Saturday, September 13, 2008

ગુજરાતી બિઝનેસ સ્ટાન્ડર્ડઃ વસંતમાં પાનખર

છેલ્લા ઘણા સમયથી મીડિયા બિઝનેસમાં તેજી છે. પત્રકારોના ભાવ - લાયકાતની પરવા કર્યા વિના- ઊંચકાયેલા છે. છતાં, પત્રકારત્વના વ્યવસાયી તરીકે તકો વધી, ઠેકાણાં વઘ્યાં અને વળતર વઘ્યું તેનો આનંદ જ છે. મીડિયા કહેતાં ગુજરાતી અખબાર અને ન્યૂઝચેનલ જગતમાં ઘણી ગરમાગરમી હતી. પાંચ વર્ષ પહેલાં ‘દિવ્ય ભાસ્કર’ આવ્યું અને જાણે ઘરના નહીં, પણ બંધના (ડેમના) દરવાજા ખુલ્યા.

ત્યાર પછી ગુજરાતી ચેનલો આવી અને હજુ આવે છે. એમાં પગારધોરણ નીચાં અને લાયકાતધોરણ એથી નીચાં છે. છતાં, આગળ કહ્યું તેમ, ઠેકાણાં વઘ્યાં છે. એ જ રીતે, ‘ભાસ્કર’ના પગલે અગ્રણી મીડિયા ગુ્રપ ‘દૈનિક જાગરણ’ ગુજરાતી અખબાર સાથે આવું આવું કરે છે. ‘ઇકોનોમિક ટાઇમ્સ’ અને ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ જેવાં ગુલાબી અખબારોની ગુજરાતી આવૃત્તિઓ થોડા સમય પહેલાં શરૂ થઇ. અહીં મુકેલો બિઝનેસ સ્ટાન્ડર્ડના હોર્ડંિગનો ફોટો ૨૧ માર્ચ, ૨૦૦૮માં પાડ્યો ત્યારે કલ્પના પણ ન હતી કે તે ‘અવસાનનોંધ’માં કામ લાગશે.

ચોતરફ તેજીના આ માહોલમાં ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ની ગુજરાતી આવૃત્તિ પહેલી વર્ષગાંઠ આવે તે પહેલાં બંધ થઇ. પરમ દિવસે તેનો છેલ્લો દિવસ હતો. અખબાર કે સામયિકનું કોઇ પણ વયે મરણ થાય તે દુઃખદાયી હોય છે, પણ બાળમરણ સવિશેષ.

એક અખબાર કે સામયિક બંધ થાય, ત્યારે તેની સાથે સંકળાયેલા પત્રકારોની દશા માઠી થતી હોય છે. નગેન્દ્રવિજયના તંત્રીપદ હેઠળ પ્રગટ થતું અમદાવાદનું અનોખ સીટી મેગેઝીન ‘સીટીલાઇફ’ બંધ થયું, ત્યારે ‘સીટીલાઇફ’માં ઉત્તમ કામ કર્યા પછી મારે બે-એક મહિના બેકારી વેઠવી પડી હતી. એ ગાળામાં જીવનનાં, મૈત્રીનાં અને વ્યવસાયનાં ઘણાં બ્રહ્મસત્યોનું જ્ઞાન થયું. જૂના માણસોની ઘણી નવી ઓળખો થઇ. એ રીતે અનુભવ દુઃખદ એટલો જ જ્ઞાનદ્ રહ્યો. પણ એ વખતે તો એ ફક્ત દુઃખદ હતો. બિઝનેસ સ્ટાન્ડર્ડના બંધ થવાથી એ લાગણી યાદ આવી. તેને સમાનુભૂતિ (એમ્પથી) કહી શકાય.

Friday, September 12, 2008

પાઠ્યપુસ્તકો સાથે પરીક્ષા: વિરોધાભાસી સંદેશ

ગુજરાતમાં પાઠ્યપુસ્તકો સાથે પરીક્ષા આપવા દેવાના માઘ્યમિક શિક્ષણ બોર્ડના નિર્ણયની જાહેરાત અને તરત તેનો વીંટો વળાઇ જવાનું નાટક બે દિવસમાં આટોપાઇ ગયું. એ નિર્ણયના પક્ષ-વિપક્ષમાં અખબારોમાં ઘણું લખાયું. બન્ને પક્ષોએ પોતપોતાની સમજણ પ્રમાણે દલીલો કરી, પરંતુ સૌથી વિશિષ્ટ કવરેજ ૧૧ સપ્ટેમ્બરના ‘સંદેશ’માં જોવા મળ્યું.

એ દિવસના ‘સંદેશ’ ના બીજા પાને ‘ચીની કમ’ કોલમનું મથાળું જ હતું: ‘ચોપડીમાંથી ચોરી કરો અને ઠોઠ નિશાળીયા જ પેદા કરો’.
પાઠ્યપુસ્તકો સાથે પરીક્ષાનો આક્રમક વિરોધ કરતા આ લેખના કેટલાક અંશઃ ‘ ગુજરાત રાજ્યના શિક્ષણખાતાએ ફરી એક વાર છબરડો વાળી દીધો, પરંતુ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ તેની પર સમયસર બ્રેક મારીને ગુજરાતના શિક્ષણખાતાને મોટી હોનારતમાંથી બચાવી લીઘું છે...એ વાત સાચી છે કે બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓને ભયભીત કરી દે છે...પરંતુ એનો અર્થ એ નથી કે પહેલાં વિદ્યાર્થી કાપલીઓને લઇ કોપી કરતો હતો તેને હવે કાયદેસરનું સ્વરૂપ આપી સીધી પાઠ્યપુસ્તકોમાંથી કોપી કરવા દેવી...પાઠ્યપુસ્તકો સાથે પરીક્ષા આપવાની ટેવથી પાંગળો થઇ ગયેલો ગુજરાતનો વિદ્યાર્થી ક્યાંયનો નહીં રહે. ઠોઠ નેતાઓ અને ઠોઠ અધિકારીઓ મળીને ગુજરાતના વિદ્યાર્થીને પણ ઠોઠ નિશાળીયા જ રાખવાનો નિર્ણય કર્યો હતો. ’

એ જ દિવસના સંદેશમાં છઠ્ઠા પાને, તંત્રી લેખમાં પૂરી ગંભીરતા સાથે શિક્ષણખાતાના નિર્ણયની તરફેણ કરવામાં આવી હતી. તેની ઝલકઃ‘નવી પદ્ધતિના કારણે સ્થાપિત હિતો કાગારોળ મચાવશે..પરંતુ અંતે એક નવી આશા બંધાશે...આ રીતે શિક્ષણનું સ્તર નીચું નહીં, પણ ઉંચું જશે. વિદ્યાર્થીઓનું સાચું મૂલ્યાંકન થઇ શકશે.,,વગર વિચાર્યે કોઇ કારણ વગર આવી પદ્ધતિને નકારવી જોિએ નહીં. આ સમગ્ર વ્યવસ્થામાં વિદ્યાર્થીને નુકસાન કરતાં ફાયદા વઘુ થશે.’

જાણેઅજાણે કે સદંતર નિર્દોષતાપૂર્વક સ્થાન આપી બેસતા ગુજરાતી પત્રકારત્વજગતમાં આપનું સ્વાગત છે...

Wednesday, September 10, 2008

મેરે પાસ સરોગેટ મા હૈ

(આ લેખ મેં જૂન, ૨૦૦૭માં ડો. નૈના પટેલની મુલાકાત લીધા પછી લખ્યો હતો. એટલે આંકડા અને માહિતી એ વખતનાં છે. લેખમાં સમસામયિક વિગતો કરતાં તાત્ત્વિક અને થોડીક વ્યવહારિક વિગતો આપવાનો આશય વધારે હોવાથી લેખ છપાયો હતો એ જ સ્વરૂપે રાખ્યો છે. લેખ લાંબો છે. છતાં, આ વિષય પર મસાલેદાર સ્ટોરીથી વધારે બહુ લખાતું નથી. એટલે તેને ટૂંકાવ્યો નથી. લેખ સાથે મુકેલું ચિત્ર ઇન્ટરનેટ પરથી લીઘું છે.)

‘કોઈ સ્ત્રી ફક્ત નાણાં ખાતર સગર્ભા બનીને જીવનું જોખમ ખેડે, એ નૈતિક રીતે કેટલું યોગ્ય કહેવાય?’ એવો સવાલ સરોગેટ માતૃત્વના સંદર્ભમાં હંમેશાં પુછાય છે. તેનો સો ટકા સંતોષકારક જવાબ હોઈ શકે નહીં, પણ એ સવાલના જવાબમાં પુછાતો પ્રશ્ન છેઃ ‘સંતાન વિના ટળવળતા દંપતીના જીવનમાં કોઈ સ્ત્રી સંતાનનું સુખ આપી શકે, એ નાનીસૂની વાત છે?’

‘કૂખ ભાડે આપવી’ આ શબ્દપ્રયોગ બહુ કુખ્યાત છે. અંગ્રેજી ‘રેન્ટ એ વુમ્બ’નો એ ગુજરાતી અનુવાદ સાંભળીને મનમાં એવા અડ્ડા ટાઇપ ક્લિનિકનું ચિત્ર ઊપસે છે, જ્યાં ગરીબદુખિયારી સ્ત્રીઓને ગોંધી રાખવામાં આવી હોય, કોઈ ખોલી કે દુકાનની જેમ તેમનું ગર્ભાશય ભાડે રાખવામાં આવ્યું હોય, તેમાં ઊછરતા ગર્ભ સાટે માતાપિતા પાસેથી ખંખેરીને રૂપિયા ખંખેરવાના હોય. આખી કામગીરી બંધબારણે, અંધારિયા ખૂણે ધમધમતી હોય. છતાં થોડા લોકો સિવાય બીજા કોઇને શું ચાલી રહ્યું છે તેની હવા પણ ન લાગે.

