Tuesday, September 06, 2016

ધર્મસંસ્થા, સમાજ અને નાગરિકી સ્વતંત્રતા

ગરીબોની સેવાને ધર્મકાર્ય ગણીને તેમાં જીવન સમર્પીત કરી દેનારાં મધર ટેરેસા હવે ‘સંત ટેરેસા’ (અંગ્રેજીમાં સેઇન્ટ ટેરેસા) તરીકે ઓળખાશે. ખ્રિસ્તી ધર્મના રોમન કેથલિક સંપ્રદાયની લાંબી વિધી પૂરી કર્યા પછી વેટિકન સિટીસ્થિત વડા, પોપે તેમને સંત જાહેર કર્યાં. ઘણા ખ્રિસ્તી-બિનખ્રિસ્તી લોકોના મનમાં તો મધર જીવતેજીવ ઉચ્ચ સ્થાન મેળવી ચૂક્યાં હતાં. તેમની ઓળખાણમાં જોડાયેલો ‘સંત’ શબ્દ હવે સત્તાવાર આધ્યાત્મિક દરજ્જાનો પણ સૂચક બની રહેશે.

રોમન કેથલિક સંપ્રદાયમાં સત્તાવાર રીતે સંતનો દરજ્જો એમને જ મળે, જેમણે ચમત્કાર કર્યા હોવાનું (ધર્મસત્તાધીશો સમક્ષ) પુરવાર થાય. સાદી સમજ પ્રમાણે, દીનદુઃખિયાંની નિઃસ્વાર્થ સેવા કરવામાં ધર્મ સમાઇ જાય છે, પણ ધર્મસંસ્થાઓનાં માળખાં માટે એટલું પૂરતું થતું નથી. તેમના ચમત્કારપ્રેમની અને તેની પાછળ રહેલી અંધશ્રદ્ધાની ટીકા કરવામાં આવે ત્યારે ધાર્મિકજનો એને ધર્મની ટીકા ગણીને દુઃખી થાય છે. વિચારવા જેવો સવાલ એ છે કે કોઇ પણ ધર્મનું નીચું ક્યારે દેખાય? અંધશ્રદ્ધા કે ભપકાબાજીને માનવસેવા કરતાં ચડિયાતાં ગણવામાં આવે ત્યારે? કે માનવસેવાને સર્વોચ્ચ ગણવામાં આવે ત્યારે?

ધર્મના વ્યાપક અર્થ વિશે રસપ્રદ વાત વિખ્યાત ગુજરાતી લેખક-ગણિતજ્ઞ અને ખ્રિસ્તી પાદરી ફાધર વાલેસે કરી હતી. 2011માં ગુજરાત આવેલા ફાધરે ગુજરાતી ભાષામાં ધર્મની વિવિધ અર્થચ્છાયાઓ સમજવા માટેનું ચાવીરૂપ વાક્ય કહ્યું હતું,’મારો ધર્મ મારો ધર્મ (સ્વ-ભાવ) બને એ મારો ધર્મ (ફરજ) છે.’ અને તેનું અંગ્રેજી આ રીતે સમજાવ્યું હતું : માય રિલીજીઅન ધેટ બીકમ્સ માય નેચર ઇઝ માય ડ્યુટી. તેમણે કહ્યું હતું, ‘ધર્મ એટલે ફક્ત કાયદાથી, આજ્ઞાઓથી, બહારથી આવેલું વજન નહીં, પણ જે સ્વાભાવિક અને નૈસર્ગિક થઇ પડે એ જ મારો ધર્મ.’ કબીરનું પદ ‘સહજ સમાધિ ભલી’ ટાંકીને એમણે કહ્યું, ‘બહુ સાધના-તપશ્ચર્યા કરીએ એના કરતાં ખરો ધર્મ હૃદયમાંથી નીકળે, પ્રકૃતિમાંથી આવે. એ ઉપરથી નહીં, અંદરથી આવેલો હોવો જોઇએ. એ રીતે અર્થ કરીએ તો ધર્મમાં આખું જીવન આવી જાય.’  ધર્મની આ સમજ સાથે ધર્મસંસ્થાઓની વાડાબંધીનો ક્યાં મેળ ખાય?

