Tuesday, July 15, 2008

અઘ્યાત્મનું અન્ડરવર્લ્ડ

‘સાબરમતી આશ્રમ જાના હૈ.’ થોડાં વર્ષ પહેલાં અમદાવાદ આવેલા ‘ધ હિંદુ’ અખબારના પ્રતિનિધિએ રિક્ષાવાળાને કહ્યું. તેમને હતું કે અમદાવાદમાં ગાંધીજીના આશ્રમે પહોંચવા માટે આનાથી વધારે સમજૂતી આપવાની જરૂર નહીં પડે. પણ થોડા સમય પછી રિક્ષાવાળાએ તેમને સાબરમતીમાં આવેલા આસારામ આશ્રમે લાવીને ઊભા રાખી દીધા અને કહ્યું કે ‘સાબરમતી આશ્રમ તો યહી હૈ’. એ સાંભળીને પત્રકારને બોધિવૃક્ષની જરૂર ન પડી. રિક્ષાના હુડ નીચે જ તેમને બ્રહ્મજ્ઞાન થઇ ગયું કે અમદાવાદ ગાંધીયુગમાંથી ધંધાદારી બાવા-બાપુઓના યુગમાં પહોંચી ગયું છે.

‘હિંદુ’ના પ્રતિનિધિને જે સમજાયું, તેનાથી સ્થાનિક લોકો અજાણ હતા? બિલકુલ નહીં. ખરેખર તો, એ સ્થિતિ સર્જવામાં પણ સૌએ પોતાનો ફાળો આપ્યો હતો. હવે આસારામ આશ્રમ ખૂનકેસમાં સંડોવાતાં દિમાગ પર ચડેલો ‘શ્રદ્ધા’ અને ‘સત્સંગ’નો નશો ઓસર્યો છે અને ચીલાચાલુ ફિલ્મી ડાયલોગની જેમ ઘણા લોકોને થાય છે ઃ ‘મૈં કહાં હું?’ ભક્તો, શ્રદ્ધાળુઓ અને સત્સંગીઓની આ ‘સોબર’ અવસ્થા - અને ગુનેગારોને સજા કરાવવાનો જુસ્સો- ક્યાં સુધી ટકે છે, એ મહત્ત્વનો સવાલ છે. સાથોસાથ, ગુરૂ કોને ગણવા અને ગુનેગાર કોને, એ પણ વિચારવા જેવું છે.

તફાવત શોધોઃ ગુરૂ અને ગુનેગાર

ટીલાંટપકાં-માળા-કામળી-ભગવાં વસ્ત્રો, આ બધી ફેન્સી ડ્રેસની આઇટેમ ભારતીય જનમાનસની દુઃખતી નસ છે. તેમાંથી કોઇ એક કે વઘુ ચીજ ધારણને જોઇને સરેરાશ ભારતીયના હાથ આપોઆપ જોડાઇ જાય છે અને માથું સહેજ ઝૂકી જાય છે. સામેની વ્યક્તિનો દેખાવ જેટલો પ્રભાવશાળી, એટલાં શ્રદ્ધાળુનાં શારીરિક-માનસિક ઉચ્ચાલનો લપટાં અને પગમાં પડી જવાની વૃત્તિ પ્રબળ.

આ માનસિકતા સમજીને ગાંધીજીએ દેશસેવા કરવા આવેલા સ્વામી આનંદને ભગવાં તજી દેવા કહ્યું. સ્વામી પણ માનતા હતા કે ‘સાઘુ ‘દો રોટી, એક લંગોટી’ના હકદાર. એથી વઘુ જેટલું સમાજ પાસેથી લે, તેટલું અણહકનું, હક બહારનું. લીધેલાની દસ ગણી ફેડ એક ગૃહસ્થનો ગજ. સાઘુનો સહસ્ત્રનો. સાઘુ લે એનાથી સહસ્ત્ર ગણી સેવા કરે ત્યાં સુધી તો એણે નકરી અદાયગી કરી. દુનિયાની ઘરેડે જ ચાલ્યો. અદકું કશું ન કર્યું. એથી વઘુ કરે તેની વશેકાઇ.’ સ્વામી આનંદના ગજથી માપતાં, આજના કેટલા બાવા-બાપુ-ગુરૂઓને ‘સાઘુ’ કહી શકાય?

