Tuesday, July 01, 2008

ઓબામા, હનુમાનજી અને શંકા-દહન

‘સબકો માલૂમ હૈ ઔર સબકો ખબર હો ગઇ’ એ પ્રકારની વાત છેઃ અમેરિકાના પ્રમુખપદ માટેના મજબૂત દાવેદાર મનાતા ઉમેદવાર બરાક ઓબામા હનુમાનજીના ભગત છે. જુઓ કેટલાંક અંગ્રેજી અખબારોનાં મથાળાં ‘ઓબામા હનુમાનજીના આશીર્વાદ માગે છે’, ‘હનુમાનજી વ્હાઇટ હાઉસમાં’, ‘હનુમાનજી ઓબામાને ચૂંટણીમાંથી પાર ઉતારશે’...‘દીવાર’ના અમિતાભ બચ્ચનની સ્ટાઇલમાં તેમણે ઓબામાના મોઢે એવો સંવાદ મુકવાનો જ બાકી રાખ્યો છે કે, ‘મેરે પાસ હનુમાનજી હૈ.’

આખા મામલામાં ઉત્સાહનો ઉભરો લાગે છે? ઠીક છે. થોડું વાજબી કરીએઃ ઓબામા ભલે હનુમાનભક્ત ન હોય, પણ પ્રમુખપદની ચૂંટણી જીતવા માટે જે ‘લકી’ ચીજવસ્તુઓ સાથે રાખે છે, તેમાં હનુમાનજીની મૂર્તિ પણ છે. આ વાત કોઇ પ્રચારબહાદુર નહીં, પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું સામયિક ‘ટાઇમ’ કહે છે.
હજુ મનમાં શંકા સળવળે છે? હજુ વધારે વાજબી રાખવાનું છે? સારૂં, પણ હવે છેલ્લી વારઃ ‘ટાઇમ’ મેગેઝીને એવું પણ નહોતું લખ્યું કે બરાક ઓબામા હનુમાનના ભગત છે કે હનુમાનની મૂર્તિ રાખે છે. તેણે એવું પણ જાહેર કર્યું ન હતું કે ‘ઓબામા હનુમાનજીના આશીર્વાદ માગે છે’.

અતિશયોક્તિના ઉભરા વગરની સપ્રમાણ સચ્ચાઇ એટલી છે કે ‘ટાઇમ’ની વેબસાઇટ પર, ‘વ્હાઇટ હાઉસ ફોટો બ્લોગ’ વિભાગમાં ૨ જૂનના રોજ ત્રણ તસવીરો મુકવામાં આવી. તેમાં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના મુખ્ય ઉમેદવાર ઓબામા, હિલેરી અને જોન મિકેઇનની ‘લકી’ ચીજો દર્શાવાઇ. તસવીરો અને તેની ફોટોલાઇનમાં જણાવ્યા પ્રમાણે, રીપબ્લિક પક્ષના ઉમેદવાર મિકેઇન નિકલ ધાતુનો એક સિક્કો પોતાની સાથે રાખે છે અને એક ‘લકી’ રબરબેન્ડ કાંડે પહેરી રાખે છે. એમનું એક શુકનવંતું સ્વેટર પણ છે. તેમના મુખ્ય હરીફ ઓબામાની લકી ચીજો છે ઃ ઇરાકના મોરચે રહેલા એક સૈનિકનું બ્રેસલેટ, મેડોના અને બાળક (ઇસુ ખ્રિસ્ત)ની છબી, ‘એ ગેમ્બલર્સ લકી ચીટ’ (જુગારી માટે નસીબવંતી નીવડેલી વસ્તુ), ‘એ ટાઇની મંકી ગૉડ’ (વાનરદેવની ટચૂકડી મૂર્તિ) ...

