Monday, March 27, 2017

ડો.પ્રાણજીવન મહેતાઃ ગાંધીજીના એકમાત્ર અને આજીવન અંગત મિત્ર

ગાંધીજીના પાંચેક દાયકા જેટલા લાંબા જાહેર જીવનમાં તેમને અનેક સક્ષમ સાથીદારો, અનુયાયીઓ, મદદકર્તા મળ્યા, પણ જેમની સાથે 'મહાત્મા' બન્યા પહેલાંથી દોસ્તીનો સંબંધ હોય અને તે આજીવન ટક્યો હોય એવા તો એક જઃ પ્રાણજીવન મહેતા./ Pranjivan Mehta અભ્યાસે ડોક્ટર અને વકીલ, વ્યાવસાયિક આવડતથી ઝવેરી, દેશ અને દેશવાસીઓના સક્રિય હિતચિંતક, રંગુન(તે વખતના બર્મા)માં 1906માં 'યુનાઇટેડ બર્મા' નામનું સાપ્તાહિક શરૂ કરનાર, ગાંધીજીમાં રહેલા ગુણ બહુ વહેલા પારખી જનાર અને તેમને આજીવન ગરીમાપૂર્ણ ઉદારતાથી મદદ કરનાર એટલે પ્રાણજીવન મહેતા.
Dr.Pranjivan Mehta / ડો. પ્રાણજીવન મહેતા

ગાંધીજી વિશે કેટલીક વાર કુતૂહલથી કે શંકાથી એવો સવાલ કરવામાં આવે છે કે ભારતમાં એ કમાતા ન હતા, તો તેમનું ઘર અને પ્રવૃત્તિ કેવી રીતે ચાલતાં હતાં? તેમનું મોટું તંત્ર અને દફતર કેવી રીતે નભતું હતું? આ સવાલો પૂછાય અને તેના જવાબ લોકોને ખબર ન હોય, તે સમાજની વિસ્મૃતિ છે ને ડો.પ્રાણજીવન મહેતાની ખાનદાની છે. કેમ કે, 1909માં દક્ષિણ આફ્રિકાથી બ્રિટન ગયેલા ગાંધીજીને ડો.મહેતા મળ્યા ત્યારે બન્ને વચ્ચે નક્કી થયું હતું કે ગાંધીજી 1911માં ભારત પહોંચી જાય. ત્યાર પહેલાં દક્ષિણ આફ્રિકામાં વકીલાતની પ્રેક્ટિસ બંધ કરે અને તેમના બહોળા સંયુક્ત પરિવારની આર્થિક જવાબદારી ડો.મહેતા ઉપાડી લે.

1911માં ગાંધીજીએ ફિનિક્સ આશ્રમના ચાલુ ખર્ચ ઉપરાંત બીજા એક હજાર પાઉન્ડની મદદ ડોક્ટર પાસે માગી. જવાબમાં ડોક્ટરે પંદરસો પાઉન્ડનો ચેક મોકલી આપ્યો. ભારત આવ્યા પછી પણ એ ગોઠવણ યથાવત્ રહી. ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમ માટે ડો.મહેતાએ ફક્ત ઉદારતાથી જ નહીં, આત્મીયતાથી અને ગાંધીજીના-દેશના કામને પોતાનું કામ ગણીને, કીર્તિનો લોભ રાખ્યા વિના અવિરત મદદ કરી. ડો.મહેતાના જીવનકાર્યને પ્રકાશમાં આણતા તેમના જીવનચરિત્ર 'ધ મહાત્મા એન્ડ ધ ડોક્ટર’માં ઇતિહાસકાર શ્રીરામ મહેરોત્રાએ નોંધ્યું છેઃ અમદાવાદમાં આશ્રમ સ્થાપવા માટે જરૂરી તમામ આર્થિક મદદની વ્યવસ્થા કરવાની ડો.મહેતાએ ખાતરી આપી હતી.

