Tuesday, July 15, 2008

જોવા જેવી ફિલ્મઃ કેપ્રિકોર્ન વન

થિયેટરમાં જઇને ફિલ્મો જોવાનું મારે બહુ ઓછું બને છે. પણ હમણાં અસલી/પાઇરેડેટ ડીવીડીની અસીમ કૃપાથી, અડસટ્ટે, કોઇ પણ જાતની પસંદગી કે પૂર્વજાણકારી વિના સારી એવી ફિલ્મો જોવાનું બને છે. તેમાંની કેટલીક ફિલ્મોમાં એવો જલસો પડે છે કે તેની વાત મારી સાથે એટલા જ રસથી ફિલ્મો માણતી મારી પત્ની કે વડોદરા રહેતા મારા ભાઇ બીરેન સિવાય પણ બીજા મિત્રો સાથે ‘શેર’ કરવાનું મન થાય.
મઝા ‘શેર’ કરવાની લાગણીથી ‘જોવા જેવી ફિલ્મ’ શીર્ષક હેઠળ વચ્ચેવચ્ચે ફિલ્મ વિશે કંઇક લખતો રહીશ. એ રીવ્યુ નહીં હોય, પણ ફિલ્મમાં કેમ મઝા પડી (કે ન પડી) એની ટૂંકમાં વાત હશે. ફિલ્મોમાં થોડો ઉંડો રસ ધરાવતા લોકો એ ફિલ્મોથી પરિચિત હોય એવી પૂરી શક્યતા છે. એવા લોકો આ પોસ્ટની કમેન્ટ્સમાં કંઇક વધારે લખશે તો આનંદ થશે. આટલી પૂર્વભૂમિકા પછી હમણાં જોયેલી ફિલ્મ ‘કેપ્રીકોન વન’ (હિંદી ડબિંગ)ની વાત.

કેપ્રિકોર્ન વન
‘અમેરિકાના અવકાશયાત્રીઓ ખરેખર ચંદ્ર પર ગયા જ નથી’ એવી એક અફવા વર્ષોથી ચાલે છે. ઇન્ટરનેટના યુગમાં તેનું ચલણ વૈશ્વિક બન્યું છે. ‘કેપ્રિકોર્ન વન’ જોઇને સૌથી પહેલી એ અફવા યાદ આવે- અને ફિલ્મની સરસ-ચુસ્ત વાર્તાના પ્રવાહમાં તણાઇ જઇએ તો એ અફવા માની લેવાની પણ લાલચ થઇ આવે. નવાઇની વાત એ છે કે ‘કેપ્રિકોર્ન વન’માં ‘નાસા’ અને અમેરિકન સરકારના- ભલે કાલ્પનિક વાર્તામાં- છોંતરાં કાઢી નાખ્યાં છે. એ લોકો પોતાની મનમાની કરવા માટે કઇ હદના ગોરખધંધા કરી શકે છે, તેનું સંસ્થાઓના નામજોગું આ ફિલ્મમાં ચિત્રણ છે. છતાં એ ફિલ્મ અમેરિકામાં ચાલી અને તેની પર રાજદ્રોહનો આરોપ ન થયો. લાગે છે કે ગુજરાતના મુખ્ય મંત્રીને કમ સે કમ આટલું શીખવવા માટે અમેરિકાએ વિઝા આપવા જોઇએ. :-)

ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થયેલી આ ફિલ્મમાં મંગળ પર અવકાશયાત્રીઓ મોકલવાનો ખર્ચો કરવાની અમેરિકાના પ્રમુખની ઇચ્છા નથી. એટલે એ બધો દેખાવ અને યાનનું લોન્ચિંગ સુદ્ધાં ગોઠવે છે તો ખરા, પણ...

સ્ટોરી લખવામાં મઝા નથી. એટલું કહી દઊં કે આ ચોંટાડી રાખે એવું થ્રીલર હોવા છતાં, તેમાં ચીલાચાલુ તરકીબો નથી, સસ્તાપણું નથી. લોહીના ફુવારા કે ખુનખરાબા નથી. હત્યાનાં દ્રશ્યો એટલાં સલુકાઇથી બતાવ્યાં છે કે સુરૂચિનો ભંગ થયા વિના તેની ચોટ બરાબર પહોંચે છે.
ફિલ્મના અંતમાં ફક્ત સત્યની જીત બતાવીને વાત પૂરી કરી દેવામાં આવી છે. પ્રેક્ષકોને જે જોવામાં બહુ આનંદ આવે છે, એવો વિલનનો વિગતવાર કરૂણ અંજામ બતાવાયો નથી. ફિલ્મમાં ‘નહીંઇઇઇઇઇઇઇ...’ કરીને ચીસ પાડે એવી કોઇ હીરોઇન નથી. છતાં તેની ખોટ સાલતી નથી. ‘ડીફરન્ટ’ વિષયની ફિલ્મ બિલકુલ જકડી રાખે એવી રીતે, પ્રયોગખોર થયા વિના કેવી રીતે બનાવી શકાય તેના ઉમદા નમૂનામાં આ ફિલ્મનો સમાવેશ થઇ શકે. ફિલ્મ જોઇ પાડ્યા પછી એના વિશે વઘુ વાંચવાની ઇચ્છા થાય તો http://www.imdb.com/title/tt0077294/

2 comments:

  1. Thanks for giving information about such a great film. I watched it and enjoyed it a lot.

    - Sakshar Thakkar.

    ReplyDelete
  2. i think i have to see all these movies.

    thanks,urvishbhai

    ReplyDelete