Friday, March 18, 2011

અજિત મર્ચંટની વિદાયઃ ભીની આંખે છેલ્લી સલામ

આજે સવારે ૬ ૧૦ વાગ્યે શિવાજી પાર્ક (મુંબઇ)ની એક હોસ્પિટલમાં ૮૮ વર્ષના સંગીતકાર અજિત મર્ચંટનું અવસાન થયું.થોડા સમયથી બિમાર અને જીવનમાં પહેલી વાર પથારીવશ-હોસ્પિટલવાસી હતા. છેલ્લે છેલ્લે મુંબઇ હોસ્પિટલમાં તેમને મળી શકાયું, બિનીત પણ તેમને મળી આવ્યો, મુંબઇસ્થિત પત્રકારમિત્ર તેજસ વૈદ્ય તેમને મળીને સમાચાર આપતો હતો. એ બધું જોયા પછી, અજિતકાકાને શારીરિક-માનસિક પીડામાંથી મુક્તિ મળી એમ જ લાગે. એવી મુક્તિ જેને અમારા-આપણા જેવા એમના ચાહકોએ હૃદયના ઊંડાણથી અને ભીની આંખે અનુભવવાની હોય. (તેમનાં પત્ની અને ખરા અર્થમાં સાથી એવાં નીલમકાકી હજુ તેમની સાથે કંઇક વાત થઇ શકે એટલાં સ્વસ્થ થયાં નથી.)

અજિત મર્ચંટ (૧૫-૮-૧૯૨૨, ૧૮-૩-૨૦૧૧)ની કારકિર્દી અને તેમના પ્રદાન વિશે માહિતીસભર અંજલિ આપવાનું અત્યારે મન નથી. આજે બસ એમની યાદ! અને એમની યાદમાં બે મિનીટનું મૌન નહીં, થોડી મિનિટોનું સંગીત- ખુદ તેમણે હાર્મોનિયમ પર ગાયેલાં પોતાનાં ગીત, દુર્લભ તસવીરો, પત્રો અને થોડી અંગત છતાં હવે જાહેર યાદ.

Ajit Merchant

પ્રદીપજી સાથે અજિત મર્ચંટઃ ‘ચંડીપૂજા’
કોઇ લાખ કરે ચતુરાઇ, કરમકા ભેદ મિટે ના રે ભાઇ
પત્ની નીલમ મર્ચંટના નામે ‘નીલમ ફિલ્મ્સ’ના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘દીવાદાંડી’ની જાહેરખબર. ‘તારી આંખનો અફીણી’ એ ગીતથી પ્રખ્યાત થનાર આ ફિલ્મના સંગીતકાર ઉપરાંત પ્રોડ્યુસર પણ અજિત મર્ચંટ હતા. આ ફિલ્મની પ્રિન્ટો લેબોરેટરીની આગમાં બળી ગઇ હોવાથી, ‘તારી આંખનો અફીણી’ પડદા પર કદી જોવા મળ્યું નથી. અજિતકાકા કહેતા હતા કે આફ્રિકામાં કોઇની પાસે ફિલ્મની એકાદ પ્રિન્ટ હોવાનું સાંભળ્યું છે.
(ડાબેથી) નીલમકાકી, મન્ના ડે/Manna Dey, અજિતકાકા/ Ajit Merchant અને રજનીકુમાર પંડ્યા, થોડાં વર્ષ પહેલાં મુંબઇમાં મન્ના ડેના એક કાર્યક્રમમાં
૧૫-૧૧-૨૦૦૦ની ટપાલની છાપ ધરાવતો આ પત્ર અજિતકાકા સાથેની અમારી પહેલી મુલાકાત પછીનો છે. તેમને મળવા જતાં પહેલાં મને હિતેચ્છુભાવે ચેતવવામાં આવ્યો હતો કે ‘અજિતભાઇ બહુ આકરા માણસ છે. બહુ ભાવ નહીં આપે.’ એટલે હું અને સોનલ મુંબઇ ગયા ત્યારે એક સવારે સાડા દસની આસપાસ તેમને ઘેર પહોંચ્યાં- એમ ધારીને કે ‘સવારે જમવાના સમય પહેલાં (બાર વાગ્યા પહેલાં) તો કાકાના ઘરે પાછાં જતાં રહીશું. આકરા માણસ સાથે કેટલી વાતો થાય?’ પણ વાતો શરૂ થયા પછી સાંજના છ ક્યાં વાગી ગયા, તેની સરત ન રહી. વચ્ચે સોનલે અને નીલમકાકીએ જમવાનું બનાવ્યું. ત્યાં જ જમ્યા. બસ એ દિવસથી ગમે તેટલા ઓછા સમય માટે મુંબઇ જવાનું હોય, તો પણ અજિતકાકા-નીલમકાકીને મળવા, તેમની સાથે ઓછામાં ઓછા ચાર-પાંચ કલાક ગાળવા એ ક્રમ બની ગયો. પહેલી મુલાકાત પછી અજિતકાકાએ લખેલા પત્રનો આગળનો હિસ્સો
(ડાબેથી) આસ્થા, નીલમકાકી, સોનલ અને વેણીભાઇ પુરોહિતના કાવ્યસંગ્રહમાંથી કોઇ ગીત શોધતા અજિતકાકા
મહેમદાવાદના જૂના ઘરે યાદગાર મિલનઃ (પાછળ ડાબેથી) અજિતકાકાનાં પુત્રી, અજિતકાકા, નીલમકાકી, મમ્મી (આગળ બેઠેલા) કનુકાકા, ઉર્વીશ, સોનલ, પપ્પા
યુવાન વયનો સ્કેચ/ Ajit Merchant

