Monday, November 25, 2024
વેલ કમ ડ્રિન્કના ઘુંટડા
દારૂબંધીનો કાયદો ધરાવતા ગુજરાતમાં ડ્રિંક સામાન્ય રીતે બહુવચનમાં બોલાય છે અને તે અંગ્રેજી શબ્દ હોવા છતાં, તેનો અર્થ કોઈને સમજાવવો પડતો નથી. તે દર્શાવે છે કે દિલની વાત આવે ત્યારે ભાષાના કૃત્રિમ ભેદ ગૌણ થઈ જાય છે.
અહીં જોકે, ડ્રિન્ક્સની નહીં, ડ્રિન્કની અને ડ્રિન્કની--તે પણ વેલ કમ ડ્રિન્કની--વાત કરવાની છે. સામાન્ય ગુજરાતી ઘરોમાં મહેમાનના સ્વાગત માટે છાશથી માંડીને ચા-કોફી-શરબત જેવા વિકલ્પ મોજૂદ રહેતા હતા. પરંતુ તેનું નામ ‘વેલ કમ ડ્રિન્ક’ નહીં, યજમાનસહજ વિવેક હતું. પછી વેલ કમ ડ્રિન્કનો યુગ આયો. હોટેલ-રિસોર્ટ-પાર્ટીઓ થકી ધીમેધીમે સામાન્ય વ્યવહારમાં આવ્યાં. એટલે પરંપરાગત વેલ કમ ડ્રિન્ક સાથે સંકળાયેલી નિરાંત જતી રહી. પરંપરાગત પીણાં આવેલા મહેમાનને બારણામાંથી જ પીવડાવી દેવામાં આવતાં ન હતાં. મહેમાન બેસે, પાણીબાણી પીએ, નવી જગ્યાએ સેટ થાય ત્યાર પછી તેમની સમક્ષ ચા-કોફી-શરબતનો વિવેક થતો હતો.
તેની જગ્યાએ હોટેલો-રિસોર્ટોમાં પ્રવેશદ્વાર નજીક વહેંચાતાં વેલ કમ ડ્રિન્ક તો જાણે ચાતક વરસાદની રાહ જુએ તેમ પીનારની રાહ જોતાં એવાં લાગે છે. માણસ દાખલ થયો નથી કે તરત ટ્રે-સજ્જ ભાઈબહેનો ફટાફટ વેલ કમ ડ્રિન્કના પ્યાલા ફેરવવા માંડે છે. તેમને જોઈને લાગે કે કોઈ જરાય આઘુંપાછું થશે તો તેના મોઢામાં નાળચું મૂકીને પણ તેમાં વેલ કમ ડ્રિન્ક રેડી દેવામાં આવશે, જેથી લીસ્ટમાંથી એક મુદ્દા સામે ટીક માર્ક થઈ જાય.
વાંક તેમનો પણ નથી. અમુક દિવસ અને અમુક રાતનાં પેકેજ ઠરાવીને આવતા મહેમાનોમાંથી કેટલાક પાસે એક લિસ્ટ હોય છે. તેમાંથી ભૂલેચૂલે એકાદ આઇટમ સામે ટીક ન થઈ તો પછી બૂમબરાડા ચાલુ. ‘પેકેજમાં તો તમે લખ્યું હતું કે ત્રીજા દિવસે સવારે નીકળતી વખતે પણ વેલ કમ ડ્રિન્ક આપવામાં આવશે’ અથવા ‘તમારી સાથે વાત થઈ ત્યારે તો નક્કી કર્યું હતું કે અમે ભલે બપોરે જમવાના ટાઇમે પહોંચીએ, પણ વેલ કમ ડ્રિન્ક તો આપવું જ પડશે.’
માણસ સમજાવવાનો પ્રયાસ કરે કે ‘સાહેબ, તમે લોકો જમવાના સમયે જ પહોંચ્યા છો અને વેલ કમ ડ્રિન્કમાં અમે એપેટાઇઝર નથી આપતા. વેલ કમ ડ્રિન્ક પીને તમારું પેટ થોડું ભરાય તો તમને એવું લાગે કે અમે જમાડવામાં ચોરી કરીએ છીએ.’ પણ ‘આ બધા જોડે કેવી રીતે કામ થાય’ તે બાબતમાં પોતાને નિષ્ણાત ગણતા લોકો પીછેહઠ કરતા નથી. આવી જગ્યાએ હિંદી બોલવાના પ્રવાહમાં તણાઈને અને સાથોસાથ હિંદી ભાષાની શુદ્ધિને પણ પાણીમાં નાખીને તે કહે છે, ‘તુમ તુમારે વેલ કમ ડ્રિન્ક લાવ. મુઝે માલુમ હૈ. સાવ છોટી પ્યાલી આતી હૈ. હમારા કોઠા વીછળનેમેં કામ આયેગી.’ આવા સંવાદો પછી વેલ કમ ડ્રિન્ક પીતી વખતે તેમાં સંબંધિત ફળ કરતાં વધારે હકપ્રાપ્તિનો અને પેકેજવસૂલીનો સ્વાદ આવે છે.