ઓબામા પાસે રહેતા ‘ટાઇની મંકી ગૉડ’ હિંદુ છે કે નહીં, એવી કોઇ સ્પષ્ટતા, જ્ઞાન કે અજ્ઞાનને કારણે, ફોટોલાઇનમાં કરવામાં આવી ન હતી. હિંદુ સિવાયના કેટલાક ધર્મોમાં પણ વાનર-દેવની વાત આવે છે. ભારત ઉપરાંત ચીન સહિતના ઘણા દેશોમાં પ્રતાપી વાનરનાં ચરિત્ર પ્રાચીન ગાથાઓમાં જોવા મળે છે. એટલે, ‘મન્કી ગૉડ’ હંમેશાં હનુમાન જ હોય, એવું માની લેવાય નહીં. પરંતુ સદીઓ પહેલાં અખાએ કહ્યું હતું તેમ,‘વા વાયો ને નળીયું ખસ્યું...’ ઓબામાની હનુમાનભક્તિની સ્ટોરી એક વાર ચાલી એટલે પછી ચાલી નીકળી. કોઇએ મસ્તી ખાતર કરી, તો કોઇએ હિંદુ સંસ્કૃતિની મહાનતા અને તેના પ્રભાવના લેટેસ્ટ પુરાવા તરીકે સ્ટોરી ચગાવી.

આંખનું કાજળ ગાલે ઘસ્યું
દિલ્હીના સંકટમોચન મંદિરના પૂજારીઓ ઓબામાની કહેવાતી હનુમાનભક્તિના સમાચાર સાંભળીને એવા ગેલમાં આવી ગયા કે તેમણે ઓબામાના વિજય માટે ખાસ હવનની જાહેરાત કરી. પૂજારી બ્રજમોહન ભામાએ કહ્યું કે ‘એક હનુમાનભક્ત આ પૃથ્વી પરનો સૌથી શક્તિશાળી માણસ બનવાનો છે. એટલે અમે તેમને (ઓબામાને) હનુમાનજીની એક મૂર્તિ ભેટ આપવાનું નક્કી કર્યું છે.’ હરખઘેલા પૂજારીઓએ કહ્યું કે,‘હનુમાનભક્ત ઓબામા અમેરિકાના પ્રમુખ બનશે તો ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ઘણો સુધારો થશે.’

દિલ્હીની અમેરિકન એલચી કચેરીના એક અધિકારીએ કહ્યું હતું કે ‘સેનેટર ઓબામા પાસે રહેતી ‘મંકી કિંગ’ની મૂર્તિ હનુમાનની છે કે નહીં, તે અમે જાણતા નથી. પણ અહીંના લોકો એવું માને છે.’ માને છે એટલે કઇ હદે? સંકટમોચન મંદિર દ્વારા ઓબામની જીત માટે યોજાયેલી ખાસ પ્રાર્થના પછી, ઓબામાની પ્રતિનિધિ અને ‘ડેમોક્રેટ્સ એબ્રોડ ઇન્ડિયા’નાં ચેરપર્સન કેરોલીનને બે ફૂટ ઉંચી અને ૧૫ કિલો વજન ધરાવતી, આશરે એકાદ લાખ રૂપિયાની કિંમતની હનુમાનજીની મૂર્તિ અર્પણ કરવામાં આવી. આ ચેષ્ટાના પ્રતિભાવમાં કેરોલીને વિવેકપૂર્વક આભાર માન્યો અને કહ્યું કે ‘હું ઓબામાને તમારી શુભેચ્છાઓ સિવાય બીજું કંઇ પહોંચાડી શકું એમ નથી. કારણ કે અમેરિકાના કાયદા પ્રમાણે કોઇ પણ સેનેટર ૧૦ ડોલર કરતાં વધારે કિંમતની ભેટ સ્વીકારી શકે નહીં.’ (ઓબામા પ્રમુખ બને ત્યારે ખરા, પણ હજુ તે સેનેટર જ છે.)
આ સમાચાર જાણ્યા પછી સંકટમોચન મંદિરના પૂજારીઓએ કહ્યું, ‘હનુમાનજીની મૂર્તિ કેરોલીન નહીં પહોંચાડે તો બીજા કોઇ દ્વારા અમે તેને મોકલવાની વ્યવસ્થા કરીશું. પણ ગમે તે સંજોગોમાં આ મૂર્તિ પ્રમુખપદની આખરી ચૂંટણી પહેલાં અમેરિકા પહોંચાડી દઇશું.’