જૂના વખત સન્યાસીઓ જ્યારે માથું મુંડાવી નાખતા હતા, અને મુંડાઓ સન્યાસી તરીકે ચરી ખાતા હતા ત્યારે એક કહેવત પ્રચલિત હતીઃ ‘સિર મુંડનમેં તીન ગુન, સરકી જાવે ખાજ (ખંજવાળ)/ ખાને કો લડ્ડુ મિલે, લોગ કહેં મહારાજ’. હવેના જમાનામાં દાઢી માટે આવી કોઇ કહેવત કરવાની જરૂર હોય એવું લાગે છે. લાંબી દાઢી પવિત્રતાના મેક-અપનો આવશ્યક હિસ્સો ગણાય છે. અનુયાયીઓની વિવેકબુદ્ધિ પર જાણે લાંબી દાઢી પથરાઇ જાય છે.

આમ પણ કેટલા અનુયાયીઓ જ્ઞાનપ્રાપ્તિ માટે કે આઘ્યાત્મિક કારણોસર બાવાબાપુઓ પાસે જાય છે? મોટા ભાગના લોકો ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અને એ સુખો મળી ચૂક્યાં હોય તો એ ટકી રહે એના માટે અને એ ટક્યાં હોય તો તેમાંથી ઊભા થયેલા બીજા પ્રશ્નોથી દુઃખી થઇને કહેવાતા આઘ્યાત્મિક ગુરૂઓના શરણે જાય છે. સેક્સોલોજિસ્ટની જેમ આઘ્યાત્મિક ગુરૂ બનવા માટે કોઇ ડીગ્રીની, અભ્યાસની કે જ્ઞાનની જરૂર નથી. ઝુકતી દુનિયાને ઝુકાવવાનો નફ્ફટ જુસ્સો હોવો આવશ્યક છે. બન્ને વચ્ચે મોટો ફરક એ છે કે સેક્સોલોજિસ્ટને ‘બોગસ’ વિશેષણનો અને પોલીસની તપાસનો હંમેશાં ડર રહે છે, જ્યારે બોગસ બાવાઓને આવી કોઇ ચિંતા હોતી નથી.

ગુરૂ-શિષ્યનું ગોટાળીયું ગણિત

એક વ્યક્તિના જોરે, તેની આવડત-નફ્ફટાઇ-ગુંડાગીરી-પ્રભાવ અને વિશ્વાસુ સાગરીતોની મદદથી એક પંથ, સંપ્રદાય, ગુરૂ કે ફિરકાનું સામ્રાજ્ય ઊભું થઇ શકે છે. પણ તેને ધમધમતું રાખવા માટે અનેક પાયાની જરૂર પડે છે. વગદાર અનુયાયીઓ એ ભૂમિકા ભજવે છે. બહારથી જોતાં બન્ને વચ્ચે ગુરૂ-અનુયાયીનો સંબંધ હોય એવું લાગે, પણ હકીકતમાં બન્ને પક્ષ પોતપોતાનાં સ્થાપિત હિતો આગળ ધપાવે છે. સામાજિક પ્રભાવ ધરાવતા ગુરૂ વગદાર-પૈસાપાત્ર અનુયાયીઓને હાથમાં રાખે છે અને એ અનુયાયીઓ ગુરૂને હાથમાં રાખે છે. બન્ને પોતાના સ્વાર્થ માટે બીજાને રમાડે છે, પણ સરવાળે બન્નેનો સ્વાર્થ સધાતો હોવાથી કોઇ પક્ષે ફરિયાદ નથી.

