Saturday, May 08, 2021

એક નેતાની કોરોના ડાયરી

આ તે કંઈ જીવન છે? ચોમેર જ્યાં જુઓ ત્યાં અવ્યવસ્થાના, લાઇનોના અને મોતના જ સમાચાર. આપણે આવું કશું કરાવ્યું ન હોય છતાં આ બધું થાય ત્યારે સમજાય છે કે આપણાથી મોટી પણ કોઈ શક્તિ હશે. ‘લોકશક્તિ’ તો, મને કોઈએ કહેલું કે ટ્રેનનું નામ છે. એટલે બીજી કોઈ શક્તિ હોવી જોઈએ.

કોરોનાએ જબરી કસોટી કરી લીધી. ના, આ તો ખાનગી ડાયરી છે. એટલે લોકોને પડેલી હાડમારીની વાત નથી કરતો. પણ ક્યાંય બહાર જવાય નહીં. લોકોને મોં તો આમ પણ ક્યાં બતાવતા હતા? પણ આડા દિવસે લોકો ચલાવી લેતા હતા. અને પાંચ વર્ષે વોટ તો સાહેબના નામે જ માગવાના હતા. રૂપિયાની આત્મનિર્ભરતા પણ આવી ગઈ હોય. હવે તકલીફ એ થઈ છે કે બહાર નીકળીને જાહેરમાં દેખાઈ ન જવાય તેનું ધ્યાન રાખવું પડે છે.

મારું સોશિયલ મિડીયા સંભાળનારો છોકરો કહેતો હતો કે લોકો બહુ ગુસ્સામાં છે. જોકે તેણે એમ પણ કહ્યું કે આવા વાતાવરણમાં પણ આપણો બચાવ કરનારા લોકો નીકળી આવે છે. એટલું જ નહીં, એ લોકો આપણો એવી રીતે બચાવ કરે છે કે આપણે પણ નવાઈ પામી જઈએ. એણે મને કેટલાંક લખાણ દેખાડ્યાં. તે જોઈને મને યાદ આવ્યું. બી.એ.માં ભણતો હતો ત્યારે એક સાહેબ ભક્તિયુગની કવિતાઓ ભણાવતા હતા. મને થાય છે કે એક વાર કોરોના પતી જાય ને બધાનાં મગજ ઠેકાણે આવી જાય, પછી સાહિત્યના પાઠ્યપુસ્તકમાં અત્યારના ભક્તિયુગનાં લખાણ મુકવાં જોઈશે, જેથી નવી પેઢી વંઠી જઈને સ્વતંત્ર રીતે વિચાર કરવાને બદલે આપણા દેશની ભક્તિની પરંપરાના રસ્તે ચાલે.

હું તો આવી બધી બાબતોમાં બહુ એડવાન્સ ચાલુ છું. સાહેબમાંથી પ્રેરણા લેવી પડે કે નહીં? હજુ તો મારે બહુ આગળ જવાનું છે. એટલે મેં એક વીસી જોડેથી નંબર લઈને એક પ્રોફેસરને ફોન કર્યો. એ તો મારી વાત સાંભળીને રાજી થઈ ગયો. કહે, કેમ નહીં, સાહેબ? આપણે અભ્યાસક્રમમાં તેને ‘ગુજરાતી સાહિત્ય અને સમાજજીવનમાં અનુઆધુનિક ભક્તિયુગ’ એવા વિષય તરીકે દાખલ કરી દઈશું. પછી કહે, ‘સાહેબ, આ વિષય પર હું આજથી જ ચોપડી લખવાની શરૂઆત કરી દઉં છું. આ વિષય જાહેર થશે ત્યારે બજારમાં ફક્ત મારી એકલાની જ ચોપડી હશે. તમે જો એને ટેક્સ્ટ બુક તરીકે કરાવી આપો તો...’

