Monday, July 07, 2008

હોમાય વ્યારાવાલાઃ ખુદ્દાર જિંદગીની બોલતી તસવીર

‘આ ઊંમરે તમે મરચાં ખાવ છો? ગાર્ડનિંગ કરો છો? અને ગાડી પણ ચલાવો છો?’ ‘આય ઊંમરે એટલે વોટ ડુ યુ મીન? આઇ એમ જસ્ટ ૯૪.’ (‘આ ઊંમરે’ એટલે તમે શું કહેવા માગો છો? હજુ તો મને ૯૪ જ થયાં છે.) એવો કડક-મીઠો જવાબ આપનાર ‘ફક્ત ૯૪ વર્ષનાં’ માયજી એટલે હોમાય વ્યારાવાલા. સંભવતઃ ભારતનાં પહેલાં મહિલા ન્યૂઝ ફોટોગ્રાફર. હોમાય વ્યારાવાલાએ લીધેલી તસવીરો રાષ્ટ્રના ઇતિહાસની મૂલ્યવાન જણસ ગણાય છે. તેમના વિશે અત્યાર સુધીમાં સ્થાનિક-રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સામયિકોમાં ઘણું લખાઇ ચૂક્યું છે.

થોડા સમય પહેલાં પ્રકાશિત થયેલું દળદાર પુસ્તક ‘કેમેરા ક્રોનિકલ્સ ઓફ હોમાય વ્યારાવાલા’ (લેખિકાઃ સબીના ગડીહોકે) ફોટોગ્રાફી અને ઇતિહાસનો એક ઉત્તમ દસ્તાવેજ છે. ફોટોગ્રાફર તરીકે હોમાય સક્રિય હતાં ત્યારે સરદાર પટેલથી ઈંદિરા ગાંધી સુધીનાં અનેક નેતાઓ તેમને વ્યક્તિગત રીતે ઓળખતા હતા. સરદાર પટેલ ‘વો તો હમારી ગુજરાતન હૈ’ કહીને રાજી થતા હતા, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ જેવા વિદ્વાન રાષ્ટ્રપતિ પ્રેસ કોન્ફરન્સમાં હોમાયને ન જુએ એટલે તેમના વિશે પૂછપરછ કરે. ૧૪ ઓગષ્ટ, ૧૯૪૭ની મધરાતે લાલ કિલ્લા પરથી થયેલું ઐતિહાસિક ઘ્વજવંદન હોય કે ગાંધીજીની અંતીમ યાત્રા જેવો પ્રસંગ, લોર્ડ માઉન્ટબેટનની ગાર્ડન પાર્ટી હોય કે નેહરૂના દૌહિત્રો રાજીવ-સંજયની બર્થ ડે પાર્ટી, આ બધા પ્રસંગે હોમાય વ્યારાવાલા ફોટોગ્રાફર તરીકે-મોટે ભાગે પુરૂષ ફોટોગ્રાફરના ઝુંડ વચ્ચે એકમાત્ર ભારતીય મહિલા ફોટોગ્રાફર તરીકે- હાજર હોય. વડા પ્રધાન નેહરૂ હોમાય વ્યારાવાલાનો પ્રિય વિષય હતા. નેહરૂના મિજાજ અને લોકપ્રિયતાના અનેક તબક્કા તેમણે ખેંચેલી તસવીરોમાં જોવા મળે છે. તેમાંનો એક અત્યંત જાણીતો ફોટો ‘ફોટોગ્રાફી નોટ એલાઉડ’ ના પાટીયા પાસે ઊભા રહીને ફોટો પડાવતા વડા પ્રધાન નેહરૂનો છે.

સભર અને સમૃદ્ધ ભૂતકાળની સરખામણીમાં, વડોદરામાં છાણી પાસે એક બંગલાના પહેલા માળે રહેતાં હોમાય એકલતાની મૂર્તિ લાગે. બે-ત્રણ રૂમનું તેમનું ઘર અને તેમની ટેરેસ એટલે ફુલછોડ અને હોમાયબહેને જાતે જરૂર પ્રમાણે તૈયાર કરેલી ચીજવસ્તુઓનું મ્યુઝીયમ. તેની શરૂઆત બંગલામાં પ્રવેશવાની ઝાંપલીથી થાય. ત્યાં એમણે સ્વર્ગસ્થ પુત્રના ‘બુલવર્કર’ની (કસરતના સાધન)ની સ્પ્રીંગ એવી રીતે લગાડી છે કે આગંતુક નાનો દરવાજો ખેંચીને ઉઘાડે, પછી દરવાજો આપમેળે સ્પ્રીંગના સંકોચાવાથી બંધ થઇ જાય. ઘરની અંદર દીવાનખાનાનું સુશોભન સાદું છતાં કળાત્મક. રહેનારની ઉંચી કળાદ્રષ્ટિનો ખ્યાલ આપે એવું. દીવાલો હજુ સફેદ છે. તેનું કારણ આપતાં હોમાયબહેન કહે છે,‘વડોદરા રહેવા આવી ત્યારે વિચારતી હતી કે ચાર-પાંચ વર્ષ જીવવું ત્યાં કલરની શી માથાકૂટ? પણ એમ ને એમ ૧૮ વર્ષ વીતી ગયાં.’

