Wednesday, September 02, 2015

કેટલીક કાલ્પનિક શાંતિ-અપીલો

ગયા સપ્તાહે ગુજરાતમાં અશાંતિના પગલે શાંતિ-અપીલોનો દોર ચાલ્યો. અશાંતિ ખેદજનક અને ગંભીર બાબત છે, પરંતુ શાંતિ માટે કરાયેલી અપીલો? એની વાત અલગ છે. ધારો કે જુદા જુદા લોકો નકલી ઠાવકાઇને બદલે પોતાની અસલી સ્ટાઇલમાં શાંતિની અપીલ કરે તો એ કેવી હોય? થોડી કલ્પના.
***

વડાપ્રધાનની શાંતિ-અપીલ
ગાંધીના ગુજરાતમાંથી મોદીના ગુજરાત બનેલા રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી જે ચાલી રહ્યું છે એ ઠીક નથી. હિંસાથી નેતાઓ સિવાય બીજા કોઇનું ભલું થતું નથી. એનો દાખલો લેવા માટે સાડા છ કરોડ ગુજરાતીઓએ બહાર જોવા જવાની ક્યાં જરૂર છે? મારા ગુજરાતી ભાઇઓ-બહેનોએ સમજી લેવું જોઇએ કે આ હિંસા આંતરરાષ્ટ્રિય તત્ત્વોની મને એટલે કે ભારતને અને ભારતવિરોધી તત્ત્વોની ગુજરાતને બદનામ કરવાની સાજિશ છે. એ લોકો કાન ખોલીને સાંભળી લે કે અમે અશાંતિ ફેલાવનારી તાકાતોની તમામ કોશિશ નાકામ બનાવીશું. આવો, આપણે સૌ સાથે મળીને મારા હાથ મજબૂત બનાવીએ, જેથી હું મારા સિવાયની તાકાતોને નાકામ બનાવી શકું. એક વાર મેં તમને કહ્યું હતું એ ફરીથી કહું છું : તમે મારા હાથ મજબૂત કરીને શાંતિથી ઉંઘી જાવ. પછી એ હાથને બીજું કોઇ ઢીલા ન પાડે એના માટે હું સતત જાગતો રહીશ ને તમે જાગી ન જાવ એની કાળજી રાખીશ. આવો, આપણે ભારતવિરોધી તાકાતોના હાથમાં રમવાને બદલે શાંતિ સ્થાપીને સ્વદેશી તાકાતોના હાથમાં રમીએ.

શિક્ષિકા મુખ્ય મંત્રીની શાંતિ-અપીલ
(ચાર-પાંચ વાર ડસ્ટર પછાડવાનો અવાજ) છોકરાંઓ, શાંત થઇ જાવ. બહુ થયું. હું ક્લાસમાં છું એ તમે સાવ ભૂલી ગયા લાગો છો. અત્યાર સુધી મેં તમને તોફાન કરવા દીઘું, એનો અર્થ એવો નહીં કે મને કડક થતાં નથી આવડતું. મને એમ હતું કે ભલે એ લોકો પણ થોડી ધમાલ કરી લે. છોકરાં છે. પણ મસ્તી-મસ્તીમાં તમે ક્લાસટીચરને બદલવાની માગણી કરવાની હદે પહોંચી જાવ? તમે તમારા મનમાં સમજો છો શું? મને ખબર છે કે આ શાંતિની અપીલ છે. પણ મારી શાંતિની અપીલ સંભળાય, એટલી શાંતિ તો પહેલાં મારે સ્થાપવી પડે કે નહીં?

માનનીય આચાર્યશ્રી પણ આપણા ક્લાસની શાંતિ અંગે ચિંતિત છે. કારણ કે તે આ ક્લાસના ક્લાસટીચરમાંથી જ સ્કૂલના આચાર્ય બનેલા છે. તેમને ખબર છે કે આપણા ક્લાસમાં જે આજે થશે, તે કાલે કદાચ આખી સ્કૂલમાં થાય. એક ક્લાસમાં થતા તોફાન માટે આચાર્યને કહેવું પડે એ આપણા માટે--એટલે કે તમારા માટે-- શોભાસ્પદ છે? માટે જ કહું છું : શાંતિ રાખો. ક્યૂઇડી.