ધર્મનો મામલો પેચીદો હોય છે. સૌથી પહેલાં તો ધર્મ અને ધર્મસંસ્થા વચ્ચેનો ભેદ પાડવો જરૂરી છે. કોઇ પણ ધર્મ-સંપ્રદાયની સંસ્થા ધર્મના સંપૂર્ણ અમલનો અને પોતાને ત્યાં બધું જ ધર્મ અનુસાર થતું હોવાનો દાવો કરી શકે નહીં --અને એ કરે તો માની શકાય નહીં. કારણ કે ધર્મ તેના મૂળ સ્વરૂપે બહુ વિશાળ અને સર્વવ્યાપી બાબત હોય છે. કોઇ એક લક્ષણ, સૂત્ર, કાર્ય, વિધી કે નિષેધમાં સમાઇ જાય ને તેના ભંગથી જોખમાઇ જાય એટલો ‘નાજુક’ તે હોતો નથી. એકેય ધર્મ-સંપ્રદાયમાં સંપત્તિનું સર્જન કરવાનું કે લોકો ભૂખે મરતા-બિમારીથી પીડાતા હોય ત્યારે ભપકાદાર ધર્મસ્થાનો ઊભાં કરવાનું લખ્યું હોય? અને લખ્યું હોય તો તેને ધર્મ કહેવાય? પણ હા, ધર્મસંસ્થા ધર્મના પ્રચારપ્રસારના નામે આ બધું કરી શકે અને તેને ‘ધર્મ માટે જરૂરી’ પણ ગણાવી શકે.

ઘણી વાર ધર્મસ્થાનો કોર્પોરેટ ઓફિસની ગરજ સારે છે. તેમની ભવ્યતા પરથી સરેરાશ સંસારી લોકો સંબંધિત ધર્મ-સંપ્રદાયની સદ્ધરતાનો અંદાજ બાંધે છે—અને ધર્મસંસ્થાઓને તેનો વાંધો પણ નથી હોતો. બલ્કે, ઘણુંખરું એ જ હેતુથી ટેકનોલોજી, નાણાં અને માનવશક્તિનો અઢળક ઉપયોગ કરીને આવાં સ્થાન ઊભાં કરવામાં આવે છે. ધર્મ જ્યારે ધર્મસંસ્થાનું સ્વરૂપ ધારણ કરે, ત્યારે ધર્મની ફરજો પર મોટે ભાગે સંસ્થાના તકાદા સવાર થઇ જાય છે. અસરકારક વહીવટ ધર્માચરણની જગ્યાએ ગોઠવાઇ જાય છે અને ભલભલા લોકોને તે પ્રભાવિત પણ કરી જાય છે. ધર્મસત્તાધીશો અને તેમના પગલે અનુયાયીઓ આવા સંસ્થાકીય તકાદાઓને ધર્મના પ્રચાર માટે અનિવાર્ય જ નહીં, ધર્મ્ય પણ ગણતા થઇ જાય છે.

ભારતમાં વંચિતોની કાળજીનું અને મનુષ્યકેન્દ્રી ધાર્મિકતાનું યાદગાર મોડેલ ગાંધીજીએ પૂરું પાડ્યું હતું. તેમના સમયમાં કોઇ પણ ગણવેશધારી ધર્મધુરંધર કરતાં ગાંધીજીનું નૈતિક વજન અને પ્રભાવ વધારે હતાં. એટલું જ નહીં, ધર્મના કંઠીબંધા લોકો ગાંધીજી સાથે દલીલમાં ઉતરતા, ત્યારે તે વામણા લાગતા હતા. જુદા જુદા તબક્કે અને મુદ્દે ગાંધીજીને હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી એવા બધા ધર્મોના ધુરંધરો-રૂઢિચુસ્તોનો આમનોસામનો કરવાનો આવ્યો અને મોટા ભાગના પ્રસંગોમાં ગાંધીજીની ધર્મવિષયક સમજ વધારે વાસ્તવિક, વધારે માનવકેન્દ્રી જણાઇ. સ્વામી આનંદ જેવા બાકાયદા દીક્ષા લેનાર ભગવાંધારી સાધુએ રાષ્ટ્રસેવા માટે જોડાવાની વાત કરી, ત્યારે ગાંધીજીએ તેમનાં ભગવાં ઉતરાવી નાખ્યાં. ત્યાર પછી આજીવન સ્વામીએ સફેદ પોશાક અપનાવ્યો. ગાંધીજી એ કરી શક્યા. કારણ કે તેમને ધર્મસત્તા ઊભી કરવાની ન હતી. એ બરાબર સમજતા હતા—અને સ્વામીને પણ એ સમજાવી શક્યા—કે ભારતમાં ભગવાં કપડાં પહેરનારા લોકોની સેવા કરી શકતા નથી, લોકો તેમની સેવા કરે છે.

