Wednesday, February 28, 2024

મહેફિલ-કથા અને અનોખી મહેફિલ હેમંતકુમાર-વી. બલસારાની

 (ફેસબુક પર દિવાળી 2022 વખતે લખેલી પોસ્ટ)

ગીતો માણતો થયો ત્યાં સુધીમાં ગમતા ગાયકો-સંગીતકારોમાંથી મોટા ભાગના સિધાવી ગયા હતા. એ અર્થમાં ક્યારેક લાગે કે હું મોડો પડ્યો. બાકી, તેમને મળી શકાયું હોત. કદાચ કોઈક રીતે, તેમની એકાદ અનૌપચારિક મહેફિલમાં બેસવા મળ્યું હોત અને આજીવન યાદ રહી જાય એવી રસવર્ષામાં તરબોળ થયો હોત.
તે વસવસો જરાતરા હળવો થાય એવી કેટલીક મહેફિલોમાં બેસવા મળ્યું, એને જીવનની ચરમ સફળતાઓમાં ગણું છું. 1992 કે 1993માં ફિલ્મસંગીતના ગુરુ નલિન શાહ સાથે પૂના જવા મળ્યું. ઉંમર માંડ એકવીસ-બાવીસની. શાસ્ત્રીય સંગીતમાં સમજ ત્યારે પણ ન પડે ને હજુ પણ નથી પડતી. છતાં, ફિલ્મસંગીતમાં બીરેન ને હું ઘાયલ. એ અવસ્થા અને માનસિકતામાં, પૂનાની એક સાંજે, સંગીતકાર રામ કદમના ઘરે મહેફિલ જામી.
નલિનભાઈ, તેમના એલઆઇસીના યુવાન મિત્ર રણજિત કુલકર્ણી, બીજા એકાદ ભાઈ હતા અને હું. આટલા જ લોકો. રામ કદમે શાંતારામની મરાઠી ફિલ્મ 'પિંજરા' માં આપેલું સંગીત બહુ જાણીતું બન્યું હતું. પણ તે સાંજની મહેફિલ રામ કદમના સંગીત વિશે નહીં, મુખ્યત્વે 1940ના દાયકાના સંગીત વિશેની હતી. રામ કદમ પેટી (હાર્મોનિયમ) લઈને બેઠા હતા. અમે તેમને વીંટળાઈને બેઠા.
રામ કદમે થોડા વખત માટે 1940ના દાયકાના વિખ્યાત સંગીતકાર-ગાયક રફીક ગઝનવી સાથે કામ કર્યું હતું. રફીક ગઝનવી વિશે મંટોએ લાંબું પ્રકરણ લખ્યું છે. (દસ્તાવેજ ભાગ-5, પાનાં 95-114) પણ ત્યારે એ વાંચ્યું ન હતું. મનમાં રફીક ગઝનવીની ઓળખ જૂની 'લૈલા મજનૂ'ના સંગીતકાર તરીકેની હતી. અમારી વ્યાખ્યા પ્રમાણેની 'જૂની' એટલે 1976ની નહી, 1945ની. મદન મોહનની નહીં, રફીક ગઝનવીની. તેનાં કેટલાંક ગીતની કેસેટ નલિનભાઈ પાસેથી મળી હતી અને તે બહુ ગમ્યાં હતાં. જા રહા હૈ કારવાં યે ઝિંદગી કા કારવાં, તુમ્હારી જાને તમન્ના સલામ કરતી હૈ-- જેવાં ગીત આજે પણ સાંભળીને રોમાંચ થાય છે.
એ ફિલ્મમાં રફીક ગઝનવીએ પોતે એક ગીત ગાયું હતું, 'ઓ જાનેવાલે રાહી, મુઝકો ન ભૂલ જાના'. તેની ધૂન જરા પેચીદી હતી. ગાવામાં શાસ્ત્રીય ઉસ્તાદી માગી લે એવી. રામ કદમે તેમના હાર્મોનિયમ પર એ ગીત છેડ્યું અને સાથે, કેવળ સૂર પુરાવવા પૂરતું, ગાવાનું શરૂ કર્યું. ગાતા જાય, હાથ પેટી પર ફરતો જાય અને વચ્ચે વચ્ચે ગાવાનું રોકીને, એ ગીતમાં રફીક ગઝનવીએ કયા સૂર ક્યાં ને શા માટે લગાડ્યા છે, તેની વાત કરતા જાય. સાંભળીને એવું લાગે, જાણે બસ, દુનિયામાં બધું અટકી જાય ને આ ચાલ્યા જ કરે...ચાલ્યા જ કરે...
