Wednesday, August 03, 2011

આધા હૈ ચંદ્રમા, ચાય આધી

(સુખનો કાલ્પનિક) પ્યાલો અડધો ભરેલો છે કે અડધો ખાલી, એ વિશે ઘણી ફિલસૂફી ડહોળવામાં આવે છે, પણ ચાના અડધા ભરેલા પ્યાલા માટે- ‘અડધી’ કે ‘કટિંગ’ માટે- કદી એવી જરૂર પડતી નથી. ચાની કીટલી પર જઇને ‘કટિગ’નો ઓર્ડર આપનાર આશાવાદી કે નિરાશાવાદી નહીં, સ્વસ્થ વાસ્તવવાદી હોય છે. ‘દિવસનો આ છઠ્ઠો કપ છે’ એવું વિચારીને તે નિરાશામાં ડૂબી જતો નથી કે અને ‘હજુ બીજા ત્રણ-ચાર કપ થઇ જશે’ એવી ભવિષ્યની આશામાં તે વર્તમાન ભૂલી જતો નથી. અડધી ચા તેને માટે, વિજ્ઞાન-ગણિતની પરિભાષામાં કહીએ તો, ‘આવશ્યક અને પર્યાપ્ત’ છે.

‘સાડા નવની લોકલ કેટલા વાગે આવે?’ એ પ્રકારનો સવાલ છેઃ ‘અડધી ચા એટલે કેટલી?’ બહારની ‘કટિંગ’ ન પીતા લોકોને આ સવાલ મૂર્ખામીભર્યો લાગી શકે છે. એ લોકો વિચારે છે, ‘અડધી એટલે કેટલી, એ પણ ખબર નથી પડતી. બોલો, આ નવી પેઢી શું કરવાની? અમારા જમાનામાં અડધા જ નહીં, પા, પોણા ને ઉઠાંના ઘડિયા પણ ભણવામાં આવતા હતા. હવે કોમ્પ્યુટરો ને મોબાઇલોએ સત્યાનાશ વાળ્યું છે. લોકોને અડધા એટલે કેટલા એ પણ આવડતું નથી.’ કોઇ પણ બહાને ‘કોમ્પ્યુટરો ને મોબાઇલોએ સત્યાનાશ વાળ્યું છે’ એવી હૈયાવરાળની સીટીઓ વગાડવા ઉત્સુક રહેતા લોકોની વાતમાં, તથ્ય હોય તો પણ તે અડધી ચાની બાબતમાં લાગુ પડતું નથી.

‘અડધી’નું વિશેષણ સાપેક્ષ છે. અડધી ચા એટલે કેટલી? એ જાણવા માટે પહેલાં ‘આખી’નું માપ જાણવું જરૂરી ગણાય. આ માપ ચાની કીટલી પર અને ઘરમાં જુદાં જુદાં હોય છે. ચા-પ્રેમીઓના ઘરમાં ચા પીવા માટે કાચના મોટા ભંભોટીયા પ્યાલા કે સ્ટાઇલિશ મગ હોય છે. પૃથ્વીની હદ છોડ્યા પછી બ્રહ્માંડમાં જેમ કશું ડાબું-જમણું હોતું નથી, તેમ આવા મોટા મગમાં અડધા-આખાનાં માપ ગૌણ થઇ જાય છે. ચા બનાવનારને કહ્યું હોય કે ‘અડધી જ હોં.’ છતાં, ચા કપમાં રેડાય ત્યારે તેનો જથ્થો જોઇને તે ઠલવાતી હોય એમ લાગે છે. કન્ટેઇનર જેવો મોટો મગ સહેજ ઉણો રહી જાય, એટલે આદર્શ યજમાન સહેજ કચવાટભર્યું હસીને કહે છે, ‘તમે અડધી કહી’તી ને એટલે...’ એવા ઠેકાણે ખરેખર અડધી ચા પીવી હોય. તેણે કહેવું પડે ‘મને ફક્ત એક અષ્ટમાંશ જ, હોં.’ મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે ‘આપણી અડધી’ એવું કહેનારામાંથી કેટલા ખરેખર અડધીના ઇચ્છુક હોય છે? મોટા ભાગના લોકો વિવેકવચન તરીકે અને ‘હું ભલે અડધી કહું, પણ યજમાન તો આખી જ પાશે’ એવી દૃઢ શ્રદ્ધા હૈયે ધરીને જ ‘અડધી’ માગતા હોય છે.

