Saturday, December 13, 2008

નગેન્દ્રવિજયની અણનમ અડધી સદીગુજરાતી પત્રકારત્વમાં પચાસ વર્ષ સ્વમાનભેર અને પોતે જે કરવું હોય તે જ કરીને પૂરાં કરવાં, એ કેટલી મોટી સિદ્ધિ છે તેનો ખ્યાલ બિનગુજરાતી કે બિનપત્રકારોને ભાગ્યે જ આવે. ‘જો મિલ ગયા ઇસીકો મુકદ્દર સમજ લીયા’ની ફિલસૂફી ધરાવતા ગુજરાતી વાચકોએ બિચારાએ કદી ધોરણનો આગ્રહ રાખ્યો નથી. જે અને જેવું મળ્યું તેવું ચૂપચાપ વાંચી લીઘું છે અને એ ખરેખર બહુ ખરાબ હોય તો તેને વખાણ્યું પણ છે!

પત્રકારોને મળતા પગાર કે મહેનતાણાની શી કરવી? છેલ્લા પાંચ-સાત વર્ષના પ્રવાહોને બાદ કરતાં, ભલભલા લેખકોને ત્રણ આંકડામાં ‘પુરસ્કાર’ મળતા હતા અને એક લેખના એક હજાર રૂપિયા આસમાની રકમ ગણાતી હતી.
લગે હાથ પત્રકારોની કક્ષાની વાત પણ અસ્થાને નથી. ‘જૂના બધા સારા અને નવા બધા ખરાબ’ એવા સામાન્યીકરણથી બચીએ તો પણ, એકંદરે જૂના પત્રકારોમાં મહેનત કરવાની વૃત્તિ પ્રમાણમાં વધારે હતી, સંઘર્ષ વધારે હતો અને કંઇક કરી બતાવવાની- સમાજ માટે કંઇક કરી છૂટવાની થોડીઘણી ભાવના પણ ખરી.
આવા સંજોગોના સંગમમાં પોરબંદરના મેજિસ્ટ્રેટમાંથી પૂર્ણસમય લેખક બનેલા ‘વિજયગુપ્ત મૌર્ય’- વિજયશંકર વાસુના પુત્ર નગેન્દ્રવિજયે ૧૪ વર્ષની ઊંમરે કલમ હાથમાં પકડી, ત્યારે ગુજરાતી પત્રકારત્વના એક અતુલનીય, અભૂતપૂર્વ પ્રકરણનો આરંભ થયો. ૧૫ ડિસેમ્બર, ૨૦૦૮, સોમવારના રોજ નગેન્દ્રવિજય ૬૫મા વર્ષમાં પ્રવેશ કરશે. ગુજરાતી પત્રકારત્વમાં તેમની કામગીરીનું આ પચાસમું વર્ષ ચાલી રહ્યું છે.

જન્મભૂમિ પ્રવાસી, વેણી, મુંબઇ સમાચાર, ગુજરાત મિત્ર, અભિયાન, શ્રીરંગ, ગુજરાત સમાચાર, સંદેશ- આ બધાં અખબારો-સામયિકોમાં નગેન્દ્રવિજયની કલમે જે ઠલવાયું છે- ના, જે પીરસાયું છે- તેની તુલના કોઇ પણ ગુજરાતી પત્રકારના પ્રદાન સાથે થઇ શકે એમ નથી. ગુજરાતી ભાષા અને પ્રજા માટે શરમની વાત એ છે કે તેણે સાહિત્યમાં જે સ્થાન ‘કુમાર’ કાઢનારા બચુભાઇ રાવતને આપ્યું, એવું જ- એની બરાબરીનું, પણ જ્ઞાનવિજ્ઞાનના પત્રકારત્વનું સ્થાન- નગેન્દ્રવિજયને આપ્યું નથી. પરંતુ એ ગુજરાતનો પ્રોબ્લેમ છે, નગેન્દ્રભાઇનો નહીં!

બહારનાં પ્રકાશનો માટે નગેન્દ્રભાઇએ લખેલી સામગ્રીની વિપુલતા, વૈવિઘ્ય અને ગુણવત્તાનો મુકાબલો એક જ રીતે થઇ શકેઃ સામેના પલ્લામાં નગેન્દ્રવિજયનાં પોતાનાં પ્રકાશનો - ન્યૂઝવીકલી ‘ફ્લેશ’, અભૂતપૂર્વ વિજ્ઞાન સામયિક ‘સ્કોપ’ અને ‘બુદ્ધિશાળી બાળકોનું’ મટીને ઘણાં વર્ષોથી ‘બુદ્ધિશાળી બાળકોનું’ બનેલું ‘સફારી’ - આ ત્રણેની સામગ્રી મુકવી પડે.

