Monday, February 23, 2026
શ્વાન-સર્વેક્ષણઃ શિક્ષકોના અહેવાલ
થોડા દિવસ પહેલાં સમાચાર હતા કે શિક્ષકોએ શ્વાન-સર્વેક્ષણનું કામ કરવાનું થશે. આવા મહત્ત્વના સામાજિક-સાંસ્કૃતિક કાર્યને કેટલાક દેશવિરોધી વિધ્નસંતોષીઓએ 'કૂતરાં ગણવાનું કામ' કહીને તેના પ્રત્યે તુચ્છકાર પ્રગટ કર્યો. 'કૂતરાં ગણવાના' કામથી શિક્ષક આલમમાં અસંતોષ વ્યાપ્યો હોવાના અહેવાલ છપાયા. (શ્વાન આલમની એ વિશેની પ્રતિક્રિયા જાણવા મળી શકી નથી.) પરંતુ આ કામને બિનશૈક્ષણિક ધારી લેવાની જરૂર નથી. વિવિધ વિષયોના શિક્ષકોના શ્વાન-સર્વેક્ષણ-અહેવાલ કેવા હોઈ શકે? થોડી કલ્પનાઃ
ગુજરાતીના શિક્ષકનો અહેવાલ
શ્વાન એટલે કૂતરું. તેમાં લિંગભેદ
સ્પષ્ટ કરવામાં આવ્યો નથી. તો નર અને માદા બંને પ્રકારના શ્વાનોનું સર્વેક્ષણ કરવું?
બાળ-શ્વાનોને કે શ્વાન-બાળોને તેમાં સામેલ કરવાં કે નહીં? સક્ષમ અધિકારીશ્રીને તે વિશે પૂછતાં આ બાબતે તેમણે
પોતાની અક્ષમતા જાહેર કરી અને કહ્યું કે ગાંધીનગર પૂછવું પડશે. પછી ઓફિસનું બારણું
બંધ છે તેની પાકી ખાતરી કરીને એમ પણ કહ્યું કે ગાંધીનગરમાં શ્વાનોનું વિપુલ વૈવિધ્ય
જોવા મળે છેઃ લાલચુ, સ્વાર્થી, હિંસક, આજ્ઞાંકિત, આળસુ, ખાઈ બદેલા, ગળે ખેસ (પટ્ટો) બાંધેલા, અદૃશ્ય પટ્ટો ધરાવતા,
પટ્ટો પહેરવા ઉત્સુક, પટ્ટો બદલવા તત્પર, લાળ ટપકાવતા, પૂંછડી પટપટાવતા, હાંફતા, દોડતા,
દોડ્યા વિના હાંફતા, હાંફ્યા વિના દોડતા, કારણ વગર ભસતા, ચેતવણી વગર કરડતા, ભસવાનો
જવાબ કરડવાથી આપતા, હડે હડે કરવાથી કાબૂમાં રહેતા... ટૂંકમાં, આ વિષય બાબતે ગાંધીનગર
જ માર્ગદર્શન આપવા માટે સક્ષમ ગણાય.
તેમની વાતમાંથી નવો પ્રશ્ન
ઊભો થયોઃ કમિશનરશ્રીના આદેશમાં સર્વેક્ષણની વ્યાખ્યા કરવામાં આવી નથી, તો સર્વેક્ષણ
કેવળ વસતી ગણતરી પૂરતું સીમિત રહેશે કે પછી રંગ-રૂપ-ગુણ-લક્ષણઆધારિત વર્ગીકરણ પણ તેમાં
સમાવિષ્ટ છે?
આવું બધું સાંભળીને ઉપરી અધિકારી
ઊભા થયા, બારણું બંધ હોવા છતાં, તેમણે એક વાર ખોલીને ફરી તેને બંધ કર્યું, સ્ટોપર મારી
અને પછી ગંભીરતાથી આદેશ આપ્યો, ‘જો ઉચિત સમજો, વો કરો.’
