Wednesday, February 02, 2022

ઠંડી ક્યાં લાગે છે?

ગેરસમજ થાય તે પહેલાં સ્પષ્ટતાઃ મથાળાનો સવાલ ‘ઠંડી ક્યાં છે જ? ઠંડી ક્યાં લાગે જ છે?’—એવા અર્થમાં વાંચવાનો નથી. સવાલનો અર્થ છેઃ ઠંડી છે તો ખરી, પણ એ શરીરમાં ચોક્કસપણે ક્યાં લાગે છે?

બને કે સ્પષ્ટતા કરવા માટે પૂછાયેલો બીજો સવાલ વધારે ગુંચવનારો લાગે. ઘણા લોકોને થાય કે આ તે કંઈ સવાલ છે? ઠંડી તરસ થોડી છે કે ગળામાં જ લાગે? ઠંડી ભૂખ થોડી છે કે પેટમાં જ લાગે? એ તો શરીરના અંગેઅંગમાં, આખા શરીરમાં વર્તાય છે. તમારા મનમાં પણ આ પ્રકારનો જવાબ ઉગ્યો હોય તો મનની સપાટી પર તરવાને બદલે સહેજ ઊંડે ડૂબકી મારી જોજો. એમ કરતાં ખ્યાલ આવશે કે ઠંડી લોકોને જુદી જુદી જગ્યાએ લાગી શકે છે. ઓછીવત્તી અસર બધે હોય, પણ ઠંડીનો મુખ્ય મારો ચોક્કસ ઠેકાણે થાય છે. જેમ કે, કેટલાક લોકોને માથામાં ઠંડી લાગે છે. તે સ્વેટર પહેરે કે ન પહેરે, એવું બને કે બહાર ખુલ્લામાં તે ચડ્ડો પહેરીને ઊભા હોય, પણ તેમણે માથું ટોપીથી સુરક્ષિત કરી દીધું હશે. તેમને પૂછવામાં આવે કે ‘પગ ખુલ્લા ને માથે ટોપી?’ તો તે કહી શકે છે કે ‘જેના માટે જે ભાગ વધારે કિમતી હોય તેનું ધ્યાન રાખવું પડે.’ પૂછનાર માથાભારે હોય તો તે સામે કહી શકે, ‘ખરી વાત છે. જે ભાગ ખાલી હોય ત્યાં પવન ભરાવાની બીક વધારે લાગે.’

પરંપરાગત માતાઓ માને છે કે ઠંડીનો સૌથી ઘાતક હુમલો તેમના સંતાનના માથામાં અને છાતીમાં થાય છે. એટલે તે ‘ભૂલો ભલે બીજું બધું...’ની તર્જ પર, ‘બીજું જે કરવું હોય તે કરજે, પણ બહાર નીકળું ત્યારે માથું ને છાતી બરાબર ઢાંકજે.’—એવી સૂચના અચૂક આપે છે. કિશોર-યુવાન સંતાનોને આ શીખામણ જૂનવાણીપણાની નિશાની લાગે છે. તેમને થાય છે, ‘જમાનો ક્યાંનો ક્યાં નીકળી ગયો અને મમ્મી હજુ માથું-છાતી ઢાંકવાની સૂચનાઓમાંથી ઊંચી નથી આવતી. અમારા ગ્રુપમાં તો લોકો ખુલ્લા માથે, બે બટન ખુલ્લાં રાખીને બાઇક પર સોની સ્પીડે નીકળે છે. તેમને જોઈને શિયાળો ઠૂંઠવાઈ જતો હશે. પણ મમ્મીને એ કેમ સમજાવવું?’ જોશમાં સૂચના અવગણ્યા પછી ભૂલેચૂકે તાવ-શરદી થયાં તો તેના માટે ખુલ્લા માથે ફરવાનું કારણભૂત ન હતું, એ સમજાવવામાં તેમને ભરશિયાળે પરસેવો પડી જાય છે.  

