Sunday, July 17, 2011

સોશ્યલ નેટવર્કિંગના મોરચે મહાસંગ્રામનાં મંડાણઃ ગુગલ ‘પ્લસ’, તો ફેસબુક માઇનસ?

ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનના વિશ્વમાં અત્યારનો સમય ‘કતલનો’ છે. ‘સ્થળ ત્યાં જળ અને જળ ત્યાં સ્થળ’ જેવી ઉથલપાથલ ભલે ન થાય, પણ પરિવર્તનનાં ધસમસતાં વહેણ પ્રચંડ વેગે વહી રહ્યાં છે. તેનાથી ગૂગલ, એપલ, ફેસબુક જેવી મસમોટી અગ્રણી કંપનીઓને ટોચના સ્થાનેથી ગબડી પડવાની અસલામતી લાગે છે. ઉદાહરણ જોગ વાત કરીએ તો, અત્યાર લગી સ્માર્ટ ફોન ક્ષેત્રે ‘એપલ’ના આઇ-ફોનનો જબરો દબદબો હતો- હજુ છે. પરંતુ હવે તેના સ્થાન-દરજ્જાને પડકારવા માટે, બીજા અનેક કામણગારા અને કામગરા ફોન બજારમાં આવી ગયા છે.

સ્માર્ટ ફોન ક્ષેત્રે ‘એપલ’ની અભેદ્ય કિલ્લા જેવી ઓપરેટિંગ સીસ્ટમ સામે ગુગલે પોતાની જાહેર બગીચા જેવી ઓપરેટિંગ સીસ્ટમ (એન્ડ્રોઇડ) મુકતાં એ મોરચે જબરો જંગ જામ્યો છે. એવી જ રીતે, ગયા અઠવાડિયે ‘ગુગલે સોશ્યલ નેટવર્કિંગના મેદાનમાં અવ્વલ ગણાતી કંપની ‘ફેસબુક’ સામે નવો-ગંભીર પડકાર ઉભો કર્યો છે. આશરે ૭૦ કરોડ સભ્યો ધરાવતી સાઇટ ‘ફેસબુક’ સામે ‘ગુગલ’ દ્વારા ઉભા કરાયેલા પડકાર-કમ-પ્રોજેક્ટનું નામ છેઃ ગુગલ પ્લસ.

ભારતમાં દસેક કરોડ જેટલા ઇન્ટરનેટ વાપરનારા લોકોમાંથી અડધાઅડધ (આશરે ૫૪ ટકા) ‘ફેસબુક’ના સભ્ય છે. ઇન્ટરનેટ વાપરનાર લોકોમાં ‘ફેસબુક’ના દબદબો એવો ગણાય છે કે તેના આધારે લોકોના બે ભાગ પાડી શકાયઃ ફેસબુક પર છે એવા અને તેનાથી અલિપ્ત રહેલા.

‘ફેસબુક’ એક જાતનો વૈશ્વિક ઓટલો છે, જ્યાં મોટે ભાગે એકબીજાની લટકસલામો, પંચાતપ્રવૃત્તિ, થોડું સારું વાચન અને તેની સાથોસાથ થોડા નવા-અજાણ્યા-સરખી રસરુચિ ધરાવનારા મિત્રો બનાવી-મેળવી શકાય છે. તેમની સાથે પોતાની અંગત કે જાહેર બાબતોની, તસવીરો-લખાણો અને વિડીયો વગેરેની આપ-લે કરી શકાય છે.

‘ફેસબુક’ની દુનિયામાં ‘ફ્રેન્ડ’નો અર્થ ‘મિત્ર’ થતો નથી. કોઇ પણ વ્યક્તિ બીજા અજાણ્યા જણને ‘ફ્રેન્ડ રિક્વેસ્ટ’ મોકલી શકે છે. એ રિક્વેસ્ટ (વિનંતી નહીં, પ્રસ્તાવ) સ્વીકારાઇ જાય, એટલે બન્ને વ્યક્તિઓની ‘ફેસબુક’ પરની પ્રવૃત્તિઓ એકબીજા માટે ‘ઓપન બુક’/ખુલ્લી કિતાબ થઇ જાય છે. એક જણ જે કરે તે બઘું જ બીજો જોઇ શકે છે. (જોવું ફરજિયાત નથી, એ જુદી વાત છે!)

‘ફેસબુક’માં રહેલું ઓટલાપરિષદનું કે કીટલી-બેઠકનું તત્ત્વ ભારે ચસ્કો લગાડનારું નીવડ્યું છે. તેમાં ફ્રેન્ડ્‌ઝસાથે ઓનલાઇન ચેટિંગ/ગપ્પાંગોષ્ઠિ કરી શકાય છે. એ લોકો કંઇ પણ- અર્થવાળું કે નિરર્થક- લખે, ફોટો કે વિડીયો કે લિન્ક મૂકે, તો તેને ‘લાઇક’નું બટન દબાવીને ‘લાઇક’ કરી શકાય છે (‘ડિસલાઇક’ના બટનની લાંબા સમયથી રાહ જોવાય છે, પણ હજુ તે આવ્યું નથી.) ‘કમેન્ટ’ના ખાનામાં જઇને પ્રતિભાવ આપી શકાય છે. આ વ્યવહાર બે જણ પૂરતો સીમિત ન રહેતાં, ફ્રેન્ડલિસ્ટમાં હોય એટલી બધી જ વ્યક્તિઓ માટે ખુલ્લો બની જાય છે. એ તેની ખૂબી પણ છે અને મર્યાદા પણ. મોટા ભાગના લોકો અજાણ્યા લોકોને વિના સંકોચ ‘ફ્રેન્ડ’ તરીકે સ્વીકારે છે, પરંતુ થોડા સમયમાં ‘ફ્રેન્ડ’ની કક્ષાનો ખ્યાલ આવવા લાગે છે. ફેસબુક પર આવી ગયા પછી ઘણાખરા લોકો નિષ્ક્રિય કે મૂક પ્રેક્ષક જેવા બની રહે છે અને સક્રિય લધુમતીમાં શિષ્ટ-સુઘડ-ઊંચી રસરૂચિ ધરાવતા લોકો બહુ ઓછા હોય છે. હા, એવા ઓછા લોકો ‘ફેસબુક’ પર ગયા વિના ન મળ્યા હોત, એવો અહેસાસ પણ થતો રહે છે.

આગળ ગણાવેલી ખૂબીઓને કારણે, ૨૦૦૪માં ફક્ત કોલેજિયન વિદ્યાર્થીને એકબીજા સાથે સાંકળવા માટે શરૂ થયેલું ‘ફેસબુક’નું સોશ્યલ નેટવર્કિંગ ‘ઓરકૂટ’ અને ‘માય સ્પેસ’ જેવા જૂના ખેલાડીઓને પછાડીને, અભૂતપૂર્વ ઊંચાઇએ પહોંચી ગયું છે. ૧૦ કરોડની સભ્ય સંખ્યા સુધી પહોંચવામાં ‘ફેસબુક’ને આશરે ચારેક વર્ષ નીકળી ગયાં, પણ ત્યાર પછી માંડ બે વર્ષમાં (૨૦૧૦ના મઘ્યમાં) ‘ફેસબુક’ની સભ્યસંખ્યા ૫૦ કરોડના આશ્ચર્યજનક આંકડે પહોંચી. હાલમાં તેની સભ્ય સંખ્યા ૭૦ કરોડની અંદાજાય છે.

ઇન્ટરનેટ વિશ્વમાં ત્રિરાશી કામ લાગતી નથી. દાયકાઓ નહીં, વર્ષોમાં કોઇ કંપનીના ઊંચકાવાનો કે પટકાવાનો ખેલ પડી જાય છે. એ જ કારણથી, ‘ગુગલ પ્લસ’ના આગમનને કારણે ‘ફેસબુક’ની છાવણી માટે ચિંતાનું કારણ ઊભું થયું છે.

એ ખરું કે અગાઉ સોશ્યલ નેટવર્કિંગના ક્ષેત્રે ફેસબુકની આગેકૂચ અટકાવવાના ગૂગલના પ્રયાસ (‘બઝ’, ‘વેવ’) સદંતર નિષ્ફળ નીવડ્યા હતા, પણ ‘ગુગલ પ્લસ’ જરા જુદી અને ‘ફેસબુક’ને ટેન્શન કરાવે એવી સેવા છે. હજુ એ તમામ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી નથી. કેવળ આમંત્રણથી જ એનું સભ્યપદ મેળવી શકાય છે (અને ‘ઇબે’ જેવી હરાજીની સાઇટ પર ‘ગુગલ પ્લસ’માં સભ્યપદનાં આમંત્રણ ૯૯ સેન્ટમાં વેચાતાં હોવાનો અહેવાલ હતો.)

‘ગુગલ પ્લસ’ પર ફક્ત ગુગલને જ નહીં, ઇન્ટરનેટપ્રેમીઓને પણ ઊંચી આશા બંધાવાનાં પૂરતાં કારણ છેઃ તેમાં ‘ફેસબુક’માં હોય એવી સુવિધાઓ- અલબત્ત જુદા નામ સાથે- છે જ, પણ ‘ફેસબુક’ની ઘણી મર્યાદાઓને વળોટીને, વઘુ સારી-વઘુ મૌલિક- વઘુ ઉપયોગી સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ તેમાં થયો છે. જેમ કે, ‘ફેસબુક’ના સભ્યે કંઇ પણ લખ્યું કે મૂક્યું, તે બધા જ ‘ફ્રેન્ડ્‌ઝ’ જોઇ શકે છે. તેમાં પેટાવિભાગ પાડી શકાતા નથી. તેના કારણે, અમુક જ મિત્રોને રસ પડે એવી સામગ્રી પરાણે બધા મિત્રોના માથે વાગે છે- અથવા તો અમુક જ મિત્રોના દાવની હોય એવી સામગ્રી બધા સમક્ષ જાહેર કરતાં માણસ ખચકાટ અનુભવે છે.

આ સમસ્યાના ઉકેલરૂપે ગુગલ પ્લસમાં ‘સર્કલ્સ’ની સુવિધા છે. ગુગલ પ્લસ વાપરનાર માણસ શબ્દાર્થમાં મિત્રોનું જુદાં જુદાં ‘વર્તુળ’ બનાવી શકે છે. એક મિત્રને એકથી વધારે વર્તુળમાં સામેલ કરવાની છૂટ છે. વર્તુળ બનાવી લીધા પછી, ચોક્કસ મિત્રવર્તુળના લાભાર્થે મુકાયેલી સામગ્રી બીજા વર્તુળના લોકો જોઇ શકતા નથી.
‘ફેસબુક’માં ફ્રેન્ડ્‌ઝ સાથે ફક્ત લખીને ‘ચેટ’ (ગપ્પાંગોષ્ઠિ) થઇ શકતી હતી, જ્યારે ગુગલ પ્લસમાં એક સાથે દસ મિત્રો સાથે વિડીયો ચેટ થઇ શકે એવી સુવિધા છે. ‘ગુગલ પ્લસ’ લોન્ચ થયા પછી ‘ફેસબુક’ના કર્તાહર્તા માર્ક ઝુકરબર્ગે ઉતાવળે જાહેરાત કરી હતી કે ‘ટૂંક સમયમાં ફેસબુક જબરદસ્ત પ્રકારની કોઇ સુવિધાનો ઉમેરો કરશે.’ પરંતુ ખરેખર એ દિવસ આવ્યો ત્યારે ઝુકરબર્ગે ‘ફેસબુક’માં ‘વિડીયો ચેટ’ની સુવિધા જાહેર કરી (જે ગુગલ પ્લસમાં અગાઉથી મોજૂદ હતી). એટલે ગુગલ પ્લસને ફટકો મારવાનો તેમનો ઇરાદો ફળ્યો નહીં.

‘ફેસબુક’ને લગતી સૌથી મોટી રાડ તેની પ્રાઇવસી પોલિસી અંગેની રહી છે. સભ્યની અંગત માહિતીના ઉપયોગ-દુરુપયોગ માટેની નીતિ બદલતી વખતે, આદર્શ સ્થિતિ એ છે કે સભ્યોને તેમની મરજી પૂછવામાં આવે અને તે ઇચ્છે (ટીક કરે) તો જ તેમની માહિતીનો ઉપયોગ કરી શકાય. પરંતુ ‘ફેસબુક’નો ઇતિહાસ એવો છે કે તે સેટંિગ ફેરવ્યા પછી સભ્ય વતી આપોઆપ ટીક કરી નાખે છે. સભ્ય એ માહિતી વહેંચવા ન ઇચ્છતા હોય તો તેમણે એ ટીક કાઢી નાખવી પડે. ઘણા સભ્યોને જાણ સુદ્ધાં હોતી નથી કે ‘ફેસબુક’ તરફથી આવો કોઇ ફેરફાર કરવામાં આવ્યો છે.

બીજી સૌથી મોટી મર્યાદા ‘ફેસબુક’માં સભ્યના ખાતે જમા થયેલી માહિતીને લગતી છે. ઇન્ટરનેટ વાપરતો માણસ પોતાના ‘યાહુ’ મેઇલના સંપર્કો ‘ગુગલ’માં કે ‘ગુગલ’ના ‘હોટમેઇલ’માં લઇ જઇ શકે છે, પણ ‘ફેસબુક’માં રહેલા સંપર્કો કે તેમાં રહેલી માહિતી સીધેસીધી રીતે બીજી કોઇ સાઇટમાં લઇ જઇ શકાતાં નથી. ‘ગુગલ પ્લસ’માં દરવાજા બંધ રાખવાને બદલે, સભ્યો તેમાંથી માહિતી બહાર લઇ જઇ શકે એવી મોકળાશ રાખવામાં આવી છે.

નવી-ઉપયોગી સુવિધાઓ ઉપરાંત ‘ગુગલ’ના પક્ષે સૌથી મોટો ફાયદો તેના સર્ચ એન્જિન, જીમેઇલ, બ્લોગર, પિકાસા, ગુગલ મેપ્સ અને બીજી અસંખ્ય સુવિધાઓની સહિયારી તાકાતનો છે. ‘ગુગલ પ્લસ’ની સભ્ય થનાર વ્યક્તિ ‘ગુગલ’ની માલિકીની કોઇ પણ વેબસાઇટ ઉપર જશે ત્યારે તેને મથાળે એક પટ્ટી દેખાશે. તેમાં ગુગલની બીજી સુવિધાઓની યાદી ઉપરાંત જમણા ખૂણે ‘ગુગલ પ્લસ’ના પોતાના ખાતામાં ચાલી રહેલી પ્રવૃત્તિઓનો ખ્યાલ મળતો રહેશે. કોઇની કમેન્ટ આવે, કોઇ લાઇક કરે, કોઇ મિત્રવર્તુળમાં ઉમેરો કરે- એ બધી સૂચનાઓ ‘ગુગલ પ્લસ’માં અલગથી દાખલ થયા વિના, ગુગલની પટ્ટીના જમણા ખૂણે લાલ રંગમાં મળતી રહેશે. એટલું જ નહીં, તેનો પ્રતિભાવ લખવો હોય તો પણ ‘ગુગલ પ્લસ’માં ગયા વિના, સૂચનાઓ દર્શાવતા હિસ્સામાંથી લખી શકાશે. ‘ગુગલ’ની વેબસાઇટોની પ્રચંડ લોકપ્રિયતા જોતાં, આ સુવિધા લાંબા ગાળે ‘ફેસબુક’ના ભારે પડી શકે એમ છે. કારણ કે, ગુગલની કોઇ પણ સાઇટમાં દાખલ થયેલા ‘ગુગલ પ્લસ’ના સભ્યે સોશ્યલ નેટવર્કિંગ માટે, પોતે જ્યાં કામ કરે છે એ સાઇટ છોડીને અલગથી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર જવાની જરૂર નહીં રહે.

ગુગલ પ્લસ અને ફેસબુક વચ્ચેની ઉગ્ર હરીફાઇનો હજુ પહેલો રાઉન્ડ માંડ શરૂ થયો છે. પૂરતી ચકાસણી કરી લીધા પછી ગુગલ સૌ કોઇ માટે ‘ગુગલ પ્લસ’ના દરવાજા ખુલ્લા મૂકે, ત્યાર પછી અસલી મુકાબલો શરૂ થશે. ૭૦ કરોડ સભ્યો ધરાવતી ‘ફેસબુક’ એમ સાવ પહેલા ધડાકે પાણીમાં બેસી જશે એવું માનવાની જરૂર નથી. પરંતુ એ પણ યાદ રહે કે ટેકનોલોજીની દુનિયામાં વફાદારી જેવું કંઇ હોતું નથી. એક વાર ‘ગુગલ પ્લસ’ ભણીનો પ્રવાહ શરૂ થાય, તો આજે ‘ફેસબુક’ના પ્રેમી બની રહેલા લોકોને ‘ફેસબુક’ તજીને કે તેનું સભ્યપદ છોડ્યા વિના પણ, ‘ગુગલ પ્લસ’ના સભ્ય બનતાં - અને થોડા વખતમાં ‘ફેસબુક’ના નિષ્ક્રિય સભ્ય બનતાં બહુ વાર ન લાગે.

‘ગુગલ’ વિરુદ્ધ ‘ફેસબુક’ જેવા જંગનું ભવિષ્ય ભાખવું અઘરૂં છે અને એક રીતે તેની જરૂર પણ શી છે? કારણ કે તેમાં ગ્રાહકોની જીત નક્કી છે.