‘લોકોને મરવાની વાત કરતાં બીક લાગે છે, પણ મને આનંદ અને મજાક સૂઝે છે.’ એવું હોમાયબહેન ફક્ત કહેવા ખાતર નથી કહેતાં. પોતાના મૃત્યુ વિશે ફિલસૂફી ઝાડવી સહેલી છે, પણ પતિના મૃત્યુની વાત કરતી વખતે સ્થિતપ્રજ્ઞ રહેવું બહુ અઘરૂં હોય છે. હોમાય વ્યારાવાલા જો કે જુદી માટીનાં બનેલાં છે. એ કહે છે,‘આઇ એમ નોટ ઇમોશનલ ટાઇપ. (હું લાગણીપોચી નથી). ખોટી દવા લેવાને કારણે મારા હસબન્ડનું મૃત્યુ થયું ત્યારે હું રડી ન હતી. હું એના માટે પ્રાર્થના કરતી હતી.’ આટલું ઓછું હોય તેમ, હોમાયબહેને પારસી સમાજની મરજીથી વિરૂદ્ધ જઇને પતિની ઇચ્છા પ્રમાણે તેમના અંતીમ સંસ્કાર કર્યા.

મૃત્યુની બાબતમાં ભલભલા સાઘુસંતો કરતાં વધારે અનાસક્ત અને સ્થિતપ્રજ્ઞ હોવા છતાં, હોમાયબહેનનો જીવનરસ કોઇ પણ જુવાનિયાને શરમાવે એટલો પ્રબળ છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવચન માટે આમંત્રણ મળ્યા પછી તેમણે પોતાનો પાસપોર્ટ નવો કઢાવ્યો. પાસપોર્ટ તૈયાર થઇને આવી ગયો, એટલે તેમણે વડોદરાના સ્નેહી-મિત્ર બીરેન કોઠારીને રાબેતા મુજબ એક પોસ્ટકાર્ડ લખીને સમાચાર આપ્યા અને વધારામાં લખ્યું,‘હું રૂપિયા બગાડવામાં માનતી નથી. એટલે હવે તો નવા પાસપોર્ટની મુદત પૂરી થાય ત્યાં સુધી જીવવું પડશે.’

(હોમાય વ્યારાવાલા સાથે (ડાબેથી) કામિની- બીરેન કોઠારી અને ઉર્વીશ કોઠારીઃ અમેરિકા જતાં પહેલાં અમદાવાદની ‘ગ્રીનહાઉસ’ રેસ્ટોરાંમાં)

તેમના જીવનરસનો સૌથી મોટો પુરાવો એ છે કે એકાદ બાબતને બાદ કરતાં જીવન પ્રત્યે તેમને કોઇ ફરિયાદ નથી. એક સમયે સરદાર પટેલ-નેહરૂ જેવા નેતાઓ સાથે પરિચય કે દિલ્હીની ‘પેજ ૩’ પાર્ટીઓનો અનુભવ હોવા છતાં, તેમની વાતોમાં કદી ભવ્ય ભૂતકાળના રોદણાં સાંભળવા મળતાં નથી. એ કહે છે,‘હું કુટુંબ સાથે પણ સુખી હતી અને કુટુંબ વગર પણ હું દુઃખી નથી.’

૯૪ વર્ષની ઊંમરે ઘરનું બઘું કામ તે જાતે કરે છે. રસોઇ, બાગકામ અને ‘વેસ્ટમાંથી બેસ્ટ’ બનાવવાની કારીગરી તેમના એવા શોખ છે, જેના પ્રતાપે તે ગૌરવભેર કહી શકે છે,‘મને ટાઇમ મળતો નથી.’ જીવનમાં શ્રમનું મહત્ત્વ સમજાવતાં એ કહે છે,‘દરેક જણે પોતાની જુવાનીમાં શારીરિક શ્રમ સંકળાયેલો હોય એવો એકાદ શોખ રાખવો જોઇએ. ફક્ત વાંચવાનું કે સંગીત સાંભળવાનું પૂરતું નથી. શ્રમકેન્દ્રી શોખ હોય તો એ વૃદ્ધાવસ્થામાં બહુ કામ આવે છે.’

