Thursday, December 03, 2009
દીક્ષાયાત્રાઃ ત્યાગ પહેલાંનો ભોગ




Wednesday, December 02, 2009
વાંદરા અને મગરની વાર્તાઃ તપાસપંચનો અહેવાલ
વાંદરો ખરેખર વાંદરો જ હતો અને મગર ખરેખર મગર જ હતો, એ વિશે પણ સોગંદપૂર્વક કહી શકાય નહીં. કારણ કે બન્નેના ડી.એન.એ. ટેસ્ટની પરવાનગી મળી ન હતી. (બીજી મુદત સમાપ્ત. એક્સ્ટેન્શન)
આ બન્ને ટેરરિસ્ટોના સ્લીપિંગ સેલના સભ્યો હોવાની દિશામાં આંગળી ચીંધતી કેટલીક હકીકતો મળી આવી છે. જેમ કે વાંદરો દાઢી જેવું રાખે છે ને તેના માથે ટોપી જેવું હોય છે. મગરનો દેખાવ જ હિંસક લાગે છે અને એટલું પૂરતું છે. મગરની ચામડી નેતાઓ જેવી હોવાના આરોપ વિશે પણ વઘુ તપાસ જરૂરી છે. (ત્રીજી મુદત પૂરી. એક્સ્ટેન્શન.)
વાંદરો જાંબુના ઝાડ પર રહેતો હતો. એને જાંબુ બહુ ભાવતાં હતાં, કારણ કે તેને એ મફત મળતાં હતાં. મગરને પણ જાંબુ બહુ ભાવતાં હતાં, કારણ કે તેને એ ખાવા મળતાં જ ન હતાં. મગરને જાંબુ ખાવાનું મન થયું, તેમાંથી જ આખી ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. (ચોથી મુદત પૂરી. એક્સ્ટેન્શન.)
વાંદરા અને મગર વચ્ચે દોસ્તી થઇ. તેમણે બધા વાંદરા અને મગરો માટે ‘યુનાઇટેડ નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ એલાયન્સ’ (યુએનડીપીએ) નામનું સંગઠન બનાવવાનું નક્કી કર્યું. એ માટે બન્ને વચ્ચે રોજ મીટિંગ થવા લાગી. (પાંચમી મુદત પૂરી. એક્સ્ટેન્શન.)
વિવિધ સાક્ષીઓની જુબાની પ્રમાણે, બન્નેની મીટિંગ રોજ તળાવમાં થતી હતી, કારણ કે મગર ઝાડ પર ચડી શકતો ન હતો. આ વિશે મગરને પૂછતાં તેણે કહ્યું હતું કે ‘એવું કંઇ નહીં. હું ધારૂં તો ઝાડ પર ચડી જઊં, પણ હું ધારતો નથી.’ વાંદરાએ કબૂલ્યું હતું કે તે મગરને તળાવની બહાર મળી શક્યો હોત, પણ તેને તળાવમાં જવાનું બહુ ગમતું હતું. (છઠ્ઠી મુદત પૂરી. એક્સ્ટેન્શન)
વઘુ પૂછપરછમાં વાંદરાએ કહ્યું હતું કે ‘યુએનડીપીએ’ની રચના તો ખાલી બહાનું હતું. ખરેખર તો મારે મગરની પીઠ પર બેસીને તળાવની સહેલ કરવી હતી. મગરે બંધબારણે આપેલી જુબાનીમાં કહ્યું હતું કે ‘યુએનડીપીએ’ તો ખાલી કહેવાની વાત હતી. અસલમાં મારે વાંદરાનું કલેજું ખાવું હતું.’ (સાતમી મુદત પૂરી. એક્સ્ટેન્શન)
બન્ને પોતપોતાનો દાવ સીધા રસ્તે આગળ વધતો જોઇને રાજી હતા. બહારના લોકો તેમની મૈત્રી જોઇને નવાઇ અનુભવતા હતા અને તેમના સંબંધો વિશે અવનવી વાતો કરતા હતા. એક કાગડાએ આપેલી જુબાની પ્રમાણે, તેને શંકા હતી કે વાંદરાનો અસલી હેતુ મગરને પકડાવી દઇને, તેના ચામડામાંથી પોતાનાં સંતાનો માટે જેકેટ બનાવવાનો હતો. તળાવના નિયમિત મુલાકાતી એક બગલાએ કહ્યું હતુંઃ ‘મગર એક વાર નબળી પળોમાં મારી આગળ બોલી ગયો હતો કે સંગઠન જાય તેલ લેવા, હું બુઢિયાને તો કાચો ને કાચો ચાવી જઇશ.’ (આઠમી મુદત પૂરી. એક્સ્ટેન્શન)
