Tuesday, April 21, 2020

કૉન્ફરન્સ કૉલનું કમઠાણ

લૉક ડાઉનમાં જેમને બે ટંકના ભોજનની ચિંતા નથી અને જેમના (કેટલાક કિસ્સામાં ફોનમાલિક કરતાં વધારે) સ્માર્ટ એવા ફોન ઇન્ટરનેટ કનેક્શન સહિત ચાલે છે, તેમની એક પ્રિય પ્રવૃત્તિ છેઃ કૉન્ફરન્સ કૉલ. યારોદોસ્તો-સગાંસ્નેહીઓના ઝુંડને એક કૉલ પર ભેગું કરવું અને પછી એકાદ કલાક સુધી વાતો કરવી.

કૉન્ફરન્સિંગ એટલે કે એક સાથે અનેક લોકો સાથે તેમનાં મુખારવિંદ ઉર્ફે થોબડાં દેખાય એ રીતે વાત કરવાનું પહેલાંના જમાનામાં ફક્ત વિલનોને પોસાતું હતું. બલ્કે, એ તેમની વિલનગીરીને ઘૂંટી આપનારી બાબત બની રહેતી. એક સાથે અનેક સાગરિતો સાથે વાત કરતા બૉસને જોઈને થતું, ’આ તો ભારે પહોંચેલ જણ છે.’ હવે ટૅક્નોલોજી સામાન્ય બની છે કે વિલનગીરી, તેની સમાજશાસ્ત્રીય ચર્ચામાં ન પડીએ, તો પણ એટલું નક્કી છે કે ઠેર ઠેર, ખાસ કરીનેલ લૉક ડાઉન દરમિયાન, કૉન્ફરન્સ કૉલની મહેફિલો જામવા માંડી છે.

પહેલી વાર આ પ્રમાણે આઠ-દસ સ્નેહીઓ કે સ્કૂલમિત્રો (કોઈ સરકારી યોજનાનું નામ હોય એવું લાગે છે?) સાથે વાત કરવાનું નક્કી થાય ત્યારે કંઈક ઉત્તેજનાનો માહોલ હોય છે. અગાઉ રૂબરૂ થતી આ પ્રકારની બેઠકો અને એ જમાનો યાદ આવી જતાં, મનમાં અતીતરાગ છેડાય છે. ‘જબ રાત હૈ ઐસી મતવાલી તો સુબહકા આલમ ક્યા હોગા’ની જેમ, વિચારમાત્રથી આટલી મઝા આવે છે, તો ખરેખર ફોન પર ભેગા થઈને કેટલી મઝા આવશે, એવું લાગે છે.

આખરે એ સમય આવે છે, જ્યારે મોબાઇલના સ્ક્રીન પર એક પછી એક ચોકઠાં ચહેરા સાથે પ્રગટ થવા લાગે છે. સામાન્ય સંજોગોમાં સંતોષકારક રીતે મોટો લાગતો (અને ‘મેં તો ખાસ મોટો સ્ક્રીન જોઈને જ ફોન લીધો હતો’ એવું કહેવાની તક આપતો) મોબાઇલનો સ્ક્રીન નાનો પડવા માંડે છે. એક પછી એક મિત્રો ઉમેરાતા જાય, તેમ નાનાં ચોકઠાંમાં તેમના ચહેરા કે તેના અંશ દેખાય છે. અંશ એટલા માટે કે ઘણી વાર મોબાઇલ સ્ક્રીન સામે બરાબર ગોઠવાતાં પહેલાં આમતેમ થવું પડે છે, નજીક-દૂર થવું પડે છે. તે વખતે બાકીના લોકોને અચાનક ગોઠવાઈ રહેલા જણના નાકનો કે કાનનો ક્લોઝ-અપ દેખાઈ શકે છે. ક્યારેક હાથનો પંજો અચાનક સસ્પેન્સ થ્રિલરની અદામાં એકદમ મોટો થઈને સામે આવતો લાગે છે. પછી ખ્યાલ આવે છે કે એ તો મોબાઇલમાં કંઈક ફેરફાર કરવા માટે લંબાયેલો હાથ છે.