કેટલાક ધનિક ભક્તો સ્થાપિત હિતને બદલે ‘સંસ્કાર’ની કે સ્ટેટસની કમી પૂરી કરવા માટે આઘ્યાત્મિક ક્લબોમાં જોડાય છે. આ સમીકરણમાં સામાન્ય, ગરીબ કે મઘ્યમ વર્ગના અનુયાયીનું સ્થાન ક્યાં? સીધી વાત છેઃ બાવાજીઓના બિઝનેસમાં સામાન્ય અનુયાયીનું મહત્ત્વ ફક્ત સંખ્યાત્મક છે. એ ન હોય ત્યાં સુધી બાવાજીનો ધંધો ન ચાલે, પણ એ આવી જાય એટલે તેનું સ્થાન ટોળામાં જ રહે છે. તેણે દૂરથી બાવાજીનાં દર્શન કરીને ધન્ય થવાનું. મહેનત વગરની, અણહકની અઢળક સંપત્તિ મળે, રૂપિયા, જમીનો, મકાનો, નેતાઓ સાથે નિકટતા, અફસરો સાથે સંબંધ- આ બધાને કારણે ગુરૂના મનમાં એવી રાઇ ભરાય છે કે તે કાયદાથી પર છે. તેમનું કોઇ કશું બગાડી શકે એમ નથી. સામાન્ય અનુયાયીઓમાં એટલી હિંમત કે શક્તિ નથી અને ખાસ અનુયાયીઓ પોતાનાં સ્થાપિત હિત જાળવવા બગાવત કરે એમ નથી. તેમ છતાં, કોઇ આધુંપાછું થાય તો પોલીસ-વહીવટી તંત્ર અને સરકાર આપણાં જ છે. આવી માન્યતા તે ધરાવતા થાય છે. અફસોસની વાત એ છે કે દુષ્ટ ગુરૂઓ સામે સોપો પડી જાય એવી કાર્યવાહી થવાને બદલે, તેમની માન્યતાઓ સાચી ઠરે એવી ઘટનાઓ વધારે બને છે.

સ્વાઘ્યાય પરિવારનો કિસ્સો બહુ જૂનો નથી. એક પક્ષમાં ‘સૈદ્ધાંતિક મતભેદ’ની ઓથે સત્તાની સાઠમારીમાંથી બે તડાં પડે, અસંતુષ્ટોનું એક જૂથ જુદું પડે, અસંતુષ્ટોના બોલકા આગેવાનની ધોળે દહાડે હત્યા થઇ જાય અને છતાં સરકારની શીળી છાયા તળે આરોપીઓ પોતાના અનુયાયીબળ (વાંચોઃ વોટબેન્ક)ના જોરે, ‘આઘ્યાત્મિક’ દબદબા સાથે બહાર ફરતા રહે- રાજકારણ સહિત બીજા કોઇ પણ ખરાબ ગણાતા ક્ષેત્રમાં આનાથી વઘુ ખરાબ બીજું શું થઇ શકે? આઘ્યાત્મિકતાનો છૂટક અને જથ્થાબંધ ધંધો કરતા સ્ત્રી અને પુરૂષ ગુરૂઓ રાજકારણમાં આવે, તો તેમને આશ્રય આપનારા નેતાઓ જ તેમનાં કરતૂત ઉઘાડાં પાડી બતાવે. પણ ગુરૂઓમાં એટલી સ્વાર્થબુદ્ધિ સાબૂત હોય છે. તે પોતે કદી રાજકારણમાં જતા નથી. એટલે રાજકારણીઓ તેમની સાથે સ્પર્ધાભાવ અનુભવતા નથી અને વોટબેન્કનો ફાયદો મેળવવા માટે, બઘું જાણીને પણ કહેવાતા ગુરૂઓને છાવર્યા કરે છે.

લાગણી કેમ દુભાતી નથી?

વેલેન્ટાઇન ડેની ઉજવણીથી માંડીને દેવીદેવતાઓનાં ચિત્ર બાબતે ઘણા લોકોની લાગણી દુભાય છે અને એ લોકો તોડફોડ પર ઉતરી આવે છે. હિંદુત્વના આ સગવડીયા રખેવાળોની લાગણીનું બાવા-બાપુઓ-બહેનોનાં કૌભાંડો બહાર આવે ત્યારે શું થાય છે, એ જાણવા મળતું નથી. હિંદુ ધર્મની ખરી બદનામી કોઇ વિદ્યાર્થીએ દોરેલા એકાદ ચિત્રથી વધારે થાય કે હિંદુ ધર્મની ઓથે ગોરખધંધા કરનારા બાવાઓથી?

પરંતુ લાગણી દુભાવવાની બૂમો પાડનારાઓનાં પણ સ્થાપિત હિત હોય છે. હિંદુ અને બીજા ધર્મીઓ વચ્ચેની ખાઇ વધવાની હોય તો જ તેમને લાગણી દુભાવવાની મઝા આવે છે. પણ ગુરૂકુળોમાં ખૂનખરાબા થાય, આશ્રમોમાં લોકોને ગોંધી રખાય કે તેમની હત્યા થાય, બાવાઓ હરીફોનાં અપહરણો કરાવે, બાવાઓનાં બે જૂથ વચ્ચેની અથડામણને કારણે ગામમાં કરફ્યુ નખાય...આવા અસંખ્યા બનાવ બન્યા પછી પણ લાગણીશૂરાઓની લાગણી કેમ દુભાતી નથી? હિંદુ ધર્મને આગળ ધરીને, લોકોની માનસિક નબળાઇને ગેરફાયદો ઉઠાવીને પોતાની શારીરિક-માનસિક-આર્થિક વાસનાઓ સંતોષતા ધર્મગુરુઓ જે કરે છે, તે હિંદુ ધર્મનું હળહળતું અપમાન નથી?

બાવાઓનો પાપાચાર હદ વટાવી જાય ત્યારે થોડા અનુયાયીઓનો હૃદયભંગ થાય છે. બનાવટી બાવાઓ અને તેમના ધંધા પ્રત્યે થોડા અનુયાયીઓના મનમાં વૈરાગ્ય જાગે છે, જે ઘણુંખરૂં સ્મશાનવૈરાગ્ય સાબીત થાય છે. બાકીના અનુયાયીઓની આંખ પોતાનાં હિત ન જોખમાય ત્યાં સુધી ઉઘડતી નથી- અને આંખ ઉઘડે છે ત્યારે બહુ મોડું થઇ જાય છે.

અભેદ્ય ગઢમાં ફેરવાઇ ગયેલા અનિષ્ટોના અડ્ડા જેવા આશ્રમોને સરકારી કાર્યવાહી દ્વારા કંપનીમાં ફેરવી નાખવામાં આવે, તેના હિસાબકિતાબ જાહેર કરવાની ફરજ પાડવામાં આવે, તેના દરવાજા બહારની તટસ્થ તપાસ માટે ખુલ્લા રહે અને અનુયાયીઓને સવાલો પૂછવાની સત્તા મળે તો સ્થિતિમાં સુધારો થવાની આશા રાખી શકાય. બાકી, આસારામ આશ્રમના વિવાદથી આઘ્યાત્મિક ક્ષેત્રનાં કૌભાંડોની લાંબી યાદીમાં વઘુ એક કૌભાંડના ઉમેરા સિવાય બીજો કશો ફરક પડવાનો નથી.

12 comments:

 1. Nice article--You have presented the problem-Now what is the solution?-Not only this practice,Sadhu worship,is affected at all by such eye opening articles but it's mashrooming rapidly-

  ReplyDelete
 2. Timely and true article. But, who cares? It will soon be forgotten!

  ReplyDelete
 3. હવે શીક્ષીત સમજદાર અને બૌધ્ધીકોએ ( બુધ્ધીજીવી નહીં!) જાગૃત થઈ , સમાજને સાચી દોરવણી આપવાની તાતી જરુર છે.
  ગાંધીયુગમાં સમાજના ઘણા અનીષ્ટો સામે આવો લોકમત બૌધ્ધીકોએ ઉભો કર્યો હતો.
  હવે આપણે સૌ આપણું આ ઉત્તરદાયીત્વ ક્યારે સમજીશું? મારા ઈશ્વર વીશે વીચારો અહીં વાંચો -
  http://antarnivani.wordpress.com/2008/01/09/god/

  અને

  મુર્તીપુજા વીશે -
  http://antarnivani.wordpress.com/2008/05/02/murtipuja/

  ReplyDelete
 4. Anonymous9:18:00 PM

  ઉર્વિશભાઇ, તમારા આ પોસ્ટને મારા એક બ્લોગ-પોસ્ટ પર લિંક આપેલ છે. ઘણાં જ સમજદાર, ભણેલા-ગણેલા વ્યક્તિઓને આવાં બાવાં-બાપુઓને પૂજા કરતાં જોવું છું, ત્યારે મન વ્યથાથી ભરાઇ જાય છે. અને તેમની આગળ દલીલ કરવી બેકાર છે.

  હરિઓમ!

  ReplyDelete
 5. you are right,

  but as per you what is the right way??

  ReplyDelete
 6. એક આડવાત. આપણે મુર્તીને ભગવાન માની પુજા કરી શકીએ છીએ, ફોટાને મુર્તી માની પુજા કરી શકીએ છીએ; તો એમ માણસને ભગવાન માની પુજા કરવામાં શો વાંધો હોય?

  હા, એ અલગ વાત છે કે, જેને આપણે ભગવાનતુલ્ય માનીએ એવો મનુષ્ય ભાગ્યે જ મળે, મોટે ભાગે તો લેભાગુ જ મળે!!!

  ReplyDelete
 7. સરસ લેખ. સમયસર લખવા બદલ ધન્યવાદ. આપણી આસપાસ આવા અનેક બાવાઓ પોતાનું સામ્રાજય ફેલાવી બેઠા છે. શીક્ષીત વર્ગ પણ તેઓની જાળમાં ફસાય છે, પસ્તાય છે..પણ એ રામ એના એ જ..!

  ReplyDelete
 8. સમાજમાં રાજારામ મોહનરાય કે નર્મદને જેટલું મહત્વ ન મળતું હોય એટલું મહત્વ ચંગુરામ કે મંગુરામને મળતું હોય તો વાંક આપણો જ ને? બાકી જે છાપાં આજે પાનું ભરીને ઉકળાટ ઠાલવે છે એ જ છાપાં કાલે પાનાં ભરી ભરીને કોક પીપળામાંથી ગંગાજી પ્રગટ્યાંની વાતો છાપવાનાં જ. શ્રધ્ધાના નામે ગાડી જાય ભાગી!

  ReplyDelete
 9. ખુબ સરસ લેખ ...અંધ શ્રધાલું ની આંખો ખોલી દે આવો લેખ ......

  ReplyDelete
 10. Anonymous8:29:00 PM

  Dislike...આવા સ્ફોટક વિષય પર આપની પાસેથી વધુ તેજાબી કલમ ની અપેક્ષા હતી..Akash vaidya

  ReplyDelete
 11. ખુબ સુંદર લેખ છે

  ReplyDelete
 12. There are people asking here, What is the right way? It's like we expect Urvish to overnight become a messiah and be exactly the same thing that he is writing against? What is the right way? The answer to that is embedded in the article itself: reason, a rational approach and the ability to think for yourself. Why would one need to ask something so obvious?

  ReplyDelete