Monday, May 23, 2016
‘આ અવતરણ મારું નથી’ : ગાંધીજી, વૉલ્તેર, ચર્ચિલ...
‘વિદ્વાન દેખાવું હોય તો અવતરણ ટાંકવાં પડે’ આવું કોઇએ કહ્યું નથી. છતાં, ઘણા વક્તાઓ તેને બ્રહ્મવાક્ય માનીને ભાષણોમાં અચૂકપણે અને આત્મવિશ્વાસપૂર્વક
અવતરણો ટાંકે છે. ઇન્ટરનેટ અને સોશ્યલ મિડીયાના જમાનામાં તો અવતરણોના સાગર છલકાયા
છે. એકાદ ચિત્ર કે તસવીર અને સાથે વાંચીને જ એવી ‘કીક’
આવી જાય કે તેનો અમલ કરવાની જરૂર ન રહે એવું અવતરણ, એટલે કામ થઇ ગયું.
ઘણાંખરાં ચાલુ અવતરણ એટલે ચિંતનનો આભાસ કરાવતો, પ્રેરણાનો ઇન્સ્ટન્ટ ડોઝ.
‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’--આ અવતરણ અને તેની સાથે ખુલ્લી શીખાવાળા ચાણક્યનું તેજસ્વી ચિત્ર સોશ્યલ મિડીયા
આવ્યું તે પહેલાંનાં ચલણમાં છે. અનેક ભાષણોમાં અસંખ્ય વક્તાઓ એવા
આત્મવિશ્વાસપૂર્વક આ અવતરણ ટાંકે છે, જાણે તેમણે
ચાણક્યે તેમને જ કહ્યું હોય. અહોભાવિત-આફરીન થઇ જવાની સ્વીચ લપટી પડી ગઇ હોય, તો અવતરણોના વરસાદમાં નહાવાની બહુ મઝા આવે. પરંતુ સામાન્ય
સમજ વાપરવાની કુટેવ હોય તો તરત સવાલ થાય કે ચાણક્ય હિંદીમાં શી રીતે અવતરણ આપે? એમના સમયમાં હિંદી ભાષા જ ન હતી. બને એવું કે કોઇ ઉત્સાહીએ
ચાણક્યનો એકાદ હિંદી અનુવાદ વાંચી કાઢ્યો હોય અને તેમાંથી આ અવતરણ કે તેની નજીકનો
અર્થ ધરાવતું કશુંક શોધી કાઢ્યું હોય, એટલે કામ થઇ ગયું.
બહુ દૂરના ભૂતકાળના
ચાણક્યની વાત જવા દો, ગાંધીજીના નામે પણ આવું
એક બનાવટી અવતરણ ચાલે છે, જે એટલું
સૂત્રાત્મક છે કે કોઇને પણ માની લેવાનું મન થાય. અનેક આંદોલનો વખતે અને એ સિવાય પણ
છૂટથી વપરાતું એ અવતરણ છે : ‘બી ધ ચેન્જ યુ
વિશ ટુ સી ઇન ધ વર્લ્ડ.’ (જગતમાં પરિવર્તન ઝંખનારા, તમે પોતે સાક્ષાત્ પરિવર્તન બનો)
આ વાક્યના ભાવાર્થમાં કશો ગોટાળો નથી. સમાજપરિવર્તન માટે વ્યક્તિપરિવર્તન જરૂરી છે. મુશ્કેલી ફક્ત એટલી છે કે ગાંધીજીએ આવું કશું કહ્યું ન હતું. ઉત્તમ રીતે દસ્તાવેજીકરણ પામેલાં ગાંધીજીનાં લખાણોમાં ક્યાંય આવું કોઇ વાક્ય આવતું નથી, એવું અભ્યાસીઓએ ખોંખારીને કહ્યું છે. આવા કિસ્સામાં એવું થાય કે ગાંધીજીના લાંબા લખાણના સારરૂપે કોઇ અભ્યાસીએ આવું સૂત્રાત્મક વાક્ય મૂક્યું હોય, જે સરવાળે ગાંધીજીના અવતરણ તરીકે ચાલતું થઇ જાય.
આ વાક્યના ભાવાર્થમાં કશો ગોટાળો નથી. સમાજપરિવર્તન માટે વ્યક્તિપરિવર્તન જરૂરી છે. મુશ્કેલી ફક્ત એટલી છે કે ગાંધીજીએ આવું કશું કહ્યું ન હતું. ઉત્તમ રીતે દસ્તાવેજીકરણ પામેલાં ગાંધીજીનાં લખાણોમાં ક્યાંય આવું કોઇ વાક્ય આવતું નથી, એવું અભ્યાસીઓએ ખોંખારીને કહ્યું છે. આવા કિસ્સામાં એવું થાય કે ગાંધીજીના લાંબા લખાણના સારરૂપે કોઇ અભ્યાસીએ આવું સૂત્રાત્મક વાક્ય મૂક્યું હોય, જે સરવાળે ગાંધીજીના અવતરણ તરીકે ચાલતું થઇ જાય.
