Friday, July 18, 2008

જોવા જેવી ફિલ્મઃ ફિફ્ટી- ફિફ્ટી

આપણી ‘મસાલા ક્લાસિક’ સદાબહાર ‘શોલે’ વિશે અનુરાધા ચોપરાએ સરસ ચટપટી ચોપડી લખી છેઃ ‘શોલેઃ ધ મેકિંગ ઓફ એ ક્લાસિક. જાણવાની બહુ ચટપટી હોય અથવા જે જાણવામાં બહુ રસ પડે એવી અનેક નાનીમોટી વાતો તેમણે આ પુસ્તકમાં લખી છે.

દા.ત. ‘જો ડર ગયા, સમઝો મર ગયા’ બોલનારા ગબ્બર અમજદખાનને માંડ આ ફિલ્મમાં ચાન્સ મળ્યો હતો. સંઘર્ષ ચાલતો હતો, પત્ની સગર્ભા હતી અને શરૂઆતમાં કેમેય કરીને ડાયલોગ-ડીલીવરીમાં દમ આવતો ન હતો...‘મહેબૂબા મહેબૂબા’ ગીત ફિલ્મમાં ક્યાંય ન હતું. પ્રિય સીપ્પીસાહેબે સજોડે પરદેશના કોઇ રેસ્ટોરાંમાં એક મોજીલું-મસ્તીલું-થનગનતું ગીત સાંભળ્યું અને તેમને થયું, આ તો આપણામાં ક્યાંક નાખી દેવું જોઇએ. અને તેમણે આ ગીત આર.ડી.ના હવાલે કરી દીઘું. અંગ્રેજી ગીત ન સાંભળતા લોકોએ પણ આ ગીત - ‘સે યુ લવ મી, લવ મી, લવ મી’ - ગાયકઃ ડેમીસ- પૂરતો અપવાદ કરવા જેવો છે. તેમના મોઢેથી ‘અસલ એટલે અસલ’ એવો ઉદ્ગાર નીકળ્યા વિના નહીં રહે.

વાત આડા પાટે ચડી હોય એવું લાગે છે? પણ એવું નથી. કહેવાનો મુદ્દો છે કે અનુરાધા ચોપરા ( તે એનડી ટીવીવાળા વિક્રમ ચંદ્રાની બહેન અને વિઘુ વિનોદ ચોપરાનાં પત્ની) એ એક વાત લખી નથી. તે એ કે ‘શોલે’ના કથાવસ્તુ પર ‘ફિફ્ટી ફિફ્ટી’ની ભારે અસર છે.
‘શોલે’ની જેમ ફિફ્ટી-ફિફ્ટીમાં પણ બે ગુંડા છે. હિંદી ફિલ્મોના પોલીસ અફસરો જેમને ‘છટે હુએ બદમાશ’ કહે છે એવા. બન્ને ગુંડા બચ્ચન-ધર્મીન્દર આણી કું.ની જેમ બહાદુર અને દિલેર છે. બન્ને એકબીજાની સારીએવી ફિલમ ઉતારે છે. સ્ટોરી અમેરિકાની છે, એટલે એકાદ દેશમાં લોકશાહી સ્થાપવાથી ઓછી વાત તો હોય જ નહીં! આ બન્ને બદમાશ બહાદુરોની મદદ એક દેશમાં લોકશાહી સ્થાપવા માટે લેવામાં આવે છે. એ લોકો સ્થાનિક લોકોને સશસ્ત્ર તાલીમ આપે છે અને નાટકીય ઘટનાક્રમને અંગે ધાર્યું ધરણીધરનું (બન્ને હીરોનું) થાય છે. બન્ને ગુંડા એટલી હદે આરાઘ્ય બને છે કે સરમુખત્યારની ચુંગાલમાંથી છૂટેલા દેશવાસીઓ બન્નેની બહાદુરી બિરદાવવા માટે દેશના નવા ચલણી સિક્કા પર તેમનું ચિત્ર મુકે છે.

સિક્કા પરથી યાદ આવ્યું. ભાઇ બચ્ચનની જેમ આ ફિલ્મના બે હીરોમાંનો એક પણ સિક્કો રાખે છે અને વારેતહેવારે ઉછાળે છે. સ્વતંત્ર રીતે મસાલા પ્રોડક્ટ તરીકે આ ફિલ્મ બહુ મઝાની છે. તેમાં ‘શોલે’ની એક ગંગોત્રી સુધી પહોંચ્યાનો આપણો ભાવ ઉમેરાય, એટલે મઝા બેવડાઇ જાય છે.
ઇન્ટરનેટની દયાથી જાણવા મળે છે કે ‘ફિફ્ટી-ફિફ્ટી’નામની ઘણી ફિલ્મો છે. અહીં જેની વાત છે એ ફિલ્મ ૧૯૯૨-૯૩ની છે. તેના ડાયરેક્ટર છે ચાર્લ્સ માર્ટિન સ્મિથ.

1 comment:

  1. ફીફ્ટી-ફીફ્ટી 1992-93માં ઉતરી હોય તો શોલે પર એની અસર કેવી રીતે હોય?

    ReplyDelete