સામાજિક વિજ્ઞાનના શિક્ષકનો અહેવાલ
ભારતના બંધારણમાં શ્વાનોને
મતાધિકાર આપવામાં આવ્યો નથી. એટલે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલા સ્પેશ્યલ ઇન્ટેન્સિવ
રીવીઝન (સર)થી શ્વાનસમુદાયને કોઈ જોખમ નથી.
અલબત્ત, તેમના સર્વેક્ષણની જોગવાઈ કાયદામાં છે. શું શ્વાન-સર્વેક્ષણનો આદેશ એવું કહેવા માગે છે
કે શ્વાનોના અસ્તિત્વને ગણવાનું છે અને દેશના ઘણા નાગરિકસમુદાયોની જેમ કે મણિપુર જેવાં
આખેઆખાં રાજ્યોની જેમ અવગણવાનું નથી?
માનનીય સોલિસિટર જનરલ કદાચ કોઈ શ્વાનના પૂંછડી ન પટપટાવવાથી નારાજ થઈ જાય અને તેને દેશવિરોધી કે બાંગ્લાદેશી ઘૂસણખોર જાહેર કરી દેતો? સોનમ વાંગ્ચૂક જેવા નાગરિક વિશે સોલિસિટર જનરલે અદાલતમાં કરેલી દલીલો જાણ્યા પછી એવું લાગે કે તમામ શ્વાનોને સોલિસિટર જનરલ તરફથી ક્લિન ચીટ મળવી જરૂરી છે. બાકી, તેમને એવી શંકા જાય કે કોઈ સર્વેક્ષકે દેશવિરોધી શ્વાનને દેશી શ્વાનોની યાદીમાં ઘુસાડી દેવાનું કાવતરું કર્યું છે તો? આ અંગે માનનીય સર્વોચ્ચ અદાલત સોલિસિટર જનરલને સ્પષ્ટ નિર્દેશ આપે ત્યાર પછી કામ આગળ વધારી શકાય.
તર્કશાસ્ત્રના શિક્ષકનો અહેવાલ
મનુષ્ય એક સામાજિક પ્રાણી છે.
શ્વાન પણ એક સામાજિક પ્રાણી છે. એટલે ઘણી વાર મનુષ્યો શ્વાન જેવું ને શ્વાન મનુષ્યો
જેવું વર્તન કરે છે. શ્વાનો મનુષ્યોને ગણતા નથી, એટલે મનુષ્યોએ શ્વાનોને ગણવા પડે છે.
શ્વાનોને મનુષ્યોને ઉતરતા ગણે છે. કારણ કે તેમનામાં ઊંચનીચના ભેદભાવ ને જ્ઞાતિવ્યવસ્થા
હોતાં નથી. ઘણા શ્વાનો દેખાવમાં એકસરખા લાગે છે. એટલે ધારો કે કોઈ સંસ્થાના કેમ્પસમાં
10 શ્વાન હોય તો, તેમાંથી એક જ શ્વાન 10 વાર દેખાય એવી સંભાવના પણ લક્ષમાં લેવી પડે. આમ, શ્વાનોની કુલ સંખ્યા જેટલી લાગે, તેનાથી દસ
ગણી ઓછી કે દસ ગણી વધુ હોવાની સંભાવના રહે છે.
ગણિતશિક્ષકનો અહેવાલ
શ્વાન-સર્વેક્ષણની કામગીરીનો
ઉપયોગ ભલે સામાજિક હોય, પણ તેને સમજવા માટે ગણિત અનિવાર્ય છે. ધારો કે બધા શ્વાનોની
ગણતરી થઈ જાય અને તેમની સંખ્યા a હોય; બીજા ઘણા શ્વાન ગણતરીમાંથી બાકાત રહી ગયા હશે અથવા
સંતાઈ ગયા હશે અથવા નાસી ગયા હશે અથવા સર્વેક્ષક આવ્યા ત્યારે ઉંઘી ગયા હશે, એમ ધારીને
તેમની સંખ્યા b ગણવામાં આવે, તો પણ તેમનો આખરી આંકડો એ પ્લસ બી કરવાથી ન મળે. કારણ કે, તેમાં આ બંને પ્રકારના શ્વાનોની એ સંતતિનો
સમાવેશ થતો નથી, જે સર્વેક્ષણ પૂરું થાય, સોંપાય અને પ્રગટ થાય ત્યાં સુધીમાં જન્મશે.