નગેન્દ્રવિજયનાં પ્રકાશનો એટલે ૧૦૦ ટચની, ગેરન્ટેડ ગુણવત્તા. ‘સચ, સચ કે સિવા કુછ ભી નહીં’ - એવી તેમની શાખ. ગુજરાતીમાં પ્રકાશનોમાં ‘લે-આઉટ’ એટલે શું એની જ્યારે કોઇને ખબર પડતી ન હતી (એનો અર્થ એ નથી કે અત્યારે બધાને ખબર પડે છે!) ત્યારે સ્કોપમાં ચાર્ટ-ડાયાગ્રામ-બોક્સ અને મોટાં પોસ્ટર આવતાં હતાં. ‘હોબી’ વિભાગ મારા જેવા ઘણા વાચકોનો સૌથી પ્રિય હતો. બાકીની બાબતોમાં એ વખતે ‘પીચ પડવાની’ શરૂઆત હતી. ‘બ્રહ્માંડના ભમ્મરીયા કૂવાઃ બ્લેકહોલ’ એવું ટાઇટલ ‘સ્કોપ’ના કવરપેજ પર વાંચીને એક કિશોર તરીકે, બ્લેકહોલની જાણકારીથી પણ પહેલાં એ વાતનો રોમાંચ થયો હતો કે ‘નગેન્દ્રવિજય જેવા મોટા લેખક મહેમદાવાદના ભમ્મરીયા કૂવા વિશે જાણે છે! તેને વિશેષણ તરીકે વાપરે છે!’

કેટલાક લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે ‘એમાં શું? નગેન્દ્રભાઇ સારૂં લખે જ ને! એમની લાયબ્રેરી કેટલી મોટી છે?’ એમના અત્યાર સુધી લેવાયેલા કદાચ એકમાત્ર સત્તાવાર ઇન્ટરવ્યુ - ખરેખર તો અનૌપચારિક પણ રેકોર્ડેડ વાતચીત દરમિયાન- એમને મેં આ વાત કહી ત્યારે એમણે નગેન્દ્રવિજય સ્પેશ્યલ શૈલીમાં કહ્યું હતું,‘એમ તો મારા કરતાં જન્મભૂમિ પ્રવાસીની લાયબ્રેરી વધારે મોટી છે...’

લેખક તરીકે નગેન્દ્રભાઇની મહાનતા એમની સરળતામાં રહેલી છે. હ્યુમન જેનોમ મેપિંગથી માંડીને એઇડ્સ જેવા અટપટા અને મહંમદ રફીથી મેક્સ પ્લાન્ક સુધીના વૈવિઘ્યપૂર્ણ વિષયો પર એમના જેટલી સરળતા અને અધિકારથી લખવાનું બીજા કોઇનું ગજું નથી. નગેન્દ્રભાઇ માહિતી ઠાલવતા નથી. એમની પાસેથી આવતો એકેએક શબ્દ ‘પ્રોસેસ્ડ’ સ્વરૂપે આવે છે, જે દરેક કક્ષા ધરાવતા વાચકને સહેલાઇથી ગળે ઉતરી જાય છે અને વાંચનારમાં આત્મવિશ્વાસ પ્રગટાવે છેઃ‘અરે, આ તો મને પણ સમજણ પડી.’

એકાદ-બે વર્ષ પહેલાં મેં ‘અહા! જિંદગી’ સામયિક માટે તેમનો ઇન્ટરવ્યુ કર્યો હતો અને ‘ભાસ્કર’ જૂથના વિશેષ પ્રકાશન ‘ઉત્સવ’માં નગેન્દ્રભાઇના જૂના સાથીદાર દેવ ગઢવીની કાર્ટૂનકલા વિશેનો મેં દોઢેક વર્ષ પહેલાં કરેલો તેમનો ઇન્ટરવ્યુ પણ છપાયો હતો. (અહીં એ ઇન્ટરવ્યૂની સામગ્રી અનુકૂળતાએ મુકીશ.) અમદાવાદના સીટી મેગેઝીન ‘સીટીલાઇફ ન્યૂઝ’ના કામ માટે એકાદ વર્ષ તેમની સાથે કામ કરવાનું મળ્યું, તેને અંગત રીતે મારા માટે બહુ મોટી અને જેમાં મારી કોઇ કમાલ ન હોય એવી ઉપલબ્ધિ ગણું છું.

