Thursday, July 03, 2008

મેગાસીટીના મેગા-ભૂવા, ન જોયા તે જીવતા મૂઆ

‘ગુજરાત પાસે પ્રવાસન (ટુરિઝમ) ખીલવી શકાય એવી કેટલી બધી જણસો છે! પણ ખાતામાં એવી આવડત જ નથી.’ આવો કચવાટ ઘણા લોકોનો પ્રિય ટાઇમપાસ છે. તેમને લાગે છે કે ‘આટલો લાંબો દરિયાકિનારો, પહાડો અને રણથી સમૃદ્ધ ગુજરાત મુકીને અસંતુષ્ટોને બળવો કરવા ઠેઠ ખજૂરાહો જવું પડે એ કેવી કરૂણતા?’

પર્યટન ઉદ્યોગ ન ખીલવી શકવાની ગુજરાતની ખાસિયત આજકાલની નહીં, વર્ષોજૂની હોય એવું લાગે છે. કારણ કે ગુજરાતના આતિથ્યને બિરદાવવા માટે વારંવાર વપરાતા દુહામાં પણ કહેવાયું છેઃ ‘કાઠિયાવાડમાં કોક દી’ ભૂલો પડ્ય ભગવાન...’ આ પંક્તિમાં એવું સ્વીકારી લેવાયું લાગે છે કે કાઠિયાવાડ કે ગુજરાતમાં માણસ ઇરાદાપૂર્વક, તેનાં પ્રચાર કે ખ્યાતિથી આકર્ષાઇને આવે એવી શક્યતા નથી. એ ભૂલો પડે તે જ એક વિકલ્પ છે. પ્રવાસન ખાતું આ દુહાનો પોતાના બચાવ માટે ઉપયોગ કરી શકે, પણ તેનાથી સમસ્યા હલ થતી નથી. અસલ મુદ્દો એ છે કે પ્રચાર જોરદાર હોય તો કોઇ પણ સ્થળને પ્રવાસનસ્થળ તરીકે વિકસાવી શકાય છે. તે કોઇનું ઘર હોઇ શકે, ઘરની બહાર ભરાયેલું ખાબોચિયું હોઇ શકે અથવા સડક પર પડેલો ભૂવો પણ કેમ નહીં?

‘ભૂવો’- એ શબ્દ સાંભળીને તેની અમદાવાદી અર્થચ્છાયાથી અપરિચિત ઘણા લોકોને ભયાનક દેખાવ ધરાવતા અને અડધા ખુલ્લા શરીરે ઘૂણતા ભૂવાની યાદ આવી શકે છે. મેગાસીટી અમદાવાદમાં કાચા કામને કારણે પાકો રસ્તો ‘બેસી’ જાય, ત્યારે ‘ભૂવો પડ્યો’ એવું કહેવાય છે. ખરેખર, ભૂવો પડતો નથી, પણ ભૂવાના લીધે રસ્તા પર ચાલતા લોકો પડવા જેવા થઇ જાય છે.

બે પગાળો ભૂવો માણસની માનસિક નબળાઇ અને રસ્તા પર પડેલો ભૂવો સડકની આંતરિક નબળાઇ સૂચવે છે. એક ઘૂણે છે, તો બીજો તમામ રાહદારીઓને - અને લોકો કકળાટ કરે ત્યારે વહીવટીતંત્રને- ઘૂણાવે છે. જીવતાજાગતા ભૂવાનો મહિમા અંધશ્રદ્ધાનો વિષય છે, તો સડક પર પડેલા ભૂવાનું મહત્ત્વ શ્રદ્ધાનો વિષય છે. અગાઉના સમયમાં- એટલે કે અહમદશાહના જમાનામાં નહીં, પણ થોડાં વર્ષ પહેલાં - અમદાવાદની ઘણીખરી સડકોની હાલત એવી હતી કે નાગરિકો ફિલસૂફ થઇ ગયા હતા અને ‘ભૂવા પડે ત્યારે જ સડકના અસ્તિત્ત્વ વિશે જાણ થાય છે.’ એમ વિચારીને સંતોષ અનુભવતા હતા. હવે સડકો સુધરી છે. (કારણ કે, તે માણસ નથી.) છતાં, ભૂવાની બોલબાલા ઓછી થઇ નથી.

