Tuesday, January 31, 2023

ટીવી સ્ટુડિયોમાં ગાંધીજી

આવતી કાલે ગાંધીજીની હત્યાની તારીખ છે. ‘કેટલામી હત્યા?’ એવો સવાલ પૂછવો નહીં. પહેલી હત્યા પછી થયેલી હત્યાઓમાં હત્યારાઓનાં નામ પણ પૂછવાં નહીં. તેમાં જ લખનાર-વાંચનાર-છાપનારનું એટલે કે સમગ્ર સંસારનું હિત છે. નજીકના ભવિષ્યમાં આ તારીખ સત્તાવાર રીતે ‘પરાક્રમ દિવસ’ તરીકે જાહેર થઈ શકે છે. બિનસત્તાવાર રીતે તો કેટલાક લોકો તેને એવો ગણે જ છે.

જે દેશમાં ગોડસે અને ગાંધી એક ત્રાજવાના સામસામાં પલ્લામાં મુકાતાં હોય, એક માણસે કરેલી બીજાની હત્યાને ‘યુદ્ધ’—અને એ પણ ‘વિચારધારાનું યુદ્ધ’—જેવું લેબલ અપાતું હોય, ત્યાં કશી ઠેકાણાસરની ચર્ચા કરવાનું કામ અશક્યની હદે અઘરું છે. એના કરતાં, ટીવી એન્કરોની જેમ બૂમબરાડા પાડીને વાતચીત કરવી શું ખોટી? શરીરમાં મોંથી ઉપરના ભાગનું કોઈ પણ અંગ વપરાય નહીં અને તમાશાને તેડું ન હોય, એ ન્યાયે દર્શકો પણ મળી રહે.

એમ વિચારીને ગાંધીજીનું સ્મરણ કરતાં જ ગાંધીજી હાજર. તેમની સાથે સંવાદનો કાર્યક્રમ શરૂ થતાં પહેલાંની સ્ક્રીપ્ટ કંઈક આ પ્રમાણેની હતીઃ

‘આપણે સૌ જાણીએ છીએ કે આવતી કાલે ગાંધીજીની હત્યાને 75 વર્ષ પૂરાં થશે. તેનો અમૃત મહોત્સવ ઉજવવાની સરકાર તરફથી હજુ સુધી કોઈ સૂચના મળી નથી. અને અમે એકદમ વિશ્વસનીય ચેનલ છીએ- ફેક ન્યૂઝ ફેલાવતા નથી. સરકાર તરફથી જેટલું આવે એટલું જ ચલાવીએ છીએ, પણ અમારાં સૂત્રો તરફથી એવી માહિતી મળી છે કે ગાંધીજીની હત્યાનો આખો કેસ ગરબડવાળો છે. તેમની હત્યા કદી થઈ જ ન હતી, એવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અમારાં સૂત્રોને તેમનાં સૂત્રો તરફથી એવું જાણવા મળ્યું હોવાનું કહેવાતું હોય એવી આશંકા હોવાની અમને ખાતરી છે કે નથુરામ ગોડસે તે દિવસે દિલ્હીમાં હતો જ નહીં અને તેનું નામ ચોક્કસ વિચારધારાને બદનામ કરવાનું કાવતરું છે, જેથી કરીને વિશ્વમાં હિંદુઓ માટે નીચાજોણું થાય.’

‘અમારી ચેનલ પર કાયમ આવતા વિશેષજ્ઞના મતે, ભારતને બદનામ કરવાનું આ કાવતરું કોણે ઘડ્યું અને ક્યાં ઘડાયું તેની તપાસ ‘કાશ્મીર ફાઇલ્સ’ બનાવનાર ભાઈને સોંપી દેવાય, તો ટૂંક સમયમાં તે નવીનક્કોર અને સચ્ચાઈના ભારથી મુક્ત હકીકતો સાથે બહાર આવી શકે. ત્યાં સુધીમાં મુદ્દો ચાલતો રાખવા માટે ગાંધીજીને જ બોલાવવાનો વિચાર આવ્યો. તેના બે ફાયદા થાયઃ એક, એવો સંદેશો જશે કે અમે કોઈનાથી બીતા નથી અને મોટો રાષ્ટ્રપિતા અમારા શોમાં આવે તો તેની હાજરીમાં પણ અમે તેની એસીતૈસી કરી શકીએ છીએ.’