નગેન્દ્રભાઇ વિશે ભાગ્યે જ વાંચવા-સાંભળવા મળે છે. સામાજિક સંબંધોથી પસંદગીપૂર્વક અલિપ્ત રહેનારા નગેન્દ્રભાઇએ કેવળ ને કેવળ જ્ઞાનપ્રસારને લક્ષ્ય બનાવીને ગુજરાતી પત્રકારત્વ જેવી દુર્ગમ અને અકારી- ‘ઇનહોસ્પિટેબલ’ જગ્યાએ પચાસ વર્ષ કાઢી નાખ્યાં છે, તે કોના માટે? આપણા માટે જ, વાચકો! મારા-તમારા જેવા વાચકોને જ્ઞાનસમૃદ્ધ કરવા માટે જ! આપણી જિંદગી પર એમનું બહુ મોટું ઋણ છે. હવે તેમનો પુત્ર હર્ષલ પુષ્કર્ણા નગેન્દ્રભાઇની સાથે જોડાઇને તેમનું મિશન આગળ વધારી રહ્યો છે. નગેન્દ્રભાઇના જીવનના લાંબા પરીક્ષાકાળનાં સાથીદાર દક્ષાબહેને પણ તેમને સતત હસતા મોંએ ટેકો આપીને નગેન્દ્રભાઇને ન નડવા ઉપરાંત, સક્રિય સહાય પણ કરી છે.

૧૫ ડિસેમ્બરે નગેન્દ્રવિજયને ૬૫મું વર્ષ બેસશે, પણ આપણા વાચકો માટે પત્રકારત્વમાં તેમનાં ૫૦ વર્ષનો અવસર બહુ મોટો છે. એ નિમિત્તે તમારી લાગણી અહીં અથવા ‘સફારી’ની વેબસાઇટ પર અભિવ્યક્ત કરી શકાય છે. (http://www.safari-india.com/)

આપણી તો એટલી જ સ્વાર્થી શુભેચ્છા હોય કે નગેન્દ્રવિજય હજુ બીજાં પચાસ વર્ષ લખે અને તેમની અણનમ સદીની બ્લોગપોસ્ટ લખવા હું જીવતો હોઊં.

12 comments:

 1. Anonymous10:40:00 PM

  આદરણીય ઉર્વીશભાઈ

  સાહિત્યમાં જે સ્થાન ‘કુમાર’ કાઢનારા બચુભાઇ રાવતને આપ્યું, એવું જ- એની બરાબરીનું, પણ જ્ઞાનવિજ્ઞાનના પત્રકારત્વનું સ્થાન- નગેન્દ્રવિજયને આપ્યું નથી. પરંતુ એ ગુજરાતનો પ્રોબ્લેમ છે, નગેન્દ્રભાઇનો નહીં!...

  તમારી આ વાત સાથે હું સો ટકા સંમત છું.મેં સ્કોપના જૂના અંકો આજે મારા સંતાનો વાંચે છે! તે પણ મારા જેટલા જ રસથી! મારા સદનસીબે મને પણ તેમને નજીકથી મળવા-સાંભળવાનો લાભ મળ્યો છે. લગભગ ૧૯૮૩માં ગર્લ્સ પૉલિટેકનીકમાં તેઓ અમારા જર્નાલિઝમના તાસ લેવા આવતા હતા!સફારીના વિશેષ અંકોમાં ઈઝરાયેલના જાસૂસી સંસ્થા મોશાદ પરનો અંક વાંચતા રોમાંચિત થઈ જવાય છે.ગુરુજી નગેન્દ્રભાઈની શતાયુની મંગલ અભિલાષા પ્રાર્થુ છું.

  ReplyDelete
 2. Deepest Respect to the Man..Personally i owe him a lot.He is the man who made me read.

  With utmost respect Bows down and wishing sir all the good things in the planet..

  ReplyDelete
 3. 'સ્કોપ'ના લેવલનું કોઈ મેગેઝીન હજુ સુધી ગુજરાતમાં આવ્યું નથી. એના કેટલાય લેખો મને આજે ય યાદ છે. સામે પવને હોડી હંકારવાની હામ રાખનાર નગેન્દ્રભાઈને સલામ !

  ReplyDelete
 4. નગેન્દ્ર વિજયને સલામ!