સનસનાટીના પ્રેમીઓને સખેદ જણાવવાનું કે સરોગેટ માતૃત્વ વિશે તેમની કલ્પના ઉપર જણાવ્યા પ્રમાણેની હોય, તો તેમાં સુધારો કરવાનો સમય પાકી ગયો છે. અત્યાર સુધી ફક્ત વિદેશમાં કે મુંબઈ જેવાં મહાનગરમાં અપવાદ રૂપે જોવા મળતી સરોગેટ માતૃત્વની પ્રથા હવે આણંદ જેવા બી ગ્રેડના શહેરમાં બાઇજ્જત સ્થાપિત થઈ ચૂકી છે. તેની પાછળનું મુખ્ય બળ છે ડૉ. નૈના પટેલ.

ડૉ. પટેલના સૌમ્ય ચહેરા પર ‘કૂખ ભાડે આપવી’ એ શબ્દના ઉલ્લેખ માત્રથી ત્રાસની રેખાઓ ઊપસી આવે છે. ‘અમારે ત્યાં થતી સરોગેટ માતૃત્વની પ્રક્રિયા અને તેનાં પરિણામો વિશે જાણ્યા પછી તેના માટે કોઈ આવો શબ્દ વાપરી શકે નહીં.’ ડૉ. પટેલ કહે છે, ‘હું એને ગર્ભદાન કહું છં. કોઈ રક્તદાન કરે છે, તેમ સરોગેટ માતા પોતાના ગર્ભાશયમાં પરાયો ગર્ભ ઉછેરવા દઇને ગર્ભદાન કરે છે.’

‘ગર્ભદાન’માં રૂપિયાનું તત્ત્વ અલબત્ત મહત્ત્વનું છે. ડૉ. નૈના પટેલ માને છે કે આખી કામગીરી વ્યાપારી સોદાને બદલે પરસ્પર લાગણીસભર આપલેના ધોરણે પાર પાડવામાં આવે ત્યારે તેનાં પરિણામ સૌ માટે સુખદ આવે છે. ડૉ. પટેલની માન્યતામાં ઠાલો આદર્શવાદ કે આશાવાદ નથી. તેમના લાગણીસભર અભિગમની અને ‘મારે કશું છપાવવાનું નથી’ એવી ખુલ્લાશની પ્રતીતિ વાતચીત દરમિયાન સતત થતી રહે છે.

ડૉ. પટેલ અને તેમના સાથીદારોની સારસંભાળ હેઠળ અત્યારે એકસાથે ૩૮ સરોગેટ માતાઓ ગર્ભ ઉછેરી રહી છે. વિશ્વમાં બીજે ક્યાંય એક છત્ર નીચે આટલી મોટી સંખ્યામાં સરોગેટ માતાઓ સગર્ભા બની હોય એવું સાંભળ્યું નથી. આ રાષ્ટ્રીય વિક્રમ ઉપરાંત વિશ્વવિક્રમ હોય એવી પૂરી શક્યતા છે. તેમના સંપર્કમાં રહેલું ૩૮ સરોગેટ માતાઓનું વૃંદ જેમના ગર્ભ ઊછેરી રહ્યું છે, એવાં દંપતીઓમાં બિનનિવાસી ગુજરાતીઓભારતીયો (એનઆરજીએનઆરઆઈ) ઉપરાંત જર્મન, તાઇવાન, વેસ્ટ ઇન્ડિયન અમેરિકન, આફ્રિકન અમેરિકન જેવા વિદેશીઓ છે છતાં ડૉ. નૈના પટેલનાં વાણીવર્તનમાં ક્યાંય વિક્રમ નોંધાવી દેવાનો અજંપો જણાતો નથી.
એવું તે શું છે સરોગેટ માતૃત્વની પ્રથામાં અને ડૉ. નૈના પટેલના ‘આકાંક્ષા આઇવીએફ સેન્ટર’માં કે બ્રિટનઅમેરિકા, જર્મનીતાઇવાન અને મુંબઈદિલ્હીને બદલે નિઃસંતાન દંપતી ‘મિલ્ક સિટી’ આણંદ સુધી લાંબાં થાય છે?

પરાયા ગર્ભનું પ્રસ્થાપન
બ્રિટનમાં લગ્નનાં પ્રમાણપત્રો આપતા ધર્મગુરુ (બિશપ)ના સહાયક માટે ‘સરોગેટ’ શબ્દ વપરાતો. અમેરિકામાં વારસાઈને લગતી બાબતોના ન્યાયાધીશ ‘સરોગેટ’ તરીકે ઓળખાય છે, પણ ‘સરોગેટ’નો સાદો અર્થ છે ‘અવેજીમાં રહેલું’. એ અર્થ પ્રમાણે, ‘સરોગેટ મધર’ એટલે માતા પોતે સગર્ભા ન થઈ શકે, ત્યારે તેની અવેજીમાં ગર્ભ ધારણ કરતી સ્ત્રી.

પ્રાચીન કાળમાં ‘સરોગેટ મધર’નો રિવાજ હતો, પણ એ વખતે સરોગેટ માતાને સગર્ભા બનાવવા પૂરતો તેની સાથે શરીરસંબંધ બાંધવાનું જરૂરી હતું. ઘણા કિસ્સામાં પત્નીની બહેન સરોગેટ માતા બનતી હતી, પરંતુ વિજ્ઞાનની પ્રગતિ પછી હવેની સરોગેટ માતાને બીજા પુરુષ સાથે સંબંધ બાંધવાની સ્થિતિમાં મુકાવું પડતું નથી. ગર્ભ ધારણ કરી ન શકે એવી ઘણી સ્ત્રીઓ બીજ પેદા કરી શકે છે. એ બીજ સાથે સ્ત્રીના પતિના પુરુષબીજનું પ્રયોગશાળામાં ફલન કરવામાં આવે છે અને આ રીતે તૈયાર થયેલા ગર્ભને સરોગેટ માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે એટલે પુરુષના સંપર્ક વિના તે સગર્ભા બને છે.

સ્ત્રીબીજ પેદા કરવા સક્ષમ, પણ ગર્ભ ધારણ કરવામાં તકલીફ ધરાવતી સ્ત્રીઓ માટે પહેલાં સંતાન દત્તક લેવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. સરોગેટ માતૃત્વના સફળ પ્રયોગો પછી તેમના માટે પોતાનું સંતાન મેળવવાની તક ઊભી થઈ. બદલામાં, સરોગેટ માતાઓ તગડી ફી વસૂલ કરે અને ક્યારેક પોતાના પેટે જન્મેલા બાળકનો કબજો આપવામાં આનાકાની કરે, તે સરોગેટ માતૃત્વનું બીજં પાસું છે.

સ્ટેપ બાય સ્ટેપ સંતાનપ્રાપ્તિ

સરોગેટ માતૃત્વના ક્ષેત્રે આણંદમાં રહીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનારાં ડૉ. નૈના પટેલ કેવી રીતે નિઃસંતાન દંપતીને સંતાનપ્રાપ્તિ સુધી પહોંચાડે છે, તેની ક્રમિક ઝલકઃ