આંદોલનના અગ્રણીની શાંતિ-અપીલ
જય સરદાર. આપણે ધારીએ તો રાજ્ય સરકાર નહીં, કેન્દ્ર સરકારને હલાવી દઇએ. ગુજરાતમાં નહીં, બિહારમાં પણ ભાજપને હરાવી દઇએ. નીતિશકુમાર આપણા જ માણસ છે ને બિચારા આજકાલ ટેકાની શોધમાં પણ છે. આપણા સમાજ જેવો મજબૂત ટેકો એમને મળી જાય તો બિહારમાં આપણું રાજ થઇ જાય. ગુજરાતનો માણસ બિહારમાં ઝંડા ગાડી દે, એ પરંપરા ગાંધીજીએ શરૂ કરી હતી. એટલે આપણું આંદોલન પણ ગાંધીચીંઘ્યા માર્ગે ગણાશે.

આપણે શાંતિમાં માનીએ છીએ. શિવાજી મહારાજ પણ મહારાષ્ટ્રના પાટીદાર હતા. તેમણે અફઝલખાનનું પેટ ચીરી નાખતાં પહેલાં કે પછી તોફાન મચાવેલું? આપણે ફક્ત નક્કી એટલું જ કરવાનું છે કે આપણા માટે `અફઝલખાન` કોણ છે? અનામત? કે આપણામાંથી કેટલાક દ્વારા ચાલતી સેલ્ફ ફાયનાન્સ્ડ કોલેજોની આકરી ફી? કે સરકારી આર્થિક નીતિ? કે ગુજરાતનું વિકાસમોડેલ? ‘અફઝલખાન કોણ?’ એ સવાલનો જવાબ ઉશ્કેરાવાથી નહીં મળે. સમજું છું કે ટોળા તરીકે વિચારવાનું કામ અઘરૂં છે. પણ ટોળામાંથી છૂટા પડીને ઘરે ગયા પછી વિચારજો...અને હા, આ શાંતિની અપીલ ખાસ તો સરકાર અને પોલીસ માટે છે. સરકાર નહીં સમજે તો આવતી ચૂંટણીમાં સરકારમાં બેઠેલા લોકોના ભાગે શાંતિ જ શાંતિ આવશે. જય સરદાર.

કોંગ્રેસી નેતાની શાંતિ-અપીલ
અમને બે વસ્તુ બહુ ફાવે : શાંતિની અપીલ કરતાં અને રાજીનામું માગતાં. ક્યારેક તો અમે બન્ને કામ સાથે પણ કરીએ. અમે માનીએ છીએ કે ગુજરાતમાં અશાંતિ ન હોવી જોઇએ અને માણસે મંગળ પર વસવાટ કરવા જવું જોઇએ. આ બન્ને વાત સાથે મૂકવાનું કારણ એ કે અમારા માટે એ બન્ને વાતો સરખી છે : એમાં અમારી કશી સક્રિય ભૂમિકા હોવાની નથી. માનનીય રાહુલજીએ દિલ્હીથી દાઢી ટ્રીમ કરતાં કરતાં શાંતિની અપીલ રેકોર્ડ કરાવી હતી, પરંતુ એ ફાઇલ કરપ્ટ થઇ ગઇ હોવાથી અત્યારે તેને વગાડી શકતા નથી. તેમના કહેવાનો સાર એ હતો કે ગુજરાતના પાટીદારોની સમસ્યાથી તે વાકેફ છે. ગુજરાતની મુલાકાત વખતે તેમણે એક ઢાબા પર ભોજન પણ લીધેલું. એટલે જમીની પરિસ્થિતિ તે સારી પેઠે સમજે છે. એ ભોજન લીધા પછી તેમને જે શાંતિનો અનુભવ થયો હતો, એવી શાંતિ ગુજરાતનું અસલી ભૂષણ છે અને ગુજરાતે કોઇ પણ ભોગે એવી શાંતિ જાળવવી જોઇએ, એવું તેમણે ખાસ કહ્યું છે.