  નગેન્દ્ર વિજય એ ગુજરાતી વાચકો (ખાસ તો સફારીના વાચકો) માટે બ્લેકહોલ જેવુ પાત્ર છે. એમની હાજરીના પુરાવા ઢગલાબંધ (લેખ સ્વરૂપે સફારીના પાનાં પર અને ક્યારેક આ રીતે તમારા લખાણમાં) પણ કોઈને દેખાય નહીં! તમારા જેવા કેટલાક લોકો કે જે તેમની ચેમ્બર સુધી પહોંચી શકે છે, એ સારી વાત છે...
  ઇશ્વર એમને લાંબી ઉમર આપે એટલે આપણે કામય તેને વાંચતા રહીએ...
  વર્ષોથી સફારી વાંચતા હોવાને કારણે કેટલાક અવલોકનોવાતોવખાણટીકા નજર સમક્ષ આવ્યા છે, જે અહીં મુકુ છું, યોગ્ય લાગે તો રાખજો. બાકી ડિલીટ કરવાનો હક્ક તો તમને છે જ...
  ગુજરાતી નહીં પણ આખા ભારતને ઉત્તમ જ્ઞાનવિજ્ઞાન સામયિક આપ્યું છે.
  વિજ્ઞાન સરળ ભાષામાં કેમ સમજાવવું એ તેમની પાસેથી શીખવું પડે
  સફારી ક્યારેય માહિતીનો સોર્સ નથી આપતું! ક્યારેક કોઈ માહિતી વિશે શંકા થાય તો શું કરવું? ‘આ પત્ર સફારીને મળે’ વિભાગ હેઠળ સફારી દરેક પ્રશ્નોના સફારી જવાબ પણ નથી આપતું. સારી વાત છપાય છે, પણ ટીકા કરી હોય એ દર વખતે છપાતી નથી. મેં ટીકા કરતાં ઘણા પત્રો લખ્યા છે, પણ તેના જવાબો નથી મળ્યા (આજે મારી પાસે તેમાંથી એક જ પત્રની નકલ છે, જેનો મે મેઈલ કર્યો હતો. બહુ પહેલા લખેલા પત્રોના કોઈ પુરવા નથી)
  સફારી તેની ભુલ સ્વીકારે છે, એ પણ સારી બાબત છે.
  સફારીએ અંગ્રેજી મેગેઝિન શરૂ કર્યું, તેનાં પાનાં ગુજરાતી સફારી કરતાં ઉત્તમ કક્ષાના અને કેટલાંક રંગીન પણ હોય છે. ગુજરાતીમાં શા માટે આવું નહીં? કિંમતનો મુદ્દો સફારીનાં વાચકોને ક્યારેય નહીં નડે, ઇતિહાસ તેનો સાક્ષી છે. એક સમયે સફારી ત્રણ રૂપિયામાં આવતું હતું અને હવે ૨૫ રૂપિયા આપતા પણ અચકાતા નથી. કિંમત વધવા છતાં સફારીનો વ્યાપ વધતો જ જાય છે. મતલબ સારંુ વાંચવા લોકો વધુ પૈસા આપવા તૈયાર છે. આ વિશે સફારીને એક પત્ર લખ્યો હતો, બેએક મહિના પહેલા. કોઈ જવાબ મળ્યો નથી. દુનિયાના ઉત્તમ સાયન્સ મેગેઝિન્સ કલરફુલ હોય છે, એટલે વધુ સારા લાગે છે. સફારી પણ કલર આપે. ફરીથી યાદ અપાવું કે સફારી વાંચવાવાળા ક્યારેય તેની કિંમત સામે નહીં જુએ..
  આને સફારીની ટીકા ગણો તો ટીકા અને ફરીયાદ ગણો તો ફરીયાદ. સફારી અમને કાયમ પોતીકું લાગે છે, એટલે આવી ટીકા કરી શકું છું. અહીં જે વાત કરી તે સત્ય છે અને સત્ય કાયમ સત્ય જ હોય છે.
  નગેન્દ્રસાહેબ કાયમ આદરણીય છે. તેને વાંચીને ગુજરાતી પત્રકારત્વની એક આખી પેઢી ઉછરી છે. તમારા જેવા કેટલાંક નસીબદાર લોકો તેમને મળી શકે છે, તો અમારી વાત તેમના સુધી પહોંચાડશો. અમારા માટે તો તે આજેય બ્લેક હોલ જેવા છે. ફરક એટલો કે બ્લેક હોલ અખૂટ ઊર્જાનો ભંડાર છે (આ પણ સફારીમાં જ વાંચ્યું છે), નગેન્દ્રસાહેબ જ્ઞાનનો..!

