Thursday, January 09, 2025

રવિવારની કવિતા

 કવિ કાલિદાસ નોકરી કરતા ન હતા. એટલે તેમને કદાચ રવિવારનું મહત્ત્વ સમજાયું નહીં હોય. તે કવિતા કરતા હતા અને રાજદરબારમાં પણ જતા હતા. તેથી કંઈ એવું ન કહેવાય કે તે દરબારી કવિ હતા—અને વર્તમાન અનુભવે સૌ જાણે છે કે દરબારી કવિ-લેખક હોવા માટે દરબારમાં જવું જરૂરી નથી.

પણ મુદ્દો એટલો જ છે કે, કાલિદાસે અષાઢના પહેલા દિવસ વિશે કવિતા લખી અને નવા વર્ષના પહેલા રવિવારે અથવા રવિવારે—એવો વિષય તે ન સ્પર્શ્યા.

ફક્ત નવા વર્ષનો પહેલો રવિવાર જ શા માટે? નોકરિયાત માણસને કોઈ પણ રવિવાર કવિતા જેવો કે કવિતા લખવા જેવો લાગી શકે છે. રવિવાર નોકરિયાતોનો આરાધ્ય દેવ છે—એવું વિધાન હાસ્યને બદલે ચિંતનની કોલમમાં આવ્યું હોય તો લોકો પ્રભાવિત થઈ જાય. આમેય, ચિંતનની કોલમોમાં આવતી ઘણી સામગ્રી હાસ્યની કોલમમાં ચાલે એવી હોય છે અને ઘણા હાસ્યકારોને—ખાસ કરીને બોલીને હસાવતા લોકોને—ચિંતક ને ફિલસૂફના વહેમ હોય છે.

પણ મૂળ વાત પર પાછા આવીએઃ રવિવાર નોકરિયાતોનો આરાધ્ય દેવ છે. આ વાક્ય વાંચીને કોઈને રવિવારનું મંદિર બનાવવાનો ફળદ્રુપ વિચાર આવે તો નવાઈ નહીં. આમેય ઠેકઠેકાણે ઢંગધડા વગરનાં ધર્મસ્થાનો ઊભાં થઈ જાય તો પણ ત્યાં ભાવકોની કદી ખોટ પડતી નથી. તો પછી રવિવારે શો ગુનો કર્યો? રવિવારનું મંદિર—એ કલ્પના નોકરિયાતોને રોમાંચ અને ધર્મનો ધંધો ધમધમાવતા લોકોને હથેળીમાં ખંજવાળ પ્રેરે એવી છે.

અભ્યાસીઓ કહી શકે છે કે રવિ ઊર્ફે સૂર્યનાં મંદિરો આપણા દેશમાં છે જ. તેમની વાત સાચી છે, પણ પૂરતી નથી. મોઢેરા કે કોણાર્કનાં સૂર્યમંદિર જે રવિની વાત કરે છે તે અને રજાના દિવસવાળો રવિ—એ બંને જુદા છે. એટલે તેમનાં મંદિર પણ જુદાં હોવાં જોઈએ. સંસ્કૃતિની ગુરુતાગ્રસ્ત લઘુતાગ્રંથિથી પીડાતા લોકો દલીલ કરી શકે છે કે રવિવારે રજા તે પશ્ચિમી સંસ્કૃતિની દેન છે. તેનું મંદિર આપણે શા માટે બનાવવું જોઈએ? તેમને સંસ્કૃતિ ખતરેમેંની વૃત્તિ પર કાબૂ રાખવાની ભલામણ સાથે જણાવવાનું કે સંસ્કૃતિ ગમે તે હોય, રજા રજા હોય છે. અથવા રજાનો દિવસ પોતે જ સ્વતંત્રપણે આગવી સંસ્કૃતિ કે પેટાસંસ્કૃતિ (સબ-કલ્ચર) છે.

અઠવાડિયાની વચ્ચે આવી પડતી રજાની તારીખ ભલે અગાઉથી નક્કી હોય, પણ તેની અસર બોનસ જેવી કે ભર ઉનાળે વરસાદના માવઠા જેવી હોય છે. તેની સરખામણીમાં દર રવિવારે આવતી રજા નિશ્ચિત આવક જેવી ટાઢક આપનારી હોય છે. તે એવી જૂજ વસ્તુઓમાંની એક છે જે નિયમિત આવતી હોવા છતાં તેનાથી કંટાળો નથી આવતો. બલ્કે, તેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે. શાયરોએ જેટલા શેર મિલન ને વિરહ વિશે લખ્યા છે, એનાથી સોમા ભાગના શેર પણ રવિવારની રજા વિશે લખ્યા નથી. આવું કેમ, તેની તપાસ કરતાં જાણવા મળતું એક કારણ એવું છે કે રવિવારની રજા નોકરી કરતા લોકોને જ હોય—અને બહુમતી શાયરો નોકરી કરવા માટે જાણીતા ન હતા.