Friday, July 15, 2011

ગુરૂપૂર્ણિમા કે ‘વિદ્યાસહાયક પૂર્ણિમા’?

લાંબી ગુરુ-શિષ્ય પરંપરા ધરાવતા ભારતમાં ગુરુપૂર્ણિમાનું આગવું મહત્ત્વ છે. ભારતમાં ગુરૂઓનું સ્થાન એટલું મજબૂત છે કે ગુરૂ પર છેતરપીંડીથી માંડીને ખૂન-બળાત્કાર જેવા આરોપ મુકાય, તો પણ તેમના ચેલાઓ ધામઘૂમથી ગુરૂપૂર્ણિમા ઉજવવાની હોંશ મોળી પડવા દેતા નથી.

સતયુગના ગુરૂઓ પોતાના શિષ્યોને મુખ્યત્વે શિક્ષણ અને જીવન સંબંધિત જ્ઞાન આપતા હતા. કળિયુગમાં ગુરૂ અને શિષ્યો બન્નેની રેન્જ બહુ વિશાળ થઇ ગઇ છે. નાસ્તાપ્રેમીઓને યાદ હશે કે એક સમયે ‘ખાખરા’ માગતાં ફક્ત સાદા ખાખરા મળતા હતા અને એ પણ મોટે ભાગે ઘરગથ્થુ બનાવટના. હવે ખાખરાની દુકાને જઇને પાટિયા પર તેના પ્રકાર વાંચતાં અચ્છોખાસો માણસ મનમોહનસિઘ જેવી અનિર્ણાયક લાચારીમાં સરી પડે એવી ભીતિ રહે છે. કારણ કે ડબલ ચીઝ ખાખરાથી માંડીને ભાજીપાંઉ ખાખરા, પાણીપુરી ખાખરા અને પિત્ઝા ખાખરા જેવા પ્રકારો ઉપલબ્ધ હોય છે.

ખાખરા જેવું જ વૈવિઘ્ય ગુરૂઓમાં પણ જોવા મળે છે. ‘નિશાળમાં ભણાવે એ જ ગુરૂ’ એ વ્યાખ્યા હવે સાદા ખાખરા જેવી અપૂરતી જણાય છે. ઘણાં વિદ્યાર્થીરત્નો- ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ લઇ રહેલાં- એવાં હોય છે કે તેમને સ્કૂલ-કોલેજમાં ભણાવનાર શિક્ષક સામે મળે તો ઓળખતાં તકલીફ પડે. સીધી વાત છેઃ કોઇ પણ અજાણ્યા માણસનો ચહેરો મનમાં ઉતારવા માટે એને પાંચ-દસ વાર જોવો પડે કે નહીં! અને કોલેજમાં એક જ અઘ્યાપકના પાંચ-દસ પિરીયડ ભરવા જેટલી ધીરજ આઘુનિક અર્જુનો પાસે હોય, તો કોલેજ કેમ્પસમાં ‘તીરંદાજી’ કોણ કરે?

ફક્ત સ્કૂલ-કોલેજમાં ભણાવનાર જ ગુરૂ કહેવાય, એવી ગેરસમજણ નવા જમાનામાં ગુરૂપૂર્ણિમાની પરંપરાને હાનિ પહોંચાડી શકે છે. એ પરંપરા ચાલુ રાખવા માટે અને તેમાં નવો ઉત્સાહ ઉમેરવા માટે, કેન્દ્રીય મંત્રીમંડળની જેમ ગુરૂમંડળનું વિસ્તરણ કરવું જરૂરી છે. એકવીસમી સદીમાં પરંપરાગત હર્ષોલ્લાસથી ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરી શકાય એ માટે ગુરૂઓના કેટલાક વાસ્તવિક છતાં બિનપરંપરાગત પ્રકારો:

વિદ્યાસહાયક
અઘ્યાપકના એક મહિનાના પગાર કરતાં પણ ઓછો વાર્ષિક પગાર ધરાવતા વિદ્યાસહાયકો મહિનાના પગારમાંથી અવરજવરનો ખર્ચો કાઢવો, ઘર ચલાવવું કે બાળકો ભણાવવાં એની મૂંઝવણમાં હોય છે. કારણ કે એ ત્રણે કામ વિકલ્પે નહીં પણ સમાંતરે કરવા પડે છે અને સરકાર તરફથી મળતો પગાર કોઇ પણ એક કામ થાય એટલો હોય છે.

સદાશોષિત મનોદશા ધરાવતા વિદ્યાસહાયક પોતાની જાત માટે ‘ગુરૂ’ જેવું આદરણીય સંબોધન કેવી રીતે ખમી શકે? એટલે ગુરૂપૂર્ણિમાના દિવસે ઉત્સાહી વિદ્યાર્થીઓએ સ્કૂલ-કોલેજમાં જે સામે મળે તેને પગે લાગવાને બદલે સહેજ ચકાસી લેવું કે એ વિદ્યાસહાયક કે અઘ્યાપકસહાયક તો નથી ને! એમને પગે ન લાગવું એમ નહીં, પણ એવું કરવાથી તેમને માનસિક આઘાત ન લાગે, તેનું ઘ્યાન રાખવું. બને તો પહેલાં શાબ્દિક ભૂમિકા બાંધવી, ‘આજના દિવસ પૂરતું ભૂલી જાવ કે તમે સહાયક છો’ એવાં પ્રેરક વચન ઉચ્ચારવાં અને પછી જ તેમને આદરાંજલિ આપીને ગુરૂપૂર્ણિમા ઉજવવી.

ટ્યુશનગુરુ ‘સર’
કોઇને ‘સર’ કહેવા માટે એનામાં કશી પાત્રતા હોવી જરૂરી નથી. આઝાદ ભારતમાં કોઇ પણ માણસ બીજા માણસને ‘સર’ કહીને તેનું માન કે અપમાન કરી શકે છે. પરંતુ વિદ્યાર્થીઆલમમાં ‘સર’નું લટકણીયું ટ્યુશનક્લાસ ચલાવતા બંદાઓ માટે અનામત રહેતું હોય છે. ટ્યુશનક્લાસ એક એવી જગ્યા છે, જ્યાં સ્કૂલથી વઘુ મોટા ક્લાસમાં, સ્કૂલથી વઘુ સંખ્યામાં છોકરાં, સ્કૂલથી અનેક ગણી વઘુ ફી આપીને ભણવા જાય છે. ટ્યુશનક્લાસ એક એવો ધંધો છે, જેમાં સિત્તેરની બેચમાંથી એક-બે ‘તેજસ્વી તારલા’ નું (જે ટ્યુશનમાં આવ્યા વિના પણ સારું પરિણામ લાવ્યા હોત તેમના) પરિણામ ‘અમારા ટ્યુશનક્લાસનું ગૌરવ’ તરીકે છાપામાં છપાવવામાં આવે છે.

આ ટ્યુશનક્લાસના ‘સર’નું માહત્મ્ય સ્કૂલના શિક્ષક કરતાં અનેક ગણું વધારે હોય છે. કારણ સિમ્પલ છેઃ તે સ્કૂલ કરતાં અનેક ગણી વધારે ફી લે છે અને મોટા ભાગનાં છોકરાં તેમનાં માતા-પિતાની જેમ ‘મોંધું તે સારું’ની ફિલસૂફીમાં શ્રદ્ધા ધરાવતાં હોય છે. તાત્પર્ય એટલું જ કે વિદ્યાર્થીઓ માટે અસલી ગુરૂપૂર્ણિમાની ઉજવણી હવે સ્કૂલને બદલે ટ્યુશનક્લાસમાં થાય એવી સંભાવના વધારે રહે છે. પરંતુ વાલીઓનાં સર ચકરાઇ જાય એવી ફી લેતા ટ્યુશન ક્લાસના ‘સર’ને ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂદક્ષિણા આપવાની જરૂર હોતી નથી. ‘ગુરૂ’ પહેલેથી એટલી તંદુરસ્ત ફી લઇને બેઠા હોય છે કે તેમણે એ દિવસ ખરેખર ‘શિષ્યપૂર્ણિમા’ તરીકે ઉજવીને દરેક શિષ્યને ‘શિષ્યદક્ષિણા’ આપવી જોઇએ. આટલી મોટી સંખ્યામાં રહેલા વિદ્યાર્થીઓમાંથી દરેકને વ્યક્તિગત રીતે વિદ્યાદાન આપવાનું તો કેવી રીતે શક્ય બને!

એન્ટ્રન્સ એક્ઝામ કોચિગ ક્લાસ ગુરૂ
આ પ્રકારના ગુરૂઓને ‘ભાદરવાના ભીંડા’ જેવા તો ન કહેવાય- ખરાબ લાગે- પણ કહેવાનો મતલબ એ કે તેમનું ગુરૂપદ કોઇ એક પ્રવેશપરીક્ષા પહેલાંનાં થોડાં અઠવાડિયાં કે થોડા મહિના પૂરતું સીમિત હોય છે. છતાં, ગુરૂ એટલે ગુરૂ! એનો કેવી રીતે ઇન્કાર કરી શકાય! ગુરૂપૂર્ણિમાના દિવસે આવા ગુરૂઓને યાદ કરવામાં એક જ વ્યવહારુ મુશ્કેલી છેઃ ગુરૂપૂર્ણિમા આવે ત્યાં સુધીમાં લગભગ બધી જ પ્રવેશપરીક્ષાઓ પૂરી થઇ ચૂકી હોય છે અને વધારે અગત્યનું એ કે, તેનાં પરિણામ પણ આવી ચૂક્યાં હોય છે. એટલે સારું પરિણામ આવ્યું હોય તો વિદ્યાર્થીની કોલેજ ચાલુ થઇ ગઇ હોવાને કારણે (અને ‘અહીં ન આવ્યો હોય તોય હું પાસ થવાનો જ હતો, પણ પપ્પા ન માન્યા’ એવી આંતરિક માન્યતાને કારણે) વિદ્યાર્થી ગુરૂને મળવા જતો નથી. ખરાબ પરિણામ આવ્યં હોય એવા વિદ્યાર્થીઓ પાસેથી આદરમાન મેળવવાં હોય તો, ગુરૂઓએ આગળ જણાવ્યું તેમ ‘શિષ્યપૂર્ણિમા’ ઉજવવી પડે.

વાહનગુરુ
કેટલાક પ્રકારના ગુરૂ જિદગીમાં એક જ વાર આવે છે, પણ જીવનના આખા પટ પર તેમની અસર છોડી જાય છે. વાહનગુરૂ એ પ્રકારમાં આવે. બહુ ઓછા લોકો પોતાની મેળે સાયકલ-સ્કૂટર ચલાવતાં શીખ્યા હશે. મોટે ભાગે કોઇક ને કોઇકે, ભાઇ-બહેને, તેમના કોઇ મિત્રએ કે પાડોશીએ ગુરૂપદ ધારણ કરીને સાયકલ-સ્કૂટર શીખવ્યું હશે. એક દંતકથા પ્રમાણે, બજાજ કંપનીનું સ્કૂટર શીખતી વખતે એટલા બધા લોકો રાણા પ્રતાપની ભૂમિકામાં આવીને સ્કૂટરને ઘોડાની જેમ આગળથી ઊંચું કરતા હતા કે એ સ્કૂટરનું નામ ‘ચેતક’ પડી ગયું.

શીખાઉ ચાલકે બજાજના કે બીજા સ્કૂટરને ઘોડાની જેમ પલાણ્યા પછી, સ્કૂટરે તેમને તેજીલા તોખારની પેઠે પોતાની પીઠ પરથી ઉલાળ્યા હશે ત્યારે પણ તેમની પડખે એક ગુરૂ રહ્યા હશે, જેમણે ‘આવું તો થયા કરે. એનાથી ગભરાઇએ તો કેમ ચાલે!’ એવી હૈયાધારણ આપીને ‘હાડવૈદ આપણને ઓળખે છે’ એવું આશ્વાસન પણ આપ્યું હશે.

સ્કૂટર કે બાઇક આવડ્યા પછી ‘ગરજ સરી એટલે હાડવૈદ વેરી’ ગણીએ તો ચાલે, પણ એ ગુરૂને કેમ ભૂલાય? દર ગુરૂપૂર્ણિમાના દિવસે વાહનગુરૂને કંઇ નહીં તો છેવટે, પોતાના વાહનની પાછળ બેસાડીને એક આંટો પણ મરાવવો જોઇએ. જેથી તે જોઇ શકે કે તેમનો પ્રતાપી શિષ્ય હવે કેટલી સહજતાથી સિગ્નલો તોડીને, લેન કૂદાવીને, જોખમી ઓવરટેક કરીને અને લાયસન્સ વિના પકડાયા પછી ટ્રાફિક પોલીસને ઉઠાં ભણાવીને ગુરૂનું નામ રોશન કરી રહ્યો છે.

Wednesday, July 13, 2011

અશ્વિની ભટ્ટને ૭૫ વર્ષ પૂરાં : ‘ઓનલાઇન અમૃત મહોત્સવ’

Ashwinee Bhatt

ગઇ કાલે અશ્વિનીભાઇને ૭૫ વર્ષ પૂરાં થયાં. છેલ્લા થોડા સમયથી અશ્વિનીભાઇ-નીતિભાભી અમેરિકા છે. એટલે બીજી ઉજવણી તો શું કરવી? પણ થોડું લખાણ-થોડી તસવીરો મૂકીને નવલકથાના આ ‘દાદા’ને અંતરથી શુભેચ્છા આપીએ. મારા પછીની પેઢીના ધૈવત (ત્રિવેદી), લલિત (ખંભાયતા) જેવા પત્રકારમિત્રો તો અશ્વિનીભાઇને ‘અશ્વિનીદાદા’ જ કહે છે- અને તેમના પુત્ર નીલને ત્યાં બે પુત્રો છે. એટલે તેમને સત્તાવાર રીતે ‘દાદા’ કહેવામાં પણ વાંધો નથી.

અશ્વિનીભાઇ તેમની દળદાર નવલકથાઓ જેવા- ભાગ પાડીએ ત્યારે માંડ બથમાં આવે એવા- માણસ છે. તેમણે કરેલા અજબગજબ વ્યવસાયોમાંથી દરેક વિશે કંઇ નહીં તો એકાદ ‘કમઠાણ’-‘કસબ’-‘કરામત’ સાઇઝની અને એવી જ રસિક નવલકથા થઇ શકે. પોતાનાથી નાની ઉંમરના લોકો સાથેના તેમના સંબંધો એકદમ અનૌપચારિક અને હૂંફાળા હોય છે. સરખી ઉંમરના ઘણા લોકો સાથે વાત કરવાનો તેમને કંટાળો આવે છે. કારણ? ‘એમને કેમ છો પૂછીએ, એટલે મરી ગ્યા! તબિયત વિશે લાંબું લેક્ચર આપવાનું ચાલુ કરી દે.’

અઢળક પ્રેમ, જૂની અમદાવાદી ઢબની બોલચાલ અને છટા, મુંબૈયા ઉદારતા, (તેમના જ શબ્દો વાપરીને લખું તો) ખાસબજારના ગુંડાઓ સાથે મારામારી કરી શકે એવું માથાભારેપણું, પ્રેમાભાઇ હોલના મેનેજરપદે રહીને લાંબા સમય સુધી નાટકો સેવી શકે એવો નાટ્યપ્રેમ, ‘બિદુનો કીકો’ સહિત ઘણાં નાટકોમાં કરેલો અભિનય, ‘અભિયાન’ની અમદાવાદ ઓફિસના ભાર વગરના ઇન-ચાર્જ, વાતરસિયા ને વાતોના અણખૂટ ભંડાર જેવા, તેમની પાસેથી ધાર્યા સમયે કામ મેળવતાં તો ઠીક, તેમની સોબતમાં રહીને ધાર્યા સમયે કામ કરતાં પણ નાકે દમ આવે (વઘુ વિગતો માટે પ્રશાંત દયાળ, અનિલ દેવપુરકર અને મારા જેવા જૂના ‘અભિયાન-કરો’નો સંપર્ક કરવો), હિચકે ઝૂલતાં સજોડે સોપારી-તમાકુ ખાતા ‘ભટ્ટસાહેબ’ અને તેમને લાડથી ‘અશ્વિન’ કે ‘ભટ્ટસાહેબ’ કહેતાં નીતિભાભી, અમદાવાદના અને સાહિત્ય તથા જાહેરજીવનના ઇતિહાસમાં મહત્ત્વના સ્થાનનો હકદાર પણ તેમણે વેચ્યા પછી તૂટી ગયેલો તેમનો ‘૬૫’ બંગલો (૬૫, બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી), તેમને ત્યાં મળતી તેમના અને અમારા મિત્રોની મહેફિલ...અશ્વિનીભાઇનું નામ પડતાં જ આવું ઘણું બઘું સ્મૃતિમાં ઉભરાઇ આવે.


Ashwinee Bhatt- Neeti Bhatt

છેલ્લા થોડા વખતથી ભારે નાદુરસ્ત તબિયત અને પેસમેકર મૂકાવેલું હોવા છતાં, અશ્વિનીભાઇના મિજાજમાં કશો ફેર પડ્યો નથી. તેમને જોઇને તેમની બિમારીની ગંભીરતાનો કદી ખ્યાલ ન આવે. ‘પેસમેકર’નો ઉલ્લેખ તે હંમેશાં ‘દાબડી’ તરીકે કરે અને ‘જવા દે ને યાર, પેલી દાબડીમાં સાલી ગરબડ થઇ ગઇ’ એવી એકાદ લીટીમાં પોતાની ગંભીરતમ બિમારીના ખબર આપી દે. એમને ન ઓળખતો માણસ આમાં શું સમજે?

ગયા રવિવારે તેમની સાથેની વાતચીતમાંથી જાણવા મળ્યું કે અત્યારે તે ખંતપૂર્વક કામ કરી રહ્યા છે! તેમનો પુત્ર નીલ અમદાવાદ આઇ.આઇ.એમ.માં એક વર્ષના કોર્સ માટે આવ્યો છે. અશ્વિનીભાઇ કહે, ‘છોકરો આ ઉંમરે પાછો ભણવા જતો હોય તો મને થયું કે આપણેય સાલું કામ કરવું જોઇએ. એટલે ઉંમરની ત્રિરાશી બેસાડીને, એના જેટલું તો નહીં, પણ થાય એટલું કામ બરોબ્બર ચાલુ કર્યું.’

અગાઉ આ બ્લોગ પર લખ્યા પ્રમાણે, તે ત્રાસવાદની થીમ પર એક નવલકથા લખી રહ્યા છે. તેમાં એ ઘણા આગળ વઘ્યા હોવાનું એમણે કહ્યું. એ સિવાય કસબ-કરામત-કમઠાણ સિરીઝની બીજી બે હાસ્યનવલ ‘કડદો’ અને ‘કોરટ’ લગભગ પૂરી થવામાં છે અને ત્રીજું કામ તેમણે અગાઉ લખેલી ટૂંકી વાર્તાઓનું સંકલન-સંપાદન છે. પ્રસિદ્ધિ પચાવવાની બાબતમાં અને અકલ્પનીય પ્રસિદ્ધી મળ્યા પછી પણ કશું કાચું નહીં જવા દેવાની બાબતમાં અશ્વિનીભાઇનો આગ્રહ જોઇને તેમના પ્રત્યનું માન અનેક ગણું વધી જાય અને ટૂંકી મૂડીએ ઉડાઉડ કરતાં ફુદ્દાં માટે ક્ષણિક ગુસ્સા પછી દયા-કરુણા જેવા ભાવ જાગે. (આ પોસ્ટ સાથે મૂકેલી તસવીરોમાં તેની વાત આવશે.)

અશ્વિનીભાઇ અને રજનીકુમાર પંડ્યા- આ બન્ને સર્જકો જેટલું ઘટનાપૂર્ણ જીવન જીવ્યા છે, તે જોતાં એ બન્ને પાસેથી આત્મકથા મળે તો તેના આઠ-દસ ભાગ કરવાના થાય. એટલું જ નહીં, એ કથા તેમની વાતોની સાથોસાથ તેમના સમયનો પણ અદ્‌ભૂત દસ્તાવેજ બની રહે. એટલે અગાઉ અંગત ધોરણે કરેલી વિનંતી બન્નેને અહીં જાહેરમાં અને આપણે સૌ સાથે મળીને કરીએઃ સળંગસૂત્ર આત્મકથા આપો તો ઉત્તમ. એ ન બને તો આત્મકથાના ટુકડા તો આપો જ આપો.‘ એ સિવાય અમે તમને છોડીશું નહીં’ એવી મીઠી ધમકી પણ તેમને આપી શકાય એટલો અધિકાર તે વાચકો-મિત્રોને આપે છે.

હા, ધમકી રૂબરૂ આપવા ગયા તો ખલાસ! ‘જવાય છે, યાર! બેસ ને હવે! કર્યા હવે કામ! ગયા હવે ઓફિસ!’ આ પ્રકારનાં અનેક વાક્યો અને એક-બે કલાકની મજબૂત ગોષ્ઠિ પછી ઉભા થતી વખતે આપણે શા કામે આવ્યા હતા એ જ ભૂલી જવાય!
***

એકાદ વર્ષ પહેલાંના અમદાવાદ-નિવાસ વખતે ચિત્રકાર વૃંદાવન સોલંકી/Vrundavan Solanki ના ચિત્રપ્રદર્શનમાં : (ડાબેથી) અશ્વિનીભાઇ, ચિત્રા સોલંકી, વૃંદાવન સોલંકી, નીતિ ભટ્ટ
નવલકથાકાર બન્યાં પહેલાંના અશ્વિનીભાઇના અનેક અનુવાદોમાનો એક: ગન્સ ઓફ નેવરોન.
વર્ષો પછી તેનું પુનઃપ્રકાશન કરવાનું થયું ત્યારે, જૂની ચોપડી ફરી છાપી દેવાને બદલે અશ્વિનીભાઇએ ભારે ચીવટથી તેમાં સુધારાવધારા કર્યા હતા. ‘ગન્સ ઓફ નેવરોન’ની કોપી પર તેમણે કરેલા સુધારાવધારાનો એક નમૂનો
દંતકથા જેવા બંગલા ‘૬૫’ની બેઠકમાં અશ્વિનીભાઇ
‘૬૫’ના છેલ્લા દિવસોમાં ઝાંપે ઉભેલાં અશ્વિનીભાઇ -નીતિભાભી
‘૬૫’ વિશે ‘આહા! જિદગી’માં છપાયેલો મારો લેખ


જાહેર બાબતોમાં ઊંડો રસ અને નિસબત ધરાવતા અશ્વિનીભાઇ તત્કાલીન મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલ સાથેઃ વચ્ચે દેખાતા અજય ઉમટ ( જે ‘ભાસ્કર’ જૂથના સ્ટેટ એડિટરના હોદ્દેથી બઢતી મેળવીને હવે ટૂંક સમયમાં દિલ્હી જવાના છે)
મારા હાસ્યપુસ્તક ‘૩૨ કોઠે હાસ્ય’ નિમિત્તે યોજેલી મોક-કોર્ટમાં ન્યાયાધીશો વિનોદ ભટ્ટ- રતિલાલ બોરીસાગર સાથે ‘તાજ’ધારી સાક્ષીઓની હરોળમાં બેઠેલા અશ્વિનીભાઇ. કાર્યક્રમ શરૂ થયા પછી તે ઓડિયન્સમાં જઇને બેસી ગયા હતા અને ત્યાંથી જ સ્ટેજ પર એન્ટ્રી લીધી હતી. ‘દાબડી’ની ઐસી કી તૈસી!
(પહેલી લાઇનમાં જમણેથીઃ વિનોદ ભટ્ટ, તારક મહેતા, રતિલાલ બોરીસાગર, ચંદુ મહેરિયા, પ્રકાશ ન. શાહ, રજનીકુમાર પંડ્યા. બીજી લાઇનઃ બકુલ ટેલર, અશ્વિની ભટ્ટ, અશ્વિન ચૌહાણ, સલીલ દલાલ, પૂર્વી ગજ્જર, આયેશા ખાન, પાછળ ઉપર બેઠેલો બીરેન અને તસવીરમાં સલીલભાઇની પાછળ ઢંકાઇ ગયેલા દીપક સોલિયા)


‘કડદો’ અને ‘કોરટ’ બન્ને નવલકથાઓ નડિયાદની છે. એટલે ગઇ વખતે અમદાવાદ રોકાણ દરમિયાન અશ્વિનીભાઇ ‘લોકાલ’ જોવા માટે નડિયાદ ગયા હતા. સાથે અમદાવાદથી બિનીત મોદી, મહેમદાવાદથી હું અને નડિયાદથી હસિત મહેતા હતા. ગાડી એક જગ્યાએ મૂકીને નડિયાદની ગલીઓમાં હસિત મહેતાના સ્કૂટર પર સવારી.
નદીના કિનારે દારૂના ધંધાને લગતી જગ્યાઓ જોતા અશ્વિનીભાઇ. સાથે હસિત મહેતા અને બિનીત

Tuesday, July 12, 2011

ધર્મસ્થાનોની ધનદોલત અને ‘ઇશ્વરેચ્છા’

‘બચ્ચા બોલા દેખકર મસ્જિદ આલીશાન/ અલ્લા તેરે એકકો ઇતના બડા મકાન!’- નીદા ફાઝલીની આ પંક્તિઓ ઘણાંખરાં ધર્મસ્થાનોને લાગુ પાડી શકાય.

પ્રચલિત (ગેર)સમજણ પ્રમાણે, જેટલું આલીશાન-સમૃદ્ધ ધર્મસ્થાન, એટલો પ્રભાવશાળી ધર્મ. કળિયુગમાં લોકોને આંજવા માટે ફક્ત સાદગી-સજ્જનતા-સચ્ચરિત્ર- સંતોષ-સેવાના ઉપદેશથી કંઇ ન થાય. આ બધા ઉપદેશ વરસાવનારે આલીશાન ગાડીઓમાં ફરવું પડે, મલ્ટીનેશનલ કંપનીઓના વૈભવને શરમાવે એવી ભપકાદાર ઇમારતો ખડી કરવી પડે, મોટા ગજાના સત્તાદલાલો પણ પાછા પડે એવા રાજકીય ખેલ ખેલવા પડે, નફાખોર કંપનીઓને સારી કહેવડાવે એ હદે સામાન્ય-ગરીબ પ્રજાની સ્થિતિની ઉપેક્ષા કરવી જોઇએ.

છેવાડાના માણસનાં દુઃખદર્દનું દર્શન નેતાઓની જેમ વિમાનમાંથી ન કરવું હોય તો વ્યાસપીઠનો વિકલ્પ છે જ. ભારતમાં ઘણી વાર વિમાન કરતાં વ્યાસપીઠ વધારે ‘અદ્ધર’, વાસ્તવિકતાથી વધારે છેટી હોય છે. ગાંધી બનવા જતાં ગાદી નહીં, ગોળી મળે એ બરાબર સમજતા ધર્મગુરૂઓ ધનના ઢગલા વચ્ચે રહીને, ધર્મના રસ્તે પોતે ચાલવાના અને બીજાને દોરવાના દાવા કરે છે. તેમના અનુયાયીઓ એ માની લેવા ઉત્સુક હોય છે.

‘સંસ્થા’ બની ગયેલા ધર્મની અઢળક સંપત્તિથી માંડીને તેમાં થતા કાવાદાવા, ખૂનખરાબાથી માંડીને તમામ પ્રકારના ગોરખધંધા ‘ધાર્મિક લાગણી’ના મજબૂત કવચનું રક્ષણ ધરાવે છે. અનુયાયીઓનાં ટોળાંની ધાર્મિક લાગણી દુભાશે, એ બીકે સમજુ લોકોમાંથી મોટા ભાગના મૌન ધારણ કરે છે અથવા લોકોની ધાર્મિક લાગણીનો પોતાની લોકપ્રિયતા/લોકમાન્યતા/સત્તા વધારવા માટે કેવી રીતે ઉપયોગ થઇ શકે, તે શોધી કાઢે છે.

એટલે જ, સ્વિસ બેન્કમાં ઠલવાયેલાં કાળાં નાણાં પાછાં આણવાના રસ્તામાં રહેલી કાનૂની અને ટેકનિકલ અડચણો અવગણીને, ‘એ નાણાં આવે તો દેશનું કેવું કલ્યાણ થઇ જાય’ એવાં ટુક્કલ સૌ પોતપોતાની અનુકૂળતા અને સ્વાર્થ પ્રમાણે ચગાવે છે. પણ આપણા જ દેશનાં ધર્મસ્થાનોમાં કેદ અઢળક સંપત્તિનો દેશના કલ્યાણમાં ઉપયોગ કરવાના વિચાર એટલા ઉમંગથી આવતા નથી- જાણે ધર્મમાં આવવાથી કાળાં નાણાં ધોળાં થઇ જતાં હોય અને ધર્મ એ ધનની સંઘરાખોરી કરવાનું લાયસન્સ હોય!


પ્રાથમિક વિકલ્પો

ધર્મસ્થાનોની સંપત્તિનો મુદ્દો ચર્ચામાં આવવાનું કારણ છે કેરળના પદ્મનાભસ્વામી મંદિરમાંથી નીકળેલો-નીકળી રહેલો ખજાનો. એ ખજાનાની ઓછામાં ઓછી કંિમત એક લાખ કરોડ રૂપિયા જેટલી મનાય છે. (આટલી મોટી રકમ સાંભળીને કેન્દ્ર સરકારનું સ્પેક્ટ્રમ કૌભાંડ કે ગુજરાતના લોકોને સરકારી એમઓયુની રકમની યાદ આવી શકે છે.) યાદ રહે, એક લાખ કરોડ રૂપિયા તો ખજાનાની કેવળ ‘કિમત’ છે, તેનું ‘મૂલ્ય’ નથી. આ ખજાનાને વેચવાનું નક્કી થાય તો કિમતી ધાતુઓ-નંગ-હીરામોતી વગેરેની કિમતની સાથોસાથ તેની પ્રાચીનતા/એન્ટીક વેલ્યુને પણ ઘ્યાનમાં લેવી પડે- અને એમ કરવાથી ખજાનાની કિમત ઘણી વધી જાય.

સામાન્ય સ્થિતિમાંથી સમૃદ્ધ થયેલા લોકોને જાતઅનુભવે ખબર હશે કે રૂપિયાની મઝા હોય, તેમ એની વિશિષ્ટ મુશ્કેલીઓ પણ હોય છે. ખાસ કરીને, અઢળક દલ્લો ઓચિતો હાથ લાગે ત્યારે! સમૃદ્ધિનો વરસાદ થતાં સૌથી પહેલો વિચાર તેની સલામતીનો અને પછી તેના વહીવટનો કરવો પડે છે.

મંદિરના કે ધર્મસ્થાનના મોટા દલ્લાના વહીવટની વાત આવે ત્યાંથી મતાંતરની શરૂઆત થાય છે. પદ્મનાભસ્વામી મંદિરના રેકોર્ડબ્રેક ખજાના વિશે વિચારતાં, સાવ પ્રાથમિક તબક્કે આટલા વિકલ્પ હોઇ શકેઃ
૧) સરકાર એ ખજાનો હસ્તગત કરી લે અને તેનો ‘દેશના કલ્યાણ માટે’ કે ‘ગરીબો માટે’ ઉપયોગ થાય.
2) એ ખજાનો ત્રાવણકોરના રાજપરિવારના ટ્રસ્ટીઓને હસ્તક રહે અને તેને ‘ભગવાનની અમાનત’ ગણીને સહીસલામત જાળવી રાખવામાં આવે.
3) મૂડીનો અસરકારક વહીવટ કરી જાણતા અને મૂલ્યના નામનું સાવ નાહી નાખ્યું ન હોય એવા ઉદ્યોગસાહસિકોને (અઝીમ પ્રેમજી, નારાયણમૂર્તિ જેવાને) સાથે રાખીને ટ્રસ્ટ માનવકલ્યાણની પ્રવૃત્તિ ચલાવે.
4) ખજાનો હિદુ ધર્મસ્થાનનો હોવાથી તે ફક્ત હિદુઓ માટે જ વપરાવો જોઇએ, એવો સૂર ક્યાંકથી સંભળાય અને એ દિશામાં કોઇને વિચારવું હોય તો, અસ્પૃશ્યતા જેવું હિદુ ધર્મનું સદીઓ જૂનું - ખજાનાથી પણ ઘણું વધારે જૂનું- અનિષ્ટ દૂર કરવામાં અને તેનો ભોગ બનેલા દલિતોને ગૌરવભેર પુનઃસ્થાપિત કરવામાં તેનો અમુક હિસ્સો વાપરી શકાય.


રાજીપોઃ ઇશ્વરનો અને આસ્તિકોનો

પરંપરાગત રીતે ધર્મપ્રેમી એવી જનતાની લાગણી એવી રહેવાની કે ‘આ ખજાનાને અડાય નહીં. કેમ કે, એ ભગવાનનો છે.’ તેમની ધાર્મિક લાગણીની પૂરી કદર સાથે એટલું કહેવું પડે કે ખજાનો ભગવાનનો છે, પણ ભગવાન કોના છે?

સીધી વાત છેઃ ભગવાન તેમના સ્થાનકના વહીવટદારોના નહીં, તેમના ભક્તોના- તેમની પર શ્રદ્ધા રાખનારા લોકોના છે. ભારત જેવા આસ્તિકોની બહુમતી અને ભગવાનો-માતાજીઓની ભીડ ધરાવતા દેશમાં તેમના લાખો શ્રદ્ધાળુઓ ગરીબીમાં અને અભાવમાં સબડે છે. ભગવાન પાસે અઢળક મિલકત હોય અને ભગવાન પોતાના ભક્તો-શ્રદ્ધાળુઓનું દુઃખ જોઇને બેસી રહે, એવી સ્થિતિ પેદા કરવામાં કરૂણાસાગર ઇશ્વરનું અપમાન નથી?

શ્રદ્ધાળુઓનું દુઃખ એટલે શું, એની જરા ચોખવટ કરી લઇએઃ અમેરિકાનો વિઝા ન મળવો કે બંગલાનો કેટલોક હિસ્સો કપાતમાં જવો કે ઇન્કમટેક્સ રિટર્નની ક્વેરી નીકળવી કે ડ્રોઇંગરૂમમાં પાણી ટપકવું, એવાં દુઃખની અહીં વાત નથી. બે ટંકના રોટલા પૂરા પાડે એટલા કામનો અભાવ, શિક્ષણ-આરોગ્યની મૂળભૂત સુવિધાની અછત- એવી પ્રાથમિક અમાનવીય મુસીબતોની વાત છે. ભગવાન પરની શ્રદ્ધાથી તે દૂર થાય કે ન થાય, પણ ભગવાનની સંપત્તિથી એ દુઃખોને નિશ્ચિતપણે દૂર કરી શકાય છે- અને આસ્તિકો માની શકે છે કે ‘મારા ભક્તોએ મારું નામ ઉજાળ્યું’ એમ વિચારીને ભગવાન નારાજ નહીં, રાજી થશે.