ધર્મની સમજ દીવાલો ધરાશાયી કરવાને બદલે દીવાલો ઊભી કરે, ત્યારે રૂઢિચુસ્તતા અને વ્યક્તિગત સ્વતંત્રતાનો વિરોધ દૃઢ થાય છે. મુસ્લિમ સ્ત્રીને ત્રણ વાર તલાક બોલવાથી છૂટાછેડા આપી શકાય એવા, ‘ટ્રીપલ તલાક’ના રિવાજ અંગે સર્વોચ્ચ અદાલતમાં ચાલતો કાનૂની જંગ એનું એક ઉદાહરણ છે. કેટલીક મુસ્લિમ મહિલાઓએ ટ્રીપલ તલાકના રિવાજને સ્ત્રીવિરોધી અને વ્યક્તિની સ્વતંત્રતાનો વિરોધી લેખાવીને તેને નાબૂદ કરવાની માગણી કરી છે. પરંતુ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સર્વોચ્ચ અદાલતમાં કરેલા સોગંદનામામાં કુરાન અને શરિઅતને ટાંકીને ટ્રીપલ તલાકના રિવાજનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે ‘દંપતિ વચ્ચે ગંભીર મતભેદ ઉભા થાય અને પતિ સાથે રહેવા ન જ ઇચ્છતો હોય તો સમય અને રૂપિયાના બગાડ જેવી કાનૂની વિધીથી ખચકાઇને તે કાયદેસર છૂટાછેડા ન લે એવું બની શકે. ત્યાર પછી એ ગેરકાયદે રસ્તા અપનાવે અને સ્ત્રીની હત્યા કરવા સુધી જઇ શકે.’ દેખીતાં કારણોસર ફરિયાદી મુસ્લિમ મહીલાઓએ પર્સનલ લો બોર્ડની દલીલોને પિતૃસત્તાક, અમાનવીય અને અન્યાયી ગણાવી છે. તેમણે કહ્યું છે કે બીજા અનેક મુસ્લિમ દેશોમાં પણ આવી જોગવાઇ નથી.

આ મુદ્દે રૂઢિચુસ્તો પાસે કશો તાર્કિક જવાબ નથી. એટલે તે કુરાન અને શરિઅતને અફર ગણાવીને, આ રિવાજને તેમના ધાર્મિક મામલા ખપાવવા અને તેને કાયદાથી પર રાખવા રજૂઆતો કરી રહ્યા છે. (પારસીઓની જેમ) ઇસ્લામ કોઇ રીતે ખતરામાં આવી પડે એવી સંખ્યાત્મક લઘુમતીમાં નથી, એ મુદ્દો બાજુ પર રાખીએ તો પણ, આધુનિક સમયમાં બંધારણદીધી સમાનતા અને (બીજાને નુકસાન ન થતું હોય એ હદમાં રહીને) વ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર કોઇ પણ ધર્મપુસ્તક કરતાં ચડિયાતાં ગણાવાં જોઇએ.
ટ્રિપલ તલાકની નાબૂદીથી ઇસ્લામનું હાર્દ જોખમાશે, ચમત્કારોના વિરોધથી રોમન કેથલિક સંપ્રદાયને હાનિ પહોંચશે કે અંધશ્રદ્ધા-જ્ઞાતિવાદી ભેદભાવનો વિરોધ એ હિંદુ ધર્મનો વિરોધ છે, એવી માન્યતાઓ સંબંધિત ધર્મ-સંપ્રદાયનો મહિમા ઘટાડે છે કે વધારે છે? વિચારી જોજો. 

1 comment:

  1. "ભારતમાં વંચિતોની કાળજીનું અને મનુષ્યકેન્દ્રી ધાર્મિકતાનું યાદગાર મોડેલ ગાંધીજીએ પૂરું પાડ્યું હતું. તેમના સમયમાં કોઇ પણ ગણવેશધારી ધર્મધુરંધર કરતાં ગાંધીજીનું નૈતિક વજન અને પ્રભાવ વધારે હતાં. એટલું જ નહીં, ધર્મના કંઠીબંધા લોકો ગાંધીજી સાથે દલીલમાં ઉતરતા, ત્યારે તે વામણા લાગતા હતા. જુદા જુદા તબક્કે અને મુદ્દે ગાંધીજીને હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી એવા બધા ધર્મોના ધુરંધરો-રૂઢિચુસ્તોનો આમનોસામનો કરવાનો આવ્યો અને મોટા ભાગના પ્રસંગોમાં ગાંધીજીની ધર્મવિષયક સમજ વધારે વાસ્તવિક, વધારે માનવકેન્દ્રી જણાઇ. સ્વામી આનંદ જેવા બાકાયદા દીક્ષા લેનાર ભગવાંધારી સાધુએ રાષ્ટ્રસેવા માટે જોડાવાની વાત કરી, ત્યારે ગાંધીજીએ તેમનાં ભગવાં ઉતરાવી નાખ્યાં. ત્યાર પછી આજીવન સ્વામીએ સફેદ પોશાક અપનાવ્યો". આનાથી આગળ અન્ય કોઈ તર્ક/દલીલની અહીં જરૂર જ નથી. ઉર્વીશભાઈ, એકદમ સચોટ!

    ReplyDelete