Monday, October 30, 2023

તૂટેલા પુલના સમ

 એક સમયે ગુજરાત અમદાવાદના ઝુલતા મિનારા માટે પ્રખ્યાત હતું. હવે તૂટતા પુલ માટે તે જાણીતું બન્યું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પુલ તૂટવાના એટલા કિસ્સા બની રહ્યા છે કે કેટલાંક અખબારો ખાસ પુલ-સંવાદદાતા નીમવાનું વિચારી રહ્યાં છે અને કેટલાંકે તો બિનસત્તાવાર રીતે તે નીમી પણ દીધા છે.

પુલ તૂટવાની વાતમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, સાવરકર કે સનાતન ધર્મની વાત આવતી નથી. એટલે છાપાં-ચેનલો-યુ ટ્યુબ ચેનલો ખુલીને તેની ટીકા કરીને, પોતાની નિર્ભિકતાનું પ્રદર્શન કરી શકે છે. વળી, તેમાં પ્રજાહિત સંકળાયેલું હોવાથી પ્રજાહિતની રખેવાળીનો પાઠ પણ ભજવી શકાય છે. કારણો ગમે તે હો, પણ પુલ તૂટવાના મુદ્દે થોડીઘણી કાગારોળ થાય છે તે આવકાર્ય છે. તેમાં કેન્દ્રસ્થાને રહેલો મુદ્દો સ્વાભાવિક રીતે જ ભ્રષ્ટાચારનો હોય છે. ભ્રષ્ટાચારની ચ્યુઇંગ ગમનું સુખ એ છે કે શરૂઆતના ગળપણ સુધી તેનો સ્વાદ લઈને ચગળી શકાય છે ને સ્વાદ ઉડી જાય ત્યારે તેને સહેલાઈથી ફેંકી શકાય છે.

પુલ બાંધનારા લોકોની આધ્યાત્મિક વૃત્તિની કદર નહીં કરી શકતા લોકો એવો તળીયાઝાટક આરોપ મુકે છે કે કોન્ટ્રાક્ટરો અને નેતાઓ-અફસરોની મીલીભગતને કારણે રૂપિયા અઢળક ખર્ચાય છે- સંબંધિત પાર્ટીઓના ઘરે સોનાના પુલ બને એટલી રકમ આવે છે, પણ અસલી પુલમાં વેઠ ઉતરે છે. તેના કારણે ભ્રષ્ટાચારીઓ પુલનિમિત્તે થયેલી કમાણીનો વહીવટ કરી શકે તે પહેલાં પુલ તૂટી જાય છે.

—અને તેમને શરમાવું પડે છે?

એવો વિચાર ક્યાંથી આવ્યો? શરમાવાનું તો ક્યારથી મુકી નથી દીધું?  ઉલટું, નવું કામ આવી પડે છે ને કમાવાની નવી તક ઊભી થાય છે. ગુજરાતમાં કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ થયા--એવું વાંચીને પહેલાં ભોળા લોકોને લાગતું હતું કે એ કોન્ટ્રાક્ટરોની તો જિંદગી ઝેર થઈ જશે. પરંતુ ધીમે ધીમે તેમને ખ્યાલ આવ્યો કે કોન્ટ્રાક્ટ આપવામાં સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ પછીનું કોઈ રેટિંગ હોય તો તે બ્લેક રેટિંગ છે. એક વાર કોઈ કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ થાય, ત્યાર પછી તેના વિશે નેતાઓ અને અધિકારોઓને કશી અવઢવ નથી રહેતી. તેની સાથે શરમસંકોચ (હજુ પણ જો બચ્યો હોય તો) નેવે મુકીને કમિશનના દર અંગે વાતચીત થઈ શકે છે.

મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી, મને પાનખરની બીક ન બતાવો એવી કાવ્યપંક્તિને ચરિતાર્થ કરતા બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટરના મનોદેહ પર કોઈ આવરણ હોતાં નથી. એટલે તેમને નિર્વસ્ત્ર થવાની કોઈ બીક પણ હોતી નથી. તેના કારણે બંને પક્ષે વાતચીતમાં પ્રામાણિકતા અને પારદર્શકતા પ્રગટે છે. એ તો જાહેર જીવનની કામગીરીનો આખરી હેતુ અને ઉચ્ચ આદર્શ છે. તેની ટીકા કરવાની હોય કે તેને વધાવી લેવાનું હોય?  પ્રામાણિકતા અને પારદર્શકતા જેવાં મૂલ્યો આજે ભલે ભ્રષ્ટાચાર અને લેતીદેતીમાં પ્રગટ થાય, પણ એ જ મૂલ્યો દૃઢ થયા પછી લાંબા ગાળે જાહેર જીવનનું અભિન્ન અંગ બની નહીં રહે? એટલા મોટા સામાજિક પરિવર્તન માટે થોડા પુલોનો ભોગ આપવો પડે, એ ઊચ્ચ ભૂમિકાએ પહોંચવાની તબક્કાવાર પ્રક્રિયાનો જ એક હિસ્સો છે.