અજિતકાકા-નીલમકાકી/Neelam-Ajit merchant
સુરતના સંશોધક મિત્ર હરીશ રધુવંશી સંપાદિત ‘ગુજરાતી ફિલ્મ ગીતકોશ’નું વિમોચન કરતા અજિતકાકા, ડાબે હરીશભાઇના પિતા, હરીશભાઇ, જમણે કેકેસાહેબ (અભિનેતા કૃષ્ણકાંત) અને ભગવતીકુમાર શર્માની ઝલક
અમદાવાદમાં ગ્રામોફોન ક્લબના સ્થાપક પ્રમુખ (હવે સ્વ.) અરવિદ દેસાઇ અને રંજન દેસાઇ સાથે અજિતકાકા-નીલમકાકીને પારિવારિક સંબંધ થયો. અરવિદભાઇની વિદાય પછી રંજનકાકીએ પણ તેમની લાક્ષણિક ગરીમા અને હૂંફથી સંબંધ ટકાવી રાખ્યો. ગ્રામોફોન ક્લબના બીજા સભ્ય ચંદ્રશેખર વેદ્ય પણ અજિતકાકા સાથે ગીતસંગીતની આપલે દ્વારા સંપર્કમાં રહેતા હતા. અજિતકાકા-દિલીપકાકાના જોડીદાર બદ્રીકાકા (બદ્રીનાથ વ્યાસ) ચંદ્રશેખરભાઇને ખબર આપે એવું પણ ક્યારેક બને. અજિતકાકા રંજનકાકીને ત્યાં ઉતર્યા ત્યારે હું અને બિનીત તેમને માણેકચોક લઇ ગયા હતા. ત્યાં ‘જનતા’નાં દાળવડાં અને આઇસક્રીમ ખાતી વખતે અજિતકાકાએ ખાસ આ ફોટો પડાવ્યો અને તેનું શીર્ષક શું રાખવું એ પણ ત્યારે જ કહી દીઘું :
‘મરચું અને મરચન્ટ’
ગયા વર્ષના અંતે ભારતીય વિદ્યાભવનના પ્રતિષ્ઠિત મુનશી સન્માન સમારંભમાં મુખ્ય અતિથિ સિતારવાદક ઉસ્તાદ અબ્દુલહલીમજાફરખાન સાથે અજિતકાકા. આ સમારંભમાં અજિતકાકાના આજીવના સાથીદાર ગાયક-સંગીતકાર દિલીપ ધોળકિયાને પણ સન્માનિત કરવામાં આવ્યા. દિલીપકાકા બિમારીને કારણે હાજર ન રહી શક્યા અને એ બિમારીમાં જ અવસાન પામ્યા. એ વાતને હજુ ત્રણ મહિના પણ નથી થયા ત્યાં અજિતકાકા પણ...
મુનશી સમારંભના બીજા દિવસે અમારો અજિતકાકા-નીલમકાકી સાથે બહાર જમવા જવાનો કાર્યક્રમ નક્કી હતો. પણ સમારંભ વખતે કાકાની તબિયત અને તેમને આવેલા સોજા પછી અમે બહાર જવાનો કાર્યક્રમ માંડવાળ કર્યો. એને બદલે, મુંબઇમાં કાકા-કાકીનું ઉલટભેર- પ્રેમથી ઘ્યાન રાખનાર, અનેકવિધ પ્રતિભાઓ ધરાવતો મિત્ર અજિક્ય સંપટ ઘરે જ નાસ્તાપાણીનો સરંજામ લઇ આવ્યો. ફોટોમાં નીલમકાકી, અજિતકાકા અને તેમની દીકરી સાથે અજિક્ય, બીરેન (કોઠારી) અને બિનીત (મોદી) દેખાય છે. અજિતકાકા ચટાકેદાર ખાણીપીણીના શોખીન હતા. દરેક વખતે તેમની સાથે બેસીએ ત્યારે મારો આઇસક્રીમ-પ્રેમ જાણતાં કાકી અજિક્ય પાસે આઇસક્રીમ મંગાવી રાખે અને અમે બધાં ઠાંસી ઠાંસીને આઇસક્રીમ ખાઇએ. છેલ્લા દિવસોમાં કાકા ઘરમાંથી પડી ગયા ત્યારે ઓપરેશન તો સફળ થયું, પણ ખોરાક ફરી પૂર્વવત્‌ શરૂ થઇ શક્યો નહીં અને તેમની હાલત કથળતી ચાલી.
(ડાબેથી) ઉર્વીશ, અજિક્ય, બીરેન, બિનીત કાકા-કાકી સાથે
‘તારી આંખનો અફીણી’ વિશે
‘અભિયાન’ના દિવાળી અંકમાં આ ગીતની સર્જનકથા વિશે મેં પાંચેક પાનાંનો લેખ લખ્યો ત્યારે રાજી થઇને અજિતકાકાનો પત્ર આવ્યો હતો. તેનો આ પાછળનો ભાગ છે, જેમાં તેમણે એ ગીતની ઓરકેસ્ટ્રામાં કોણે શું વગાડ્યું હતું તેની વિગત લખી છે.