તેમનો અંદાજ બાંધવા માટે એ પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર
પ્લસ ટુએબી--વાળું સમીકરણ કામ લાગશે. તેમાં એકસ્ટ્રા ટુએબી ક્યાંથી આવ્યા, એવું કોઈ
પૂછે તો કહેવાનું કે તે શ્વાનોની નહીં જન્મેલી સંતતિ હશે. આ રીતે ફક્ત એક સંસ્થાના
કેમ્પસના નહીં, આખા દેશમાં વસતા શ્વાન પરિવારોના આંકડા કાઢી શકાશે અને વડાપ્રધાનને
નવેસરથી શોધેલો એકસ્ટ્રા ટુએબીનો ચમત્કાર અનુભવી શકાશે.
ઇતિહાસના શિક્ષકનો અહેવાલ
સાંભળ્યું છે કે મહંમદ તઘલકે
રાજધાની દિલ્હીથી દોલતાબાદ ખસેડતાં પહેલાં દિલ્હીના શ્વાનોની વસ્તી ગણતરીનો આદેશ આપ્યો
હતો. આવા આદેશોને કારણે જ તે તરંગી કહેવાયો હશે. જોકે, દિલ્હીના શ્વાનો ખાતરીપૂર્વક
ગણાઈ રહે તે પહેલાં જ રાજધાની દોલતાબાદથી પાછી દિલ્હી આવી ગઈ. એમ તો અકબર બાદશાહે પણ
એક વાર બીરબલને દિલ્હીના કાગડાનું સર્વેક્ષણ કરવા કહ્યું હતું. ત્યારે બિરબલે અડસટ્ટે એક આંકડો ગબડાવી દીધો અને
કહ્યું હતું કે જેને અવિશ્વાસ હોય તે ગણતરી કરીને મારો આંકડો ખોટો સાબિત કરી બતાવે.
શ્વાન સર્વેક્ષણમાં પણ એ પદ્ધતિ ખપમાંલઈ શકાય?
Tuesday, February 10, 2026
શંખ, ચક્ર અને પદ્મ(શ્રી)
‘પદ્મશ્રી’ની પસંદગીની પ્રક્રિયા ઘણાને અદૃશ્ય સ્વયંવર જેવી લાગે છે, જેમાં તે પોતાની જાતને ચોસઠ કળામાં જાણકાર, બત્રીસલક્ષણા મુરતિયા તરીકે કલ્પે છે. આ પ્રક્રિયા ચાલુ થયા પછી તેમને એવાં ‘વિઝન’ આવે છે કે તે રાજસી પોષાકમાં સજ્જ થઈને, લાંબી લાઇનમાં ઊભા રહીને મોરારાબાપુના આશીર્વાદ મેળવ્યા પછી, સ્વયંવરસ્થળે પહોંચે છે. ત્યાં હાથમાં વરમાળા સાથે મરક મરક કરતી પદમણી (પદ્મશ્રી)ની અને તેમની વચ્ચે એક મોટું ધનુષ્ય પડ્યું છે. તેની પર ઝીણા અક્ષરે કેટલાક શબ્દો કોતરેલા છેઃ ચાપલુસી, સંપૂર્ણ શરણાગતિ, નિર્વ્યાજ ભક્તિ, વફાદારી... જોકે, આ શબ્દો દૂરથી વંચાતા નથી. મુરતિયો હોંશે હોંશે એ ધનુષ્ય ઉપાડવા જાય છે અને...
