પ્રમાણે, ગાંધીજીનો જવાબ હતો ’હા. બિલકુલ આમ જ બન્યું હતું. એ લોકો આવી રીતે જ આવ્યા હતા.’
Labels:
arts,
Gandhi/ગાંધી,
history/ઇતિહાસ
Tuesday, June 14, 2011
બેજવાબદાર નેતાગીરીની હરિફાઇ અને થોડું ‘રિવિઝન’
બાબા રામદેવ અને તેમના ટેકેદારોને રામલીલા મેદાનમાંથી મધરાતે બળપૂર્વક સરકારી નિર્ણય અને તેની પ્રતિક્રિયાઓથી ઘણી બાબતો પર ફરી એક વાર અજવાળું પથરાઇ ગયું.
તેમાં સૌથી પહેલા ક્રમે આવીને ઉભી સરકારની નમાલી અવઢવ અથવા કુટિલ ચાલબાજી અથવા બન્ને. પાંચ હજાર માણસોની યોગશિબિરની પરવાનગી લીધા પછી બાબા રામદેવે ઘણા વઘુ ટેકેદારો સાથે વિરોધ પ્રદર્શનની જાહેરાત બાબાએ પહેલેથી કરી દીધી હતી. પરંતુ સરકારે પહેલાં (ચાર મંત્રીઓ મોકલીને) લાલ જાજમ પાથરી અને પછી પગ તળેથી જાજમ ખેંચી લેવા પોલીસનાં ધાડાં મોકલ્યાં- જાણે એક મૂર્ખામીનું સાટું બીજીથી વાળવાનું હોય.
સરકારે દેખાવકારો સામે વાપરેલા બળમાં કેવળ મૂર્ખામી જ નહીં, જડતા, અધીરાઇ અને સરકારને ન છાજે એવા જુગારનું તત્ત્વ પણ હતું.
ધારો કે પોલીસ કાર્યવાહી દરમિયાન બાબા રામદેવે હિંમત બતાવીને સ્થળ છોડવાની ના પાડી હોત તો? આઝાદી પહેલાં બ્રિટિશ ઘોડેસવાર પોલીસ સામે જમીન પર બેસી જતાં ને ભારે ખુવારી વેઠતાં સત્યાગ્રહી દેખાવકારોની જેમ, બાબા રામદેવ અને તેમના ટેકેદારો પોતાની જગ્યા પર જ બેસી રહ્યા હોત તો? સરકારને અત્યારે મળી છે એના કરતાં પણ વધારે નામોશી મળી હોત.
બાબાના ટેકેદારો પાસે બેઝબોલ બેટ કે પથ્થર હોવાનો આરોપ પોલીસે મૂક્યો છે. આ બાબતોમાં પોલીસનાં નિવેદનો કેટલાં ભરોસાપાત્ર ગણવાં એ હંમેશનો પ્રશ્ન હોય છે. બાબા રામદેવના ટેકેદારો સજ્જ હોય કે નિઃશસ્ત્ર, એ હકીકત છે કે આટલી મોટી સંખ્યામાં અનુયાયીઓને ખસેડતી વખતે પોલીસને ટીયરગેસના ફક્ત આઠ શેલ વાપરવા પડ્યા. અખબારી અહેવાલો પ્રમાણે આશરે ૭૦ લોકો પોલીસ કાર્યવાહીમાં ઘાયલ થયા. આ લોકો પહેલી વાર ત્યાં ભેગા થઇ રહ્યા હતા, ત્યારે સરકારે તેમને અટકાવ્યા નહીં અને પછી તેમને એ જગ્યાએથી હાંકી કાઢવાનો હુકમ આપ્યો, એ બેવડી નીતિનું આ દુષ્પરિણામ હતું. પોલીસના બળપ્રયોગથી ઘાયલ થયેલાં નિર્દોષ લોકોને કારણે, ભ્રષ્ટાચારના મુદ્દે મીંઢું વલણ રાખીને બેઠેલી સરકાર વિશેનો રોષ બેવડાય એ સ્વાભાવિક અને યોગ્ય જ હતું.
બીજા ક્રમે આવીને ઉભી પ્રમાણભાન ભૂલી ગયેલા વિપક્ષી - ખાસ કરીને ભાજપી- નેતાઓની બખાળાબાજી. ઘાયલ થયેલા લોકોના ખભે બંદૂક મૂકીને સરકાર પર ભડાકા કરવાના ઉત્સાહમાં કેટલાક ભાજપી નેતાઓ ભાન ભૂલી ગયા. તેમણે પોતાનો વિરોધ કેવળ બિનલોકશાહી પગલાં પૂરતો મર્યાદિત ન રાખ્યો. પણ સરકારની પોલીસ કાર્યવાહીને તે જલિયાંવાલા બાગ અને કટોકટી સાથે સરખાવી બેઠા. સ્કૂલના કોઇ વિદ્યાર્થીએ આવી સરખામણી કરી હોય તો તેને પચાસ ઉઠબેસ કે એક પિરીયડ સુધી અંગુઠા પકડવાની સજા થાય, પણ આ તો રાષ્ટ્રિય - અને રાષ્ટ્રિય બનવા થનગની રહેલા- નેતાઓનો શંભુમેળો! તેમની મોં-માથા વગરની સરખામણીઓ સાથે સંમત થનારા અને તેમને ટેકો આપનારા પણ મળી રહ્યા.
બીજો એક વર્ગ એવો છે, જે ભ્રષ્ટાચારના વિરોધના ઉત્સાહમાં તેના ‘બ્રાન્ડ એમ્બેસેડર’ બાબા રામદેવ વિશેની વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી. એ માને છે કે બાબા રામદેવની નીતિરીતિનો કે કાર્યપદ્ધતિનો, તેમના હેતુઓનો કે આશયોનો વિરોધ કરનારા બધા ભ્રષ્ટાચારી સરકારની તરફેણ કરે છે! આવી કાલીઘેલી-સંકુચિત સમજણમાં રાચનારા હોય, ત્યાં સુધી સત્યાગ્રહના નામે બાબાની નૌટંકીને ખાસ વાંધો નહીં આવે.
વાંધો ન હોય તો દાતણ કરી લઉં?
બાબાના સત્યાગ્રહ માટે ‘નૌટંકી’ જેવો શબ્દ બિલકુલ સભાનતાપૂર્વક વાપર્યો છે. કારણ કે સત્યાગ્રહ કોને કહેવાય, એ બાબા પાસેથી કે તેમના ટેકેદારો, ભોળા ભક્તો અને મુગ્ધ-માનદ્ વકીલો પાસેથી શીખવાની જરૂર નથી.
અડધી રાત્રે સત્યાગ્રહી નેતા પર ચડી આવેલાં પોલીસનાં ધાડાંની સિચ્યુએશન પરથી ભાજપી નેતાઓને ભલે કંઇ યાદ ન આવે, પરંતુ આપણે દાંડીકૂચ જેવા વિખ્યાત સત્યાગ્રહનો ઘટનાક્રમ ભૂલી જવાની જરૂર નથી. એ યાદ કર્યા પછી બાબા રામદેવ કેમ ધોળા ધરમે પણ સત્યાગ્રહી ન હોઇ શકે, એ અંગે વઘુ કહેવાની જરૂર નહીં રહે.
દાંડીકૂચના એકાદ મહિના પછી પાંચમી મે, ૧૯૩૦ની મધરાતે કરાડીમાંથી ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી. એ ઘટનાના સાક્ષી, ગુજરાતી સાહિત્યકાર કૃષ્ણલાલ શ્રીધરાણીએ ધરપકડ વખતના માહોલનું તાદૃશ વર્ણન કર્યું છે, જે રામદેવ મંડળી અને તેમના ભક્તો-વકીલોએ જ નહીં, સત્યાગ્રહની વાતો કરનાર- તેમને ટેકો આપનાર સૌ કોઇએ વાંચવા જેવું છે.
***
‘(રાત્રે) પોણા વાગે બે મોટી મોટર-બસ આવીને બારણે ઊભી રહી. ક્ષણવારમાં તો એક પછી એક ૨૫-૩૦ સિપાઇઓ કૂદી પડ્યા. સૂરતના પેલા ગોરા ન્યાયમૂર્તિ (!) સૌથી આગળ દોડ્યા. પાછળ પોલીસ ઉપરી અને આંટિયા અને તેમની પાછળ ૨૫ પોલીસો બંદૂકના કુંદા ઝાલી દોડ્યા. જાણે ધાડ પાડવા આવ્યા હોય!..
પહેલાં તો સિપાઇઓએ અમને સૌને ઘેરી લીધા હતા. મેં ધાર્યું કે અમને પણ પકડશે, એટલે બિસ્તરો સંકેલવો શરૂ કર્યો. પણ ત્યાં તો જોયું કે એ લોકો બાપુજીની કુટીર તરફ ધસી રહ્યા છે. એટલે મેં પણ દોટ મૂકી...ક્ષણ બે ક્ષણમાં તો સૌ બાપુજી પાસે દોડી ગયા અને આસપાસ વંિટળાઇ ગયા....
એટલામાં તો ન્યાયમૂર્તિ અને આંટિયા આવી પહોંચ્યા. એક જંગલીની માફક બાપુ ઉપર ટોર્ચ ફેંકી. બાપુએ મોં ફેરવ્યું.
‘આઇ એરેસ્ટ યુ.’ ગોરો બોલ્યો. બાપુ હસ્યા. જીવનમાં આ બીજી વાર મૌન તોડ્યું.
