Tuesday, October 08, 2024

એલાર્મ અને ઊંઘ

એલાર્મનું કામ શું?’ એવું પૂછીએ તો, કોઈ પણ માણસ કહી દે,આ તે કંઈ સવાલ છે? એલાર્મનું કામ જગાડવાનું. પરંતુ આ સવાલ વિશે શાંતિથી વિચાર કરતાં, એલાર્મ અને ઊંઘના અટપટા સંબંધનાં ઓછાં ચર્ચાયેલાં પાસાં પરથી પડદો ઊંચકાઈ શકે છે.

એલાર્મ અને ઊંઘનો સંબંધ મોબાઇલ પહેલાંના યુગમાં સરળ અને સ્પષ્ટ હતો. પહેલાં ડબ્બાસ્વરૂપ એલાર્મ ક્લોક આવતાં હતાં. તેના ઉપરના ભાગમાં એક બટન હોય અને પાછળના ભાગમાં એલાર્મનો કાંટો ફેરવવાની ચાવી. ચાવીના આંટા ભરીને એલાર્મ મુકી દીધું, એટલે નિશ્ચિત સમયે ડબ્બો ધણધણે અને ઉપરનું બટન દબાવી દેતાં ધણધણાટી બંધ. બંધ એટલે બંધ. પછી તે ફરી ચાલુ ન થાય. તે કારણથી આ લખનાર જેવા ઘણા લોકો ટ્રેનો ચુક્યા હશે. ભૂલથી પણ એલાર્મ પર હાથ વાગી ગયો, એટલે એલાર્મ જાણે માઠું લાગ્યું હોય તેમ, જાવ, હવે નહીં બોલુંની મુદ્રામાં ચૂપ થઈ જાય અને એક વાર તેને બંધ કરવાની ગુસ્તાખી કરનારને પછી ઊંઘવા જ દે. જાણે ખુન્નસ ખાઈને કહેતું હોય,લે બેટા. લેતો જા. હમણાં તે મારી બોલતી બંધ કરી હતી ને. હવે જો તારી મઝા કરું છું. મોટા ભાગના કિસ્સામાં એવું થાય પણ ખરું. સમય વીત્યા પછી અચાનક ઉઠી ગયેલો માણસ ઝબકીને જુએ ત્યારે ખ્યાલ આવે કે સમય વીતી ચૂક્યો છે, તેને ઉઠવામાં મોડું થયું છે અને હવે શું કરવું તે સમજાતું નથી.

અર્ધજાગ્રત અવસ્થામાં સર્જાયેલા ગુંચવાડાથી મગજની ટ્યુબલાઇટ માંડ માંડ ઉપડતી હોય, એટલે તે અવસ્થામાં માણસને સૌથી પહેલાં ગુસ્સો આવે અને પહેલી દાઝ એલાર્મ ઘડિયાળ પર ચડે. તેને થાય કે રૂપિયા ખર્ચીને વસાવેલું આ ડબલું ખરા સમયે કામ ન લાગે તો તેનો શો મતલબ? પછી કોઈ યાદ કરાવે કે એ ડબલું તો બોલ્યું હતું, પણ આ ડબલાએ સાંભળ્યું ન હતું. એટલે આક્રમણનો સઘળો જુસ્સો બચાવ તરફ વાળીને, એલાર્મનો શો મતલબ?’ એવા સવાલને આમ જુઓ તો આ જીવનનો શો મતલબ અને આ સૃષ્ટિનો પણ શો મતલબ—એવો ફિલસૂફીનો રસ્તો લેવો પડે.

એલાર્મ ઘડિયાળના જમાનામાં ઘણી વાર એવો વિચાર આવતો હતો કે લજામણીના છોડ જેવા શરમાળ એલાર્મને બદલે વાયદાબાજ નેતાઓ જેવું નફ્ફટ એલાર્મ શોધાવું જોઈએ. તે એવું હોય કે એક વાર તેનું બટન દાબવાથી ચૂપ થઈને બેસી ન જાય. થોડી વારે ફરી પાછું બોલે ને ધરાર બોલે. તેને સ્નૂઝ કહેવાય એવી ત્યારે ખબર ન હતી.

