Tuesday, February 03, 2026
પદ્મશ્રી પુરાણ
એક સમયે ‘પદમણી નાર’ બનવું ઘણી સ્ત્રીઓનું સપનું રહેતું, એવી જ રીતે, છેલ્લા ઘણા સમયથી પદમશ્રી (પદ્મશ્રી) લેખક થવું એ ઘણા લખનારાની મહત્ત્વાકાંક્ષા હોય છે. રવીન્દ્રનાથ ટાગોર પછી બીજા ભારતીય કોઈ સાહિત્યકારને નોબેલ મળ્યો નથી. તે જાણતા ગુજરાતી કવિ-લેખકો એટલા તો વાસ્તવદર્શી છે કે નોબેલની આશા ન રાખે. જો કોઈ મોરારીબાપુ પાસે ચિઠ્ઠી લખાવીને નોબેલ કમિટી પર મોકલાવી ચૂક્યું હોય, તો આ લખનારનું અજ્ઞાન ક્ષમ્ય ગણવું. નોબેલ-સમકક્ષ ગુજરાતી સાહિત્ય પારિતોષિક શરૂ કરવાની દરખાસ્ત મોરારીબાપુ સમક્ષ નહીં મુકાઈ હોય, એવું માની લેવાનું પણ કોઈ કારણ નથી.
આટલું
વાંચીને ગુજરાતી કવિ-લેખકોને સાંભળવા ટેવાયેલા લોકોને એવો સવાલ જરાય નહીં થાય કે
સાહિત્યની વાતમાં મોરારીબાપુ આટલા બધા કેમ આવે છે. કેમ કે, ઘણા લખનારાને તો
ભાષણમાં વારંવાર મોરારીબાપુનું નામ લેવાનું જાણે ડોક્ટરે કહ્યું હોય, એટલી
ચુસ્તીથી તે બાપુસ્મરણ કરતા રહે છે. મોરારીબાપુને પૂજ્ય કહેવા કે પ્રિય, એ વિશે
ગુજરાતીમાં નિબંધ, કાવ્ય અને વક્તૃત્વની સ્પર્ધા યોજવામાં આવે અને તેના આયોજક
મોરારીબાપુ હોય, તો કવિ-લેખકો-વક્તાઓનો ધસારો ખાળવા માટે પોલીસની મદદ લેવી પડે. તેમનો
અને બાપુનો પરસ્પર પ્રેમ કોઈની ટીકાટીપ્પણીનો વિષય ન હોઈ શકે, પણ પોતે
મોરારીબાપુના કેટલા ખાસ છે તેનું જાહેર પ્રદર્શન કરવા જતાં, તે બીજી પણ કેટલીક
બાબતોનું પ્રદર્શન કરી બેસે છે.
એક તરફ
એવું લાગે કે ગુજરાતીમાં લખનારામાંથી ઘણાનું જીવનધ્યેય મોરારીબાપુ સાથેની નિકટતા
દેખાડવાનું, તેમણે સ્વહસ્તે પીરસેલો કેરીનો રસ આરોગવાનું અને મોરારીબાપુએ કઈ
કથામાં, પોતાનાં કેટલા ગ્રામ/કિલો/મણ વખાણ કર્યાં તે લોકોને જણાવતા
રહેવાનું હશે. પરંતુ એક સીઝન એવી પણ આવે છે, જ્યારે તેમની નજર મોરારીબાપુથી આગળ
વધે છે—અને ‘પદ્મશ્રી’ પર જઈને ઠરે છે. વર્ષ 2026ની ‘પદ્મશ્રી’ની યાદીમાં સ્થાન ધરાવતા હાસ્યલેખક
રતિલાલ બોરીસાગર જેવા ગુજરાતી લેખકો જૂજ હશે, જેમણે પોતે એ મેળવવા માટે કશો
પ્રયત્ન કર્યો કે કરાવ્યો ન હોય. બાકી, ગુજરાતીમાં લખનારા ઘણા લોકો માટે ‘પદ્મશ્રી’ મેળવવો એ ‘કરતાં જાળ કરોળિયો’ન્યાયે, હિંમત હાર્યા વિના સતત
પ્રયાસ કરતા રહેવાનો મામલો છે. તેના માટે ઉત્તમ સર્જન આવશ્યક પણ નથી ને પર્યાપ્ત
તો બિલકુલ નથી.
કયા લખનારને પોતાનું સર્જન ઉત્તમ ન લાગે? મનમાં તો તેમને એવું જ હોય કે આપણે અંગ્રેજીમાં લખ્યું હોત તો કે ‘દીનો નોબેલ ઝાપટી લીધો હોત, પણ નોબેલવાળાને ગુજરાતી આવડે નહીં ને બાપુનું ત્યાં ચાલે નહીં. એટલે આપણે વાસ્તવિકતા સ્વીકારીને, જે મળવાપાત્ર છે તેને વિસરી જઈને, ‘પદ્મશ્રી’થી જ ‘હલાવવું’ (ચલાવવું) પડશે. જેવાં ગુજરાતનાં નસીબ.