‘ડુ યુ વોન્ટ મી?’ બાપુજી બોલ્યા.
‘યસ, સર.’ ગોરાએ જવાબ આપ્યો. ‘તમારું નામ મોહનદાસ કરમચંદ ગાંધી?’
‘હા.’ બાપુએ જવાબ આપ્યો. ત્યાં તો સિપાઇઓ આવીને ફરી વળ્યા...
‘જો તમને કશો વાંધો ન હોય તો હું દાતણ કરી લઉં?’ બાપુએ પૂછ્યું.
‘ખુશીથી.’ જવાબ મળ્યો. બાપુએ દાતણ મંગાવ્યું. જાણે કંઇ જ બન્યું ન હોય- જાણે હંમેશની માફક ચાર વાગ્યાની પ્રાતરોપાસના માટે તૈયાર થતા હોય તેમ સ્વસ્થતાથી દાતણ કરવા લાગ્યા.
‘કાન્તિ’ બાપુ બોલ્યા, ‘મારાં કપડાં તૈયાર કર.’ બાપુ તો દાતણ કરતા જાય અને કહેતા જાય, ‘વાલજી, યંગ ઇન્ડિયા માટે અઘૂરું લખેલું પડ્યું છે. સંભાળી લેજો અને મોકલી દેજો.’ સામે અમલદારો સ્તબ્ધ ઉભેલા.
‘મિ.મેજિસ્ટ્રેટ, મને જણાવશો કે મને કયા સેક્શન નીચે પકડવામાં આવે છે?’ બાપુજીએ ન્યાયમૂર્તિને પૂછ્યું.
ન્યાયમૂર્તિએ ઘુ્રજતાં ઘુ્રજતાં આખું વોરંટ વાંચ્યું. (એક અંગ્રેજી લેખમાં શ્રીધરાણીએ નોંઘ્યું છે કે સીઘુંસાદું વોરન્ટ વાંચવામાં મેજિસ્ટ્રેટને ત્રણ વાર ભૂલ પડી હતી.)
ત્યાં તો આનંદ પત્રોની ફાઇલ લઇને આવી પહોચ્યો. બાપુ એક એક પત્ર લેતા જાય અને સમજ પાડતા જાય...
‘વખત છે ને?’ બાપુએ પૂછ્યું, ‘ના જી’ આંટિયાએ જવાબ આપ્યો, ‘આપને એક વાગ્યા પહેલાં પકડી લેવાના છે.’
‘ત્યારે પાંચ મિનિટ વધારે. એક ભજન ગાઇ લઇએ. પંડિતજી છે કે?’ મહાવીર દોડ્યો અને એકતારો લઇ આવ્યો.
બાપુજી ઉઠ્યા. સૌ એકઘ્યાન થયા. પંડિતજીએ (પંડિત ખરેએ) શરૂ કર્યું. ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ...’
ગામલોક આવી પહોંચ્યુ. પાછલી વાડમાંથી પ્રવેશ કરે ત્યાં તો પોલીસો ગોઠવાઇ ગયા અને તેમને અંદર આવતા અટકાવ્યા. ત્યાં તો ગામની સ્ત્રીઓ આવી અને ગાવા લાગીઃ ‘દાતણ કરતા જાવ રે ગાંધીજી...’
...નવસારી સ્ટેશનથી બે માઇલ દૂર એક સલૂન ઊભું રાખવામાં આવ્યું હતું. કોઇને જાણ ન થાય માટે તેમાં બત્તી પણ નહોતી કરવામાં આવી. બાપુને લાવીને તેમાં બેસાડી દેવામાં આવ્યા.
***
પોતાના ટેકેદારો-અનુયાયીઓને દોરવણી આપવાનું તો બાજુ પર, તેમના ક્ષેમકુશળની ચિંતા કર્યા વિના, મંચ પરથી કૂદકો મારીને ટોળામાં ભળી ગયેલા અને સ્ત્રી-વેશ પહેરીને નાસી છૂટવાનો પ્રયત્ન કર્યા પછી પણ પકડાઇ ગયેલા બાબા રામદેવને ‘સત્યાગ્રહ’ સાથે કશી લેવાદેવા હોઇ શકે ખરી?
સરકારે બીજું કંઇ પણ કર્યા વિના તેમને હવાઇ માર્ગે હરિદ્વાર પહોંચાડી દીધા, ત્યારે ‘સરકાર મારું એન્કાઉન્ટર કરાવવા ઇચ્છતી હતી’ એવો હાસ્યાસ્પદ આક્ષેપ બાબાએ કર્યો. હરદ્વાર પહોંચ્યા પછી પોતાના મૂળ વેશમાં આવી જવાને બદલે, જાણએ પોતાના પરાક્રમ બદલ પોરસાતા હોય એમ તેમણે સ્ત્રી-વેશનું નાટક ચાલુ રાખ્યું. એ જ વેશમાં તેમણે પત્રકારોને સંબોઘ્યા. આ રામદેવ જાહેર જીવનમાં પ્રામાણિકતાના અને ભ્રષ્ટ આચારની નાબૂદીના પ્રતિનિધિ બની રહેશે...એવું માનવા માટે મૂર્ખામીની હદનું ભોળપણ કે દૃષ્ટિહીનતાની હદનો આશાવાદ જોઇએ.
કહેતા ભી દીવાના...
રામલીલા મેદાનમાં પોલીસે કરેલા બળપ્રયોગને જલિયાંવાલા બાગ અને કટોકટી સાથે સરખાવવો, એ નિર્દોષતાની નહીં, પણ ગંભીરતાની રીતે, ગુમડા પર મુકાયેલા નસ્તરને બાયપાસ સર્જરી સાથે સરખાવવા બરાબર છે.
ક્યાં ૧૯ મહિનાની કટોકટી દરમિયાન નાગરિક સ્વતંત્રતાથી માંડીને પ્રસાર માઘ્યમો પર વીંઝાયેલો સરકારી સેન્સરશીપ તથા અત્યાચારોનો કોરડો અને ક્યાં એ જ દિવસે સરકારી વિમાનમાં હરદ્વાર પહોંચ્યા પછી, સ્ત્રી વેશમાં ટીવી કેમેરા સામે પ્રેસ કોન્ફરન્સ યોજતા બાબા રામદેવ!
ક્યાં જલિયાંવાલા બાગના મેદાનમાં જનરલ ડાયરના હુકમને પગલે પચીસેક હજાર નિર્દોષ નાગરિકો પર છોડવામાં આવેલાં ગોળીબારનાં ૧,૬૫૦ રાઉન્ડ - અને મૃત્યુ પામેલા ૧,૫૧૬ નાગરિકો! અને ક્યાં પોલીસે છોડેલા ૮ રાઉન્ડ ટીયરગેસ (ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ૬-૬-૧૧) તથા લાઠીચાર્જથી ઘાયલ થયેલા ૭૦ લોકો! ૭૦ નિર્દોષો કેમ ઘાયલ થયા એ સવાલ અને એની સાથે સંકળાયેલી નામોશી રહે છે, પણ અહીં વાત સરખામણીની છે.
આવી સરખામણીઓ કરનારા નેતાઓ પોતાનો ધંધો કરી રહ્યો છે. તે એવું પણ માની લે છે કે આવી ધડમાથા વગરની વાત સાંભળનારા જ નહીં, તેમાં હઇસો હઇસો કરનારા પણ મળી રહેશે.
કમનસીબે તે સાવ ખોટા નથી.
Labels:
baba ramdev,
corruption,
history/ઇતિહાસ,
politics
Sunday, June 12, 2011
પાકિસ્તાની પરમાણુશસ્ત્ર ભંડારનાં ‘તાળાં’ કેટલાં જડબેસલાક છે?

આંતરિક અસ્થિરતા, તાલિબાનો અને બીજા ધાર્મિક અંતીમવાદીઓથી ખદબદતું પાકિસ્તાન ફક્ત ભારત માટે જ નહીં, તેના ‘ફ્રેનીમી’ (મિત્ર એવા જ દુશ્મન : ‘મિશ્મન’) અમેરિકા સહિત સમસ્ત વિશ્વ માટે માથાનો દુઃખાવો બન્યું છે. તેનું કારણ છે : પાકિસ્તાનનો સમૃદ્ધ પરમાણુ શસ્ત્રભંડાર.
પાકિસ્તાનમાં ઝડપભેર તૈયાર થઇ રહેલા ચોથા રીએક્ટરની ઉપગ્રહ તસવીરો આપીને ‘ન્યૂઝવીક’ સામયિકે થોડા સમય પહેલાં જણાવ્યું હતું કે ‘પાકિસ્તાન પાસે ૧૦૦ પરમાણુબોમ્બ બનાવી શકાય એટલી સામગ્રી તૈયાર છે અને દર વર્ષે બીજા ૮ થી ૨૦ જેટલા બોમ્બ બનાવી શકાય એટલી સામગ્રીનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે.’ પાકિસ્તાન દ્વારા તૈયાર થયેલાં વધારાનાં પરમાણુશસ્ત્રો અંગે નિષ્ણાતો માને છે કે તે એક હુમલો વેઠ્યા પછી બેઠા થઇને વળતો જવાબ આપવાની તૈયારી છે.