  • બાળક ઇચ્છતાં નિઃસંતાન દંપતીના મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે. સ્ત્રી ગર્ભ ધારણ કરી શકે એવી જરા સરખી પણ શક્યતા હોય તો એ વિકલ્પ પર પહેલું ધ્યાન અપાય છે. સ્ત્રી ગર્ભ ધારણ નહીં કરી શકે એવી ખાતરી થાય તો દંપતીના સ્ત્રીબીજ અને પુરુષ બીજનો લેબોરેટરીમાં મેળાપ કરાવવાનો નિર્ણય લેવાય છે. એ માટે બંને જણના એચ.આઇ.વી. સહિતના બીજા ટેસ્ટ કરવામાં આવે છે. શારીરિક રીતે સક્ષમ હોવા છતાં પોતાની કારકિર્દીની ચિંતાને કારણે સરોગેટ માતાની સેવા ઇચ્છતી ટૂંકમાં, સંતાનનું ‘આઉટસોર્સંિગ’ કરાવવા ઇચ્છતી સ્ત્રીઓને ડૉ. નૈના પટેલ મદદરૂપ થતાં નથી.
  • દંપતીની તૈયારી પછી સરોગેટ માતા શોધવાની રહે છે. સગાંસ્નેહીમાંથી કોઈ સરોગેટ માતા બનવા તૈયાર હોય તો એ શક્યતા પહેલાં તપાસાય છે. ડૉ. પટેલને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર પહેલા કિસ્સામાં, પુત્રીનાં માતા પોતે સરોગેટ મધર બન્યાં હતાં અને તેમણે જોડિયાં દૌહિત્રોને જન્મ આપ્યો હતો, પરંતુ મોટા ભાગના કિસ્સામાં સગાંસ્નેહીઓમાંથી કોઈ સરોગેટ માતા બનવા તૈયાર થતું નથી.
    ડૉ. પટેલ પાસે ધીમે ધીમે સરોગેટ માતા બનવા ઇચ્છતી સ્ત્રીઓની યાદી તૈયાર થઈ છે, જેમાં કોઈ પણ જાતની ભરતીઝુંબેશ વિના, એકબીજાના મોઢેથી વાતો સાંભળીને નવાં નામ ઉમેરાતાં રહે છે. એ યાદીમાંથી એક નામ દંપતીને સૂચવાય છે. મોટા ભાગનાં દંપતી સરોગેટ માતાની તંદુરસ્તી અને સ્વચ્છતા સિવાય બીજી કોઈ બાબતની ચિંતા કરતાં નથી. અમુક જ મોટે ભાગે ઉત્તરભારતનાં દંપતી એવાં હોય છે, જે ક્યારેક સરોગેટ માતાની જ્ઞાતિની મગજમારીમાં પડે છે.
  • બાળકની જાતિની તપાસ પ્રતિબંધિત હોવા છતાં, દંપતીઓ ‘બાબો છે કે બેબી?’ એ જાણવા માટે પ્રયાસ કરી જએ છે. પરદેશથી આવતા પહેલાં દંપતી ફોન કરીને ચબરાકીથી ડૉ. પટેલને પૂછે છે, ‘અમારે શોપિંગ કરીને આવવું છે, તો કપડાં બાબાનાં લાવીએ કે બેબીનાં?’ ડૉ. પટેલ એમને કહે છે, ‘યલો કલરનાં લાવજો. બંને માટે ચાલશે.’
  • સરોગેટ માતાના અને તેમના પતિના પણ આવશ્યક મેડિકલ ટેસ્ટ થાય છે. તેમાં કોઈ તકલીફ ન જણાય તો સરોગેટ માતા બનવા માગતી સ્ત્રી અને બાળક ઇચ્છતા દંપતીનો મેળાપ કરાવવામાં આવે છે. બંને વચ્ચે એકથી વધારે મીટિંગ થાય છે. સરોગેટ માતા બનવા ઇચ્છતી સ્ત્રીનું કાઉન્સેલિંગ પણ શરૂ થાય છે ત્યાર પછી કાનૂની કરાર થાય છે.
  • નક્કી થયેલા દિવસે સરોગેટ માતા બનવા તૈયાર સ્ત્રીને બોલાવીને લેબોરેટરીમાં તૈયાર થયેલો ગર્ભ તેના ગર્ભાશયમાં આરોપી દેવામાં આવે છે અને ત્યારથી સરોગેટ માતા તરીકેની તેની ભૂમિકા શરૂ થાય છે.
  • થોડા મહિના પછી સરોગેટ માતા કોઈ કારણસર પોતાના આડોશપાડોશથી કે સામાજિક વાતાવરણથી અલગ રહેવા ઇચ્છે તો એ માટેની સગવડ પણ રાખવામાં આવી છે. ડૉ. નૈના પટેલે થોડા વખત પહેલાં વલ્લભવિદ્યાનગરમાં એક ફ્લેટ લીધો છે, જ્યાં ચારપાંચ સરોગેટ માતાઓને રહેવાજમવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. હવે સરોગેટ માતા સગર્ભા થાય એટલે તેને એક સેલફોન પણ આપી દેવામાં આવે છે, જેથી દંપતી ઇચ્છે ત્યારે પોતાના બાળક અને તેની સરોગેટ માતાના ખબરઅંતર પૂછી શકે.
  • કરાર મુજબ રૂપિયા ચૂકવવા ઉપરાંત દંપતી પોતાની રીતે પણ સરોગેટ માતાની કાળજી અને સારસંભાળ રાખે છે. પ્રસૂતિ વખતે મોટે ભાગે દંપતી હાજર હોય છે. સામાન્ય રીતે સ્ત્રી ઓપરેશન થિયેટરમાં હોય અને પુરુષ બહાર બેચેનીથી આંટા મારતો હોય એવાં દ્રશ્યો જોવા મળે, પણ સરોગેટ માતાની પ્રસૂતિ હોય ત્યારે પતિપત્ની બંને બહાર બેચેનીથી આંટા મારતાં હોય એવું બની શકે છે.
    જન્મેલા બાળકને વહેલામાં વહેલી તકે તેનાં મૂળ માતાપિતાને સોંપી દેવામાં આવે છે. નાણાંના છેલ્લા હિસાબની ચુકવણી એ વખતે થાય છે.
  • આખી વિધિનો નાણાકીય હિસ્સો અગત્યનો અને ગેરરીતિનો સૌથી વધુ શક્યતા ધરાવતો હોય છે. પણ ડૉ. નૈના પટેલ કરારનામા અને રૂપિયાની ચુકવણી સહિત આખા કેસની ફાઇલો જોવા માટે ધરી દે છે. તેમના જણાવ્યા પ્રમાણે, સરોગેટ પદ્ધતિથી બાળક મેળવવા માટે બધું મળીને અંદાજે રૂ. ચારથી પાંચ લાખ જેટલો ખર્ચ થાય છે.
  • દંપતી ભારતીય હોય તો સરોગેટ માતાને સરેરાશ દોઢબે લાખ રૂપિયા મળે છે. દરેક કેસમાં એ રકમ બદલાઈ શકે છે. પરદેશનાં યુગલો સાડા ત્રણથી ચાર લાખ રૂપિયા સુધી આપે છે. તેમની એવી અપેક્ષા રહે છે કે સરોગેટ માતા પ્રૌઢને બદલે યુવાન હોય. સરોગેટ માતાને કેટલી રકમ મળવી જોઇએ તે ડૉક્ટરની હાજરીમાં બંને પક્ષો દંપતી અને સરોગેટ માતામળીને નક્કી કરે છે. ત્યાર પછી પણ ઘણાં દંપતી સરોગેટ માતાને એક યા બીજી રીતે મદદરૂપ થાય છે.
સફળ સેતુકાર્યનો સંતોષ
ડૉ. નૈના પટેલલગ્ન પહેલાં નૈના તન્નાજામનગરના તન્ના પરિવારનું નવમું સંતાન હતાં. જામનગરરાજકોટમાં એમ.બી.બી.એસ. અને એમ.ડી. (ગાયનેક) થયા પછી ત્રણ વર્ષ તે કરમસદની પ્રમુખસ્વામી મેડિકલ કોલેજમાં રહ્યાં. ઓર્થોપેડિક શાખાના ડૉ. હિતેશ પટેલ સાથે લગ્ન પછી ૧૯૯૧માં તેમણે ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. એકાદ દાયકા સુધી તેમણે ફર્ટિલિટીના ક્ષેત્રમાં ઠીક ઠીક કામ કર્યું, પરંતુ ડિસેમ્બર, ૨૦૦૨માં આવેલા એક કેસથી તેમની કામગીરીની દિશામાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું.

ભંગાણના આરે આવી ઊભેલા નિઃસંતાન એનઆરઆઈ દંપતીનું લગ્નજીવન બચાવવાનો બીજો કોઈ આરો ન દેખાતાં તેમણે સરોગેટ માતૃત્વનો રસ્તો અપનાવવાનું સૂચવ્યું. એ વખતે દંપતીનાં માતાપિતાએ સરોગેટ માતા મેળવવા માટે ગુજરાતમાં અને ગુજરાત બહાર ઘણા પ્રયાસ કર્યા, પણ કોઈ તૈયાર થયું નહીં. છેવટે ડૉ. પટેલે દંપતીમાંથી પત્નીનાં ૪૪ વર્ષનાં મમ્મીને સરોગેટ માતા બનવાનું સૂચન કર્યું અને સમજાવ્યાં. બ્રિટનના આ દંપતીની સંતાન માટેની ઝંખના અને નાનીના પેટે જન્મેલાં દૌહિત્રોની સત્યકથા પરથી બી.બી.સી.એ કોઈ સિરિયલને ટક્કર મારે એવી ડોક્યુમેન્ટરી બનાવી છે. આ કિસ્સાને કારણે દેશવિદેશનાં અનેક પ્રસાર માધ્યમોમાં ડૉ. નૈના પટેલ છવાઈ ગયાં પણ તેમના પગ બિલકુલ જમીન પર રહ્યાં છે.

એ કહે છે, ‘મારી પર ફ્રેન્ચાઇઝી માટે ફોન આવે છે. કોઈ પૂછે છે, તમે સેટેલાઇટ સેન્ટર ખોલો?’ દર વખતે હું એક જ જવાબ આપું છં, ‘ધીસ ઇઝ નોટ બિઝનેસ. વ્યક્તિગત દેખરેખ સૌથી મહત્ત્વની છે. અત્યારે મારે બિઝનેસ તરીકે કામ કરવું હોય તો હું આરામથી કરી શકું છં. હું રૂપિયા લઇને છૂટી અને મારા હાથ નીચેના બે માણસો બધું કામ કરે. ઘણી જગ્યાએ એવું થાય પણ છે.’

બે બાળકનાં માતા તરીકે ડૉ. નૈના પટેલ કહે છે, ‘મારે બાળક ન હોય તો હું સરોગેટ માતા દ્વારા બાળક મેળવવાને બદલે બાળક દત્તક લેવાનું વધુ પસંદ કરંુ’ આવું કહેતી વખતે તેમના ચહેરા પર સાંભળનારને આંચકો આપવાનો ભાવ જરાય દેખાતો નથી. એ માને છે કે ‘ઘણી વાર પતિ બાળક દત્તક લેવા માટે તૈયાર હોતા નથી. તેમને પોતાનું બાળક જોઇએ છે. એ વખતે સરોગેટ માતાનો વિકલ્પ જ બાકી રહે છે.’ જોકે, ડૉ. પટેલને સરોગેટ માતા બનવામાં વાંધો નથી. એ કહે છે, ‘મારી પ્રસૂતિ સાવ નોર્મલ અને અને સરળ હતી એટલે કોઈ એવું જેન્યુઇન ડેસ્પરેટ કપલ હોય તો (સરોગેટ માતા બનવા અંગે) હું ચોક્કસ વિચારંુ.

અત્યાર સુધી સરોગેટ માતૃત્વ થકી ત્રીસેક બાળકોના જન્મ માટે નિમિત્ત બનેલાં અને બીજાં ૩૮ ગર્ભસ્થ બાળકોની દેખરેખ રાખતાં ડૉ. નૈના પટેલ સરોગેટ પ્રથાની મર્યાદાથી પૂરેપૂરાં વાકેફ છે. એ ક્ષેત્રમાં લાપરવાહી દાખવવાનાં કે વ્યવસાયિક બની જવાનાં ગંભીર પરિણામો વિશે આપણા મનમાં હોય એટલી જ શંકાઓ અને ચિંતાઓ તેમના મનમાં હોય એવું લાગે છે.

સરોગેટ માતાઓ અને તેમના થકી સંતાન પ્રાપ્ત કરનાર દંપતીઓ વચ્ચે લાગણીના સંબંધોની વાત કરતાં ડૉ. પટેલ ડૉક્ટર મટીને માત્ર સ્ત્રી બની જાય છે. સરોગેટ માતાઓની કાળજી રાખતાં, તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવે, મકાન બની જાય, છોકરાના અભ્યાસનો ખર્ચ નીકળી જાય, પતિને નવી રિક્ષાના રૂપમાં રોજી મળે, એવા પ્રકારની મદદ કરતાં દંપતીઓના કિસ્સાનો ડૉ. પટેલ પાસે તોટો નથી. સરોગેટ માતૃત્વની ટેક્નોલોજીમાં અભૂતપૂર્વ કે અનન્ય કશું નથી. પણ ડૉ. પટેલ પાસે છે એટલી મોટી સંખ્યામાં સરોગેટ માતાઓ ભાગ્યે જ બીજા કોઈ ડૉક્ટર પાસે હોય. તેની પાછળ ડૉ. પટેલની દેખભાળ જવાબદાર છે. સરોગેટ માતાને મળતાં નાણાં વેડફાઈ ન જાય તેની કાળજી પણ એ પોતે રાખે છે.