વિચારશીલ હોય એવા આસ્તિકો (હા, આસ્તિકો પણ વિચારશીલ હોઇ જ શકે. વિચારવું એ ફક્ત નિરીશ્વરવાદીઓનો ઇજારો નથી) એમ પણ વિચારી શકે કે ઇષ્ટદેવ માટે આલીશાન મહાલયો ઉભાં કરીને તેમને મુકેશ અંબાણીની હરોળમાં મુકી દેવાને બદલે, તેમની સંપત્તિમાંથી માનવકલ્યાણનાં નક્કર કાર્યો થાય, તેમાં જ ઇષ્ટદેવની મહત્તા છે.

સાર એટલો જ કે ભગવાનના નામે ભેગી થયેલી અઢળક ધનદોલતમાંથી વર્તમાન અને ભાવિ ખર્ચ માટે જરૂર પૂરતી રકમ રાખીને બાકીની રકમ લોકકલ્યાણ કે દેશકલ્યાણના કામમાં વાપરવામાં આસ્તિકો કે નિરીશ્વરવાદીઓ, કોઇને વાંધો હોવો ન જોઇએ.


શોષણ નહીં, સેવા

લાખ નહીં, બલકે હવે તો લાખ કરોડ રૂપિયાનો સવાલ એ છે કે ધાર્મિક સંસ્થાઓની અઢળક સંપત્તિ દેશકલ્યાણમાં કે ગરીબો માટે કે જરૂરતમંદો માટે કોણે અને કેવી રીતે વાપરવી?

આ કામ માટે (પરંપરાગત રીતે) સૌથી પહેલાં સરકાર યાદ આવે અને અત્યાર લગીના અનુભવોને આધારે સૌથી મક્કમતાપૂર્વક ચોકડી પણ સરકારના નામ પર જ વાગે. નૈતિકતા અને પ્રામાણિકતાના મામલે એક પણ રાજકીય પક્ષનો ચોપડો ચોખ્ખો નથી. એટલે તેમના ભરોસે અઢળક સંપત્તિનો વહીવટ છોડી શકાય નહીં. એમ કરવા જતાં દેશનું અને પ્રજાનું બીજા અર્થમાં ‘કલ્યાણ’ (અહિત) થઇ જાય.

સરકારોના પક્ષે વિચારીએ તો, એમને ધર્મસ્થાનોનો ખજાનો પડાવી લેવાની ઇચ્છા તો બહુ થાય, પણ લોકોની ધાર્મિક લાગણી દુભાવાની બીકે તે અંતરની લાગણી જાહેર ન કરે. પદ્મનાભસ્વામી મંદિરના ખજાનાના મુદ્દે કેરળના મુખ્ય મંત્રીએ ખોંખારીને કહી દીઘું છે કે સરકાર આ ખજાનો હસ્તગત કરવા ઇચ્છતી નથી. (તેમનું વાતનું ગુજરાતી ‘દ્રાક્ષ ખાટી છે’ એવું કરી શકાય.)

સરકાર પર ચોકડી વાગ્યા પછી બીજો વિકલ્પ મંદિરના અને એ ન્યાયે ખજાનાના મૂળ ટ્રસ્ટીઓનો આવે. આટલી મોટી રકમનો વ્યાપક જનહિતમાં ઉપયોગ કરવા જેટલી ક્ષમતા એકાદ કુટુંબનું પ્રભુત્વ ધરાવતા ટ્રસ્ટ પાસે હોય કે કેમ એ પ્રશ્ન છે. એ સ્થિતિમાં ઉત્તમ વિકલ્પ એ હોય કે તે જુદાં જુદાં ક્ષેત્રોમાં નિપુણતા ધરાવતા લોકોની વ્યાવસાયિક સેવા લે અને તેમની સાથે ચર્ચા-વિચારણા કરીને અમલમાં મૂકી શકાય એવા દેશહિત-જનહિતના કાર્યક્રમોની યાદી થોડાં અઠવાડિયાંમાં તૈયાર કરે. તેના આધારે કોઇ પ્લાન્ટ કે ફેક્ટરી માટે થતું હોય એવું પાકું આયોજન થાય. આ કામમાં મૂલ્યો સાથે ઠીક-ઠીક લેવાદેવા ધરાવતા ઉદ્યોગસાહસિકોથી માંડીને આઇ.ટી.યુગના ખેરખાંઓ અને અન્ના હઝારે જેવા જાહેર ક્ષેત્રના લોકોની પણ મદદ લઇ શકાય. સ્વિત્ઝર્લેન્ડથી કાળાં નાણાં ભારત લાવવા માટે ઉત્સુક બાબા રામદેવ પાસે પણ નજર સામે રહેલાં નાણાંને (યોગકેન્દ્રો ખોલવા સિવાય) બીજાં કયાં લોકહિતનાં કામ માટે વાપરવાં, તેનાં સૂચન મેળવી શકાય.

અગાઉ જણાવ્યું તેમ, સેવાના કામ સાથે સંકળાયેલા સૌએ ‘સેવા’ જ આપવી જોઇએ, એવું નૈતિક બંધન હોવું ન જોઇએ. ‘અમે સેવાનું કામ કરીએ છીએ’ એવો દાવો સાચો હોય તો પણ, એવું કહેનાર ટ્રસ્ટો કે સંસ્થાઓને પોતાના કર્મચારીઓનું શોષણ કરવાનો અધિકાર મળી જતો નથી. સેવાનો ભેખ જો લીધો હોય તો એ સંસ્થાએ લીધો છે. તેમાં કોઇ સામેથી સ્વૈચ્છિક રીતે સેવા આપવા ઇચ્છે તો ઉત્તમ, પણ તે ન ઇચ્છે તો તેમને બજારભાવ પ્રમાણે મહેનતાણું ચૂકવીને સંસ્થાના સેવાના કામમાં જોતરવા જોઇએ. તો સેવાના કામમાં ભલીવાર આવે એવી શક્યતા વધી જાય છે. કામ કરનાર માણસની જવાબદારી અને ઉત્તરદાયિત્વ ઊભું કરવા માટે ઘણી વાર મહેનતાણું જરૂરી બને છે. ‘માનદ્‌’ મહાનુભાવો રગશિયા ગાડાની ગતિએ ચાલે કે ટાઢાબોળ થઇને બેસી જાય તો પણ તેમના માનદ્‌પણાને માન આપીને તેમને ટપારી શકાતા નથી.

ધર્મસ્થાનોની સંપત્તિના જાહેર ઉપયોગ માટે સરકારના એકાદ પ્રતિનિધિને વહીવટી ગૂંચ ઉકેલવા પૂરતો રાખી શકાય. બાકી સમાજનો વિચાર કરી શકે એવા જુદા જુદા લોકોને સાંકળીને પાકું આયોજન કરવામાં આવે તથા આદર્શ નહીં, પણ પાર પાડી શકાય એવાં લક્ષ્યાંક નક્કી કરવામાં આવે, તો અઢળક ધાર્મિક સંપત્તિનો માનવકલ્યાણ માટે સદુપયોગ થઇ શકે અને ભારતમાં રહેલી કારમી આર્થિક વિસંગતતાનું મહેણું હળવું બનાવી શકાય.

ધાર્મિક સંસ્થાઓ લોકકલ્યાણ માટે નાણાં ખર્ચવા તૈયાર થાય તો આગળ જણાવ્યું એ રીતે તેનું આયોજન, અઘરૂં હોવા છતાં અશક્ય નથી.

પણ ધાર્મિક સંસ્થાઓ ભપકા સિવાયનાં કામમાં નાણાં વાપરવા તૈયાર ન હોય તો? દેશની બહુમતી ગરીબ પ્રજાએ તેમના અબજો રૂપિયાના ખજાનાની વાતો અલીબાબા ચાલીસ ચોરની કથાઓની જેમ સાંભળવાની અને પેટમાં પગ નાખીને સૂઇ જવાનું.

Monday, July 11, 2011

'દલિતશક્તિ'ના 100મો અંકઃ સંપાદકીય અને ઉપયોગી સૂચિ

જાન્યુઆરી, 2003થી શરૂ થયેલા માસિક 'દલિતશક્તિ'નો 100મો અંક આ મહિને પ્રકાશિત થયો. માર્ટિન મેકવાનના તંત્રીપદે અને ચંદુ મહેરિયાના સક્રિય માર્ગદર્શન હેઠળ પ્રગટ થતા આ માસિકમાં પહેલા અંકથી સંપાદક તરીકે સંકળાયેલો છું. એટલે 100મા અંકનું સીમાચિહ્ન યાદગાર બનાવવા માટે તેમાં અગાઉના 99 અંકની સામગ્રીની સૂચિ બનાવવાનું વિચાર્યું. તેનું પરિણામ- વિષયવાર અને લેખકવાર સૂચિ- આ સાથે 48 પાનાંના અંક તરીકે હાજર છે. આ સૂચિ પર અછડતી નજર નાખતાં તેમાં કેવા પ્રકારનું કામ થયું છે તેનો થોડો અંદાજ આવશે.

'દલિતશક્તિ'નો 100મો અંક અહીં આખેઆખો અને વિશિષ્ટ રીતે મૂક્યો છે. નીચે દેખાતા પાના પર ક્લિક કરતાં કમ્પ્યુટરના સ્ક્રીન પર આખું સામયિક પાનાં ફેરવવાના 'ફીલ' સાથે અને એટલી જ સહેલાઇથી જોવા મળશે.


ઉપરનું સામયિક ખોલતાં પહેલાં 100મા અંકનું સંપાદકીય વાંચવાની ઇચ્છા હોય, તેમના માટે અહીં એ આખું લખાણ આપ્યું છે. બાકી, આખો અંક ઉપર ક્લિક કરીને નિરાંતે જોઇ શકાશે.


એક નજર, અત્યાર સુધીની સફર પર (સંપાદકીય)

છાપાં-સામયિકોની દુનિયામાં બાળમરણની નવાઇ નથી. લાખ બુલંદ ઇરાદા ને તૈયારી પછી શરૂ કરેલું પ્રકાશન પણ અકાળે આથમી જાય તો દુઃખ થાય, નવાઇ ન લાગે. સમાંતર ધારાનાં ગણાય એવાં પ્રકાશનોમાં તો પહેલા અંકથી ‘ચાલ્યું એટલું ખરૂં’નો વાસ્તવિક અહેસાસ મનના ખૂણે ઉગી ચૂક્યો હોય. એ સ્થિતિમાં ‘દલિતશક્તિ’ સાડા આઠ વર્ષની સફર કાપીને 100મા અંક સુધી પહોંચ્યું તેનો આનંદ છે.

અત્યાર સુધીની સફર છેક આસાન રહી છે એવું પણ નથી. જાન્યુઆરી 2003માં રંગીન મુખપૃષ્ઠ અને 36 પાનાં સાથે શરૂ થયેલું ‘દલિતશક્તિ’ માર્ચ 2004થી એકરંગી મુખપૃષ્ઠ ધરાવતું થયું અને જુલાઇ 2006થી તેનાં પાનાં 36માંથી ઘટીને 8 થઇ ગયાં- કરવાં પડ્યાં. ત્યાર પછીનાં પાંચ વર્ષમાં એકથી વધુ વખત ‘દલિતશક્તિ’ ચાલુ રાખવું કે કેમ, એ વિશે વિચાર-ચર્ચા થઇ, પણ અંતે તેને ચાલુ રાખવાનું ઠર્યું.

‘દલિતશક્તિ’ના પહેલા અંકથી માર્ટિનભાઇની ભૂમિકા ‘એડિટર-ઇન-ચીફ’ જેવી હતી, તો ચંદુભાઇ મહેરિયા ‘એક્ઝીક્યુટીવ એડિટર’ જેટલી જવાબદારી અને કામગીરી સાથે સક્રિય રહ્યા- ક્રેડિટ લાઇનમાં ભલે તેમનું નામ છપાતું ન હોય. મારા જેવા દલિત સમસ્યા- દલિત વાસ્તવિકતાના ખાસ્સા બિનઅનુભવી સંપાદકનું કામ માર્ટિનભાઇ-ચંદુભાઇના સક્રિય માર્ગદર્શન વિના ચાલ્યું જ ન હોત. તેમની સાથે રહીને ભાર વિના એવું ઘણું શીખવા મળ્યું, જે મુખ્ય ધારાના પત્રકારત્વમાં દાયકાઓ વીતાવ્યા પછી પણ કદાચ ન મળ્યું હોત. શરૂઆતના પાંચ-છ અંકોમાં સહસંપાદક તરીકે પૂર્વી ગજ્જર પણ હતાં. ‘નોખા ચીલે નવસર્જન’ (‘નવસર્જન’ની કામગીરીનાં બાર વર્ષ વિશેનું દસ્તાવેજી પુસ્તક) અમે સાથે લખ્યું હતું. ત્યાર પછી ઓગસ્ટ, 2003માં ઓસ્ટ્રેલિયા જતાં સુધી પૂર્વીએ ‘દલિતશક્તિ’ માટે રીપોર્ટિંગનું કામ કર્યું.

સામયિકમાં આવતી સામગ્રી માટે અમારો મુખ્ય આધાર હતો ‘નવસર્જન’ના કાર્યકરો તરફથી મળતા અહેવાલ. ટૂંકા અહેવાલ ‘પ્રદેશના ખબરઅંતર’માં આવે અને લાંબા અહેવાલ પરથી એક-બે-ત્રણ પાનાંનો લેખ બને. અહેવાલો મોકલનાર સૌ મિત્રોનાં અલગ-અલગ નામ લખવાં શક્ય નથી, પણ આ તબક્કે ‘દલિતશક્તિ’ માટે નિયમિતપણે લખાણો મોકલનારા થોડા મિત્રોથી માંડીને એકલદોકલ લખાણ મોકલનાર સૌનો આભાર. શરૂઆતનાં વર્ષોમાં કાર્યકરોએ- ખાસ કરીને બહેનોએ- લખી મોકલેલી આપવીતી ‘દલિત સાહિત્ય’ જેવા કોઇ લેબલ વિના પ્રગટ થઇ, પણ તેનું સંકલન થાય તો દલિત સાહિત્યમાં માતબર ઉમેરો થાય, એવું ચંદુભાઇ જેવા અભ્યાસી દૃઢપણે માને છે. તેમનો એવો જ અભિપ્રાય પાછલાં વર્ષોમાં પ્રગટ થયેલાં કેન્દ્રનાં વિદ્યાર્થીઓની રોજનીશી-આત્મકથન વિશે છે. માર્ટિનભાઇએ ઘણા અંક સુધી લખેલી ‘આપણી વાત’ વિચારોના ફુગ્ગા ફુલાવતા વિચારક અને વાસ્તવિક કામગીરીનું બળ ધરાવતા વિચારક વચ્ચેનો તફાવત બરાબર દર્શાવી આપે એટલું સબળ-નક્કર અને વિચારપ્રેરક વાચન પૂરું પાડે છે. ‘નવસર્જન’નાં નિયામક મંજુલા પ્રદીપે પણ ક્યારેક પોતાની મુલાકાતો આધારિત અહેવાલ ‘દલિતશક્તિ’ માટે આપ્યા છે.

‘દલિતશક્તિ’માં પ્રગટ થયેલા અનુવાદિત અને અસલ લેખોનું વૈવિધ્ય કેવું છે તેનો પાકો ખ્યાલ 99 અંકોની સૂચિ બનાવતી વખતે આવ્યો. તેમાં ‘ખબરલહરિયા’ના ગ્રામ્ય પત્રકારત્વથી માંડીને ‘ઇકોનોમિક એ્ન્ડ પોલિટિકલ વીકલી’નાં આંતરરાષ્ટ્રિય સ્તરનાં લખાણ આવ્યાં. નોબેલ પારિતોષિક વિજેતા હેરોલ્ડ પિન્ટર અને અરુંધતિ રોયથી માંડીને ભીખુ પારેખ જેવા વિદ્વાનોનાં લખાણ વફાદારીપૂર્વકના અનુવાદ સાથે પ્રગટ થયાં. ઘનશ્યામ શાહ જેવા વિદ્વત્તાના ભાર વગરના વિદ્વાનનો લાભ પણ ‘દલિતશક્તિ’ને મળ્યો છે. ઉપરાંત આંબેડકરના અને તેમના વિશેનાં અનેક મૂલ્યવાન લેખો તો ખરા જ. ડો.આંબેડકરને દેવ બનાવીને ગોખલામાં સ્થાપવાને બદલે માણસ તરીકેની તેમની મહાનતાનો આદર કરવાના વલણને લીધે, એક આંબેડકર વિશેષાંકમાં તેમનાં કાર્ટૂન પણ આપવામાં આવ્યાં હતાં.

