Wednesday, December 22, 2021

વરઘોડો એટલે...

કોઈ પણ દુન્યવી ચીજની જેમ વરઘોડાને મુખ્યત્વે બે રીતથી જોઈ શકાયઃ બહારથી અને અંદરથી—અને આ બંને દર્શન સાવ સામા છેડાનાં હોઈ શકે છે.

બહારથી જોનાર માટે વરઘોડો, સારામાં સારું વિશેષણ વાપરીને કહીએ તો ‘જોણું’ હોય છે અને આકરામાં આકરો શબ્દ વાપરીએ તો, ‘ન્યૂસન્સ’. નાનાં ગામ-નગરોમાં વર્ષો સુધી વરઘોડા જોવાની ચીજ ગણાતા હતા. મુખ્ય રસ્તા પર નીકળનારો વરઘોડો જોવા માટે દૂરની પોળોમાં કે સોસાયટીમાં રહેતા લોકો પણ આવી પહોંચતા હતા. વરઘોડાના રસ્તે ઓટલો કે પહેલા માળની અગાસી ધરાવતા લોકોને તેમના મકાનના ભૌગોલિક સ્થાનની રૂએ, ઇચ્છાએ કે અનિચ્છાએ, યજમાનપદ પ્રાપ્ત થતું હતું. દૂરથી ખાસ વરઘોડો જોવા આવેલા લોકોને ચા-શરબતનો વહેવાર ભલે ન કરવો પડે, પણ વરઘોડો જતાં પહેલાં અને તે પસાર થઈ ગયા પછી, થોડાંઘણાં ઓળખીતાં લોકો સાથે હસીને વાત તો કરવી પડે. ઘણી વાર તો એ વાતનો વિષય વર કે તેના પિતાશ્રી કે પરિવારના ‘વિશ્લેષણ’નો હોય, જેને કેટલાક ‘ખોદણી’ કે ‘કુથલી’ જેવાં તુચ્છકારજનક નામે ઓળખાવતા હોય છે.

વર્તમાન સમયમાં ચહીને વરઘોડા જોવા જવાની સંસ્કૃતિ, બીજી ઘણી સાંસ્કૃતિક બાબતોની જેમ, નામશેષ થઈ છે. એટલે લોકોને મુખ્યત્વે સડક પર રહીને વરઘોડા જોવાના થાય છે. માણસ રસ્તા પર વાહન લઈને કે વાહનમાં બેસીને જતો હોય અને આગળ વરઘોડો આવી જાય અથવા સામેથી વરઘોડો પ્રગટ થાય તો? પહેલી વાત તો એ કે, માણસની માનસિકતા ત્યારે વર કે ઘોડો કશું જોવાની હોતી નથી. એટલે વર, ઘોડો અને વરઘોડો એ ત્રણે પર તે મનોમન ખીજાઈ શકે છે. વરઘોડામાં વરનું સ્થાન ભારતના રાષ્ટ્રપતિ જેવું હોય છે. તે વરઘોડાનો ‘પ્રથમ નાગરિક’ ખરો. તેનાં માનપાન સૌથી વધારે. બધું તેના નામે થાય. છતાં, જે કંઈ થઈ રહ્યું છે તેમાં એ કંઈ કરી શકે નહીં અથવા એવું કરવાનું તેને ગમે નહીં. કારણ કે, તેને પણ જે થઈ રહ્યું હોય તે ગમતું હોય.

જૂની અંગ્રેજી વાર્તામાં એક રાજા દરિયાનાં મોજાં રોકે છે એવી વાત આવતી હતી. ઘોડાનશીન ભાઈ ઉર્ફે વરને પણ થોડી વાર માટે એવું લાગી શકે કે જોયું? બાઅદબ, બામુલાહિજા, હોશિયાર...નેકનામદાર, સેનાખાસખેલ, સમશેરબહાદુરની સવારી પસાર થઈ રહી છે અને આખ્ખો ટ્રાફિક તેને કુરનિશ બજાવતો ખડો થઈ ગયો છે. તેમની સરખામણીમાં, શબ્દાર્થમાં ઘોડા પર બેઠા હોવા છતાં, ધ્વન્યાર્થમાં જમીન પર પગ ધરાવતા વરભાઈઓના મનમાં મિશ્ર લાગણી હોયઃ એક તરફ ‘બમુલાહિજા’ વાળું ચાલતું હોય અને બીજી તરફ, દસ દિવસ પહેલાં શોપિંગ કરવા જતી વખતે, આવો જ એક વરઘોડો રસ્તામાં નડ્યો ત્યારે તેણે મનોમન કેવાં સ્વસ્તિવચનો કાઢ્યાં હતાં, એ પણ યાદ આવી શકે. પરંતુ મોં સહેરા પાછળ છુપાયેલું હોય કે સાફામાં અડધું ઢંકાયેલું હોય, એટલે તેની પર રહેલી અવઢવ કળી શકાતી નથી.