સરોગેટ માતાની સગર્ભાવસ્થા દરમિયાન તેમનો વીમો ઉતારવાનું અત્યારે શક્ય નથી, પણ મુંબઈની ત્રણચાર વીમા કંપનીઓ સાથે ડૉ. પટેલ આ બાબતે વાટાઘાટો ચલાવી રહ્યાં છે. સરોગેટ માતાનો ત્રણસાડા ત્રણ લાખનો વીમો ઊતરી શકે, તો તેનું પ્રિમિયમ દંપતી બારોબાર ભરી દે. ડિસેમ્બર ૨૦૦૭ સુધીમાં તે સરોગેટ માતાઓ માટેનું એક ફંડ પણ ઊભું કરવા ધારે છે, જેની રકમમાંથી સરોગેટ માતાઓની નાનીમોટી આર્થિક તકલીફોમાં મદદ થઈ શકે છે. આ ફંડની રકમ તે અમેરિકામાં ફરજિયાત ચેરિટી કરતા એનઆરઆઈ પાસેથી મેળવવા ધારે છે.

આદર્શ, કલ્પના અને વાસ્તવિકતા

દરેક સરોગેટ માતા અને દંપતી વચ્ચેનો સંબંધ એક ન લખાયેલી નવલકથા છે. તેના દસ્તાવેજીકરણ માટે ડૉ. પટેલ અંગ્રેજી અને ગુજરાતીમાં એક પુસ્તક તૈયાર કરાવી રહ્યાં છે. ડૉક્ટર તરીકે પોતે નિઃસંતાનને સંતાન આપવામાં નિમિત્ત બની શક્યાં એ સંતોષનું પલ્લું ડૉ. નૈના પટેલને સરોગેટ માતૃત્વ વિશેની નૈતિક દલીલો કરતાં ક્યાંય વધારે વજનદાર લાગે છે. એકાદ વર્ષ પહેલાં જાહેરમાં આવતી વખતે મોઢે માસ્ક પહેરીને ઓળખ છપાવતી સરોગેટ માતાઓ હવે ખુલ્લેઆમ બહાર નીકળતી થઈ છે એનું ડૉ. પટેલને મન ભારે મહત્ત્વ છે.

સરોગેટ માતાને મળતી રૂ. દોઢબે લાખની રકમની એક રીતે જોતાં કશી વિસાત નથી. અમદાવાદના વૈભવી ફ્લેટ કે મુંબઈના સામાન્ય ફ્લેટનું નવ મહિનાનું ભાડું આનાથી વધારે હોય. બીજી તરફ, દોઢબે લાખ રૂપિયા અને એક દંપતીની સદ્ભાવના મેળવનારના જીવનમાં એ રકમથી આવતું પરિવર્તન પણ ઓછં નોંધપાત્ર નથી હોતું. ડૉ. નૈના પટેલ કહે છે, ‘સ્ત્રીને પાંચ-છ બાળકો હોય તેની હમણાં સુધી નવાઈ ન હતી. હું મારાં માતાપિતાનું નવમું સંતાન હતી. મારાં બાકીનાં આઠે ભાઈબહેન ઘરે જન્મ્યાં હતાં. હું એકલી જ હોસ્પિટલમાં જન્મી હતી. એ જમાના કરતાં અત્યારે તબીબી સુવિધાઓ ઘણી વધી છે એટલે સરોગેટ માતૃત્વની વાતને યોગ્ય દ્રષ્ટિકોણથી લઇને, સરખી રીતે કામ કરવામાં આવે તો એના જેવું ઉત્તમ બીજં કશું નથી.’ અને ‘સરખી રીતે’ એટલે? ડૉ. પટેલ કહે છે, ‘કામગીરીના અંતે આપણો અંતરાત્મા ડંખવો ન જોઇએ.’

ટંકશાળ જેવી પ્રેક્ટિસ અને કેમેરા ફ્લેશના ઝગારા વચ્ચે અંતરાત્માને અકબંધ રાખવાનું સહજ હોય એના માટે સહેલું, બાકી તો પોતાના ગર્ભમાં ઉછેરેલું બાળક બીજાને સોંપી દેવાથી પણ વધારે અઘરંુ છે.

સગપણનાં ઉખાણાં
અમેરિકામાં એક જ દિવસે સરોગેટ માતાએ અને સગી માતાએ બાળકને જન્મ આપ્યો એ કિસ્સો આ મહિને પ્રસાર માધ્યમોમાં ચમક્યો હતો પણ લગભગ એવો જ બનાવ ડૉ. નૈના પટેલના ક્લિનિકમાં માર્ચ, ૨૦૦૭માં બન્યો. અમેરિકામાં ટ્રીટમેન્ટ કરાવ્યા પછી સંતાનની આશા છોડી ચૂકેલા દંપતીએ આણંદ આવીને સરોગેટ માતાની સેવા લીધી અને ડૉક્ટરની ઇચ્છાથી માતા ઉપર પણ પ્રયોગ કરવામાં આવ્યો.

યોગાનુયોગ એવો બન્યો કે સરોગેટ માતાની સાથોસાથ સગી માતા પણ સગર્ભા બની અને બંનેએ માર્ચ મહિનામાં સંતાનને જન્મ આપ્યો. આવું થાય ત્યારે વિઝા મેળવવાની પ્રક્રિયા ગૂંચવાઈ જાય છે, પણ સરોગેટ માતૃત્વથી સંતાન મેળવવા જેટલી ધીરજ ધરાવતાં દંપતી વિઝા જેવી બાબતમાં હાર માનતાં નથી.

સરોગેટ માતૃત્વની શરતો અને જોખમો

  • પરણેલી અને માતા બની ચૂકેલી સ્ત્રીને જ સરોગેટ માતા તરીકે સ્વીકારવામાં આવે છે. બે સિઝેરિયન થયાં હોય એવી સ્ત્રીને ના પાડવામાં આવે છે.
  • કોઈ પણ સ્ત્રી વધુમાં વધુ ત્રણ વાર સરોગેટ માતા બની શકે છે. સરોગેટ માતા તરીકે પ્રસૂતિમાં સિઝેરિયન ઓપરેશન થાય તો પણ બીજી વખત સરોગેટ માતા તરીકે તે સેવા આપી શકે છે.
    સ્ત્રી સરોગેટ માતા બનવા તૈયાર થાય ત્યારથી છેક પ્રસૂતિ સુધી તેને કાઉન્સેલિંગ દ્વારા ‘આ બાળક તમારંુ નથી. તમારે બાળક આપી દેવાનું છે.’ એ હકીકત માટે માનસિક રીતે તૈયાર કરવામાં આવે છે. સાથોસાથ, ‘કોઇનું બાળક તમારે ત્યાં એક દિવસ પણ રહેવા આવે તો તમે કેટલી બધી સંભાળ રાખો! એવી જ રીતે તમારે આની સંભાળ રાખવાની છે.’ એવું પણ સમજાવાય છે.
  • સરોગેટ માતા બનવા ઇચ્છતી સ્ત્રી અને તેના પતિ સાથે રૂ. ૧૦૦ના સ્ટેમ્પપેપર પર કરાર કરવામાં આવે છે. તેમાં ચૂકવવાની રકમથી માંડીને ‘આ પ્રક્રિયામાં મારંુ મૃત્યુ થવાની શક્યતા રહેલી છે એ હું જાણું છં.’ એવી તમામ બાબતો કોઈ પણ જાતના ગૂંચવાડા વગર શુદ્ધ ગુજરાતીમાં લખવામાં આવે છે. નક્કી થયેલી રકમ એક સાથે ચૂકવાતી નથી. ત્રણ મહિના પછી એક હિસ્સો (આશરે રૂ. પચીસ હજાર), બીજા ત્રણ મહિના પછી એટલો જ હિસ્સો અને બાકીની રકમ પ્રસૂતિ થયા પછી, પ્રસૂતિ પહેલાં કંઇક અઘટિત બને, તો રકમની ચુકવણીનો આધાર બંને પક્ષોની સમજદારી પર રહે છે. સરોગેટ માતાને કોઈ પણ પરિસ્થિતિમાં પૂરેપૂરી રકમ મળે જ, એવો કરાર હોતો નથી.
  • એપ્રિલ, ૨૦૦૨થી ભારતમાં સરોગેટ માતૃત્વને કાનૂની મંજૂરી મળી. ડૉ. નૈના પટેલના જણાવ્યા પ્રમાણે, ‘સરોગેટ માતૃત્વ અંગેનો કાયદો હજ બન્યો નથી. મેડિકલ કાઉન્સિલની ગાઇડલાઇનથી કામ ચાલે છે.’ મેડિકલ કાઉન્સિલની વેબસાઇટ પર ઉપલબ્ધ ‘એગ્રિમેન્ટ ફોર સરોગસી’ના લખાણને રૂ. ૧૦૦ના સ્ટેમ્પપેપર પર ટાઇપ કરાવીને, તેની પર નોટરીના સહીસિક્કા કરાવવામાં આવે છે.
  • વિદેશોમાં સરોગેટ માતાઓ માટે જદા જદા કાયદા છે. અમેરિકાનાં દરેક રાજ્યમાં પણ કાયદો સરખો નથી. બ્રિટનમાં સરોગેટ માતાની જે રાષ્ટ્રીયતા હોય, એ જ બાળકની રાષ્ટ્રીયતા બને છે. એ કારણથી ડૉ. પટેલના પહેલા કેસ એવાં જોડિયાં બાળકોને બ્રિટન જતા બહુ મુશ્કેલી પડી. એ જ રીતે આણંદમાં સરોગેટ માતાના પેટે જન્મેલાં બેત્રણ બાળકોના કેસ આવ્યા. એટલે અમેરિકન એમ્બેસીના એક મહિલા અફસર ખાસ આણંદ આવીને ડૉ. નૈના પટેલની મુલાકાત લઈ ગયાં. ત્યાર પછી ડૉ. પટેલને એક ખાસ ઇમેલ એડ્રેસ, ફોન નંબર આપવામાં આવ્યાં છે. હવે એમ્બેસીમાં જતાં પહેલાં કયા દસ્તાવેજોની જરૂર પડશે એની યાદી ડૉ. પટેલ પાસેથી જ મળી જાય છે અને પોતાના કેસની વિગતો એ સીધી એમ્બેસીને આપી શકે છે જેથી બાળકનાં માતાપિતાને હેરાન થવું ન પડે.
  • બાળક, તેની સરોગેટ માતા અને મૂળ માતા એ ત્રણેનો એક ગ્રૂપફોટો અમેરિકાનાં દંપતીઓ માટે ફરજિયાત છે. બાળકના વિઝા મેળવવા માટેની ફાઇલમાં એ ફોટો મૂકવો પડે છે. ભારતના દંપતીના કિસ્સામાં ક્યારેક સરોગેટ માતા અને સગી માતા એક સાથે ફોટો પડાવે, તો કેટલાક કિસ્સામાં એ તૈયાર ન થાય એવું પણ બને. કેટલીક માતાઓ એવી પણ હોય છે, જે કહે છે કે અમારંુ સંતાન મોટું થશે ત્યારે તેને હું સરોગેટ માતા વિશે જાણ કરીશ.