ડો.આંબેડકર, પૂનાકરાર, અનામત, આભડછેટ, પિતૃસ્મરણ, અમેરિકાની રંગભેદવિરોધી ચળવળ, ફિલ્મો, દલિતશક્તિ કેન્દ્રના વિદ્યાર્થીઓની રોજનીશી-આત્મકથન જેવા વિષયો પરના ખાસ અંકો ઉપરાંત ચંદુભાઇ મહેરિયા સંપાદિત, દલિત સાહિત્યનાં 229 પુસ્તકોનો ટૂંક પરિચય આપતો દલિત સાહિત્ય વિશેષાંક ‘દલિતશક્તિ’ની અત્યાર સુધીની સફરમાં ખાસ ઉલ્લેખનીય છે. ભેદભાવસૂચક શબ્દો ધરાવતી ગિજુભાઇ બધેકાની બાળવાર્તાઓના યથાતથ પુનઃમુદ્રણ વિશેનો ઊહાપોહ ત્રણ અંક સુધી ચાલ્યો અને ‘નિરીક્ષક’માં આગળ વધ્યો. પરંતુ ઘણે ભાગે બને છે તેમ, ચર્ચા મૂળ મુદ્દો ચૂકીને આડા પાટે ફંટાતાં, તેમાંથી કશું નક્કર-હકારાત્મક નીપજ્યું નહીં.

શરૂઆતનાં વર્ષોમાં પુસ્તક પરિચય, કવિતાનો આસ્વાદ, કવિતાઓ અને ક્યારેક વાર્તા છપાતી હતી. પરંતુ ‘દલિતશક્તિ’ના આઠ પાનાં થયા પછી તેમાં સાહિત્યનો ભાગ્યે જ સમાવેશ થયો છે. (‘દલિતશક્તિ’માં કદી સરકારી કે ખાનગી જાહેરખબર છપાઇ નથી.) સાહિલ પરમાર, સંજય ભાવે, સુવર્ણાબહેન, જિજ્ઞેશ મેવાણી જેવાં સ્નેહી-મિત્રોએ વખતોવખત પ્રેમથી ‘દલિતશક્તિ’ માટે લેખોના અનુવાદ કરી આપ્યા છે.

દસ્તાવેજીકરણ ખાતર એ પણ નોંધવું રહ્યું કે ‘દલિતશક્તિ’ના પાને અતીત સુતરિયા, ચંદ્રેશ મહેતા, પ્રકાશ મહેરિયા જેવાં નામે પ્રગટ થયેલા લેખ ચંદુભાઇ મહેરિયાના અને વિશ્વજીત વાલ્મીકિના નામે છપાયેલા લેખ મારા લખેલા છે. એ સિવાય અનુવાદકનું નામ નહીં ધરાવતા સંખ્યાબંધ અનુવાદો પણ સંપાદકીય જવાબદારીના ભાગરૂપે હોંશથી થયેલા છે. ડંકેશ ઓઝા, ઉમેશ સોલંકી, ઉલ્કા પરમાર વખતોવખત થોડા સમય પૂરતાં ‘દલિતશક્તિ’ સાથે સંકળાયાં હતાં. ઘણા વખત સુધી ‘દલિતશક્તિ’નું પેજમેકિંગ કરનાર રશ્મિભાઇ પંડ્યા અને શરૂઆતના કેટલાક અંકોમાં ચિત્રો દોરનાર રાજેશ રાણા ઉપરાંત અંકોની-લવાજમની વહીવટી જવાબદારી સંભાળનાર પુનિતા રાઠોડ અત્યાર સુધીની સફરના સહયાત્રી તરીકે યાદ આવે છે..

Saturday, July 09, 2011

જાહેર જનતા જોગ...

'ગાંધીવાદી' દુકાન?

આવી રીતે કંઇ નસ ખેંચાય?


પહેલાં લોકોને કથા સાંભળવા બોલાવવામાં આવતા હતા, હવે કથાના જીવંત પ્રસારણ દ્વારા 'દુનિયા તમને નિહાળશે' એવી લાલચ આપવામાં આવે છે

વગર રોકાણે, પણ આંખો ખુલ્લી રાખીને...

માસાને આટલું મોટું માન!

થ્રી-ઇન-વન

Thursday, July 07, 2011

ઉજાગરોઃ ઉંઘનો ધજાગરો

આંખો લાલ થઇ ગઇ હોય, પોપચાં દુકાનના ઢીલા શટરની જેમ ઊંચાં લીધા પછી નીચે ઢળી પડતાં હોય, માથું ચક્કરભમ્મર થતું હોય, સીધા બેસવાને કે ઉભા રહેવાને બદલે ઢળી પડવાનું કે ઢોળાઇ જવાનું મન થતું હોય...

આ બધાં લક્ષણો વાંચીને ગુજરાતમાં કોઇ પણ જાણભેદુ સલાહ-પડીકું છોડશે,‘માપમાં પીતા હો તો! અમેય પીએ છીએ, પણ અમારે કદી આવું ન થાય, સમજ્યા?’ અને માપમાં પીવાના ફાયદા વિશે હોંશભેર એક લધુવાર્તાલાપ પ્રસારિત કરી દેશે. પરંતુ ઉપર વર્ણવેલાં લક્ષણ હકીકતે કોઇ ઉજાગરાગ્રસ્ત જણનાં છે, એ જાણ્યા પછી તેમનો ઉત્સાહ ઓલવાઇ જશે અને મનમોહનસિઘની દલીલો જેવી હળવી ગણગણાટી સાથે તે વાર્તાલાપ સંકેલી લેશે.

ઉજાગરો કરનાર દૃઢતાપૂર્વક માને છે કે ‘દુનિયામાં (પોતાના) જીવ પછી સૌથી મોટું કોઇ બલિદાન હોય તો એ ઉંઘનું છે - અને એ મેં આજે આપ્યું છે. મને ‘શહીદ-એ-આઝમ’ ન ગણો તો કંઇ નહીં, પદ્મશ્રી કે વીરચક્ર ન આપો તો પણ વાંધો નથી. કમ સે કમ, એટલું તો સ્વીકારો કે ઉંઘની સ્વેચ્છાએ કુરબાની આપી હોવાથી, બીજા ઉંઘનારા લોકો કરતાં હું વધારે ઊંચો છું. પામર મનુષ્યો રાત્રે નવ-દસ-સાડા દસ વાગ્યે નિદ્રાની પ્રલોભનજાળમાં આવી જતા હોય ત્યારે મારા જેવો કોઇક વીરલો જ તપસ્યાભંગ થવા દીધા વિના ઉજાગરો ખેંચી શકે અને ઉંઘના આક્રમણના ધજાગરા ઉડાડી દે.’

ઉંઘવાની ક્રિયાનો સીધો સંબંધ આળસ, કામચોરી અને નિષ્ક્રિયતા જેવા નકારાત્મક ગુણો સાથે છે. તેની સરખામણીમાં ઉજાગરો શબ્દાર્થમાં જાગૃતિનું પ્રતીક છે. સમાજને લોકોની પ્રતિષ્ઠા કરતાં અપજશમાં વધારે રસ પડે છે. એટલે કોઇના પણ માટે ‘ઉંઘણશી’નું ટીકાત્મક લેબલ તરત લાગી જાય છે, પરંતુ રાતની રાત જાગતા લોકોને કોઇ ‘જાગણશી’ કહીને બિરદાવતું નથી.

કેટલાક ઉજાગરો કરનારા જણ મુખ્ય મંત્રી ન હોવા છતાં માને છે કે પોતે જાગે છે તેના લીધે જ બાકીની દુનિયા નિરાંતે સૂઇ શકી છે અથવા બાકીની દુનિયા આળસુના પીરની જેમ ઘોરી રહી છે ત્યારે તેમના યોગક્ષેમનું વહન કરવા માટે મારે જાગવું પડશે. તેમને ઉંઘતાં મૂકીને હું કેવી રીતે ઉંઘી જઉં? મારી દુનિયા પ્રત્યેની-સમાજ પ્રત્યેની ફરજનું શું થાય? નરસિહ મહેતાનું સ્મરણ તેમના ચિત્તમાં ગુંજી રહે છે, ‘રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાઘુપુરૂષે સુઇ ન રહેવું’.

નરસિહ મહેતાએ પાછલા પહોરે જાગીને શ્રીહરિને સ્મરવાની વાત કરી હતી, પણ મોટા ભાગના લોકોનો અનુભવ છે કે જૂજવે રૂપે અનંત ભાસતી ઉંઘના શરણે થયા પછી પાછલા પહોરે જાગવાનું બહુ કઠણ છે. ખુદ શ્રીહરિ જગાડે તો પણ ઉંઘરેટો માણસ ‘સૂવા દો ને જંપીને! અત્યારથી ઉઠીને શું દાટ્યું છે?’ એવું છાંછીયું કરી બેસે. એટલે શ્રેષ્ઠ રસ્તો એ છે કે ઉંઘવું જ નહીં.

સવાલ એ થાય કે કામ વગર માણસે ઉજાગરો શા માટે કરવો? તેની સાદી સમજૂતી-કમ-ફિલસૂફી એટલી જ છે કે કામ (રાતપાળીની નોકરી) હોય ત્યારે ઉજાગરો કરવામાં શી ધાડ મારવાની? ઉજાગરા જેવી ઉમદા પ્રવૃત્તિ નોકરીના ભાગરૂપે કરવામાં ઉજાગરાનું કે નોકરીનું, કોઇનું ગૌરવ જળવાતું નથી. એટલે જ, સારી કંપનીઓમાં રાતપાળીની નોકરી કરનારા ઘણા લોકો નાઇટ શિફ્‌ટમાં સૂઇ જઇને નોકરીના ભોગે પણ ઉજાગરાનું ગૌરવ જાળવી લે છે.

ઉજાગરાનો ખરો આનંદ કોઇ ચોક્કસ હેતુ કે કામગીરી વિના, ફક્ત ઉજાગરા ખાતર ઉજાગરો કરવામાં છે. ‘હું ક્યાં તારું કે મારું કોઇનું કામ કરવા આવ્યો છું/ હું તો બસ ઉજાગરો કરવા આવ્યો છું’ એવી પંક્તિ (નિરંજન ભગતની ક્ષમા સાથે) ઉજાગરા-ગીત તરીકે મૂકી શકાય. આખી રાત જાગવાનું કામ અનેક રીતે ગૌરવપ્રદ ગણાય છે. ઉજાગરો કરનાર બીજા દિવસે ભલે ચીમળાઇ ગયેલી દેશી કેરી જેવો ચહેરો લઇને ફરે, પણ તેના મોં પરનો ઉજાગરો છાતી પર લગાડેલા માનચાંદ જેવો ઝળકી ઉઠે છે. સામે પૂછનાર માણસ ગમે તે હોય, પણ ચહેરાના હાલચાલ વિશે જરાઅમસ્તી પૃચ્છા થઇ નથી કે ઉજાગરાવીર કહેશે,‘કાલે આખ્ખી રાત જાગ્યા હતા. મટકુંય માર્યું નથી. છતાં જુઓ, અત્યારે કેવો ફ્રેશ લાગું છું ને ! કહો તો મેરેથોન દોડી બતાવું.’

વઘુ પડતા પ્રમાણમાં નશો કર્યા પછી માણસ જેમ ‘મને નથી ચઢી’નું રટણ કરવા ચડે, એવું જ ઉજાગરાવીરોના કિસ્સામાં ઉંઘ બાબતે બને છે. કોઇ એમના ઉંઘરેટા ચહેરાની સહેજ દયા ખાય એટલે તે ‘સ્પર્શ’ના નસીરુદ્દીન શાહની જેમ ઘુંધવાટભર્યું ખિજાઇ જાય છેઃ ‘મારે ઉંઘની પણ નહીં ને દયાની પણ નહીં- કશાની જરૂર નથી. મેં કાલે રાત્રે મારા શોખથી ઉજાગરો કર્યો હતો અને મને એનું ગૌરવ છે.’ તેમનો જુસ્સો જોતાં સાંભળનારને લાગે છે કે હમણાં એ ક્યાંક ‘ભારતમાતાકી જય’ બરાડી ન બેસે!

ઉંઘની તકલીફ એ છે કે તે પ્રેમની જેમ કે ગુજરાતી ગીતોમાં આવતાં ઝાંઝરની જેમ, સંતાડી રાખી રખાતી નથી. પૂરના પાણીની જેમ, ઉજાગરાગ્રસ્તના ચહેરા પર એ પોતાનો રસ્તો કરી લે છે અને પોતાનાં નિશાન પણ આંકી દે છે, જે ઉજાગરાવીર સિવાય બાકી બધાને દેખાય છે. એટલે આખી રાત જાગ્યા પછી બીજા દિવસે જાણે ઉજાગરાવીરનું એક જ મુખ્ય કાર્ય રહે છેઃ ચહેરા પર અને વર્તનમાં ઉજાગરાની અસર ન દેખાવી જોઇએ. ચાહે લાખ ઝોકાં આવે, ચાહે પીઠમાં કડાકા બોલે, ચાહે આંખો શ્રાવણનાં વાદળોની પેઠે ઘેરાય...‘ઉજાગરો કર્યો કે ના હઠવું’ એવો નર્મદીય નિર્ધાર કેટલાક ઉજાગરાકરોના વર્તનમાંથી ટપકે છે. આખો દિવસ તે ઉંઘરેટી આંખે અને લડખડાતા પગે, છતાં કોઇ પૂછે તો ‘મને કંઇ થયું નથી.’ એવું કહેનારા ઉજાગરાના અસલી બ્રાન્ડ એમ્બેસેડર બની રહે છે.

સરકારી કાર્યક્રમોની જેમ ઉજાગરો કરવામાં પણ ગૌરવભાન મુખ્ય પેદાશ છે કે આડપેદાશ એ પ્રસંગે પ્રસંગે બદલાતું રહે છે. ઘણા ઉજાગરાકરોને આખી રાત જાગીને ગપ્પાંગોષ્ઠિ કરવામાં, વાંચવા-લખવામાં કે બીજું ગમતું કામ કરવામાં એટલી ‘કીક’ નથી આવતી, જેટલી એવું જાહેર કરવામાં આવે છે કે ‘કાલે તો આપણે આખ્ખી રાત ઉજાગરો કર્યો...એકદમ નક્કોરડો ઉજાગરો. બોલો, તમારાથી થાય?’

ઉજાગરો કરવાના પંથે સંચરતા લોકોને હતોત્સાહ કરવા માટે સમાજ ઘણા પ્રયાસ કરે છે. ‘રાત્રે જાગીને શું કામ છે? એના કરતાં એક કામ કરો. અત્યારે સૂઇ જઇને સવારે વહેલા ઉઠી જજો.’ એવું પ્રલોભન અપાય છે. ‘રાતે ઉજાગરા કરશો તો બીજા દિવસે પાચનતંત્રમાં વિપ્લવ ફાટી નીકળશે’ એવી ચીમકી અપાય છે. ‘એટલું તે શું કામ છે- એવી તે કેવી વાતો છે કે આખી રાત જાગવું પડે?’ એમ કહીને ઉજાગરાકરોની મશ્કરી કરવાનો પ્રયાસ થાય છે.

જે રાજ્યમાં છોકરીઓ અડધી રાત્રે સલામતીપૂર્વક ઘરની બહાર અવરજવર કરી શકે છે, એ જ રાજ્યમાં છોકરાઓ મોડી રાત્રે ઘરની બહાર સામુહિક રીતે ઉજાગરો કરતા હોય, તો પોલીસ ઘણી વાર તેમને રાત્રે ઘરે હાંકી કાઢે છે. આ કાર્યવાહીને (ઉપવાસની જેમ) ઉજાગરો તોડાવવાનું પોલીસનું કાવતરું કહી શકાય. પરંતુ ખરો ઉજાગરાવીર કશાથી ડગતો- ડરતો નથી. તેના મનમાં એક જ રટણ હોય છેઃ ના, હું તો જાગીશ.

Tuesday, July 05, 2011

‘સેલિબ્રિટી’ બનવાના સહેલા અને સચોટ ઉપાય

જમાનો ‘ટીપ્સ’નો છેઃ મિત્રો કેમ બનાવવા, લોકોને પ્રભાવિત કેમ કરવા, સ્વપ્ન કેમ સિદ્ધ કરવાં, રૂપિયા કેમ કમાવા...વગેરે અનેક બાબતોનાં પુસ્તક-કેસેટ-સીડી-સેમિનાર-ક્લાસથી બજાર ઉભરાય છે. એમાંથી મોટા ભાગની ચીજોનો સમાવેશ ‘હાસ્ય’ના ખાનામાં કરવા જેવો હોય છે. પરંતુ લોકો એને એટલી ગંભીરતાથી લે છે કે આપણે પણ એના વિશે શક્ય એટલા ગંભીર થઇને, થીયરી અને ફોર્મ્યુલાની, ટીપ્સ અને ચાવીઓની પરિભાષામાં વાત કરવી પડે.

ઘાસલેટ રિક્ષા અને સેલિબ્રિટી

સીએનજીથી ચાલતી રિક્ષાઓની વચ્ચે ઘાસલેટીયા રિક્ષા ઘુમાડા કાઢતી નીકળે ત્યારે મોટા ભાગના લોકોને મનમાં ભલે ત્રાસની લાગણી થતી હોય, પણ ઘાસલેટ-રિક્ષા મનોમન પોરસાય છેઃ ‘જોયું? રોડ પર આપણો કેવો છાકો પડી ગયો? બધા આપણી બાજુ જ જુએ છે.’ તેના ઘુમાડાથી લોકો આંખો ચોળે કે ઘોંઘાટથી ત્રાસીને કાન બંધ કરી દે ત્યારે ઘાસલેટ-રિક્ષા માને છે,‘જોયું? આપણો પ્રતાપ એવો જોરદાર છે કે લોકો આંખો ચોળીને જોયા કરે અથવા આપણી પ્રતિભાનો વિસ્ફોટ એવો પ્રચંડ છે કે લોકોને કાન બંધ કરી દેવા પડે.’

