Wednesday, July 23, 2008

અવિશ્વાસની એક દરખાસ્ત, નેતાગીરી સામે

ગુજરાતની બહેન-દીકરીઓની સલામતી વિશે મુખ્ય મંત્રીએ શું કહ્યું હતું?
ચોક્કસ વિધાન યાદ ન આવે તો વાંધો નહીં. સવાલનો જવાબ પૂછવાલાયક ઠેકાણાં ગુજરાતમાં ઘણાં છે. પૂછો પાટણની સરકારી પીટીસી કોલેજની એ યુવતીને, જેણે અઘ્યાપકો વિરૂદ્ધ જાતીય શોષણની ગંભીર ફરિયાદો કરી છે.
એક ફરિયાદ અપૂરતી લાગતી હોય અને ‘એ છોકરી તો એવી જ હતી!’ એવી દલીલ કરવાનું મન થતું હોય, તેમને જણાવવાનું કે પાટણ પીટીસી કોલેજની ૯૦થી પણ વધારે છોકરીઓએ આ જ પ્રકારની રજૂઆતો પોતાના અઘ્યાપકો સામે કરી છે. એમાં તમારી લાડકી સામેલ થાય ત્યારે જ ઘટનાની ગંભીરતા સમજાવાની હોય તો જુદી વાત છે.
પાટણનો કિસ્સો એકલદોકલ નથી. પૂછો પીલવાઇ પીટીસી કોલેજની યુવતીઓને. તેમણે પણ અઘ્યાપકો દ્વારા થતા જાતીય શોષણની ફરિયાદ કરી છે. પાટણ કે પિલવાઇ દૂર પડતાં હોય, તો ‘આજ તક’નાં મહિલા પત્રકાર ગોપી ઘાંઘરને પણ ગુજરાતમાં બહેન-દીકરીઓની સલામતી અંગે પૂછી શકાય છે. તેમની પર કોઇ ગામડાગામમાં નહીં પણ ગુજરાતના એકમાત્ર મેગાસીટી અમદાવાદમાં, ધોળે દિવસે આસારામના દસ-પંદર સાધક (નવો અર્થઃ ગુંડા) લાકડીઓ લઇને તૂટી પડ્યા હતા. પોલીસ ક્યાં હતી? શું કરતી હતી-અથવા કરતી ન હતી? કેમ? એવા બધા સવાલો પૂછવાની મનાઇ છે. વિદ્યાર્થીની કે મહિલા પત્રકારની નહીં, સામાન્ય સ્ત્રીની વાત કરવી છે? તો પૂછો અમદાવાદમાં આસારામના આશ્રમની આસપાસના વિસ્તારોમાં રહેતી બહેનદીકરીઓને કે આસારામના ગુંડાઓની ગુંડાગીરી અને મારઝૂડથી તે ગયા શુક્રવારે સલામત રહી શક્યાં હતાં?
બહેન-દીકરીઓની સલામતી અંગેનો ગુજરાતના મુખ્ય મંત્રીનો દાવો ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં એન્ટ્રી તરીકે કામ લાગે એવો છે. સારા ટુચકા તરીકે તેનો કદાચ નંબર લાગી જાય.
એમાં મુખ્ય મંત્રી શું કરે?
સવાલ ફક્ત મુખ્ય મંત્રીનો નથી. સરકારના બીજા મંત્રીઓ, અસંતુષ્ટો, વિપક્ષ અને પોતાની જાતને નેતા ગણાવતા સૌ કોઇનો છે. પરંતુ શરૂઆત સ્વાભાવિક રીતે જ સાડા પાંચ કરોડ ગુજરાતીઓની વાત કરતા મુખ્ય મંત્રીથી કરવી પડે.
મુખ્ય મંત્રીનો ટીકાકાર-સમુદાય કહેશે કે ‘જોયું? જોયું? એમના રાજમાં ગુજરાતમાં વિદ્યાર્થીનીઓનું કેટલું બઘું શોષણ થાય છે!’ અને મુખ્ય મંત્રીપ્રેમને ગુજરાતપ્રેમનો પર્યાય માનતો તેમનો ભક્તસમુદાય કહેશે,‘પાટણ કે પિલવાઇમાં વિદ્યાર્થિનીઓનું શોષણ થાય, તેમાં મુખ્ય મંત્રી બિચારા શું કરે?’ સરકારી પીટીસી કોલેજોમાં વિદ્યાર્થીનીઓનું શોષણ થાય, નર્મદા કેનાલમાં ગાબડું પડે કે સરકારી તંત્રની ભૂલને કારણે સુરત શહેર પાણીમાં ડૂબી જાય- એ બધી બાબતો માટે આ જ સવાલ પૂછી શકાયઃ ‘એમાં મુખ્ય મંત્રી શું કરે? એ જાતે ડેમનું પાણી છોડવા જાય? એ જાતે વિદ્યાર્થીનીઓનું રક્ષણ કરવા જાય? જાતે આસારામના ગુંડા સામે પત્રકારોનું રક્ષણ કરવા જાય?’
