Wednesday, February 23, 2022

કમરપટો કસતાં...

નેતાઓ પ્રજાને ઉશ્કેરવાના ધંધામાં પડ્યા, તે પહેલાં તેમનો પ્રિય ટાઇમપાસ પ્રજાને ઉપદેશ આપવાનો હતો. છાશવારે તે લોકોને કહેતા કે ‘આપણે પ્રગતિ કરવા માટે કમર કસવી પડશે.‘ કમર કસવા માટે કમર પર બંધાતો કમરપટો-બેલ્ટ કસવો પડે. પણ તે સમયે ઘણાખરા નેતાઓ ધોતી પહેરતા અથવા પેન્ટ પર બેલ્ટ પહેરતા નહીં. એટલે કમર કસવાની વાત તેમને લાગુ પડતી નહીં. બીજી તરફ, મોટી સંખ્યામાં લોકોના પેટની હાલત એવી રહેતી કે ગમે તેટલો સાંકડો કમરપટો પણ પહોળો પડે. તેના છેલ્લા કાણામાં અણી ભરાવ્યા પછી પણ પટો કમર ફરતે વીંટળાવાને બદલે ઢીલો ને ઢીલો જ રહે. એટલે સરવાળે પ્રજા કમર કસવાની નિષ્ફળ કોશિશ કરતી અને નેતાઓ સફળતાપૂર્વક પ્રગતિ કરતા હતા.

સ્વાભાવિક છે કે જે પ્રજા સરખી રીતે કમરપટો કસી શકે નહીં, તે આગળ આવી શકે નહીં. એમાં ને એમાં ભારત પાછળ રહી ગયું. આવી થિયરી હાસ્યાસ્પદ લાગતી હોય તો તેનો મતલબ એ થયો કે ‘છેલ્લાં સિત્તેર વર્ષમાં ભારતમાં કશું થયું નથી’—એવો ગંભીરતાપૂર્વક થતો ને સતત દોહરાવાતો દાવો તમે સાંભળ્યો નથી. પણ વાત હાસ્યાસ્પદ દાવાની નહીં, કમરપટા ઉર્ફે બેલ્ટની છે.

કમરપટાની ચર્ચામાં સૌથી પહેલો સવાલ એ થવો જોઈએ કે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રતિક જેવો બેલ્ટ પહેરવાની જરૂર શી છે? પરંપરાપ્રેમીઓ કહેશે કે ‘જૂના વખતમાં આવતા ચાંદીના કંદોરા કે કટિબંધ એક પ્રકારના બેલ્ટ જ હતા.’ પરંતુ બેલ્ટને ભારતીય સંસ્કૃતિનું અંગ જાહેર કરવા માટે એટલું પૂરતું નથી. ક્યાંય એવું વાંચવામાં નથી આવ્યું કે મહાભારતના યુદ્ધમાં લડતી વખતે કર્ણનો બેલ્ટ ઢીલો પડી ગયો, એટલે કર્ણ મુંઝાયો. પણ તીર છોડવા કરતાં બેલ્ટ ટાઇટ કરવાની જરૂરિયાત વધારે તાતી હતી. એટલે ધનુષ્ય બાજુ પર મૂકીને જેવો તે બેલ્ટ સરખો કરવા ગયો કે એક તીર આવ્યું અને...

રામાયણમાં પણ ક્યાંય એવું જોવા નથી મળ્યું કે કુંભકર્ણ માટે ખાસ પ્રકારનો, ટ્રીપલ એકસ્ટ્રા સાઇઝનો બેલ્ટ ખાસ જાવાથી કે સુમાત્રાથી મંગાવવામાં આવતો હતો અને તેનો એક બેલ્ટ એટલો મોંઘો પડતો કે તેમાં રાવણની લંકાના એક આખા પરિવારનું એક વર્ષ સુધી ગુજરાત ચાલી રહે.

બેલ્ટને અસલીને બદલે નકલી, નક્કરને બદલે નબળી પરંપરામાં સ્થાપિત કરવા હોય તો, રામાયણ-મહાભારતને બદલે વર્તમાનકાળની વાત કરીએ. વેશભૂષાના મામલે અભિનેતાઓના વરણાગીપણાને ક્યાંય ઝાંખું પાડી દે એવા વર્તમાન વડાપ્રધાને અત્યાર સુધી હજારો કપડાંમાં લાખો ફોટા પડાવ્યા હશે, સૂટથી માંડીને સાડી સુધીના પોશાક તેમણે પહેરેલા કે વીંટાળેલા જોવા મળશે, પણ ક્યાંય બેલ્ટ જોવા મળતો નથી અથવા કોઈકે જોયો પણ હોય તો તે ચર્ચાનો વિષય બન્યો નથી. તેમણે તેમનું નામ છપાવેલો સૂટ પહેર્યો ત્યારે તે એવો જ, તેમના નામની છપાઈવાળો ખાસ બેલ્ટ તૈયાર કરાવી શક્યા હોત. પણ તે એટલા વિવેકી અને સાદગીમાં માનનારા છે કે તેમણે એવું ન કર્યું. તેમના ટીકાકારોને એ નહીં દેખાય. કારણ કે તે કમરપટો કસીને તેમની પાછળ પડી ગયા છે.