સદા પ્રવૃત્તિમય રહેતાં હોમાયબહેન પતિ માણેકશા સાથે દિલ્હી રહેતાં હતાં ત્યારે સવારમાં દીકરાનું કામ અને ઘરકામ, બપોરે બ્રિટિશ હાઇકમિશનની ઓફિસે ફોટોગ્રાફર તરીકે કામ અને સાંજે ઘેર આવીને સ્નાન કરીને પાર્ટીનું કે ફોટોગ્રાફીનું બીજું કામ- આવું તેમનું શીડ્યુલ હતું. છતાં, સમય કાઢીને તે બીજી પ્રવૃત્તિઓમાં રસ લેતાં હતાં. સુથાર, લુહાર કે રસ્તા પર ચંપલ સાંધનારા માણસને કામ કરતો જોવા તે ઊભાં રહેતાં અને ઘ્યાનથી તેની કામગીરીનું નિરીક્ષણ કરતાં હતાં. ત્યાર પછી એ અખતરો ઘરે થતો. આ રીતે તેમણે ઘણા હુન્નર આત્મસાત્ કર્યા. બાગકામ એ પુસ્તકો વાંચીને શીખ્યાં. તેમનો તરવરાટ એવો કે સાયકલ લઇને દીકરાને સ્કુલે લેવા જાય, ત્યારે દીકરાના દોસ્તો એને કહે,‘યોર સીસ્ટર હેઝ કમ.’ (તારી બહેન લેવા આવી ગઇ).

દિલ્હીમાં ફોટોગ્રાફર તરીકે તેમણે નિષ્ઠા અને ખંતથી કામ કર્યું, પણ એ ફક્ત વ્યવસાય તરીકે. ‘અમે ઘણા બધા ફોટોગ્રાફર સાથે હોઇએ એટલે મને મારા કામનું મૂલ્ય સમજાયું ન હતું. પણ આઝાદીનાં પચાસ વર્ષ નિમિત્તે બધા લોકો જૂના ફોટોગ્રાફ્સ શોધતા આવ્યા, ત્યારે મને મારા કામની કિંમત સમજાઇ.’ ફોટોગ્રાફર તરીકેના વ્યવસાયમાંથી ગરીમાનો લોપ થતાં તેમણે કેમેરા છોડ્યો અને પીલાની જઇને વસ્યાં.

‘દિલ્હીમાં ફોટા અને નેગેટીવ અમે જેમ આવે તેમ એક કવરમાં મુકતાં હતાં. એક જ કવરમાંથી મૈયતના ફોટા હોય અને મજલિસના પણ હોય. પીલાની જઇને મેં બઘું વ્યવસ્થિત ગોઠવ્યું. બૂટના ખોખા જેવડા એક મોટા બોક્સમાં સૌથી અગત્યના ફોટાની નેગેટીવ હતી- મારા કામનો લગભગ ૬૦ ટકા હિસ્સો એ ખોખામાં હતો. પણ એ ખોખું ક્યાંક ખોવાઇ ગયું. એ સિવાય ઘણી બધી (બે હાથ પહોળા કરીને બતાવવી પડે એટલી) પ્રિન્ટ નકામી લાગતાં તેને સળગાવી દીધી. એ વખતે મને આ કામની કિંમત ન હતી. એ બઘું સાચવી રાખવા પાછળ એક જ લોજિક હતુંઃ કદાચ મારા દીકરાને કામ આવે.’

બંધ ખોખામાં સચવાયેલી થોડીઘણી પ્રિન્ટ સત્તર વર્ષ પછી ‘આઉટલૂક’ અને ‘ઇન્ડિયા ટુડે’ના વિશેષાંકો માટે પહેલી વાર તેમણે ખોલી, ત્યારે એ પ્રિન્ટોની ગુણવત્તા જોનાર છક થઇ ગયા. હજુ હમણાં જ તૈયાર કરી હોય એવી એ તસવીરો હતી. અને જે જોઇને મંત્રમુગ્ધ થઇ જવાય એ તો ખજાનાનો માંડ ૪૦ ટકા હિસ્સો હતો. ૬૦ ટકા હિસ્સો તો કાળના પ્રવાહમાં ક્યાંક ગુમ થયો હતો. આટલો મોટો ખજાનો ખોવાયો, એની વાત કરતાં હોમાયબહેનનો અવાજ નથી ભીનો થતો કે નથી તેમની આંખોમાં લાચારી પ્રગટતી.