લે ટકો ને મને ગણઆગેવાનની શાંતિ-અપીલ
મારાં વહાલાં ભાઇઓ અને બહેનો, હું જાણું છું કે તમે મને ઓળખતાં નથી. એટલા માટે તો હું આ શાંતિ-અપીલ દ્વારા આપની સમક્ષ ઉપસ્થિત થવાની અને આપને મળવાની તક લઇ રહ્યો છું. ગુજરાત ભડકે બળી રહ્યું છે અને મારા મનમાં ઉછાળા મારતી નેતાગીરીની મહત્ત્વાકાંક્ષાઓની જ્વાળા પણ ફૂંફાડા મારી રહી છે. કોઇ પણ પ્રકારની જ્વાળાનું શમન કરવું, એ આપણા સૌની સહિયારી ફરજ છે. એમાં જ ગુજરાતનું હિત સમાયેલું છે. પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ગયા વખતે મને એમ કહીને કાપ્યો હતો કે તમારો લોકસંપર્ક નથી’, તો આ રહ્યો મારો લોકસંપર્ક. આખા રાજ્યના માથે જ્યારે વિપદાની ઘડી આવી છે, ત્યારે હું ખૂણેખાંચરે સંતાઇને કે બીજાની જેમ કોઠીમાં મોં ઘાલીને સંતાઇ જવાને બદલે, છાતી કાઢીને, (બીજાનું) કફન માથા પર બાંધીને, શાંતિની અપીલ સાથે રણમેદાનની વચ્ચોવચ ઊભો છું. મારી અપીલ છાપામાં સમાચાર કે જાહેરખબર તરીકે છપાય, સોશ્યલ મીડિયા પર તેનો મહત્તમ પ્રચાર થાય તે ગુજરાતના હિતમાં છે. જય સરદાર, જય પાટીદાર, જય વડાપ્રધાન, જય મુખ્યમંત્રી, જય ઓબીસી.

ટીવી ચેનલની શાંતિ-અપીલ

હમણાં જ આપે જોઇ અમારી વિશેષ પ્રસ્તુતિ : આગની જ્વાળાઓમાં લપેટાયેલું ગુજરાત. અમે સૌ દર્શક મિત્રોને વિનંતી કરીએ છીએ કે તમે શાંતિ જાળવી રાખશો અને કોઇ પણ પ્રકારની અફવા કે ઉશ્કેરણીજનક સમાચાર ફેલાવશો નહીં. હવે જુઓ અમારો ખાસ કાર્યક્રમ : કેવી રીતે ટોળું ધસ્યું ટ્રેન સળગાવવા અને કેવી રીતે પોલીસે કર્યો લાઠીચાર્જ. આવું જ ચાલ્યું તો કેવા હશે આગામી ચોવીસ કલાક..પણ તે પહેલાં એક બ્રેક.   

6 comments:

  1. આખો લેખ જોરદાર.. બસ, શીર્ષકમાં એક શબ્દ ભૂલથી છપાઈ ગયો લાગે છે. કાલ્પનિક... :)

    ReplyDelete
  2. Sachu kahevani adbhut kala!!!!

    ReplyDelete
  3. khub saras............

    ReplyDelete
  4. ચંદુ મહેરિયા11:37:00 AM

    શિક્ષિકા મુખ્યમંત્રીની અને ટીવી ચેનલની શાંતિ અપીલ સૌથી વધુ અસરકારક છે. કાલ્પનિક નહીં,વાસ્તવિક. ચંદુ મહેરિયા

    ReplyDelete
  5. Anonymous9:20:00 AM

    આમાં કાલ્પનિક શું છે? આતો સમજી જવાનું...હા હા

    ReplyDelete