ગાંધીજીના અવતરણ જેવું જ
વૉલ્તેરના કિસ્સામાં બન્યું. વિખ્યાત ફ્રેન્ચ ફિલસૂફ વૉલ્તેરનું વિચારભેદના
સંદર્ભે વારંવાર રજૂ કરાતું અવતરણ છે, ‘તમારી વાત સાથે
હું અસંમત છું,
પણ એ કહેવાના તમારા અધિકારનું હું પ્રાણાંતે પણ રક્ષણ કરીશ.’ વાસ્તવમાં વૉલ્તેરે આવું ક્યાંય લખ્યું નથી. તો પછી એ વિધાન
વૉલ્તેરના નામે ચઢ્યું શી રીતે? તેનો એક સંભવિત
જવાબ છે : વૉલ્તેરના ૧૯૦૬માં પ્રગટ થયેલા ચરિત્ર ‘ધ ફ્રૅન્ડ્ઝ ઑફ વૉલ્તેર’માં અંગ્રેજ લેખિકા
હૉલે અન્ય એક ફ્રેન્ચ ફિલસૂફ પ્રત્યે વૉલ્તેરનો અભિગમ વ્યક્ત કરવા માટે આવું વાક્ય
રચ્યું હતું. એટલે કે, એ વૉલ્તેરનું પોતાનું
અવતરણ નહીં,
પણ તેમના અભિગમની સમજૂતી હતી. પરંતુ તે પહેલા પુરૂષમાં લખાઇ
હોવાથી,
વૉલ્તેરના વિધાન તરીકે જગમશહુર બની ગઇ.
ગાંધીજી કે વૉલ્તેરની
જેમ અમેરિકન કવયિત્રી માયા ઍન્જેલુ પોતાના ક્ષેત્રમાં અત્યંત પ્રતિભાશાળી હોવા
છતાં,
એક એવું અવતરણ તેમની ઓળખ બન્યું, જે તેમનું હતું જ નહીં. ‘અ બર્ડ ડઝન્ટ સિંગ બીકૉઝ ઇટ હૅઝ ઍન આન્સર. ઇટ સિંગ્સ બીકૉઝ ઇટ હૅઝ અ સૉંગ.’ (પંખી એટલા માટે નથી ગાતું કે તેની પાસે જવાબ છે. પંખી ગાય
છે કારણ કે એના મનમાં ગીત છે.)
બીજા તો ઠીક, અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ આ વાક્ય (કે પંક્તિ) માયા ઍન્જેલુની હોવાનું કહ્યું. અમેરિકાના પોસ્ટવિભાગે માયા ઍન્જેલુની ટપાલટિકિટ બહાર પાડી, તેની ઉપર પણ આ જ લીટી મૂકવામાં આવી. પરંતુ ‘વૉશિંગ્ટન પોસ્ટ’ અખબારે શોધી કાઢ્યું કે આ લીટી ૧૯૬૭માં પ્રકાશિત થયેલા જૉન વૉલ્શ એન્ગલન્ડના બાળવાર્તા સંગ્રહમાં હતી. મઝાની વાત એ છે કે ખુદ માયા ઍન્જેલુએ આ લીટી પોતાની છે એવું કદી કહ્યું નથી. છતાં, તે પ્રબળપણે તેમના નામે ચડી ગઇ અને તેમની ટપાલટિકિટ સુધી પહોંચી ગઇ.
બીજા તો ઠીક, અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ આ વાક્ય (કે પંક્તિ) માયા ઍન્જેલુની હોવાનું કહ્યું. અમેરિકાના પોસ્ટવિભાગે માયા ઍન્જેલુની ટપાલટિકિટ બહાર પાડી, તેની ઉપર પણ આ જ લીટી મૂકવામાં આવી. પરંતુ ‘વૉશિંગ્ટન પોસ્ટ’ અખબારે શોધી કાઢ્યું કે આ લીટી ૧૯૬૭માં પ્રકાશિત થયેલા જૉન વૉલ્શ એન્ગલન્ડના બાળવાર્તા સંગ્રહમાં હતી. મઝાની વાત એ છે કે ખુદ માયા ઍન્જેલુએ આ લીટી પોતાની છે એવું કદી કહ્યું નથી. છતાં, તે પ્રબળપણે તેમના નામે ચડી ગઇ અને તેમની ટપાલટિકિટ સુધી પહોંચી ગઇ.