કીટલી પર આ જાતના વિવેકને અવકાશ નહીં હોય, એવું માની લેવાની જરૂર નથી. પહેલી વાર ચા માટે કીટલીગમન કરનાર અડધી મંગાવે, ત્યારે અછકલા લોકોની જેમ કપમાં છલક છલક થઇને રકાબીમાં ઢોળાયેલી ચા જોઇને તેમને નવાઇ લાગે છે. તે ચાવાળાને કહે છે, ‘આપણી તો અડધી જ હતી.’ ચાવાળા ગીતા પર હાથ મુકીને કહેતો હોય એવા અંદાજમાં કહે છે, ‘આ અડધી જ છે.’ તે અદાલતમાં નહીં, પણ કીટલી પર આ ખાતરી આપતો હોવાથી ચા પીનાર તેની વાત પર વિશ્વાસ મૂકે છે. પણ મનમાં અવઢવ તો રહે જ છેઃ ‘આખો પ્યાલો છલકાઇ જાય ને રકાબી અડધી ભરાઇ જાય એટલી ચાને અડધી કેમ કહેતા હશે?’ તેનો જવાબ આઇન્સ્ટાઇનના નહીં, પણ કીટલીના સાપેક્ષવાદમાં રહેલો છે, એ તેને પછી સમજાય છે. મોંઘવારી વધ્યા પછી કીટલી પર હવે ‘અડધીની પણ અડધી’ ચા મળતી થઇ છે. છતાં કીટલીવાળા એક બાબતનું અચૂક ધ્યાન રાખે છેઃ ચાનો જથ્થો ગમે તેટલો ઓછો હોય, પણ તેને એવા પાત્રમાં પીરસવી કે પીનારને તે ‘છલકાતી’ જ પ્રતીત થાય અને ‘ચા ભલે અડધાની અડધી પીધી, પણ (ટચૂકડો પ્લાસ્ટીકિયો) કપ આખો ભરેલો હતો’ એવું જ લાગે.

જેમ અમુક બ્રાન્ડનાં શર્ટ કે ફલાણી બ્રાન્ડનાં પેન્ટ એક ‘સ્ટેટમેન્ટ’ ગણાય છે- તેનાથી પહેરનારની (આર્થિક) સમૃદ્ધિ છતી થાય છે, એવી જ રીતે ‘અડધી ચા’ પણ એક સ્ટેટમેન્ટ છે. કીટલીએ ગયા પછી અડધી ચા મંગાવનાર માટે કોઇ પણ જાતના સવાલ પૂછ્યા વિના કેટલીક ધારણા કરી શકાય છે (જેમાંની મોટા ભાગની સાચી પડે છે.) જેમ કે, આ માણસ ચાનો અઠંગ પીઅક્કડ છે, કીટલીઓ સાથે તેને કાયમી સંબંધ હોવો જોઇએ. ‘હું તો ફક્ત બે જ ટાઇમ ચા પીઉં. સવારે ને બપોરે.’ અથવા ‘મને તો ઘરની ચા જ ફાવે.’ એ પ્રજાતિમાં અડધી ચા માગનારનો સમાવેશ થતો નથી, એવું સહેલાઇથી ધારી શકાય. ઘણાં વર્ષો સુધી અડધી ચાનો ઓર્ડર આપવો એ અમદાવાદી તરીકેનું રેશનકાર્ડ રજૂ કરવા જેવી ચેષ્ટા ગણાતી હતી. અડધી ચાના ત્રણ ભાગ કરતા અમદાવાદીઓ ટુચકા અને દંતકથાનું પાત્ર બન્યા હતા. છેલ્લાં થોડાં વર્ષોમાં બેફામ રૂપિયા ખર્ચીને અમદાવાદીઓએ કરકસરના ઇતિહાસમાંથી પોતાનું સ્થાન લગભગ ગુમાવી ચૂક્યા છે. છતાં ખડકની ધારે લટકતી હીરોઇનનો હાથ જેમ ખડક પર ચત્તાપાટ સૂઇ ગયેલા હીરોએ પકડી રાખ્યો હોય, તેમ અડધી ચાની આદતે અમદાવાદીઓની પડું પડું થતી કસકસરયુક્ત છબીને માંડ ટકાવી રાખી છે.