હું તમે ને ગામઃ જન્મદિને મરસીયા

૨૦ ઓગસ્ટે રાજીવ ગાંધીની જન્મતારીખ નિમિત્તે ગુજરાત કોંગ્રેસે આ હોર્ડંિગ લગાડ્યું છે. તેમાં મથાળું છેઃ તમારી શહીદી ને અમારી સલામ. (‘શહીદી’ અને ‘ને’ વચ્ચે ફૂટબોલ રમાય એટલી જગ્યા શા માટે છે, તે જાહેરખબર બનાવનારને પૂછવું.)

હમ દેખ રહેં હૈં કિ, રાજીવ ગાંધીને ઘણા સમયથી ‘શહીદ’ કહેવામાં આવે છે.
અબ હમેં દેખના હૈં કિ, એમને શહીદ શી રીતે કહેવાય?
શહીદી એટલે જાણીબુઝીને પવિત્ર કામ ખાતર વહોરી લીધેલું મૃત્યુ. ગાંધીજીએ જલિયાંવાલા બાગમાં મૃત્ય પામેલા લોકો પ્રત્યે દિલોસોજી દાખવીને તેમને શહીદ ગણવાનો ઇન્કાર કર્યો હતો. રાજીવ પણ શી રીતે શહીદ ગણાય? તેમને ખબર હતી કે શ્રીપેરામ્બુદુરની સભામાં તેમના માટે માનવબોમ્બ તૈયાર છે?
કોઇ એમ કહે કે ‘તેમની શ્રીલંકા-નીતિને કારણે રાજીવે જીવ ગુમાવ્યો. એટલે તેમને દેશ ખાતર શહીદ ગણવા જોઇએ.’ પણ એવું હોય તો રાજીવની શ્રીલંકા-નીતિ માટે ગુજરાતીમાં વધારે સારો શબ્દ છેઃ‘ આપઘાત’. એટલે, વઘુમાં વઘુ એવું કહી શકાય કે ‘રાજીવ ગાંધી દેશ ખાતર મૃત્યુ પામ્યા.’ એથી એક દોરો પણ વધારે નહીં.

અને સૌથી મઝાની વાત. બિચારા રાજીવ ગાંધીની પુણ્યતિથીએ તેમની ‘શહીદી’ને યાદ કરવામાં આવે તો સમજ્યા. તેમના જન્મદિને પણ તેમના મૃત્યુની વાત? કેમ ભાઇ, રાજીવ ગાંધીએ જીવનમાં ‘શહીદ’ થવા સિવાય બીજું કોઇ સારૂં કામ જ નહોતું કર્યું? ફોનક્રાંતિ જેવાં તેમનાં પગલાં તેમના જન્મદિન નિમિત્તે યાદ ન થઇ શકે?

પણ ભાજપની સંઘપરિવારભક્તિ અને કોંગ્રેસની ગાંધીપરિવારભક્તિનું શું કહેવું?

Monday, September 08, 2008

ધરમના ધંધાનું કોર્પોરેટાઇઝેશન

‘હેલો, આસારામ ટ્રેડિંગ? અગરબત્તીનાં દસ કાર્ટૂનનો શું ભાવ છે?’
‘સોરી. આ તો ‘આસારામ બાઝાર (ઇન્ડિયા) લિમિટેડ’ છે. તમારે અગરબત્તીનો પ્લાન્ટ નાખવો હોય તો બોલો. અમારી પાસે અમેરિકાની ટેકનોલોજી, જાપાનના એક્સપર્ટ, ચાઇનાનું રો મટીરીયલ અને ઇન્ડિયાનો મેનપાવર છે.’
‘પણ...’
‘તમને ખબર લાગતી નથી કે હવે અમારૂં સત્તાવાર કોર્પોરેટાઇઝેશન થઇ ગયું છે. રૂપર્ટ મરડોકની કંપનીએ અમારો ૨૭ ટકા હિસ્સો ખરીદી લીધો છે. એટલે કંઇ પણ આડુંઅવળું બોલતાં પહેલાં સત્તર વાર વિચારજો અને ઓસ્ટ્રેલિયા-અમેરિકાની કોર્ટના ધક્કા ખાવાની તૈયારી હોય તો જ બોલજો.’
‘પણ, પહેલાં જે સાધક પાસેથી હું અગરબત્તીઓ ખરીદતો હતો એ..’
‘એ અત્યારે ઇમ્પોર્ટન્ટ ઝોનલ મીટીંગમાં બેઠા છે, તેમના ઉપરી નેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં દિલ્હી છે અને તેમના બોસ સિલિકોન વેલી ગયા છે. અમારો બીજો ૧૩ ટકા હિસ્સો ત્યાંની એક કંપની ‘બિગફ્રોડ ડોટ કોમ’ ખરીદવા ઇચ્છે છે. હવે વધારે કંઇ પણ જાણવું હોય તો ગુજરાતીમાં સાંભળવા માટે ૧, સિંધીમાં સાંભળવા ૨ અને હિંદીમાં સાંભળવા ૩ દબાવજો. હરિ ઓમ.’
***
આ સંવાદ કાલ્પનિક છે. છતાં અત્યારની ગતિવિધી જોતાં ભવિષ્યમાં તે વાસ્તવિકતામાં ફેરવાય તો નવાઇ ન લાગવી જોઇએ. ધરમના નામે મોટા પાયે ધંધો થવામાં અત્યારે કશું બાકી નથી. પણ એ ધંધાનું કોર્પોરેટાઇઝેશન થાય, તે કલ્પના માટે હજુ અવકાશ છે. માત્ર ને માત્ર નફામાં રસ ધરાવતી કોર્પોરેટ કંપનીઓને ધરમના તગડા ધંધામાં રસ પડે એવી પૂરી સંભાવના પણ છે. કારણ કે તેમાં કોર્પોરેટ જગતના તમામ દાવપેચ ખેલી શકાય અને તેની તમામ કાર્યપદ્ધતિઓ અપનાવી શકાય એવી ગુંજાશ રહે છે. જેમ કે,

ચેઇન સ્ટોર્સઃ અત્યારે અમે ચાર ચર્ચ, છ મંદિર અને ત્રણ મસ્જિદ સાથે સ્પેસ-શેરિંગ બેસીસ પર એરેન્જમેન્ટ કરી છે. ત્યાં એક ખૂણામાં અમારાં સત્સંગ કેન્દ્ર -કમ-સ્ટોર હશે. ધીમે ધીમે અમે આખા ભારતમાં અમારા સ્વતંત્ર ચેઇન સ્ટોર્સ ખોલવા માગીએ છીએ. દરેક સ્ટોરમાં એક જ જગ્યાએથી જગતના બધા ધર્મોનાં પ્રતિક તથા વિધીવિધાનોમાં વપરાતી વસ્તુઓ મળશે.

અમારા ચેઇન સ્ટોરના મેમ્બરને ખાસ કાર્ડ ઇશ્યુ કરવામાં આવશે. કાર્ડ ત્રણ પ્રકારનાં હશે. પ્લેટિનમ કાર્ડ ધરાવતા ગ્રાહકો સીધા તેમના સંપ્રદાય કે પંથના મુખ્ય ગુરૂ સાથે- એટલે કે તેમના પી.એ. સાથે - વાત કરી શકશે. ગોલ્ડ કાર્ડ ધરાવતા લોકો માટે એક્ઝિક્યુટીવ લેવલના ધર્મપુરૂષો સાથે વાતચીતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને સિલ્વર કાર્ડધારકો જે તે ધર્મના જાણકાર ગોર મહારાજનો નંબર જોડીને દક્ષિણા ચૂકવ્યા વિના સીધી વાત કરી શકશે. એ સિવાયના ગ્રાહકોની આઘ્યાત્મિક મંૂઝવણના ઉકેલ માટે અમારાં કોલ સેન્ટર તો ખરાં જ.

દેશભરમાં ફેલાયેલા અમારા બધા આઘ્યાત્મિક ચેઇનસ્ટોર એક જ કંપનીના હોવાથી તેમનું નામ ‘સબ કા માલિક એક’ રાખીએ તો કેવું રહેશે?

કોલાબરેશન, મર્જર એન્ડ એક્વીઝીશનઃ કહેવાય છે કે તંબુના માલિકને તેના જ તંબુમાંથી હડસેલી મુકતાં પહેલાં ઊંટે માલિક સાથે કોલાબરેશન કર્યું હતું. એ જ રીતે, મોટી માછલી નાની માછલીને ગળી ગઇ હતી? ના. એ તો નાની માછલીનું મોટી માછલીમાં મર્જર થઇ ગયું. કોર્પોરેટ ક્ષેત્રની આ મનગમતી રમત છે. લક્ષ્મી મિત્તલ કે ટાટા જેવા ભારતીયો આજકાલ પરદેશી કંપનીઓને પોતાનામાં ભેળવી રહ્યા છે, તો ધર્મના ક્ષેત્રે એવું શા માટે ન બને?