હું સમજી ગયો. કહ્યું, ‘માસ્તર, ચિંતા ના કર. ટેક્સ્ટ બુક તારી ને ગાઇડેય તારી, બસ?’ બિચારો ખુશ ખુશ થઈ ગયો. કેટલા બધા આશીર્વાદ આપ્યા—અને લોકો કહે છે, અમે ખોવાઈ ગયા છીએ. કામ નથી કરતા. તેમને કોણ સમજાવે કે બધાં કામ માટે દેખાવું જરૂરી નથી.
***
રોજ દહાડો ઉગે ને કંઈક નવું સળગતું લાકડું આવે છે. આ કોરોનાએ તો જિંદગી ઝેર કરી દીધી છે. ના, ઘરમાં કોઈને ઓક્સિજનની તંગી નથી નડી કે દવાખાને-દવાખાને ફરવું નથી પડ્યું. પણ હવે કહે છે કે રાજકીય રેલી નહીં કાઢવાની. ચૂંટણી સરઘસ નહીં કાઢવાના. સભા નહીં ભરવાની. આ તે કોરોના છે કે આચારસંહિતા? અરે, આચારસંહિતાનો તો હવે આચાર બનાવીને ભાખરી જોડે ખાઈ ગયા,પણ કોરોનાનું શું કરવું? સભા-સરઘસ-રેલી-યાત્રા ના કાઢીએ, તો જનતાની સેવા કેવી રીતે કરવી? લોકસંપર્કનું એ એક તો માધ્યમ રહ્યું હતું. તે પણ છીનવાઈ જાય તો આપણી લોકશાહી શી રીતે ધબકતી રહેશે?

હું જરા લાગણીમાં તણાઈ ગયો. મારે આટલા સ્વાર્થી ન બનવું જોઈએ. એમ તો સાહેબ પણ બિચારા કેટલા બધા મહિનાથી પરદેશ નથી ગયા વિશ્વગુરુના રોલ માટે તેમણે દાઢી વધારી હશે, પણ એ તો શરૂ થતાં પહેલાં જ ઘાંચમાં પડ્યું. માણસને કેટલું વીતતું હશે? એની સામે મારા દુઃખની શી વિસાત? કમ સે કમ, મને એ વાતનું તો અભિમાન છે કે ચાલુ કોરોનાએ બંગાળની રેલીઓમાં ભીડની હાજરીના વિક્રમો તૂટ્યા. કોરોનાના વિક્રમની ચિંતા શા માટે કરવી? એ તો આમ પણ કુદરતી આફતમાં જ ગણાય છે.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે (આવું મને એક ચેનલવાળાએ કહેલું) કે માણસની ખરી કસોટી મુશ્કેલીના સમયમાં થાય છે. મને જોકે એવું થયું કે આવું તો હું પણ કહી શકું. એમાં શી મોટી વાત છે? પણ સવાલ કસોટીનો છે અને હું જ નહીં, મારા બીજા સાથીદારો પણ કસોટી આપવા તૈયાર છીએ, બલકે આપી જ રહ્યા છીએ. લોકોને એવું લાગે છે કે અમે આ કસોટીમાં ઊંધા પડી જઈશું. એમને ક્યાં ખબર છે કે આવા સમયમાં કસોટીઓનું દબાણ કામચલાઉ હોય છે. એટલો સમય હેમખેમ નીકળી જાય તો પછી માસ પ્રમોશનની ગોઠવણ હાથવગી રાખેલી જ હોય છે. લોકો એટલું બધું અને એટલી ઝડપથી ભૂલી જાય છે કે તે અમને માસ પ્રમોશનવાળાને ડિસ્ટિંક્શનવાળા માની લે છે. કોરોના તો મટી જશે, પણ રાહત એ વાતની છે કે લોકોની ખરાબ યાદશક્તિ ટકી રહેવાની છે.

ગમે તે કહો, આખરે છે તો લોકશાહી. લોકો છે, તેમની ખરાબ યાદશક્તિ છે, તેમનાં સંકુચિત સમીકરણો છે...આ બધું છે તો અમે છીએ ને અમે છીએ તો લોકશાહી છે. જય હિંદ.

2 comments: