Thursday, November 14, 2024
આ લેખ અસલી છે?
એક સમયે મુંબઈનું ઉલ્લાસનગર જાણીતી પરદેશી બ્રાન્ડના માલસામાનની નકલ કરવા માટે જાણીતું હતું. તેનો એ દરજ્જો ક્યારનો ભૂતકાળ બની ચૂક્યો છે. હવે વિકસિત ગુજરાતમાં નકલી પોલીસ અને નકલી સરકારી અફસરથી માંડીને નકલી જજ સુધીનું બધું જ હાજરાહજુર છે. તે ધ્યાનમાં રાખતાં આખું ગુજરાત એક અર્થમાં ઉલ્હાસનગર બની ગયું છે એવું કહેવામાં ઝાઝી અતિશયોક્તિ નહીં ગણાય. છતાં, કોઈ અસ્મિતાવાદીની લાગણી તેનાથી દુભાય તો તેમને ભલામણ છે કે તેમની અસ્મિતા સાચી છે કે ડુપ્લિકેટ, તે પણ જરા ચકાસી લેવું. નકલી રાષ્ટ્રવાદ, નકલી ધર્મવાદ, નકલી ગૌરવ—બધાની બોલબાલા હોય ત્યારે આંખ મીંચીને ભરોસો રાખવાને બદલે સાવધાન રહેવામાં સાર છે.
પહેલાં
નકલી પોલીસ બનીને કે બહુ તો નકલી ઇન્કમટેક્સ ઓફિસર બનીને કરવામાં આવતી છેતરામણી
કાર્યવાહીની નવાઈ ન હતી. જેમને પોલીસ સાથે પનારો ન પડતો હોય અને જેમણે પોલીસ ફક્ત
ફિલ્મોમાં જ જોઈ હોય એવા લોકો માટે નકલી અને અસલી પોલીસ વચ્ચેનો તફાવત પાડવાનું
અઘરું થઈ હોય છે. કહેવાય છે કે ચાર્લી ચેપ્લિનની નકલ કરવાની સ્પર્ધામાં ખુદ ચાર્લી
ચેપ્લિને ગુપચુપ ભાગ લીધો ત્યારે તેમનો ત્રીજો-ચોથો નંબર આવ્યો હતો. આ દંતકથા હોય
તો પણ તે માનવાજોગ છે અને એવું જ અસલી-નકલી પોલીસ માટે બની શકે. નકલી પોલીસ સરખી
ચીવટ રાખે તો તે અસલી કરતાં પણ વધારે અસલી લાગે.
જોકે,
સરકારી તંત્ર કે ન્યાયતંત્રમાં નકલી પકડાઈ જવાની એક ખાનગી ચાવી છેઃ કાર્યક્ષમતા.
યુનિફોર્મથી માંડીને બોલચાલની પરિભાષાની નકલ તો થઈ જાય, પણ સરકારી તંત્રની ‘ટાઢક’ની નકલ કરવી સહેલી નથી. રીઢા નકલ
કરનારા એ બાબતનું ધ્યાન રાખતા હોય છે કે તે ક્યાંક અવાસ્તવિક રીતે કાર્યક્ષમ દેખાઈ
ન જાય. કેમ કે, તંત્રના અધિકારીને સટાસટ કામ કરતા જોઈને કોઈને પણ તે નકલી હોવાની
શંકા જાય. અલબત્ત, એવી રીતે કામ કરનાર નકલી અધિકારી કામ કરવા માટે કમિશનની માગણી
કરે, એટલે તેમના નકલી હોવા વિશેની શંકા ઘટી જાય ખરી.
નકલી
ન્યાયાધીશને કામગીરીની ઝડપનો મુદ્દો કાર્યક્ષમતાનો મુદ્દો સૌથી વધારે નડવો જોઈએ.
કારણ કે, ભારતનું ન્યાયતંત્ર અનેક કારણોસર તેની ધીમી ગતિ માટે નામીચું છે. એવા
સમયે કોઈ નકલી જજ ધડાધડ ચુકાદા આપે કે લવાદી કરીને કેસોની પતાવટ કરવા માંડે તો
શંકા ન જાય? છતાં,
ગુજરાતાના નકલી જજનો કારોબાર ખાસ્સો ચાલ્યો. એટલું જ નહીં, મ્યુનિસિપલ કોર્પોરેશને
તેના કેટલાક આદેશનો અમલ પણ કરી દીધો. કાનૂની કાર્યવાહીના વળપેચ જાણનારાને ખ્યાલ હશે
કે તેમાં બાલની ખાલની પણ ખાલ કાઢવાનો મહિમા હોય છે. કોઈ દસ્તાવેજમાં નામની જોડણી
કે નામમાં (સરકારી કર્મચારીથી થયેલી) ભૂલ સુધારાવવામાં બે-ચાર વર્ષ નીકળી જાય, તેમ
છતાં કોઈ પણ ભારતીયને મરવામારવાના વિચાર ન આવે. તે આસ્થાવાદી હોય તો તેને એવો જ
વિચાર આવે કે ‘હશે,
આપણે ક્યાં ઉતાવળ છે. 84 લાખ જન્મ લેવાના છે.’ એટલે તો હિંદીની અમર વ્યંગનવલકથા ‘રાગ દરબારી’માં લેખક શ્રીલાલ શુક્લે લખ્યું હતું
કે પુનર્જન્મના સિદ્ધાંતની શોધ દીવાની અદાલતોમાં થઈ હશે.
સમાજશાસ્ત્રીઓ
માટે અભ્યાસનો વિષય એ છે કે નકલીનો ધંધો ચીજવસ્તુઓથી પોલીસ અને અધિકારીઓ સુધી થઈને
છેક ન્યાયાધીશ સુધી કેવી રીતે પહોંચી ગયો? અને આટલા મોટા પાયાની નકલ લાંબા સમય સુધી બેરોકટોક ચાલે એવું વાતાવરણ
કોણે, કેવી રીતે ઊભું કર્યું? પરંતુ
મોટે ભાગે સમાજશાસ્ત્રના પૂરા સમયના-પૂરો પગાર ધરાવતા અધ્યાપકોને બદલે, કામચલાઉ
અધ્યાપકોથી જ કોલેજો ચાલતી હોય અને સીધાસાદા અભ્યાસનું પણ ઠેકાણું ન પડતું હોય,
ત્યારે આવી બધી પળોજણ કોણ કરે?
જૂઠાણાને
‘વૈકલ્પિક સત્ય’ કે ‘વૈકલ્પિક તથ્ય’ તરીકે ઓળખાવવાના જમાનામાં આ
પ્રકારની પ્રવૃત્તિને હજુ સુધી સ્ટાર્ટ અપ કલ્ચર સાથે કેમ સાંકળવામાં આવી નથી,
તેની નવાઈ લાગે છે. ચોતરફ બેકારીની બૂમો પડી રહી છે, સરકારી નોકરીઓમાં લાખો લોકો
ઉમટી પડે છે, પરીક્ષાનાં પેપર ફૂટી જાય છે, ઊચ્ચ અભ્યાસની ડિગ્રી ધરાવનારા પણ ચોથા
વર્ગના કર્મચારીની જગ્યા માટે અરજી કરે છે—અને પસંદગી પામતા નથી, ત્યારે કેટલાક
ખાંખતીયા સ્વાવલંબનના માર્ગે આગળ વધે અને તે રસ્તે ચાલવા જતાં કાયદાની થોડી કલમો
આમતેમ થાય તો થાય—આવો મિજાજ હજુ સુધી કોઈ કથિત રાષ્ટ્રવાદીઓ પાસેથી સાંભળવા મળ્યો
નથી. બાકી, અમિત શાહથી માંડીને ડોનાલ્ડ ટ્રમ્પ સુધીના નેતાઓની તમામ હરકતોનો
ઉત્સાહભેર બચાવ કરી જાણતા લોકો માટે એ જરાય અઘરું કે અસંભવિત નથી.
નકલોના
બારમાસી વરસાદ પછી હવે સમય એવો આવ્યો છે કે ‘નકલથી સાવધાન’નું પાટિયું મારીને બેઠેલા જણ પર
પહેલી શંકા જાય અને શંકાશીલ મનમાં એવા પણ વિચાર આવે કે ફલાણો નકલી જજ, ઢીકણો નકલી
સરકારી અફસર કે અમુકતમુક નકલી પોલીસ અફસર પકડાઈ ગયો, ત્યારે આપણને ખબર પડી. તે
પહેલાં તો લોકો તેમને અસલી જ માનતા હતા. તો પછી અસલી-નકલી વચ્ચેનો તાત્ત્વિક ભેદ
ક્યાંક પકડાઈ જવા અને ન પકડાવા પૂરતો જ મર્યાદિત તો નથી ને? ખબર છે કે એવું ન હોય. છતાં,
પકડાતાં પહેલાં નકલીઓ જે આસાનીથી તેમની કામગીરી ચલાવતા હોય છે, તે જોઈને ભલભલાનો
આત્મવિશ્વાસ ડગી શકે તેમ છે
‘બ્રહ્મ
સત્ય, જગત મિથ્યા’નો
વ્યાપક અર્થ આવો તો નહીં થતો હોય ને?
No comments:
Post a Comment