Tuesday, September 13, 2016

ખાટલા, સુરક્ષા-જાળી અને લોકનેતાગીરી

વૈશ્વિક ત્રાસવાદના આ જમાનામાં, સુરક્ષા વિના ખુલ્લાં વાહનોમાં ફરતા ગાંધી-સરદાર-નેહરુ-જયપ્રકાશ જેવા લોકનેતાઓના દાખલા આપવાનો અર્થ નથી. એ યાદી છેક ઇંદિરા ગાંધી સુધી લંબાવી શકાય. પરંતુ તેમના જ સુરક્ષાકર્મીઓ દ્વારા તેમની હત્યા થયા પછી સલામતી બાબતે નિર્દોષતાનો યુગ પૂરો થયો. વિવિધ પ્રકારના ત્રાસવાદો પછી નવાઇ અને આઘાત લાગે એ હદે જડબેસલાક, અસહિષ્ણુ, અપમાનજનક અને ક્યારેક હાસ્યાસ્પદ સ્થિતિ સર્જે એવી સુરક્ષાવ્યવસ્થાનો દૌર શરૂ થયો.

થોડાં વર્ષ પહેલાં અમદાવાદમાં તત્કાલીન મુખ્ય મંત્રી મોદીના હાથે એક વિખ્યાત લેખકનો સન્માનસમારંભ હતો. પરંતુ સાહેબ માટે સુરક્ષા એવી કડક હતી કે તેમના આગમનના થોડા સમય પહેલાં લોકોને હોલમાં પૂરી દેવાયા. પછી, જેમનું સન્માન હતું એ લેખક આવ્યા ત્યારે તેમને સાહેબના રક્ષકોએ હોલની બહાર જ અટકાવી દીધા અને કહ્યું કે હવે અંદર નહીં જઇ શકાય. આ લેખક અંદર નહીં જાય તો કાર્યક્રમ જ નહીં થાય. કારણ કે સાહેબ એમનું જ સન્માન કરવાના છે.એવું સમજાવ્યા પછી કચવાતા મને તેમણે લેખકને અંદર જવા દીધા. (નજરે જોયેલી અને જેમાં એક પાત્ર તરીકે હોવાનું દુર્ભાગ્ય સાંપડ્યું હોય, એવી આ ઘટનામાં જરાય અતિશયોક્તિ નથી.)

તેમ છતાં, લોકો બહુ ઉદાર છે. સાહેબોના કાર્યક્રમ હોય ત્યારે હોલમાં વહેલા પુરાઇ જવું પડે, અધવચ્ચેથી ઉભા ન થવાય અને થવું જ પડે, તો પાછા ન ફરાય...આવી આકરી શરતો છતાં સ્વયંભૂ તેમ જ અન્ય પ્રેરણાઓથી લોકો કાર્યક્રમોમાં આવે છે. નેતાઓ ત્રાસવાદીઓથી બીએ અથવા બંદૂકધારીઓથી ઘેરાયેલા રહીને બહાદુરીની વાતો કરે, તેને પણ હવે લોકો માફ ગણે છે. બધાએ સ્વીકારી લીધું છે કે આ નેતાઓ પાસેથી ગાંધીજી જેવી અપેક્ષા ન રખાય. ગાંધીજીની સભામાં ૨૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ બોમ્બ ફેંકાયો અને ગાંધીજીને ખબર પડી કે આ તેમની હત્યાનું કાવતરું હતું, ત્યારે તેમણે કહ્યું હતું,  ‘આ રીતે બોમ્બ ફૂટવાને પરિણામે હું ઢળી પડ્યો હોત અને છતાં હુમલો કરનાર સામે દ્વેષ સેવ્યા વિના હસતો રહેત તો જ પ્રમાણપત્રને માટે લાયક બનત.તેના દસ દિવસ પછી એ જ કાવતરાખારોમાંના એક નથુરામે ગાંધીજીની હત્યા થઇ.