વર્ષ 2014માં આ પુસ્તક પ્રકાશિત થયું તે પહેલાં પ્રાણજીવન મહેતાનું નામ ગાંધીજીના સંદર્ભે આદરથી છતાં સાવ અછડતું લેવાતું હતું. શ્રીરામ મહેરોત્રાલિખિત ચરિત્ર થકી ડો.મહેતાનું જીવનકાર્ય અને તેમનું  અસાધારણ પ્રદાન ઉજાગર થયાં. ગાંધીજી કહેતા હતા કે ડો. મહેતા સાબરમતી આશ્રમના 'ફક્ત સ્તંભ જ નથી. તેમના વિના આશ્રમ અસ્તિત્ત્વમાં જ ન આવ્યો હોત.’  1 જુલાઇ, 1917ના રોજ મગનલાલ ગાંધી પરના એક પત્રમાં ગાંધીજીએ લખ્યું હતું, ‘ડોક્ટરસાહેબ દર વર્ષે આપણને બે હજાર રૂપિયા મોકલશે.’ (રૂપિયાના આંકડા વાંચતી વખતે યાદ કરી લેવું કે સો વર્ષ પહેલાંની વાત ચાલે છે.)

ડો.મહેતાએ ગાંધીજીને લાખો રૂપિયાની મદદ કરી. તેમાંની ઘણીખરી અંગત સંપત્તિમાંથી અને થોડી લોકફાળા સ્વરૂપે હતી. રંગૂનના જાહેર જીવનમાં મોખરાનું સ્થાન ધરાવતા ડો.મહેતા ત્યાંના હિંદીઓ પાસેથી ફાળો ઉઘરાવીને, તેમને પણ ભારતની આઝાદીની લડત સાથે સાંકળતા હતા. દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા પછી ગાંધીજીએ જાહેર કામ શરૂ કર્યું તે પહેલાંના પ્રવાસમાં તે પરમ મિત્ર ડો.મહેતાના મહેમાન બન્યા હતા. રંગુનમાં ડો. મહેતાએ તેમનું શાહી સ્વાગત કર્યું હતું અને તેમના માનમાં ઘણા કાર્યક્રમ યોજ્યા હતા.

દક્ષિણ આફ્રિકામાં કરેલી કામગીરીને લીધે ભારતમાં ગાંધીજીની ખ્યાતિ પ્રસરી.  છતાં તેમણે 'હિંદ સ્વરાજ' (1909) લખ્યું ત્યારે તેમાં વ્યક્ત થયેલા વિચારોને કારણે ગોખલે જેવા કેટલાકની ગાંધીજી વિશેની આશા ડગુમગુ થઈ.  ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં ગાંધી જે કરી શક્યા, તે ભારતમાં પણ થાય એ વિશે તેમને શંકા હતી. એ વખતે (1912માં) ડો.મહેતાએ ગોખલેને ગાંધીની ભલામણ કરતો પત્ર લખ્યો હતો. ગોખલે ત્યારે દક્ષિણ આફ્રિકા જવાના હતા. એટલે ડોક્ટરે તેમને લખ્યું, ‘ટૂંક સમયમાં તમારે એમને (ગાંધીને) મળવાનું અને તેમની સાથે વાત કરવાનું બનશે. તેમના વિશે આપણી વચ્ચે જે કંઇ થોડીઘણી વાત થઈ તેની પરથી મને લાગ્યું કે તમે એમનો બરાબર અભ્યાસ કર્યો નથી. મારા નમ્ર મત પ્રમાણે આવા માણસ ભાગ્યે જ પેદા થાય છે અને થાય તો પણ ભારતમાં જ. મને લાગે છે કે તેમની બરાબરીનો દીર્ઘદૃષ્ટા રાજકીય પેગંબર છેલ્લી પાંચ-છ સદીમાં જન્મ્યો નથી. તે અઢારમી સદીમાં આવ્યા હોત તો ભારતની ભૂમિ અત્યારે છે તેના કરતાં સાવ જુદી હોત અને તેનો ઇતિહાસ પણ સાવ જુદો લખાયો હોત. તેમના વ્યક્તિગત પરિચયમાં આવ્યા પછી તેમની ક્ષમતા વિશેનો તમારો હાલનો અભિપ્રાય ઘણો બદલાયો છે, એવું તમારા મોઢે સાંભળવા હું આતુર રહીશ. તેમને અંગત રીતે જાણ્યા પછી તમને તેમનામાં એવા માણસના ગુણ દેખાશે, જે પોતાની જન્મભૂમિના લોકોને ઉપર લઇ જવા માટે ક્યારેક જ અવતરે છે.’
Signature of Dr.Pranjivan Mehta in a letter / પત્રના અંંતે ડો.મહેતાની સહી

