Wednesday, August 16, 2023

વર-કન્યા, (સરકારથી) સાવધાન

ગુજરાત સરકાર પ્રેમલગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવાનું વિચારી રહી છે. ના, આ વાતમાં સરકાર વિચારી રહી છે-તે વિચારી શકે છે, તે સમાચાર નથી. અને સરકાર તે જોગવાઈ લાવવાનું વિચારી રહી છે, તે સમાચાર ઓછામાં ઓછા 18 વર્ષ જૂના છે.
વર્તમાન વડાપ્રધાન ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે મણિપુર એકંદરે શાંત હતું ને મહિલા પહેલવાનોની કશી માથાકૂટ ન હતી. તે વખતે મુખ્ય મંત્રીને દીકરીઓની ઘણી ચિંતા રહેતી. એક દીકરીની તો તેમને એટલી બધી ચિંતા હતી કે તેની પાછળ ગૃહ ખાતું સંભાળતા મંત્રીની દેખરેખ હેઠળ રાજ્યની એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડ કામે લગાડી દેવામાં તેમને ખચકાટ થયો ન હતો. તે મામલો છેવટે અદાલતે પહોંચ્યો ત્યારે દીકરીના પિતાએ કહ્યું હતું કે મુખ્ય મંત્રી તેમના જૂના પરિચિત છે અને તેમના (પિતાના) કહેવાથી જ મુખ્ય મંત્રીએ તેમની દીકરીનું ‘ધ્યાન’ રાખ્યું હતું.
વ્યક્તિગત કિસ્સો જવા દઈએ તો પણ, જૂના-નવા સમાચાર એ છે કે લગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત બનાવવાની જાહેરાત 18 વર્ષ પહેલાં જેટલા મોટા ઉપાડે કરવામાં આવી હતી, એટલા જ પાછા પગલે જઈને સરકારે તેને રદ કરવી પડી હતી. હવે, ગુજરાતની દીકરીઓની સલામતીની સરકારે નવેસરથી ચિંતા જાગી છે. એ અલગ વાત છે કે આ જ સરકાર બળાત્કારના ગુનામાં દોષી ઠરી ચૂકેલા લોકોની સજાનો બાકી રહેલો થોડો હિસ્સો માફ કરી શકે છે. તેમાં પણ દીકરીઓ પ્રત્યે ચિંતા દર્શાવવાની સરકારની એવી કોઈ રીત છુપાયેલી હશે, જે આપણા જેવા સામાન્ય માણસોને ન સમજાય.
ચિંતા કરવાની-લાગણી બતાવવાની બાબતમાં (અને આમ તો બીજી ઘણી બાબતોમાં) સરકારોનું કામકાજ ધૃતરાષ્ટ્ર જેવું હોય છેઃ તે પ્રેમ દેખાડવા માટે જેને ભેટે તેનું પણ ઘણી વાર આવી બને. હવે સરકાર લગ્નલાયક છોકરાછોકરીઓનાં માતાપિતા પ્રત્યે પ્રેમ દેખાડવાના મૂડમાં છે. તેની પાછળ અપાતું સામાન્ય કારણ છોકરીઓના હિતનું છે. ગ્રાઉચો માર્ક્‌સ નામના એક અવળચંડા હાસ્યકારે કહ્યું હતું કે જે ક્લબ મારા જેવા માણસને સભ્યપદ આપે, એવી ફાલતુ ક્લબોમાં હું સભ્ય બનતો નથી. ગુજરાત સરકાર પણ ગ્રાઉચોના અંદાજમાં વિચારી શકે કે જે યુવાનો-યુવતીઓ વારંવાર અમને જ મત આપ્યા કરે, તેમની નિર્ણયશક્તિ પર કેટલો ભરોસો મૂકી શકાય? અને જે માતાપિતાઓ વારંવાર અમને સત્તા સોંપતાં હોય તેમની લાગણીનો વિચાર કરવો પડે કે નહીં? (જમણેરીઓનો વિરોધ કરનારાને ડાબેરી તરીકે ખપાવવા ઉત્સુક જનોના લાભાર્થે ખાસ નોંધઃ ગ્રાઉચો માર્ક્‌સ ડાબેરી વિચારસરણીના પ્રણેતા કાર્લ માર્ક્‌સના કશા સગપણમાં ન હતો.)
