Thursday, August 11, 2016
લોકલાગણીની બેશરમ, બેધારી તલવાર
(દિવ્ય ભાસ્કર, તંત્રીલેખ, 11-8-16)
ફાધર ટોની ડીમેલોની એક બોધકથા છે. એક બાળકે કાચબો પાળ્યો
હતો. એ તેને બહુ વહાલો. એક દિવસ કાચબો મરી ગયો. બાળકે જબ્બર આક્રંદ કર્યું. કેમે
કરીને છાનો ન રહે. પછી વડીલોએ તેને પટાવ્યો-સમજાવ્યો, ‘જો, હવે કાચબો જીવતો થવાનો નથી. પણ આપણે કાચબાનું સરસ સ્મારક બનાવીશું. તેને
ફૂલોથી સજાવીશું. તેમાં કાચબાની કબર પર એક મીણબત્તી કરીશું. તેની પર રાત્રે લાઇટો
લગાડીશું.’ બાળકને આ યોજનામાં મઝા
પડી ગઇ. એવામાં મરેલો મનાતો કાચબો સળવળ્યો. એટલે બાળકે તરત રોષથી કહ્યું,‘પહેલાં આ કાચબાને મારી નાખવો પડશે.’
ભારતના ભાગલા તોળાતા હતા, ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે ‘દેશના ભાગલા મારા
મૃતદેહ પરથી થશે.’ પરંતુ ગાંધીજીના
બધા પ્રયાસ છતાં દેશના ભાગલા થયા,
ત્યારે ગાંધીજીએ
આત્મહત્યા કરી ન હતી. એ જુદી વાત છે કે ઘણા દોઢચતુરો એવો સવાલ ત્યારે અને પછી પણ
ઊભો કરતા રહ્યા છે કે ‘ગાંધીજીએ આવું
કહ્યું હતું, તો ભાગલા પછી તે
કેમ જીવીત રહ્યા?’ (ગાંધીજીએ એ
સવાલનો તાર્કિક અને જરાય ચતુરાઇ વગરનો જવાબ પ્રાર્થનાસભાનાં પ્રવચનોમાં આપ્યો
હતો.) ગાંધીજી પાસેથી તેમના વિધાનનો હિસાબ માગનારી પ્રજા, દેશ માટે ગાંધીજીએ કરેલું સમર્પણ, તેમણે આપેલો ભોગ અને તેમણે કરેલી દેશની સેવા
સહેલાઇથી ભૂલી ગઇ. ગાંધીજીએ શું કર્યું એનું જાણે તેમના માટે કશું મહત્ત્વ જ ન
હતું.
કલ્પનાની રીતે એવો વિચાર ભગતસિંઘ માટે પણ આવે. અત્યારે
સગવડીયા રાષ્ટ્રવાદના ખ્યાલોથી ભગતસિંઘના ઝંડા લઇને ચાલનારાના --કે ભગતસિંઘના--
કમનસીબે, એ લાંબું જીવ્યા હોત તો? વાંચવામાં બહુ
ક્રૂર લાગે, પણ લોકલાગણીની
રીતે ભગતસિંઘનો સૌથી મોટો મહિમા તેમની ક્રાંતિકારી, વંચિતલક્ષી વિચારસરણીને કારણે નહીં, પણ તેમના અકાળે મૃત્યુના કારણે હતો. તેમના સિદ્ધાંતોને-વિચારસરણીને-વૈચારિક
ઊંડાણને અને વંચિતો પ્રત્યેની નિસબતને નહીં, પણ સ્ટુડિયોમાં તેમણે પડાવેલી છટાદાર તસવીરથી પ્રભાવિત થનારાની સંખ્યા મોટી
છે. તે લાંબું જીવ્યા હોત તો આપણી પ્રજા તેમને પણ પૂછી શકત કે ‘તમે તો ક્રાંતિની મોટી મોટી વાતો કરતા હતા ને
તમારા બીજા સાથીઓ શહીદ થયા, તો તમે કેમ જીવતા
રહ્યા?’
આ ત્રણે બાબતો ઇરોમ શર્મિલા સાથે થયેલા દુર્વ્યવહારને કારણે
યાદ આવી છે. મણિપુરમાંથી આર્મ્ડ ફોર્સ સ્પેશ્યલ પાવર એક્ટ (‘આફસ્પા’)નો અત્યાચારી કાયદો હટાવવા માટે ઇરોમ શર્મિલાએ લગભગ ૧૬ વર્ષ સુધી ઉપવાસ કર્યા.
સરકાર આત્મહત્યાના ગુનાસર તેમની ધરપકડ કરતી રહી અને તેમના નાકમાં નળી નાખીને, બળજબરીથી ખોરાક આપતી રહી. શર્મિલા અને નળી
એકબીજાથી અભિન્ન બની ગયાં. આઝાદ ભારતના ઇતિહાસમાં જાતનું આવું કઠણ દમન કરનારા
સત્યાગ્રહની જોડ નથી. એ દરમિયાન ઇરોમ શર્મિલાને ‘સેલિબ્રિટી’ બનાવી દેવાયાં.
