Tuesday, September 20, 2016
કાશ્મીર હુમલો, લોકલાગણી અને રાજનેતાઓ
ઉરીમાં લશ્કરી ટુકડીઓ પર ચાર આત્મઘાતી ત્રાસવાદીઓએ કરેલા હુમલામાં ૧૮ સૈનિકોએ જીવ
ખોયા. થોડા મહિના પહેલાં પઠાણકોટના હવાઇ મથક પર આવી જ રીતે ત્રાસવાદીઓએ હુમલો
કર્યો હતો. અલબત્ત, ઉરીની ખુવારી વધારે મોટી છે.
ઘણાને એ ફક્ત વધારે મોટી જ નહીં, વધારે શરમજનક પણ
લાગી છે. કારણ કે વર્ષોથી મર્દાના રાષ્ટ્રવાદનાં ગાણાં ગાતા અને સત્તાધારી પક્ષ પર
કાયરતાનો આરોપ મૂકતા નેતાઓના શાસનમાં એ ઘટના બની છે. ત્રાસવાદી-આત્મઘાતી હુમલો અને
સૈનિકોનાં મૃત્યુનો પ્રસંગ રાજકારણ ખેલવાનો કે રાજનેતાઓની ટીકા કરવાનો ન હોઇ શકે.
પરંતુ એવું થાય તો તેના માટે વર્તમાન સત્તાધીશોની જવાબદારી જરાય ઓછી નથી. સોશ્યલ
મિડીયાના આગમન પછી અને પહેલાં પણ તેમણે લોકોની કાશ્મીર વિશેની ‘સમજ’ ઘડી છે,
સમજ અને લાગણીની ભેળસેળ કરી છે અને કાશ્મીર સમસ્યા માટે ફિલ્મી હીરોના પરાક્રમ
જેવી અપેક્ષાઓ ઊભી કરી છે.
ઉદાહરણ તરીકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તેમણે પઠાણકોટ
હુમલાની જેમ ઉરી હુમલાની પણ કડક ટીકા કરી અને હુમલાખોરોને બક્ષવામાં નહીં આવે, એ
મતલબનાં નિવેદનો ટ્વિટર પર જારી કર્યાં. સામાન્ય સંજોગોમાં, આરંભિક પ્રતિક્રિયા
તરીકે આટલું પૂરતું ગણાવું જોઇએ. પરંતુ સામાન્ય સંજોગોને અસામાન્ય બનાવવાનું અને
લોકોની અપેક્ષાઓ ભડકાવવાનું કામ બીજું કોઇ નહીં, ખુદ નરેન્દ્ર મોદીએ જ કર્યું હોય
તો? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઠાવકાઇ સામે વિરોધ
પક્ષના નેતા નરેન્દ્ર મોદીની નિવેદનબાજી આવીને ઉભી રહે તો તેમાં કોનો વાંક કાઢવો? પાકિસ્તાનના હુમલા વિશે બોલવાનું આવે ત્યારે મોદી
કેવા બેફામ થઇ જતા હતા, તેનો નમૂનો ઉરી હુમલા પછી વધુ એક વાર ઇન્ટરનેટ પર ફરતો થયો
છે. ત્રાસવાદી હુમલા પછી બેજવાબદાર-ઉતાવળીયું પગલું ભરવાને બદલે, એકંદરે વડાપ્રધાનના
હોદ્દાને છાજે એવી ઠાવકાઇથી વર્તી રહેલા મોદી જૂના રેકોર્ડિંગમાં ફિલ્મી
ડાયલોગબાજી કરતા દેખાય છે—અને એ પણ પીટ ક્લાસના ઓડિયન્સને રીઝવે એવી.
કેન્દ્ર સરકારની નબળાઇ વિશે આકરાં વેણ ઉચ્ચારતા
મોદી જૂના રેકોર્ડિંગમાં કહે છે કે પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપવો જોઇએ. ‘તમે શું કરો?’ એવા
સવાલના જવાબમાં તેમણે કહ્યું કે ‘ગુજરાતમાં
જેવું કર્યું હતું તેવું.’ ગુજરાતમાં
શું કર્યું હતું? સામુહિક હિંસા? નકલી
એન્કાઉન્ટર? (જોગાનુજોગે ગુજરાતમાં એન્કાન્ટરબાજ
પોલીસ અફસરો જેલમાં ગયા પછી મુખ્ય મંત્રી પર એકેય હુમલો થયો ન હતો.) ‘પાકિસ્તાન હુમલો કરે ત્યારે આપણી સરકાર અમેરિકા
જઇને રડે છે...એ વખતે અમેરિકા જવાનું હોય કે પાકિસ્તાન?’...પાકિસ્તાનને
લવલેટર લખવાનું બંધ કરવું જોઇએ...આવા તેમના સંવાદ પર તાળીઓ પડતી હતી. તાળીઓ
પાડનારાને સની દેઓલ અને નરેન્દ્ર મોદી વચ્ચે કશો ફરક લાગતો ન હતો.