ઓબામાના હનુમાન કયા?
‘ઓબામા હનુમાનભક્ત કેવી રીતે હોઇ શકે?’ એવી શંકાના જવાબમાં કહેવાય છે કે ‘તેમના જીવનનો થોડો હિસ્સો ઇન્ડોનેશિયામાં વીત્યો હતો. અગ્નિ એશિયાના ઘણા દેશોની જેમ ઇન્ડોનેશિયામાં રામાયણનો પ્રસાર થયો હોવાથી, ઓબામા હનુમાનજી વિશે જાણકારી ધરાવતા હોય એવી પૂરી શક્યતા છે.’ આ દલીલમાં રહેલું તથ્ય સ્વીકારતી વખતે એ પણ યાદ રાખવું જોઇએ કે વાલ્મિકી રામાયણ ભલે અસલી ગણાતું હોય, પણ રામાયણની કથામાં પ્રાંતે પ્રાંતે ફરક જોવા મળે છે. મૂળ કથાબીજ એક સરખું હોવા છતાં પાત્રોનાં નામથી માંડીને પેટાકથાઓમાં મોટા પાયે - અને ક્યારેક તો આંચકાજનક લાગે એવાં - વૈવિઘ્ય જોવા મળે છે. જેમ કે, થાઇલેન્ડમાં ‘રામાયણ’ સામાજિક વારસાનો હિસ્સો ગણાય છે. થોડા સમય પહેલાં થાઇલેન્ડ ગયેલા મિત્ર મૌલિક ચોક્સીના જણાવ્યા પ્રમાણે, એર પોર્ટ પર રાવણનાં મોટાં શિલ્પ મુકવામાં આવ્યાં છે.

થાઇલેન્ડના ‘રામાયણ’માં હનુમાનજી બ્રહ્મચારી નથી. ત્યાંની કથા પ્રમાણે, શ્રી રામ હનુમાનને લંકા સુધીનો સેતુ બાંધવાનું કહે છે, ત્યારે રાવણ મત્સ્યકન્યા સુપર્ણખાને એ સેતુ તોડી નાખવાનો આદેશ આપે છે. મત્સ્યકન્યા અને માછલીઓનું ટોળું આવી પહોંચે છે, પણ મત્સ્યકન્યા અને હનુમાનજી પ્રેમમાં પડે છે અને તેમને એક પુત્ર થાય છે.

આપણા પરિચિત રામાયણમાં આવતી હનુમાનજીના પરસેવાના ટીપાથી ગર્ભવતી બનેલી માછલીના પુત્ર મકરઘ્વજની વાત થાઇલેન્ડમાં જુદા સ્વરૂપે પ્રચલિત છે. એટલું જ નહીં, આ કથાના આધારે તૈયાર થયેલું હનુમાનજી અને મત્સ્યકન્યાનું શિલ્પ પણ, કથાનો ટૂંકસાર ધરાવતા હોર્ડંિગ સાથે, જોવા મળે છે. થાઇલેન્ડની કથાથી કોઇ સ્થાનિક હનુમાનભક્તે દુભાવાની જરૂર નથી. મુદ્દો ફક્ત એટલો જ છે કે ઓબામા ખરેખર હનુમાનજીમાં શ્રદ્ધા ધરાવતા હોય તો પણ, તેમણે હનુમાનજીની કઇ કથા સાંભળી હશે તે કહેવું અઘરૂં છે.