આટલા વાસ્તવદર્શન પછી બીજો તબક્કો આબોહવા જમાવવાનો શરૂ થાય છે. તેમાં અનુચરોથી માંડીને વોટ્સએપ ગ્રુપમાં રહેલા લોકો છૂટુંછવાયું ગાન શરૂ કરે છે, જેની ધ્રુવપંક્તિ હોય છે, ‘તેમને તો પદ્મશ્રી મળવો જોઈએ.’ પછી ગમે તે સ્થિતિસંજોગોમાં આ ધ્રુવપંક્તિ ટપકી પડે છે, જે ધીમે ધીમે સમૂહગાનનું સ્વરૂપ ધારણ કરે છે અને સમયાંતરે ગવાયા કરે છે. બીજી તરફ, પોતાના વિશે આવું માનતા અને તે માન્યતાને સાચી પાડવા માટે કંઈ પણ કરવા તૈયાર લોકો (જો પહેલેથી ન કરતા હોય તો) સરકારની પ્રશંસા શરૂ કરે છે. ઘણા લોકોની પ્રશંસા એકદમ જાડી, બજારુ અને ભદ્દી હોય છે. તેને જોઈને એક કિલોમીટર દૂરથી ખબર પડી જાય કે ‘પદ્મશ્રી’ લેવા માટેનો કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે. તેનો અર્થ એવો નહીં કે ગુજરાતી લખનારા-બોલનારામાંથી શિષ્ટતા, સજ્જતા મરી પરવારી છે. કેટલાક એવા પણ હોય છે, જે ચમચાગીરી ન લાગે એ રીતે (‘મુગલ-એ-આઝમ’માં દિલીપકુમાર મધુબાલાના ચહેરા પર પીંછું ફેરવતા હતા એ રીતે) સરકાર પ્રત્યેનો અનુરાગ પ્રગટ કરે છે.
સરકારને પ્રિય થવા માટેની પહેલી શરત એ છે કે તેને અપ્રિય થવાય એવું ભૂતકાળમાં કંઈ પણ કર્યું હોય—અથવા સરકારને તમારા વિશે એવી શંકા હોય—તો તેના ખુલાસા કરવા અને સેન્ટીમીટરમાં શંકા થઈ હોય તો કિલોમીટરમાં તેનું નિવારણ કરવું. તે પછીનો તબક્કો ભલામણકર્તા શોધવાનો છે. જેનું વજન પડે (અને જેને પોતાને લેવાનો બાકી ન હોય, લેવાની ઇચ્છા ન હોય કે મળવાની સંભાવના ન હોય) એવી વ્યક્તિ પાસેથી ભલામણ લખાવવામાં આવે છે. ભલામણપત્ર અમિત શાહ પાસે લખાવવાનો હોય તો, ‘આ પત્ર લઈને આવનાર મારા માણસ છે. તેમને પદ્મશ્રી આપી દેશો.’ એટલું જ પૂરતું થઈ પડે, પણ બીજા લોકોએ ઘણું લખવું ને જોડવું પડે છે.
તે બધા
સાથેની દરખાસ્ત મોકલાઈ જાય પછી શરૂ થાય છે સૌથી અઘરો, પ્રતીક્ષાનો દૌર. વાહન પર
ઘરની બહાર નીકળ્યા પછી, ચાર રસ્તે સિગ્નલ લાલને બદલે લીલો મળે તો પણ એવું લાગે છે
કે આ વખતે આપણા પાસા સવળા પડી રહ્યા છે. હવે પદ્મશ્રી મળ્યે જ પાર છે. રાજકીય
ઉમેદવારો ચૂંટણીનાં પરિણામ આવતાં પહેલાં ફટાકડા ને મીઠાઈનો જથ્થો ખરીદી રાખે તેમ,
કોઈ ઉત્સાહી રાષ્ટ્રપતિભવનમાં જતી વખતે પહેરવાનાં કપડાં પણ સીવડાવી શકે છે. ‘પદ્મશ્રી ફલાણા ઢીકણા—એવું લખવાથી
લોકો ક્યાંક એવું તો નહીં સમજે ને કે મારું નામ પદ્મશ્રી છે ને ફલાણા એ મારા
પિતાનું નામ છે?’ આવો
મોળો વિચાર ફગાવીને તે પોતાના નામ આગળ પદ્મશ્રી લખીને, આખું નામ વાંચીને રોમાંચિત
થઈ જુએ છે.