પરમાણુરસ્તે દાદાગીરી કરવા તલપાપડ ઇરાન અને ઉત્તર કોરિયા હજુ આખરી મંઝિલ સુધી પહોંચી શક્યાં નથીઃ ઇરાન પરમાણુ બોમ્બ માટે જરૂરી યુરેનિયમ પેદા કરી શકે એમ નથી અને ઉત્તર કોરિયા પાસે પરમાણુ હુમલા માટે આવશ્યક શસ્ત્રસજ્જતા નથી. તેમની સરખામણીમાં, પરદેશી પરમાણુ કાર્યક્રમના ઉઠાવગીર વિજ્ઞાની અબ્દુલ કાદિર ખાને પાકિસ્તાનને પરમાણુશસ્ત્રોની બાબતમાં પગભર બનાવી દીઘું છે.
ડો.ખાને ‘ઇસ્લામીક બોમ્બ’ના ખ્યાલ સાથે પાકિસ્તાનમાં ઉભી કરેલી પરમાણુક્ષમતા હવે ઇસ્લામના નામે કટ્ટરતા ફેલાવતા તાલિબાનો અને અંતીમવાદીઓને લીધે જોખમમાં આવી પડી છે. કમ સે કમ, પાકિસ્તાન બહારની દુનિયાને એવું લાગે છે કે ભારતવિરોધી ત્રાસવાદી જૂથોના સૂત્રધાર જેવી જાસુસી સંસ્થા આઇ.એસ.આઇ., લશ્કરી અધિકારીઓની બોલબાલા, નાગરિકી નેતૃત્વનો અભાવ જેવાં અનેક પરિબળોના વિસ્ફોટક સંયોજનને કારણે પાકિસ્તાન બિનભરોસાપાત્ર બની ગયું છે. પાકિસ્તાનના લશ્કરી મથકની સાવ બાજુમાં ઓસામા જેવો ખૂંખાર ત્રાસવાદી આટલા લાંબા સમય સુધી રહેતો હોય કે તેની હત્યાનો બદલો લેવા માટે અંતીમવાદીઓ ભારે સુરક્ષા ધરાવતાં લશ્કરી મથકો પર હુમલા કરીને તબાહી મચાવી શકતા હોય, તો એ દેશનો પરમાણુ શસ્ત્રભંડાર કેટલો સલામત ગણાય?
આ ચિંતા અલબત્ત બીજા દેશો જેટલી જ પાકિસ્તાનને પણ હોય. ‘ત્રાસવાદ સામેની (પોતાની વ્યાખ્યા પ્રમાણેની) લડાઇ’માં અમેરિકાએ પરાણે પાકિસ્તાનને સાથે રાખ્યું છે, એટલે અમેરિકા પણ પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રભંડારની સલામતીમાં રસ ધરાવતું હોય. અત્યાર સુધીમાં પાકિસ્તાનને આપેલી અબજો ડોલરની સહાયમાં થોડા કરોડ ડોલર કેવળ પરમાણુસુરક્ષા માટે આપ્યા હોવાનું જાણવા મળે છે. (નવેમ્બર, ૨૦૦૭ના એક અહેવાલ પ્રમાણે, છેલ્લાં છ વર્ષમાં અમેરિકાએ પાકિસ્તાનને પરમાણુશસ્ત્રોની સુરક્ષાવ્યવસ્થા માટે ૧૦ કરોડ ડોલર આપ્યા હતા.)
પરમાણુ શસ્ત્રભંડારની સુરક્ષા માટે એક તરફ તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓની ભરતી અને કામગીરી પર સતત તપાસ રાખવામાં આવે છે. એ માટેના ‘પર્સોનેલ રીલાયેબિલીટી પ્રોગ્રામ્સ’ (પીઆરપી)ની વાત ગયા સપ્તાહે કરી હતી. પરંતુ બધી સાવધાની પછી કોઇ માણસ કે માણસો ફૂટી જાય તો શું? એ સવાલના જવાબ માટે પાકિસ્તાનમાં પરમાણુશક્તિને લગતું માળખું જોઇ લઇએઃ
સ્ટ્રેટેજિક પ્લાનિંગ ડિવિઝન - ટૂંકમાં એસ.પી.ડી.- તરીકે ઓળખાત માળખું પાકિસ્તાનની પરમાણુશક્તિ અને તેનાં શસ્ત્રોને લગતાં તમામ પાસાંની દેખરેખ રાખે છે. ફેબુ્રઆરી, ૨૦૦૦માં સ્થપાયેલું એસપીડી ‘નેશનલ કમાન્ડ ઓથોરિટી’ની જ કચેરી તરીકે વર્તે છે. નેશનલ કમાન્ડ ઓથોરિટી (એનસીએ)રાજકીય-લશ્કરી-વૈજ્ઞાનિક ત્રણે પ્રકારના આગેવાનો ધરાવે છે. એનસીએની બે પાંખ છેઃ એમ્પ્લોયમેન્ટ કન્ટ્રોલ કમિટી (જે પરમાણુશસ્ત્રોના સંભવિત ઉપયોગ અંગે ઘ્યાન રાખે છે) અને ડેવલપમેન્ટ કન્ટ્રોલ કમિટી (જે પરમાણુશસ્ત્રો વિકસાવવાને લગતી બાબતોની દેખરેખ રાખે છે.) બન્નેના અઘ્યક્ષ તરીકે સરકારના વડા હોય છે. એ સિવાય તેમાં વિદેશમંત્રી, લશ્કરી વડા, સંરક્ષણમંત્રી, આંતરિક બાબતોના મંત્રી, સૈન્યોના વડા અને એસપીડીના ડાયરેક્ટર જેવા લોકો સંકળાયેલા હોય છે.
સ્ટ્રેટેજિક પ્લાનિંગ ડિવિઝન પણ ઓપરેશન્સ એન્ડ પ્લાનિંગ, સ્ટ્રેટેજિક વેપન્સ, આર્મ્સ કન્ટ્રોલ એન્ડ ડિસઆર્મામેન્ટ જેવા વિભાગોમાં વહેંચાયેલું છે. આ તો થઇ માળખાની વાત. પરંતુ ખરેખરાં પરમાણુ શસ્ત્રોના રક્ષણ માટે કેવા ઉપાય યોજવામાં આવે છે?
તેનો એક જવાબ છેઃ પરમિસિવ એક્શન લિન્ક- ‘પીએએલ’. આ નામ છે પરમાણુ શસ્ત્રોની સુરક્ષા માટેની અમેરિકન ટેકનોલોજીનું. સાદી ભાષામાં કહીએ તો, પીએએલ પરમાણુ શસ્ત્રો પર લાગેલું એવું તાળું છે, જેને ખોલવા માટે ચોક્કસ પ્રકારના કોડ નંબરની જરૂર પડે છે. એટલું જ નહીં, કોઇ એક જણથી તે ખોલી શકતું નથી. ‘ટુ મેન રૂલ’ તરીકે ઓળખાતી પ્રથા મુજબ, બે જણ પોતપોતાના કોડનંબર આપે ત્યાર પછી જ, પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરી શકાય છે. સલામતી ખાતર તેમાં એવી પણ વ્યવસ્થા રાખવામાં આવે છે કે એક વાર ખોટો કોડનંબર દાખલ કરવામાં આવે તો પરમાણુશસ્ત્ર ‘લોક’ થઇ જાય. ઉપયોગ માટે ત્યાર પછી એ નકામું થઇ જાય.
‘પીએએલ’ની ટેકનોલોજી અમેરિકાએ વિકસાવી હતી અને ફ્રાન્સ, (શીતયુદ્ધ પછીના) રશિયા જેવી અણુસત્તાઓને આપી હતી. પરંતુ ચીન અને પાકિસ્તાનને પરમાણુસુરક્ષા માટેની આ ટેકનોલોજી આપવા સામે અમેરિકામાં ઘણો વિરોધ થયો હતો. તેમને બીક હતી કે આ ટેકનોલોજી મારફતે ચીન કે પાકિસ્તાન જેવા બિનવિશ્વાસપાત્ર દેશો પરમાણુ શસ્ત્રો જેવી સંવેદનશીલ બાબતમાં અમેરિકાની ટેકનોલોજી અંગે કશું વધારાનું જાણી જશે.
બીજી તરફ, અમેરિકા પાસેથી ‘પીએએલ’ ટેકનોલોજી સ્વીકારવા અંગે પાકિસ્તાનમાં પણ વિરોધ હતો. તેની પાછળ એવો અવિશ્વાસ કારણભૂત હતો કે ‘અમેરિકનો ટેકનોલોજીના બહાને કોઇ એવી કરામત કરી જાય કે છેવટનું તાળું તેમના હાથમાં રહે અને આપણે ઇચ્છીએ ત્યારે પરમાણુશસ્ત્રનો ઉપયોગ કરી જ ન શકીએ, તો?’
આમ, પાકિસ્તાન પાસે ‘પીએએલ’ ટેકનોલોજી છે કે નહીં, તે ઘણા વખત સુધી અટકળનો વિષય રહ્યો હતો. પરંતુ થોડાં વર્ષો પહેલાં નેશનલ કમાન્ડ ઓથોરિટીના બ્રિગેડીયર જનરલ નઇમ સાલિકે અમેરિકન બનાવટની નહીં, પણ પાકિસ્તાને તૈયાર કરેલી ‘પીએએલ’ અને ‘સ્ટાન્ડર્ડ ટુ મેન રૂલ’ હોવાનું જણાવ્યું હતું.
પરમાણુશસ્ત્રો સુરક્ષિત રાખવાનો બીજો ઉપાય તેમને ‘વન પીસ’ અને ‘પ્રહાર માટે તૈયાર’ નહીં, પણ વિભાજિત રાખવાનો છે. પરમાણુશસ્ત્રોના ‘હૃદય’ જેવું પરમાણુબળતણ ધરાવતો હિસ્સો કે તેને પલીતો ચાંપનાર હિસ્સો અલગ અલગ રીતે રાખવામાં આવે છે. સાથોસાથ, પરમાણુશસ્ત્રો ધારણ કરી શકે એવાં મિસાઇલ કે વિમાનોથી પણ તેમને દૂર રાખવામાં આવે છે. તેને કારણે કોઇ એક જણના આવેશથી પરમાણુ હુમલો શરૂ થવાની ભીતિ રહેતી નથી. એ જ રીતે, આખેઆખું પરમાણુશસ્ત્ર અંતીમવાદીઓના હાથે ચડી જવાની શક્યતા નાબૂદ થાય છે. અલબત્ત, સ્ટ્રેટેજિક પ્લાનિંગ ડિવિઝનના જનરલ ખાલિદ કિડવાઇના જણાવ્યા પ્રમાણે, વિભાજિત અવસ્થામાં રહેલાં પરમાણુશસ્ત્રોના પૂરજાને બહુ ઝડપથી જોડી શકવા માટે પાકિસ્તાન સક્ષમ છે.
પરમાણુશસ્ત્રોના પૂરજા કે બળતણ છૂટાછવાયાં રાખવામાં ભયસ્થાન એ છે કે તે ચોરાઇ જવાની સંભાવનાઓ વધે છે. ખાસ કરીને, પરમાણુશસ્ત્રોમાં બળતણ તરીકે વપરાતા યુરેનિયમ કે પ્લુટોનિયમનો જથ્થો અંતીમવાદીઓના હાથમાં આવી જાય, તો તે ‘ંક્રુડ’ (ટેકનોલોજીની આંટીધૂંટી વિનાની ભદ્દી, પણ વિસ્ફોટ કરી જાણે એવી) ડીઝાઇનનો બોમ્બ બનાવે એવી સંભાવના રહે છે. ચોરીની સંભાવના એક ઠેકાણેથી પરમાણુશસ્ત્રો કે તેમના પૂરજા બીજા ઠેકાણે લઇ જવાતા હોય ત્યારે પણ વધી જાય છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફે ‘ન્યૂયોર્કર’ માટે પત્રકાર સીમેર હર્ષને આપેલી મુલાકાતમાં જણાવ્યા પ્રમાણે, ‘પાકિસ્તાને પરમાણુશસ્ત્રોની હેરફેર માટે જમીનની નીચે મોટી ટનલોનું માળખું ઉભું કર્યું છે. એટલે અમેરિકાના ઉપગ્રહો શસ્ત્રોની હિલચાલ પર નજર રાખી શકશે નહીં.’
પરમાણુશસ્ત્રો સંઘરાયાં હોય તે જગ્યાઓ અને પરમાણુ બળતણ પેદા કરતી પ્રયોગશાળાઓ જેવાં વ્યૂહાત્મક સ્થળોએ આશરે ૧૮ હજાર સૈનિકો તહેનાત હોવાનું પણ મુશર્રફે ઓસામાના મૃત્યુ પછી આપેલા એક મુલાકાતમાં જણાવ્યું હતું.
આમ, પાકિસ્તાનનો પરમાણુ શસ્ત્રભંડાર છેક લાગે છે એટલો રેઢો નથી. આંતરરાષ્ટ્રિય દબાણ અને ફરજિયાત લેવાં પડેલાં કેટલાંક પગલાંને લીધે સુરક્ષાની પ્રણાલી તો છે. પરંતુ પોતાના શસ્ત્રભંડારની જગ્યાઓ વિશે અમેરિકાને પણ અંધારામાં રાખતા પાકિસ્તાનની વિશ્વસનીયતા જ નહીં, આંતરિક સ્થિતિ પણ એટલી કથળેલી છે કે તેના વિશે નિશ્ચિંત થઇને નિરાંતજીવે બેસી શકાય નહીં.
Friday, June 10, 2011
હુસેનઃ આત્મ-ચિત્રકથા, અમદાવાદ, સાલ્વાડોર ડાલી, ઇકબાલ...
એમ.એફ.હુસેનને અંજલિ તરીકે તેમનાં થોડાં વિશિષ્ટ આત્મકથાલક્ષી ચિત્રો- 1980-90ના દાયકાનાં ઇલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયામાંથી અને તેમની આત્મકથાના ગુજરાતી અનુવાદ 'દાદાનો ડંગોરો...'માંથી.
Huge credit for such sharing goes to my elder brother Biren Kothari, himself an acclaimed writer.He brought all these stuff home when I was too young and had no idea about what writing-arts-photography is.
(click to enlarge photos)

મહાન સરરીઅલીસ્ટ ચિત્રકાર સાલ્વાડોર ડાલીને હુસૈને આપેલી અંજલિ
'વીકલી' માટે હુસૈને બે બ્રોડશીટ ડબલસ્પ્રેડમાં પોતાના આરંભિક જીવન વિશેનાં ચિત્રો દોર્યાં હતાં. તેમાંથી પોતાના પહેલા વેચાયેલા ચિત્ર વિશેનું ચિત્રઃ સ્થળ ઇન્દોર, વર્ષ 1934 અને વેચાયેલા ચિત્રની કિંમત રૂ.10 (માહિતી ચિત્ર નીચેના લખાણમાંથી)

હુસૈનનો બહુ જાણીતો પોસ્ટર-પેઇન્ટર અવતાર. 1937માં બનાવેલું દુર્ગા ખોટેનું 40 ફીટનુ કટ આઉટ

જૂના ફિલ્મસંગીતના-સાયગલના પ્રેમીઓ મનમાં ગણગણવા લાગે એવા ગીત 'પ્રેમનગર મૈં બસાઉંગી' (ચંડીદાસ)નું પોસ્ટર
વધુ એક સાયગલ-હિટઃ 'બાબુલ મોરા' ફેઇમ 'સ્ટ્રીટસિંગર'

મુંબઇમાં બનેલું છ કળાકારોનું પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગ્રુપઃ તેમાં હુસૈન સિવાય બીજા બે ધુરંધરો એફ.એન.સોઝા અને એસ.એચ.રઝા

'વીકલી' માટે હુસૈને એક વાર ડો.ઇકબાલની શાયરીના આધારે કેટલાંક ચિત્રો બનાવ્યાં હતાં. તેમાંથી બે નમૂના, ઇકબાલની રચનાઓ સાથે. (ઉર્દુ લિપીની આ રચનાઓ ઉકેલવા માટે એ વખતે અમારા બાયોલોજીના શિક્ષક અને જાણીતા ગઝલકાર હનિફ 'સાહિલ'ની મદદ લીધી હતી.)
તુ શાહીં હૈ, પરવાઝ હૈ કામ તેરા
તેરે સામને આસમાં ઔર ભી હૈ

બુતખાને કે દરવાજે પે સોતા હૈ બરહમન
તકદીર કો રોતા હૈ મુસલમાં તહે મહરાબ
મશરીક સે ન હો બેઝાર, ન મગરીબ સે હઝર કર
ફિતરત કા ઇશારા હૈ કે હર શબ કો સહર કર

Labels:
arts,
m.f.husain,
Obit/અંજલિ
Thursday, June 09, 2011
હુસેન અને ‘હીના’
વિવાદાસ્પદ અને વિવાદપ્રિય, પાક્કા કળાકાર અને પાક્કા વ્યાવસાયિક ચિત્રકાર મકબુલ ફીદા હુસૈનનું ૯૭ વર્ષની વયે અવસાન થયું.
એક ચિત્રકારને અંજલિ આપવા માટે તેમના કામથી વધારે યોગ્ય શું હોઇ શકે? તેમનાં કેટલાંક ચિત્રો ‘ભાગ-૨’માં મુકીશ, પણ રાજ કપૂરને અંજલિ તરીકે ‘હીના’ ફિલ્મના ટાઇટલ માટે તેમણે કરેલાં ચિત્રો અહીં મૂક્યાં છે- ફિલ્મના પડદે ચિત્રો તરીકે તેમને નિરાંતે જોવાનું થયું હોય કે ન પણ થયું હોય એમ ધારીને.










Labels:
arts,
film/ફિલ્મ
છકડાની કવિતા
છેલ્લા થોડા દિવસથી એક મિત્રના સંપાદન માટે થઇને આદિવાસી સામયિકો પર નજર ફેરવવાનું કામ ચાલે છે. આવાં કામ હાથમાં લઇએ ત્યારે આપણે હજુ કેટલું બઘું શીખવા-જાણવાનું બાકી છે અને આપણને રસ પડે એવું કેટલું બઘું હજુ દુનિયામાં પડ્યું છે, તેનો અહેસાસ થતો રહે છે. આદિવાસી સામયિકોના જથ્થામાંથી સૌથી વઘુ મઝા બાળ સામયિક ‘બોલ’માં આવી.
વડોદરાના ભાષા સંશોધન પ્રકાશન કેન્દ્ર દ્વારા પ્રકાશિત અને વિક્રમ ચૌધરી-સુરમલ વહોનિયા સંપાદિત આ સામયિકમાં એક કવિતા વાંચીને એટલો આનંદ થયો કે એ વહેંચીને વધારવાનું મન થાય. ‘સકડો સાલે’ (છકડો ચાલે) એવું મથાળું ધરાવતી આ કવિતામાંથી કેટલાક આદિવાસી શબ્દો સમજાતા ન હોવા છતાં, (‘પહેલી ધાર’ની અસર જાળવી રાખવા માટે) એ જ ભાષામાં યથાતથ મુકું છું.