ના, કોઇ પણ મુખ્ય મંત્રી કે રાજકારણી પાસેથી આવી અપેક્ષા રાખી શકાય નહીં. સાથોસાથ, એટલું પણ ઉમેરવું પડે કે નૈતિક જવાબદારી જેવી કોઇ ચીજ હોય છે. કંઇ પણ હકારાત્મક થાય કે એવો ભ્રમ ઊભો કરવામાં આવે, ત્યારે સાચોખોટો જશ લેવામાં મુખ્ય મંત્રી પાછા પડે છે? તો પછી અપજશની નૈતિક જવાબદારી પણ એમની જ ન ગણાય?
કાયદો બનાવનારા સાંસદોના ભાવ પચીસ-ત્રીસ-ચાળીસ કરોડ રૂપિયા બોલાતા હોય, એ સમયે ‘નૈતિકતા’ની વાત કરવાનું અવ્યવહારૂ લાગતું હોય તો જવા દો. નૈતિક જવાબદારીની વાત નહીં કરીએ. પણ ધૃણાસ્પદ-શરમજનક ઘટનાઓ બની ગયા પછી ગુજરાતની બહેનદીકરીઓ ફરિયાદ કરે ત્યારે મુખ્ય મંત્રી તેમને નિર્ભય થઇને ન્યાયની લડાઇ લડવા માટેની હિંમત આપી ન શકે? પરંતુ ફરિયાદીની પડખે ઊભા રહેવાનું, તેને ન્યાયની આશા આપવાનું બાજુ પર રહ્યું, મુખ્ય મંત્રી અને તેમની સરકાર જાણે ફરિયાદીની પાછળ પડી ગયાં હોય અને ગમે તે રીતે ફરિયાદનો વીંટો વાળવા માગતાં હોય એવી છાપ પડે છે.
ફરિયાદીઓ અને સાક્ષીઓને ફોડવાની મથરાવટી સરકાર માટે નવી નથી. ફરક માત્ર એટલો કે અગાઉ ૨૦૦૨ની કોમી હિંસાના સંદર્ભમાં મુસ્લિમ ફરિયાદી કે સાક્ષીઓનો વારો હતો. હવે એ જ પદ્ધતિઓનો ઉપયોગ હિંદુ બહેન-દીકરીઓ માટે પણ થાય છે. ‘સઘળી તરકીબો ફક્ત મુસ્લિમોને દાબમાં રાખવા કે તેમને પાઠ ભણાવવા પ્રયોજાઇ રહી છે.’ એવું મુખ્ય મંત્રીના ઘણા સમર્થકો માનતા હતા. એમાંથી ઘણાને હવે દિવ્ય જ્ઞાન થયું હશે કે આપખુદશાહી હિંદુ-મુસ્લિમનો ફરક કરતી નથી. એટલે જ, પાટણ કે પિલવાઇની ફરિયાદી છોકરીઓને કદી એવું લાગતું નથી કે ‘સરકાર અમારી સાથે છે.’ આ મુદ્દે મુખ્ય મંત્રી નૈતિક નહીં, દેખીતી રીતે આરોપીના કઠેડામાં આવી જાય છે. કેમ કે, છેક મુંબઇ જઇને સભાઓ ગજવનારા અને આતંકવાદીઓને ‘ચુન ચુન કે’ મારવાની વાતો કરનારા મુખ્ય મંત્રીની જીભ આસારામના આતંક સામે સીવાઇ જાય છે. પાટણ કે પીલવાઇની વિદ્યાર્થીનીઓની શોષણકથાઓ સાંભળીને તેમનું લોહી ઉકળી ઉઠતું નથી. એટલે, શોષણકાંડના અપરાધીઓને ચુન ચુન કે સજા અપાવવાના ખોંખારા સાંભળવા મળતા નથી.
ફક્ત મુખ્ય મંત્રી જ શા માટે? મંત્રીમંડળમાં બીજા નેતાઓ નથી? બીજા કોઇ નેતામાં એટલી કરોડરજ્જુ બચી નથી કે લોકહિતના મુદ્દે તે લોકોની સાથે, લોકોની વચ્ચે જઇને ઊભા રહી શકે? શરમજનક ઘટનાઓ અટકાવી ન શકે એ સમજ્યા, પણ ફરિયાદીઓને ન્યાયની ખાતરી આપી શકે અને એના માટે છેવટ સુધી લડવાનું પીઠબળ પૂરંુ પાડી શકે, એવા કોઇ નેતા નથી? અને એવા કોઇ નેતાનો અભાવ પ્રજાને સાલતો નથી?

