Tuesday, November 16, 2021

પેટ્રોલ-ચિંતન

કોઈ સમાજશાસ્ત્રીએ હજુ સુધી ભલે કહ્યું નથી, પણ સરેરાશ ગુજરાતીઓ ચિંતનપ્રિય પ્રજા છે. એક સમયે ગુજરાતી હાસ્યકલાકારો ગમે ત્યાંથી હાસ્ય શોધી કાઢવાનો દાવો કરતા હતા (એ હાસ્ય મોટે ભાગે ‘ગમ્મે તેવું’ જ રહેતું એ જુદી વાત છે.) એવી રીતે સરેરાશ ગુજરાતી લેખકો ગમે ત્યાંથી ચિંતન શોધી શકે છે. પરંતુ છેલ્લા થોડા સમયમાં થયેલો પેટ્રોલનો ભયંકર ભાવવધારો એકેય ચિંતનલેખનું કારણ બન્યો નથી. તેનાથી ગુજરાતી ચિંતનવાચકોમાં વિદ્રોહની લાગણી જન્મે અને વિદ્રોહસ્વરૂપે તે જાતે જ ચિંતવાનું શરૂ કરી દે, તેવી ચિંતા રહે છે.
સરકાર પ્રત્યેની વફાદારી જેવા મહત્ત્વના મુદ્દાને બદલે, પેટ્રોલ-ચિંતનના અભાવ જેવી ફાલતુ બાબત માટે ગુજરાતી લેખકોની પ્રતિભા સામે કોઈ આંગળી ચીંધે તે ઠીક નહીં. આ વાક્યમાં કોઈને ‘ગુજરાતી ચિંતક’ને બદલે ‘ગુજરાતી લેખક’ એવો શબ્દપ્રયોગ ખટકે, તે પહેલાં ચોખવટઃ ગુજરાતીમાં કંઈ પણ લખનાર લેખક આપોઆપ ચિંતક, વિચારક ગણાઈ જાય છે—સિવાય કે તેમણે સરકારમાં સોગંદનામું કરીને ગેઝેટમાં જાહેરખબર આપી હોય કે ‘આજ પછી મને ચિંતક યા વિચારક તરીકે ઓળખાવનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેવી.’

તો ચિંતનનો લીલો દુકાળ ધરાવતી ગુર્જર ભૂમિમાં એન્કાઉન્ટરો વિશે ચિંતન થઈ શકે છે, પણ પેટ્રોલના ભાવવધારા વિશે ચિંતન થતું નથી—આવું મહેણું વહેલી તકે દૂર કરી દેવું જોઈએ. ‘પેટ્રોલ પમ્પની પાળેથી’, ‘પેટ્રોલની નોઝલને દૂરથી જોતાં’, ‘પેટ્રોલના ભાવનું હાઇ-કુ’ એવાં કાવ્યો કે ‘પેટ્રોલના પમ્પ ઉપર સાયબાનો ફોટો/સાયબો છે મારો છેક નફ્ફટ ને ખોટો’—એવી ‘ગીઝલ’ (ગીતનુમા ગઝલ) રચવાની શક્તિ તો નથી. ઉપરાંત, સરકાર દુઃખી ન થાય એવી રીતે કાવ્યસર્જન કરનારા પૂરતી માત્રામાં છે. એટલે થયું કે ગદ્ય ચિંતન પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
તો શરૂ કરીએ?

સપનાંની જેમ પેટ્રોલને પણ ઉડવા માટે પાંખોની જરૂર નથી પડતી. તેની હળવાશ એવી તે હળવી હોય છે કે તેને પીંછાનો પણ ભાર લાગે. પીંછાં સાથે તો સૌ કોઈ ઉડે. વગર પીંછે ઉડે તે પેટ્રોલ. ભલે ને તે રસાયણ ગણાતું, પણ તેને ઑર્ગેનિક ન ગણવામાં ઑર્ગેનિકનું અપમાન છે. એમ તો ચિત્તના વ્યાપારો પણ છેવટે રસાયણ જ છે. તેને ‘રાસાયણિક’ તરીકે ઉતારી પાડવાની ધૃષ્ટતા કોઈ દેખાડશે?

ઉડતું પંખી જોઈને આદિમાનવને વિસ્મય થયું હશે, પણ આધુનિક મનુષ્યને તેમાં કશી નવાઈ નથી લાગતી. પેટ્રોલ પહેલી વાર અસ્તિત્ત્વમાં આવ્યું, ત્યારે તેની ઉડ્ડયનશીલ અને જ્વલનશીલ પ્રકૃતિ વિસ્મિત મનુષ્યને દૈવી લાગી હશે, પણ પછી તેનો ઉપયોગ દૈવી તેમ જ આસુરી કાર્યોમાં સામાન્ય થઈ પડ્યો. વર્તમાનમાં સર્જાયેલો પ્રશ્ન તેની સ્વભાવગત નહીં, પણ ભાવગત ઉડ્ડયનશીલતાનો છે.

