Wednesday, February 17, 2016
JNU વિવાદ : જરા હટકે, જરા બચકે
દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં અફઝલ ગુરુ અને મકબૂલ ભટને થયેલી ફાંસીની સજાના વિરોધમાં અને કાશ્મીરના લોકોના સ્વ-નિર્ણયના અધિકારની તરફેણમાં એક કાર્યક્રમ યોજાયો. એ નિમિત્તે ડાબેરી વિચારધારા ધરાવતાં વિદ્યાર્થીજૂથો અને ભાજપની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) વચ્ચે ઘર્ષણ થયું. સૂત્રોચ્ચાર થયા. તેમાં કેટલાક લોકોએ કાશ્મીરની આઝાદીની તરફેણમાં અને ભારતવિરોધી સૂત્રો પોકાર્યાં. આ મામલે થયેલી ફરિયાદ પછી પોલીસે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનના નેતા કનૈયાકુમારની સામે રાજદ્રોહનો આરોપ લગાડ્યો અને તેમની ધરપકડ કરી.
આટલો ઘટનાક્રમ જુદા જુદા વૈચારિક રંગ ધરાવતા દાવા અને અહેવાલોમાંથી મહદ્ અંશે સર્વસામાન્ય તારવી શકાય એમ છે. માટે, પહેલાં એ વિશે વાત કરીએ. અફઝલ ગુરુ સંસદ પર હુમલાના ગુનેગાર તરીકે સર્વોચ્ચ અદાલત તરફથી ફાંસીની સજા પામ્યો. સર્વોચ્ચ અદાલતના ચુકાદા સામે કાયદા અને બંધારણની હદમાં રહીને વાંધો પાડવાની જોગવાઇ હોય છે. એનો ઉપયોગ કર્યા પછી પણ, સર્વોચ્ચ અદાલતનો નિર્ણય ન બદલાય તો, ગમે તેટલો અન્યાયબોધ થવા છતાં, એ ચુકાદો માન્ય રાખવો પડે. કારણ કે, એ ‘રમતના નિયમ’--દેશના કાયદા અને બંધારણનો--નો ભાગ છે. એ નિયમો ન સ્વીકારીએ તો, પછી સંવાદ અશક્ય બની જાય.
બીજી વાત : સામાજિક ન્યાયના અને નીતાંત રાજકીય ચરિત્ર ધરાવતા મુદ્દાની ભેળસેળથી બચવું જોઇએ. કાશ્મીરની ‘આઝાદી’નો મુદ્દો રાજકીય છે. ‘કાશ્મીરને ભારતથી અલગ પડવાનો અધિકાર છે અને કાશ્મીરીઓ ઇચ્છે તો ભારતથી અલગ પડી શકે’--એવી લાગણી દેખીતી રીતે જ સરકારવિરુદ્ધ નહીં, દેશવિરુદ્ધ ગણાય એવી છે. કાશ્મીરીઓ બહેતર સુવિધાઓથી માંડીને ભારતીય લશ્કરના વ્યવહાર અંગેના કોઇ પણ મુદ્દે સરકાર સામે આંદોલન કરી શકે. એ વખતે એમની ભૂમિકા ભારતના નાગરિક તરીકેની રહે છે. પરંતુ એ ભારતના નાગરિક તરીકે જ રહેવા તૈયાર ન હોય અને અલગ અસ્તિત્ત્વની માગણી કરતા હોય, ત્યારે કોઇ પણ પક્ષની ભારતીય સરકાર તેમની માગણી મંજૂર રાખી શકે નહીં. પાકિસ્તાન જેવા જૂની શત્રુવટ ધરાવતા પાડોશી દેશ સાથે કાશ્મીર ભૌગોલિક રીતે જોડાયેલું હોય ત્યારે તો ખાસ નહીં. આ મુદ્દે સમજાવટ કરી શકાય એટલી કોરી પાટી હવે રહી નથી.
ત્રીજી વાત : કોઇ પણ શિક્ષણસંસ્થા અલગતાવાદી ચળવળોને પ્રોત્સાહન આપવા માટેની જગ્યા ન બની શકે. JNUમાં ભણતા છત્તીસગઢના વિદ્યાર્થીઓને પોતાના રાજ્યમાં સરકારી દળોના અત્યાચારો સામે કે આદિવાસીઓ પર થતી જોરજુલમી સામે વાંધો હોય, તો એની ચર્ચા યુનિવર્સિટી કૅમ્પસમાં થઇ શકે. કાશ્મીર મુદ્દો સમજવાના આશયથી, તેની ‘આઝાદી’ની માગણીની ચર્ચા પણ થઇ શકે. પરંતુ દિલ્હીમાં ભણતા કાશ્મીરના વિદ્યાર્થીઓ દેશથી અલગ થવાના આંદોલનને કૅમ્પસમાં લાવવા ઇચ્છતા હોય, એ કંઇક અંશે જે ડાળી પર બેઠા હોઇએ તેને કાપવા જેવું લાગે છે. પોલીસે પણ રાજકીય સાહેબો કહે તેમ નહીં, પણ જમીની સ્થિતિ ધ્યાનમાં રાખીને, કાયદા મુજબનાં પગલાં લેવાં જ પડે. કેમ કે, અભિવ્યક્તિ સ્વતંત્રતાનો અધિકાર પણ દેશના બંધારણ-કાયદાની હદમાં રહીને જ ભોગવી શકાય. અલગતાની તરફેણ અને તેના માટેના સૂત્રોચ્ચાર એમાં શી રીતે આવે? આપણે ઇચ્છીએ કે દેશ એટલો મજબૂત-એકજૂથ બને કે જેથી આવાં સૂત્રો પોકારનારની ઉપેક્ષા કરવાનું પરવડે. પરંતુ અત્યારના સંજોગોમાં એ શક્ય કે ઇચ્છનીય લાગતું નથી.
આટલી પાયાની સ્પષ્ટતાઓ પછી, ફરી JNUની વાત.
(૧) ભારતવિરોધી અને કાશ્મીરની આઝાદીતરફી સૂત્રોચ્ચારને ‘કેવળ સહાનુભૂતિ’ તરીકે નજરઅંદાજ કરી શકાય એવો સતયુગ નથી ને તેને ગમે તેમ કરીને ‘પાકિસ્તાન સાથે સાંઠગાંઠ’ તરીકે પુરવાર કરવાની ઉતાવળ પણ ન હોવી જોઇએ. પક્ષીય કે વિચારધારાકીય ચશ્માને બદલે, ફક્ત કાયદો-વ્યવસ્થાની દૃષ્ટિએ આ ઘટનાને જોવી પડે.
(૨) જેની સામે રાજદ્રોહનો આરોપ લગાડીને ધરપકડ કરવામાં આવી છે, એ વિદ્યાર્થી સંગઠનનો આગેવાન કનૈયાકુમાર દેશવિરોધી સૂત્રો બોલ્યો હોવાનું ક્યાંય જોવા મળ્યું નથી. ટીઆરપી-ભક્ત ટીવી એન્કરો પણ એવું પુરવાર કરી શક્યા નથી કે સૂત્રો કનૈયાકુમારે ઉચ્ચાર્યાં હતાં. ઉલટું એક વિડીયોમાં એવો આરોપ થયો છે કે ખુદ ABVPના કેટલાક વિદ્યાર્થીઓ પણ દેશવિરોધી સૂત્રોચ્ચારમાં સામેલ હતા (જેથી મામલો જરા ‘સંગીન’ બને) આ આરોપનો ABVPએ જોકે ઇન્કાર કર્યો છે.
કનૈયાકુમારે સૂત્રો ન પોકાર્યાં હોય અને કેટલાક અહેવાલ પ્રમાણે તે આયોજક પણ ન હોય, તો રાજદ્રોહના આરોપસર ફક્ત તેમની ધરપકડ શા માટે કરવામાં આવી? તેનો એક સંભવિત જવાબ, કનૈયાકુમારે આપેલા ભાષણમાંથી મળી રહે છે. ધરપકડના થોડા કલાક પહેલાં કનૈયાકુમારે સંઘ પરિવારની વિચારધારાની આકરી ઝાટકણી કાઢી હતી. (ભાષણની આખી વિડીયો) તમતમતા ભાષણમાં એમણે દલિત વિદ્યાર્થીઓની ફેલોશીપો બંધ કરી દેવાથી માંડીને બજેટમાં મુકાયેલા આર્થિક કાપ વિશે વિરોધ વ્યક્ત કર્યો હતો (તેની વાત સ્વાભાવિક રીતે જ કોઇ કરતું નથી.) એ ભાષણમાં ડગલે ને પગલે દેશના કાયદાને- બંધારણને માન આપવાની અને સામાજિક ન્યાય ખાતર સંઘર્ષ કરવાની વાત આવતી હતી. તેમાં ક્યાંય હિંસાની, ઉશ્કેરણીની કે દેશના બંધારણ-કાયદાના અસ્વીકારની વાત આવતી નથી. હા, એમાં સંઘ પરિવારની કોમવાદી વિચારસરણીની અને કેટલીક સરકારી નીતિઓની કડક ટીકા છે. તો જેણે દેશવિરોધી સૂત્રો પોકાર્યાં નથી ને ફક્ત સંઘની-સરકારની ટીકા કરી છે, તેની સામે રાજદ્રોહ શી રીતે લગાડી શકાય? અને તેને શી રીતે વાજબી ઠરાવી શકાય?
JNUમાં જેમની ઓળખ હજુ સ્પષ્ટ ન થઇ હોય એવા થોડા વિદ્યાર્થીઓ દેશવિરોધી સૂત્રો બોલે એ ગંભીર બાબત છે. પરંતુ એટલી જ કે એથી પણ વધારે ગંભીર બાબત આ નિમિત્તે JNU જેવી પ્રતિષ્ઠિત સંસ્થા પર થયેલા સુવ્યવસ્થિત હલ્લાની છે. છૂટક રાષ્ટ્રવાદના જથ્થાબંધ વેપારીઓ બારોબાર જેએનયુ બંધ કરી દેવાની માગણી કરે કે JNU દેશવિરોધીઓનો અડ્ડો બની ગઇ છે, એવા આરોપ કરે ત્યારે તેમાં દેશની ચિંતા નહીં, પોતાની બ્રાન્ડના રાજકારણ સામેના પડકારોના નાબૂદ કરવાની ઉતાવળ દેખાય છે.
રોહિત વેમુલાને આત્મહત્યા કરવી પડે ત્યારે જ્ઞાતિવાદનો અડ્ડો બનેલી શિક્ષણસંસ્થાઓને તાળાં મારી દેવાં જોઇએ, એવું સ્યુડો-દેશપ્રેમીઓ કહેતા નથી. પરંતુ ડાબેરી વિચારસરણીના છેલ્લા ગઢ જેવી JNUના ઉલ્લેખમાત્રથી તે દેશભક્તિના પોકારો કરતા ધૂણવા લાગે છે. તેમનો વાંધો JNUમાં રાજકારણની બોલબાલાનો નહીં, પણ એ રાજકારણ પોતાની બ્રાન્ડનું નથી એનો છે. આ નિમિત્તે JNUનાં ડાબેરી વિદ્યાર્થી સંગઠનોને (હરીફોને) સાગમટે દેશદ્રોહી ઠરાવી દેવાની પ્રચારઝુંબેશ પુરબહારમાં ચાલી રહી છે. એ વખતે સંઘના પ્રમાણપત્રની ગરજ ન ધરાવતા દેશપ્રેમી નાગરિકોએ ‘હા ભાઇ, દેશવિરોધી સૂત્રો તો ન જ ચાલે ને. JNU તો છે જ એવી.’ એવા અતિસરળીકરણથી અને કોઇના રાજકારણનાં પ્યાદાં બનવાથી બચવા જેવું છે.
Labels:
education/શિક્ષણ,
kashmir,
politics,
sedition
Subscribe to:
Posts (Atom)