ફક્ત દૃશ્યો જ નહીં, ઘણાં ચોકઠાંમાં લાઇટિંગ અને એન્ગલ પણ હોરર ફિલ્મની યાદ તાજી કરાવે એવાં હોય છે. સામાન્ય સ્થિતિમાં અચ્છાભલા દેખાતા લોકો મોબાઇલને ચહેરાની સામે રાખવાને બદલે ઉપર કે નીચે રાખે, એટલે અંતર્ગોળ-બહિર્ગોળ અરીસામાં દેખાતા રમુજી ચહેરા જેવો દેખાવ નીપજે છે. પણ ફોન પર વીડિયો કોલ કરનારા ચહેરાના ઠઠ્ઠાચિત્ર-કરણથી ટેવાયેલા હોય છે અને પોતાનો ચહેરો પણ એવો જ દેખાતો હશે એ સમજતા હોય છે. એટલે એ વિશે કશી ટિપ્પણી કે રમુજ થતાં નથી.


વિડીયો કૉલિંગ નવું શરૂ થયું ત્યારે ગુગલે તેની હૅન્ગ આઉટ સેવા માટે એવું સૂત્ર રાખેલું કે આ બટન ક્લિક કરો અને વાળ ઓળીને આવી જાવ. પણ એ વખતે કૉન્ફરન્સિંગનો ખ્યાલ ઔપચારિક મિટિંગ માટે વધારે હતો. ઓટલાપરિષદની અવેજીમાં કૉન્ફરન્સ વીડિયો કૉલમાં તો હવે વાળ ઓળવાની જરૂર પણ નથી હોતી ને ખાસ અર્થ પણ નથી હોતો. કેમ કે, મોબાઇલના પડદે ઉપસેલી પાંચ-સાત-દસ બારીઓમાં દેખાનારાં બહેન છે કે ભાઈ, એટલી ખબર પડે તો પણ સંતોષ થઈ જાય છે. કોઈના મેક-અપ ને ઘરેણાંનું મૂલ્યાંકન કે તુલનાત્મક અધ્યયન કરવા ઉત્સુક મહિલાઓ માટે સામુહિક વીડિયો કૉલ નકામા છે.

સામુહિક મિલનની ભારતીય પરંપરાને આગળ વધારતાં, સામુહિક વીડિયો કૉલમાં પણ શરૂઆતની દસ-પંદર મિનિટ બધાંને ભેગાં કરવામાં જતી રહે છે. કોઈનું ઇન્ટરનેટ કનેક્શન આવ-જા કરે છે. કોણ આવ્યું ને કોણ બાકી છે, એ વસતી ગણતરીમાં પણ વખત જાય છે. કારણ કે ફોનમાં પ્રગટેલાં ચોકઠાંની જગ્યા સતત બદલાતી રહે છે. એટલે દરેક ચોકઠા માટે વારે ઘડીએ ‘અભી અભી યહીં થા, કીધર ગયા જી..’ થાય છે. ‘ફલાણાભાઈ કે ઢીંકણાબહેન હજુ કેમ નથી આવ્યાં? એ નહીં આવે ને આપણે શરૂ કરી દઈશું, તો પછી એમને ખરાબ નહીં લાગે?’ એવા વ્યવહારુ સવાલ ઊઠે છે.

પછી યાદ આવે છે કે એક મિનિટ, અહીં બધાંએ ભેગાં થઈને એવું તો કશું કરવાનું જ નથી કે જેથી કોઈને રહી ગયાની લાગણી થાય. એટલે બધાં ધીમે ધીમે અંદરોઅંદર વાતો શરૂ કરવાની કોશિશ કરે છે. શરૂઆત તો એકબીજાના અભિવાદનથી થાય, પણ એકસાથે પાંચ-સાત લોકો એકબીજાનું અભિવાદન કે ‘ઓહો, તમે આવી ગયા?’ અથવા ‘કેમનું છે?’ એવું પૂછે, ત્યારે કોઈને કશું સ્પષ્ટ સંભળાતું ન હોય. એમાં પાછું ઇન્ટરનેટ કનેક્શન વચ્ચે ઢીલું પડે એટલે ચોકઠાંમાં દેખાતા ચહેરા ચોંટી જાય. અવાજ મંગળ ગ્રહ પરથી આવતો હોય એ રીતે ટુકડામાં આવે.

આવા માહોલમાં કોઈ પણ પ્રકારનો અર્થસભર તો ઠીક, આનંદસભર વાર્તાલાપ કરવાનું પણ બહુ શક્ય નથી,  એ સમજાય ત્યાં સુધીમાં એકાદ કલાક વીતી ચૂક્યો હોય છે અને બધાં સર્વાનુમતે ‘બહુ મઝા આવી’ એવું જાહેર કરી ચૂક્યાં હોય છે.

1 comment:

  1. Anonymous9:56:00 PM

    Hilarious ,we have done exactly same what you have describe.Typical "desi" conversation style.Zoom is hot topic during pandemic.
    Rajan Shah(Nadiad/Vancouver)

    ReplyDelete