Monday, September 05, 2016

ડેટાગીરી’નું ભાવિ: ખુલ જા ‘સિમ’ ‘સિમ’

મોબાઇલના બજારમાં ભાવઘટાડાનું મહાભારત યુદ્ધ શરૂ થયું છે, તેમાં કૌરવો કોણ ને પાંડવો કોણ, સવાલ નથી અથવા ગ્રાહકો માટે સવાલ ગૌણ છે. કૌરવ-પાંડવ-કૃષ્ણની પંચાતમાં પડ્યા વિના ગ્રાહકો તો એક સવાલ પૂછે છે કે આપણને ક્યાં સૌથી વધારે ફાયદો છે?’ લેટેસ્ટ ફોર-જી સેવાની જાહેરાતમાં કંપનીએ વોઇસ કોલને મફત જાહેર કરી દીધા છે. મતલબ, અત્યારે બાળક એવાં લોકો દસ-પંદર વર્ષ પછી પોતાનાનોસ્ટાલ્જિયાવિશે વાતો કરતાં હશે--એટલે કે ભૂતકાળ વાગોળતાં હશે (હા,ફોન-ફોટોગ્રાફી અને સોશ્યલ મિડીયાના યુગમાં અઢાર વર્ષના લોકો પણ ભૂતકાળ વાગોળી શકે છે) ત્યારે લોકો પોતાનાથી નાનાંઓને કહેશે, ‘તમને લોકોને શું ખબર પડે? અમે તો એવો જમાનો જોયો છે, જ્યારે મોબાઇલ ફોન કરવાના પણ રૂપિયા થતા હતા. એટલું નહીં, ફક્ત વાતો ને એસ.એમ.એસ. કરનારા લોકોનાં ફોન બિલ હજાર-બારસો રૂપિયા જેટલાં આવતાં હતાં. મોબાઇલ ડેટા વાપરવો તો લક્ઝરી ગણાતી હતી ને મોટા ભાગના લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ ગેમ રમવા, વોટ્સએપ વાપરવા અને ટોરન્ટ સાઇટો પરથી ડાઉનલોડ કરેલાં પાઇરેટેડ મુવિઝ જોવા માટે કરતાં હતાં. બોલો. તમારે તો ઠીક છે... જન્મ્યા ત્યારથી ફોર-જી જોયું હોય એવી પ્રજાને ક્યાંથી બધાનું ભાન હોય?’

ફોર-જી નેટવર્કના સૌથી ઓછા ભાવ ભારતમાં છે, એવી ચર્ચા પછી ઘણા લોકોને એવી આશા જાગી છે કે તુવેરની દાળ, શાકભાજી અને જીવનજરૂરિયાતની બીજી વસ્તુઓ પણ ભવિષ્યમાં સસ્તી થશે. બધી ચીજો સ્માર્ટ ફોન પરથી મફતમાં કે સસ્તા ભાવે ડાઉનલોડ કરી શકાય એવી ફાઇવ-જી કે સિક્સ-જી ટેકનોલોજી ભવિષ્યમાં કોઇ શોધી લાવે, એવી પણ અપેક્ષા ઘણા લોકોએ વ્યક્ત કરી છે. સસ્તા ભાવમાં ફોર-જી કનેક્શન માટેડેટાગીરીજેવો શબ્દપ્રયોગ ચલણી બન્યો છે. હવે પછીહેવ્સઅનેહેવ નોટ્સ’ (સહિતો અને રહિતો) વચ્ચેનું અંતર કમ સે કમ મોબાઇલ ડેટાની બાબતમાં તો ઓછું થશે, એવી સમાજવાદી-સામ્યવાદી અપેક્ષા મૂડીવાદી જાહેરાત પછી વ્યક્ત થઇ રહી છે. પરંતુ હવે સમાજમાં જુદા પ્રકારના વર્ગો ઉભા થાય એવી સંભાવના છે. જેમ કે, અમુક કંપનીનું સસ્તા ભાવમાં વધારે ડેટા આપતું કનેક્શન ધરાવનારા બીજી કંપનીના ગ્રાહકો પર ધોંસ જમાવવા કે તેમની પર છાકો પાડવા જશે, ત્યારે ગ્રાહકો કહી શકે છે, ‘રહેવા દે  ભાઇ. તારી દાદાગીરી-- ને ડેટાગીરી બીજે બતાવજે. હું તો મોબાઇલ ડેટા વાપરતો નથી.’


-અને એક જમાનો એવો આવશે, જ્યારે મોબાઇલ ફોનનો ઉપયોગ વાત કરવા માટે કરનારને સામાજિક રીતે પછાત ગણવામાં આવશે

2 comments:

  1. અત્યારે જે બનવા જઈ રહ્યું છે, એ જાણીને તો એલ્વિન ટોફલર ને પણ 'Present શોક' લાગે!

    ReplyDelete
  2. "કૌરવ-પાંડવ-કૃષ્ણની પંચાતમાં પડ્યા વિના ગ્રાહકો તો એક જ સવાલ પૂછે છે કે ‘આપણને ક્યાં સૌથી વધારે ફાયદો છે?" આખો લેખ વાંચતી વખતે ફરી ફરીને આજ વાક્ય બાજુ નજર જતી રહેતી હતી. ડેટાગીરી તો કોને ખબર પણ મોદીગીરી જરૂર કરી ગયા મુકેશભાઈ. ૫૦ રૂપિયે જીબી કહે છે પણ મારા ખિસ્સા માંથી તો લઘુત્તમ ૬૦૦ રૂપિયા લયીને માત્ર ૪ જીબી જ આપશે (૫૦૦/૪=૧૨૫). બીજાના કોલિંગનો ખર્ચો મારા (સંભવિત) ખાતા સહીત દરેક જીઓના ગ્રાહકના માથે 'એવરેજ' ગણીને લયી લેશે. ત્રણ મહિના ના 'લ્હાવા' ને બાદ કરતા મને તો ડેટા માટે જૂની કંપનીજ સસ્તી પડશે; કોલિંગતો હું માંડ મહિને ૨૦-૨૫ રૂપિયાનું કરતો હોઈશ (મળવાની પરવાનગી લેવા) બાકી તો રૂબરૂમાં જ અને ઈમેઈલ. જાન્યુઆરીમાં ખબર પડે, બાકી નોરતા અને દિવાળી તો સુધારી જ ગયી.

    ReplyDelete