સકડો સાલે
વગડો હાલે
ફાંગીયા આવે
ઝોઝ આવે
ઉદાપોર આવે
ભીસંભીંસા સકડો સાલે
ડેરંડેરા સકડો સાલે
લાકડતીકડ
માટલાં માટલી
ધાનધરકલી
હાલકડોલક મરઘાંમરઘી
ખેતર વસ્સે વાટ પડી
વગડા વસ્સે વાટ પડી
શું લેવા?
શું લેવા વગડે વાટ પડી?
ખેતરમાં કેમ વાટ પડી?
ડંગર મારા ડોલી ગયાં
ઝાડ મારાં ઉડી ગયાં
(ફેબ્રઆરી, ૨૦૦૫, વર્ષ ૧, અંક ૪)
આ કવિતાની પહેલી બે પંક્તિઓમાં રહેલી દૃશ્યાત્મકતા (સકડો સાલે, વગડો હાલે)ની અસર એટલી જોરદાર છે કે આગળ વાંચવાનો ધક્કો લાગે. ત્યાર પછીના ભાગમાં અશોકકુમારના ‘રેલગાડી’ ગીતની યાદ આવે એવું વર્ણન છે અને અંત સુધીમાં એક સીધીસાદી કવિતાને કેવો કાતીલ વળાંક મળ્યો છે? લખનારનું નામ નથી, પણ જેણે લખી હોય એને સલામ.
-અને ‘સકડો સાલે, વગડો હાલે’ વાંચીને એ પણ યાદ આવે કે જાતે હાલકડોલક થતા ઘણા છકડાને પોતાના લીધે દુનિયા હાલી છે અથવા પોતે દુનિયા હલાવી રહ્યા છે એવો ભ્રમ થાય છે. એ ભ્રમનું મહત્ત્વ એક બાળબોધી કલ્પનાથી વિશેષ કંઇ જ નથી, એવું પણ ‘ઉપરોક્ત સુવર્ણપંક્તિઓ’માંથી તારવી શકાય
Wednesday, June 08, 2011
'ગ્રામ્યમાતા' અને 'મધુકરનો ગુંજારવ'
કેટલાક મિત્રોએ શેરડીના રસ વિશેના હાસ્યલેખમાં 'ગ્રામ્યમાતા'નો ઉલ્લેખ વાંચીને એ કાવ્યની માગણી કરી. એ સિવાય, માગણી ન કરનાર ઘણા મિત્રોને પણ તેમાં કદાચ રસ પડે-વાંચવાનું મન થાય, એમ ધારીને અહીં એ કાવ્ય 'કલાપીનો કાવ્યકલાપ' (1973,પુનઃમુદ્રિત આવૃત્તિ)માંથી મુક્યું છે. 'કલાપી'ની રચનાઓ પરનો કોપીરાઇટ ક્યારનો પૂરો થઇ ચૂક્યો હોવાથી એ વિશે કોઇ મુશ્કેલી પણ નથી. સૌ કોઇ તેનો યથેચ્છ સદુપયોગ કરી શકે છે.
'કલાપી' પહેલાં 'મધુકર' ઉપનામ ધરાવનાર સુરસિંહ ગોહિલનો કાવ્યસંગ્રહ અસલમા 'મધુકરનો ગુંજારવ' નામે પ્રકાશિત થવાનો હતો, પણ ત્યાર પછી તેમણે 'કલાપી' ઉપનામ ધારણ કર્યું અને તેમના મૃત્યુ પછી તે 'કલાપીનો કેકારવ' નામે પ્રસિદ્ધ થયો, એવું અનંતરાય રાવળે નોંધ્યું છે.

સમય (શેરડીના) રસભીનો વહી રહ્યો
સર્વ ૠતુઓમાં ‘ૠતુરાજ’ તરીકે વસંત જાણીતી છે, પરંતુ સાહિત્યકારો-કવિઓ થોડું ઘ્યાન ખાણાંપીણાં- ખાસ કરીને નશારહિત પીણાં- તરફ આપતા હોત, તો તેમણે ક્યારનું ઉનાળાને ‘રસરાજ’નું બિરૂદ આપી દીઘું હોત.
કેટકેટલી જાતના રસ ફક્ત ઉનાળામાં મળે છેઃ કેરીનો રસ, તરબૂચનો રસ, ફાલસાનો રસ, ટેટીનો રસ, શેરડીનો રસ...સાહિત્યના નવ રસની જેમ ઉનાળાના રસની મીમાંસા કરતો કોઇ ગ્રંથ રચાયો નથી, તેથી એ રસનું મહત્ત્વ જરાય ઘટતું નથી. બલ્કે, એવું અનુમાન કરી શકાય કે ઉનાળામાં મનુષ્યો એટલા રસતરબોળ રહે છે કે ગ્રંથ રચવા જેવાં નીરસ કામમાં તેમને રસ પડતો નથી.
ઉનાળામાં કેરીનો મહિમા એટલો પ્રચંડ છે કે ‘રસ એટલે કેરીનો રસ’ એવું જ માની લેવાય છે- ભલે કેરીનો રસ ઘણા બધાને પોસાતો ન હોય, ભલે બધાને પોસાતો હોય તે કેરીનો ન હોય, ભલે કેરીના રસમાં મોટા પાયે ભેળસેળ થતી હોય અને તેનાં કેનનાં કેન વહાવી દેવાને કારણે રાજ્યમાં રસની નદીઓ વહેવા લાગે, ભલે નકલી કેરીનો રસ કે કેરીનો નકલી રસ ખાવાથી લોકો બીમાર પડતા હોય- છતાં ‘કુછ બાત હૈ કે મિટતી હસ્તી નહીં હમારી’ની જેમ કે કૌભાંડી રાજકારણીના પ્રભાવની જેમ કેરીના રસનું મહત્ત્વ ઘટતું નથી.
કેરીના રસની સરખામણી શેરડીના રસ સાથે થઇ શકે? બન્ને રસના પ્રેમીસમુહો કહી શકે છેઃ ‘સવાલ જ નથી!’ પણ એ જવાબનો અર્થ ‘હા’ થાય કે ‘ના’- એ ચર્ચાનો અને ચર્ચાએ ચર્ચાએ બદલાતા અભિપ્રાયનો મુદ્દો છે. મતલબ, સરખામણી થાય પણ ખરી અને ન પણ થાય.
સામાન્ય રીતે કેરીનો રસ કોઇ ગટગટાવતું નથી ને શેરડીનો રસ કોઇ ખાતું નથી. શેરડીના રસમાંથી પાપડ કે બરફી બનતાં નથી અને કેરીના રસમાં ચટપટો મસાલો નાખી શકાતો નથી. કેરીનો રસ પ્યાલામાં ખવાતો નથી ને શેરડીનો રસ વાટકીમાં પીવાતો નથી. કેરીના રસમાં ફીણથી અડધી વાટકી ભરી શકાતી નથી અને શેરડીના રસમાં (બરફ સિવાય બીજા કશાની) ભેળસેળ થઇ શકતી નથી. કેરીનો રસ કાઢવો અને ખાવો એ મોટે ભાગે ‘ઇનડોર’ પ્રવૃત્તિ છે, જ્યારે શેરડીનો રસ પીવાની અસલી મઝા બહાર આવે છે.
કોથળીમાં પેક કરાવેલો શેરડીનો રસ આરોગ્યપ્રદ કહેવાય કે નહીં એ તો પછીની વાત છે, પણ તેની પોટલી ઘરે લાવીને છોડતાં અકારણ દારૂબંધીનો ભંગ કરતા હોઇએ એવું લાગે છે, જ્યારે કેરીનો રસ ઘરે લાવીને ખાવામાં ‘કાયદો છોડશે નહીં અને સમાજ સ્વીકારશે નહીં’ પ્રકારના વિચાર આવતા નથી.
શેરડીના રસ સાથે ‘કલાપી’ના કાવ્ય ‘ગ્રામ્યમાતા’ની યાદ સંકળાયેલી છે. (કેરીના રસ પર કોઇએ કવિતા લખી હોય એવું જાણમાં નથી. હા, ફેંકી દેવાયેલા ગોટલા પર લખાઇ છે.) વૃદ્ધાના ખેતરમાં લહેરાતો શેરડીનો પાક જોઇને તેનો મહેમાન બનેલો રાજા મનોમન વેરો વધારવાની ગણતરી માંડે છે, ત્યારે શેરડીમાંથી રસ સુકાઇ જાય છે અને વૃદ્ધા બોલી ઉઠે છે, ‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ/ નહીં તો ના બને આવું...’
હવે લોકશાહી જમાનામાં રાજાઓ રહ્યા નથી, પણ ઘણા મંત્રીઓ રાજાને સારા કહેવડાવે એવા હોય છે. હજુ તે કાફલા લઇને નીકળે છે ખરા, પણ શેરડીનાં (કે બીજાં) ખેતરો જોઇને તેમને વેરા વધારવાના નહીં, ખેતરોની જમીનના બારોબાર સોદા પાડી દેવાના જ વિચારો આવે છે. વિકાસપ્રેમી ‘પ્રજાજનો’ આવા રાજાને દયાહીન ગણીને દુઃખી થવાને બદલે તેને પ્રગતિપ્રેમી ગણીને હરખાય છે- અને શેરડીના રસમાં મીઠાશનો અભાવ જણાય તો ધરા કે નૃપનો વાંક કાઢ્યા વિના, મસાલો નાખીને સ્વાદથી તે પી જાય છે.