મોબાઇલ ફોન આવ્યા પછી તે કલ્પના હકીકત બની. એટલે એલાર્મના ડબ્બાથી અસંતુષ્ટ લોકોને થયું કે અચ્છે દિન આવી ગયા. પરંતુ 2014માં એવી ભ્રમણાનો ભોગ બનેલામાંથી પછી જાગેલા લોકો જાણે છે કે અચ્છે દિન એમ આવતા નથી અને ઘણી વાર તો બકરું કાઢતાં ઊંટ ને ભૂત કાઢતાં પલિત પેસે છે. એલાર્મ ઘડિયાળમાં કંઈક એવું જ થયું. અલગ એલાર્મ વસાવવાની ઝંઝટ મટી ગઈ. ફોનમાં જ એલાર્મ આવી ગયાં અને તેમાં માણસ ઉઠે નહીં ત્યાં સુધી થોડી થોડી વારે એલાર્મ વાગ્યા કરે એવી સ્નૂઝની વ્યવસ્થા પણ આવી ગઈ. હા, એલાર્મ મુકતી વખતે એએમ-પીએમનું ધ્યાન રાખવું પડે. ફોનમાં ચોવીસ કલાકનું સેટિંગ રાખ્યું હોય તો 20:00 એટલે દસ નહીં, પણ આઠ વાગ્યા કહેવાય, એનો ખ્યાલ રાખવો પડે. ઘણી વાર એલાર્મ મુક્યા પછી એટલો બધો સંતોષ થઈ જાય—અથવા એટલી ઊંઘ આવતી હોય કે પછી તે ચાલુ કરવાનું બટન દબાવવાનું ભૂલી જવાય અને સવારે ધબડકો.

આટલું વર્ણન વાંચીને કોઈને એવું ધારવાનું મન થાય કે જો આવી નાની બાબતોનું સાધારણ ધ્યાન રાખી લેવામાં આવે, પછી વાંધો નહીં. પરંતુ અનુભવીઓ જાણે છે કે તે ધારણા સાચી નથી. મોબાઇલમાં મળેલી સ્નૂઝની સુવિધા માણસને જગાડવાને બદલે ઉંઘાડવાનું કામ વધારે અસરકારક રીતે કરે છે. તેનો શબ્દાર્થ પણ એવો જ થાય છેઃ નિશ્ચિત કરેલા સમયે ઘંટડી વાગી તો છે, પણ હજુ એકાદ નાનું ઝોકું લઈ લેવું છે? તો લઈ લો. પછી ઉઠજો.

ઉંઘમાંથી માંડ ઉઠનારા માણસને આટલી છૂટ આપવી વ્યવસ્થાઘાતક નીવડી શકે છે. બંધારણીય સંસ્થાઓ કે કાયદાનું પાલન કરાવનારી સંસ્થાઓ નાગરિકોને એવું કહે કે અમે તમને જગાડતા રહીશું, પણ હજુ તમારે ઉંઘવું છે? તો એકાદ નાનકડી ઊંઘ ખેંચી લો. તો લોકશાહીનું શું થાય? એલાર્મ ભલે એટલું ગંભીર નહીં, તો પણ જગાડવાનું કામ તો કરે જ છે. એ કામની ગંભીરતા પારખવાને બદલે, ઘણા લોકોની જેમ તે ફક્ત કરવાખાતર કામ કરી નાખે તો થઈ રહ્યું. જુઓ, મારું કામ બોલવાનું છે-જગાડવાનું છે. એટલે એ હું કરીશ, પણ તમારે એને સાંભળવાનું-ગણકારવાનું જરૂરી નથી. તમતમારે તેને અવગણીને ઊંઘવું હોય તો ઊંઘી જજો. એટલે મને મારી ફરજ અદા કર્યાનો સંતોષ થાય ને તમને તમારી સ્વતંત્રતા ભોગવવાનો.—આવું વલણ યંત્રો અને તંત્રો અપનાવે, તો પછી દેશનું શું થાય? ઊંઘવું એ લોકશાહી અધિકાર છે, પણ જાગવું એ લોકશાહી ફરજ છે. તે ફરજ પ્રેરનારાં એલાર્મ આવું વલણ અપનાવે, ત્યારે આમ ડાહી ડાહી વાતો કરતા, પણ ચુકાદો આપવાનો આવે ત્યારે પાણીમાં બેસી જતા લોકોની યાદ ન આવે?

1 comment:

  1. Piyush Pandya12:05:00 AM

    'સ્નૂઝ' શબ્દનો ખરો અર્થ આ વાંચ્યા પછી સમજાયો છે.

    ReplyDelete