કોણ કોનાથી ધન્ય થાય?
લાખ રૂપિયાનો - અમેરિકાની વાત છે એટલે મિલિયન ડોલરનો- સવાલ એ છે કે ઓબામા ‘લકી’ ચીજ તરીકે ‘મંકી ગૉડ’ની મૂર્તિ સાથે રાખતા હોય, એટલે એ હનુમાનના ભક્ત થઇ ગયા? તેમની લકી ચીજોમાં એક સૈનિકનું બ્રેસલેટ અને જુગારીની લકી આઇટેમ પણ છે. એ બધાનું મહત્ત્વ ‘મંકી ગૉડ’ કરતાં જરાય ઓછું નથી. સાદી ભાષામાં કહીએ તો, આ બધા મનના ખૂણેખાંચરે પડેલી અસલામતીની લાગણી પર કાબુ મેળવવાના ‘ટુચકા’ છે, જેના માટે અંધશ્રદ્ધા સિવાય બીજો કોઇ શબ્દ વાપરી શકાય નહીં. અંગત ધોરણે એને ભલે ‘શ્રદ્ધા’ તરીકે ખપાવવામાં આવે, પણ વિશ્વના સૌથી પાવરફુલ હોદ્દા માટેનો ઉમેદવાર ચૂંટણી જીતવા માટે બૌદ્ધિક પ્રયાસો ઉપરાંત લકી ચીજવસ્તુઓ સાથે રાખવામાં માનતો હોય, તે કહેવાતી આઘુનિકતાની અનોખી તાસીર છે

‘લકી’ ચીજોના પ્રભાવમાં માનનારા માટેની માહિતી એ છે કે ઓબામા સામેની હરિફાઇમાંથી આઉટ થઇ ગયેલાં હિલેરી ક્લિન્ટન પણ લકી ચીજો રાખતાં હતાં. તેમાં પોતાની માન્યતા ઉપરાંત કોઇ શુભેચ્છક તરફથી મળેલી ભેટનો સમાવેશ થતો હતો. લાગે છે કે તેમના નસીબના માઇલેજ વહેલા ખૂટી ગયા.
છેલ્લો મુદ્દોઃ ઓબામા હનુમાનજીના ભક્ત હોય, તેમાં હનુમાનજીનું ગૌરવ વધે કે ઓબામાનું? આપણા હનુમાનભક્તોના હરખ પરથી એવું લાગે છે, જાણે ઓબામાએ હનુમાનજીનું ગૌરવ વધાર્યું! પરદેશમાં મંદિરોની ચેઇન ધરાવતા ઘણા સંપ્રદાયો-ધર્મો અને તેના વડાઓ પણ આ પ્રકારની આવી માનસિકતામાં રહે છે. મંદિરમાં કે ધર્મસ્થાનમાં આવીને વિદેશી હસ્તીએ ધન્યતા અનુભવવી જોઇએ, પણ થાય છે એનાથી ઉલટું. પરદેશી વીઆઇપીનાં પુનિત પગલાંથી પપૂધઘૂઓ ધન્ય થાય છે અને પોતાના ફિરકાની મહાનતાનો છાકો પાડવા માટે વિદેશી હસ્તીઓની મુલાકાતની તસવીરોનો છૂટથી પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે.

હવે આગળ શું? ચૂંટાઇને હોદ્દો ગ્રહણ કરતાં પહેલાં ઓબામા મીની સાઇઝના ડોલચામાં તેલ લઇને હનુમાનજીના મંદિરે જશે? જવાબી ફારસ માટે પ્રમુખપદની ચૂંટણી સુધી રાહ જુઓ.

2 comments:

  1. સરસ. મને પણ હકીકત જાણવાની ઉત્સુક્તા હતી. જવાબ મળી ગયો. ધન્યવાદ.

    ReplyDelete
  2. very good article. thanks urvishbhai.

    ReplyDelete