શેરડીના રસની મઝા માણવાની સાચી પદ્ધતિ કઇ, એ વિશે હજુ સુધી એકમતિ સધાવી બાકી છે- અને કદી સધાય એમ લાગતું પણ નથી. એક વર્ગ માને છે કે કોઇ પણ રસ ઠંડો હોય તો જ પીવાની મઝા આવે. તેમના મનમાં ‘રસ મતલબ ઠંડા’ એવો ફંડા ધૂસેલો હોય છે. સામાન્ય તાપમાન ધરાવતા રસને તે ‘ગરમ’ તરીકે ઉતારી પાડે છે અને તેમાં ધરાર ઉપરથી બરફનાં ગચ્ચાં નખાવે છે. રસમાં બરફનું દર્શન થયા પછી સૌથી પહેલાં તેમના હૈયે અને બીજા નંબરે તેમના કોઠે એવી ટાઢક વળે છે કે વેચવા કઢાયેલા બંધ સરકારી એકમની જેમ અથવા બાથટબમાં પડેલા આર્કિમિડીઝની જેમ ‘છે તે જ અવસ્થામાં’ દોટ મૂકવાની ઇચ્છા તેમને થઇ આવે.
આર્કિમિડીઝનો રસ-શાસ્ત્ર સાથે ગાઢ સંબંધ છે. તેના સિદ્ધાંતની મહત્તા એ છે કે આર્કિમિડીઝનું નામ ન સાંભળ્યું હોય એવા રસવાળા પણ તેનો સિદ્ધાંત બરાબર સમજે છે અને તેને ખપમાં લઇ જાણે છેઃ આશાવાદીઓ અર્ધા ભરેલા પ્યાલાનો ભરેલો ભાગ જોઇને રાજી થાય છે, નિરાશાવાદીઓ તેનો ખાલી ભાગ જોઇને દુઃખી થાય છે, પણ આર્કિમિડીઝ-વાદીઓ અર્ધા ભરેલા પ્યાલામાં બરફના ટુકડા નાખીને ગ્લાસ ભરી દે છે. તેનાથી ગ્રાહક આશાવાદી-નિરાશાવાદી બનવાના વિકલ્પોમાંથી ઉગરી જાય છે અને રસવાળા બે પૈસા કમાય છે. આઇસક્રીમના નામે વેચાતું ફ્રોઝન ડેઝર્ટ, ‘યુવા પેઢીની પસંદ’ના નામે વેચાતાં ગુજલિશ ગલગલિયાં, ગુજરાતી થાળીના નામે મળતા રાજસ્થાની સ્વાદ અને લોકપ્રતિનિધિને બદલે મળતા ‘રાજાઓ’ની જેમ બરફના ગાંગડાથી છલકાતો શેરડીના રસનો પ્યાલો પણ ‘એ તો આમ જ હોય’ અથવા ‘હવે ક્યાં પહેલાં જેવું રહ્યું છે’ - તરીકે લોકસ્વીકૃતિ અને લોકપ્રિયતા પામે છે.
કેટલાક રસપ્રેમી અથવા જાગ્રત ગ્રાહકો બરફાચ્છાદિત રસ સાંખી શકતા નથી. જાગ્રત ગ્રાહકોનો વાંધો રસના સ્વાદ સાથે નહીં, પણ તેની ઘટેલી માત્રા સામે હોય છે. તેમનું ઘ્યેય મઘુર રસપાન કરવાનું નહીં, પણ ‘અમે તમે ધારો છો એવા ડફોળ નથી’ એ સિદ્ધ કરવાનું હોય છે. એવા ગ્રાહકસુરક્ષાવાદીઓને શેરડીના રસ કરતાં પણ વધારે રસ સંચાવાળા સાથેની દલીલબાજીમાં આવે છે. ‘રસ ગયો તેલ લેવા’ એવાં વચનો ઉચ્ચારીને તે વીરરસની જમાવટ કરે, ત્યારે બે ઘડી એવું લાગે કે એ સાંઠા લઇને સંચાવાળાને ફરી ન વળે અથવા સંચામાં એ શેરડીની જગ્યાએ ક્યાંક રસવાળાને પીલી ન નાખે! પણ સંચાવાળા મોટે ભાગે મનમોહનસંિઘ-મિજાજના હોય છે : શાંતિ જાળવીને બઘું સાંભળી લે. કોઇ વળી અધીરા બનીને કે ઘરાકી બગડવાની બીકે વચ્ચે પૂછી બેસે કે ‘સારું ભાઇ, તમે સાચા, બસ? બોલો, શું કરવું છે? ઉપરથી થોડો રસ ઉમેરી દઉં??’ તો શક્ય છે કે ગ્રાહકહિતશિરોમણિ ઘુંધવાઇને જવાબ આપે, ‘હું કંઇ તારા રસનો ભૂખ્યો નથી.’ (એટલે કે, ‘હું શેરડીના રસ માટે નહીં, અંતરના રસ માટે લડું છું.’)
કેવળ રસ પીવા માટે ગયેલા રસપ્રેમીઓ બખેડામાં પડવાને બદલે પહેલેથી જ સૂચના આપે છે,‘મારા રસમાં બરફ નાખવાનો નથી.’ કેટલાક છટાથી કહે છે,‘આપણો નીટ, હોં!’ આવો ‘નીટ’ રસ પીનારા બરફની ‘સ્વરૂપચર્ચા’માંથી (એ કેવા પાણીમાંથી બન્યો હશે તેની અટકળોમાંથી) બચી જાય છે. એકદમ કુદરતી સ્વાદના આગ્રહી તો મસાલો પણ નાખવાની ના પાડે છે. અસલી સ્વાદમાં મીઠાશ ઓછીવત્તી હોય એ તેમને મંજૂર છે, પણ મસાલો નાખીને શેરડીના સ્વાદનું ખૂન કરતાં તેમનો જીવ ચાલતો નથી.
ઘણા ગ્રાહકો વેપારીદૃષ્ટિ ધરાવતા અને એના માટે ભારે નાઝ રાખનારા હોય છે. શેરડીના સંચે રસ પીતી વખતે તેમના મનમાં રસના સ્વાદની અનુભૂતિ નહીં, પણ સંચા આગળ પડેલા કૂચા વિશે અનેક આશાસ્પદ સવાલો જાગે છેઃ કૂચાનું શું થતું હશે? એ ક્યાં કામ લાગતા હશે? આપણે જથ્થાબંધ ખરીદીએ તો કેટલામાં પડે? બજારમાં કેટલામાં વેચી શકીએ ? મુકેશ અંબાણીને રીફાઇનરીમાં કે સ્ટીવ જોબ્સને આઇ-પેડ બનાવવા માટે કૂચાની જરૂર પડતી હશે? પડતી હોય તો આપણી જોડેથી ખરીદે? કોઇ ‘જેક’ શોધી કાઢવો પડશે...આ વિચારોમાં રસ ક્યારે પૂરો થઇ જાય છે એનો ખ્યાલ રહેતો નથી. પરંતુ ઉદ્યોગસાહસિકોને તેનો અફસોસ પણ હોતો નથી.
Labels:
food,
humor-satire/હાસ્ય-વ્યંગ
Tuesday, June 07, 2011
બાબાના ઉપવાસ, સત્યાગ્રહનો ઉપહાસ
(લખ્યા તા.4-6-11, શનિવાર)
પ્રચારયંત્રો દ્વારા, રિલીઝ થયા પહેલાં સુપરહિટ જાહેર કરી દેવાતી ફિલ્મની જેમ, બાબા રામદેવના ઉપવાસ (તેમના શબ્દોમાં ‘સત્યાગ્રહ’) શરૂ થતાં પહેલાં જ, તેની પ્રચંડ સફળતાની વાતો વહેતી થઇ હતી. અન્નાના ઉપવાસના પગલે સર્જાયેલા કામચલાઉ વાવાઝોડામાંથી કરોડરજ્જુ વગરની કેન્દ્ર સરકારે સાવ અવળો બોધપાઠ લીધો : બાબાના ઉપવાસ શરૂ થવાની રાહ જોયા વિના, આગોતરી જ સરકાર તેમના ચરણોમાં લેટી પડી.
ભ્રષ્ટાચાર જેવા મહાવ્યાપક અને વ્યક્તિથી વ્યવસ્થા સુધીનું વિશાળ ફલક ધરાવતા મુદ્દે આમરણ ઉપવાસ જેવું આત્યંતિક શસ્ત્ર ઉગામાય કે કેમ? એ સવાલ અન્ના સામે પણ હતો ને બાબા સામે પણ છે. ઉપવાસ-સત્યાગ્રહના પ્રણેતા ગાંધીજી મુખ્યત્વે અંગ્રેજ સરકાર પાસે એક ને એક બે જેવી ચોક્કસ માગણીઓ સાથે અથવા જનસમુદાય વતી પ્રાયશ્ચિત કરીને તેમને પશ્ચાતાપનો અહેસાસ કરાવવા માટે આમરણ ઉપવાસ કરતા હતા. અત્યારે ગાંધીજીનો દાખલો ટાંકીએ તો ‘વ્યવહારુ’ લોકો હસે ને ઠપકો પણ આપે. એટલે એમનું ઉદાહરણ આગળ ખેંચવાનું માંડી વાળીએ, પણ વાત આમરણ ઉપવાસના આશય અને તેની સ્પષ્ટતાની છે.