વરઘોડાની પાછળ ઉભેલો અને તેના પસાર થવાની રાહ જોનાર જણ મોબાઇલ પર ગેમ રમવાનો પ્રેમી હોય તો તેને વરઘોડામાં આસપાસનું ભાન ભૂલીને નાચતા લોકો, વિડીયો ગેમમાં આવતા અડચણ પેદા કરનારા પદાર્થો જેવા વધારે લાગે. તેને થાય કે તે પણ ગેમના કે સ્ટંટ ફિલ્મના અંદાજમાં દૂરથી વાહન દોડાવતું લાવે અને પછી તેને એવો કૂદકો મરાવે કે આખો વરઘોડો મોં ફાડીને જોયા કરે અને તેનું વાહન વરઘોડો કૂદીને બીજી તરફ નીકળી જાય. પરંતુ એવું શક્ય નથી હોતું. એટલે નાના વાહનના ચાલકો વરઘોડાની સાઇડ પરથી રસ્તો કરીને નીકળવાની વેતરણમાં રહે છે અને મોટા લમણે હાથ દઈને, મનોમન ગણગણાટી કરે છે, જેમાં પોલીસ, કાયદો, સભ્યતા, કોર્ટ, એકેએકને...એવા બધા શબ્દો મુખ્ય હોય છે. આ ક્ષણોમાં ધીરજ, સંયમ, સભ્યતા અને અહિંસા ન ખોનાર કામચલાઉ ધોરણે બુદ્ધ 2.0નો દરજ્જો હાંસલ કરે છે.

વરઘોડામાં રહીને બહારના ટ્રાફિકનું સંચાલન કરતા કેટલાક વરઘોડિયા બુદ્ધ થાઉં થાઉં કરતા લોકોને તેમના સંયમપથ પરથી ચલિત કરવાના ઘણા પ્રયાસ કરે છે. વરઘોડા થકી ગામઆખાનો ટ્રાફિક જામ કર્યા પછી, રાહદારીઓને ટ્રાફિકવિષયક આદેશો આપતા લોકો, લોકશાહીના ઉપદેશ આપતા આપખુદ શાસકો જેવા લાગે છે. પણ બંને કિસ્સામાં બેવડું ધોરણ એટલું ઉઘાડેછોગ હોય છે કે ધ્યાન દોરવાથી કશો ફરક પડતો નથી. ઉલટું, તકરાર થવાની સંભાવના રહે છે. એટલે પ્રગટપણે કજિયાનું અને મનોમન વરઘોડાનું મોં કાળું ગણીને માણસ સુખેદુઃખે વરઘોડો પસાર થઈ જાય તેની રાહ જોતો ઉભો રહે છે.

કદીક સમયનું ચક્ર ફરે અને વરઘોડાપીડિતને વરઘોડામાં જવાનો પ્રસંગ આવે ત્યારે મઝા થાય છે. યુદ્ધ શરૂ થતાં પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં ઉભેલા અર્જુનને જેમ સામે ઉભેલાં સગાંસ્નેહીઓ સાથે યુદ્ધના વિચારથી વિષાદયોગ થયો હતો, તેમ આ ભાઈને પણ વરઘોડાની પાછળ અટવાતાં કે સામેથી આવતાં સમદુઃખીયાં પ્રત્યે અનુકંપા થાય છે. પરંતુ વરઘોડામાં મોટાં અવાજે વાગતાં ગીતો અને તેની પર ઝૂમતા લોકોને લીધે સર્જાયેલા માહોલમાં વિચાર કરવા માટે અનુકૂળ વાતાવરણ હોતું નથી. એટલે પીડિત વરઘોડાની ભીડમાં ક્યાંક ખોવાઈ જવાનું પસંદ કરે છે. અલબત્ત, સમાનુભૂતિની આવી લાગણી ધરાવતા  લોકો જૂજ હોય છે. બાકીના માટે તો ડાન્સ કરવાનાં કે ટ્રાફિકનું સંચાલન કરવાનાં કામ તૈયાર હોય છે.

No comments:

Post a Comment