ગીતની વાત થાય એટલે શબ્દોની પણ ચર્ચા થાય. ગીતની બીજી લીટી હતી, 'મહમિલ કો જરા રોકો, સુન લો મેરા ફસાના'. તેમાં લોકજીભે 'મહમિલ'ને બદલે 'મહફિલ' ચડેલું. પાછી રોકવાની વાત. એટલે મહેફિલ રોકવાનું બંધ બેસે. તે વખતે નલિનભાઈએ કહ્યું કે મહમિલ એટલે ડોલી. લૈલા ડોલીમાં જઈ રહી છે અને મજનુ તેને થોભવા કહે છે. (આ લખતી વખતે મહમિલનો અર્થ તપાસી જોયો. ઊંટ પર મુકવાની અંબાડી અથવા ડોલી, જેમાં સ્ત્રીઓ બેસે છે.)
બીજી સાંજે રામ કદમને ફરી મળવાનું હતું. મેં નલિનભાઈને લગભગ દુરાગ્રહ કરીને એ બેઠકના રેકોર્ડિંગની વ્યવસ્થા માટે કહ્યું. તેમણે મહાપરાણે એકાદ પ્લેયર-કમ-રેકોર્ડરનો બંદોબસ્ત કર્યો. પણ પહોંચ્યા પછી જામનો દૌર શરૂ થયો. નલિનભાઈએ આગલા દિવસનો તંતુ આગળ વધારવા પ્રયાસ કર્યો, ત્યારે રામ કદમે હાથમાં પકડેલો પ્યાલો બતાવીને કહ્યું, "આને સ્પર્શ્યા પછી હું પેટીને અડતો નથી."
***
'સેહરા', 'ગીત ગાયા પથ્થરોંને' જેવી ફિલ્મોમાં યાદગાર ગીતો આપનાર, વિસરાયેલા અને બેહાલીમાં જીવતા સંગીતકાર રામલાલને 2003માં મળવાનું થયું. અઢી-ત્રણ કલાકની મુલાકાતમાં જીવનચરિત્રાત્મક વિગતો ઉપરાંત ગીતોની અને જુદાં જુદાં ગીતોમાં તેમણે વગાડેલી શરણાઈની વાત થઈ. ત્યારે તેમણે 'સેહરા'નાં ગમતાં ગીતો વિશે, તેમાં વાગેલાં વાદ્યો અને વાદ્યકારો વિશે થોડી વાત કરી હતી અને તે ગીતો પોતે ગાઈ પણ બતાવતા હતા. એક ઓરડીમાં રહેતા એ સંગીતકારની સાથે મહેફિલ તો થઈ ન કહેવાય, પણ જ્યારે ગીતોની વાત ચાલતી અને તે ગાતા હતા, ત્યારે આસપાસની ઘેરી કરુણતા બે ઘડી વિસારે પડી જતી હતી.
થોડાં વર્ષ પછી, રજનીકુમાર પંડ્યાના પ્રયાસોને કારણે, વિખ્યાત ભજનગાયિકા જુથિકા રોયની આત્મકથાનું ગુજરાતી પ્રકાશન અને તેમનું સન્માન અમદાવાદમાં શક્ય બન્યાં. કાર્યક્રમમાં જુથિકા રોય બે-ત્રણ ગીત ગાવાનાં હતાં. તેની તૈયારી વખતે અમે થોડા લોકો સાથે હતા. તેમાં મુંબઈસ્થિત સંગીતકાર-જાણકાર સંગીતપ્રેમી તુષાર ભાટિયા પણ હતા. જુથિકા રોયનો અવાજ સાવ ખળભળી ગયો હતો. છતાં, તે જુથિકા રોય હતાં. તુષાર ભાટિયા સિતાર પર 'મને ચાકર રાખોજી'નો અંતરો વગાડતા હતા ને સૂરમાં ક્યાંક ચૂક થઈ કે તરત જુથિકા રોયે તેમના નિર્મળ સ્મિત અને ભારે બંગાળી છાંટ ધરાવતા ઉચ્ચાર સાથે, એટલો ભાગ ગાઈને સુધાર્યું.
સંગીતકાર અજિત મર્ચંટ સાથે પહેલી જ મુલાકાતથી કૌટુંબિક આત્મીયતા થયા પછી, તેમના ઘરે તે વગાડતા અને ગાતા હોય, કોઈ શબ્દ ભૂલે અને નીલમકાકી સામે જુએ એટલે કાકી તરત પૂર્તિ કરે, એવી અનેક મિની મહેફિલો થઈ.