‘આંખનો અફીણી’નાં પચાસ વર્ષ થયા એ નિમિત્તે અજિતકાકાએ દિલીપકાકાને લાગણીનીતરતો એક પત્ર લખ્યો હતો. ત્રણ પાનાંના એ પત્રનું પહેલું પાનું.
‘તારી આંખનો અફીણી’ ખુદ અજિત મર્ચંટના કંઠે, બાજુમાં નીલમકાકી


‘સપેરા’નું મન્ના ડેએ ગાયેલું ગીત ‘રૂપ તુમ્હારા આંખો સે પી લું’ અજિત મર્ચંટના કંઠે
કહ દો અગર તુમ, મરકે ભી જી લું...

તો આ કહ્યું!

17 comments:

 1. Anonymous5:37:00 PM

  Utmost graceful Lekh Urvishbhai...Akash vaidya

  ReplyDelete
 2. aabhar urvishbhai....raheshe "amar" sada AJIT....

  ReplyDelete
 3. Hats off to Ajit Merchant/Dilip Dholakia duo! 'Tari Aankh No Afini' is one of the best songs ever made!

  I will always remember Dilip Dholakia on harmonium and singing this song at our place in Ahmedabad. I will have to find out that recording.

  ReplyDelete
 4. To all well wishers of Ajit Merchant,

  His Prathna sabha is scheduled on Monday, 21st March between 5pm - 7 pm at bharatiya vidya bhavan, Chowpati, Mumbai

  ReplyDelete
 5. dipak soliya9:58:00 PM

  Very rare, no-nonsense yet sensitive tribute.

  ReplyDelete
 6. "આજે બસ એમની યાદ! અને એમની યાદમાં બે મિનિટનું મૌન નહીં, થોડી મિનિટોનું સંગીત."

  અજિત મર્ચંટ સાહેબ, સહુનાં દિલ જીતીને ચાલ્યા ગયા.

  '(લક્ષ્મીકાંત)-પ્યારેલાલને તેમના પિતા રામપ્રસાદે કહ્યું હતું કે તારે કમ્પોઝ કરતાં શીખવું હોય તો અજિત મર્ચંટ પાસે જા.’ gujarati worldની ૫૦૦મી પોસ્ટમાંથી સાભાર.

  યુ.કે.સર, આજે બસ, આટલું જ.

  ReplyDelete
 7. Vishal Patadiya12:30:00 AM

  Great Tribute.

  ReplyDelete
 8. Anonymous8:32:00 AM

  Late shree Dilip Dholakia & Shree Ajit Merchant both are one the finest artists of our times.
  thank u Urvishbhai for sharing this wonderful writeup & rare photographs of legend shree Ajitbhai Merchant.

  ReplyDelete
 9. Salil Dalal (Toronto)8:57:00 AM

  Great loss... You have always provided most unusual moments of our musical heritage and this again is a work of real journalism.... my special complements to you and heart felt condolences to Ajitkaka's family members.

  ReplyDelete
 10. Anonymous10:11:00 AM

  a great man and musican

  ReplyDelete
 11. અજીતદાદા હવે ઈશ્વરના દરબારમાં છે. ત્યાં પણ એમનો આત્મા સંગીતમય થઇ વિહરતો હશે. પણ તમે આવા બધા ધરોહર ગણાતા લોકો વિષે જે જાણકારી આપો એ અજીતદાદાના સંગીત કે દિલીપ ધોળકીયાના સર્જન કરતા જરા પણ ઓછી નથી.
  આ દુર્લભ તસ્વીરો, આ દુર્લભ દસ્તાવેજો...
  આફરીન આફરીન

  ReplyDelete
 12. Anonymous6:54:00 PM

  I 1st visited PRAGNAJUBEN VYAS[s Blog & got the LINK to this Blog.
  Nice Tribute to the AJITBHAI MARCHANT with Photos & old Memories.
  I had posted a Comment on Pragnajuben's Blog & that is now displayed here>>>>

  chandravadan
  March 19, 2011 at 1:17 pm
  That popular Gujarati Geet…now knowing all hisorical details of the past & with photos is a wonderful feeling for me…Thanks Pragnajuben for sharing..Hope “someone”finf that last existing copy of that “historical film”.It will be a lasting tribute to AJITBHAI MARCHANT.
  Chandra-Vandan to Ajitbhai Marchant…..& Bhavbhari Anjali !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Thanks to you, Pragnajuben…and Nareshbhai Kapadia for sharing !

  ReplyDelete
 13. Anonymous1:14:00 AM

  Dear Urvish Kothari,
  I am back to your Blog.
  I was thinking !
  I did not know that the "favotitre song from a Film " and that Historical Film is DESTROYED.
  From the Gujarati Community..I want to see a Person who can FINANCE a Project to RECREATE that film..include all SONGS & meet the STORY of the Old Film "DIVA DANDI"
  I pray that someone is listening to my "pukar".
  And...God willing there will be SOMEONE !
  It will be the GREATEST TRIBUTE to AJITBHAI MARCHANT.
  DR. CHANDRAVADAN MISTRY
  www.chandrapukar.wordpress.com
  Urvishbhai..Please spread this message to ALL GUJRATI.

  ReplyDelete
 14. Anonymous6:06:00 AM

  ANJALI to AJITBHAI >>>>  "નીલમ ફીલ્મ્સ"બેનરે "દીવાદાંડી" સૌને બતાવી,

  "તારી આંખનો અફણી"ગીતના સૌને પાગલ બનાવી,

  અજિત મર્ચન્ટ તો સૌના દીલોમાં વસી,

  આજે ક્યાં છે ?

  અરે, આજે તો હોળીનો શુભ દિવસ છે,

  અજિતભાઈ તો હવે પ્રભુધામે છે,

  જગતમાં એઓ તો અમર છે,

  તો, શાને રડો છો ?

  દેજો અંજલી એમને તમ હૈયે પ્યાર છલકાવી,

  કરજો યાદ એમને, "તારી આંખનો અફીણી"ગીત ગુંજન કરી,

  સાંભળજો વિનંતી આટલી જ, જે ચંદ્રે સૌને કરી,

  પ્રગટશે "અજિત અમરતા"ની જ્યોત સૌની આંખોમાં !

  >>>ચંદ્રવદન

  DR. CHANDRAVADAN MISTRY
  www.chandrapukar.wordpress.com
  Nilamben & all in the Family..This Anjali is from my heart !

  ReplyDelete
 15. સુંદર અને અંગત માહિતીથી સભર લેખ.
  'પ્રતિભા પરિચય' પર તેમનો પરિચય આપવો છે.વિગતો આપશો તો આભારી થઈશ.

  ReplyDelete
 16. Shri 'Ajit Merchant ' no lekh vaanchine man gadgad thai gayu.

  ReplyDelete