વડોદરામાં એકાંતવાસનાં અઢાર વર્ષ પછી બીજી કોઇ બાબતે તેમના અવાજમાં ફરિયાદનો સૂર પ્રગટતો નથી, પણ લોકોમાં રહેલી સિવિક સેન્સની- તેના અભાવની વાત આવે, એટલે હોમાયબહેનનો ચહેરો તમતમી જાય છે. પોતાના મકાનની સામે ક્રિકેટ રમતાં અને ફુલછોડને નુકસાન પહોંચાડતાં તોફાની છોકરાંથી તે બહુ નારાજ છે. એ છોકરાંના માતા-પિતા પોતાનાં છોકરાંને ટોકવાને બદલે ‘પોલીસમાં ફરિયાદ કરો’ એવી સલાહ આપે, એ વાતનું તેમને વધારે દુઃખ છે. કોઇની પાસેથી મદદ ન માગતાં, સ્વમાનભેર પોતાના જીવનનો આખરી તબક્કો વીતાવી રહેલાં સિદ્ધિવંત હોમાયબહેન ફક્ત બીજા લોકો હેરાન ન કરે એટલી જ અપેક્ષા રાખે છે. અફસોસની વાત એ છે કે તેમની આટલી મામૂલી અપેક્ષા પણ તેમની આજુબાજુના લોકો કે તેમનું સન્માન કરીને પોતાના માટે પ્રસિદ્ધિ ઉઘરાવી લેવા માગતા લોકો સંતોષી શકતા નથી.
નોંધઃ આ લેખ લખાયા પછી હોમાય વ્યારાવાલા અમેરિકા અને બ્રિટનની કેટલીક યુનિવર્સિટીનાં આમંત્રણથી, તેમનાં ચરિત્રલેખિકા સબીના ગડીહોકે સાથે અમેરિકા અને બ્રિટન જઇ આવ્યાં. (ઉપરની તસવીર) પણ થોડા દિવસ પહેલાં જ તે (મારા મોટા ભાઇ) બીરેન કોઠારીને કહેતાં હતાં,‘લાગે છે કે ફરી અમેરિકા જવું પડશે. આય વિઝિટમાં બહુ મઝા નહી આવી.’

10 comments:

  1. ગમ્યું. હોમાયબાને અમારા વંદન કહેજો.

    ReplyDelete
  2. When she was at my place last week for 2 days, she interestngly sat for an hour asking evrything about internet,website,blogs etc.She wants to put few thoughts on blog which I will send in a day or two.

    ReplyDelete
  3. This is really unforgotable. I was totally unaware about this respected lady...

    Thanks for this blog.

    ReplyDelete
  4. See those who wants to live for longer than expected life span,we must have spirit like Homayben.What a great lady she is,in fact we must take care of her work and Government Of Gujarat must do something to preserve her work as an Art.
    By the way good article all together.
    Ketan Upadhyay,Toronto,Canada

    ReplyDelete
  5. As u said,homaiben is full of life.Tired of her Fiat('60 model),she thinks of booking 'Neno'.Anyway, she has something to say on the Devnagari script used widely evrywhere.Sha believes:"As this is the age of fast communication with words shortening like anything(e.g.'U' instead of 'You'etc.),there is no need to put horizontal lines on the letters of Devnagari script.It saves much time.Moreover,the letters r easily identical without the lines.Why don't this matter is not discussed among the experts?"

    ReplyDelete
  6. Blog Saras Chhe. Right side ma haji kaik add kari shakay, interesting links etc. - Dilip Gohil.

    ReplyDelete
  7. શ્રી ઉર્વીષભાઈ અને શ્રી બીરેનભાઈ,

    શ્રી હરીષભાઈ નાં સૌજન્યથી આ બ્લોગ મને પહોંચ્યો. શ્રીમતી હોમાયબેન ૧૦૧મેં વર્ષે આ પ્રકારનાં જાહેર આમંત્રણથી પરદેશ ફરીથી પરદેશ જાય તેવી શુભઃ કામના. પ્રભૂ તેમનાં આડોસી પાડોસીઓને સદ્દબુદ્ઘી આપે કે તેઓ તેમની બેદરકારી થકી કોઈને પણ હેરાન નહીં કરે.
    પિયુષ મહેતા
    સુરત.

    ReplyDelete
  8. nice to know..salam....vandan...
    and abhar too, urvishbhai..

    ReplyDelete
  9. સૌ પ્રથમ તો હોમાયબેનને (સાચા અર્થમાં)કોટી કોટી પ્રણામ અને સલામ.

    ઉર્વિશભાઈ, તમને પણ થેંક્યુ કે અમને આવી શખ્સિયતથી માહિતગાર કર્યા.

    ReplyDelete