--અને
તેને થાય છે કે આપણો પદ્મશ્રી પાકો છે. .
(પદ્મશ્રીપુરાણનો
ઉત્તરાર્ધ આવતા સપ્તાહે)
Monday, January 19, 2026
ભોજનાગ્રહઃ શસ્ત્ર અને શાસ્ત્ર
‘ભોજનાગ્રહ’ જેવો નવો શબ્દ વાંચીને કોઈને ‘સત્યાગ્રહ’ જેવો જૂનો શબ્દ યાદ આવે તો ભલે. તે બંને વચ્ચે કેટલુંક સામ્ય છેઃ તે અહિંસક આગ્રહો છે. સત્યાગ્રહની જેમ ભોજનાગ્રહમાં પણ છેવટે સામેવાળાનું મન-પરિવર્તન કરવાનું હોય છે. સત્યાગ્રહ અને ભોજનાગ્રહ બંને વ્યક્તિગત તેમ જ સામુહિક રીતે કરી શકાય છે. બંને આગ્રહો જેની સામે કરવામાં આવે, તેની દશા કફોડી થાય છે. કારણ કે, તે સામેના પક્ષ પર દ્વેષ કે હિંસાનો આરોપ મુકી શકતા નથી. આગ્રહી પક્ષે રહેલા પ્રેમનો સ્વીકાર તેમણે કચવાતા મને કરવો પડે છે અને એવું કરવા જતાં, સત્યાગ્રહીઓની થોડી અને ભોજનાગ્રહીઓની અડધી જીત થઈ જાય છે. સામેવાળાનો આગ્રહ તેની જગ્યાએ સાચો હોવા છતાં, પોતે શા માટે તેને વશ નહીં થઈ શકે, તે સમજાવવાનું અને લોકલાગણી પોતાના પક્ષે કરવાનું કઠણ હોય છે.
ગાંધીજીએ સત્યાગ્રહ જેવું અહિંસક શસ્ત્ર અને તેનું શાસ્ત્ર શોધ્યાં, પણ તેનો પ્રતિકાર શી રીતે કરવો તેનું કોઈ શાસ્ત્ર નથી. ભોજનાગ્રહ એ બાબતમાં સત્યાગ્રહ કરતાં અલગ પડે છે. ભોજનાગ્રહનો અહિંસક મુકાબલો કરવાનું બાકાયદા શાસ્ત્ર ભલે ન હોય, પણ ઘણા અનુભવીઓએ વખતોવખત જે પ્રકારે ભોજનાગ્રહનો મુકાબલો કર્યો--અને તેમાં ઓછીવત્તી સફળતા મેળવી--તેના આધારે કેટલીક વ્યૂહરચનાઓ તારવી શકાય.
આરોગ્ય-વ્યૂહ
ભોજનાગ્રહીઓના અહિંસક હુમલા નિષ્ફ્ળ બનાવવા માટે કેટલાક લોકો આરોગ્યને લગતાં કારણોનો
સહારો લે છે. જેમ કે,‘હું સહેજ પણ વધારે ખાઉં તો મને એસિડીટી થાય છે.’ અથવા 'ડોક્ટરે
કહેલું કે તમારી હોજરી બહુ નાની છે. એટલે વધારે ખાશો તો તકલીફ પડશે.’ અથવા '(ભૂખપૂરતું
ખાઈ લીધા પછી) મને અચાનક પેટમાં ચૂંક આવવા લાગી છે. એટલે હવે મારે ઊભા થવું પડશે.’
આ કારણોને એકધારી સફળતા મળતી નથી, તે પણ નોંધવું જોઈએ. તબીબી જાણકારીમાં ઉત્સાહી
હોય એવો એકાદ જણ ભોજનાગ્રહીઓના પક્ષે હોય તો એ કહી શકે છે,’અરે, તમતમારે દબાવો. પછી
ગોળી લઈ લેજો. એટલે એસિડીટી નહીં થાય. ફલાણાભાઈ કાયમ એવું જ કરે છે.’ અથવા 'ડોક્ટરો
તો બધા વહેમ ઘાલે. તેમનું ગણકારવું નહીં. ડોક્ટરનો વ્હેમ વધે કે અમારો પ્રેમ?’ પેટમાં
દુઃખવાના બહાનામાં પણ એક્ટિંગની જેમ યોગ્ય ટાઇમિંગ ન જળવાય, તો અવળાં પરિણામ મળવાની
ભીતિ રહે છે અને ભૂખપૂરતા ભોજનથી પણ વંચિત રહેવાનો વારો આવી શકે છે.
