Tuesday, July 29, 2008

સાવધાન, બોમ્બવિસ્ફોટથી થયેલા નુકસાનનો ફાયદો બીજું કોઇ ન ઉઠાવી જાય

શ્રેણીબઘ્ધ બોમ્બધડાકા- આ શબ્દ અને તેની સાથે સંકળાયેલો ખૌફ ઘણા સમયથી મુંબઇ-દિલ્હીની હદ છોડી ચૂક્યાં હતાં. હવે તે ધડાકાભેર અમદાવાદ મારફત ગુજરાતમાં પ્રવેશ્યાં છે. ધડાકાથી થતી જાનમાલની ખુવારી મોટી હોય છે. સાથોસાથ, પ્રજાના મનમાં ભયની વૃત્તિ ઘર કરી જાય અને લોકો ઉચાટમાં જીવતા થઇ જાય એ નુકસાન પણ નાનું નથી હોતું. ઉચાટગ્રસ્ત અને અસલામત મનોદશા ધરાવતી પ્રજાને તમામ પ્રકારના નેતાઓ બહુ સહેલાઇથી પોતાના ફાયદામાં વાળી શકે છે. પ્રજાકીય હિતને માથે તોળાતા આ જોખમ સામે ક્યાંય રેડ એલર્ટ જાહેર કરવામાં આવતી નથી. એટલા માટે એ વધારે ખતરનાક છે.

બોમ્બધડાકાનો બેવડો ફટકો
બોમ્બધડાકા જેવી ઘટના બને એટલે સૌથી મોટું નુકસાન નાગરિકોના જીવનું હોય છે. ભારત જેવા દેશમાં નાગરિકોના જીવની ‘કિંમત’ બહુ હોતી નથી. ગરીબોના જીવની તો લગભગ નહીંવત્. મૃતકો વિશે બીજા લોકો આંકડાની રીતે વિચારે છેઃ ‘ત્રીસ-ચાળીસ બહુ ન કહેવાય. સો-દોઢસો હોય તો મામલો ખરેખર ગંભીર કહેવાય.’ હકીકતમાં એક મૃત્યુ થાય તો પણ એક આખો પરિવાર ભાંગી પડે એવું બની શકે છે. બીજું નુકસાન જાહેર અને ખાનગી સંપત્તિનું હોય છે. ઉપરાંત માનસિક આઘાત પણ ખરો.

આટલા બધા મોરચે ફટકા પડ્યા હોય, ત્યારે શાણપણ એમાં છે કે ખાતર પર દીવો ન થાય. જેટલું નુકસાન થઇ ચૂક્યું છે, તેની પાછળ વધારે નુકસાન ન થવા દઇએ, પ્રજાને થયેલા નુકસાનમાંથી બીજું કોઇ ફાયદો ઉઠાવવાની કોશિશ કરે તો તેને સફળ ન થવા દઇએ, તેને ઉત્તેજન ન આપીએ અને તેના ચગડોળે ન ચડીએ. પહેલી નજરે સરકારી સૂચના જેવી લાગતી આ વાત ઠંડા કલેજે વિચારવા જેવી છે. કારણ કે અમદાવાદમાં વિસ્ફોટોને કારણે થયેલી ખુવારી પછી, તેના ‘આફટરશોક’ જેવા વધારાના નુકસાનનો દૌર ચાલુ થઇ શકે છે.
ધડાકા અમુક પક્ષે કરાવ્યા કે તમુક બાવાએ કરાવ્યા, એવાં અનુમાનો ઉછાળવાનો આ સમય નથી. કેમ કે, એવા આરોપ કદી અટકળ કે ગુસપુસથી આગળ વધી શકતા નથી. તેમની સચ્ચાઇ વિવાદાસ્પદ રહેતી હોવાથી એમાં સમય બગાડવાનો અર્થ નથી. પ્રજાકીય દ્રષ્ટિકોણથી જરા જુદી રીતે આ બાબતનો વિચાર કરી શકાયઃ અમદાવાદના બોમ્બવિસ્ફોટોથી કોને કોને ફાયદો મળી શકે એમ છે? અને એ લોકો બોમ્બસિફોટ જેવી કરૂણ ઘટનાનો ફાયદો ખાટી ન જાય, તે માટે આપણે શું કરી શકીએ?
કોને ફાયદો?
‘બોમ્બધડાકાનો ફાયદો? એ કેવી રીતે લેવાય?’ એવું પૂછવા જેટલું ભોળપણ હવે લોકોમાં રહ્યું નથી. એટલે સીધા મુદ્દાની વાત પર આવીએ. સવાલ એ નથી કે ‘બોમ્બધડાકામાંથી કોણ કોણ ફાયદો લેવા માગે છે?’ જાગ્રત નાગરિક તરીકે વિચારવાની વાત એ છે કે ‘બોમ્બધડાકાથી કોને કોને ફાયદો થઇ શકે? અને કેવી રીતે?’