થોડા દિવસ સાથે હર્યાફર્યા પછી અને સંગઠનની વાતો કર્યા પછી એક દિવસ વાંદરો તળાવે આવ્યો, ત્યારે તેને મગરની આંખોમાં જુદી જાતનો ચમકારો દેખાયો. એ દિવસે છઠ્ઠી ડીસેમ્બર હતી કે નહીં એ વાંદરાને યાદ નથી. કારણ કે ઝાડ પર કેલેન્ડર ક્યાંથી હોય? મગરને ખબર હોવાનો સવાલ જ નથી. કારણ કે ઝાડ પર કેલેન્ડર ન હોય, તો તળાવમાં ક્યાંથી હોય? (નવમી મુદત પૂરી. એક્સેટેન્શન)
વાંદરાએ મગરની પીઠ થપથપાવી અને હંમેશાંની જેમ ઉપર બેસી ગયો. એ વખતે મગરની આંખોમાં રમતા ભાવ પીઠ પર બેઠેલા વાંદરાને દેખાયા નહીં. (‘તો આ તપાસપંચને ક્યાંથી દેખાયા?’ એવો સવાલ અસ્થાને છે.) તળાવની વચ્ચોવચ પહોંચ્યા પછી મગરે મુદ્દાની વાત કાઢીઃ ‘તમે જે જાંબુ ખાવ છો તે આટલાં મીઠાં હોય છે, તો તમારૂં કલેજું કેટલું મીઠું હશે! મારે તમારૂં કલેજું ખાવું છે.’ વાંદરાને ખરાબ ન લાગે એટલે મગરે એમ પણ કહ્યું કે ‘તમારો વિશ્વાસઘાત કરવો પડ્યો એટલે હું આજના દિવસને મારા જીવનનો સૌથી ખરાબ દિવસ જાહેર કરૂં છું, પણ મારે તમારૂં કલેજું તો ખાવું જ છે.’ (દસમી મુદત પૂરી. એક્સ્ટેન્શન)
‘મગર જોડે યુનાઇટેડ ફ્રન્ટ રચીએ એટલે વહેલોમોડો કલેજું ચીરાવાનો દિવસ આવે જ’ એવું વાંદરો મનોમન ગણગણ્યો. પણ ચહેરા પર સ્વસ્તથતા જાળવીને ટાઢકથી તેણે કહ્યું,‘મારૂં કલેજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું.’ વાંદરો ખરેખર આવું જ બોલ્યો હતો કે નહીં, તેના પૂરતા પુરાવા મળ્યા નથી. વાંદરાએ પંચ સમક્ષ જુબાનીમાં આવી કોઇ ઘટના બની હોવાનો જ ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે ‘એ તો મગરે બે ઘડી ગમ્મતમાં કહ્યું હતું. એટલે મેં એને ગમ્મતમાં કહ્યું કે કલેજું તો હું ઝાડ પર ભૂલી ગયો. અમારા બન્નેમાંથી કોઇ એટલું મૂરખ નથી કે જેને આટલી સાદી ખબર ન પડે. અમારૂં ગઠબંધન હજુ ચાલુ જ છે. અમારી વચ્ચે કોઇ મતભેદ નથી.’ (અગીયારમી મુદત પૂરી. એક્સ્ટેન્શન)
મગરે પંચ સમક્ષ જુબાનીમાં આવું કંઇ બન્યું હોવાનો ઇન્કાર કર્યો હતો, પણ બીજાં કેટલાંક પ્રાણીઓ સમક્ષ તેણે એવો દાવો કર્યો હતો કે ‘તે દિવસે મારી પીઠ પર બેઠેલા વાંદરાનું કલેજું તો હું ખાઇ ચૂક્યો છું. અત્યારે જે વાંદરો નિવેદન આપે છે, એ તો બીજો જ વાંદરો છે. એને હું કદી મળ્યો નથી. એને મારી પીઠ પર નહીં, પણ અમારા ગઠબંધન પર ચડી બેસવામાં રસ છે.’
બારમી મુદતના અંતે તપાસપંચને મળેલી આ માહિતીથી આખી ઘટનાને નવો વળાંક મળતાં, એ મુદ્દે તલસ્પર્શી તપાસ માટે નવું પંચ રચવાની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન, એકતા કપૂર પ્રકારના નિર્માતાઓ અનંત લંબાઇની સિરીયલ લખાવવા માટે તપાસપંચની ઓફિસનાં ચક્કર કાપી રહ્યાં છે. બાર મુદતને અંતે તૈયાર થયેલો તપાસપંચનો અહેવાલ વાંદરા અને મગરના ગઠબંધનમાં ભંગાણ પાડવાનું થાય ત્યારે જાહેર કરાશે. ત્યાં સુધી અહેવાલનું શું થશે, એ તપાસનો- કે તપાસપંચનો- વિષય છે.
