Thursday, March 10, 2022

આજનાં પરિણામ પછીઃ એક સંવાદ

આજનાં પરિણામથી તમને દુઃખ તો બહુ થયું હશે, નહીં? કોંગ્રેસ ક્યાંય જીતી નહીં...

ભાજપના ટીકાકારો કોંગ્રેસી કે આપવાળા જ હોય, એવું સમીકરણ તમને બહુ
ફાવે એવું છે. તમનેય અંદરથી ખબર છે કે એ બધે લાગુ પડતું નથી. પણ તમેય શું કરો? તમારે તો વફાદારીપૂર્વક લાઇન ચલાવવી પડે ને.

હકીકતમાં, કોંગ્રેસ સહિતના કોઈ પણ પક્ષની જીતથી ખુશી થાય એવો પ્રશ્ન જ નથી. દેશને સડસડાટ નીચે લઈ જતી ભાજપી નેતાગીરી જીતી તેનું દુઃખ છે. એને તો હવે જાણે દેશને વધારે નીચે લઈ જવાનો પરવાનો મળી ગયો હોય એવું લાગશે.

અને સમાજવાદી પાર્ટી જીતી હોત તો દેશ ઊંચો ચડત?

ના, વધુ નીચો ઉતરતો અટકત અને ભાજપી નેતાગીરીની બિનધાસ્ત બેશરમી પર થોડો અંકુશ આવત. હાથરસ-લખમીપુર જેવાં ઠેકાણે પણ જીતી ગયા પછી બાકી શું રહ્યું?

તમને ભાજપ અને મોદી સામે આટલો બધો વાંધો કેમ છે?
તેમની કાર્યપદ્ધતિ, બિનલોકશાહી વલણ, વહીવટી આવડતના નામે લોચાલાપશી અને સત્તાના સંપૂર્ણપણે કેન્દ્રીકરણને કારણે. પણ એ તમને અત્યાર સુધી ન સમજાયું હોય તો હવે સમજાવું મુશ્કેલ છે. કોરોનામાં બધા પ્રકારની અગવડો વેઠ્યા પછી પણ લોકોને એ ન સમજાતું હોય, તો હવે ક્યારે સમજાશે?

તો શું ભાજપને મત આપનારા બધા મૂરખ છે?
ના, મૂરખ શબ્દ યોગ્ય નથી. ભાજપને મત આપનારામાંથી ઘણા એવા હશે, જેમને ધર્મના નામે અને/અથવા મુસ્લિમો પ્રત્યે ધિક્કારના નામે ઊઠાં ભણાવી શકાય-તેમનામાં રહેલા નકારાત્મક ભાવોને સુદૃઢ કરીને તેને પક્ષના ફાયદા માટે વાળી શકાય. ભાજપી નેતાગીરીને એ કામ બરાબર ફાવે છે અને એ કામ માટે તેમની પાસે અઢળક સંસાધનો, સંગઠન, શક્તિ તથા વૃત્તિ છે.

અને વિપક્ષોની ભૂમિકા?
બેશક, વિપક્ષો તો જવાબદાર ખરા જ. કેમ કે, હજુ તે પોતપોતાના વ્યક્તિકેન્દ્રી વર્તુળમાંથી બહાર આવી શકતા નથી. મારા જેવા ઘણા લોકોને ખેદ અને ચિંતા એ વાતનાં છે કે ભાજપ સરકાર થકી સમાજ અને દેશને લાંબા ગાળાનું નુકસાન થઈ ચૂક્યું છે-હજુ થઈ રહ્યું છે. પણ વિપક્ષોને તેમની સત્તા અને કારકિર્દી સિવાય બીજી કશી ચિંતા નથી. સમાજ અને દેશ માટે ઊભાં થયેલા જોખમોની ગંભીરતા વિપક્ષોને અડતી નથી. એટલે તે અહમ્ મૂકીને ભાજપ સામે એક થઈ શકતા નથી.

પણ ઘણા વિશ્લેષકો કહે છે કે ભાજપને ધિક્કારના રાજકારણનો નહીં,  તળીયાના સ્તરે કરેલી કામગીરીનો બદલો મળ્યો છે.
આવાં કારણો જીત પછી શોધવાનું વધારે સહેલું પડે છે. પણ ઉત્તર પ્રદેશમાં અને યોગીરાજમાં દેખીતા ધિક્કાર, ભય તથા કુશાસનના વાતાવરણને ઠંડા કલેજે નજરઅંદાજ કરીને, "તળીયાના સ્તરે કરેલી કામગીરી"ના વખાણ કરવા જેટલી 'સ્થિતિસ્થાપકતા' મારામાં નથી અને તેનો આનંદ છે.

તો તમે હવે શું કરશો?
એ જ, જે 2002થી કરતો આવ્યો છું. સાચું લાગે તે લખવાનું, તક મળ્યે તેના વિશે વાત કરવાની અને સ્વસ્થતાની સાથોસાથ જુસ્સો ટકાવી રાખતા જીવનના બીજા આનંદો માણવાનું ચાલુ રાખવાનું.

ટૂંકમાં, તમે નહીં સુધરો, એમ ને?
સુધરવું એ તો બહુ મહત્ત્વનું કામ છે. મારા જેવા સામાન્ય નાગરિકને બદલે દેશના વડાપ્રધાન એ બાબતમાં પહેલ કરે તો દેશને બહુ ફાયદો થાય.

3 comments:

  1. સહમત, ૧૦૧ ટકા.

    ReplyDelete
  2. બેશક આપની વાત સાચી છે.

    ReplyDelete
  3. તમે ઘાના સવાલો ના જવાબ આપ્યા તમારી ભાજપ પ્રત્યેની
    નીતિરીતિ તેથી જાણ.
    તમે શું એકલાજ આવી વિરોધી નીતિ હિન્દુસ્તાનનાં રાજકારણમાં છો ? ના બીજા ઘણાં લોકો પણ ભાજપને સત્તા પરથી ઉથલાવી
    નાખવાના પેંતરાઓ કરતાં રહે છે જે જાહેર વાત છે.
    હિન્દુસ્તાનના મતદારોને જે લોકો જો મૂર્ખ કે ઘેટાં સમજે છે તે મુરખોની દુનિયામાં છે !
    તેથી એવું અનુમાન કરી શકાય કે તમે ગમે તેટલું ભાજપ વિષે
    આડું અવળું બોલો અને લખો તે તમારા સંતોષ માટે છે.
    તમે હિન્દુસ્તાનની લોકશાહીમાં માનો છો તે પણ ઘણું છે.

    ReplyDelete