કેટલાક પદ્મપીપાસુઓની રીત છાશ લેવા જતી વખતે દોણી સંતાડવાની હોય છે. પોતાના પદ્મશ્રી માટે શી રીતે પ્રચારઝુંબેશ આદરવી તેનું વિગતવાર માર્ગદર્શન ઓનલાઇન અને ઓફલાઇન જૂથોને આપ્યા પછી તે બહાર પડે છે અને માસુમિયતથી કહી શકે છે,‘પદ્મશ્રી તો એક નામ છે. ખરો સંતોષ તો દેશ માટે-સમાજ માટે કંઈક કરી છૂટ્યાનો છે. હું એવું નહીં કહું કે મારે પદ્મશ્રી નથી જોઈતો. હું એવું પણ નહીં કહું કે મારે પદ્મશ્રી જોઈએ છે. હું ફક્ત એટલું કહીશ કે મને પદ્મશ્રી મળશે તો એ મારું નહીં, મેં જેમના માટે કામ કર્યું છે તે લોકોનું સન્માન હશે અને દેશના લોકોનું સન્માન થાય તે કોને ન ગમે? ટૂંકમાં, મારે પદ્મશ્રી જોઈએ છે, પણ મારા માટે નહીં, મારા રાજ્યના, દેશના લોકો માટે.’
છેલ્લા ઘણા સમયથી આવી દોણીસંતાડ પદ્ધતિ આઉટ ઓફ ફેશન છે. મોટા ભાગના લોકોને તે માફક આવતી નથી અને અકસીર પણ લાગતી નથી. છાપરે ચડીને, શરમાયા વિના, બરાડા પાડીને જૂઠું બોલવું જાહેર વ્યવહારનું અનિવાર્ય અંગ બની ચૂક્યું હોય, ત્યાં દોણી સંતાડવાનું તો બાજુ પર રહ્યું, તેનો સૌથી ઊંચો ખડકલો કરો તો કંઈ થાય. એવા લોકો ‘આતી ક્યા ખંડાલા?’ અભિગમના આરાધકો હોય છે. તે કહે છે,‘છેલ્લા અમુક વર્ષથી આપણો ટ્રાય ચાલુ જ છે. ગાંધીજીએ કહેલું કે જ્યાં સુધી સ્વરાજ નહીં મળે ત્યાં સુધી આશ્રમ પાછો નહીં આવું. આપણું બી એવું જ છેઃ જ્યાં સુધી પદ્મશ્રી નહીં મળે ત્યાં સુધી દિલ્હીના આંટાફેરા નહીં છોડું. આપણે બદ્ધાને કહી રાખ્યું છે કે કોઈ જેક હોય તો કહેજો. સાહેબની ભક્તિ તો વર્ષોથી કરીએ જ છીએ, પણ લાઇન એટલી લાંબી છે કે ફક્ત એટલી લાયકાત પૂરતી નથી. લાગવગો લગાડવી જ પડે. અમિતાભ બચ્ચનથી માંડીને આસારામ સુધી ને મુકેશભાઈ-ગૌતમભાઈથી માંડીને સાહેબનો સુટ ખરીદનારા સુધી ક્યાંય પણ તમારી ઓળખાણ હોય તો કહેજો. આપણને ઇગો-પ્રોબ્લેમ નથી. આપણે સામેથી મળવા જઈશું અને આપણને મળી જશે તો આપણા સન્માન સમારંભમાં તેમને સ્ટેજ પર પણ બેસાડીશું. આપણે કશું એકલા ખાટી લેવું નથી.’
જોકે,
બધા લોકો આ પદ્મેચ્છુકોનો ઉત્સાહ સમજી શકતા નથી અને તેમને અસ્તિત્વવાદી સવાલો પૂછે
છે. જેમ કે, ‘ધારો
કે તમને પદ્મશ્રી મળી ગયો, તો પછી તમે શું કરશો?’ આ મતલબના સવાલની પાછળ જિજ્ઞાસા છે
કે મજાક, એ નક્કી કરવું ઘણી વાર અઘરું હોય છે, પણ સાચા પદ્માકાંક્ષીઓ એવી લપમાં
પડતા નથી. કોઈ વળી ચહેરા પરના હાવભાવ જરાય બદલ્યા વિના કહી શકે છે,‘કેમ? પછી પદ્મભૂષણ નથી?’ કેટલાક જવાબ આપવાને બદલે, ‘પદ્મશ્રી મળી ગયો, તો?’નાં સપનાંમાં ખોવાઈ જાય છે. તેમને
મનમાં ‘પદ્મશ્રી કખગ
માર્ગ/ચોક’ લખેલાં પાટિયાં દેખાય છે. તેમને
પૂરા જોશથી કહેવાનું મન થાય છે કે ‘પદ્મશ્રી
લટકાવીને હું શાક લેવા જઈશ, પેટ્રોલ પુરાવવા જઈશ, પાન ખાવા જઈશ, અરે...નહાવા ને
સુવા પણ જઈશ. મારો પદ્મશ્રી છે.’