Tuesday, December 01, 2009
Winter Collection 2009 : હેડફોન-પટ્ટી
આ યાદીમાં ઓણ સાલ એક નવી ચીજ ઉમેરાઇ છેઃ હેડફોન જેવો આકાર ધરાવતી રંગબેરંગી કાનપટ્ટી. ઉપરની તસવીરોમાં દેખાય છે તેમ, આ કાનપટ્ટી દેખાવમાં એકદમ ફેન્સી છે અને લારીઓમાં દસ-દસ રૂપિયામાં વેચાય છે. (દુકાનોમાં થોડો વધારે ભાવ હોય છે.) તેને હેડફોનની જેમ પાછળથી પહેરવી પડે છે. આગળથી જોનારને ફક્ત હેડફોનના બે ઇઅરપીસ જેવા રંગીન ગોળાકાર જ દેખાય અને એવું લાગે કે આ સજ્જન (કે સન્નારી) ઠંડીતી બચવા જેવી ક્ષુલ્લક પ્રવૃત્તિને બદલે સંગીતશ્રવણ જેવું દિવ્ય કાર્ય કરી રહ્યા છે. Monday, November 30, 2009
‘શિક્ષણસૂત્ર’ : ૧૧૧ વર્ષ જૂના છતાં નવા લાગતા શિક્ષણના સિદ્ધાંત
વિચારકો-સંશોધકોને બદલે કારકુનો પેદા કરતી અંગ્રેજી શિક્ષણપદ્ધતિ અંગ્રેજોના ગયા પછી પણ ભારતમાં ટકી રહી. એટલું જ નહીં, ભારતીય અપલક્ષણોના ઉમેરા સાથે વઘુ પુષ્ટ બની. કલમ-કિત્તા ગયા ને કમ્પ્યુટર આવ્યાં, પણ વિદ્યાર્થીઓ અને સાર્થક-સર્વાંગી શિક્ષણ વચ્ચેની ખાઇ પુરાવાને બદલે વઘુ ઊંડી થઇ છે. વિદ્યાર્થીઓ અને તેમનાં માતાપિતા પણ શિક્ષણ પાસેથી શી અપેક્ષા રાખવી જોઇએ તે ભૂલીને, ટકાવારીની ઊંદરદોડને શિક્ષણનો પર્યાય ગણવા લાગ્યાં છે. શિક્ષણનો અસલી હેતુ અને એવું શિક્ષણ શી રીતે આપી શકાય, એ વિશે વર્ષોથી ચિંતા અને ચર્ચા થતી રહી છે. ઇ.સ.૧૮૯૮માં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી’એ પ્રગટ કરેલી પુસ્તિકા ‘શિક્ષણસૂત્ર’ એ દિશામાંનો એક પ્રયાસ છે. આશ્ચર્ય અને ખરેખર તો આઘાત લાગે એવી હકીકત એ છે કે ૧૧૧ વર્ષ પહેલાં વતરણાંના યુગમાં પ્રકાશિત થયેલી એ પુસ્તિકાનાં મોટા ભાગનાં સૂત્રો ‘વિન્ડોઝ ૭’ના જમાનામાં પણ અમલી બની શક્યાં નથી. (વતરણાં એટલે નોટ કે સ્લેટ પહેલાંના જમાનામાં, પાટલી પર પાથરેલી રેતીમાં અક્ષરો પાડવા માટેની લાકડાની સળી. તેના પરથી કહેવત બની હતીઃ ઠોઠ નિશાળીયાને વતરણાં ઝાઝાં)
બે આનાની કિંમત અને મુખપૃષ્ઠ સહિત ૪૮ પાનાં ધરાવતી પુસ્તિકા ‘શિક્ષણસૂત્ર’માં લક્ષ્મણ નારાયણ ફડકેનાં મરાઠી સૂત્રોનો ગુજરાતીમાં અનુવાદ છે. મૂળ સામગ્રીની ગુજરાતી રજૂઆત ઉપર અનુવાદકર્તાઓ - નારાયણ હરિ મોકાશી તથા રવિશંકર જગન્નાથ વ્યાસ-તરફથી વધારાની ટીપ્પણી પણ મૂકવામાં આવી છે. એ સૂચવવા માટે પુસ્તકના શીર્ષક નીચે કૌંસમાં લખ્યું છેઃ ‘સટીક’- એટલે કે ટીકા સહિત.
૧૮૯૮માં જ્યારે શિક્ષકો ‘મેહેતાજી’ તરીકે ઓળખાતા હતા અને આજના શિક્ષણમાં વપરાતી સામગ્રીમાંથી એક પણ ચીજ મોજૂદ ન હતી, ત્યારે શિક્ષણ વિશેના ખ્યાલો ૨૦૦૯માં પણ આઘુનિક લાગી શકે એવા હતા. કેટલાક નમૂના (અસલની ભાષા સાથે)
- હાલ બાળકોને નિરૂપયોગી બાબતો પુષ્કળ શીખવવામાં આવે છે અને તેથી જ ઉપયુક્ત (એપ્રોપ્રીએટ) બાબતો શીખવવાને વખત જ મળતો નથી. ઇતિહાસમાંનું કેવળ તવારીખ વગેરે જ્ઞાન આવા જ પ્રકારનું છે. માટે શિક્ષણપદ્ધતિમાં સુધારો કરવો જોઇએ. એટલું જ નહીં, અભ્યાસક્રમમાં પણ પુષ્કળ સુધારો કરવો જોઇએ. શાસ્ત્રીય જ્ઞાન જેથી કરીને વધારે આપી શકાય અને વળી ઉત્તમ પદ્ધતિથી આપી શકાય...હવે જ્ઞાન પદ્ધતિયુક્ત છે એમ ક્યારે સમજાય? તો જ્યારે તેનો વ્યવહારમાં વધારે વધારે ઉપયોગ થતો નજરે પડે ત્યારે જ. હાલ તો નિશાળ છોડી કે તરત જ ઘણીખરી બાબતો બાળકો ભૂલી જાય છે અને વ્યવહારમાં તેમને ઉપયોગ કરવાનો વખત પણ કવચિત જ આવે છે.
- ઉપયુક્ત જ્ઞાનનો જેઓ પ્રસાર કરશે, તેઓનો જ અર્થ સરશે...દરેકને પ્રત્યેક કારીગરની ડગલે ડગલે જરૂર પડે છે. આજ સુતારની, તો કાલે કડિયાની અને પરમ દિવસે સોનીની વગેરે. હવે આ કારીગર લોક પોતપોતાના કામમાં જો વધારે વધારે પ્રવીણ અને પ્રમાણિક થતા જાય, તો આપણાં સર્વ કામો હાલ કરતાં કેટલી સરળતાથી ચાલે! અને હાલ આ લોકો સાથે બહુધા આપણે જે માથાકૂટ કરવી પડે છે તે કેટલે દરજ્જે કમી થાય! (આ બન્ને મુદ્દાની દિશામાં ૧૧૧ વર્ષ પછી પણ કેટલું ઓછું કામ થયું છે!)