આઘુનિક માપદંડ પ્રમાણે ઘાસલેટીયા રિક્ષા ‘સેલિબ્રિટી’ કહેવાય. તેના ઘોંઘાટથી અંજાઇને કે ઘુમાડાથી કંટાળીને મોટા ભાગના લોકો માનવા માંડે છે કે ‘કહો ન કહો, પણ આ રિક્ષા છે સેલિબ્રિટી. કેવી આખા રસ્તા પર છવાઇ ગઇ!’ ઘોંઘાટ-ઘુમાડાને દૂષણ ગણનારાની લાગણી જાણવાની ઘાસલેટીયા રિક્ષાને શી જરૂર? એ પોતાના ઘોંઘાટ ઉપર મોહિત થઇને, દુનિયા પર પોતાના ‘પ્રભાવ’ના નશામાં ઝૂમતી આગળ વઘ્યે જાય છે.

ઘાસલેટીયા-રિક્ષાના કુળની સેલિબ્રિટી થવા માટે કેટલાક સોંઘા અને ‘ચીપ’- એમ બન્ને રીતે સસ્તા ઉપાયો બજારમાં મોજૂદ છે. એવી કેટલીક ‘ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ’ તરકીબો, પ્રામાણિક - એટલે કે માર્કેટિગની નહીં એવી- ભાષામાં:


તરકીબ-૧ : હું, ગાંધીજી ને અમિતાભ

મહાન કે પ્રખ્યાત માણસો સાથે ક્ષુલ્લક બાબતોમાં પોતાનું સામ્ય શોધી કાઢવું (જે ખરેખર તો બીજા કોઇ પણને લાગુ પડતું હોઇ શકે) અને વખતોવખત બેશરમીથી તેની જાહેરાત કરવી. જેમ કે, ‘હું, ગાંધીજી અને અમિતાભ. અમે ત્રણે વહેલા ઉઠવાવાળા.’ અથવા ‘અમર્ત્ય સેન, નારાયણ મૂર્તિ અને હું- અમારું ત્રણેની સ્ટાઇલ સરખી છે. અમારે ત્રણેને સવારે ઉઠીને બ્રશ કરવા જોઇએ.’ જેમના આંજવાના છે એવા લોકોની બૌદ્ધિકતાનો બાધ ન હોય તો ચેતન ભગતથી ચંદ્રકાંત બક્ષી સુધીનાં ચલણી નામ પણ આ કામ માટે વાપરી શકાય.

બહુમતિ પ્રજા આગળનાં મોટાં નામ સાથે (તમે ગોઠવી દીધેલું) તમારું નામ વાંચીને અહોભાવથી અરધી થઇ જશે. તેની પાછળ મુકાયેલી વિગત કેટલી ક્ષુલ્લક કે તુચ્છ છે એની કોને પરવા છે? અને ધારો કે કોઇ સમજુ જણ વાંધો પાડે તો ‘હું ગમ્મત કરતો હતો. તમે એટલું પણ ન સમજ્યા?’ એવો આક્રમક બચાવ હાથવગો છે.


તરકીબ-૨ : મૃતકના મોઢે મોંફાટ વખાણ
‘જીવતો લાખનો અને મરેલો સવા લાખનો’ એ નિયમ ફક્ત હાથી જ નહીં, તમામ પ્રકારની ‘હસ્તી’ઓ માટે લાગુ પડે છે. કેટલાક હિમતબાજો હસ્તીઓના મૃત્યુ સુધી રાહ જોતા નથી અને તેમની હયાતીમાં જ તેમના મોઢે પોતાના માટેનાં મનગમતાં નિવેદનો મૂકી દે છે. એમ કરવામાં થોડું જોખમ ખરું, પણ એક વાર તે હસ્તી દુનિયામાંથી વિદાય લઇ લે પછી માર્ગ મોકળો થઇ જાય છે. કોઇ પણ હસ્તીના મોઢે પોતાના વિશેનું ગમે તેવું પ્રશંસાત્મક નિવેદન ચોંટાડી શકાય છે. એમ કરવામાં સાંભળનાર-વાંચનારની સામાન્ય બુદ્ધિ સિવાય બીજો કોઇ અવરોધ રહેતો નથી.

જેમ કે, ‘એક વાર રાજ કપૂરના પિકચરમાંથી મેં એની ભૂલ ચીંધી બતાવી ત્યારે એ કાન પકડી ગયો હતો. એણે મને મુંબઇ બોલાવ્યો, આર.કે.સ્ટુડિયોમાં ફેરવ્યો, જમાડ્યો અને કહ્યું કે ‘હવે મારી ઉંમર થઇ. તમે મારી જગ્યાએ આવી જાવ. આજથી આ સ્ટુડિયો તમારો. ડબ્બુને હું સમજાવી દઇશ.’ પણ એમ કોઇ આપે ને આપણાથી થોડું લઇ લેવાય? મેં એમને ના પાડી અને કહ્યું કે બસ, તમે ભૂલ કબૂલી એ જ આપણા માટે બહુ છે.’

ફિલ્મનું ઉદાહરણ એ માઘ્યમની લોકપ્રિયતાને ઘ્યાનમાં રાખીને આપ્યું છે. બાકી, ‘નરસિહ રાવ મારું અર્થશાસ્ત્રનું જ્ઞાન જોઇને છક થઇ ગયા અને કહ્યું કે તમે આવતા હો તો મનમોહનસિઘને તગેડી મૂકું’ અથવા ‘ધીરુભાઇ અંબાણીએ મને કહ્યું હતું કે તમે મુંબઇમાં હોત તો મુકેશ-અનિલને હું તમારા ભરોસે છોડીને શાંતિથી નિવૃત્ત થઇ ગયો હોત’ એવું કંઇ પણ કહી શકાય.

આ જાતના દાવામાં અધધ અતિશયોક્તિ હોય કે હળાહળ બનાવટ, લોકો માનશે કે નહીં તેની ચિતા રાખવાની જરૂર નથી. આવા દાવા આંખ મીંચીને માની લેનારા હંમેશાં વઘુમતીમાં હોય છે અને સેલિબ્રિટી બનવું હોય તો બુદ્ધિશાળી લધુમતીની પરવા કરવાની જરૂર નથી.


તરકીબ-૩: મોં-માથા વગરની માહિતીનાં માવઠાં

ફક્ત આવડતથી જ સેલિબ્રિટી બની જવાય એવું કોણે કહ્યું? ઘાસલેટીયા સેલિબ્રિટી બનવા માટે કોઇ પણ વિગત ખપમાં લઇ શકાય. તેનું ઔચિત્ય વિચારવાની કશી જરૂર નહીં. જેમ કે, ઘાસલેટીયા સેલિબ્રિટી બનવા ઇચ્છતો ચિત્રકાર કે નાટ્યકાર કે નેતા કહી શકે, ‘હું જે શહેરમાં રહું છું તેમાં દસ ફ્‌લાયઓવર છે’ અથવા ‘હું જે લાયબ્રેરીનો સભ્ય છું, ત્યાં મહિને ૧૫૦ મેગેઝીન આવે છે’ અથવા ‘મારી ગાડી ૧૫ની એવરેજ આપે છે’ અથવા ‘મારું વજન એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકાના બધા ભાગના કુલ વજન કરતાં પણ વધારે છે.’ આ બધી બાબતોને ચિત્રકળા કે નાટક કે નેતાગીરી સાથે શી લેવાદેવા? પણ આવા દાવા ફેંક્યા હોય તો તેને ઝીલીને અહોભાવિત થનારી જનતા મળી રહેવાની છે.

યાદ છે ને? ઘાસલેટીયા સેલિબ્રિટી બનવા માટે પોતે વિચારવાની તો ઠીક, બીજા વિચારશે એવું વિચારવાની પણ મનાઇ છે.


તરકીબ-૪ : કાલ્પનિક હરીફો સાથે ‘જંગ’

ડોન કિહોટેની કથાથી પરિચિત લોકો જાણે છે કે બહાદુરી બતાવવા માટે, દુશ્મન કે હરીફનું હોવું બહુ જરૂરી છે. ખરેખર કોઇ હરીફ કે દુશ્મન ન હોય તો શું થયું? મનોમન બે-ચાર-પાંચ કાલ્પનિક હરીફો ઉભા કરી લેવા, તેમને દુશ્મન ગણી લેવા અને તેમની સાથે એકપક્ષી યુદ્ધ જાહેર કરીને, તેમને સતત પછાડ્યા કરવા. ડોન કિહોટેની હાસ્યાસ્પદ લડાઇઓ કરતાં આ ‘લડાઇ’ ખાસ જુદી નથી હોતી, પણ તેના થકી પોતાની ‘શૂરવીરતા’ બતાવવાની અમૂલ્ય તક મળે છે અને એ ‘બહાદુરી’થી ઘણા લોકો પર પોતાના સેલિબ્રિટીપણાની ધાક બેસાડી શકાય છે.

ડોન કિહોટેની પ્રિયતમા ઘઉં વીણતી હતી, ત્યારે કિહોટે ધારતા હતા કે તે પોતાના શૂરવીર પતિ માટે વિજયની વરમાળા ગૂંથી રહી હશે. એવી જ રીતે, આ તરકીબ અપનાવનારે માની લેવું કે લોકો મારી ‘શૂરવીરતા’ના દેખાડાની હાંસી ઉડાડવાને બદલે મારા માટે વિજયની વરમાળા ગૂંથી રહ્યા હશે.


તરકીબ-૫ : સ્વાવલંબન

દુનિયા બહુ ક્રૂર છે. એ આપણી મહાનતાની નોંધ લે ત્યાં સુધીમાં આપણે ન હોઇએ તો? એટલે, વેળાસર પોતાનાં વખાણ શરૂ કરી દેવાં, એની એકેય તક ચૂકવી નહીં અને તક ન હોય ત્યાં તક ઊભી કરી લેવી.

વખાણ કેવી રીતે કરવાં, એ આગળની તરકીબોમાંથી જાણી શકાય છે. એ માટે તક ન હોય તો તે કેવી રીતે ઉભી કરી શકાય તેનો નમૂનોઃ ધારો કે કોઇ સામે મળી જાય અને પૂછે, ‘કેમ છો?’ તો કહી દેવાનું, ‘બસ, જુઓને! અદાણીને ત્યાં લંચ માટે જવાનું હતું. ત્યાં વચ્ચે મોદીસાહેબનો ફોન આવ્યો. હવે એમનો ફોન તો લેવો જ પડે. એ મને કહે કે મંત્રીમંડળના વિસ્તરણનું વિચારું છું. તમે એજ્યુકેશન મિનિસ્ટર થશો? એમનો ફોન પૂરો કર્યો ત્યાં દિલ્હીથી મેસેજ આવ્યો કે ‘અમેરિકા જતા ડેલીગેશનમાં તમારું નામ મૂક્યું છે. વાંધો નથી ને?’ બોલો, આવું છે! અને તમે પૂછો છો, ‘કેમ છો.’ તમે જ કહો, મારે શો જવાબ આપવો?

ધારો કે કોઇ સામેથી સંવાદ શરૂ કરે એટલી રાહ ન જોવી હોય તો તેના પણ રસ્તા છે. કોઇ દેખીતા કારણ વિના સામેના માણસનાં વખાણ કરી નાખવાં. બદલામાં તે વળતાં વિવેકવચનની દોરી લટકાવે એટલે એ પકડીને સડસડાટ આત્મપ્રશંસાના ગઢ પર ચઢી જવુ. કોઇન્‌ શુભેચ્છા પાઠવીને પણ આ કામ થઇ શકે. જેમ કે, ‘તમારી ત્રીસમી વર્ષગાંઠ મુબારક. મને પણ આજ સુધી ત્રીસ એવોર્ડ મળ્યા છે.’ અથવા ‘જન્મદિવસની શુભેચ્છા. મારા જન્મદિવસે તો લોકોની એટલી શુભેચ્છા આવે છે કે મારે ફૂલોના ઢગલા સાફ કરવા માટે ખટારો મંગાવવો પડે છે. પણ એની એક મઝા છે. બેસ્ટ વીશીઝ.’


તરકીબ-૬ : ઇતિહાસની વિસ્મૃતિ

ઇતિહાસનું સામાન્ય જ્ઞાન સુદ્ધાં ઘાસલેટીયા સેલિબ્રિટી બનવા આડે બહુ મોટો અવરોધ ઉભો કરી શકે છે. કારણ કે કોઇ પણ ક્ષેત્રમાં ગુણવત્તાથી માંડીને લોકપ્રિયતા જેવી બાબતોમાં આગળ બીજા અનેક પ્રતાપી લોકો થયા જ હોય. એમને યાદ કરીએ તો આપણો ભાવ કોણ પૂછે? અને આપણી મહાનતા કેવી રીતે સ્થાપિત થાય?

પોતાની લીટી કેટલી નાની છે એનો તીવ્ર અહેસાસ હોય, ત્યારે બીજી મોટી લીટીઓ ભૂલાવી દેવી બહુ જરૂરી છે. મોટાં નામોને અંજલિ આપવાની, પણ એ રીતે કે ‘તમે બધા મહાન હતા ત્યારે હતા. હવે હું જ છું.’ તેની પેટાતરકીબ છેઃ મનગમતો ઇતિહાસ લખવો. એ માટે તરકીબ-૨ (મૃતકના મોઢે મોંફાટ વખાણ)નો ઉપયોગ કરી શકાય. ધારો કે કોઇ નવા ગઝલકારને ઘાસલેટીયા સેલિબ્રિટી થવું હોય તો એ કહી શકે, ‘મરીઝ મને કાયમ કહેતા હતા કે મારા પછી તું જ એક છે. બીજું કોઇ મને આ ક્ષેત્રે દેખાતું નથી.’

આવું લખ્યા પછી ભૂલેચૂકે એવો ખુલાસો ન કરવો કે ‘આ મરીઝસાહેબનો અભિપ્રાય છે. એમણે પ્રેમવશ કહ્યું હોય તો પણ એ સાચું નથી. મારી સાથે બીજા દસ લોકો સરસ ગઝલો લખે છે.’ આ ખુલાસો હકીકતની દૃષ્ટિએ સાચો હશે, પણ ઘાસલેટીયા સેલિબ્રિટી બનવા ઇચ્છનારે હકીકત સાથેનો પોતાનો સંબંધ બને એટલો ઓછો કરી નાખવો.

***
સહેજ ઊંડો શ્વાસ લઇને વિચારતાં, સૌને પોતાની આજુબાજુ આ તરકીબ/તરકીબો અપનાવીને સેલિબ્રિટી બની બેઠેલા અને ત્યાર પછી સેલિબ્રિટીપદું ટકાવી રાખવા માટે પણ આ જ પદ્ધતિઓ અપનાવતા ઘણા લોકો જોવા મળશે. અહીં આપેલી ચાવીઓ વાંચ્યા પછી, તેને અમલમાં મૂકીને ઘાસલેટીયા સેલિબ્રિટીની જમાતમાં જોડાઇ જવું, તેમના પ્રદૂષણકારી પ્રભાવની ચિતા કરીને વખત આવ્યે તેમને નાગરિકધર્મ લેખે ટપારવા, સસ્તી હરકતોમાં સાર્થકતા માનવા બદલ તેમની દયા ખાવી કે લાજવાને બદલે ગાજવાની તેમની નાદાની પર હસવું- એ સૌએ પોતપોતાની રૂચિ, શક્તિ અને પ્રકૃતિ પ્રમાણે નક્કી કરવાનું રહે છે.

Monday, July 04, 2011

શરદીનો હુમલો થાય ત્યારે...

જૂઠું બોલવાની જેમ શરદી થવાની કોઇ ચોક્કસ સીઝન હોતી નથી. પરંપરાગત શાણપણની રીતે વિચારીએ તો શિયાળામાં શરદી થાય એવી અને સોગંદ લીધા પછી માણસ સાચું બોલે એવી શક્યતા વધારે કહેવાય. પણ વ્યવહારમાં શું બને છે તે સૌ જાણે છેઃ ગુજરાતના કાતીલ ઉનાળાની ગરમીમાં શરદી થવાની અને સોગંદ લીધા પછી માણસ ધરાર જૂઠું બોલે એવી સંભાવના પૂરેપૂરી રહે છે.

શરદી ‘મહારોગ’ કે ‘રાજરોગ’ નથી. હજુ સુધી શરદીને કારણે કોઇનું મૃત્યુ નીપજ્યું હોય એવું જાણ્યું નથી. પરંતુ શરદી માણસને અધમૂવો કરી નાખે છે. પ્રેમીઓ અને ગાલિબના પ્રેમીઓ જાણે છે કે જે દરદ ‘તીરે નીમકશ’માં – અર્ધા ખૂંપેલા તીરમાં- હોય છે, તે ‘જીગરકે પાર’ નીકળી જતા તીરમાં નથી હોતું. એટલે શરદી જીવલેણ નથી તો શું થયું? તેની ગંભીરતા ‘ચેનલેણ’ હોય છે.