આપણી સંસ્કૃતિમાં ભાવનું બહુ મહત્ત્વ છે. નાટ્યશાસ્ત્ર હોય કે કાવ્યશાસ્ત્ર, ભાવ, ભાવપલટા, ભાવભંગિમાઓ અને ભાવવિરેચન તેનાં મહત્ત્વનાં અંગો છે. સંસ્કૃત આચાર્યોએ ભાવનો મહિમા કરતાં કહ્યું છે કે ‘જે ભવ તારે છે, તે ભાવ છે.’ (આચાર્યનું નામ યાદ નથી આવતું. કદાચ મેં પણ આવું કહ્યું હોય.) પરંતુ રસશાસ્ત્ર અને ભાવશાસ્ત્ર જનસામાન્યને દુર્બોધ ભાસે છે. તેમનો સીધો સંબંધ અર્થશાસ્ત્ર જેને ‘ભાવ’ તરીકે ઓળખાવે છે અને અંગ્રેજીમાં જેને પ્રાઇસ કહેવામાં આવે છે, તેની સાથે હોય છે. પ્રિયતમાના લહેરાતા કેશ જેવી કાળી ભમ્મર સડક પર પડેલા પેટ્રોલની સપ્તરંગી ઝાંયના સૌંદર્યનો આસ્વાદ માણવાને બદલે જનસામાન્ય પેટ્રોલના ભાવવધારાથી ચકિત થાય છે. વિદ્વજ્જનોની પેઠે પેટ્રોલના સ્થાયી ભાવનું ચિંતવન કરવાને બદલે અથવા પેટ્રોલની પ્રકૃતિગત ઉડ્ડયનશીલતાથી મુગ્ધ થવાને બદલે, તે એક લીટર પેટ્રોલના ભાવને ચિત્ત ધરે છે અને પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ પુરાવતી વખતે, પમ્પ પર દેખાતા પેટ્રોલના ઊંચા ભાવને (શબ્દાર્થમાં) તાકે છે.  

સંસ્કૃતિના અધઃપતનની ચિંતા અને તેના પુનઃસ્થાપનના પ્રયાસ કેટલા ઔચિત્યપૂર્ણ અને વાજબી છે, તે જનસામાન્યના પેટ્રોલ-વિષયક મનોવ્યાપારોથી એવી રીતે ઉપસી આવે છે, જાણે પેટ્રોલ પમ્પ પર વડાપ્રધાનની તસવીર. ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો મહિમા ધરાવતી આપણી સંસ્કૃતિમાં પેટ્રોલના ઊંચા ભાવ ‘અર્થ’નો આવશ્યક હિસ્સો છે. ઋષિમુનિઓએ તેને જીવનનો અનિવાર્ય ભાગ ગણ્યો છે, ત્યારે જનસામાન્યે પેટ્રોલના ભાવવધારાને જીવનનો અર્થયોગ ગણીને તેની ઉજવણી કરવી જોઈએ. જીવતરની રોજિંદી ઘટમાળમાં અર્થયોગની કસોટી જેટલી આકરી, એટલી જ મોક્ષની શક્યતાઓ વધારે. આવું ભારતીય સંસ્કૃતિની પરંપરાનો તલસ્પર્શી અભ્યાસ કરનારા એક અમેરિકન ચિંતકે અમેરિકામાં મારા પ્રવચન પછી મને કહ્યું, ત્યારે આપણી સંસ્કૃતિના મહિમાથી મારી આંખ ભીની થઈ હતી. જેટલી વાર પેટ્રોલના ભાવવધારા વિશે કશોક ઊહાપોહ ધ્યાને ચડે છે, ત્યારે મને એ અમેરિકન ચિંતક યાદ આવે છે.

પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ પુરાવતી વખતે ઘણાને બુદ્ધક્ષણોનો અનુભવ થાય છે. આપણા વડાપ્રધાનશ્રી પોપને મળી આવ્યા, ત્યારે તેમના ચહેરા પર જે ચમક હતી, તે લાખો દેશવાસીઓની આંખોમાં પેટ્રોલ પુરાવતી વખતે, પેટ્રોલનો ભાવ જોઈને આવતી ચમકનું પ્રતિબિંબ હતી. એક લીટરના ભાવ ત્રણ આંકડામાં પહોંચી ગયા પછી કેટલાક દેશવાસીઓને આધ્યાત્મિક વિરક્તિની કામચલાઉ અનુભૂતિ થાય છે, જે મેળવવા માટે પહેલાં ગિરનાર કે હિમાલય જવું પડતું હતું. સરકારશ્રીની આવી અસીમ આધ્યાત્મિક કૃપાનો જગતમાં જોટો જડે એમ નથી. દેશને તેની અસલની, પ્રાચીન આધ્યાત્મિક ઊંચાઈ પર પહોંચાડવા માટે અને વિશ્વગુરુના સ્થાને પુનઃપ્રતિષ્ઠિત કરવા માટે જરૂર છે પેટ્રોલના ભાવવધારાનું અધ્યાત્મ સમજવાની.

No comments:

Post a Comment