- આપણામાં ઉત્તમ મગજવાળા મનુષ્યો નિપજતા નથી આવી તકરારો વખતોવખત આપણા સાંભળવામાં આવે છે. તેનું કારણ ઘણે અંશે ભૂલભરેલી શિક્ષણપદ્ધતિ જ છે. પ્રથમ આપણું ઘણુંખરૂં સઘળું શિક્ષણ પુસ્તકો દ્વારા જ ચાલે છે. સૃષ્ટિનું અવલોકન ઘણું જ થોડું છે, ઘણે ભાગે નથી જ કહીએ તો પણ ચાલે. બીજી બાબત એ છે કે બાળકોને સર્વ બાબતો શિક્ષકો પોતાની મેળે શીખવે છે કે ચોપડીમાંથી મોઢે કરાવે છે. દાખલાઓની એક ચોપડી હોય તો તેના ખુલાસાવાળી બીજી ચોપડી તૈયાર જ હોય! ઈંગ્રેજી કે ગુજરાતી વાચનમાળા કહી કે તેના શબ્દાર્થનું બીજું પુસ્તક તૈયાર જ હોય! કલાકમાં વધારે દાખલા કરાવે તે શિક્ષક હોંશિયાર. પછી છોકરાં તેમાંનો એકે દાખલો સમજે કે ન સમજે! આવી સ્થિતિ હવણાં થઇ રહી છે. શિક્ષણ સંસ્કાર બાળકોને થવાને બદલે તેમના (માથા) પર શિક્ષણના થર કરવામાં આવે છે અને આ થર તેમણે નિશાળ છોડી કે તરત જેમના (માથા) પરથી ખરી પડી છે, અને તેઓ હતાં તેવાં ને તેવાં થઇ રહે છે. કોઇને તો તે શીખ્યો જ નથી એવી ભ્રાંતિ પણ થાય છે. આવું ઉપરચોટિયું શિક્ષણ ફળદ્રુપ ક્યાંથી થાય અને ઉત્તમ મગજવાળા પુરૂષો ક્યાંથી નિપજે? માટે શિક્ષણપદ્ધતિમાં અને તેની સાથે જ પરીક્ષણપદ્ધતિમાં પણ મૂળમાંથી સુધારો થવો જોઇએ. ગોખણપટ્ટીનું શિક્ષણ કમી કરીને બુદ્ધિનો વધારો કરે, એવું શિક્ષણ ધીમે ધીમે વધારવું જોઇએ. બાળકોની અવલોકનશક્તિ, નિરીક્ષણસામર્થ્ય, અનુમાન યાથાર્થ્ય વગેરે માનસિક શક્તિની વૃદ્ધિ થાય એવી રીતે તેમને શિક્ષણ આપવું જોઇએ. ફક્ત તેમના ગળામાં પરાણે ઘાલવું (ઉતારવું) એ શિક્ષણ કાંઇ ઉપયોગનું નથી. (શિક્ષણ આપવાની આ પદ્ધતિનું વર્ણન અત્યારનું હોય એવું નથી લાગતું?)
- છોકરાં સારાં નિવડતાં નથી તેનું કારણ માબાપ અને શિક્ષક બન્ને, એ આપણે ઘણી વખત અર્થાત્ નિરંતર ભૂલી જઇએ છીએ. છોકરો નઠારો નીકળ્યો કિંવા અભણ રહ્યો, તો તેમાં આખો વાંક છોકરાનો કાઢવામાં આવે છે, અને માબાપને માટે દિલગીરી બતાવવામાં આવે છે...પણ આ બાબતમાં માબાપાનો કિંચિત પણ દોષ હશે એવું કોઇના સ્વપ્નમાં પણ આવતું નથી વા કોઇ કહેતું પણ નથી, પરંતુ ચીઢીઆ સ્વભાવનાં માબાપનાં છોકરાં પ્રસન્ન સ્વભાવનાં ક્યાંથી હોય? પગે પગલે જૂઠું બોલનાર માબાપનાં છોકરાં સત્યવાદી ક્યાંથી નીવડે? તમાકુ દારૂ પીનાર (વ્યસની) માબાપનાં છોકરાં સત્યવાદી ક્યાંથી નીકળે? નિશાળમાં ભણતાં છોકરાં સદગુણી થવાને શિક્ષકોનું શાળામાંનું અને ખાનગી વર્તન શુદ્ધ ન જોઇએ? સારાંશ, છોકરાં નઠારાં નીકળે છે તેનું અર્ઘું કારણ- બલકે તેથી પણ વધારે કારણ- માબાપ અને શિક્ષક જ છે...પોતે તો ગમે તેમ વર્તે અને છોકરાં નઠારાં નીકળે ત્યારે નકામી બૂમો પાડે એવી હાલની પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ જ્યાં સુધી કાયમ રહેશે અને જ્યાં સુધી તેની જવાબદારી (માબાપ શિક્ષકો વગેરે) પોતાને માથે રાખશે નહિં, ત્યાં સુધી ધારવા પ્રમાણે સુધારો થવાની આશા રાખવી વ્યર્થ છે. (આ ભવિષ્યવાણીની સચ્ચાઇ આપણી આંખ સામે છે.)