જમાના પ્રમાણે અડધી ચા વિશેની (ગેર)સમજણમાં પણ બદલાવ આવ્યો છે. પહેલાં અડધી ચા યજમાનની હાજરીમાં કરકસરનું અને એ ન હોય ત્યારે કંજૂસાઇનું પ્રતીક ગણાતી. અમદાવાદ જેવાં સ્થળોને બાદ કરતાં અડધી ચાની સામાજિક સ્વીકૃતિ નહીંવત્ હતી. સુરત-વડોદરા-મુંબઇ કે સૌરાષ્ટ્ર જેવી જગ્યાએ અડધી ચા પીનારા અને પાનારાને ‘અમદાવાદી’ કહીને ઉતારી પાડવામાં આવતા અને ‘આટલી ચાથી ગળું પણ ભીનું ન થાય’ એવું કહેવાતું. ઘણાં વર્ષથી ગુજરાતમાં ચલણી એવું ‘પેગ’નું માપ ચાની બાબતમાં સ્વીકાર્ય બનતાં બહુ વાર લાગી. પરંતુ હવે દારૂની જેમ ચાના ‘પેગ’ (જેટલો જથ્થો) પીવામાં ફક્ત અમદાવાદીઓ જ નહીં, ગુજરાતીઓ ગૌરવ અનુભવે છે. અડધી ચા મંગાવવી એ ‘જાતક’ની પોતાના અને મહેમાનના આરોગ્ય પ્રત્યેની નિસબતનું સૂચક ગણાય છે. ‘આખો દહાડો શું ચા પી પી કરવાની? પછી ભૂખ મરી ન જાય તો બીજું શું થાય?’ કે ‘દહાડામાં દસ વાર આખી ચા ઠપકારવાથી એસિડીટીનો પ્રોબ્લેમ થાય.’ એવાં વાક્યો સાથે અપાયેલો અડધી ચાનો ઓર્ડર યજમાને નહીં, પણ આપણા પરમ હિતેચ્છુ ફેમિલિ ફિઝિશ્યને આપ્યો હોય એવું લાગે છે. ઉદારદિલ ગુજરાતી યજમાનો એમ પણ કહેવાનું ચૂકતા નથી કે ‘ચામાં શું પીવાનું? આવો પછી રાત્રે. ઘરે શાંતિથી બેસીએ.’

‘ઘરે શાંતિથી બેસીએ’નો સાર્થ જોડણીકોશમાં કે ભગવદગોમંડળમાં નહીં આપેલો અર્થ કોઇ ગુજરાતીને સમજાવવાની જરૂર ખરી?

3 comments:

  1. “મોંઘવારી વધ્યા પછી કીટલી પર હવે ‘અડધીની પણ અડધી’ ચા મળતી થઇ છે”

    ઉર્વિશભાઇ, જો શરદ પવાર નામનુ પ્રાણી વધુ પાંચ વરસ કૃષિ-પ્રધાન રહ્યુ તો ‘અડધી ની અડધી અને ચાર ચમચી’ નો ઓર્ડર આપવાના દિવસો આવશે.
    જય હો !

    ReplyDelete
  2. Binit Modi (Ahmedabad)6:43:00 PM

    સારું છે 'ચા'ના મહત્તમ બગીચા આસામમાં આવેલા છે. ગુજરાતમાં હોત તો આપણને સવારની ચા પણ નસીબ થાત નહીં.
    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  3. શ્રી ન.પ્ર.બુચનાં કાવ્યોમાં ચાનો મહિમા બહુ થયો છે. તેઓ અને મનુભાઈ ‘દર્શક’ થાળીમાં ચા પીતા. એમને આ કટિંગવાળી વાત ગળે જ ન ઊતરે ! શ્રી બુચનાં ચાહ–કાવ્યોની એક ઝલક અહીં મળશે–
    http://jjkishor.wordpress.com/wp-admin/post.php?post=161&action=edit&message=1

    જ્યારે ચાની લારી પર જીવનનું કરુણ કાવ્ય પણ જોવા મળતું હોય છે તેની ઝલક –
    http://jjkishor.wordpress.com/2008/02/26/vartao/

    ReplyDelete