વરસાદની સીઝન શરૂ થાય, ત્યાર પછી પણ ઘરગથ્થુ હવામાનશાસ્ત્રીઓ કહે છે,‘એંહ, આ સાલ હજુ ક્યાં વરસાદ જ પડ્યો છે! એકેય ભૂવો તો પડ્યો નથી!’ આમ ભૂવા હવે રસ્તાના નહીં, પણ ચોમાસાના અસ્તિત્ત્વની ખાતરી આપવા માટે વપરાય છે. સીઝનની શરૂઆતમાં એકાદ વાર વરસાદનું ઝાપટું પડે એટલે ‘સંભવામિ ચોમાસે ચોમાસે’નું નહીં આપેલું વચન પૂરૂં કરવા ભૂવા સડક પર દેખા દે છે. ઠેકઠેકાણે સડક બેસી જાય છે. ક્યાંક કામ ચાલતું હોવાથી, તો ક્યાંક કામ પૂરૂં થઇ ગયું હોવાથી. સડકની છાતીનાં પાટીયાં બેસી ગયાં હોય એવું દ્રશ્ય ભૂવા પાસે સર્જાય છે. એટલે બરાબર સ્થળ પરથી જ રીપોર્ટંિગ કરવાના ચોવટીયા ચેનલોના રિવાજની જેમ, કેટલાક લોકો બરાબર ભૂવાના કાંઠે ઊભા રહીને તેના સ્વરૂપનો તાગ મેળવે છે. ભૂવાની વ્યુત્પત્તિથી સર્જનપ્રક્રિયા, સ્વરૂપમીમાંસા, વિવેચન અને રસદર્શન સુધીની સાહિત્યિક ગતિવિધીઓ લોકો પોતાની રૂચિ અને ક્ષમતા પ્રમાણે કરે છે અને આ કંઇ ન કરતા લોકો ભૂવાની નજીકમાં ઊભેલા એકાદ લારી-ખૂમચા પરથી પડીકું ખરીદીને શ્રોતા તરીકેની ભૂમિકા અદા કરે છે.

ચોમાસાના પ્રેમીઓમાંથી અડધાઅડધ લોકો ભૂવાના પ્રેમી હોય છે. ચોમાસું આવે એ સાથે જ તે ભૂવાના સામૈયા માટે સજ્જ થઇ જાય છે. એક વરસાદ પડે એટલે તેમના મોબાઇલ રણકવા માંડે છે. ‘હલો, કંઇ જાણ્યું? હમણાં જ અમારા એક સગા વસ્ત્રાપુર બાજુથી આવતા હતા. એમણે કહ્યું કે ફલાણા મોલની સામે એક મોટો ભૂવો પડ્યો છે.’ અથવા ‘મારા એક ફ્રેન્ડની કઝિનસીસ્ટરની ફ્રેન્ડ યુનિવર્સિટી રોડ પરથી જતી હતી ત્યારે તેની નજર સામે ત્રણ જણ ભૂવામાં ઉતરી ગયા.’ આ પ્રકારની માહિતી ફોન પર આપનારા, મહાત્મા ગાંધીની અંતિમ યાત્રાના જીવંત પ્રસારણની રનિંગ કોમેન્ટ્રી આપવા જેટલી ઉત્તેજના અનુભવે છે.

રસ્તા પર ભૂવા પડે એટલે વિરોધપક્ષોને ઘૂણવાનું વઘુ એક કારણ મળી જાય છે. આઝાદી પછી બધા જ પક્ષોને સત્તાધીશ બનવાની તક મળી છે. એટલે સત્તા પર હોય તે પક્ષ ભૂવા માટે અને ખરાબ રસ્તા માટે આગલા પક્ષનું નામ ધરે છે. ભૂવામાં હિંદુ-મુસ્લિમ સૌ કોઇ પડી શકે છે. એટલે ભૂવાને સેક્યુલર ગણીને, ભારતની બિનસાંપ્રદાયિક પરંપરા ખાતર ભૂવાને આરક્ષિત જાહેર કરવા જોઇએ, એવી દલીલ કોંગ્રેસ પાસેથી સાંભળવા મળી શકે છે. ભાજપ પણ ગાંજ્યો જાય? એ કહી શકે છે,‘ભારતમાં આર્યોના જમાનાથી ભૂવા પડતા આવ્યા છે અને હજુ પણ પડતા રહેશે. તમારાથી થાય તે કરી લેજો. ભૂવા હિંદુ સંસ્કૃતિનું ગૌરવ છે. દંભી બિનસાંપ્રદાયિકોની ચાલબાજીને અમે સફળ નહીં થવા દઇએ. વંદે માતરમ્. ભારત માતાકી જે.’