- બાળકોનો સ્વભાવ બનાવવો એ શિક્ષણ પૈકી એક મુદ્દાની વાત છે તે આપણા લક્ષમાં જ નથી. વધારે તો શું? પણ ‘બાળકનો સ્વભાવ બનાવવો’ એ કલ્પના જ ઘણુંખરૂં આપણને અપરિચિત છે. નિશાળોમાં કેવળ જ્ઞાનવિષયક વિષયોમાં છોકરાઓને હોંશિયાર કરવા શિવાય શિક્ષકનું કર્તવ્ય બીજું ઘણું છે, એવું સમજનારા લોકો અને શિક્ષકો ઘણા થોડા જ હશે...સદ્વર્તન દ્વારા જ સદ્મનોવૃત્તિ ઉદ્ભવે છે. માટે તેવી મનોવૃત્તિઓ ઉદ્ભવે એવી તજવીજ કરવી જોઇએ..વગેરે વાતો સમજીને વર્તનારાં માબાપ અને શિક્ષકો કેટલાં હશે તે સમજાતું નથી.
***
શિક્ષણસુધારણા કઇ દિશામાં હોવી જોઇએ તેનો નકશો આટલા વખતથી અંકાયેલો છે, પણ શિક્ષણજગત, સરકાર તથા સમાજ- એ ત્રણે શિક્ષણસુધારાનું મહત્ત્વ આંકવામાં ઓછાં પડ્યાં છે. તેને લીધે શિક્ષણ હવે એવો એકપક્ષી વ્યવસાય બન્યું છે, જેમાં અઢળક રૂપિયા અને સમય ખર્ચનાર ઇચ્છિત વળતર ન મળે તો પણ નુકસાની માગી શકતો નથી. શિક્ષણજગતની વર્તમાન સ્થિતિ જોતાં, ઇ.સ.૧૮૯૮નું ‘શિક્ષણસૂત્ર’ નજીકના ભવિષ્યમાં અપ્રસ્તુત બની જાય એવું લાગતું નથી.
Thursday, November 26, 2009
મુબઇ હુમલાની વરસી
મુંબઇથી જ અભ્યાસી સિનિયર પત્રકાર મિત્ર રાજ ગોસ્વામીએ એચ.બી.ઓ.ની એક ડોક્યુમેન્ટરની લિન્ક મોકલી છે. તેમાં મુંબઇ પરના ત્રાસવાદી હુમલાનાં અને ખાસ તો અજમલ કસાબની હોસ્પિટલમાં થતી પૂછપરછનાં કેટલાંક કદી જોવા ન મળ્યાં હોય એવાં દૃશ્યો છે. બીજા સાક્ષીઓની મુલાકાતો પણ ખરી. ઇન્ટેલીજન્સે આંતરેલી પાકિસ્તાન બેઠેલા દોરીસંચાર કરનારા અને ત્રાસવાદીઓ વચ્ચેની વાતચીત પણ સાંભળવા મળે છે. કેટલાંક દૃશ્યો જોઇને હજુ પણ હચમચી જવાય છે. કસાબના જવાબો ઉપરાંત વી.ટી. સ્ટેશને એક ઓફ્ફ ડ્યુટી પોલીસ કોન્સ્ટેબલ ઓન ડ્યુટી કોન્સ્ટેબલ પાસેથી રાયફલ લઇને ત્રાસવાદીને ફૂંકી મારવાનો પ્રયાસ કરે છે અને રાયફલ જામ થઇ જાય છે એવું, સીસી કેમેરાનું દૃશ્ય સ્તબ્ધ કરી નાખે એવું છે.
Wednesday, November 25, 2009
અમદાવાદનો નવો-જૂનો વારસો
ધરતીમાંથી ઉગેલાં ધર્મસ્થાન
વારસો એટલે વારસો. એમાં ફક્ત ભવ્ય બાંધણી અને વિશાળ જગ્યા પર બંધાયેલાં ધર્મસ્થાનો જ આવે એવું કોણે કહ્યું? અમદાવાદમાં પ્રત્યેક ચોરસ કિલોમીટરે કેટલું ‘પવિત્ર દબાણ’ છે તેના આંકડા ઉપલબ્ધ નથી. પણ પેરિસમાં જેટલા રોડસાઇડ બાર-કમ-રેસ્ટોરાં હશે, એનાથી અનેક ગણાં વધારે અમદાવાદમાં રોડસાઇડ ધર્મસ્થાન છે, એવું અનુમાન સહેજે લગાડી શકાય. રસ્તાની બાજુ પર કે વચ્ચોવચ, લગભગ ઉગી નીકળેલાં હોય એવાં લાગતાં ધર્મસ્થાનો આઘુનિક અમદાવાદનો ગૌરવપૂર્ણ વારસો છે, જેને ટકાવી રાખવા માટે ‘યુનિસેફ’ની મદદની જરૂર નથી. ફક્ત મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ વિભાગનો સહકાર અને સાહેબોના આશીર્વાદ પૂરતા છે.
રહી વાત તેમની આર્થિક સ્થિતિની. એ બાબતમાં ‘યુનિસેફ’ને તકલીફ જેવું લાગતું હોય તો એ અમદાવાદનાં રોડસાઇડ ધર્મસ્થાનનો સંપર્ક કરી શકે છે. સરનામું? એ જ ! રસ્તા વચ્ચે, અમદાવાદ, ગુજરાત!