ભારતના સમૃદ્ધ સંપ્રદાયો વેટિકન સાથે ‘સ્ટ્રેટેજિક કોલાબરેશન’ દ્વારા ઇટાલી-ફ્રાન્સથી માંડીને બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં પોતપોતાની શાખાઓ સ્થાપી શકે છે. જરા કલ્પના તો કરોઃ ટીમ્બકટુ કે હોનોલુલુની ગલીઓમાં દેશી સંપ્રદાયોના જયજયકાર કરતાં પાટિયાં વાંચવા મળે તો કેવો વિશ્વવિજય થઇ જાય! અને આ ક્ષેત્ર એવું હશે, જેમાં ચીન કદી ભારતનો મુકાબલો નહીં કરી શકે.

ધન અને ધર્મસત્તાની બાબતમાં વેટિકન ભારતના સંપ્રદાયો-પંથો કરતાં જરાય ઉતરતું નથી. એટલે કોલાબરેશન પછી કશ્મકશ તો ઘણી થાય. પણ ત્યાં સુધીમાં ભારતનો - ખાસ કરીને ગુજરાતનો કોઇ ફિરકો તિબેટના દલાઇ લામા સહિત બીજા નાના-મોટા સમુહોને અનુયાયીઓ સહિત એક્વાયર કરી લે, અમુક બાવાઓને તેમની ‘ક્રિમિનલ લાયેબીલીટી’ સહિત ટેક ઓવર કરવામાં આવે અને સમૃદ્ધ ભક્તમંડળ ધરાવતા કથાકારોને પોતાના બોર્ડ મેમ્બર બનાવી દે, તો તેમની કંપનીના (શેરહોલ્ડર્સની જેમ) ‘ફેઇથહોલ્ડર્સ’ની સંખ્યા અને તાકાત ઘણાં વધી જાય. ત્યાર પછી વેટિકન સાથે કામ પાડવામાં - અને વખત આવ્યે તેની પર નજર બગાડવામાં સરળતા રહે.

વિદેશની લ્હાયમાં દેશને ભૂલી શકાય નહીં, એ ધરમ સહિતના સૌ ધંધાર્થીઓ સમજેે છે. એટલે દેશમાં રાજ્યસ્તરે એકબીજા સાથે કોર્પોરેટ રમતો રમી શકાય. ધારો કે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં બાપા અને દાદા વચ્ચે કોલાબરેશન હોય, તો પણ બાકીનાં માર્કેટ માટે બન્ને વચ્ચે સ્પર્ધા હોઇ શકે. મુક્ત બજાર થઇ ગયા પછી એકબીજાના અનુયાયીઓ તોડવા માટે મુક્ત મને પ્રયાસ કરવામાં કશો છોછ ન હોય. પ્રસાર માઘ્યમોમાં ફિરકાઓની જાહેરખબર આવતી થઇ જાય, જેમાં પરદેશમાં તેમની કેટલી શાખાઓ છે તેનો ખાસ ઉલ્લેખ હોય. ‘૫૬ દેશ. ૧૨૭ ભાષા. ૧ નામ. જય ભોગેશ્વર’ એવાં ચબરાકીયાં સૂત્રો કોઇ ફોન નેટવર્કની નહીં, પણ સંપ્રદાયોની જાહેરખબરમાં જોવા મળી શકે.

આઉટસોર્સંિગઃ અત્યારે સ્થિતિ એવી છે કે મોટા ભાગના ફિરકા પોતપોતાના વિરોધીઓને સીધા કરવા માટે કેટલાક ભક્તોનું શરીરબળ ખપમાં લે છે અથવા આ કામમાં ઉપયોગમાં લઇ શકાય એવા બળુકા પુત્રોને ભક્ત બનાવે છે. પરંતુ આખો ધંધો વૈશ્વિક થશે અને આંતરરાષ્ટ્રીય કાયદાકાનૂનનો મામલો આવશે, ત્યારે કોને ખબર? અમેરિકાનો નવો પ્રમુખ દીદી પાસે રાખડી ન પણ બંધાવે કે બાપાના આશીર્વાદ ન પણ લે. એ વખતે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની બ્રાન્ડ ઇમેજની ખેવના કરતા ફિરકા ‘મસલ પાવર’નું આઉટસોર્સંિગ કરી દેશે. વર્ષે એક વાર ‘ભાઇ’ સાથે કોન્ટ્રાક્ટ રીન્યુ કરી લીધો, એટલે આખું વર્ષ હાથ ખરડવાની જરૂર નહીં. દરમિયાન, કેટલાક ભાઇલોગ પણ અઘ્યાત્મ તરફ વળવાનું વિચારતા હશે- પોલીસના દબાણથી નહીં, પણ ધંધાના આકર્ષણથી. તેની શરૂઆત અત્યારથી થઇ જ ચૂકી છે. કેટલાક બાવાઓના ભૂતકાળ તપાસતાં તેની ખાતરી મળી જશે.

આઇપીઓઃ મોટી કંપનીઓ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ- ટૂંકમાં પબ્લિક ઇશ્યુ કાઢે છે. તેના થકી લોકોના રૂપિયા ઉઘરાવીને, પોતાની આવડતથી લોકોના પૈસે પોતે ફૂલેફાલે છે. આ રિવાજ કોર્પોરેટ ક્ષેત્રનો છે? બિલકુલ નહીં. કોર્પોરેટ ક્ષેત્રમાં વારેઘડીએ આઇપીઓ કાઢી શકાતા નથી, જ્યારે અઘ્યાત્મમાં અલગથી આઇપીઓ કાઢવાની જરૂર પડતી નથી. પહેલેથી છેલ્લે સુધી તે લોકોના પૈસે જ ચાલે છે, છતાં લોકોને તેમાં શેર (ભાગ) આપવાનો હોતો નથી. આ રિવાજ એવો છે કે તેમાં કોર્પોરેટ ક્ષેત્રને અઘ્યાત્મનું અનુકરણ કરવાનું મન થાય.

Saturday, September 06, 2008

એક પગ ઉત્તર ગોળાર્ધમાં, બીજો દક્ષિણ ગોળાર્ધમાં

રાજકોટના આર્ટિસ્ટ-ફોટોગ્રાફર અને વડીલમિત્ર રમેશ ઠાકર તરફથી મળેલી આ તસવીર વિષુવવૃત્તની છે. યુગાન્ડામાંથી પસાર થતી અને પૃથ્વીને બે ભાગમાં વહેંચતી વિષુવવૃત્તની કાલ્પનિક રેખા વિશે ઘણું સાંભળ્યું હતું. આ તેનો ફોટો. વિષુવવૃત્ત પર એક પગ ઉત્તર ગોળાર્ધમાં અને બીજો પગ દક્ષિણ ગોળાર્ધમાં રાખીને બેઠેલા ભાઇ રમેશભાઇના પુત્ર અને ઇન્ડિયન એરફોર્સમાં વિંગ કમાન્ડરનો હોદ્દો સંભાળતા કેદાર ઠાકર છે.

પંદર-સત્તર વર્ષ પહેલાં રાજકોટમાં રમેશભાઇના મકાન ‘હિમાલય’ના વાસ્તુપ્રસંગે કેદારભાઇને મળવાનું થયું હતું. કેદારભાઇ અત્યારે મઘ્ય આફ્રિકાના કોંગોમાં યુનો સંચાલિત પીસ કીપીંગ ફોર્સમાં કાર્યરત છે. આગળ આર્ટિસ્ટ-ફોટોગ્રાફર તરીકે જેમની ઓળખાણ આપી છે તે રમેશભાઇ ચિત્રકાર, ફોટોગ્રાફર, ઓટોગ્રાફસંગ્રાહક, હિમાલયના પ્રેમી, સિંહોના અભ્યાસી, ટિકિટસંગ્રાહક અને હજું હું નથી જાણતો એવું ઘણું બઘું છે. સામાન્ય રીતે આટલા વૈવિઘ્યપૂર્ણ રસ ધરાવનારાની કક્ષામાં બહુ પ્રશ્નો હોય છે. પરંતુ રમેશભાઇ આ દરેક બાબતમાં ડિસ્ટિંક્શનથી ઉપરની કક્ષા ધરાવે છે. તેમની પાસે રહેલું મહાનુભાવોના ઓટોગ્રાફ ધરાવતા સ્કેચનું કલેક્શન જોવું એક લહાવો છે. ક્યારેક મોકો મળશે તો તેમાંથી થોડી પ્રસાદી અહીં મુકીશ.

Thursday, September 04, 2008

જોવા જેવી ફિલ્મઃ બ્લડ ડાયમન્ડ

આલિશાન શોરૂમમાં ચમકતા-દમકતા અને ‘ફોર એવર’ ગણાતા હીરા માટે આફ્રિકામાં કેવી ખૂનરેજી થાય છે, એવો આ ફિલ્મનો પ્લોટ જાણ્યા પછી થયું હતું,‘ઠીક છે. જોઇશું ક્યારેક.’ ખૂનખરાબો ખાસ્સા પ્રમાણમાં છે એવું સાંભળીને પણ થયું હતું,‘ચાલશે. નહીં જોવાય તો.’ પણ ફિલ્મ જોયા પછી લાગ્યં કે સંદેશો-બંદેશો ઠીક છે- અમસ્તા પણ આપણે કયા દિવસે થેલી લઇને હીરા ખરીદવા નીકળવાના હતા?- પણ ફિલમ બનાવી છે જોરદાર.

સૌથી વધારે મઝા એ વાતની પડી કે ફિલ્મમાં હીરો, હીરોઇન ને વિલન જેવા તાત્ત્વિક ભેદ નથી. એક માણસને એકંદરે હીરો કહેવો હોય તો કહી શકાય. પણ એમાંથી કોઇ દુનિયા બચાવવા નીકળ્યું નથી. બધામાં સામાન્ય માણસમાં હોય એવી સારપ છે અને એવી ખરાબી પણ છે. એ સૌના સ્વભાવનું ફોકસ (બીજાને) મારી નાખે એવું છે!