લગ્નનો જમણવાર હોય કે હોટેલ-રિસોર્ટનું પેકેજ, અનુભવી આયોજક તરત પૂછે છે,‘વેલ કમ ડ્રિન્કમેં ક્યા હૈ?’ આ સવાલ ઘણુંખરું ‘હે ભગવાન, આ દુનિયાનું શું થશે?’—એ પ્રકારનો હોય છે. એટલે કે, તે પૂછવા ખાતર જ પૂછાય છે. કારણ કે, સામેવાળો એવાં જુદાં જુદાં ફેન્સી ડ્રિન્કનાં નામ બોલવા માંડે છે કે જેમનાં નામ પરથી તેમનાં લક્ષણ અને સ્વાદની કલ્પના કરી શકાતી નથી. વચ્ચે વચ્ચે આવતાં ફળોનાં નામ પરિચિત લાગે છે, પણ તેની આગળપાછળની શબ્દઝાડીઓમાં તે ફળનામો ખોવાઈ જાય છે.
હોટેલ-રિસોર્ટ કે કેટરિંગ કંપનીના અનુભવી સંચાલકો યજમાનને ક્ષોભજનક સ્થિતિમાંથી ઉગારવા માટે મોઘમ કહે છે, ‘ચિંતા ન કરશો, સારેબ. સરસ બે ઓપ્શન કરી દઈશું. તમારે જોવું નહીં પડે.’ પણ પોતાની જાણકારી સિદ્ધ કરવાની એકે તક ન ચૂકનારા નામો જાણવાનો આગ્રહ રાખે અને નામો સાંભળ્યા પછી તેમાં કશી પીચ ના પડે, એટલે સંચાલકો અનુકંપાભર્યું વિવેકી સ્મિત કરે છે. તેનો અર્થ થાયઃ ‘તમને પહેલેથી કહ્યું હતું કે અમે કરી લઈશું. પણ તમે મોટા સંજીવ કપૂર બનવા ગયા. તો લો, અટવાવ હવે.’
અટવાયેલો યજમાન ગુંચવાડામાંથી બહાર નીકળવાની કોશિશ કરતાં કહે છે,‘અભી જો લિસ્ટ તુમને બોલા, ઇસમેં ગ્વાવા-કીવી-પાઇનેપલ કોકટેઇલ નહીં આયા.’ સંચાલક ફરી અનુકંપાભર્યું સ્મિત કરે છે અને સમજાવે છે કે એવું કોકટેઇલ ન બને. તમારા કહેવાથી અમે બનાવી દઈએ. પછી તમે રૂપિયા આપીને છૂટા થઈ જાવ, પણ લોકો અમારી કિંમત કરે. આવાં વચનો પાછળ નહીં બોલાતું વાક્ય એવું કે સાહેબ, તમારી આબરૂ હોય કે ન હોય, અમારી તો છે.
વેલ કમ ડ્રિન્કના બિનપરંપરાગત, અવળચંડા રંગ તેની મહત્તામાં ઉમેરો કરે છે. અમુક રંગનાં કપડાં ન જ પહેરું, એવો અણગમાજનિત નિશ્ચય ધરાવતા લોકોની ઘણી વાર કસોટી થઈ જાય છે. કારણ કે, જેવા ભડક રંગનાં કપડાંથી દે દૂર રહે છે, એવા જ ભડક રંગ ધરાવતાં પીણાં વેલ કમ ડ્રિન્ક તરીકે તેમને પીરસાય છે—અને ત્યાં એવું તો કહી શકાય નહીં કે ‘મેરે શર્ટ કે મેચિંગ કા વેલ કમ ડ્રિન્ક લે આઓ.’ વેલ કમ ડ્રિન્ક નક્કી કરતી વખતે પણ, તેના નામ પરથી ગુણનો ખ્યાલ ન આવતો હોય એવા સંજોગોમાં હોટેલ સંચાલકોએ અને કેટેરરોએ રંગની કંપનીઓની માફક રંગોનું એક શેડ કાર્ડ રાખવું જોઈએ. યજમાન તેના પ્રસંગ માટે વેલ કમ ડ્રિન્ક નક્કી કરવા આવે, ત્યારે તેને શેડ કાર્ડ જ ધરી દેવાનું. તે કલર જોઈને પસંદગી કરી લે.
પણ કેટલાંક વેલ કમ ડ્રિન્કના રંગ એવા હોય છે કે તે આવકારવાને બદલે ભાગી છૂટવા પ્રેરતા હોય એવું લાગે.
No comments:
Post a Comment