જ્યોતીન્દ્ર દવેને વાંચ્યા હોય તે એવું પણ કહી શકે કે ‘પદ્મશ્રીએ મને આટલાં વર્ષ લટકાવ્યો
છે. હવે હું તેને લટકાવી-લટકાવીને ફરીશ.’ કેટલાક પદ્મવિરહીઓને લાગે છે કે પદ્મશ્રી મળ્યા પછી ટ્રાફિકના
સિગ્નલે રોકાવું નહીં પડે, ટોલ બૂથ પર ટોલ નહીં ભરવો પડે, લોકો આપણા સર્જનથી નહીં,
તો કમ સે કમ પદ્મથી પ્રભાવિત થઈને આપણને મહાન ગણવા લાગશે.
‘પદ્મશ્રી અંગ્રેજોના જમાનાનો ખિતાબ નહીં, પણ લોકશાહી દેશનું નાગરિક-સન્માન છે’—આવી ટેકનિકલ માહિતી તેમને સ્પર્શતી નથી. એમાં તેમનો એક હદથી વધારે વાંક કઢાય એમ પણ નથી. કારણ કે, અત્યારે ઘણાં સન્માનો બિલકુલ રાજાશાહી અંદાજમાં વહેંચાય છે. પહેલાં રાજાઓ પ્રસન્ન થાય ત્યારે ‘લે, મારો સોનાનો હાર’ એમ કહીને પોતાના ગળામાંથી હાર ઉતારીને આપી દેતા હતા. હવે લોકશાહી છે. એટલે રાજાએ પોતાના ગળામાંથી કશું ઉતારવાનું હોતું નથી. તેણે ફક્ત પોતાની મહાનતાની વાર્તાઓ લોકોના ગળે ઉતારવાની હોય છે.
અને એક દિવસ પદ્મશ્રીની યાદી જાહેર થઈ જાય છે. તેમાં નામ ન દેખાતાં એક જ આશ્વાસન બાકી રહે છેઃ ‘હું તો પદ્મશ્રીથી આગળ નીકળી ચૂક્યો છું.‘ આ જ્ઞાન ક્ષણિક નથી હોતું. છેક બીજા વર્ષની પસંદગી પસંદગી પ્રક્રિયા શરૂ થાય ત્યાં સુધી તે પદ્મવંચિતનો પથ અજવાળતું રહે છે.
Tuesday, February 03, 2026
પદ્મશ્રી પુરાણ
એક સમયે ‘પદમણી નાર’ બનવું ઘણી સ્ત્રીઓનું સપનું રહેતું, એવી જ રીતે, છેલ્લા ઘણા સમયથી પદમશ્રી (પદ્મશ્રી) લેખક થવું એ ઘણા લખનારાની મહત્ત્વાકાંક્ષા હોય છે. રવીન્દ્રનાથ ટાગોર પછી બીજા ભારતીય કોઈ સાહિત્યકારને નોબેલ મળ્યો નથી. તે જાણતા ગુજરાતી કવિ-લેખકો એટલા તો વાસ્તવદર્શી છે કે નોબેલની આશા ન રાખે. જો કોઈ મોરારીબાપુ પાસે ચિઠ્ઠી લખાવીને નોબેલ કમિટી પર મોકલાવી ચૂક્યું હોય, તો આ લખનારનું અજ્ઞાન ક્ષમ્ય ગણવું. નોબેલ-સમકક્ષ ગુજરાતી સાહિત્ય પારિતોષિક શરૂ કરવાની દરખાસ્ત મોરારીબાપુ સમક્ષ નહીં મુકાઈ હોય, એવું માની લેવાનું પણ કોઈ કારણ નથી.