દેશની સેવા કરનારા આવા મિત્ર અને નેતા માટે ડો.મહેતાએ પોતાની નાણાંકોથળી કેવી ખુલ્લી મૂકી દીધી હતી, તેનો ખ્યાલ આપતો ગાંધીજીનો (મગનલાલ ગાંધી પરનો) વધુ એક પત્રઃ ડો.મહેતાએ આપણને આશ્રમ માટે રૂ. દોઢ લાખ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ રૂપિયા બે વર્ષના અરસામાં જરૂર મુજબ ઉપાડી શકાશે. તે બાંધકામ માટેના છે. તેમાંથી રૂ.વીસ હજાર તમે તત્કાળ રેવાશંકરભાઈ (ડો.મહેતાના ભાઈ) પાસેથી ઉપાડી શકો છો...રૂ.દોઢ લાખની આ રકમ આપણા આત્માની પ્રાર્થનાનો જવાબ છે, એ તમારે જાણવું જોઇએ.’

ગાંધીજીના શબ્દો-અભિવ્યક્તિમાં કહી શકાય કે ફક્ત રૂ.દોઢ લાખ નહીં, આખેઆખા પ્રાણજીવન મહેતા અને તેમની દોસ્તી આત્માએ કરેલી પ્રાર્થનાના ફળ જેવા હતાં. આજીવન સમૃદ્ધિ ભોગવનાર ડો.મહેતાના છેલ્લા દિવસો બિમારી અને આર્થિક ખેંચમાં વીત્યા હતા. ત્યારે પણ વસિયતનામું કર્યું તેમાં સાબરમતી આશ્રમ માટે રૂ.6,500ની રકમ એ મૂકીને ગયા હતા. મહાદેવભાઈએ તેમના માટે પ્રયોજેલું વિશેષણ 'પ્રિન્સ ઓફ ફિલાન્થ્રોપિસ્ટ્સ’ (દિલદાર દાનેશ્વરી) ભવ્ય હોવા છતાં, ડો.મહેતાની ગુ્પ્ત મદદનો અને ખાસ તો તેમની દેશભાવનાનો પૂરેપૂરો ખ્યાલ આપનારું નથી. ગાંધીજીની જેમ જ ડો.મહેતા માટે પણ દેશ એટલે દેશના સામાન્ય લોકો. એટલે ગ્રામવિકાસ, ગૃહઉદ્યોગ અને ખેતીના વિકાસ માટે એક સ્વદેશી ફંડ હોવું જોઇએ, એવો તેમનો વિચાર હતો. તેમણે ગાંધીજીને 'ગુજરાત સ્વદેશી શરાફ મંડળ'ની યોજના મોકલી હતી, જે ગરીબોને રાહત દરે નાણાં ધીરે અને બેન્ક જેવું કામ કરે. (એ સમયે ગરીબો પાસે લોહીચૂસ શરાફો સિવાય બીજા કોઈ વિકલ્પ ન હતા.) રૂ.એક લાખનું દાન આપવાની તૈયારી સાથે તેમણે સૂચવેલી આ યોજનામાં ભૂખમરો ટાળવા માટે અનાજ ભરવાનાં ગોડાઉનની પણ વ્યવસ્થા કરવાનું આયોજન હતું. પરંતુ એ યોજના કોઈ કારણસર આગળ વધી શકી નહીં.