  ReplyDelete
 5. વાહ...

  બેશક નગેન્દ્રભાઇએ જે કર્યું છે એના પરિણામે જ આ ફીડબેક લખી શકવા જેવી અને એટલી સૂઝ વિકસી છે.લલિતભાઇના કલર પાનાના મુદ્દા સાથે અને કિંમતવાળા મુદ્દા સાથે પણ સહમત.નગેન્દ્રભાઇની રસાળ કલમ આમ જ ચાલતી રહે એવી ટનબંધ શુભેચ્છાઓ...

  ReplyDelete
 6. Anonymous1:17:00 PM

  એ સમયે મારા ગામમાં તો ફુલવાડી, ઝગમગ અને ચાંદામામા, ચંપક જ આવે. બાળપણમાં વેકેશનમાં કાકાને ત્યાં આવ્યો અને તેમના પાડોશીના છોકરાને સ્કોપ વાંચતા જોયો. નગેન્દ્ર વિજયનો એ પહેલો પરિચય. આજે ૨૫ વર્ષથી એમને વાંચુ છું. એમણે લખેલું દરેકેદરેક અનેકવાર વાંચતો રહું છું અને ખરા દિલથી કહું છું કે, એ દરેકેદરેક વખતે લેખ પૂરો થાય એટલે આંખોમાં ઝળઝળિયા સાથે પૂરા ભક્તિભાવથી એમને મનોમન વંદન કરતો રહું છું.
  હું લખતો થયો એમાં નગેન્દ્રભાઈનું યોગદાન સ-હર્ષ સ્વિકારું છું પણ એક વ્યવસાયિક લેખક તરીકે મારા વિચાર ઘડતરમાં પણ એમનાં લખાણનો જ ફાળો રહ્યો છે. મારું સપનું છે - બસ, એકવાર એમની સાથે કામ કરવું છે. ના, પગાર જે મળે તે - એમ નહિ. આજે મારો જે કંઈ પગાર છે એ આખેઆખો ફી તરીકે આપી દેવો પડે તો પણ.
  નગેન્દ્રભાઈ એકમેવ છે - અદ્વિતિય છે અને આપણે સૌ નસીબદાર છીએ કે એક એવી વ્યક્તિને તેના હયાતિકાળમાં વાંચીએ છીએ - જે આવતીકાલે "ન ભૂતો ન ભવિષ્યતિ" બની જવાના છે.
  એક ભાવકની ભાવના અને સાધકની શ્રદ્ધા સાથે નગેન્દ્રભાઈને વંદન.
  - ધૈવત ત્રિવેદી

  ReplyDelete
 7. nagendra vijay mara best lekhak chhe
  me mara ketlay mitro ane vidhyarthio ne safari vanchta karya chhe
  hu darek ne khatri purvak kahi shaku chhu k nagendra saheb ni kolamo tamne gnan sathe adhbhut aanand aape chhe ek vaar vanchava besie pachhi ubha thavanu naam na levay really i like nagendra so much
  thanks to him becoz of giving us knowledge
  ahiya ek vaat kahevanu khaas man thay chhe k mane itihas ma khubaj ras chhe ane shree nagendra sir ni safari vanchi ne mara ma etlu badhu knowlege aavyu chhe k hu pote computer no shikshak hova chhata social sci etle k samaj vidhya na shikshako mari paase itihas janva aave chhe maru gnan vadhar va badal nagendra sir no hraday thi aabhar

  ReplyDelete
 8. આપણી તો એટલી જ સ્વાર્થી શુભેચ્છા હોય કે નગેન્દ્રવિજય હજુ બીજાં પચાસ વર્ષ લખે અને તેમની અણનમ સદીની બ્લોગપોસ્ટ લખવા હું જીવતો હોઊં.

  આમીન

  ReplyDelete
 9. I am trying to nominate him for PADMA award at https://applypadma.mha.gov.in/

  ReplyDelete
 10. Anonymous7:28:00 AM

  Happy birthday to શ્રી નગેન્દ્ર વિજય સર 🎂

  ReplyDelete
 11. Anonymous1:37:00 AM

  ધન્યવાદ સાહેબ સ્કોપ ના જુના અંક મલી શકે?

  ReplyDelete
 12. Anonymous8:54:00 AM

  Happy birthday to sir

  ReplyDelete