આટલું
વાંચીને ગુજરાતી કવિ-લેખકોને સાંભળવા ટેવાયેલા લોકોને એવો સવાલ જરાય નહીં થાય કે
સાહિત્યની વાતમાં મોરારીબાપુ આટલા બધા કેમ આવે છે. કેમ કે, ઘણા લખનારાને તો
ભાષણમાં વારંવાર મોરારીબાપુનું નામ લેવાનું જાણે ડોક્ટરે કહ્યું હોય, એટલી
ચુસ્તીથી તે બાપુસ્મરણ કરતા રહે છે. મોરારીબાપુને પૂજ્ય કહેવા કે પ્રિય, એ વિશે
ગુજરાતીમાં નિબંધ, કાવ્ય અને વક્તૃત્વની સ્પર્ધા યોજવામાં આવે અને તેના આયોજક
મોરારીબાપુ હોય, તો કવિ-લેખકો-વક્તાઓનો ધસારો ખાળવા માટે પોલીસની મદદ લેવી પડે. તેમનો
અને બાપુનો પરસ્પર પ્રેમ કોઈની ટીકાટીપ્પણીનો વિષય ન હોઈ શકે, પણ પોતે
મોરારીબાપુના કેટલા ખાસ છે તેનું જાહેર પ્રદર્શન કરવા જતાં, તે બીજી પણ કેટલીક
બાબતોનું પ્રદર્શન કરી બેસે છે.
એક તરફ
એવું લાગે કે ગુજરાતીમાં લખનારામાંથી ઘણાનું જીવનધ્યેય મોરારીબાપુ સાથેની નિકટતા
દેખાડવાનું, તેમણે સ્વહસ્તે પીરસેલો કેરીનો રસ આરોગવાનું અને મોરારીબાપુએ કઈ
કથામાં, પોતાનાં કેટલા ગ્રામ/કિલો/મણ વખાણ કર્યાં તે લોકોને જણાવતા
રહેવાનું હશે. પરંતુ એક સીઝન એવી પણ આવે છે, જ્યારે તેમની નજર મોરારીબાપુથી આગળ
વધે છે—અને ‘પદ્મશ્રી’ પર જઈને ઠરે છે. વર્ષ 2026ની ‘પદ્મશ્રી’ની યાદીમાં સ્થાન ધરાવતા હાસ્યલેખક
રતિલાલ બોરીસાગર જેવા ગુજરાતી લેખકો જૂજ હશે, જેમણે પોતે એ મેળવવા માટે કશો
પ્રયત્ન કર્યો કે કરાવ્યો ન હોય. બાકી, ગુજરાતીમાં લખનારા ઘણા લોકો માટે ‘પદ્મશ્રી’ મેળવવો એ ‘કરતાં જાળ કરોળિયો’ન્યાયે, હિંમત હાર્યા વિના સતત
પ્રયાસ કરતા રહેવાનો મામલો છે. તેના માટે ઉત્તમ સર્જન આવશ્યક પણ નથી ને પર્યાપ્ત
તો બિલકુલ નથી.
કયા લખનારને પોતાનું સર્જન ઉત્તમ ન લાગે? મનમાં તો તેમને એવું જ હોય કે આપણે અંગ્રેજીમાં લખ્યું હોત તો કે ‘દીનો નોબેલ ઝાપટી લીધો હોત, પણ નોબેલવાળાને ગુજરાતી આવડે નહીં ને બાપુનું ત્યાં ચાલે નહીં. એટલે આપણે વાસ્તવિકતા સ્વીકારીને, જે મળવાપાત્ર છે તેને વિસરી જઈને, ‘પદ્મશ્રી’થી જ ‘હલાવવું’ (ચલાવવું) પડશે. જેવાં ગુજરાતનાં નસીબ.