આપણે ઇચ્છીએ કે આપણા નેતાઓ કદી ત્રાસવાદનો કે હત્યાનાં કાવતરાંનો ભોગ ન બને. એના માટે આકરી સલામતી રાખવી પડે તો રાખે. પણ ત્રાસવાદીઓમાં અને લોકોમાં ફરક ખરો કે નહીં? સુરતમાં પાટીદારો સામે, પાટીદારો દ્વારા શક્તિપ્રદર્શન કરાવવાના ભાજપના પ્રયાસોમાં તેની નેતાગીરીની પોલ ખુલી ગઇ. મંચ પર રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બિરાજમાન થવાના હોવાથી અને તેમના નેતૃત્વ હેઠળ ભાજપની નેતાગીરી પાટીદારોને બતાવી દેવાનીહોવાથી, બંદોબસ્ત પાકો કરાયો હતો. પરંતુ કાર્યક્રમનાં દૃશ્યોમાં સ્ટેજથી થોડે દૂર લગાડાયેલી તારની જાળીએ ભાજપના કાર્યક્રમને શરૂ થતાં પહેલાં જ નિષ્ફળ બનાવી દીધો-- કમ સે કમ, મનોવૈજ્ઞાનિક અસરની દૃષ્ટિએ તો આવું કહી જ શકાય.

સભામાં ધમાલ થાય એવી પૂરી શક્યતા હતી--અને ધમાલ થઇ પણ ખરી. પરંતુ એ સ્થિતિ ભાજપી નેતાઓએ વહોરી લીધેલી હતી. પાટીદારોના ગઢ ગણાતા વિસ્તારમાં અમિત શાહની બહુચર્ચિત ચાણક્યનીતિના જોરે, આંદોલનકારી પાટીદારોને બતાવી દેવાની લ્હાયમાં ને સલામતીની ફિકરમાં ભાજપશ્રેષ્ઠીઓને એ ન સૂઝ્‌યું કે વડાપ્રધાનના ગૃહરાજ્યમાં, ભાજપની સરકારના રાજમાં, રાજ્યમાંથી જ રાષ્ટ્રીય પ્રમુખના હોદ્દે પહોંચેલા નેતા હાજર રહેવાના હોય, પોલીસ પોતાની હોય, વિરોધી આંદોલનનો મુખ્ય નેતા ગુજરાતની બહાર બેઠો હોય, ત્યારે સલામતી કે વ્યવસ્થાના નામે જાળી લગાડવાથી કેવો સંદેશો જશે.

બધું કરવા છતાં તોફાન મચ્યું અને ચાર કલાક ચલાવવા ધારેલો કાર્યક્રમ એક કલાકમાં આટોપી લેવો પડ્યો. તો જાળીઓ લગાડીને પણ ભાજપી નેતાગીરીએ શા કાંદા કાઢ્‌યા? નેતાઓને અપમાનજનક સ્થિતિમાં મુકાવું ન પડે એટલા માટે જાળી લગાડી હોય તો, જાળીથી અપમાનમાં શરમનો ઉમેરો ન થયો? સામે ચાલીને માર ખાવાનો કોઇને ગમે નહીં. પરંતુ લોકોના નેતા બન્યા પછી તેમનાથી જ બચવા જાળીઓ લગાડવી પડે, તો એમના માટે લોકપ્રતિનિધિજેવો શબ્દ વાપરતાં જીવ કેમ ચાલે?