આમરણ ઉપવાસની સામે મુકાયેલી અન્નાની માગણીઓ અસ્પષ્ટ અને ઘણા સવાલ પેદા કરનારી હતી, પરંતુ જનમનરંજનના અઠંગ ખેલાડી બાબા રામદેવના ઉપવાસ શરૂ થયા પછી અને તેમના હેતુઓ વિશે જાણ્યા પછી, અન્ના હજારે પોતાની કોઇ કમાલ વિના, કેવળ બાબાની સરખામણીમાં બે આંગળ ઊંચા લાગે એવી સ્થિતિ સર્જાઇ. લોકપ્રિયતાને જ સર્વસ્વ માનતાં તમામ ઉંમરનાં ભોળાં-મુગ્ધ બાળકો અન્નાની સરખામણીમાં રામદેવ પર ઓવારી જતી વખતે એ ભૂલી જાય છે કે અન્નાએ તમામ વ્યક્તિગત મર્યાદાઓ સહિત, નાના પાયે અને ચોક્કસ વિસ્તારમાં ભ્રષ્ટાચાર સામે અસરકારક લડત આપી છે. બોલવામાં બેફામ અન્નાની વ્યક્તિગત નિષ્ઠા સામે તેમના ટીકાકારો પણ સવાલ ઉભા કરતા નથી. તેમનું અંગત જીવન ભ્રષ્ટાચારના આરોપ તો ઠીક, વૈભવ અને ધનના ઢગલાથી પણ મુક્ત છે.
જંતરમંતર પર ઉપવાસ શરૂ કરતી વખતે અન્નાનો જે કંઇ પ્રભાવ હતો તે એમની બીજા વ્યવસાયની લોકપ્રિયતાને કારણે નહીં, પણ નાના પાયે તેમણે કરેલી ભ્રષ્ટાચારવિરોધી લડતના પ્રતાપે હતો. તેમ છતાં, રાષ્ટ્રિય સ્તરની લડતમાં અને તેમાં પણ કાયદો ઘડવા જેવી બાબતમાં અન્નાનો અનુભવ- કે જરા કડક શબ્દોમાં કહીએ તો, પાત્રતા- પૂરેપૂરી ન જ ગણાય. અને એ અભાવનાં પરિણામ ઝડપથી દેખાઇ ગયાં.
જંતરમંતર પછીના અન્ના પાસે સિલકમાં ભ્રષ્ટાચારવિરોધી લડતનો નાનો છતાં નક્કર આધાર નહીં, પણ તેમને મળેલી પ્રચંડ છતાં હવાઇ લોકપ્રિયતા છે. એ કેટલી, ક્યાં સુધી અને કયા કયા મુદ્દે કામ લાગશે? અને ‘ઉપવાસ વધારે ચાલ્યા હોત તો સરકાર ઉથલી પડી હોત’ એવા ભવ્ય ભ્રમમાં રાચતા અન્ના ફરી ક્યારે વાસ્તવની નક્કર ધરતી પર આવીને પોતાનું પૂર્વસ્વરૂપ પ્રાપ્ત કરશે? એ સવાલોના જવાબ માટે ભવિષ્યની રાહ જોવાની રહે છે.
ભાગ નહીં, પોતાની ‘દુકાન’
બાબા રામદેવ ભ્રષ્ટાચારના વિરોધની વાતો કરનારા જૂના ખેલાડી છે. ભ્રષ્ટાચાર એક એવો મુદ્દો છે કે જેનો વિરોધ કરીને પોતાની મહત્તા સિદ્ધ કરતા રહેવામાં સુખેથી આખી જિંદગી નીકળી જાય- ભારતમાં તો ખાસ! કારણ કે ગમે તે પક્ષની સરકાર આવે, આ મુદ્દે નક્કર પગલાં લેવાની અનિચ્છાની કે ઔપચારિકતાની બાબતમાં બધાં ‘ભાઇ-ભાઇ’ કે ‘ભાઇ-બહેન’ છે.
બાબા અત્યાર સુધી તેમના યોગ-સામ્રાજ્યના મુખિયા તરીકેના અવતારમાં અને વચ્ચે વચ્ચે ભ્રષ્ટાચારવિરોધી વાતો કરી લેવામાં રાજી હતા. પરંતુ તેમના કરતાં અનેક ગણી ઓછી લોકપ્રિયતા ધરાવતા અન્ના હજારે ભ્રષ્ટાચાર સામેના ઉપવાસથી જે રીતે રાતોરાત રાષ્ટ્રિય હીરો બની ગયા, એ જોયા પછી બાબા આ તક ન ઝડપે તો જ નવાઇ! અન્નાની ઝુંબેશનો આત્યંતિક વિરોધ કરનાર અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં અન્નાના આંદોલન વખતે પ્રગટ થયેલા અહેવાલો પ્રમાણે, બાબા રામદેવ અગાઉ જંતરમંતર પર આવું આંદોલન કરી ચૂક્યા હતા, પણ એ વખતે કોઇએ તેમને ભાવ આપ્યો ન હતો. એટલું જ નહીં, અન્નાના આંદોલનની સફળતા વખતે બાબાના એક ચેલાએ એ મતલબનું કહ્યું હતું કે ‘અન્ના તો ફક્ત ચહેરો છે. અસલી સંચાલન બાબા રામદેવનું છે.’ આ વાતમાં અતિશયોક્તિ હોય તો પણ તેમાંથી એક સૂર સ્પષ્ટ રીતે પ્રગટતો હતોઃ અન્નાને મળેલો લોકટોળાંનો મહદ્ અંશે અવિચારી ટેકો જોઇને બાબા ‘પ્રેરાઇ’ ઉઠ્યા હતા અને એ નહીં તો એમના ચેલાઓ, અન્નાની સફળતામાં પોતાનો હિસ્સો સુનિશ્ચિત કરી રહ્યા હતા.
પરંતુ ગ્રાહકો છેતરાવા તૈયાર હોય, કાચા માલની અછત ન હોય અને પોતાનું નામ અનેક ગણું વધારે જાણીતું હોય, તો પછી ભાગ શા માટે માગવો? અલગ દુકાન જ ન કાઢીએ! એ પ્રકારની વૃત્તિ-માનસિકતા બાબા રામદેવના હેતુશુદ્ધિ-સાધનશુદ્ધિ સાથે બાર ગાઉનું છેટું ધરાવતા ઉપવાસમાં દેખાઇ આવી.
કાળાં નાણાંનો કાળો જાદુ
બાબા રામદેવના ઉપવાસની અસંદિગ્ધ અને સાફ-સ્પષ્ટ ટીકા બે મુખ્ય પરિબળો પર આધારિત છે ૧) બાબાની માગણીઓમાં રહેલાં અવાસ્તિવકતા, અજ્ઞાન, લોકોને ચગડોળે ચડાવનાર તત્ત્વો ૨) બાબાના આર્થિક સામ્રાજ્ય અને તેમના વિવાદાસ્પદ વિચારોને કારણે ઉભા થતા તેમની પાત્રતાના પ્રશ્નો.
સૌથી પહેલાં તેમની માગણીઓની વાત : ઉપવાસના પહેલા દિવસે અમદાવાદમાં ટાઉનહોલ પાસે ‘ભારત સ્વાભિમાન (ન્યાસ)- પતંજલિ યોગ સમિતિ‘નાં બેનર હેઠળ કેટલાક લોકોએ શરૂ કરેલા ઉપવાસમાં અને અન્યત્ર પોસ્ટરો દ્વારા ત્રણ માગણીઓ જાહેર કરવામાં આવી હતીઃ ૧) વિદેશમાં રહેલા રૂ.૪૦૦ લાખ કરોડના કાળા નાણાંને ભારતીય સંપત્તિ તરીકે જાહેર કરીને તેને ભારત લાવવું. ૨) ભ્રષ્ટાચાર પર અંકુશ માટે સક્ષમ લોકપાલ કાયદો લાવવો. ૩) સ્વતંત્ર ભારતમાંથી વિદેશી શાસન (બ્રિટિશ રૂલ) સમાપ્ત કરવું, જેથી આર્થિક અને સામાજિક ન્યાય મળી શકે.
‘વિદેશોમાં ઠલવાયેલું કાળું નાણું દેશમાં આવી જાય તો દેશની બધી સમસ્યાઓ ઉકલી જાય’ - આ સરેરાશ ભારતીયોને પકડાવી દેવામાં આવેલો એવો લોલીપોપ છે, જેના થકી નેતાઓ નાગરિકોને શેખચલ્લી બનાવીને મૂળ-મહત્ત્વના મુદ્દા પરથી તેમનું ઘ્યાન દૂર કરી દે છે. (કાળાં નાણાં ભારત લાવવાના હાકોટા કેવા વ્યર્થ અને પોકળ છે એની વિગતવાર માહિતી-દલીલો માટે જુઓઃ ‘કાળાં નાણાંની સ્વીસ ચોકલેટ’. ‘દૃષ્ટિકોણ’, ૮ ફેબ્રુઆરી, ૨૦૧૧)
બાબા રામદેવ કહે છે કે વિદેશોમાં રૂ.૪૦૦ લાખ કરોડનું કાળું નાણું પડ્યું છે. આ આંકડો કેવી રીતે આવ્યો એ તો બાબા જ જાણે, પણ આ આંકડો કેટલો આસમાની અને અતિશયોક્તિભર્યો છે, એ જણાવતાં શેખર ગુપ્તાએ ભારતના વર્તમાન જીડીપીનો આંકડો આપ્યો છેઃ રૂ.૫૯ લાખ કરોડ. એટલે કે બાબાના મતે વર્તમાન જીડીપી કરતાં લગભગ છથી સાત ગણી રકમ વિદેશોમાં છે.