નાક એ શરદીનું મુખ્ય સ્થાનક છે. ત્યાં ઠંડી અલગથી લાગે કે ન લાગે, પણ ગમે ત્યાં ઠંડી લાગે, તેની છેવટની અસર નાક પર દેખાય છે. નાક ઠરી જવાથી માંડીને સજ્જડ થઈ જવા સુધીનાં પરિણામ માટે શિયાળામાં નાકે તેના કોઈ વાંકગુના વિના તૈયાર રહેવું પડે છે. કોરોનાકાળમાં લોકોને નાક ઢાંકતા માસ્કની થોડીઘણી ટેવ પડી. બાકી તે મહદ્ અંશે ખુલ્લું રહેતું અંગ હતું. તેને ઢાંકવું પણ શી રીતે? માથા પર ટોપી હોઈ શકે, કાન પર પટ્ટી હોઈ શકે, ગળામાં મફલર હોઈ શકે, પણ નાકને અલગથી કેવી રીતે ઢંકાય?

ગળા પરથી યાદ આવ્યું. કેટલાક ગુજરાતીઓને ગળા પર શિયાળાની સૌથી વધારે અસર થાય છે. તેના ઇલાજ તરીકે તે ગળાની અંદર પ્રતિબંધિત પ્રવાહી રેડીને તેને ગરમી આપવાનો પ્રયાસ કરે છે. પરંતુ સરકાર તે પ્રયાસોને આરોગ્યલક્ષી તરીકે જોઈ-પ્રમાણી શકતી નથી. એટલે ગળાની અંદર લાગતી ઠંડીની જાહેર ચર્ચા ટાળવામાં આવે છે અને ચૂપચાપ તેના ઉપાય તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

કેટલાંક પરિવારોમાં કાન બંધ રાખવાનું બહુ માહત્મ્ય હોય છે. કારણ કે શિયાળાના સૂસવતા પવનો તેમના કર્ણપટલ પર સીધો હુમલો કરે છે. કાન, ગળું અને નાક કેવી રીતે સંકળાયેલાં છે, તેનો વૈજ્ઞાનિક હવાલો આપીને તે કહે છે કે ‘કાનમાં પૂમડાં નાખી દીધાં, પછી જખ મારે છે શિયાળો.’ તેમનો જોસ્સો જોઈને લાગે કે તે ફક્ત પૂમડાંના જોરે ક્યાંક એવરેસ્ટ સર કરવા ન ઉપડી જાય. પૂમડાં તેમના કાનનો એવો અવિભાજ્ય હિસ્સો લાગે છે, જાણે કવચ-કુંડળ સાથે જન્મેલા કર્ણની જેમ તે પૂમડા સાથે આ પૃથ્વી પર આવ્યા હોય. પૂમડા પરની તેમની લગભગ ધાર્મિક કહી શકાય એવી શ્રદ્ધાનો રંગ તે બીજા પૂમડાં-નાસ્તિકોને લગાડવા કોશિશ કરે છે. પણ ચબરાક લોકો સામેથી પૂમડાંનો મહિમા શરૂ થતાં પહેલાં પોતાના કાનમાં કાલ્પનિક પૂમડાં નાખી દે છે.

છાતીમાં ઠંડી ભરાઈ જતી રોકવા માટે સ્વેટર-જેકેટ જેવા ચીલાચાલુ ઉપાય ઘણી વાર અપૂરતા નીવડે છે. ત્યારે જરૂરિયાત સંશોધનની માતા બને છે અને ટુ-વ્હીલર ચલાવતી વખતે પાછળ લટકાવવાની બેગ છાતીસરસી ચાંપવાથી માંડીને શર્ટની અંદર ગડી વાળેલાં છાપાં મુકવાના મૌલિક નુસખા લોકો અજમાવે છે. માનવીની ગતિ જેમ જીવનથી મરણ સુધીની, તેમ છાપાની અનિવાર્ય ગતિ પ્રેસથી પસ્તી સુધીની હોય છે. તેમાં વચ્ચે આવો સાર્થક મુકામ આવી જાય અને છાપું કોઈની ઠંડી દૂર કરી શકે તો ગરીબ વર્ગની સમસ્યાઓને વાચા નહીં આપવાનું તેનું પાપ ઠીક ઠીક અંશે હળવું બની શકે છે.

એ સિવાય હાથે, પગે અને ગમે ત્યાં ઠંડી લાગે ત્યાં સુધી વાંધો નથી. પરંતુ મોંઘા ભાવનું પેટ્રોલ ભરાવવાથી માંડીને સરકારની બીજી અયોગ્ય નીતિથી કોઈને ‘ટાઢ ચડે’ તો? તેનો જવાબ નાગરિકોએ જાતે શોધવાનો અને મેળવવાનો રહે છે.
 

No comments:

Post a Comment