સુરતમાં ઉછળેલી ખુરશીઓએ ભાજપનું નાક કાપ્યું, તો ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની સભામાંથી ખાટો ઉપડી ગઇ, તેનાથી કોંગ્રેસના નાકના રહ્યાસહ્યા હિસ્સાને ઘસારો પહોંચ્યો. પરંતુ ખાટસભાનો મુદ્દો એટલો અગત્યનો નથી, જેટલો ખાટસભાનો વિચાર સુઝાડનાર પ્રશાંત કિશોરની રાજકીય ભૂમિકાનો છે. પ્રશાંત કિશોર વાસ્તવમાં ભારતના રાજકીય નેતાઓની લોકોથી અને જમીની વાસ્તવિકતાથી કેટલા દૂર થઇ ગયા છે, તેનું જીવતુંજાગતું પ્રતીક છે. એ ભાઇ ચૂંટણીઓ જીતાડવામાં અત્યંત કુશળ ગણાય છે. તેમનું કામકાજ બહુ વૈજ્ઞાનિક, અભ્યાસકેન્દ્રી અને મૌલિક આઇડીયાવાળું હોય છે, એવી તેમની ખ્યાતિ છે. ભારતની ચૂંટણીમાં જીત માટે અનિવાર્ય ગણાય એવા જ્ઞાતિગણીત અને રાજ્ય-મતક્ષેત્રનાં રાજકીય સમીકરણોમાં નિપુણતા માટે પ્રશાંત કિશોર વખણાય છે. બિહારમાં નીતિશકુમારને જીતાડવામાં-મુખ્ય મંત્રી બનાવવામાં તેમનો મોટો ફાળો મનાતો હતો. ત્યાર પછી રાહુલ ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસે પ્રશાંત કિશોરની સેવાઓ (તોતિંગ રકમ ચૂકવીને જ) લીધી છે. પ્રશાંત કિશોરથી માંડીને એડ એજન્સી કે (નરેન્દ્ર મોદીએ છબી ઉભારવા માટે જેની સેવાઓ લીધી હતી તે) એપ્કો વર્લ્ડવાઇડજેવી તોતિંગ ફી વસૂલતી એજન્સીના વ્યાવસાયિકપણા વિશે, તેમની કાર્યક્ષમતા અને તેમાં રહેલા નૈતિકતાના પ્રશ્નો વિશે અલગ ચર્ચા થઇ શકે. પરંતુ પ્રશાંત કિશોર જેવા માણસને ચૂંટણી જીતાડી આપનાર તરીકે ગણવામાં આવે, એ ફક્ત નવા જમાનાની તાસીર નથી. રાજકીય પક્ષો-નેતાગીરીની નિષ્ફળતા અને લોકશાહીની-લોકોની કમનસીબી છે.

આવા નિષ્ણાતો માટે લોકોનું-મતદારોનું મહત્ત્વ ચૂંટણી જીતવાની તિકડમબાજીના પૂરજા જેટલું હોવાનું. મતક્ષેત્રમાં કેવી રીતે કામ કરવું જોઇએ એમ નહીં, પણ કેવી રીતે ધૂમધડાકા થવા જોઇએ કે જેથી ચૂંટણીની વૈતરણી તરી જવાય, એ જ તેમનું મુખ્ય ધ્યેય હોય. કારણ કે તેમને એ જ કામ માટે રોકવામાં આવે છે. કોંગ્રેસ જેવા એક સમયે સર્વસમાવેશક ગણાતા રાષ્ટ્રીય પક્ષને ગરજાઉ બનીને પ્રશાંત કિશોરની સેવાઓ લેવી પડે, ભાજપ જેવા પક્ષની નેતાગીરીને તેના ગઢ જેવા ગુજરાતમાં જાળી મૂકીને સભા કરવી પડે--અને ભાજપના ચુસ્ત ટેકેદાર કહેવાતા પાટીદારો જ તેને આ સ્થિતિમાં મૂકે, ત્યારે લાગે કે તાજા ઇતિહાસનું એક ચક્ર પૂરું થઇ રહ્યું છે અને નેતાઓ તથા મતદારો-નાગરિકો વચ્ચેનો સંબંધવિચ્છેદ સંપૂર્ણ થવાના આરે છે.

લોકશાહીને માત્ર ને માત્ર મતશાહી બનાવી દેવામાં આવે ત્યારે તેનાં કેવાં ફનાફાતિયાં થાય, તે દર્શાવતી ફિલ્મ વર્તમાન વાસ્તવિકતા તરીકે શરૂ થઇ ચૂકી છે. હાલની પરિસ્થિતિમાં કશો બદલાવ નહીં આવે, નાગરિકલક્ષી સંગઠનો કે પક્ષની એન્ટ્રી નહીં થાય, તો એ ફિલ્મનો અંત કલ્પી શકાય એવો છે.

1 comment:

  1. 'ધૂમકેતુ' સર્જિત પાત્ર સોમેશ્વર શાસ્ત્રીના મોંમાંથી નીકળતા શબ્દો યાદ આવે છે. . "પડે છે ત્યારે સઘળું પડે છે."!

    ReplyDelete