સરકારનો નવો-જૂનો વિચાર, અગાઉ થયો હતો તેમ, ફરી એક વાર કચરાપેટીભેગો થાય અને આ બાબતે સમય 18 વર્ષ આગળ ચાલ્યો છે—પાછળ નહીં, તેનો ઝાંખોપાંખો પુરાવો મળી રહે, એવી ગુજરાતવાસીઓને શુભેચ્છા. સાથોસાથ, ભૂલેચૂકે સરકારનું ગતકડું કાયદો બની જાય તો કેવી સ્થિતિ સર્જાઈ શકે, તેની મસ્તીભરી કલ્પના.
*
એક વ્યાવસાયિક પાસે લખાવેલી અરજી
વિષયઃ પ્રેમલગ્નમાં માતાપિતાની સંમતિ મેળવી આપવા/સંમતિમાંથી મુક્તિ મેળવી આપવા માટે ઘટતું કરવા માટે જરૂરી સૂચના આપવા માટેનો સત્તાવાર નિર્દેશ કરવા માટેની વિનંતી
મહેરબાન સાહેબ,
આથી અમો, નીચે સહી કરનાર ફલાણાભાઈ ને ઢીંકણાબહેન, આપણા દેશના બંધારણના, ઇષ્ટ દેવતાના અને બેકરી આઇટેમોના પ્રેમી હોવાને કારણે યીસ્ટ દેવતાના પણ સોગંદ ખાઈને જણાવીએ છીએ કે અમો લગ્નલાયક ઉંમર વટાવી ગયેલ છીએ. અમો એકબીજા સાથે રાજીખુશીથી, કોઈની ધાકધમકી વિના, બિનકેફી અવસ્થામાં, પૂરા સાનભાન સાથે પ્રેમમાં પડેલ છીએ. અને અમને કોઈ પ્રકારની ઇજા થયેલ નથી. તેનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર આ સાથે સામેલ છે.
અમારા પ્રેમસંબંધના પુરાવા તરીકે અમારી વચ્ચેના પત્રવ્યવહારની નોટરી કરાવેલી પ્રમાણિત નકલો, સિનેમાની ટિકિટો, રેસ્ટોરાંનાં બિલ, એકબીજાને ઘરે મુકવા જવા પેટે થયેલો પેટ્રોલખર્ચ વગેરે આ અરજી સાથેના બીડાણમાં સામેલ છે. આ નકલોની અસલ પણ અમો જરૂર પડ્યે કચેરીમાં રજૂ કરવા બંધાયેલા છીએ તે હકીકતથી અમો વાકેફ છીએ અને તેને કબૂલમંજૂર રાખીએ છીએ.
અમો કોર્ટમાં લગ્ન રજિસ્ટર કરાવવા ગયાં ત્યારે ખબર પડી કે સરકાર માઈબાપ તરફથી લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે પહેલાં અમારાં માતા-પિતાની સંમતિ મેળવવી જરૂરી છે. અમારી વિનંતી છે કે અમે જાહેરમાં બેસીને શાંતિથી વાતો કરતાં હતાં ત્યારે જે ગુંડાભાઈઓ સંસ્કૃતિના નામે અમને નસાડવા આવતા હતા ને અમારી તરફ લાકડીઓ વીંઝતા હતા, તે જ ગુંડાભાઈઓને તમે અમારાં માતા-પિતાની સંમતિ મેળવવા માટે મોકલી આપી શકો? તેમને અમારા ઘરે મોકલવામાં જે કંઈ ટીએ-ડીએ અને સંબંધિત ખર્ચ થાય, તે અમે તેમને રોકડેથી આપવાનું કબૂલીએ છીએ.
આપસાહેબને માલુમ થાય કે અમારાં માતાપિતા સાથે અમારી કોઈ અદાવત નથી, પણ અમારાં માતાપિતાને અમારો સંબંધ મંજૂર નથી. કારણ કે અમારામાંથી છોકરાના પપ્પા સાયબર સેલની એક શાખામાં કામ કરે છે અને છોકરીના પપ્પા વિરોધ પક્ષ સાથે જોડાયેલ છે. તેમની વચ્ચે વાતચીત કરાવવા અને સંબંધ માટે મનાવવા સંયુક્ત રાષ્ટ્રસંઘમાંથી શાંતિરક્ષક દળ મંગાવવું પડે, જેનો ખર્ચ ભોગવવાની અમારી ક્ષમતા નથી. તે સંજોગોમાં આપસાહેબને વિનંતી કે અમને માતાપિતાની સંમતિ મેળવવામાંથી મુક્તિ આપવામાં આવે અથવા સરકારશ્રી પોતે અમારાં માતા-પિતા પાસેથી અમને એવી સંમતિ મેળવી આપે. આ માટે ઘટતું કરવા માટેની વિનંતી સાથે,

આપના વિશ્વાસુ અરજદાર-- 

1 comment:

  1. Anonymous2:52:00 PM

    SUPERB ! SUPERB ! SUPERB ! SUPERB ! SUPERB !…………
    🌹🌺🌸🌷

    ReplyDelete