દાના દુશ્મનની જેમ શરદી પણ ખાનદાન રોગ છે. તે કદી એકદમ-ઓચિંતો હુમલો કરતી નથી. તેના આગમન પૂર્વે નિશાનીઓ વરતાવા માંડે છે. કાઠિયાવાડી શૌર્યકથાઓમાં મુખ્ય પ્રસંગ બનતાં પહેલાં આકાશમાં સંધ્યાની લાલી પથરાઇ જવા જેવી પૂર્વતૈયારીઓ થાય છે, તેમ શરદીના છડીદાર તરીકે બેચેની ધડબડાટી બોલાવતી આવી પહોંચે છે. આંખો સહેજ ભારે અને નાક સહેજ ઢીલું લાગે છે. બધા લોકો આ લક્ષણોનો તાગ પામી શકતા નથી. એટલે શારીરિક લક્ષણો માટે તે વધુ પડતા કામથી માંડીને ભૂતપૂર્વ પ્રેમિકાની યાદ જેવાં પરિબળોને જવાબદાર ઠેરવે છે. પરંતુ એક વાર નાકની હાલત ગ્લોબલ વોર્મિંગને લીધે પીગળતી હિમાલયની હિમનદીઓ જેવી થાય કે તરત સમજાઇ જાય છેઃ આ તો શરદીનાં લક્ષણ છે. દુર્ઘટના બન્યા પછી અંકોડા મેળવતી ગુપ્તચર એજન્સીઓને પશ્ચાદવર્તી અસરથી કાવતરાની સમજણ પડે તેમ, શરદીગ્રસ્ત માણસ વિચારે છેઃ ‘બે દિવસથી મને કંઇક જુદું લાગતું હતું, પણ ખબર પડતી ન હતી. હવે સમજાયું. એ શરદી થવાનાં ચિહ્નો હતાં.’ પરંતુ ગુપ્તચર સંસ્થાઓની જેમ જ, શરદીગ્રસ્ત જણ માટે એ જ્ઞાનનો ‘મોડે મોડે પણ ખબર તો પડી’ એ સિવાય કશો ખપ રહેતો નથી. કારણ કે ફરી વાર આ જાતનાં ચિહ્નો દેખાય ત્યાં સુધીમાં તે આ જ્ઞાન ભૂલાઇ જાય છે.

કવિ નાનાલાલે વરસાદમાં ભીંજાતી કુમારિકાના શરીર પરથી ‘પાણી નહીં પણ કૌમાર્ય’ ટપકતું હોવાની કલ્પના કરી હતી. ટપકતા નાકવાળા શરદીગ્રસ્ત જણને જોઇને લાગે, જાણે નાક વાટે તેનાં સ્વસ્થતા અને તંદુરસ્તી, સુખ અને શાંતિ ટપકીને બહાર વહી રહ્યાં છે. ટપકતા રીઢા નળ પર કોઇ અણઘડ પ્લમ્બર મચ્યો હોય તેમ, શરદીગ્રસ્ત જણ રૂમાલ લઇને ટપકતા નાકને કાબૂમાં આણવા મથે છે. પણ નળ કે નાક એમ બંધ થાય? ઉલટું, દરેક પ્રયાસની સાથે તે વધારે બેકાબૂ થતાં જણાય છે. રૂમાલ આખો ભીનો થઇ જાય છે અને નાક આખું લાલ. પણ પાણીનો અવિરત પુરવઠો ખૂટતો જ નથી. જાણે નાકમાં નર્મદાની નહેર કરાવી હોય.

ટપકતું નાક શરદીગ્રસ્ત જણને સ્વમાનનો પાઠ શીખવી જાય છે. નીચું જોવાથી નાક વધારે ટપકે છે. એટલે નીચાજોણું થાય એવાં કોઇ કામ એ ગાળામાં થઇ શકતાં નથી. કોઇ કામ કરવામાં ચિત્ત ચોંટતું નથી. (ઘણા ‘સિદ્ધ’ લોકો શરદી વિના પણ આ અવસ્થાએ પહોંચેલા હોય છે એ જુદી વાત છે.) આવી હાલતને કારણે માણસને ઘરે રહીને આરામ કરવાની ‘કમત્ય’ (કુમતિ) સૂઝે છે. એ માને છે કે ઘરે વિક્સ લગાડીને ચાદર ઓઢીને બે દહાડા પડી રહીશું એટલે શરદી છૂમંતર થઇ જશે.

‘ઘરે આરામ’ની યોજનાનો આરંભ ભવ્ય હોય છે. મોડી સવાર...દોઢ પ્યાલો ચા...ચોતરફથી પૂછાતી ખબર..’કેમ લાગે છે? કેમ છે હવે? એ તો આરામ કરીશ એટલે આવી જશે...’ શરદીગ્રસ્ત જણને પોતાનો ઘરે રહેવાનો નિર્ણય કેટલો સાચો હતો તે સમજાય છે. સાથોસાથ, શરદીગ્રસ્ત મનથી આવા સારા નિર્ણય લેવાતા હોય તો, કાશ્મીર અંગેનો નિર્ણય લેતાં પહેલાં પંડિત નેહરુને શરદી થઇ હોત તો કેટલું સારું, એવો આડવિચાર પણ આવી જાય છે. પરંતુ દિવસ ચડે તેમ શરદીગ્રસ્ત જણની સ્વાયત્તતા અને સાર્વભૌમત્વ પર ઠેકઠેકાણેથી હુમલા થવા લાગે છે.

એક પણ સગી બહેન ન હોય એવા ભાઇઓને અનેક બહેનો હોય છે, તેમ એક પણ ઇલાજ વગરની શરદી માટે અનેક ઇલાજ આવી પડે છે. દરેક પોતાના અનુભવસિદ્ધ ઇલાજો ‘જેવા મને ફળ્યા એવા તમને પણ ફળો’ના વ્રતકથા-સહજ આશાવાદ સાથે સૂચવે છે. અમેરિકાનાં ‘પ્રીએમ્પ્ટીવ’ પગલાંની તરાહ પર એલોપથીના પ્રેમીઓ બે-ચાર અકસીર ગોળીઓનાં નામ સૂચવે છે. ‘એનાથી શરદી મટી જશે એની ગેરન્ટી નથી, પણ તાવ નહીં આવે.’ એલોપથીને તૂત સાબીત તરવાની ભીષણ પ્રતિજ્ઞા લઇને બેઠેલા લોકો કહે છે, ‘તુલસી-અરડુસી-ફુદીનાનો ઉકાળો પી. એના જેવું એકેય નહીં.’ ‘સર્વ દિશાઓમાંથી ઉત્તમ દવાઓ ગ્રહણ કરું છું’ એવો ઋગ્વેદીય મિજાજ ધરાવતા લોકો કહે છે, ‘આપણે દિવસે દેશી દવા કરવી ને રાત્રે ગોળી લઇને ઉંઘી જવું.’ કોઇ વળી નાસના પ્રેમી હોય તો એ કહે છે, ‘બીજું બધું ભૂલી જા. દિવસમાં દસ વાર નાસ લે. પછી જો.’ તેમનો નાસ-પ્રેમ જોઇને એવો વહેમ આવે જાણે, તે આ સૂચના પણ નાસ લેતાં લેતાં જ આપતા હશે.

વિવિધ સૂચનો પ્રત્યે શરદીગ્રસ્ત જણની ઉદાસીનતા જોઇને ઘરના સભ્યો તેને ડોક્ટર પાસે ધકેલવા પ્રવૃત્ત થાય છે. તેનાથી રોગ જલ્દી મટવાની આશા તો ખરી, પણ વધારે મોટો ફાયદો એ કે નિદાનના રૂપિયા ખર્ચ્યા પછી માણસ દવા લેવા માટે થોડો ગંભીર થાય. પરંતુ ઘણા લોકોને શરદી જેવા રોગ માટે ડોક્ટર પાસે જવું શાન કે ખિલાફ લાગે છે. એ વિચારે છે, ‘કયા મોઢે ડોક્ટર પાસે જવું? એ પૂછશે કે શું થયું તો શું જવાબ આપીશ? એવું કહીશ કે શરદી થઇ છે? હું એવું કહીશ તો ડોક્ટર પોતે હસી પડશે, ભલું હશે તો ‘એક્ક્યુઝ મી’ કરીને એકાદ-બે છીંક ખાઇને કહેશે, ‘શરદી તો મને પણ થઇ છે ભલા માણસ. એટલા માટે કંઇ ડોક્ટર પાસે દોડી જવાતું હશે?’ એમ કહીને એ ફીની વસૂલાત માટે બે-ચાર ગોળીઓ ચીતરી આપશે અને લગભગ ઠપકાના સૂરમાં ઘરે પાછા કાઢશે.

નાક ટપકે એ પોસાય પણ નાક- અને ખિસ્સું પણ- કપાય તે શી રીતે ચલાવી લેવાય?

Friday, July 01, 2011

600મી પોસ્ટઃ સુખદ સંયોગોનો સિલસિલો અને થોડું ‘અપડાઉન’


ગયા અઠવાડિયે આ બ્લોગ ત્રણ વર્ષ પૂરાં કરીને ચોથા વર્ષમાં પ્રવેશ્યો. એ જ વખતે 600મી પોસ્ટ આવી. તેની સાથે સંભારવા જેવી બીજી પણ બે અંગત વાત છે. 1) 2011ની નવી કોલેજ ટર્મ સાથે મારા મહેમદાવાદ-અમદાવાદ અપડાઉનનું પચીસમું વર્ષ શરૂ થયું. 2) છેલ્લાં નવેક વર્ષથી હું જેનું સંપાદન કરું છું તે ‘દલિતશક્તિ’ માસિકનો હવે (જુલાઇ, 2011માં) 100મો અંક પ્રકાશિત થશે. આ બધાં નિમિત્ત ભેગાં કરીને કાર્ટૂનિસ્ટ મિત્ર અશોક અદેપાલે પ્રેમપૂર્વક દોરી આપેલું મસ્તીચિત્ર ઉપર મૂક્યું છે. તેમાં દેખાતી મારી ઇર્ષ્યાજનક ‘તંદુરસ્તી’ મસ્તીચિત્રની માગ અને કાર્ટૂનિસ્ટની ફળદ્રુપ કલ્પનાશક્તિનું પરિણામ છે. તેથી ‘તંદુરસ્તીકા રાઝ’ ન પૂછવા વિનંતીઃ-)
ચાળીસ વર્ષે અપડાઉનનું પચીસમું વર્ષ શરૂ થઇ જાય, એ મહેમદાવાદમાં રહેનારા ઘણા લોકોની નીયતી હશે. કારણ કે 12મું ધોરણ ભણી લીધા પછી ‘વધુ અભ્યાસ માટે’ ઇંગ્લેન્ડ-અમેરિકાની જેમ નડિયાદ-આણંદ કે અમદાવાદ જવું પડે. એ સાથે શરૂ થયેલો અપડાઉનનો સિલસિલો આજીવન – અથવા ઘણા લોકોના કિસ્સામાં તે ‘છોકરાંના અભ્યાસ માટે’ બહાર રહેવા ન જાય ત્યાં સુધી ચાલે.
***
‘અપ-ડાઉન’ શબ્દ ‘હાફ પેન્ટ’ની જેમ ‘મેઇડ ઇન ઇન્ડિયા’ ઇંગ્લીશનો ઉત્તમ નમૂનો છે. ‘ગૂગલ’ ‘સર્ચ’નો કે ‘ડાલડા’ વનસ્પતિ ઘીનો પર્યાય બન્યાં, ત્યાર પહેલાંથી ટ્રેનની દિશા સૂચવતા શબ્દો ‘અપ’ અને ‘ડાઉન’ એક થઇને ટ્રેનમાં નિયમિત અવરજવર માટે વપરાતા હતા. દરેક ટ્રેનનો એક નંબર હોય અને તેની સાથે અપ કે ડાઉનનું લટકણીયું લાગેલું હોય. ટ્રેનના નંબર ચાર (અને હવે પાંચ) આંકડાના થયા તે પહેલાં, એ નંબર વધારે આત્મીય અને લગભગ ટ્રેનના ઓલ્ટર ઇગો જેવા-ટ્રેનની સંસ્કૃતિના પ્રતીક જેવા લાગતા હતા.
રેલવેની અલગ સંસ્કૃતિ હોય, પણ દરેક ટ્રેનની અલગ સંસ્કૃતિ? હા. અપડાઉન કરનારા માટે જુદી જુદી ટ્રેનોની જુદી છટા અને અલગ મિજાજ હતાં. ટ્રેનોનાં લગભગ સત્તાવાર બની ચૂકેલાં, લાડકાં-લોકપ્રિય નામ પણ ખરાં. રાત્રે મુંબઇ જતી અમદાવાદ જનતા એક્સપ્રેસ ‘જનતા’ કે ‘બીજો ફાસ્ટ’ કહેવાય. તેની પહેલાં આવતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ‘ડુપ્લીકેટ’ અથવા ‘પહેલો ફાસ્ટ’. સાંજે સાતેકની આસપાસ આવતી લોકલ વડોદરાને બદલે ફક્ત આણંદ સુધી જતી હોવાને કારણે ‘અડધિયું’ તરીકે ઓળખાય. સવારે એ જ અડધિયું આણંદથી અમદાવાદ જાય.
‘ગુજરાત ક્વિન’ ફક્ત ‘ક્વિન’ તરીકે જાણીતી. મોટા ભાગના અપડાઉન કરનારાને ઘરની ‘ક્વિન’ કરતાં ગુજરાત ક્વિન સાથે વધારે આત્મીયતા લાગે. ‘ક્વિન ટુ ક્વિન’ (સરકારી ઓફિસટાઇમ)ની નોકરી મહેમદાવાદમાં ભણતા છોકરાનું સ્વપ્ન હોય અને અડધિયાથી અડધિયાની (સવારે સાત-સાડા સાતથી સાંજે સાત-સાડા સાતની) નોકરી વટવા નોકરી કરતા ‘કારીગર વર્ગ’ સાથે સંકળાયેલી. સ્કૂલમાં એક શિક્ષિકા હંમેશાં એ મતલબની ચીમકી આપતાં કે બરાબર નહીં ભણો તો અડધિયામાં વટવા નોકરી કરવાનો વારો આવશે.