બ્રેધલેસ ડાઇનિંગ હોલ
સારી ગુજરાતી માઘ્યમની નિશાળો ભલે અમદાવાદમાં લુપ્ત થવાની અણી પર હોય, પણ સારી ગુજરાતી થાળી પીરસતા ડાઇનિંગ હોલની આબાદી સતત વધી રહી છે. ગુજરાતની સંસ્કૃતિ ધીમે ધીમે ગુજરાતી થાળી પૂરતી સીમિત થઇ જશે, એવું ધારીએ તો સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ડાઇનિંગ હોલનું મહત્ત્વ ‘રોયલ આલ્બર્ટ હોલ’થી જરાય ઓછું નહીં હોય. ડાઇનિંગ હોલ આગળ લગાડેલું વિશેષણ ‘બ્રેધલેસ’ શ્વાસ રોકીને ગાતા કલાકારોની ગાયકી માટે વપરાય છે, પણ ગુજરાતી થાળી જમવા જનારા ડાઇનિંગ હોલ માટે ‘બ્રેધલેસ’નો પ્રયોગ સમજી શકશે. કેમ કે, ત્યાં શ્વાસ સિવાય બઘું જ ખાવા મળે છે! જમતા માણસને બે ઘડી પણ પોરો ખાવાનો કે વિચારવાનો ટાઇમ આપવો નહીં અને તેને સતત ‘હોટ સીટ’ પર - વિકલ્પો ટીક કરવાની અવસ્થામાં રાખવો, એ બ્રેધલેસ ડાઇનિંગ હોલની ખૂબી છે.
પહેલાં વેઇટિંગ રૂમ ફક્ત રેલવે સ્ટેશન પર જોવા મળતા હતા. હવે ગુજરાતી ડાઇનિંગ હોલમાં પણ વેઇટિંગ રૂમની સુવિધા રાખવી પડે છે. જેટલો પોરો ખાવો હોય એટલો પહેલાં ખાઇ લો. એક વાર જમવા બેઠા પછી એવો મોકો નહીં મળે!
ગુજરાતી માઘ્યમની શાળાઓ
અમદાવાદનાં અને ગુજરાતનાં નવી પેઢીનાં ઘણાં માતાપિતા ગુજરાતી માઘ્યમની શાળાઓને પોતાના માનસિક પછાતપણા માટે જવાબદાર ગણે છે અને એ જ માનસિકતાના જોરે વિચારે છે કે ‘મારા સંતાનને હું પછાત નહીં રહેવા દઊં.’ એટલે ગુજરાતી માઘ્યમની શાળાઓ બહુ નજીકના ભવિષ્યમાં ‘સાંસ્કૃતિક’ જ નહીં, ‘લુપ્ત થવાના આરે ઉભેલો વારસો’ ગણાવા લાગે એવી સ્થિતિ પેદા થઇ છે. સરકારી ગુજરાતી નિશાળોનાં મકાનોની હાલત પાંચસો-છસ્સો વર્ષ પહેલાં બંધાયેલી ઇમારતો કરતાં વધારે જર્જરિત છે. ‘યુનિસેફ’ને અમદાવાદમાં ઓફિસ ખોલવામાં રસ હોય, તો એકાદ ગુજરાતી નિશાળનો ‘જીર્ણોદ્ધાર’ કરવાનું વિચારી શકાય.
કાંકરિયા તળાવ
કોઇને થશે, કાંકરિયા ક્યાં નવું છે? એ તો સદીઓ જૂનું છે. ખરી વાત. પણ સદીઓથી બાદશાહો-શહેનશાહો-પેશ્વાઓને કાંકરિયા ફરતે દીવાલો ચણવાનું અને પ્રજા પાસેથી પ્રવેશ ફી ઉઘરાવવાનું સૂઝ્યું ન હતું. વર્તમાન શાસકોએ તે અમલમાં મૂકી બતાવ્યું છે. પ્રવેશ ફીના મુદ્દે ‘કાંકરિયા લેક ફ્રન્ટ’ તરીકે ઓળખાતો પ્રોજેક્ટ બીજા અર્થમાં પણ ‘ફ્રન્ટ’ (મોરચો) બન્યો છે. નવા કાંકરિયામાં ભાજપના ‘હેરીટેજ નેતા’ અટલબિહારી વાજપેયીના નામની ટ્રેન ચાલુ થઇ છે. એ ટ્રેન અને કાંકરિયાનાં તોતિંગ પ્રવેશદ્વાર ભવિષ્યમાં કાંકરિયા જેટલો જ મહત્ત્વનો વારસો બની રહેવાની શક્યતા ધરાવે છે.
ભારાડી ભૂવા
કુદરતી-માનવસર્જિત અને સાંસ્કૃતિક વારસાનો સમન્વય એટલે દરેક ચોમાસે અમદાવાદની સડકો પર પડતા ભૂવા. મહાજન યુગના અમદાવાદમાં એટલા પાકા રસ્તા જ ક્યાં હતા કે જે બાંધવામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ભેગા મળીને ખાયકી કરી શકે અને રાજનગર અમદાવાદના ચરણે કેટલાક વઘુ ભૂવાની ભેટ ધરી શકે! સડકો વધવાની સાથે ભૂવાનું પ્રમાણ વઘ્યું. માટે કહી શકાય કે ભૂવા અમદાવાદની પ્રગતિના પ્રતીક છે. પાકી સડકો છે ત્યારે ભૂવા પડે છે. સડકો જ ન હોય તો ભૂવા ક્યાં પડે? તર્કશાસ્ત્રના આ સિદ્ધાંત પ્રમાણે ભૂવાથી અમદાવાદમાં પાકા રસ્તા હોવાનું સિદ્ધ થાય છે. ભૂવાને કાયમી ધોરણે હેરિટેજ તરીકે રાખવામાં કેટલીક વ્યવહારૂ મુશ્કેલીઓ છે, પણ સ્થાનિક વહીવટીતંત્ર શક્ય એટલા લાંબા સમય સુધી તેને જાળવી રાખવાના પ્રયાસ કરે છે. આમજનતાને એવું દર્શાવવામાં આવે છે કે ભૂવાની ચારેબાજુ વાડ બાંધીને તેને પૂરવાનું કામ ચાલી રહ્યું છે, પણ એ કામમાં લાગતો સમય જોઇને કેટલાકને એવી શંકા જાય છે કે એ લોકો ભૂવાની ફરતે આડશ ઉભી કરીને તેનું સ્મારક ચણાઇ રહ્યું છે.