રવિવારની રજા એવી ચીજ છે, જેની કલ્પનામાત્રથી મનમાં હર્ષ ઉપજે. ઘણાના સોમવારની શરૂઆત આવનારા રવિવારની રાહ જોવાથી થાય છે અને તે પ્રવૃત્તિ આખું અઠવાડિયું ઓછીવત્તી તીવ્રતા સાથે ચાલુ રહે છે. તેમાં પણ અઠવાડિયાની ગાડી બુધવારનું સ્ટેશન વટાવે એટલે મનમાં ઊંધી ગણતરી શરૂ થઈ જાય છે. એમ કરતાં શુક્રવાર જાય અને શનિવાર આવે એટલે, પહાડી નજીક આવતાં પહેલાં દૂરથી તેની ઝાંખી થાય તેમ, રવિવારની ઝાંખી થવા લાગે છે. થાય છે કે બસ, હવે હાથવેતમાં છે. છેવટે શનિવારની સાંજ અને રાત પડે છે. દિવસનો અંત સૂર્યાસ્તથી થાય, એટલે કે, શનિવારે સૂર્યાસ્ત થાય તે સાથે જ રવિવાર શરૂ થઈ જાય, એ ભારતીય પરંપરા છે. પરંતુ બાકીની બાબતોમાં પાશ્ચાત્ય પરંપરાને અનુસરતા લોકો આ બાબતમાં ભારતીય પરંપરા મુજબ ચાલે છે અને શનિવાર સાંજથી રવિવારના મિજાજમાં આવી જાય છે. શનિવારની સાંજ એ રવિવારની કવિતાનો ઉપાડ છે અથવા રવિવારની ગઝલનો મત્લા છે.

રવિવારની આખી કવિતા બધા માટે જુદી જુદી હોઈ શકે છે. કોઈના માટે રવિવાર સમય બગાડવાનો સમય હોય છે. તેમને તે દિવસે કશું જ સમયસર નહીં કરવાનો મહિમા લાગે છે. સુખિયા જીવો રવિવારે દસ-અગિયાર વાગ્યે ઉઠે ને દોઢ-બે વાગે નહાય, ત્યારે જ તેમને રવિવારનો અહેસાસ થાય છે. તે વખતે તેમનાં પરિવારજનોને—ખાસ કરીને સ્ત્રીવર્ગને—ઉપરતળે થતાં જોઈને લાગે છે કે રવિવાર પછી સોમવાર તેમની પ્રાર્થનાને કારણે જ આવતો હશે.

બીજો વર્ગ રવિવારે સમય વાપરવા માટે કૃતનિશ્ચયી હોય છે. તે આખા અઠવાડિયાંનાં ભેગાં થયેલાં કામનું રવિવારે વહેલી સવારથી રાત સુધીમાં ચુસ્ત આયોજન બનાવે છે. કરવાનાં કામની તેમની યાદી જોઈને પહેલા પ્રકારના લોકોને ચક્કર આવી શકે, પણ કર્મવીરોને તેમાં જ રવિવારની સાર્થકતા લાગે છે. રજાના આખા દિવસને પોતાના અથવા મનગમતા કામથી ભરી દેનારા સાંજ પડ્યે થાકે છે ખરા, પણ બીજા દિવસે સોમવાર આવશે તે વિચારે હારી જતા નથી. કારણ કે, તેમનો સોમવાર રવિવાર કરતાં ઓછો વ્યસ્ત હોય છે.

વર્ક ફ્રોમ હોમનો રિવાજ શરૂ થયા કેટલાક લોકોને ઓફિસે જવાનું નથી હોતું. તે અર્થમાં તેમને રોજ રવિવાર લાગે છે. એવા લોકો થોડા સમય પછી સોમવારને ઝંખતા થઈ જાય, તો નવાઈ ન લાગવી જોઈએ. 

No comments:

Post a Comment