Saturday, November 25, 2023

નંદલાલ બોઝના ગાંધીજીઃ એક ચિત્ર, ચાર અવતાર


શાંતિનિકેતનના કળાશિક્ષક અને ઉત્તમ કળાકાર નંદલાલ બોઝે  તૈયાર કરેલું ગાંધીજીનું  લિનોકટ ગાંધીજીનાં સૌથી પ્રખ્યાત ચિત્રોમાં સ્થાન ધરાવે છે. દાંડી કૂચ વખતે લાકડી સાથે, પણ લાકડીના ટેકે નહીં એવી રીતે ચાલતા, 61 વર્ષે પણ અડીખમ ગાંધીજીનું ભવ્ય દર્શન એ ચિત્રમાં થાય છે. તે લિનોકટની નીચે નંદલાલ બોઝની સહી સાથે અંગ્રેજીમાં BAPUJI અને 1241930 (12 એપ્રિલ 1930) લખેલું જોવા મળે છે. 

દાંડી કૂચની શરૂઆત 12 માર્ચ 1930ના રોજ થઈ હતી. તો પછી લિનોકટ નીચે 12 એપ્રિલની તારીખ કેમ? એવો સવાલ થઈ શકે. 12 એપ્રિલનું કોઈ ઐતિહાસિક મહત્ત્વ નથી. (દાંડીકૂચ પછી ગાંધીજીની ધરપકડ પાંચ મેના રોજ થઈ હતી.) 12 એપ્રિલે પાછળનો સામાન્ય તર્ક એ સૂઝે કે લિનોકટનું કામ તેમણે વહેલું શરૂ કર્યું હોય અને તે 12 એપ્રિલે પૂરું થયુ હોય. 

એ સંભાવનાનો મજબૂત આધાર દેબદત્ત ગુપ્તાના બ્લોગ VISUALISING THE DANDI MARCH AT SANTINIKETAN માંથી મળ્યો. કોલકાતાની રવીન્દ્રભારતી યુનિવર્સિટી સાથે સંકળાયેલા કળા ઇતિહાસકાર ગુપ્તાએ નોંધ્યું છે કે ગાંધીજીની શાંતિનિકેતનની મુલાકાત વખતે રવીન્દ્રનાથની સાથોસાથ કળાકાર નંદલાલ બોઝ (બસુ)ને પણ ગાંધીજી સાથે આત્મીયતા થઈ હતી. શાંતિનિકેતનના કેટલાક વિદ્યાર્થીઓ સ્વદેશી ચળવળમાં ભાગ પણ લેતા હતા અને  બોઝના ખાસ મિત્ર અક્ષયબાબુ દાંડીકૂચમાં જોડાવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. (દાંડીકૂચના યાત્રીઓમાં તેમનું નામ મળતું નથી. એટલે તે અમદાવાદ આવ્યા હોય અને દાંડીયાત્રી તરીકે તે જોડાઈ ન શક્યા હોય તે બનવાજોગ છે.)

દાંડીકૂચ શરૂ થઈ તે દિવસે, 12 માર્ચ 1930ના રોજ, નંદલાલ બોઝે ગાંધીજીનું એક રેખાચિત્ર બનાવ્યું.  તેની નીચે લખાણ હતુંઃ BAPUJI 1231930. આ ચિત્રમાં ગાંધીજીના માથે શિખા અને હાથમાં ટોકરી (ઘંટડી) જોવા મળે છે અને નીચે નંદલાલ બોઝની સહી નથી. 
નંદલાલ બોઝે બનાવેલું મૂળ ચિત્ર, તારીખ 12031930 (દાંડી કૂચનો પ્રારંભ)