પોતાનું ન હોય એવું
વિધાન પોતાના નામે ફરતું થઇ જાય તો એ ઘણી વાર જીવલેણ કે કારકિર્દીલેણ નીવડી શકે
છે. ચૂંટણીઓ વખતે ઘણી વાર નેતાઓનાં વિધાનોને તોડીમરોડીને, તેમાંથી અનુકૂળ અર્થો કે અનર્થો કાઢીને તેને લોકો સુધી
પહોંચાડવામાં આવે છે. એનાં સૌથી ખતરનાક ઉદાહરણોમાંનું એક વિધાન લોહિયાળ ફ્રેન્ચ
ક્રાન્તિનાં ખલનાયિકા, લુઇ સોળમાનાં રાણી
મૅરીના નામે બોલે છે,‘એમની (ગરીબોની) પાસે
ખાવા માટે બ્રેડ ન હોય, તો એ લોકો કેક ખાય.’ અસલમાં રાણી મૅરીએ આવું કદી કહ્યું ન હતું. આ પ્રકારનું
વિધાન ફ્રેન્ચ ફિલસૂફ રુસોએ તેમના પુસ્તક ‘કન્ફેશન્સ’માં એક અનામી રાજકુમારીના મોઢે મૂક્યું છે. પરંતુ ફ્રૅન્ચ
ક્રાંતિ વખતે શાહી દંપતિ સામે અસંતોષ ભડકાવવા કે ભડકેલા અસંતોષમાં પેટ્રોલ છાંટવા
માટે આ વિધાન રાણી મૅરીના નામે વહેતું કરવામાં આવ્યું અને તેની ધારી અસર થઇ. હજુ
આજે પણ શાસકોની ભપકાબાજીની ટીકા કરવા માટે એ વિધાન રાણી મૅરીના નામે ટાંકવામાં આવે
છે.
મહાનુભાવોનાં અવતરણ
વાંચવા-સાંભળવાથી એવું જ લાગી શકે, જાણે બધા
મહાનુભાવો કોઇ ને કોઇ તબક્કે ઍડ એજન્સીમાં કૉપીરાઇટર રહી ચૂક્યા હશે. એ સિવાય આવાં
ટૂંકાં છતાં ચોટડુક વિધાન કેવી રીતે આપી શકે? પરંતુ સહેજ તપાસ કરતાં જણાય છે કે મહાનુભાવોએ ખરેખર જે કંઇ કહ્યું હોય, તેમાં કોઇ કસબીનો કે કોઇ પત્રકારનો કે સંપાદકનો હાથ ફરે છે
અને એક યાદગાર અવતરણનો જન્મ થાય છે. તેમાં ‘કળા કરનાર’
વિશે ભાગ્યે જ જાણવા મળે છે અને લોકોને એ જાણવાની જરૂર પણ
લાગતી નથી. જેમ કે, બીજા વિશ્વયુદ્ધ વખતે
બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન્ટ ચર્ચિલના લડાયક મિજાજને વ્યક્ત કરતા યાદગાર ત્રણ
શબ્દો છે : બ્લડ,
સ્વેટ એન્ડ ટીઅર્સ (ખૂન,પસીનો અને આંસુ) વાસ્તવમાં ચર્ચિલે કહ્યું હતું,‘આઇ હેવ નથિંગ ટુ ઑફર બટ બ્લડ, ટૉઇલ, ટીઅર્સ ઍન્ડ
સ્વેટ.’
પરંતુ કોઇ ‘સંપાદક’ને વિધાન વઘુ ‘કૅચી’ બનાવવાનું મન થયું હશે. એટલે ક્રમની બદલી અને ટૉઇલ (કઠોર
પરિશ્રમ)ને પડતી મૂકીને ‘બ્લડ, સ્વેટ, ટીઅર્સ’ આવ્યું.

નામમાં શું બળ્યું છે, એવું શૅક્સપિયરનું અવતરણ બીજાં અવતરણો માટે પણ સાચું લાગે
છે.
Labels:
Gandhi/ગાંધી,
literature
Subscribe to:
Post Comments (Atom)
એકદમ નવીન કન્ટેન્ટ 👍👍👍
ReplyDeleteઅદ્ભુત અભ્યાસપૂર્ણ લેખ... ક્વોટનું એવું છે કે જીભ પર રમતું હોય અને સહજ આવી જાય તો સુંદર લાગે છે. બાકી જાણી જોઇને વારંવાર ક્વૉટ ટાંકનારા લોકો પોતે હોય એના કરતા અનેક ગણા વિદ્વાન દેખાવા માટે આવી કસરત કરતા હોય છે.
ReplyDeleteબહુ સારો લેખ. માત્ર અવતરણોનું નહીં, ઘટનાઓનું પણ એવું જ છે. ન્યૂટન બાગમાં બેઠા હતા અને ઉપરથી સફરજન પડ્યું તેમાંથી એમને ગુરુત્વાકર્ષણનો વિચાર આવ્યો એ માત્ર દંતકથા છે. ન્યૂટને સફરજનનું ઉદાહરણ આપ્યું છે તે સાચું.
ReplyDeleteજે લોકો પોતાના ભાષણમાં અવતરણો આપતા હોય તે કંઈ સારા વક્તા ન ગણાય. રીહર્સલ કરીને બોલનારા ને આપણે ઑરેટર કહીએ છીએ પણ ખરેખર તો એ લોકો (કુલદીપભાઈના શબ્દો ટાંકું તો) "પોતે હોય એના કરતા અનેક ગણા વિદ્વાન દેખાવા માટે આવી કસરત કરતા હોય છે." એમાં કંઈ ભૂલી જવાય તો સિકંદરને પટના સુધી લઈ આવે.