ફિલ્મસંગીતથી જરા અલગ, પણ મહેફિલરસની રીતે જરાય ઉતરતી નહીં, એવી મહેફિલો રાજસ્થાની લોકગાયક સમંદરખાન માંગણીયાર અને તેમના સાથીદારો સાથે બેસીને માણવા મળી છે. પહેલી વાર રાજસ્થાનના ઉદેપુર પાસે આવેલા 'શિલ્પગ્રામ'માં, પછી કુલ્લુ (મનાલી)માં નદી કાંઠે આવેલી એક નિશાળમાં તેમને અપાયેલા ઉતારે મોડી રાત સુધી, ત્યાર પછી 1995માં મહેમદાવાદના ઘરે અને વીસેક વર્ષ પછી ફરી મહેમદાવાદના ઘરે. તે મહેફિલોનો અને તેમાં રેલાયેલા ફ્રી સ્ટાઇલ સંગીતનો કેફ દિવસો સુધી મન પર છવાયેલો રહ્યો છે અને હજુ પણ એ યાદ કરવાની જ વાર, એટલો હૈયાવગો છે.
***
ઉપર જણાવેલી અને જેનો ઉલ્લેખ ચૂક્યો હોઈશ એવી એ બધી મહેફિલોને જાનદાર અને આજીવન યાદગાર બનાવે એવાં બે મુખ્ય તત્ત્વોઃ સંગીત અને અનૌપચારિકતા. એટલે જ, યુટ્યુબ પર ધીમે ધીમે સામગ્રી મુકાવા લાગી, ત્યારે આવી ચીજોની સતત શોધ રહેતી હતી. તેમાં એક વાર એક વિડીયો મળી ગઈઃ વાદક-અરેન્જર વી.બલસારા અને હેમંતકુમારની અનૌપચારિક મહેફિલ.
આમ તો એ બાકાયદા કેેમેરાથી રેકોર્ડ થયેલી છે. છતાં, તેમાં બલસારા કે હેમંતકુમાર, કોઈના પક્ષે કેમેરાની હાજરીનો ભાર વરતાતો નથી. આખી વાતચીત બંગાળીમાં છે. પણ વિડીયોને માણવામાં બંગાળી જરાય નડતરરૂપ નથી. હા, કોઈ બંગાળી મિત્ર થોડી મહેનત લઈને આખી વાતચીતનું નહીં તો, કમ સે કમ, તેમાં થયેલા અગત્યના મુદ્દાનું ગુજરાતી/અંગ્રેજી કરી આપે તો મઝા ઓર વધે ખરી.
પરમ મિત્ર વિસ્તસ્પ હોડીવાલાનો ફેસબુક થકી પરિચય થયો તે પહેલાં, અમારા માટે વિસ્તસ્પ એક જઃ વિસ્તસ્પ બલસારા એટલે કે વી. બલસારા. ઉત્તમ વાદક, મુકેશનાં કેટલાંક બિનફિલ્મી ગીતોમાં તેમણે સંગીત આપેલું. પણ તે કેવા કમાલના વાદક છે અને કેટકેટલાં વાદ્યો કેટલી નિપુણતાથી, રમાડતા હોય એમ વગાડી જાણે છે, તે જાણવા માટે આખી વિડીયો અચૂક જોશો.
હેમંતકુમારના પ્રેમીઓ માટે આ મહેફિલમાં કેટલીક ગજબની ચીજો છે. કઈ તેનું મીઠું રહસ્ય ખોલતો નથી. તમે સાંભળીને મઝા કરજો. તમારે સીધા ત્યાં સુધી પહોંચવું હોય તો તેના કાઉન્ટ અહીં લખ્યા છે.
1. 6:52થી
2. 20:25થી
આ બંનેમાં હેમંતકુમાર જે રીતે, બેઠ્ઠાં બેઠ્ઠાં, કશાય આયાસ વિના, લગભગ વાત કરવાની ઢબે, છતાં જે મધુરતાથી ગાય છે, તે જોઈને રુંવાડાં ઊભાં થઈ જાય છે અને થાય છે કે ક્યાંથી આવ્યા હશે આ લોકો? અને ક્યાંથી લાવ્યા હશે આવી પ્રતિભા?
***
શક્ય હોય તો સમય કાઢીને આખી વિડીયો જ સાંભળવા જેવી છે. તે સંગીત અને વાદનની સાવ જુદી જ દુનિયામાં લઈ જશે, તેની ખાતરી.

No comments:

Post a Comment