પોળયુદ્ધ અને પોળપંચાત
હેરીટેજની વાત આવે એટલે અમદાવાદની પોળોમાં આવેલી હવેલીઓનો જયજયકાર થાય છે, પણ એ હવેલી કરતાં વઘુ જૂની અને તેના કરતાં વધારે અડીખમ એવી પોળની કેટલીક લાક્ષણિકતાઓનો હેરીટેજમાં સમાવેશ કરવામાં આવતો નથી. પોળમાં થતાં હિંસક શાબ્દિક યુદ્ધો અને ‘આજ તક’- ‘ઇન્ડિયા ટીવી’ને શરમાવે એવી પંચાતીયા ન્યૂઝસર્વિસ પોળનો ખરો વારસો છે. પોળના ઇતિહાસની અહોભાવ છલકતી ગૌરવગાથાઓ સાંભળીને લાગે કે દુનિયાભરના મહાપુરૂષો અહીં આવ્યા અથવા અહીંથી બહાર ગયા. છતાં પોળોની તાસીર બદલાઇ નહીં.
ભૂખ્યાંજનોની લાઇન
ના, ભૂખથી ટળવળતાં ગરીબ લોકોની આ વાત નથી. એવા લોકો વિશ્વમાં સર્વત્ર છે અને એમની ગરીબી જાણે બહુમૂલ્ય વારસો હોય એટલી ચીવટથી જળવાઇ રહી છે. અમદાવાદની ખૂબી તો રૂપિયા ખર્ચીને ભોજન કે નાસ્તા માટે લાઇન લગાડતા લોકો છે. ખમણ હોય કે ખાખરા, દાબેલીની લારી હોય કે ડાઇનિંગ હોલ, ભજિયાં હોય કે ભેળપુરી- લાઇનમાં ઉભા રહ્યા વિના અમદાવાદીઓને એનો સ્વાદ આવતો નથી. એક સમયે અમદાવાદનાં થિયેટરની બહાર જોવા મળતી લાંબી કતારો હવે રેસ્ટોરાં અને ડાઇનિંગ હોલમાં ભીડ તરીકે ઉભરાય છે. દશેરા જેવા તહેવારોના દિવસે ફાફડા-જલેબીનું અને તેની લાંબી લાઇનનું માહત્મ્ય રામ-રાવણ કે શસ્ત્રપૂજા કરતાં ઘણું વધારે હોય છે.
ઉમાશંકર જોશી અમદાવાનો આ હેરીટેજ જોવા હયાત હોત તો એમણે કદાચ લખ્યું હોત, ‘ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ જાગશે, જંક ફુડની એક કણી ન લાધશે’
Tuesday, November 24, 2009
આઇડીયાની ટક્કર

Friday, November 20, 2009
‘દૃષ્ટિકોણ’માં પ્રભાષ જોશીનું સ્મરણ
હિંદી પત્રકારત્વમાંથી રાષ્ટ્રિય સ્તરે પ્રતિષ્ઠા હાંસલ કરનારા જૂજ પત્રકારોમાં પ્રભાષ જોશીનું નામ મોખરે છે. એક્સપ્રેસ જૂથના હિંદી ‘જનસત્તા’ના તંત્રી તરીકે પ્રભાષ જોશીનો કાર્યકાળ પત્રકારત્વના ઇતિહાસમાં યાદગાર ગણાય છે. ૫ નવેમ્બરે પ્રભાષ જોશીનું અવસાન થયું. તેમની સ્મૃતિ અને વચ્ચે વચ્ચે પ્રાદેશિક પત્રકારત્વની ચર્ચામાં રસ ધરાવતા મિત્રોને આવતી કાલના ‘દૃષ્ટિકોણ’ કાર્યક્રમમાં રસ પડશે.
ડીડી-૧૧ (ગિરનાર) ચેનલ પર, સાંજે સાડા સાત વાગ્યે.
ભાગ લેનારઃ પ્રકાશ ન. શાહ, અજય ઉમટ, રાજીવ પી.આઇ. (ઇન્ડિયન એક્સપ્રેસ, અમદાવાદના નિવાસી તંત્રી)
Thursday, November 19, 2009
આઇ.આઇ.એમ? કે ‘હુ આઇ એમ?’
આજે સવારે આઇ.આઇ.એમ. પાસેથી પસાર થતી વખતે. તેના બસસ્ટેન્ડ પર આ દૃશ્ય જોયું. તેના ફોરગ્રાઉન્ડમાં સમૃદ્ધિના પર્યાય જેવી ‘આઇ.આઇ.એમ.’નું નામ વંચાતું હતું અને બેકગ્રાઉન્ડમાં બસસ્ટેન્ડના પાટિયા પર સૂતેલી છોકરીની ઉપર જાહેરખબર હતી,‘અબ જો ચાહોગે, વો મિલેગા.’ફોટોલાઇન તરીકે વધારે કંઇ લખવાનું નથી. ફોટો વાંચી લેશો તો બહુ છે.