ગુજરાત સિવાય બીજું કોઇ પણ રાજ્ય હોત, તો ધડાકાનો ફાયદો મેળવનારની યાદીમાં સૌથી પહેલું નામ વિરોધપક્ષનું આવ્યું હોત. સામાન્ય રિવાજ પ્રમાણે, જેના શાસનમાં બોમ્બધડાકા થાય તે મુખ્ય મંત્રી અને સરકાર પર વિપક્ષો નિષ્ફળતાનો આરોપ મુકે છે. આ રિવાજ માટે મુખ્યત્વે પ્રજા પ્રત્યેની નિસબત નહીં, પણ હરીફને ભીડાવવાની વૃત્તિ કારણભૂત હોય છે.

પણ ગુજરાતમાં અવળી ગંગા (કે નર્મદા) છે. ગુજરાતમાં બઘું ધડાકાભડાકા વગર સમુંસૂતરું ચાલે, તો મુખ્ય મંત્રી શાંતિ જાળવી રાખ્યાનો જશ મેળવે છે અને બોમ્બધડાકા થાય તો તે આતંકવાદીઓનું નિશાન બનવા બદલ સહાનુભૂતિ અને ‘આતંકવાદીઓને (પકડ્યા પહેલા) નહીં છોડીએ’ની વાતો કરીને અહોભાવ ઉઘરાવી શકે છે.

છેલ્લા થોડા સમયથી ગુજરાતના મુખ્ય મંત્રી કદાચ અત્યારના સુધીના તેમના શાસનકાળનો સૌથી કપરો સમય વીતાવી રહ્યા છે. તેમની પર રાજકીય આફતો ઘણી આવી ને ગઇ, પણ પ્રજાકીય વિશ્વાસનું સ્તર આટલું નીચું કદી ગયું નથી. આસારામના મુદ્દે મૌન, ઢીલાશ અને પ્રજાને બદલે પ્રજા પર હુમલો કરનાર આસારામ એન્ડ કંપનીને રક્ષણ પૂરું પાડવાના મુખ્ય મંત્રીના વલણથી તેમના ઘણા ચુસ્ત સમર્થકો પણ નારાજ થયા છે. તેમનો અહોભાવ સાવ ઓસરી ગયો નથી. પણ સાડા પાંચ કરોડ ગુજરાતીઓના હિતનો દાવો કરતા મુખ્ય મંત્રીનું આ સ્વરૂપ જોઇને તેમને લાગે છે કે ‘આસારામ મુદ્દે પ્રજાહિત અને લોકલાગણીની ધરાર અવગણના મુખ્ય મંત્રી કેવી રીતે કરી શકે?’ આમ, આસારામની સાથોસાથ મુખ્ય મંત્રી પણ પ્રજાના રોષનું કેન્દ્ર બની રહ્યા હતા. બોમ્બધડાકા પછી એ કેન્દ્ર બદલાય અને પ્રજાનો સઘળો રોષ ત્રાસવાદીઓ તરફ, પોટાનાબૂદી તરફ અને અફઝલ ગુરુની ફાંસી જેવા મુદા તરફ કેન્દ્રીત થઇ જાય, તો આસારામ પ્રકરણમાં મુખ્ય મંત્રીની પ્રજાવિરોધી ગણાયેલી ભૂમિકા વિસરાઇ જાય.

આસારામના કહેવાતા સાધકોના ત્રાસ, અત્યાચાર અને ગોરખધંધાના મુદ્દે, ઘણા વખત પછી અમદાવાદમાં અને ગુજરાતમાં લોકોના વિરોધનું મજબૂત વાતાવરણ જામ્યું હતું. પ્રજાનો મિજાજ એટલી હદે ઉગ્ર બન્યો હતો કે ગાંધીનગર જઇને મુખ્ય મંત્રીના હાથે પારણાં કરી આવેલા મૃત બાળકના પિતાને મુખ્ય મંત્રી સાથે કરેલું સમાધન ફોક કરીને ઉપવાસ ચાલુ રાખવા પડ્યા. અઘ્યાત્મના અંચળા હેઠળ ચાલતી આસારામ એન્ડ કંપનીની દાદાગીરી સામે વર્ષોથી ખદબદતો રોષ છેવટે બહાર આવ્યો હતો. આસારામ અમદાવાદથી દિલ્હી પહોંચે ત્યાર પછી જ અમદાવાદ આશ્રમમાં પોલીસની ફોજ ઉતારવા જેવી સરકારી નીતિ છતાં, આસારામની પ્રવૃત્તિઓ પ્રત્યે લોકોના રોષની ભીંસ મજબૂત બની રહી હતી.
- અને બોમ્બધડાકા થયા.