આગળ પુલ બાંધનારા લોકોની આધ્યાત્મિક વૃત્તિનો અછડતો ઉલ્લેખ કર્યો હતો. તેના વિશે પણ જાણી લેવું જોઈએ. નજીવી બાબતોમાં, અરે ક્રિકેટ મેચોમાં, જય શ્રી રામની ચિચિયારીઓ પાડનારા પુલની વાત આવે ત્યારે રામાયણ ભૂલી જાય તે કેમ ચાલે? લંકા પહોંચવા માટે વાનરસેનાએ પુલ બનાવ્યો ત્યારે તેનું વૈજ્ઞાનિક પરીક્ષણ થયું હતું? તેમાં સીમેન્ટ ઓછો છે ને સળીયા ઓછા છે ને મટીરીયલ નિમ્ન કક્ષાનું છે—એવી કશી ચૂંથ થઈ હતી? કથા પ્રમાણે, વાનરસેનાએ શ્રદ્ધા અને ભક્તિથી પથ્થરો મુક્યા અને પુલ બની ગયો. આધુનિક કોન્ટ્રાક્ટરો જય શ્રી રામની ચિચિયારીઓથી ખોફ ખાઈને, લંકા-પુલપદ્ધતિથી નવા પુલો બાંધતા નહીં હોય એની શી ખાતરી? કથામાં રામના નામે પથરા તરતા હતા. કળીયુગમાં ચૂંટણીમાં રામનામે પથરા તરી જાય છે. તો કોન્ટ્રાક્ટરોએ વિચાર્યું હોય કે અસલી પથરાને પણ ટકાવી જોઈએ. એટલે એન્જિનિયરિંગને બદલે શ્રદ્ધાથી કામ લઈને તેમણે પુલ બાંધ્યા હોય એવું ન બને? એવી રીતે બાંધેલા પુલ તૂટી જાય તો તેમાં કોની શ્રદ્ધા ઓછી પડી કહેવાય? કોન્ટ્રાક્ટરની? દલાલની? અફસર-નેતા યુતિની? કે તેની પર-તેની નીચે ચાલનારાની? આ સવાલ આધ્યાત્મિક સ્વરૂપ ધારણ કરે છે અને તેને એન્જિનિયરિંગ સાથે કોઈ લેવાદેવા રહેતી નથી.

જે રીતે અભ્યાસક્રમો બદલાઈ રહ્યા છે અને પુરાણકથાઓને ઇતિહાસ કે વિજ્ઞાન તરીકે ઘુસાડવામાં આવી રહી છે તે જોતાં, સિવિલ એન્જિનિયરિંગ ભણેલા વિદ્યાર્થીને લંકાના પુલ વિશે બધી ખબર હોય અને ગુજરાતમાં બાંધવાના પુલો વિશે કશી ખબર ન હોય, તો પણ આઘાત ન લાગવો જોઈએ. બલ્કે, તેના સંસ્કૃતિજ્ઞાનને બિરદાવવું જોઈએ અને પુલો તૂટવા છતાં રાજ્યની-દેશની સંસ્કૃતિનો વિજયધ્વજ કેવો ફરફરી રહ્યો છે તેનું ગૌરવ લેવું જોઈએ.

દરેક વખત પુલ તૂટે ત્યારે માણસોનાં મૃત્યુ થાય તે જરૂરી નથી. માણસ-માણસ વચ્ચેના પુલ તૂટે ત્યારે કાગારોળ મચતી નથી. વર્ષોથી એવા પુલ સતત તૂટી રહ્યા છે—આયોજનપૂર્વક અને ગાફેલિયતથી. એવા પુલ ફરી બનાવવામાં સાહેબલોકોને રસ પડતો નથી. કારણ કે, એવા પુલ ન બને એમાં જ તેમનું સાહેબપણાની સલામતી હોય છે.

બીજા સમુદાયના લોકોથી માંડીને (મણિપુર જેવાં) બીજાં રાજ્યો સાથે આપણને જોડતા પુલ તૂટ્યાનો અવાજ સંભળાયો?

No comments:

Post a Comment