‘ટાઇટેનિક’ના ચોકલેટી હીરો લીઓનાર્દો દ કેપ્રીઓ માટે હીરા જ સર્વસ્વ છે. હીરોઇનની ગરજ સારતી રીપોર્ટર કન્યા માટે સ્ટોરી અને તેને લગતા પુરાવા સર્વસ્વ છે, જ્યારે ત્રીજા બરબાદ અને રાનરાન થઇ ગયેલા સ્થાનિક માણસને વિખૂટા પડી ગયેલા પોતાના કુટુંબની તલબ છે. ફિલ્મમાં બાળકોને જે રીતે આતંકવાદી બનાવવામાં આવે છે, તેનું ચિત્રણ સૌથી ખતરનાક અને મગજને ત્રાસ પહોંચાડે એવું છે. એ જ તેનો આશય છે. હિંસા ઘણી બતાવી છે. પણ ફિલ્મના માહોલમાં તે અનુરૂપ છે.

ફિલ્મ જોયા પછી ‘કાગડાકૂતરાના મોતે મરીશ, પણ જીવનભર હીરો ધારણ નહીં કરૂં’ એવી પ્રતિજ્ઞા લેવાનું અપેક્ષિત નથી. છતાં ફિલ્મ દર્શકને ખેંચી લેવાનું અને તેના મનમાં ધૂસી જવાનું કામ કરી જાય છે. એ જ તેની સફળતા છે.

ગુજરાતી કાર્ટૂનનું ઠેકાણું

ગુજરાતીમાં કાર્ટૂનની ‘પંચી’ લાઇન લખનારા ‘જામી’ જેવા ઘુરંધરો છે, પણ મઝાનાં કેરિકેચર બહુ જોવા મળતા નથી. કોઇ કાળે શિવ પંડ્યા અને ‘ચકોર’કાકાની એ મઝા હતી. ચકોરકાકા કેટલાંક અંગોપાંગો પર જરા વિશેષ ઘ્યાન આપતા (એમની જયલલિતા યાદ આવે છે?) પણ એમનાં જૂનાં કાર્ટૂનમાં કેરિકેચરિંગની મઝા હતી. એટલે ગુજરાતી જણનાં સારાં કેરિકેચર જોઇને વિશેષ મઝા આવે છે. એમાં પણ એ બનાવનાર મિત્ર હોય પછી પૂછવું જ શું?

મુંબઇના કાર્ટૂનિસ્ટ-કમ-રેડિયોલોજિસ્ટ ડો.હેમંત મોરપરિયા જન્મે ગુજરાતી છે, મુંબઇમાં તેમના ક્લિનિક પર ગુજરાતીમાં ગપ્પાં માર્યાં છે. પણ એ ગુજરાતી વાંચી શકતા નથી. પંદર-વીસ વર્ષથી પરિચયમાં રહેલા હેમંત મોરપરિયાની સરખામણીમાં અશોક અદેપાલ સાથેનો પરિચય પ્રમાણમાં તાજો છે, પણ તાજા રંગની માફક ઉખડી જાય એવો નથી.

અશોક અત્યારે ‘દિવ્ય ભાસ્કર’ની રાજકોટ આવૃત્તિમાં કામ કરે છે. તેમણે www.ashokadepal.com નામની વેબસાઇટ તૈયાર કરી છે, જે ‘દિવ્ય ભાસ્કર’ અમદાવાદના નિવાસી તંત્રી અજય ઉમટ દ્વારા લોન્ચ થઇ અને મુખ્ય મંત્રીએ પોતાનો શુભેચ્છાસંદેશ પણ આપ્યો. અશોકની સેન્સ ઓફ હ્યુમર પહેલેથી સારી.

અશોકની વેબસાઇટ પરથી તેમની પીંછી (કે માઉસ)ની કમાલ તરીકે અજયભાઇ ઉમટનું તેમણે બનાવેલું કેરિકેચર અહીં મુક્યું છે. અજયભાઇને મળી ચુકેલા સૌ કોઇ અશોક પર ફીદા થયા વિના રહેશે નહીં અને મળવાનું બાકી હશે એવા લોકો મળ્યા પછી અશોક પર ફીદા થશે.
અશોક, તુમ આગે બઢો- પણ રાજનેતાઓના આશીર્વાદની ખેવના રાખ્યા વિના.

Tuesday, September 02, 2008

રેખાઓના ‘અમિતાભ’ : વૃંદાવન સોલંકી

મોરારીબાપુ વિશે ચર્ચા ચાલી જ છે, તો અહીં તેમનું એક ડ્રોઈંગ મુકવાનું મન થયું. દેશવિદેશમાં ખ્યાતિ ધરાવતા ગુજરાતી ચિત્રકાર વૃંદાવન સોલંકીએ આ ડ્રોઈંગ બનાવ્યું હતું અને તે એ અર્થમાં એક્સક્લુઝીવ છે કે અહીં તે પહેલી વાર પ્રગટ થઇ રહ્યું છે.
વૃંદાવનભાઇ અને તેમનાં પત્ની ચિત્રાબહેનની જોડી જેમણે લગ્ન ન કર્યાં હોય અથવા જે લગ્ન કરવાથી ગભરાતા હોય, એવા લોકોને લગ્ન કરવાની પ્રેરણા (કે હિંમત!) આપે એવી મસ્ત છે.

મિત્ર બિનીત મોદીને કારણે અમારો સંપર્ક બહુ ગાઢ બન્યો. આ ચિત્ર પણ બિનીત અને વૃંદાવનભાઈના સૌજન્યથી અહીં મુકી શકાયું છે. ‘આરપાર’ના અમે તૈયાર કરેલા સરદાર વિશેષાંકના ટાઇટલ માટે સરદારનો સ્કેચ વૃંદાવનભાઇએ બનાવ્યો હતો અને સરદાર વિશેના મારા પુસ્તકમાં તેમણે પ્રેમપૂર્વક રાષ્ટ્રીય નેતાઓનાં અનોખા સ્કેચ બનાવ્યા હતા. વૃંદાવનભાઈનાં ચિત્રો લાખો રૂપિયામાં વેચાય છે, પણ અંગત વ્યવહારમાં તે અને ચિત્રાબહેન અત્યંત પ્રેમાળ અને ઉષ્મા છલકતાં છે.
વૃંદાવનભાઇનો વઘુ પરિચય મેળવવા ઇચ્છતા મિત્રો આ મહિનાનો ‘આહા! જિંદગી’નો અંક મેળવી લે. તેમાં મારા મોટા ભાઇ બીરેન કોઠારીએ વૃંદાવનભાઇનો પ્રોફાઇલ કર્યો છે. જેમને આ મેગેઝીન સુલભ ન હોય, તે જાણ કરશે તો બીરેન પાસેથી મેળવીને આ લેખની પીડીએફ મોકલી આપીશ.

Monday, September 01, 2008

હું, તમે ને ગામ # મોરારીબાપુઃ સરવૈયું અને થોડી છૂટક એન્ટ્રી

વિચારતો હતો કે ‘નમસ્કાર’ (ઓગસ્ટ, 2008)માં છપાયેલું મોરારીબાપુનું ગુજરાતના મુખ્ય મંત્રી વિશેનું અવતરણ અને બીજી થોડી વાતો ‘નિરીક્ષક’માં મુકું. પણ તે પહેલાં મુખ્ય મંત્રીના ‘નોટ સો અર્નેસ્ટ, નોટ સો યંગ’ ઇમેજ મેનેજર ગુણવંત શાહે પોતાની ‘ચિત્રલેખા’ની કોલમમાં મુખ્ય મંત્રીનાં વખાણનાં ગાડાં ઠાલવતું મોરારીબાપુનું નિવેદન શબ્દશઃ મુકી જ દીધું. તે પહેલાં તેમના બીજા માનદ્ ક્લાયન્ટ- એન્કાઉન્ટરબાજ અફસર વણઝારા વિશે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ છાપેલાં વખાણ ગુણવંત શાહે હોંશભેર – એક વ્યવસાયિક એડ એજન્સીની ચીવટ અને જવાબદારીથી- ‘ચિત્રલેખા’ની કોલમમાં ઉતાર્યાં હતાં. આને ડાયવર્ઝન કહીશું કે ડાયવર્સીફીકેશન?

-પણ મુખ્ય વાત મોરારીબાપુની છે. રજનીભાઇ (રજનીકુમાર પંડ્યા) કહે છે એટલે માની લઉં છું કે ‘બાપુ’ એ પ્રાદેશિક-વ્યવસાયગત સંબોધન છે અને ‘મોરારીદાસ’ લખીને અવિવેકી બનવાનું કોઇ કારણ નથી. હા, મિત્ર દીપક સોલિયાએ એક-બે વર્ષ પહેલાં લખેલું શીર્ષક અને તેનો ભાવ બન્ને સાથે હું પૂરો સંમત છું: ‘મઝાના માણસ મોરારીભાઇ.’

મોરારીબાપુ લોકપ્રિય કથાકાર, નમ્ર, પ્રેમાળ, કળા-સાહિત્યના પ્રેમી અને આશ્રયદાતા, ભિન્નમત ધરાવનારને જીતી શકનારા, મગજમાં પવન ન ધરાવતા, ધાર્મિક રીતે સહિષ્ણુ, ઉત્તમ યજમાન અને આર્થિક રીતે સમૃદ્ધ માણસ છે, એ વિશે ભાગ્યે જ મતભેદ હશે. આટલા ગુણ ધરાવનારને સજ્જનના ખાનામાં મુકવાનું બિલકુલ સ્વાભાવિક છે. પરંતુ તેમની સજ્જનતાને પૂજ્યતામાં ખપાવવાના પ્રયાસો થાય ત્યારે ઘણા પ્રશ્નો ઊભા થાય છે. એવું થવામાં તેમનો વ્યવસાય (કથા) અને ગેટ અપ (બાહ્ય દેખાવ) પોતાની અસર પાડ્યા વગર રહેતાં નથી.