પ્રસંગ-વ્યૂહ
કેટલાક લોકો આગ્રહ ટાળવા માટે જ્ઞાનપરંપરાને બદલે કથાપરંપરાનો આશ્રય લે છે. મીઠાઈ
પીરસવા આવેલા લોકોને અંતરિયાળ રોકીને તે કહે છે,'તમે ભલે પીરસવા આવ્યા, પણ તમને એક
વાત કહું. અમારા એક મિત્રના પાડોશી હતા. તેમની દીકરીનું સગપણ કેનેડા કરેલું. લગન વખતે
જમાઈ દેશમાં આવ્યા ને મિત્રને ત્યાં જમવાનું રાખ્યું. મિત્રને થયું કે જમાઈને બરાબર
ખવડાવીને તેમના માટેનો પ્રેમ વ્યક્ત કરું. જમાઈને પણ થયું કે નવું નવું નક્કી થયું
છે ને ક્યાં ના પાડવી? એટલે તેમણે પણ ના પાડ્યા વિના ઠાંસ્યું. પછી રાત્રે ઘરે જતાં
જ...'
કથાપ્રવાહમાં પીરસનારનો હાથ અટકી ગયો હોય, પણ હવે વાતનો છેડો લટકતો રહેતાં તેમની
ઉત્સુકતા ઉછાળા મારવા લાગે ને તેમને પણ પોતે નવી વાસ્તવિકતાઓથી અજાણ નથી એવું સૂચવવા
માટે, કંઈક ઉમેરવાનું મન થાય. એટલે તે કહેશે, ‘હવે આવા કિસ્સા બહુ બને છે. અમારા એક
સગા છે. તેમના છોકરાનો ફ્રેન્ડ એક દિવસ ક્રિકેટ રમવા ગયો ને રમતાં રમતાં મેદાન પર જ...’
તે સાંભળીને કથાનો છેડો લટકતો રાખનાર કહેશે, ‘એમ તો જમાઈને કંઈ થયું નહીં. રાત્રે
ઘરે જતાં પેટમાં બહુ ગડગડાટી થઈ. એટલે રસ્તામાં એક ઠેકાણે ઊભા રહીને સોડા પી લીધી ને
ઠીક થઈ ગયું, પણ ત્યારથી તે ચેતી ગયા છે. આ તો ઠીક છે, પેટમાં દુઃખાવો હતો. છાતીમાં
થયો હોત તો?’
આટલે સુધી પહોંચતાં ભોજનાગ્રહી ભૂલી ચૂક્યા હોય છે કે તે અસલમાં ભોજનનો આગ્રહ કરવા
આવ્યા હતા. હવે વાતે લીધેલા ગંભીર વળાંક પછી 'જાન બચી તો લાખોં પાયે’નો માહોલ બની જાય
છે ને આગ્રહ કરવાનું અવિધિસર રીતે પડતું મૂકવામાં આવે છે.
જ્ઞાન-વ્યૂહ
નવા જમાનામાં જેમની પાસે મોબાઇલ છે તે બધા જ આરોગ્ય-નિષ્ણાતો છે. એટલે કેટલાક લોકો
આગ્રહ ટાળવા માટે પ્રસંગ-વ્યૂહને બદલે બીજો રસ્તો અપનાવે છે. તે કહે છે,’મેં હમણાં
જ એક રીલ જોઈ હતી. તેના અઢી મિલિયન વ્યૂઝ હતા. તેમાં કહ્યું હતું કે પેટ હંમેશાં સાડા
સોળ ટકા ઊણું રાખવું. તે આરોગ્ય માટે બહુ ફાયદાકારક છે. બીજી એક રીલમાં કોઈ યુનિવર્સિટીવાળાએ
રીસર્ચ કર્યું હતું કે 100 ટકા ભૂખ હોય તો 82 ટકા જેટલું જ ખાવું. એનાથી વધારે ખાવામાં
આવે, તો આગામી દાયકાઓમાં માણસ મૃત્યુ પામી શકે છે, એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી
હતી. બોલો, હવે તમે જ કહો, શું કરવું?’
બૂમરેન્ગ-વ્યૂહ
આગળ વર્ણવેલા વ્યૂહમાં વાચાળતા મહત્ત્વનું પરિબળ છે, પણ કેટલાક લોકો કર્મયોગી હોય
છે. તે બાંયો ચડાવીને તૈયાર હોય છે. જેવા ભોજનાગ્રહીઓ નીકળે, તે સાથે જ તે લોકો બમણા
જોશથી વળતો આગ્રહ શરૂ કરી દે છે અને પીરસનારના મોંમાં મીઠાઈ ઠાંસવા માંડે છે. આક્રમણના
જોશ સાથે આવેલો ભોજનાગ્રહી અચાનક વળતા હુમલાથી ડઘાઈ જાય છે અને જોતજોતાંમાં બંનેમાંથી
ભોજનાગ્રહી પક્ષ કયો છે, તે નક્કી કરવું અઘરું થઈ પડે છે.