Saturday, September 17, 2016
કડીવાળી ખુરશીઓ ને જાળીવાળી સભાનું ગુજરાત મોડેલ
કવિતાઓમાં કાનુડાને કે પોતપોતાના કાનુડાને પાલવડે બાંધવાની
વાત બહુ જાણીતી છે. પણ ગુજરાતમાં ભાજપને પાલવનું બંધન પૂરતું લાગતું નથી--અથવા
પાલવ જેવા નાજુક બંધન પર ભરોસો રાખવાનું પાલવે એમ નથી. એટલે ભાજપી મહાનેતાઓ તેમના
કાર્યક્રમોમાં સ્ટેજ આગળ જાળીઓ ઊભી કરે છે, તેમના કાર્યક્રમોમાં ખુરશીવિવાહ કરાવવામાં આવે છે--એટલે કે, ખુરશીઓને એકબીજા સાથે મજબૂત કડીથી બાંધી
દેવામાં આવે છે. આશય એટલો કે કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શનના ભાગરૂપે કોઇને ખુરશી
ઉછાળવાની ઇચ્છા થાય, તો તેણે એકલદોકલ
ખુરશી નહીં, ખુરશીઓની આખી
હરોળ જ ઉપાડવી અને ઉછાળવી પડે. જાળીવાળું દૃશ્ય પ્રમાણમાં વધારે દર્શનીય હોય છે.
જાહેર સભાઓનું આ ‘ગુજરાત મોડેલ’ લોકપ્રિય અને સ્થાયી બનશે, તો ઘણાં માબાપ પોતાનાં બાળકોને પ્રાણી
સંગ્રહાલયને બદલે જાહેર સભાઓમાં લઇ જશે અને કહેશે, ‘જો બેટા, જાળીની પાછળ
સ્ટેજ પર પેલા દેખાય છે તે રાજ્યના નેતા ને એની બાજુમાં બેઠા છે એ રાષ્ટ્રીય નેતા.’ અને ગુજરાતનું સંતોષી બાળક જાળી પાછળ એશિયાઇ
હાથી ને આફ્રિકન હાથી જોવાને બદલે,
રાજ્યના ને
રાષ્ટ્રીય નેતાઓથી સંતોષ માની લેશે.
પહેલાંના વખતમાં અદાલતોનાં પ્રાંગણમાં વકીલો ને તેમના
સહાયકો પોતપોતાની ખુરશીઓ સાંકળ વડે બાંધી રાખતા હતા. કેટલીક ઓફિસોમાં, માણસને ખુરશીની કિંમત સમજાય એવા પવિત્ર હેતુસર, માણસ કરતાં ઓછી ખુરશીઓ રાખવામાં આવતી હતી. અમુક
પ્રકારના રાજનેતાઓને, કુલપતિઓને અને
બીજા સત્તાધીશોને પણ લાગતું હતું કે તેમની ખુરશીને મજબૂત સાંકળે બાંધી દેવી જોઇએ, જેથી તેને કોઇ ડગાવી ન શકે. પરંતુ હવે ભાજપી
નેતાગીરીને પાટીદારોના વિરોધથી એટલી અસલામતી લાગે છે કે તેમને ખુરશીઓ બાંધવી પડે
છે ને જાળીઓ ઉભી કરવી પડે છે.
ભાજપના સલાહકારો આ જ તરાહ પર વિચારતા રહેશે તો નજીકના
ભવિષ્યમાં ભાજપી નેતાઓ વિશાળ પાંજરાંમાં ઊભા રહીને જાહેર સભાઓ સંબોધતા જોવા મળશે
અને ચૂંટણીપ્રચાર માટે લોકો વચ્ચે ફરવું પડે ત્યારે કામ લાગે એવાં સ્ટાઇલીશ
પાંજરાં તૈયાર કરાવશે. વડાપ્રધાનની સ્ટાર્ટ અપ યોજના અને ડિજિટલ ઇન્ડિયા યોજનાઓ
અંતર્ગત સ્માર્ટ પાંજરાં બનાવવાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપી શકાય. પાંજરાના સળીયા
કેસરી રંગના રાખવાથી પક્ષનો પ્રચાર પણ થાય ને પ્રચારકનું રક્ષણ પણ થાય. પાંજરામાં
બે સળીયા વચ્ચે બહુ જગ્યા હોય તો જોકે મુશ્કેલી થઇ શકે. તેને નિવારવા માટે જાળીની
વ્યવસ્થા પણ ગોઠવી શકાય.
બધા નેતાઓને બિચારાને ઝેડ પ્લસ સુરક્ષા કે હોલોગ્રામના
ખર્ચા શી રીતે પરવડે? અને ખર્ચાનો સવાલ
ન હોય તો પણ, વડાપ્રધાનના વાદ
કરીને બિચારા જાય ક્યાં?
Labels:
bjp,
gujarat politics,
humor-satire/હાસ્ય-વ્યંગ
Subscribe to:
Post Comments (Atom)
Hahahaha
ReplyDeleteતુલસી વિવાહ ખબર હતી, હવે ખુરશી વિવાહ પણ જોવાના દિવસો આવ્યા! આ લેખમાંના તમારા આઈડિયા કેટલી રોજગારી ઉભી કરી આપનારા નીવડશે એ જાણ થતાં જ તમને સ્ટાર્ટ અપ પ્રવર્ધક બોર્ડનું અધ્યક્ષપદ ઓફર થશે. વળી એનો ફાયદો એ કે સાથે જ તમારા ચાબખા ય ઢીલા પડશે!
ReplyDelete