Monday, November 16, 2009
બી.આર.ટી. (બસ રેપિડ ટ્રાન્ઝિટ)ના સંચાલન માટે વિશ્વસ્તરે જાણીતા એન્રિક પેનેલોસા સાથે વાતચીત
ગઇ કાલે બીઆરટી (બસ રેપિડ ટ્રાન્ઝિટ)ના સંચાલનમાં આંતરરાષ્ટ્રિય નામના ધરાવતા એન્રીક પેનેલોસા/ Enrique Penalosa નો ઇન્ટરવ્યુ કરવાનો હતો. મિત્ર ઋતુલ જોશી અને આઇટીડીપીનાં શ્રેયાની મદદથી પેનેલોસા વિશેની પ્રાથમિક માહિતી મળી હતી. તેમની સાથે સવા કલાકમાં ઘણી વાતો થઇ.‘ટ’ નો ઉચ્ચાર ‘ત’ (જેમ કે, બી.આર.ટી. નહીં, પણ બી.આર.તી.) કરવાની પ્રાદેશિક લાક્ષણિકતા ધરાવતા પેનેલોસા દક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશના બગોટા શહેરના મેયર હતા. એ સમયે તેમણે બી.આર.ટી. દાખલ કરી હતી. બી.આર.ટી. ખરેખર ફક્ત બસ સીસ્ટમ નથી, પણ બસ સીસ્ટમ, રાહદારીઓ માટેના રસ્તા અને સાયકલસવારો માટેના રસ્તાનું એક માળખું છે, જે એકબીજાની સહાયથી સંપૂર્ણ બને છે.
પેનેલોસાની પ્રાથમિકતા બહુ સ્પષ્ટ હતી. રસ્તાની વહેંચણી રાહદારીઓ, સાયકલસવારો અને પબ્લિક ટ્રાન્સપોર્ટ વચ્ચે થઇ જાય, પછી રસ્તો બચે તો કારચાલકોને આપવાનો. તેમણે એમ પણ કહ્યું કે કોઇ પણ પ્રકારના હાઇ વે પર ટુ વ્હીલરને પ્રવેશ ન હોય એ તો ‘ક્લાસિસ્ટ’ વાત જ કહેવાય! (આ બ્લોગ પર ‘એક્સપ્રેસ હાઇ વે પર ટક્કર’ના સંદર્ભે થયેલી ચર્ચા મિત્રોને યાદ હશે)
અમદાવાદમાં કારચાલકોને લાગે છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ આમજનતા માટે છે અને આમજનતાને દોઢું ભાડું લેતી બી.આર.ટી. મોંઘી લાગે છે. એનો શું ઉપાય? એવા સવાલના જવાબમાં ‘વાત તો ખરી છે.’ કહીને પેનેલોસે કહ્યું,‘કારચાલકો પાસેથી ટેક્સ વસૂલ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટને સબ્સીડાઇઝ કરવાનો.’ પાર્કિંગ વિશે તેમનો અભિપ્રાય ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના ઇન્ટરવ્યુમાં પણ છપાયો હતો, એ જ તેમણે કાલે બપોરે વાતચીતમાં પણ કહ્યો,‘ભારતના બંધારણમાં ક્યાંય ‘રાઇટ ટુ પાર્ક’નો- પાર્કિંગ કરવાના અધિકારનો- સમાવેશ થતો નથી. સરકાર તમને પાર્કિંગ આપે છે. ઠીક છે. સારી વાત છે. પણ એ તમને પાર્કિંગ આપવા બંધાયેલી નથી. તમે જેમ તમારાં કપડાં ક્યાં મૂકો છે, એ સરકારનો વિષય નથી એમ તમે તમારી ગાડી ક્યાં મૂકો છો, એ પણ સરકારનો વિષય નથી. તમારે ગાડી લઇને નીકળવું હોય તો નીકળો. પાર્કિંગ મળે તો કરો. ન મળે તો? ગાડી ન વાપરશો. પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરો.’
તમારે આખો રસ્તો કારને આપવો હોય તો આપી દો, પણ એ રાજકીય નિર્ણય હશે. તેને ટેકનિકલ નિર્ણય તરીકે ખપાવવાની જરૂર નથી. રોડ સ્પેસ સૌથી કિમતી મિલકત છે. અમદાવાદના રસ્તા તળેથી ક્રૂડ ઓઇલ કે હીરા મળી આવે તો પણ રોડ સ્પેસની કિંમત તેને પણ ટપી જાય એટલી મોટી હોય છે. એ બધાની માલિકીની છે. એટલે કોઇ પણ સમાજની આંકણી કરવાની એક રીત છેઃ તે રોડસ્પેસની વહેંચણી કેવી રીતે કરે છે. પગપાળા, સાયકલ, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કાર. કારવાળાને શરૂઆતમાં કીડીઓ ચડે છે, સંઘર્ષ થાય છે, પણ પછી તેમને જ અનુકૂળ પડવા માંડે છે. યુરોપમાં એવું ઘણી જગ્યાએ થયું છે. બેસ્ટ યુનિવર્સિટીઝના ગ્રેજ્યુએટ લંડન, પેરિસ કે ન્યૂયોર્કમાં રહેવા માગે છે, તેમની પાસે કાર નથી. તેમને ચાલતા જવું પડે છે અને તેમને ગમે છે. એટલી જ આવકમાં બીજાં શહેરોમાં તે મોટી ગાડીઓ સાથે રહી શકે.’