રજત શર્માએ આક્રમકતાથી વળતો જવાબ આપવામાં
આંતરરાષ્ટ્રિય દબાણનો મુદ્દો ચીંધ્યો, ત્યારે મોદીએ કહ્યું હતું કે 100 કરોડના દેશને
વળી દબાણની શી ચિંતા. એ દબાણ ઊભું કેમ ન કરી શકે. તેમની નાટકીય ડાયલોગબાજીનો સાર એ
હતો કે વાંધો કેન્દ્રીય નેતાગીરીમાં છે.
હવે એ જ મોદી કેન્દ્રીય નેતાગીરીમાં સર્વોચ્ચ પદ
ધરાવતા હોય, ત્યારે તેમના ઇન્ટરવ્યુની વિડીયોને કેવી રીતે જોવી? ટ્વિટરીયા-ફેસબુકિયા પ્રજા રાષ્ટ્રવાદના નામે
ગલ્લાશાહી (પાનના ગલ્લે વ્યક્ત થાય એવી) અપેક્ષાઓ સંતોષવા માટે બૂમરાણ મચાવે અને
તેમાં નિષ્ફળ જવા બદલ વડાપ્રધાન પર પસ્તાળ પાડે, ત્યારે વાંક કોનો? છીછરી સમજના આધારે અવ્યવહારુ અપેક્ષા રાખનારાનો
કે તેમનામાં આવી અપેક્ષા જગાડીને, તેને અસલી રાષ્ટ્રવાદ તરીકે સ્થાપિત કરનાર નેતાગીરીનો?
અહીં જૂની કે નવી એકેય સરકારનો બચાવ કરવાનો ઇરાદો
નથી. પરંતુ પોળના અને દેશના રાજકારણમાં ફરક હોય છે એ નાગરિકોએ સમજવું પડે—અને
વિરોધના ઉત્સાહમાં વિપક્ષી નેતાઓ લોકોને કદી એ સમજાવતા નથી ને શક્ય હોય ત્યાં સુધી
સમજવા દેતા નથી. એટલે લોકોના મનમાં એવી જ છાપ ઉભી થાય છે કે આ તો બહારની પોળવાળા
આપણી પોળના છોકરાઓને મારી ગયા. એટલે આપણે તત્કાળ સામેની પોળ પર હલ્લો લઇ જવો જોઇએ.
તો જ આપણે મરદના બચ્ચા. લોકોની આ માન્યતાને કહેવાતી રાષ્ટ્રવાદી વિચારધારાનો
રાજકીય ટેકો મળે એટલે કારેલું લીમડે ચડ્યા જેવો ઘાટ થાય.
થોડું વાંચનારા-વિચારનારા
પાસે ઇઝરાઇલના દાખલા હાથવગા હોય. બીજા વિશ્વયુદ્ધમાં લાખોની સંખ્યામાં હણાયેલા
યહુદીઓની માનસિક સ્થિતિ અને તેનો પ્રત્યાઘાત તથા રાષ્ટ્ર તરીકે ઇઝરાઇના
અસ્તિત્ત્વની અસલામતી જેવી બાબતો ધ્યાનમાં લીધા વિના, બધાને ‘ઇઝરાઇલવાળી’ કરવી
હોય. ખરું જોતાં, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો જે ઘણાં ભયસ્થાન વ્યક્ત થયાં
હતાં, તેમાંનું એક પાકિસ્તાન પ્રશ્ને બેજવાબદાર વર્તણૂંકનું હતું. આ બાબતમાં
નરેન્દ્ર મોદીએ ટીકાકારોની ચિંતા (અત્યાર સુધી) ખોટી પાડી છે. માટે, અગાઉ મોદીની
ડાયલોગબાજી પર ઉછળી ઉછળીને દાદ આપતા તેમના ભક્તમંડળની આંખ ખુલવી જોઇએ. આ વ્યક્તિગત
કે પક્ષગત ટીકા-પ્રશંસાનો મુદ્દો નથી. ભારત જેવા લોકશાહી દેશના વડાપ્રધાન બન્યા
પછી શું થાય ને શું ન થાય, તેના મૂળભૂત વિવેકની વાત છે. (જે અત્યાર સુધી રાષ્ટ્રવાદના ભાજપી-સંઘી રંગે રંગાયેલા લોકોને સમજાતી ન હતી.)