અગાઉના કિસ્સાઓની જેમ, તેમણે આપેલા ભોગ
કે તેમની પ્રતિબદ્ધતાને ગૌણ બનાવી દેવાયાં. હવે ઇરોમ શર્મિલાએ પુખ્ત વિચાર પછી
નક્કી કર્યું કે તે ઉપવાસનો અંત આણશે અને ચૂંટણીમાં ઝંપલાવીને રાજકીય રસ્તે તેમનું
આંદોલન આગળ ચલાવવાની કોશિશ કરશે.
આ જાહેરાતથી જાણે ઇરોમ શર્મિલાએ ગદ્દારી કરી હોય એવા ઉગ્ર
અને આઘાતજનક પ્રતિભાવ પડ્યા. મણિપુરમાં ઇરોમના પરિવારે સુદ્ધાં તેમના માટે ઘરના
દરવાજા બંધ કરી દીધા. કેટલાક સાથીદારોને ત્યાં જવાની કોશિશ કરી ત્યારે તેમનો રસ્તો
રોકવામાં આવ્યો ને તેમને ધક્કે ચડાવવાની કોશિશ થઇ. પોતાની જુવાનીનાં કિમતી સોળ
વર્ષ શર્મિલાએ જે પ્રજા માટે ખર્ચી નાખ્યાં એ પ્રજાએ શર્મિલાને આ બદલો આપ્યો. કારણ
કે તેમણે પોતાની કલ્પના મુજબ ઇરોમ શર્મિલાની એક છબી ઊભી કરી લીધી હતી અને એ છબી
સાથે તેમનું સ્વાર્થી અનુસંધાન એવું ગોઠવાઇ ગયું કે હવે તેમને, કાચબાનું મૃત્યુ ઝંખતા બાળકની બોધકથાની જેમ, ઉપવાસી ન હોય એવી ઇરોમ શર્મિલાનો ખપ રહ્યો નથી.
પ્રજાકીય કેળવણીનું કામ કેટલી હદે કાચું રહ્યું છે, તેનો આ વધુ એક, કરુણ નમૂનો છે.
Subscribe to:
Post Comments (Atom)
બે વાત
ReplyDelete1. જનતા કે જેને પોતાનો હક જોઈએ છે. જે એ કોઈ લીડરનાં આત્મસમર્પણ અને માર્ગદર્શન વગર લડી શકે તેમ નથી.
2. લીડર કે જે પોતાનું સર્વસ્વ આપી દે છે એ હક મેળવવા
આ બન્ને માંથી મહત્વનું કોણ. દેખીતી વાત છે બન્ને પરંતું બન્ને વચ્ચે પાતળી ભેદ રેખા છે જે અમુક સમયાંતરે બન્ને માંથી એક નું મહત્વ સૌથી વધારે હોય છે. તો સમસ્યા ક્યાં આવે છે?
Nice quote of Woodrow Wilson, American president," loksahi bhare kharchad che. Te followers pase vivek n samjan mage che. Jo e n hoy to neta pase bhare bhog mage che."
ReplyDeleteવિન્સ્ટન ચર્ચીલે ભારતને આઝાદી આપતાં પૂર્વે ભારતીય જનતાની લોકશાહી પ્રત્યેની અપરિપક્વતાનો અંદેશો જાહેર કર્યો હતો.રાષ્ટ્રવાદની લાગણીમાં તણાતા આપણે તેને ભારત વિરોધી માનસિકતામાં ગણી હસી કાઢી હતી.
ReplyDeleteએ બેની ભેળસેળ કરવા જેવી નથી. પ્રજા અપરિપકવ હોય એટલે એને ગુલામ બનાવવાનું કે ગુલામ રાખવાનું લાાયસન્સ વિદેશી સત્તાને મળી જતું નથી. એટલે ચર્ચિલની માનસિકતા વિશેની ટીકા ઘણી હદે વાજબી જ હતી.
DeleteUrvishbhai very nice
ReplyDeleteઈરોમ શર્મિલાએ ઉપવાસ શરૂ કર્યા ત્યારે આંદોલન હતું. તે પછી ઈરોમ શર્મિલાના નાકની નળીએ આંદોલનકારીઓને પોતાની જવાબદારીમાંથી મુક્ત કરી દીધા. આ બહાદુર અને ટેકી મહિલા આંદોલનનું પ્રતીક બની ગઈ. હવે એણે જ્યારે ઉપવાસ છોડવાનો નિર્ણય લીધો ત્યારે બીજા બધા ઉઘાડા પડી ગયા છે. આંદોલનને નામે એ લોકો ચરી ખાતા હતા. હવે એ શક્ય નથી રહ્યું હવે એમણે નવું આંદોલન શરૂ કરવું પડશે. શર્મિલાનો નિર્ણય સાચો છે.
ReplyDeleteબીજો એક પાઅટઃ એ પણ શીખવાનો છે. કોઈ પણ આંદોલન સતત અને લાંબા ગાળા સુધી ચલાવવું હોય તો એના માટે કોઈ એક 'અનિશ્ચિત મુદતનો' કાર્યક્રમ ન ચલાવવો જોઈએ. એમાં સામા પક્ષને પોતાનો વ્યૂહ ઘડવા માટે 'અનિશ્ચિત મુદત' માટે નિરાંત મળી જાય છે.