ક્વિનમાં નિયમિત અપડાઉન કરનારા પોતે કાયમના છે એવો છાકો પાડવા માટે ક્વિનનો ઉલ્લેખ તેના નંબરથી, ‘નાઇન ડાઉન’ તરીકે કરે. સાંજની ક્વિનને જોકે કોઇ ‘ટેન અપ’ કહેતું ન હતું. છેક હમણાં ભગવતીકુમાર શર્માની આત્મકથામાં વાંચ્યું કે ગુજરાત ક્વિનની શરૂઆત ગુજરાત રાજ્ય સ્થપાયું એ દિવસથી થઇ હતી અને ભગવતીભાઇ ક્વિનની અમદાવાદથી સુરતની પહેલી સફરના યાત્રી હતા. ક્વિન બહુ લાંબી, કદાચ અઢારેક ડબ્બાની ટ્રેન. તેના ફર્સ્ટ ક્લાસ સિવાયના બધા કોચ સળંગ, એકબીજા સાથે જોડાયેલા. કેટલાક સૌંદર્યપિપાસુઓ ક્વિનમાં પાછળના ડબ્બામાં ચડે અને ધીમે ધીમે એક પછી એક ડબ્બા વીંધતા, તેમાં બેઠેલી સુંદરીઓનો દર્શનલાભ મેળવીને ધન્ય થતા આગળ વધે. ક્યાંક લાગે કે ‘સ્વર્ગ ક્યાંય હોય તો તે અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે’ તો એ આગળ જવાનું માંડી વાળે. સાંજની ક્વિનમાં અમદાવાદથી મહેમદાવાદ વચ્ચે મોહનની ગરમ સિંગનું વધારાનું આકર્ષણ. (મોહનની સિંગ વિશેની પોસ્ટ માટે ક્લિક કરો )
ક્વિનમાં ટ્રેનની જ નહીં, કેટલાક ડબ્બાની પણ આગવી ખાસિયતો. રોજ ડબ્બા અમુક સિકવન્સમાં આવતા હોય. ચોક્કસ ડબ્બામાં બેસનારા તેના ચાર આંકડાના નંબર યાદ રાખે અને ‘ચાલો, 6808 આવી ગયો’ અથવા ‘આજે 7848 બહુ આગળ ગયો’ એવા ઉદગાર કાઢે. છેલ્લાં ઘણાં વર્ષોથી સવારની ક્વિનમાં એક ડબ્બો આરતીનો હોય છે. એ ડબ્બામાં મહેમદાવાદથી ચડનારું મોટું ઝુંડ સામાન લટકાવવાની જગ્યાએ માતાજીની ફોટોફ્રેમ લટકાવીને રોજ ‘જય આદ્યશક્તિ’, ‘વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા’ જેવી આરતીઓ અને થાળ ગાય. સામાન્ય રીતે થાળ સૌથી છેલ્લો ગાવાનો હોય, પણ અપડાઉનનો તકાદો ધ્યાનમાં રાખીને બે આરતી પછી થાળ ગાઇ કાઢવામાં આવે, જેથી સીંગ-સાકરિયા જેવો પ્રસાદ ડબ્બામાં ફરતો થઇ જાય. ત્યાર પછી નિરાંતે બીજી આરતીઓ ગવાય.
મહિનાઓ સુધી મહેમદાવાદ અમારા ઘરે રહીને ‘લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ’માં (એન્થ્રોપોલોજી ક્ષેત્રમાં) પીએચ.ડી.નું ફિલ્ડવર્ક કરનાર અમેરિકન મિત્ર કેરોલીન (કેરી) થોડા દિવસ સુધી ચાહીને, કૌતુકથી ક્વિનના આરતીવાળા ડબ્બામાં જતી હતી. મુંબઇની ટ્રેનોની જેમ અહીં આરતીની સાથે ઢોલ-મંજીરા હજુ આવ્યા નથી એટલું સારું છે. છતાં આરતીના ડબ્બામાં ભૂલથી ચડી ગયેલા શાંતિપ્રિય લોકોના મનમાં આરતીની એક જ પંક્તિ ચોંટી જાયઃ ‘દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો’.
ગુજરાત મેઇલનો નંબર એ જ તેની બ્રાન્ડ. એ જ તેનું લાડકું નામઃ ‘વન ડાઉન’. (રાત્રે આવતી ‘ટુ અપ’ ગુજરાત મેઇલના નામમાં એ વજન ક્યાં?) ‘વન ડાઉન’ વહેલી સવારે સાડા પાંચની આસપાસ મહેમદાવાદ આવે. તેમાં કોમર્સ કોલેજનાં છોકરા-છોકરીઓ – અને અઠવાડિયે એકાદ વાર, મારા જેવા શનિવારે સવારની કોલેજ ધરાવતા સાયન્સવાળા- અપડાઉન કરે. નવરાત્રિમાં એક જગ્યાએ મોટા પાયે ગરબા રમાતા થયા, ત્યારે શોખીન જીવડા સવારે પાંચેક વાગ્યા સુધી ગરબા રમે અને પછી ઓઢણી કમરે બાંધીને નાહ્યા વિના સવારે ‘વન ડાઉન’ પકડવા આવી પહોંચે. (‘ક્લાસમાં જઇને ઉંઘી જવાનું’ એવું એકાદ વાર તેમની વાતચીતમાં સાંભળેલું.) હું સ્કૂલ-કોલેજમાં હતો એ વખતે વન ડાઉનમાં અપડાઉન કરનારાનું ગ્રુપ એવું જામેલું કે એ વખતની ફેશન પ્રમાણે યોજાતાં ક્રિકેટનાં ‘રાઉન્ડ’ (ટુર્નામેન્ટ)માં એક ટીમનું નામ હતું, ‘વન ડાઉન’. મુખ્યત્વે ગુજરાત મેઇલમાં અપડાઉન કરનારા એ ટીમમાં હતા. થોડા સમય ‘વન ડાઉન’ આખા મહેમદાવાદમાં ચેમ્પિયન તરીકે દબદબો ધરાવતી હતી.
***
ગામથી નજીક આવેલા મહેમદાવાદના સ્ટેશન પર ટ્રેનનું હોર્ન વાગે એટલે મહેમદાવાદનાં અનેક ઘરમાં સંતાનો મમ્મીને કે મમ્મી સંતાનોને કહેતાં હશે, ‘પપ્પાની ગાડી બોલી.’ લગભગ અડધા ગામમાં ટ્રેનનું હોર્ન સંભળાય. વીસ-પચીસ વર્ષ પહેલાં અમારા ઘરના ધાબેથી ટ્રેનો દેખાતી હતી. હજુ ‘વિકાસ’ થયા પછી પણ, ઉનાળાની રાતે ધાબે સૂતા હોઇએ અને રાતની ‘પાછલી ખટઘડી’એ આંખ ખુલી જાય તો ટ્રેનનો અવાજ અને ઘંટનો રણકાર સંભળાય. એ.આર.રહેમાનને કટ-પેસ્ટ કરવાનું મન થઇ જાય એવી રીધમ સાથે ફાસ્ટ ટ્રેન એક દિશામાંથી આવે, મહેમદાવાદ સ્ટેશન પસાર કરે અને બીજી તરફ નીકળી જાય તે હજુ પણ મોડી રાત્રે ‘સાઉન્ડ શો’ની જેમ, અવાજથી અનુભવી શકાય.
***
Up-Down Memorablia

1938માં બોમ્બે, બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા (બીબી એન્ડ સીઆઇ) રેલવેએ બે સ્ટેશનો માટે નહીં, પણ આખા ઝોનની બાર લાઇનો માટે કાઢેલી 15 દિવસની સીઝન ટિકીટ. કિંમત છે રૂ.10. આ સિઝન ટિકીટ અમારા પરિવારમાં દાદા જેવું સ્થાન ધરાવતા, પપ્પા-કાકા-ફોઇના શિક્ષક અને 90 વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવીને વિદાય લેનાર કનુકાકાના પપ્પા નટવરલાલ પંડ્યાની છે.



મારા દાદા ચીમનલાલ કોઠારીની છેલ્લી સિઝન ટિકીટ. 15 માર્ચ, 1965ના દિવસે એ પૂરી થાય, તેના અઠવાડિયા પહેલાં, 8 માર્ચ, 1965ના રોજ (બિરેનના જન્મના એકાદ મહિના પહેલાં) દાદાનું અવસાન થયું હતું.


બે દિવસ પહેલાં મેં કઢાવેલી લેટેસ્ટ સીઝન ટિકિટ

અપ-ડાઉનવાળાના ઘણા પ્રકાર. મોટે ભાગે તે સમુહજીવી તરીકે કુખ્યાત. જૂથમાં હોય ત્યારે મિલિટરીવાળા સાથે પણ દાદાગીરી કરે અને એકલદોકલ હોય ત્યારે પણ ‘ફરી ક્યારેક મળજે. બતાવી દઇશ’ એવી લુખ્ખી આપવામાંથી ન જાય. નજીવી બાબતોમાં ઝઘડો અને મારામારી માટે જાણીતા. ખાસ કરીને વળતાંની ટ્રેનોમાં. આખો દહાડો કંટાળેલા હોય. અને કોઇક મુસાફર જગ્યા બાબતે ‘ઐડગીરી’ કરે (જડતા દાખવે) એટલે ખલાસ. કેટલાક અનિયમિત મુસાફરો પણ એવા ચોખલિયા હોય જાણે ટ્રેનમાં નહીં, વિમાનના બિઝનેસ ક્લાસમાં સફર કરતા હોય. પરંતુ સરેરાશ પ્રસંગોમાં અપડાઉનવાળાનો વાંક વધારે હોય. તેમની વચ્ચે અંદરોઅંદર પણ જામે. એ વખતે જે જૂથનું સ્ટેશન વચ્ચે આવતું હોય તે દાદા. કારણ કે તે પોતાના સ્ટેશને કોઇ પણ હદનો સીન ઉભો કરી શકે. ગાડી રોકાવી શકે. ગામમાંથી દાદાઓ બોલાવી શકે અને સામેના જૂથના સભ્યોને વચ્ચે ઉતારીને મારી શકે. આ હદની મારામારી હવે ઘણી ઓછી થઇ છે, પણ તેના અંશ ક્યારેક જોવા મળી જાય.
અમુક ગ્રુપ પત્તાવાળાં હોય. ટ્રેનમાં ચડે એટલે ઉભાં ઉભાં પણ તે મીંડીકોટ, રમી જેવી રમતો રમે. તેમની તાલાવેલી જોઇને એવું લાગે, જાણે એ ટ્રેનમાં પત્તાં રમવા મળે એટલા માટે નોકરી કરવા જતા હશે. કેટલાક મોટા ખેલી હોય. મહેમદાવાદથી અમદાવાદ સુધીમાં તે બસો-પાંચસો-હજારની ઉથલપાથલ કરી નાખે. છેક ઉતરવાનું સ્ટેશન આવે ત્યાં સુધી તે પત્તાં રમતાં હોય. સ્ટેશન આવવાની બે-પાંચ મિનીટની વાર હોય તો પણ ‘હજુ એક બાજી પડી જશે. ફટાફટ.’ કહીને તે છોડે નહીં. એટલે ઘણી વાર સ્ટેશન આવે ત્યારે ઉતાવળમાં બધો સંકેલો કરીને ઉતરવું પડે અને પોઇન્ટનો ફાઇનલ હિસાબ પ્લેટફોર્મ પર થાય.
કેટલાક લોકોને કોઇ પણ રીતે, ન્યૂસન્સ ઊભું કરીને પણ, પોતાની હાજરી બતાવવાની હોંશ હોય. (આ રિવાજ ફેસબુકથી પણ પહેલાંનો છેઃ-) એવાં જૂથના કેટલાક દોઢડાહ્યા મોટે મોટેથી આડીઅવળી કમેન્ટ કરે, આખા ડબ્બામાં સંભળાય એવું અટ્ટહાસ્ય કરે, અંદરોઅંદર ખાલીખાલી (પણ કોઇક દિવસ આવનારાને સાચું લાગે) એવી રીતે ઝઘડે, અજાણ્યા મુસાફરોને ગૂંચવવા માટે ‘આજે કયો વાર? શુક્રવાર ને? તો તો આજે મણિનગર નહીં ઊભી રહે.’ એવું મોટેથી કહે. એ સાંભળીને એકાદ મુસાફર પણ બાજુવાળાને પૂછે કે ‘ભઇ, આ મણિનગર ઊભી રહેશે ને?’ તો એ લોકોને મઝા પડી જાય. ટ્રેન વચ્ચે ઊભી રહે એટલે ‘પંક્ચર પડ્યું’ જેવી સદીઓ જૂની જોક પહેલી વાર કહેતા હોય એવી રીતે મોટેથી કહીને હસે. એમાં પણ આજુબાજુમાં કોઇ યુવતી બેઠી હોય અને એ થોડીઘણી દેખાવડી હોય તો થઇ રહ્યું.
એમ તો તમામ ઉંમરના લોકો ધરાવતા સામાજિક જૂથો પણ હોય. એ સિવાય એકલદોકલ નમૂનાઓમાં રંગીલા કાકાઓ, હોંશેહોંશે બારેજડી સ્ટેશને દોડીને સમોસા લેવા જનારા, પોતાના ઘરની કે ઓફિસની ઝીણીઝીણી વિગતો કહેનારા, મંત્રની નોટો ભરનારા, (કેટલાક ફેસબુકીયાઓની જેમ) ફક્ત ચર્ચા કરવા ખાતર ચર્ચા કરીને આજુબાજુવાળાને ઇમ્પ્રેસ કરવા કોશિશ કરનારા...આવા કંઇક હોય. મારો સમાવેશ એકલપેટા નમૂનાઓમાં થાય. આટલાં વર્ષમાં ટ્રેનમાં મારું કોઇ ગ્રુપ નહીં. બહુ ઓછા લોકો સાથે ઔપચારિકથી વધારે વાતચીત થાય. વર્ષો પહેલાં સલીલભાઇ આણંદથી અમદાવાદ આવે ત્યારે મહેમદાવાદથી હું જોડાઉં અને અમે દુનિયાભરની વાતો કરીએ. ક્યારેક મહેમદાવાદથી કોઇ મિત્ર સાથે હોય તો તેની સાથે વાતો કરવાની થાય. બાકી, ટ્રેનમાં મોટે ભાગે વાંચવાનું ચાલતું હોય. ઘણી વાર વાંચવાનું એવું જોરદાર હોય તો તાલાવેલી રહે કે ક્યારે સ્ટેશને પહોંચું અને વાંચવાનું ચાલુ કરી દઉં.
છેલ્લાં ચોવીસ વર્ષ દરમિયાન મારું અપડાઉન મહેમદાવાદ-અમદાવાદ વચ્ચે એકધારું રહ્યું નથી. કોલેજ પછી અને પત્રકારત્વમાં આવતાં પહેલાં દોઢ વર્ષ ગુજરાત રીફાઇનરીમાં હતો, ત્યારે મહેમદાવાદથી કરચિયા યાર્ડ (અને વડોદરા) અપડાઉન કર્યું. એ વખતે રીફાઇનરીથી છૂટીને ટ્રેન પકડવાનું કામ એક ઝુંબેશથી કમ ન હતું. રીફાઇનરીના ગેટથી મોટે ભાગે સાયકલ લઇને અથવા કોઇની લિફ્ટ લઇને કરચીયા યાર્ડ પહોંચવાનું. ત્યાંથી કઠાણા પેસેન્જર નામની ભેદી ગાડી પકડીને વાસદ. (આ ગાડી ભેદી એટલા માટે કે તેમાં બહુ ઓછા ડબ્બા અને એક પાણીનું ટેન્કર આવતાં હતાં. કરચીયાથી વાસદ માંડ ત્રણેક સ્ટેશન થાય, પણ આ ગાડી ઘણી વાર કલાક કાઢી નાખતી.)

વાસદમાં એ વખતે બસસ્ટેન્ડ રેલવે સ્ટેશનની બિલકુલ બહાર હતું (હવે દૂર હાઇ વે પર છે) એટલે ત્યાંથી બસ પકડીને આણંદ અને આણંદથી સાંજે પાંચની લોકલમાં મહેમદાવાદ. આ ક્રમ હંમેશાં ઘડિયાળના કાંટે ચાલતો હોય, સતત ગાડી ચૂકી જવાની તલવાર માથે લટકતી હોય. છતાં, ‘ગાડી આપણને લીધા વિના નહીં જાય’ એવી અપડાઉન-સહજ (ખોટી) શ્રદ્ધા મનમાં રહે.
રીફાઇનરીની ટ્રેનિંગ અંતર્ગત છ મહિના મુંબઇ રહેવાનું થયું ત્યારે મુંબઇની બહુચર્ચિત ટ્રેનોમાં ભીંસંભીંસા અપડાઉનનો સ્વાદ લીધો. પત્રકારત્વના રસ્તે આવતાં પહેલાં એકાદ વર્ષ બેકારીનું હતું. એ વખતે અપડાઉન બંધ હતું. બાકી, ‘અભિયાન’માં (અને પત્રકારત્વમાં) મુંબઇ જોડાયા પછી નવ-દસ મહિને અમદાવાદ પાછો આવ્યો ત્યાર પછીના એક-બે મહિના એવા હતા, જ્યારે મુંબઇ લગભગ અપડાઉન જેવું ચાલતું. અઠવાડિયામાં ત્રણ દિવસ અમદાવાદ, બે દિવસ મુંબઇ અને બે દિવસ રજા એટલે મહેમદાવાદ. (એ વખતે મુંબઇ ઓફિસે ‘ડેસ્ક’ પર કોઇ હતું નહીં, એટલે આ રીતે જવાનું થતું હતું.) ત્યારે ‘અભિયાન’ની અમદાવાદ ઓફિસ અશ્વિનીભાઇના ઘરે હતી. તે મજાકમાં મને ‘રોવિંગ એડિટર’ કહેતા હતા. (એ વખતે હું પત્રકારત્વમાં માંડ એકાદ વર્ષનો અનુભવી અને હોદ્દાની રીતે ‘રીપોર્ટર-કમ-સબએડીટર’ હતો.)
છેલ્લાં પંદર-સોળ વર્ષથી મહેમદાવાદ-મણિનગર અપડાઉન એકધારું ચાલે છે, પણ વરસાદી દિવસો સિવાય અપડાઉનમાં કદી કંટાળો આવતો નથી. મારા માટે અપડાઉનનો સમય ‘એક્ટિવિટી પિરીયડ’ છે. એ દરમિયાન ઘણું વંચાય છે, વિચારવા-લખવાનું કામ થાય છે. મોબાઇલ યુગ પછી ટ્રેનમાં મેસેજ કે ફોન પણ ચાલતા હોય. જોકે ઘોંઘાટને લીધે અને સિગ્નલની વધઘટને લીધે વાત કરવાની બહુ મઝા આવતી નથી, પણ લાંબો સત્સંગ હોય તો સમયનો ઉપયોગ થઇ જાય છે.
અપડાઉનમાં કાળક્રમે મળેલો બોધપાઠ એ છે કે ટ્રેન પકડવાનો ઉત્તમ પ્રયાસ કરવોઃ કોલેજકાળમાં કટોકટ ટાઇમે અમદાવાદ સ્ટેશનેથી ખાસ્સી દૂર ઉભી રહેતી બસમાંથી ઉતરીને ચાર નંબરના પ્લેટફોર્મ પર ઉભેલી ટ્રેન પકડવા માટે ઉત્તમ પ્રયાસથી ઓછું કંઇ જ ન ચાલે. એવું જ ઉપર લખેલા કરચીયાથી આણંદની મુસાફરી માટે કહેવાય. ટ્રેન પકડવા માટે, હિંદીમાં જેને ‘એડીચોટીકા જોર’ કહે છે તે લગાડવું પડે. પણ સ્ટેશને આવ્યા પછી ખબર પડે કે ટ્રેન જતી રહી છે તો?
કંઇ નહીં. ક્ષણિક નિરાશા પછી (બસ જેવા) બીજા રસ્તા શોધવામાં લાગી જવું અથવા ભૂખ લાગી હોય તો શાંતિથી નાસ્તો કરીને, પછીની ટ્રેન આવે ત્યાં સુધીના સમયનો મસ્ત ઉપયોગ કરવો. વાંચવું. મિત્રો જોડે ફોન પર વાતો કરવી. મુદ્દે, એક ટ્રેન – કે એક તક- ચૂકી જવાથી આભ તૂટી પડવાનું નથી એની ખાતરી રાખવી.
આપણાપણું જળવાઇ રહ્યું હોય તો તો ચૂકાયેલી ટ્રેન કે તક પણ આશીર્વાદરૂપ કે ફળદાયી નીવડી શકે છે.
(અઢી દાયકાના અપડાઉન વિશે હજુ ઘણું વધુ લખી શકાય એમ છે, પણ ફરી ક્યારેક.)