આમજનતા બીજા ઘણા કથાકારો-મહારાજો-બાવાબાવીઓની જેમ મોરારીબાપુ પાછળ ઘેલાં કાઢે છે. તેમનાં ‘દર્શન’ કરવા હડી કાઢે છે. એ લોકોને મોરારીબાપુના ઉપર લખેલા મોટા ભાગના ગુણ સાથે કશી લેવાદેવા હોતી નથી. એ આખો અધ્યાત્મનો બિઝનેસ છે, જે મોરારીબાપુના સાત્ત્વિક લાગતા સામ્રાજ્યનો પાયો છે. મોટા ભાગના સાહિત્યકારો-લેખકો સર્જકતા કે બુદ્ધિની રીતે સરેરાશ માણસ કરતાં ચડિયાતા હોય તો પણ માનસિકતાની બાબતે એ સરેરાશ જ હોય છે. મોરારીબાપુ પ્રત્યેના તેમના અહોભાવમાં મુખ્યત્વે એ સરેરાશપણું જ કામ કરી જાય છે.

વધારાનું વજન મોરારીબાપુના ઉપર જણાવેલા ગુણો અને ખાસ કરીને નમ્રતાપૂર્વક આશ્રય આપવાની તેમની લાક્ષણિકતાથી ઉમેરાય છે. માનપાનથી વંચિત હોય કે ન હોય એવા સૌ સાહિત્યકારો મોરારીબાપુના વિનમ્ર દરબારમાં મળતી સરભરાથી ભીના ભીના થઇ જાય છે. મોરારીબાપુ તેમને કદી કહેતા નથી કે તમે કોલમોમાં મારો પ્રચાર કરો. છતાં, મોટા ભાગના કૃતજ્ઞ લેખકો-સાહિત્યકારો વગર કહ્યે મોરારીબાપુનાં ગુણગાન ગાય છે. બહુ ઓછા લોકો તેમાં પ્રમાણભાન જાળવી શકે છે. ‘પૂજય મોરારીબાપુ’ કે ‘પૂજ્ય સંતશ્રી મોરારીબાપુ’ થી શરૂ થતી કોઇ પણ વાતને પ્રમાણભાન વગરની કહી શકાય. કોઇ લેખક કે સાહિત્યકારને મોરારીબાપુ ‘પૂજ્ય’ કે ‘સંત’ લાગતા હોય તો એ તેમની અંગત માન્યતા છે. જાહેર લખાણમાં સર્વસ્વીકૃત વિશેષણ તરીકે લખવાથી છેવટે એવી સ્થિતિ પેદા થાય છે કે ‘પૂ.મોરારીબાપુ’ સિવાય તેમનો ઉલ્લેખ થઇ જ ન શકે.

પ્રમાણભાનમાં ચૂકની આ શરૂઆત છે. પછી એવું થાય છે કે સમારંભ સાહિત્યનો હોય કે ગુજરાતી ફિલ્મોનો કે એક્સવાયઝેડ વિષયનો, મોરારીબાપુ આશીર્વચન આપવા તેમાં હોય જ અને મોરારીબાપુ હોય એટલે ઓડિયન્સની ચિંતા ન કરવી પડે. એટલે આયોજકો પણ રાજી. મોરારીબાપુ કહે પણ ખરા કે ‘મારે તો સામે બેસવું હતું, પણ આ લોકોએ મને સ્ટેજ પર બેસાડી દીધો.’ તેમની આ ભવ્ય લાચારી જોઇને આપણા હૃદયમાં આ ભલા માણસ માટે અનુકંપા જાગે.

‘અસ્મિતાપર્વ’ પછી મોરારીબાપુની સાહિત્યસેવા વિશે વાત કરવાનું બહુ ચાલે છે. સાહિત્યને આશ્રય આપનારા તો બીજા પણ છે. મોરારીબાપુએ સાહિત્ય ઉપરાંત સાહિત્યકારોને પણ આશ્રય આપ્યો છે. બદલામાં તેમને સાહિત્ય પરિષદથી માંડીને સાહિત્ય સમારંભોમાં શીર્ષસ્થ અને અપ્રમાણસરનું સ્થાન મળે છે. સાહિત્યકારો અને કળાકારો ચીતરી ચડે એ હદે મોરારીબાપુની આરતી ઉતારે છે અને તેમને સામાન્ય બુદ્ધિ ધરાવનારા લોકોમાં અળખામણા કરી મુકે છે.

મોરારીબાપુ સામે વાંધો પડે એવી મુખ્ય બાબત છેઃ તેમનો ઠેકાણા વગરનો શબ્દવ્યાપાર. જો એ જ તેમનો મનોવ્યાપાર હોય તો ભારે ચિંતાજનક કહેવાય. પણ મને લાગે છે કે એ મનોરંજનના માણસ છે. એટલે શબ્દો તોળીને વાપરતા નથી અને બોલતી વખતે પોતાના પ્રભાવનો વિચાર કર્યા વિના ગબડાવે છે. તાલમેલીયું, કલમ- બલમ-ચલમ ટાઇપનું ત્રેવડા પ્રાસવાળું, અતિશયોક્તિપૂર્ણ અને લોકરંજક બોલવામાં તેમની છબી પર બહુ ધબ્બા પડે છે. જેમ કે, લેખના આરંભે જે અવતરણની વાત છે, એમાં તેમણે મુખ્ય મંત્રી વિશે એવું પણ કહ્યું કે ‘જેટલો પ્રેમ શ્રી નરેન્દ્રભાઇ ગુજરાતને કરે છે એટલો જ પ્રેમ ગુજરાતીઓ અને ગુજરાત તેમને કરે છે. એમાં અભય, પ્રેમ, ત્યાગ, કરુણા, સંવેદના અને સદભાવના આદર્શ ગુણો ભગવદગીતામાં છે તે આત્મસાત્ થાય છે...સંતોની કૃપાના એ હંમેશાં અધિકારી રહ્યા છે.’

મુખ્ય મંત્રીના પ્રેમીઓ પણ તેમનામાં રહેલા અભય, કરુણા, સંવેદના અને સદભાવ જેવા મોરારીબાપુએ દર્શાવેલા ગુણોથી પરિચિત હશે કે કેમ એ શંકા. એટલે એમ થાય કે એક બાજુ હિંદુ-મુ્સ્લિમ સદભાવ માટે દિલથી પ્રયત્ન કરતા મોરારીબાપુને ગુજરાતમાં કોમી દુર્ભાવ ફેલાવવામાં યથાશક્તિ પ્રયાસ કરનારા મુખ્ય મંત્રી માટે આવું ખુશામતીયું જૂઠાણું બોલવાની શી જરૂર પડી હશે? વિચારતાં લાગે કે એમાં કોઇ ગણતરી નહીં, પણ લોકરંજક અતિશયોક્તિની લાક્ષણિકતા કામ કરતી હશે.

એ જ રીતે, હાજી પીરમાં કથા કરનારા મોરારીબાપુ પોતાની અમદાવાદ ઓફિસના સરનામામાં ‘ઉસ્માનપુરા’ જેવું મુસ્લિમ નામ ન લખવાની હદે કટ્ટર લેખક સૌરભ શાહને પાંખમાં રાખે, પોતાની રામકથામાંથી ‘વિચારધારા’નો વિશેષાંક થાય તેનો સ્થળ પર ધંધો થવા દે અને ‘વિચારધારા’ની જાહેરખબરમાં પોતાના નામના ઉપયોગ સામે વાંધો પણ ન ઉઠાવે (‘મોરારીબાપુ વિચારધારા વાંચે છે. તમે વાંચ્યું?) – આ કેમ બને છે? ભૂતકાળમાં મોરારીબાપુ વિશે આક્રમક લખીને કોર્ટકેસનો ભોગ બની ચૂકેલા સૌરભભાઇને મોરારીબાપુ પોતાના સાત્ત્વિક વિજયની ટ્રોફી તરીકે લાડ લડાવતા હોય તો જુદી વાત છે. એવી જ આશંકા તેમના બીજા ભૂતપૂર્વ વિરોધીઓ વિશે થાય છે. કોઇ શિકાર બંદૂકથી કરે, તો કોઇ બરફીથી.

કર્ણાવતી ક્લબમાં યોજાયેલી રામકથા દરમિયાન, બિનપાયેદાર ધાર્મિક કારણો આગળ ધરીને રામસેતુ બચાવવાની ઝુંબેશનાં ફોર્મ મોરારીબાપુ વહેંચે અને લોકોને તે ઝુંબેશમાં સામેલ થવાની અપીલ કરે, એમાં લોકમતને દોરવા કરતાં લોકમતની ગાડીમાં ચડી જવાની ચેષ્ટા વધારે લાગે છે. યાદ આવે છે અમદાવાદના ગાંધી આશ્રમમાં યોજાયેલી માનસ-મહાત્મા કથા. તેમાં પણ મોરારીબાપુએ મુખ્ય મંત્રીનાં વખાણ કરતાં કહ્યું હતું કે તેમને સત્તાની પડી નથી અને એ કેવી રીતે સત્તા ફગાવી શકે એ દર્શાવવા મોરારીબાપુએ પોતાની પાસે પડેલો તકિયો હાથમાં લઇને તેનો દૂર ઘા કર્યો હતો.

મનોરંજન. શુદ્ધ મનોરંજન. પણ સચ્ચાઇના અને પોતાની વિશ્વસનીયતાના ભોગે. એ જ કથામાં તેમણે ગુજરાતના એક પ્રમુખ અખબારના તંત્રી અને મુખ્ય મંત્રી વચ્ચે સમાધાન કરાવવાની કોશિશ કરી હતી અને તાલમેલીયા ઉત્સાહમાં આવી જઇને કહ્યું હતું કે ‘રામાયણ પણ આખરે સેતુબંધની જ કથા છે.’ જેની બુદ્ધિ ઠેકાણે હોય એવો કયો માણસ રામાયણને ‘સેતુબંધની કથા’ તરીકે ઓળખાવશે?

મોરારીબાપુની પૂજ્યતાનો પ્રચાર કરનારા આ બધી બાબતો વિશે વિચારશે, તો એમને સમજાશે કે મોરારીબાપુ સજ્જન હોઇ શકે છે. છે જ. પણ તેમને પૂજ્ય કે સંત તરીકે સર્વમાન્ય બનાવવાની ઝુંબેશ ચાલુ થાય ત્યારે સજ્જન તરીકેના તેમના સરવૈયાની સાથોસાથ છૂટક એન્ટ્રીઓ જોવાની ફરજ પડે છે અને એ ઓડિટમાં બીજા લોકો ન પડે, એમાં જ મોરારીબાપુના ભક્તો માટે સારાવાટ છે.