હવે અત્યાર સુધી ઊભો થયેલો લોકજુવાળ બહારના અજ્ઞાત ત્રાસવાદીઓ તરફ ફંટાઇ જશે? એવું થાય તો ધડાકાનો સૌથી મોટો ફાયદો આસારામને થશે. બોમ્બધડાકાનું નુકસાન પ્રજાએ વેઠ્યું. હવે એ નુકસાનનો ફાયદો આસારામને થવા દેવો કે નહીં, તે પ્રજાએ નક્કી કરવાનું છે.

ત્રાસવાદવિરોધનું રાજકારણ અને વાસ્તવિકતા
ત્રાસવાદી હુમલા થાય ત્યારે નેતાઓને પ્રજાની ચિંતા કરતાં પોતાના પક્ષને બચાવવાની અને વિપક્ષોને દોષી ઠરાવવાની તાલાવેલી વધારે હોય છે. ત્રાસવાદ નાથવો એ કોઇ રાજકીય પક્ષનું નહીં, પણ રાજકારણથી પર એવું રાષ્ટ્રિય કક્ષાનું કામ છે. છતાં, ત્રાસવાદી હુમલાની ડમરી શમે તે પહેલાં રાજકારણ ખેલાવાનું શરૂ થઇ જાય છે. કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર હોય કે ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર, કોઇએ ત્રાસવાદને નાથવામાં બીજાને ભાંડી શકાય એવું કશું પોતે ઉકાળ્યું નથી. હકીકતમાં, એકબીજાને ભાંડવાની વૃત્તિને કારણે જ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે યોગ્ય સંકલન સધાઇ શકતું નથી. પરિણામે ત્રાસવાદીઓને ફાવતું જડે છે. આટઆટલા ત્રાસવાદી હુમલા છતાં એકેય પક્ષ રાજકીય મતભેદ ભૂલવા જેટલી પુખ્તતા બતાવી શક્યો નથી, એ ત્રાસવાદી હુમલા જેટલી જ અફસોસની વાત છે.
ત્રાસવાદી હુમલા કોઇ રાજકીય પક્ષ પર નહીં, પણ દેશ પર અને દેશની પ્રજા પર થાય છે. પ્રજાનું મનોબળ તૂટી જાય અને તે દહેશતમાં જીવતી થઇ જાય, એ ત્રાસવાદીઓનો મુખ્ય હેતુ હોય છે. સામસામી આરોપબાજી કરીને રાજકીય પક્ષો પોતાની રીતે ત્રાસવાદનાં મૂળીયાં મજબૂત કરવામાં ફાળો આપે છે.

ત્રાસવાદી હુમલામાંથી રાજકીય પક્ષો એન્કાઉન્ટર જેવી ગુનાખોરી કે મુસ્લિમો પ્રત્યેનો દ્વેષ વાજબી ઠેરવવા જેવા રોટલા શેકી લે છે. વર્તમાન મુખ્ય મંત્રીના રાજમાં બાજુ પર હડસેલાઇ ગયેલા ભૂતપૂર્વ હિંદુહિતરક્ષકો નવેસરથી ધિક્કારનું રાજકારણ ખેલવા મેદાને પડે છે. બોમ્બવિસ્ફોટમાં થયેલા નુકસાન પછી, પોતાનો ધંધો કરવા ઈચ્છતા નેતાઓને આપણી હાલાકીમાંથી ફાયદો ઉઠાવવા દેવો કે નહીં તે પણ પ્રજાએ નક્કી કરવાનું છે.

ત્રાસવાદ સામેની લડાઇ લાંબી છે. પ્રજામાં આંતરિક અવિશ્વાસ હોય ત્યાં સુધી એ લડાઇ અસરકારક રીતે લડી શકાતી નથી. પ્રજાના સમુહો વચ્ચે અવિશ્વાસ વધારનારા નેતાઓ એક રીતે ત્રાસવાદીઓના મદદગાર બને છે. પોલીસ અને ઈન્ટેલીજન્સની પૂરી ક્ષમતાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાને બદલે, મહદ્ અંશે પોતાના ફાયદા માટે એ તંત્રનો ઉપયોગ કરનારા નેતાઓ ત્રાસવાદી સામે લડાઇના ખોંખારા ખાય ત્યારે તેમનો અભિનય જોવાલાયક હોય છે.

અમદાવાદમાં બોમ્બધડાકા કરનારાએ આતંક ફેલાવવાનો હેતુ સિદ્ધ કરી લીધો છે. હવે એ જ ધડાકામાંથી બીજા કોણ કેવી રીતે ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે, એ જોવા-જાણવા બહુ રાહ નહીં જોવી પડે.

2 comments:

  1. Very timely and thoughtful article-Thanks.

    ReplyDelete
  2. Anonymous12:41:00 AM

    vicharva jevi vaat kahi.....lekkh ni sharuat uttam.....Urvishji.

    ReplyDelete