ત્રાસવાદી હુમલો થાય એટલે સોશ્યલ નેટવર્ક પર
સવાયા રાષ્ટ્રવાદી દેખાવાની કે નેતાગીરીની ટીકા કરવાની ઘેટાંદોડ ચાલે છે. આવા
હુમલાથી દુઃખ અને આઘાત લાગે જ. પણ સરકારને ઝૂડવા બેસી જનારાએ વિચારવું જોઇએ કે
કાશ્મીર સરહદે ઘૂસણખોરી (કુદરતી-ભૌગોલિક કારણોસર) પ્રમાણમાં કેટલી સહેલી છે અને કોઇ
માણસ પોતે મરવાનું નક્કી કરીને આવે ત્યારે તેને ખુવારી કરતો અટકાવવાનું કેટલું
અઘરું છે. પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર એકલું પાડવાનું હવે પૂરતું નથી. કારણ
કે તેને કાયમી-બળુકા અને અમેરિકાની પણ ઐસીતૈસી કરનારા ચીનનો સાથ મળી ચૂક્યો છે. પાકિસ્તાનની
સરહદમાં જઇને તેના પંદર-પચીસ સૈનિકોને મારી નાખવાનું પણ પૂરતું નથી.
લોકલાગણી
સંતોષવા અને પોતે અત્યાર સુધી કરેલી ફાંકાફોજદારીને યોગ્ય ઠરાવવા માટે આવો બદલો
લેવાની કબીલાઇ ભાવનાથી જરા આગળ વધવું પડે. પાકિસ્તાનમાં ઘૂસીને ત્રાસવાદીઓને મારવા
હોય તો વડાપ્રધાને પણ અમેરિકાને જ કહેવું પડશે (અને આપણે તેમના જેવા નહીં
થઇએ-તેમની મિમિક્રી નહીં કરીએ) ગુપ્તચર તંત્રને વધારે ચુસ્ત બનાવવું પડે, પાકિસ્તાનના
નાગરિકોને નહીં, તેની ધરતી પરથી બેરોકટોક કામ કરતાં જૈશ-એ-મહંમદ અને લશ્કરે તૈયબ
જેવાં ત્રાસવાદી સંગઠનોને નિશાન બનાવવા પડે. તેમની પર પાકિસ્તાની સરકાર તરફથી
સત્તાવાર અને અમેરિકા જેવા સાથીદેશ તરફથી બિનસત્તાવાર (તેમના અડ્ડા પર ડ્રોન હુમલા
જેવું) દબાણ ઉભું કરાવવું પડે. આમાનું કશું સ્વિચ દાબવાથી કે સોશ્યલ મિડીયા પર
બેફામ પ્રલાપ કરવાથી ન થઇ જાય.
પણ કોઇ રાજકીય પક્ષ નાગરિકોને આવું શા માટે
સમજાવે? ને સત્તાધારીઓ આવું કહે તો નાગરિકો (અત્યાર
સુધીની ‘તાલીમ’ના
કારણે) માને પણ શી રીતે?
Subscribe to:
Post Comments (Atom)
આ બધું તમે કોને સમજાવો છો? યાર શું કામ આટલી મેહનત ?
ReplyDeleteAgree except to start with presumption that it was confirmed as terrorist attack
ReplyDeleteI agree with you that people will expect more from politicians and believe in their promises. But on above topics I feel some points are left. We were never heard POK since 1948 because we were busy in saving Kashmir. Same case for Buluchistan. And last but not least after every terrorist attacks we are replying in their own language as seen yesterday. We are not expecting any thing from other countries.
ReplyDeleteબીરેન ભાઈ,
ReplyDeleteસામાન્ય આમ પ્રજાને આવી રાજકીય ગુંચની ખબર નાં પડે,
અને તેમને રસ ઓઅન નાં હોય ,તેમને તો 'તરત દાન ને મહાપુન' નો નિયમ સમજાય.
बोया पेड़ बबूल का आम कहा से आए
ReplyDeleteNagarkhana ma tatudi no awaz ???
ReplyDeletechupki badi hai kaamki aajkal....