ઘડીભર, કેવળ કલ્પના ખાતર માની લઇએ કે આ આંકડો સાચો છે, તો પણ વિદેશી બેન્કમાં જમા થયેલાં નાણાં પાછાં મેળવવા માટેની અડચણો-આંટીધૂંટીઓ અને આંતરરાષ્ટ્રિય તકાદા વિશે બાબા જાણતા નથી અથવા લોકોને જણાવીને તેમનો મીઠો ભ્રમ તોડવા ઇચ્છતા નથી. અમેરિકા જેવા સુપરપાવરને પણ સ્વિડનની અનેક બેન્કોમાં જમા થયેલાં બે નંબરી નાણાંની વિગતો મેળવતાં નવ નેજાં આવ્યાં છે અને અનેક શરતોને આધીન રહીને એ નાણાં નહીં, પણ એવાં નાણાં ધરાવતા ૪,૪૫૦ ખાતેદારોની ફક્ત વિગતો મળી છે.
ભારતના કિસ્સામાં કલ્પનાની બધી હદો વટાવીને એમ પણ માની લઇએ કે વિદેશી બેન્કોમાં ખડકાયેલાં તમામ કાળાં નાણાંનો કબજો ભારતને મળી ગયો. પછી શું? એ નાણાંનો વહીવટ કેવી રીતે થશે? અને તે લોકકલ્યાણ કે ‘દેશના વિકાસ’માં વપરાય તે શી રીતે શક્ય બનશે?
બાબા રામદેવ આગળ જણાવેલા સવાલો વિશે વિચારતા નથી, પણ નાણાં મળી ગયા પછી ‘તેના અસરકારક વહીવટની થોડી મુશ્કેલી ખરી’ એવું સ્વીકારે છે- અને બીજી જ ક્ષણે તેનો ઉપાય ચીંધતાં કહે છે, ‘એટલે જ તો હું સીસ્ટમ બદલવાની વાત કરું છું.’ અને સીસ્ટમ કેવી રીતે બદલાશે? જવાબ છેઃ ‘યોગ. પ્રાણાયામ. લોકો યોગ કરશે એટલે તેમનાં મન શુદ્ધ અને નિર્મળ બનશે. એટલે સીસ્ટમ સુધરી જશે અને ભ્રષ્ટાચાર આપોઆપ દૂર થશે.’
આવી બાળવાર્તા પુખ્ત વયના લોકો સાંભળે, સ્વીકારે અને માની પણ લે, ત્યારે બીજું શું કહેવું? સિવાય કે આપણે બાબા રામદેવોની નેતાગીરીને જ લાયક છીએ!
લાખ દુઃખોંકી એક દવા?
ભાષણોમાં બાબા ભ્રષ્ટાચારીઓ માટે ફાંસીની સજાની જોગવાઇની વાત કરે છે. સરકાર ઢાલગરવાડમાં ડ્રેસની કિંમતના ભાવતાલ કરતી હોય એમ, સંસદ-બંધારણ-કાનૂની પ્રક્રિયા નેવે મૂકીને, આજીવન કેદ માટે સંમતિ દર્શાવે, ત્યારે બાબા રામદેવ કહે છે, ‘ભલે ! ફાંસી નહીં તો આજીવન કેદ. છો ને સડતા જેલમાં!’ તેમના ઉદ્ગારો સાંભળીને મુગ્ધો આંખ સામેની વાસ્તવિકતા ભૂલીને જેલમાં સબડતા ભ્રષ્ટાચારીઓના દૃશ્યની કલ્પનાથી તાળીઓ પાડે છે.
લોકપાલ ખરડામાં વડાપ્રધાન-ન્યાયતંત્રના સમાવેશ અંગે નિવેદનો ફેરવનારા બાબા ‘સક્ષમ લોકપાલ’ની વાત કરે ત્યારે ચૂપચાપ, તેમના વલણપલટાનાં કારણો પૂછ્યા વિના, તેને પી જવાની! ભારતમાં આર્થિક-સામાજિક ન્યાય સ્થાપવા માટે ‘બ્રિટિશ રૂલ’ સમાપ્ત કરવાની તેમની માગણી આર્થિક-સામાજિક ન્યાયના ખ્યાલ વિશેની તેમની સમજણ(નો અભાવ) સૂચવે છે. આર્થિક-સામાજિક ન્યાય માટે વર્તમાન બંધારણ અને કાયદો પૂરેપૂરાં સક્ષમ છે. સવાલ તેના અમલનો છે. પણ બાબાને આવું ન પૂછાય. નહીંતર ‘લાખ દુઃખોંકી એક દવા’ જેવો જવાબ તૈયાર છે : ‘યોગ કરો. પ્રાણાયામ કરો.’
બીજું પાસું બાબાના પોતાના આર્થિક સામ્રાજ્યને લગતું છે. એકાદ દાયકામાં કરોડો રૂપિયાના માલિક (કે ‘ટ્રસ્ટી’) બનેલા બાબા યોગનો પ્રચારપ્રસાર કરે છે, પણ ધંધાદારી રાહે. એ સિવાય કરોડો રૂપિયાની સંપત્તિ કેવી રીતે પેદા થાય? યોગનો ધંધો કરવામાં પણ કશું ખોટું નથી. સવાલ એ છે કે અઢળક સંપત્તિ ધરાવતા અને ભક્તજનો તરફથી એકાદ ટાપુ જેવી મોંઘી ભેટ મેળવનારા, ઉપવાસ-આંદોલનની તૈયારીઓ પાછળ (પોતાના કે ભક્તોના) કરોડો રૂપિયા ખર્ચી કાઢનારા, ઉપવાસ માટે મઘ્ય પ્રદેશથી ચાર્ટર્ડ પ્લેનમાં દિલ્હી આવનારા બાબા રામદેવ ‘યોગી’ કે ‘સન્યાસી’ શી રીતે ગણાય? અને તેમના ઉપવાસને સાત્ત્વિકતા કે પવિત્રતાની આભા શી રીતે એનાયત કરી શકાય? બાબાએ આંદોલનની શરૂઆત કરતાં પહેલાં પોતાના ટ્રસ્ટના છેલ્લા પાંચ વર્ષના હિસાબો રજૂ કર્યા હોત અને તેમની સંસ્થાને મળતી અઢળક સંપત્તિનું શું થાય છે, તે જાહેર કર્યું હોત, તો તેમના ઉપવાસમાં અંગત પારદર્શકતાનું થોડું વજન ઉમેરાયું હોત.
હવે? બાબાના ઉપવાસ આ લેખ પ્રગટ થતાં સુધી ચાલુ હોય તો એ પૂરા થવાની - તેમના વિજયોત્સવની, દેશની ‘બીજી આઝાદી’ની- રાહ જુઓ.
- અને ઉપવાસ પૂરા થઇ ગયા હોય તો? ઉચ્ચક જીવે વઘુ એક સ્યુડો-આઘ્યાત્મિક, સ્યુડો-ગાંધીવાદી, સ્યુડો-ભગતસિંઘ/વિવેકાનંદપ્રેમીના ભ્રષ્ટાચારવિરોધી કે કાળાં નાણાંવિરોધીના ઉપવાસ માટે માનસિક રીતે તૈયાર રહો.
Labels:
anna hazare,
baba ramdev,
corruption
Monday, June 06, 2011
પાકિસ્તાનમાં છપાયેલી ભારતની રૂ.1000ની ચલણી નોટો જેવાં કેટલાંક સમીકરણો..
પાકિસ્તાનમાં છપાયેલી ભારતની રૂ.1000ની ચલણી નોટો જેવાં, સાચુકલાં લાગતાં છતાં બનાવટી સમીકરણો મનમાં કે શબ્દોમાં ભરીને ઘણા ભાઇ-બહેનો 'ચર્ચા' કરવા માટે આવી જાય છે. તેમનાં તેવર જોતાં એ ચર્ચા નહીં, પણ લડાઇ કરવાં ઉતર્યાં હોય એવું લાગે. (એ વીર રસ ડોન કિહોટેની યાદ અપાવતો હોય એ જુદી વાત છે.)
એવાં સૌના લાભાર્થે અહીં કેટલાંક સમીકરણો આપ્યાં છું. એ સમીકરણોમાં જાણે-અજાણે માનતા હોય એવા લોકો 'ચર્ચા'ની તસ્દી નહીં લે, તો બન્ને પક્ષે લાભ થશે.
એવાં કેટલાંક સમીકરણઃ
ભ્રષ્ટાચારનો વિરોધ = બાબા રામદેવની તરફેણ
બાબા રામદેવની ટીકા = સરકારની તરફેણ = ભ્રષ્ટાચારના વિરોધનો વિરોધ
અન્ના હઝારેની ટીકા = ભ્રષ્ટાચારીઓની તરફેણ
ગુજરાતના મુખ્ય મંત્રીની ટીકા = ગુજરાતની ટીકા = કોંગ્રેસની તરફેણ
કોંગ્રેસની ટીકા = ભાજપની તરફેણ
પ્રજાલક્ષી કે વંચિતલક્ષી વાત = ડાબેરી વલણ
ચર્ચા = મુદ્દાથી ફંટાઇને થતી આડેધડ ફેંકાફેંક
બાકી તો, તમારી મરજી.
Labels:
Urvish Kothari/ઉર્વીશ કોઠારી
Subscribe to:
Posts (Atom)







