Thursday, July 17, 2008
જોવા જેવી ફિલ્મઃ ગુડવિલ હન્ટિંગ
એનાં ઘણાં કારણો છે. તેની પ્રતિભા ઓળખીને એક પ્રોફેસર તેને પોતાના માનસશાસ્ત્રી મિત્ર પાસે લઇ જાય છે. અડીયલ છોકરા અને મસ્તમૌલા માનસશાસ્ત્રી વચ્ચે ધીમે ધીમે લાગણી ઊભી થાય છે અને છોકરાનાં બંધ પડ ખુલતાં જાય છે.
આખી સ્ટોરીમાં મુખ્ય ત્રણ-ચાર થ્રેડ છે. એકમાં છોકરાની કોલેજિયન દોસ્તીના નફિકરા અને ધમાલમસ્તીના પ્રસંગો આવે છે. બીજામાં તેની એક છોકરી સાથેની દોસ્તી, પ્રેમ અને વિચ્છેદની વાત, ત્રીજામાં માનસશાસ્ત્રી સાથેના તેના સંબંધ અને ચોથા નાનકડા થ્રેડમાં ‘નિષ્ફળ’ માનસશાસ્ત્રી તથા સફળ ગણિતશાસ્ત્રી વચ્ચેની દલીલબાજી.
આટલું વાંચીને ફિલ્મ જોવાનું મન નહીં થાય એ મને ખબર છે. છતાં, અહીં ફિલ્મનું રસદર્શન કરાવવાનું નથી. એટલું જ કહેવાનું છે કે તક ઊભી કરીને પણ ફિલ્મ જોઇ પાડવી. કેરિયર, જિંદગી, દોસ્તી, પ્રેમ વિશે સરસ સંવાદો અને દ્રશ્યો હોવા છતાં, ફિલ્મ જરાય દિવેલીયા કિસમની નથી. મઝા કરાવે એવી છે. સંવાદોમાં પણ ઘણી વાર વાક્યે વાક્યે ફટકાબાજી આવે છે.
ફિલ્મ અંગ્રેજી સબટાઇટલ સાથે જોવા મળે તો ઠીક છે. નહીંતર હિંદી ડબિંગ પણ મઝા આવે એવું છે. હિંદીમાં તેનું નામ છેઃ ‘મેરી જિંદગી, મેરા ફેંસલા’. હિંદી ડબિંગને નીચી નજરથી જોનારા આવી થોડી ફિલ્મો જુએ તો એમનો અભિપ્રાય જરૂર બદલાય. એ ખરૂં કે તેમાં મૂળ અંગ્રેજી સંવાદોની ફ્લેવર અને તેની અદાયગી ન હોય. છતાં, મૂળ ફિલ્મનો ભાવ અસરકારક રીતે પહોંચે છે.
સાવ અલગ વિષય પર સતત જકડી રાખે એવી ફિલ્મ કેવી રીતે બની શકે તેનું આ વઘુ એક ઉદાહરણ છે. આપણા બમ્બૈયા- ચૈન્નૈયા ડાયરેક્ટરો થોડું કંઇક જુદું કરે એમાં ગામઆખામાં ગાઇ વળે છે અને ‘અમારી નાતમાં આટલુંય કોણ કરે છે?’ એવું કહીને રીતના ૮૦ માર્ક માગે છે. રીતના બે-પાંચ માર્ક હોય. એંસી ના હોય. એટલું પણ એ અને એમના ભક્તો સમજતા નથી. ‘ગુડવિલ હન્ટિંગ’ જેવી ફિલ્મ બોક્સઓફિસ પર ઘૂમ ચાલે છે, એ પણ નવાઇની વાત છે.
ફિલ્મ જોયા પછી વાંચ્યું ત્યારે ખબર પડી કે તેને બે ઓસ્કાર મળ્યા છે. લાયક ફિલ્મોને પણ ઓસ્કાર મળે છે, તે આનંદની વાત છે.
સરસ મુવી.
ReplyDeleteInteresting subject..
ReplyDeleteThanx for sharing...
-Megha Joshi