આટલા વાસ્તવદર્શન પછી બીજો તબક્કો આબોહવા જમાવવાનો શરૂ થાય છે. તેમાં અનુચરોથી માંડીને વોટ્સએપ ગ્રુપમાં રહેલા લોકો છૂટુંછવાયું ગાન શરૂ કરે છે, જેની ધ્રુવપંક્તિ હોય છે, ‘તેમને તો પદ્મશ્રી મળવો જોઈએ.’ પછી ગમે તે સ્થિતિસંજોગોમાં આ ધ્રુવપંક્તિ ટપકી પડે છે, જે ધીમે ધીમે સમૂહગાનનું સ્વરૂપ ધારણ કરે છે અને સમયાંતરે ગવાયા કરે છે. બીજી તરફ, પોતાના વિશે આવું માનતા અને તે માન્યતાને સાચી પાડવા માટે કંઈ પણ કરવા તૈયાર લોકો (જો પહેલેથી ન કરતા હોય તો) સરકારની પ્રશંસા શરૂ કરે છે. ઘણા લોકોની પ્રશંસા એકદમ જાડી, બજારુ અને ભદ્દી હોય છે. તેને જોઈને એક કિલોમીટર દૂરથી ખબર પડી જાય કે ‘પદ્મશ્રી’ લેવા માટેનો કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે. તેનો અર્થ એવો નહીં કે ગુજરાતી લખનારા-બોલનારામાંથી શિષ્ટતા, સજ્જતા મરી પરવારી છે. કેટલાક એવા પણ હોય છે, જે ચમચાગીરી ન લાગે એ રીતે (‘મુગલ-એ-આઝમ’માં દિલીપકુમાર મધુબાલાના ચહેરા પર પીંછું ફેરવતા હતા એ રીતે) સરકાર પ્રત્યેનો અનુરાગ પ્રગટ કરે છે.
સરકારને પ્રિય થવા માટેની પહેલી શરત એ છે કે તેને અપ્રિય થવાય એવું ભૂતકાળમાં કંઈ પણ કર્યું હોય—અથવા સરકારને તમારા વિશે એવી શંકા હોય—તો તેના ખુલાસા કરવા અને સેન્ટીમીટરમાં શંકા થઈ હોય તો કિલોમીટરમાં તેનું નિવારણ કરવું. તે પછીનો તબક્કો ભલામણકર્તા શોધવાનો છે. જેનું વજન પડે (અને જેને પોતાને લેવાનો બાકી ન હોય, લેવાની ઇચ્છા ન હોય કે મળવાની સંભાવના ન હોય) એવી વ્યક્તિ પાસેથી ભલામણ લખાવવામાં આવે છે. ભલામણપત્ર અમિત શાહ પાસે લખાવવાનો હોય તો, ‘આ પત્ર લઈને આવનાર મારા માણસ છે. તેમને પદ્મશ્રી આપી દેશો.’ એટલું જ પૂરતું થઈ પડે, પણ બીજા લોકોએ ઘણું લખવું ને જોડવું પડે છે.
તે બધા
સાથેની દરખાસ્ત મોકલાઈ જાય પછી શરૂ થાય છે સૌથી અઘરો, પ્રતીક્ષાનો દૌર. વાહન પર
ઘરની બહાર નીકળ્યા પછી, ચાર રસ્તે સિગ્નલ લાલને બદલે લીલો મળે તો પણ એવું લાગે છે
કે આ વખતે આપણા પાસા સવળા પડી રહ્યા છે. હવે પદ્મશ્રી મળ્યે જ પાર છે. રાજકીય
ઉમેદવારો ચૂંટણીનાં પરિણામ આવતાં પહેલાં ફટાકડા ને મીઠાઈનો જથ્થો ખરીદી રાખે તેમ,
કોઈ ઉત્સાહી રાષ્ટ્રપતિભવનમાં જતી વખતે પહેરવાનાં કપડાં પણ સીવડાવી શકે છે. ‘પદ્મશ્રી ફલાણા ઢીકણા—એવું લખવાથી
લોકો ક્યાંક એવું તો નહીં સમજે ને કે મારું નામ પદ્મશ્રી છે ને ફલાણા એ મારા
પિતાનું નામ છે?’ આવો
મોળો વિચાર ફગાવીને તે પોતાના નામ આગળ પદ્મશ્રી લખીને, આખું નામ વાંચીને રોમાંચિત
થઈ જુએ છે.
--અને
તેને થાય છે કે આપણો પદ્મશ્રી પાકો છે. .
(પદ્મશ્રીપુરાણનો
ઉત્તરાર્ધ આવતા સપ્તાહે)