દાંડીકૂચના અરસામાં કલકત્તામાં સતીશચંદ્ર દાસગુપ્તાના તંત્રીપદે 'સત્યાગ્રહ સંગબાદ' નામનું અખબાર સાયક્લોસ્ટાઇલ કોપીના સ્વરૂપે નીકળતું હતું. શાંતિનિકેતનના-નંદલાલ બોઝના વિદ્યાર્થી પ્રભાતમોહન બેનરજી એ અખબારના મુદ્રક હતા. તેની પર સરકારની ખફાનજર થયા પછી અખબારની માગ ઓર વધી ગઈ. તે વખતે નંદલાલ બોઝ તેમના દીકરાને જાપાન ભણવા મોકલવાની વ્યવસ્થા માટે કોલકાતા અવરજવર રહેતી. કોલકાતા હોય ત્યારે તે પેપરની ઓફિસે પણ જતા. એ દિવસો યાદ કરીને પ્રભાતમોહન બેનરજીએ બંગાળી સામયિક 'દેશ'ના નવેમ્બર-ડિસેમ્બર 1966ના અંકમાં લખ્યું હતું કે તેમની વિનંતીને માન આપીને નંદલાલ બોઝે તેેમને ગાંધીજીનું રેખાચિત્ર 'સત્યાગ્રહ સંગબાદ'માં છાપવા માટે આપ્યું અને એ તેમણે સાયક્લોસ્ટાઇલ નકલમાં હોંશથી-ગૌરવભેર છાપ્યું પણ ખરું. 

થોડા ઉમેરા સાથેનું નંદબાબુનું ચિત્રઃ
નામ બદલાયું, ઘડીયાળ ઉમેરાયું
એ જ ચિત્ર પ્રભાતમોહન બેનરજીએ 1932માં પ્રકાશિત થયેલા તેમના બંગાળી પુસ્તક 'મુક્તિ-પોથે'ના મુખપૃષ્ઠ પર છાપ્યું. પરંતુ તેમાં કેટલાક ફેરફાર હતા. ચિત્રની નીચે અંગ્રેજીમાં BAPUJIને બદલે બંગાળીમાં 'જોય-જાત્રા' (વિજય-યાત્રા) લખેલું હતું. અગાઉના ચિત્રમાં નંદલાલે ગાંધીજીની કમરે લટકતું ઘડિયાળ ઉમેર્યું હતું. જોકે, તારીખ એ જ રાખી હતીઃ 1231930, પણ એ તેમણે બંગાળીમાં લખી હતી. આ પુસ્તક પણ અંગ્રેજ સરકારે જપ્ત કર્યું હોવાથી, તે દુર્લભ બની ગયું. 

ત્યાર પછી બન્યું પ્રખ્યાત લિનોકટ, જેની નીચે તારીખ હતી 12 એપ્રિલ 1930, જે ચિત્ર પૂરું થયાની તારીખ હોઈ શકે છે. લિનોકટમાં શિખા, ટોકરી, ઘડિયાળ ગેરહાજર છે. બેકગ્રાઉન્ડ પણ કાળુંધબ્બ નથી. મૂળ લિનોકટ કળાત્મક ચીજવસ્તુઓની હરાજી કરનારી કંપની ક્રિસ્ટીઝની વેબસાઇટ પર જોવા મળે છે. (ત્યાં જૂન 2011માં તેની મૂળ પ્રિન્ટ વેચાણ માટે મુકાઈ હતી અને તેના 2,250 પાઉન્ડ ઉપજ્યા હતા.)
નદબાબુએ બનાવેલું લિનોકટ, તારીખ 12041930

સમય જતાં લિનોકટના અગાઉના તબક્કા ભૂલાઈ ગયા અને તેનું છેલ્લું, પ્રચલિત બનેલું સ્વરૂપ જ યાદ રહ્યું. આ  ચિત્રના ચાર તબક્કા એક જ ફ્રેમમાંઃ (મોટું કરીને જોવા માટે તેની પર ક્લિક કરો)
સ્રોતઃ 
1.https://dagworld.com/visualising-the-dandi-march-at-santiniketan.html
2.https://www.christies.com/lot/lot-nandalal-bose-1882-1966-bapuji-5452454/?from=salesummary&intObjectID=5452454&lid=1 

No comments:

Post a Comment