અંધેરી નગરી અને ગંડુ રાજા પ્રકારની સિચ્યુએશનમાં અંધેરી નગરી તરીકે અમદાવાદ જેવું કોઇ શહેર હોય અને ભૂવો પડવાનો પ્રશ્ન ઊભો થાય તો શું થાય? સૌથી પહેલાં તો ભૂવામાં પડેલા રાહદારી કે વાહનચાલકને ‘ડેન્જરસ ડ્રાઇવિંગ’ કે ‘ડેન્જરસ વોકિંગ’ બદલ દંડની પહોંચ પકડાવી દેવામાં આવે. ઉપરથી ટ્રાફિક પોલીસ પોતાની પ્રામાણિકતા અને ફરજપરસ્તીનું પ્રદર્શન કરતાં કહે પણ ખરા,‘સાહેબ, આ પૈસા સરકારમાં જ જવાના છે.’ ત્યાર પછી અંદર પડેલા માણસની ફરિયાદ નોંધાય અને તેના આધારે તપાસ નીમાય. મોટે ભાગે કોઇ ભૂતપૂર્વ ન્યાયાધીશના અઘ્યક્ષપદે ‘ભૂવો પડવાનાં કારણોની તપાસ અને ભૂવાની અસરો’ માટે એક કમિશન નીમવામાં આવે. આટલું થાય ત્યાં સુધીમાં શહેરમાં બીજા ૨૭ ભૂવા પડે, એટલે એ તમામને પણ કમિશનના કાર્યક્ષેત્રમાં સામેલ કરી દેવામાં આવે. છેવટે, તપાસપંચની નિયત મુદતમાં પાંચ-સાત એક્સટેન્શન થયા પછી અને તપાસપંચના એકાદબે અઘ્યક્ષો ગયા પછી જાહેર થયેલા અહેવાલમાં કહેવામાં આવે કે,‘ભૂવા ન પડવા જોઇએ, તો પણ પડે છે. ભૂવામાં માણસો ન પડવા જોઇએ તો પણ પડે છે. માણસો ન પડે તો ભૂવા બદનામ ન થાય. એ બદનામ ન થાય તો સમસ્યા તરીકે તેમનું અસ્તિત્ત્વ મટી જાય. એ સંજોગોમાં આ પ્રકારનાં કમિશન નીમવાની જરૂર રહેશે નહીં.’

ચોમાસાની ઋતુમાં ભૂવાની બોલબાલા અને લોકો પરનો તેનો પ્રભાવ ચાલુ રહ્યાં તો થોડા સમય પછી ‘ઔડા વિસ્તારોમાં ભૂવાના વિકાસ પાછળ રૂ.૧૫ કરોડની ફાળવણી. મુખ્ય મંત્રીએ જાપાની કંપની સાથે કરેલો એમઓયુ’ એવા સમાચાર વાંચવા મળી શકે છે. ઘણા લોકો ભૂવાને રસ્તાના અસ્તિત્ત્વના પુરાવા તરીકે નહીં, પણ અમદાવાદના સાંસ્કૃતિક પ્રતીક તરીકે જોતા થયા છે. અમદાવાદમાં થતાં સન્માનોમાં સીદી સૈયદની જાળીની પ્રતિકૃતિને બદલે ભૂવાને કારણે ભાંગી પડેલા રસ્તાની પ્રતિકૃતિ ભેટમાં આપવાનો રિવાજ ચાલુ થાય, તો તેને આવકારવો જોઇએ.

No comments:

Post a Comment