ડો.મહેતાએ રંગૂનની જનરલ હોસ્પિટલમાં 3 ઓગસ્ટ, 1932ના રોજ દેહ છોડ્યો. છેલ્લા દિવસો બિમારીમાં વીત્યા. એ વખતે ગાંધીજી યરવડા જેલમાં હતા, પણ તેમને રોજ ટેલીગ્રામથી તેમના એકમાત્ર પરમ મિત્રની તબિયતના સમાચાર મોકલવામાં આવતા હતા. ડોક્ટરના અવસાનના સમાચાર મળતાં ગાંધીજીએ જેલમાંથી તેમના પરિવારજનોને ટેલીગ્રામ કર્યો અને લાંબા પત્ર પણ લખ્યા. પોતાની સંપત્તિનો મોટો હિસ્સો દેશસેવામાં ખર્ચી નાખનાર ડો.પ્રાણજીવન મહેતાનું નામ ગુજરાતની દાનપરંપરામાં કે ગાંધીપરંપરામાં ક્યાંય ઝળહળતું ન જણાય, તો તેમાં નુકસાન સમાજનું છે.

3 comments:

 1. Anonymous5:38:00 PM

  Urvishbhai,
  Excellent cultivation, nobudy has given such a marvelous words for Dr.Pranjivan Mehta in Gujarati.Hats off Urvishbhai.
  Thanks,
  Manhar Sutaria

  ReplyDelete
 2. ઉર્વીશ ભાઈ કોઠારી,ડો પ્રાણજીવન મહેતા વિષેની જાણકારી નો તમારો લેખ વાંચ્યો ને તેમના જીવન વિશેની આવી સવિસ્તર માહિતી પહેલી વાર વાંચી અને તે ઘણી ગમી.
  ગાંધીએ પોતે તેમની આત્મકથામાં ડો મહેતા સાહેબનો વિલાયતમાં ગાંધીએ તેમના અભ્યાસ કાલમાં રહીને ખાધાખોરાકી વિષે લખતાં નહીવત જેવો નામનો ઉલ્લેખ કરેલ છે તેનું પણ આશ્ચર્ય છે તેના કરતાં શ્રી નારાયણ હેમચંદ્ર વિષે વધુ ફકરા લખી નાખ્યા હતા! પછીથી સ્વદેશ પાછાં ફરતા મુબઈમાં તેમના (ડોકટરના) નાનાભાઈ
  રેવાશંકર મહેતાની ઓળખ દરમ્યાન ડોક્ટર સાહેબનો માત્ર ઉલ્લેખ થયો છે. ગાંધીએ પોતાની આત્મકથા ઈ.સ.૧૯૨૭માં લખી હતી ત્યારે તેઓ ઘણાય પ્રખ્યાત થઇ ગયા હતા.
  ગાંધીએ એવી રીતે તો ઘણીય જાણીતી વ્યક્તિને પોતાની આત્મકથામાં બહુ મહત્વ નથી આપ્યું જે કઈ તેઓ વિષે લખવાનું થયું છે ત્યારે એકાદ ફકરો લખીને પૂરું કર્યું છે.
  તેમની આત્મકથા ખાસ તો દરેક શિક્ષિત ગુજરાતીએ તો વાંચવી જોઈએ,
  આવા સત્ય અને અહિંસાના પૂજારીને આત્મકથા લખવાનું કેમ સુઝ્યું હશે? તે મારે મન કોયડો છે !!
  છેલ્લે ઉમેરતાં કે ડો પ્રાણજીવન મહેતા વિષેની આવી સરસ વાત ગુજરાતી વાંચકો માટે તમે પીરસી તે બદલ ધન્યવાદ.

  ReplyDelete
 3. સુંદર માહિતીસભર લેખ

  ReplyDelete