પ્રજાલક્ષી નેતાગીરીનો અભાવ

ગાંધી-રવિશંકર મહારાજ-ઇન્દુલાલ યાજ્ઞિક- ઉછંગરાય ઢેબર-શામળદાસ ગાંધી જેવા નેતાઓ આ જ ગુજરાતમાં થઇ ગયા હશે? અને આ જ પ્રજાએ એવા નેતાઓ પેદા કર્યા હશે? ઇતિહાસમાં લખાયું ન હોય તો માન્યામાં ન આવે. નેતાઓની એ પેઢીને વિદાય થયે હજુ પૂરાં પચાસ વર્ષ પણ વીત્યાં નથી. છતાં, એ બધી વાતો રામાયણ-મહાભારત જેવી - દૂરના ભૂતકાળની અથવા કાલ્પનિક લાગે છે. વાસ્તવિકતા એ છે કે આખી દુનિયા ગાંધી પાસેથી આંદોલન અને ચળવળની પ્રેરણા મેળવે છે, પણ ગાંધીની જન્મભૂમિ ગુજરાતમાં બઘું રાબેતા મુજબ!
વાંક ફક્ત નેતાઓનો જ છે, એવું પણ ન કહેવાય. નેતાઓ છેવટે ચંદ્ર કે મંગળ પરથી ટપકતા નથી. આ જ સમાજમાંથી આવે છે. એટલું જ કે સમાજની જરૂરિયાતો, નબળાઇઓ અને લાક્ષણિકતાઓ સમજવામાં નેતાઓ વધારે પાવરધા હોય છે. એ આવડતના જોરે તે ‘સેફોક્રસી’ (આંકડાશાહી- સૌજન્યઃ આશિષ નાંદી) બની ગયેલી ‘ડેમોક્રસી’ માં આગળ આવી જાય છે.
પ્રજાની મનોદશા એવી હોય છે કે કોઇ નેતા પર વરસી પડે ત્યારે પાછું વાળીને જુએ નહીં. ‘એપલ’ કંપનીનો નવો આઇ-ફોન વાપરવાથી જે ‘ફીલ ગુડ ઇફેક્ટ’ ઊભી થાય, એનું શ્રેય પણ મુખ્ય મંત્રીને આપનારા પડ્યા છે. ગુજરાતમાં સ્વાભાવિક, ક્રમિક પ્રક્રિયા તરીકે જે કંઇ વિકાસ થવાનો હોય, તે વિકાસનું શ્રેય મુખ્ય મંત્રીને આપીને તેમને ગુજરાતના એકમાત્ર ઉદ્ધારક ગણનારા તો ઘણા છે. એ પોતાના ફ્લેટ-ગાડી-રસ્તા-ફ્લાયઓવરથી આગળ વિચારતા થાય, એટલી જ અપેક્ષા રહે છે.
રાજકીય પરંપરાનું અનુસંધાન ન્યાય મેળવવાના નાગરિકોના પ્રયાસને રાજ્ય સરકાર તરફથી ઉત્તેજન મળવાને બદલે તેમની પર સીઘું કે આડકતરૂં દબાણ લાવવામાં આવશે તો અંજામ નક્કી છે. એ અંજામ જોવા પણ મળી રહ્યો છે. સવિનય કાનૂનભંગની પરંપરા હવે ટોળાશાહી અને ટોળાના ન્યાયની હદ સુધી નીચે ઉતરી ચૂકી છે. કોઇ મુદ્દે વિરોધી મત માટેનો અવકાશ ઘટતો જાય છે. આ પરંપરાની શરૂઆત વર્તમાન મુખ્ય મંત્રીએ કરી નથી. ગુજરાત કોંગ્રેસના નવા વરાયેલા અઘ્યક્ષ સિદ્ધાર્થ પટેલના પિતા ચીમનભાઇ પટેલના મુખ્ય મંત્રીપદ હેઠળ ગુંડાઓને રાજ્યાશ્રય આપવાની અને ભિન્નમત પ્રગટ કરનારને ‘ગુજરાતદ્રોહી’ ઠેરવવાની પ્રવૃત્તિ પૂરબહારમાં ખીલી હતી. હાલના મુખ્ય મંત્રી એ પરંપરાનું યથાશક્તિ વહન કરી રહ્યા હોય એવું આસારામ-સ્વાઘ્યાય કે પાટણ-પીલવાઇ જેવા બનાવોમાં તેમના વલણ પરથી જણાય છે.
એ સંજોગોમાં પ્રજાકીય નેતાગીરીના ક્ષેત્રે સંપૂર્ણપણે શૂન્યાવકાશ છે. પ્રજાહિતમાં નિર્ણય લે અને જરૂર પડ્યે પ્રજાને કડવાં સત્ય કહી શકે, છતાં પોતે ‘ગુજરાતના નાથ’ બની ગયાની હવાથી મુક્ત રહે, એવા નેતાની ગુજરાતને તાતી જરૂર છે. એવો નેતા પેદા કરવાની ત્રેવડ રાજકીય પક્ષોમાં નથી હોતી. માત્ર પ્રજા જ એ કરી શકે છે. ગુજરાતની પ્રજા એ કરી શકે છે કે નહીં, તે જોવાનું છે.

No comments:

Post a Comment