બેલ્ટનો મહિમા સમજવાનું સહેલું, પણ સમજાવવાનું અઘરું છે. કારણ કે ‘જો દિખતા હૈ વહ બિકતા હૈ’ના જમાનામાં તે ઘણી વાર ધ્યાન ખેંચે એ રીતે દેખાતો નથી. ભવ્ય ઇમારત જોઈને તેનાં વખાણ કરનારા મકાનના પાયાનાં ગુણગાન ગાતા નથી. એવી જ નિયતિ ક્યારેક બેલ્ટની છે. તે અધોવસ્ત્રને સ્થાનભ્રષ્ટ નહીં થવા દેવાનું અતિ મહત્ત્વનું કામ કરે છે. છતાં, તે પહેલી નજરે દેખાય નહીં તો તેના વિશે પૂછરપછ થતી નથી. ‘અરે વાહ, તમારું પેન્ટ તો સરસ ટકી રહ્યું છે ને કંઈ? કઈ કંપનીનો બેલ્ટ પહેર્યો છે?’—એવું કોઈ પૂછતું નથી. હકીકતમાં, ગમે તેવાં મોંઘાદાટ કપડાં પહેરીને ફરનાર માણસને જો તેનો બેલ્ટ દગો દે, તો તેની આબરૂ જોખમમાં આવી પડે. પેન્ટ થોડું ખૂલતું હોય ત્યારે તો ખાસ. પરંતુ બેલ્ટ પોતે પહેરનારની આબરૂના રક્ષણના ઢોલ પીટ્યા વિના કે જાહેરમાં દેખાવાની પરવા કર્યા વિના ચૂપચાપ પોતાની ફરજ બજાવ્યે જાય છે. ઝાકઝમાળના જમાનામાં આવી મૂક સેવાની કે આવા મૂકસેવકની નોંધ કોણ લે?

ઉદારીકરણના જમાનામાં સીધાસાદા બેલ્ટથી માંડીને ચોક્કસ પ્રાણીઓ ચામડામાંથી તૈયાર કરાયેલા મોંઘાદાટ બેલ્ટ મળે છે. તેમાંથી કેટલાક બેલ્ટની કિંમત એટલી વધારે હોય છે કે તે ખરીદ્યા પછી શરીર પર ધારણ કરવા માટેનું બીજું કશું ખરીદવાનું બજેટ બાકી ન રહે. મોંઘું ઘડિયાળ પહેર્યા પછી માણસ વારે ઘડીએ સમય જોઈને લોકોનું ધ્યાન ઘડિયાળ તરફ ખેંચી શકે છે, પણ એ તરકીબ બેલ્ટમાં કામ લાગતી નથી. વારેઘડીએ બેલ્ટ ખોલીને બંધ કરવા જતાં, વધારે ખવાઈ ગયું છે અથવા શરીર વધી ગયું હોવાથી બેલ્ટથી અકળામણ થઈ રહી છે—એવાં, શાનમાં ઘટાડો કરનારાં અર્થઘટનો નીકળી શકે છે.

બેલ્ટ ગમે તેટલો મોંઘો હોય, પણ તે માથે પહેરી શકાતો નથી. જેનું સ્થાન જ્યાં હોય ત્યાં જ તે શોભે, એવો સંદેશો બેલ્ટમાંથી લઈ શકાય અને તે નેતાઓ માટે લાગુ પાડી શકાય. પરંતુ ગમે તેટલો સારો બેલ્ટ માથે ન પહેરાય એટલું સમજતા લોકો, કોઈ પણ નેતાને માથે ન ચડાવાય એટલું સમજી શકતા નથી. તે બેલ્ટની કે માથાની કે નેતાની નહીં, લોકશાહીની કઠણાઈ છે.  

1 comment:

  1. “ તે અધોવસ્ત્રને સ્થાનભ્રષ્ટ નહીં થવા દેવાનું અતિ મહત્ત્વનું કામ કરે છે. છતાં, તે પહેલી નજરે દેખાય નહીં તો તેના વિશે પૂછરપછ થતી નથી. ‘અરે વાહ, તમારું પેન્ટ તો સરસ ટકી રહ્યું છે ને કંઈ? કઈ કંપનીનો બેલ્ટ પહેર્યો છે?’—એવું કોઈ પૂછતું નથી.”

    😀😀👌🏽👍🏽

    ReplyDelete