‘બીજો ફાયદો એ કે થોડા લોકોને એવું કહેવાની પણ તક મળશે કે અમે બંને બાજુનું બતાવીએ છીએ. તટસ્થતાનો આરોપ અમને મંજૂર નથી, પણ વૈવિધ્ય ખાતર અમે તટસ્થની ગાળ ખાવા પણ તૈયાર છીએ. આવી બહાદુરીભરી વિચારણા જ્યાં થતી હોય તે ચેનલ આપણી લોકશાહી માટે એટલે કે આપણા દેશ માટે એટલે કે આપણી સરકાર માટે એટલે કે આપણા વડાપ્રધાન માટે ગૌરવરૂપ છે, એવું કહેવામાં અમને જરાય સંકોચ થતો નથી. તે વાતના સંતોષ સાથે આજનો શો શરૂ કરીએ. શોમાં અમારી સાથે જોડાયા છે ખુદ ગાંધી. તેમને અમે છોડીશું નહીં. અણીદાર સવાલો પૂછીને એ બધું જ તેમની પાસેથી કઢાવીશું, જે તેમણે આજ સુધી ક્યાંય કહ્યું નહીં હોય. અરે, અમે તો તેમની પાસેથી એવું પણ કઢાવીશું, જે ખરેખર બન્યું પણ ન હોય. તે બાબતમાં અમારી આવડતની ખાતરીને કારણે તો તમે અમારો શો જોઈ રહ્યા છો.’


સવાલ (ગાંધીજી તરફ જોઈને) : વેલ કમ મિસ્ટર, ગાંધી. કડકડતી ઠંડીમાં તમે આટલાં ઓછાં કપડાંમાં? ક્યાંક રાહુલ ગાંધીની યાત્રામાંથી તો ...કે પછી રાહુલ ગાંધીને ઠંડીમાં ટી-શર્ટભેર ફરવાનો આઇડીયા જ તમે આપ્યો?
  

ગાંધીજીઃ (હસીને) સીધી કપડાંથી ને રાહુલ ગાંધીથી જ શરૂઆત?
 

સવાલઃ અમારે ત્યાં બધું કામકાજ એકદમ વ્યવસ્થિત, સૂચના પ્રમાણે જ થાય—અને અમારે ત્યાં નિયમ છે કે ઉત્તર ધ્રુવ પર બરફનો મોટો ટુકડો છૂટો પડે કેલિફોર્નિયામાં આગ લાગે, તો પણ રાહુલ ગાંધી પાસે જ એ દુર્ઘટનાઓનો ખુલાસો માગવો. આખરે લોકશાહીમાં જવાબદાર વિપક્ષ જેવું કંઈ હોય કે નહીં? અને સવાલ પૂછવા એ તો મિડીયા તરીકે અમારી ફરજ છે.

ગાંધીજીઃ ફરજ... (મોટેથી હસે છે) તમારી સેન્સ ઓફ હ્યુમર સારી છે.

સવાલઃ આપણે સમય બગાડ્યા વિના સીધા મુદ્દાની વાત પર આવીએ? અમને તો શંકા છે કે તમારી હત્યા થઈ જ ન હતી અથવા ગોડસેએ તમારી હત્યા કરી જ ન હતી. તેને બિચારાને ખોટો ફસાવાયો છે.

ગાંધીજીઃ (શાંતિથી) ગોળી કોને વાગી હતી?

સવાલઃ તમને જ વળી. પણ ગોળી ખાનાર સાચું જ બોલે એવું જરૂરી છે?

ગાંધીજીઃ જરૂરી તો કશું નથી—વડાપ્રધાન હળાહળ જૂઠું જ બોલે, એવું પણ જરૂરી નથી.

સવાલઃ ઓહો, તો તમે પણ અર્બન નક્સલોની ભાષા બોલતા થઈ ગયા? પણ યાદ રાખજો. આ સ્ટુડિયોમાં કોઈની હોંશિયારી ચાલી નથી. એક કલાક—ફક્ત એક કલાક તમે મારી સાથે વાત કરી જુઓ. તમે ગોડસે પર બંદૂક તાણી હતી અને ગોડસેએ સ્વબચાવમાં ગોળીબાર કર્યો, એવું લોકોના મનમાં ઠસાવી ન દઉં તો મારે આ ચેનલની નોકરી છોડી દેવાની. બોલો, છે મંજૂર?

(‘હે રામ’ના ઉદ્‌ગાર સાથે ગાંધીજીની ખુરશી ખાલી થઈ જાય છે.)

 

1 comment: