Monday, January 19, 2026
ભોજનાગ્રહઃ શસ્ત્ર અને શાસ્ત્ર
‘ભોજનાગ્રહ’ જેવો નવો શબ્દ વાંચીને કોઈને ‘સત્યાગ્રહ’ જેવો જૂનો શબ્દ યાદ આવે તો ભલે. તે બંને વચ્ચે કેટલુંક સામ્ય છેઃ તે અહિંસક આગ્રહો છે. સત્યાગ્રહની જેમ ભોજનાગ્રહમાં પણ છેવટે સામેવાળાનું મન-પરિવર્તન કરવાનું હોય છે. સત્યાગ્રહ અને ભોજનાગ્રહ બંને વ્યક્તિગત તેમ જ સામુહિક રીતે કરી શકાય છે. બંને આગ્રહો જેની સામે કરવામાં આવે, તેની દશા કફોડી થાય છે. કારણ કે, તે સામેના પક્ષ પર દ્વેષ કે હિંસાનો આરોપ મુકી શકતા નથી. આગ્રહી પક્ષે રહેલા પ્રેમનો સ્વીકાર તેમણે કચવાતા મને કરવો પડે છે અને એવું કરવા જતાં, સત્યાગ્રહીઓની થોડી અને ભોજનાગ્રહીઓની અડધી જીત થઈ જાય છે. સામેવાળાનો આગ્રહ તેની જગ્યાએ સાચો હોવા છતાં, પોતે શા માટે તેને વશ નહીં થઈ શકે, તે સમજાવવાનું અને લોકલાગણી પોતાના પક્ષે કરવાનું કઠણ હોય છે.
ગાંધીજીએ સત્યાગ્રહ જેવું અહિંસક શસ્ત્ર અને તેનું શાસ્ત્ર શોધ્યાં, પણ તેનો પ્રતિકાર શી રીતે કરવો તેનું કોઈ શાસ્ત્ર નથી. ભોજનાગ્રહ એ બાબતમાં સત્યાગ્રહ કરતાં અલગ પડે છે. ભોજનાગ્રહનો અહિંસક મુકાબલો કરવાનું બાકાયદા શાસ્ત્ર ભલે ન હોય, પણ ઘણા અનુભવીઓએ વખતોવખત જે પ્રકારે ભોજનાગ્રહનો મુકાબલો કર્યો--અને તેમાં ઓછીવત્તી સફળતા મેળવી--તેના આધારે કેટલીક વ્યૂહરચનાઓ તારવી શકાય.
આરોગ્ય-વ્યૂહ
ભોજનાગ્રહીઓના અહિંસક હુમલા નિષ્ફ્ળ બનાવવા માટે કેટલાક લોકો આરોગ્યને લગતાં કારણોનો
સહારો લે છે. જેમ કે,‘હું સહેજ પણ વધારે ખાઉં તો મને એસિડીટી થાય છે.’ અથવા 'ડોક્ટરે
કહેલું કે તમારી હોજરી બહુ નાની છે. એટલે વધારે ખાશો તો તકલીફ પડશે.’ અથવા '(ભૂખપૂરતું
ખાઈ લીધા પછી) મને અચાનક પેટમાં ચૂંક આવવા લાગી છે. એટલે હવે મારે ઊભા થવું પડશે.’
આ કારણોને એકધારી સફળતા મળતી નથી, તે પણ નોંધવું જોઈએ. તબીબી જાણકારીમાં ઉત્સાહી
હોય એવો એકાદ જણ ભોજનાગ્રહીઓના પક્ષે હોય તો એ કહી શકે છે,’અરે, તમતમારે દબાવો. પછી
ગોળી લઈ લેજો. એટલે એસિડીટી નહીં થાય. ફલાણાભાઈ કાયમ એવું જ કરે છે.’ અથવા 'ડોક્ટરો
તો બધા વહેમ ઘાલે. તેમનું ગણકારવું નહીં. ડોક્ટરનો વ્હેમ વધે કે અમારો પ્રેમ?’ પેટમાં
દુઃખવાના બહાનામાં પણ એક્ટિંગની જેમ યોગ્ય ટાઇમિંગ ન જળવાય, તો અવળાં પરિણામ મળવાની
ભીતિ રહે છે અને ભૂખપૂરતા ભોજનથી પણ વંચિત રહેવાનો વારો આવી શકે છે.
પ્રસંગ-વ્યૂહ
કેટલાક લોકો આગ્રહ ટાળવા માટે જ્ઞાનપરંપરાને બદલે કથાપરંપરાનો આશ્રય લે છે. મીઠાઈ
પીરસવા આવેલા લોકોને અંતરિયાળ રોકીને તે કહે છે,'તમે ભલે પીરસવા આવ્યા, પણ તમને એક
વાત કહું. અમારા એક મિત્રના પાડોશી હતા. તેમની દીકરીનું સગપણ કેનેડા કરેલું. લગન વખતે
જમાઈ દેશમાં આવ્યા ને મિત્રને ત્યાં જમવાનું રાખ્યું. મિત્રને થયું કે જમાઈને બરાબર
ખવડાવીને તેમના માટેનો પ્રેમ વ્યક્ત કરું. જમાઈને પણ થયું કે નવું નવું નક્કી થયું
છે ને ક્યાં ના પાડવી? એટલે તેમણે પણ ના પાડ્યા વિના ઠાંસ્યું. પછી રાત્રે ઘરે જતાં
જ...'
કથાપ્રવાહમાં પીરસનારનો હાથ અટકી ગયો હોય, પણ હવે વાતનો છેડો લટકતો રહેતાં તેમની
ઉત્સુકતા ઉછાળા મારવા લાગે ને તેમને પણ પોતે નવી વાસ્તવિકતાઓથી અજાણ નથી એવું સૂચવવા
માટે, કંઈક ઉમેરવાનું મન થાય. એટલે તે કહેશે, ‘હવે આવા કિસ્સા બહુ બને છે. અમારા એક
સગા છે. તેમના છોકરાનો ફ્રેન્ડ એક દિવસ ક્રિકેટ રમવા ગયો ને રમતાં રમતાં મેદાન પર જ...’
તે સાંભળીને કથાનો છેડો લટકતો રાખનાર કહેશે, ‘એમ તો જમાઈને કંઈ થયું નહીં. રાત્રે
ઘરે જતાં પેટમાં બહુ ગડગડાટી થઈ. એટલે રસ્તામાં એક ઠેકાણે ઊભા રહીને સોડા પી લીધી ને
ઠીક થઈ ગયું, પણ ત્યારથી તે ચેતી ગયા છે. આ તો ઠીક છે, પેટમાં દુઃખાવો હતો. છાતીમાં
થયો હોત તો?’
આટલે સુધી પહોંચતાં ભોજનાગ્રહી ભૂલી ચૂક્યા હોય છે કે તે અસલમાં ભોજનનો આગ્રહ કરવા
આવ્યા હતા. હવે વાતે લીધેલા ગંભીર વળાંક પછી 'જાન બચી તો લાખોં પાયે’નો માહોલ બની જાય
છે ને આગ્રહ કરવાનું અવિધિસર રીતે પડતું મૂકવામાં આવે છે.
જ્ઞાન-વ્યૂહ
નવા જમાનામાં જેમની પાસે મોબાઇલ છે તે બધા જ આરોગ્ય-નિષ્ણાતો છે. એટલે કેટલાક લોકો
આગ્રહ ટાળવા માટે પ્રસંગ-વ્યૂહને બદલે બીજો રસ્તો અપનાવે છે. તે કહે છે,’મેં હમણાં
જ એક રીલ જોઈ હતી. તેના અઢી મિલિયન વ્યૂઝ હતા. તેમાં કહ્યું હતું કે પેટ હંમેશાં સાડા
સોળ ટકા ઊણું રાખવું. તે આરોગ્ય માટે બહુ ફાયદાકારક છે. બીજી એક રીલમાં કોઈ યુનિવર્સિટીવાળાએ
રીસર્ચ કર્યું હતું કે 100 ટકા ભૂખ હોય તો 82 ટકા જેટલું જ ખાવું. એનાથી વધારે ખાવામાં
આવે, તો આગામી દાયકાઓમાં માણસ મૃત્યુ પામી શકે છે, એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી
હતી. બોલો, હવે તમે જ કહો, શું કરવું?’
બૂમરેન્ગ-વ્યૂહ
આગળ વર્ણવેલા વ્યૂહમાં વાચાળતા મહત્ત્વનું પરિબળ છે, પણ કેટલાક લોકો કર્મયોગી હોય
છે. તે બાંયો ચડાવીને તૈયાર હોય છે. જેવા ભોજનાગ્રહીઓ નીકળે, તે સાથે જ તે લોકો બમણા
જોશથી વળતો આગ્રહ શરૂ કરી દે છે અને પીરસનારના મોંમાં મીઠાઈ ઠાંસવા માંડે છે. આક્રમણના
જોશ સાથે આવેલો ભોજનાગ્રહી અચાનક વળતા હુમલાથી ડઘાઈ જાય છે અને જોતજોતાંમાં બંનેમાંથી
ભોજનાગ્રહી પક્ષ કયો છે, તે નક્કી કરવું અઘરું થઈ પડે છે.