Saturday, September 10, 2016

સફાઇ કામદારો માટે ‘આવશ્યક સેવા ધારો’ : ૨૦૧૬ અને ૧૯૪૭

સફાઇ આધ્યાત્મિક કામ છે કે નહીં, એ તો વડાપ્રધાન જાણે (કારણ કે થોડાં વર્ષ પહેલાં તેમણે એ મતલબનું કહ્યું હતું), પણ ભારતમાં-ગુજરાતમાં સફાઇ બહુ નકામું- થેન્કલેસ કામ છે. અમદાવાદમાં ચાલેલી સફાઇ કામદારોની હડતાળથી એ મુદ્દો ચર્ચામાં આવ્યો એટલું જ. બાકી, સફાઇ કામદારોની સમસ્યા નવી નથી ને અમદાવાદ પૂરતી મર્યાદિત પણ નથી.

કામને નકામું કહેવાનાં ઘણાં કારણ છે : સફાઇ કામદારો વિના બિલકુલ ચાલે નહીં, ને સફાઇ કામદારોની જરાય કદર નહીં. સામાજિક દરજ્જો તો નહીં જ. કેમ કે, એ કામ દલિતોના માથે લખાયેલું છે. આર્થિક વળતરના પણ વાંધા. જે સફાઇ કામદારો પહેલાં કાયમી થઇ ગયા, તે થઇ ગયા. બાકી, વૈશ્વિકીકરણ પછીના કોન્ટ્રાક્ટ-યુગમાં મોટી સંખ્યામાં સફાઇ કામદારોને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે. એનું ગુજરાતીએવું થાય કે એ સફાઇ કામદારોના મામલે વહીવટી તંત્રની (પંચાયત-પાલિકા-કોર્પોરેશનની) કશી જવાબદારી નહીં. સફાઇ કામદારને કામ કરતા જોઇને દેશ કઇ સદીમાં ચાલે છે એ નક્કી કરવાનું હોય તો ૧૯મી સદીના અંત કે ૨૦મી સદીની શરૂઆત જેવો કોઇ સમયગાળો મનમાં આવે.

પાલિકા-કોર્પોરેશનોમાં હવે એકંદરે રૂપિયાની અછત રહી નથી. પરંતુ જ્યારે પણ કડકી જેવું લાગે, ત્યારે સૌથી પહેલો પગાર સફાઇ કર્મચારીનો અટકે. ત્રણ-ત્રણ ને છ-છ મહિના સુધી તેમના પગાર ન થાય એવું એકવીસમી સદીમાં ગુજરાતમાં અનેક વાર બન્યું છે. તેમનું કામ અનિવાર્ય. એટલું અગત્યનું કે એ હડતાળ પાડે તો તેમની પર આવશ્યક સેવા ધારોલાગુ પાડીને પરાણે કામ કરવાની ફરજ પાડી શકાય. પણ આવું આવશ્યક કામ કરનારના હક જાળવવાનું કોઇને આવશ્યક ન લાગે. એક તરફ કેન્દ્ર સરકાર સ્વચ્છ ભારત અભિયાન હેઠળ કરોડો રૂપિયાના ધુમાડા ફક્ત જાહેરખબરો પાછળ કરતી હોય, ને બીજી તરફ સ્વચ્છતાનું મૂળભૂત કામ કરતા સફાઇ કામદારોને એ કામનું હોવું જોઇએ એવું વળતર પણ નહીં. સ્માર્ટ સિટીનાં આંબાઆંબલીમાં સફાઇ અને સફાઇ કામદારોનું સ્થાન ક્યાં છે અને અત્યારનાં બિન-સ્માર્ટ સિટી કરતાં એ કેવી રીતે જુદું હશે, એની કોઇ ચોખવટ નહીં.

સફાઇકામ કરનારાની ધરાર ઉપેક્ષા અને રેલો આવે ત્યારે બૂમરાણ મચાવવું-કાયદા ઉગામવા, આવાં બેવડાં અમદાવાદના સફાઇ કામદારોની હડતાળ નિમિત્તે જોવા મળ્યાં. સાથે એ પણ સમજાયું કે આઝાદી મળી ત્યારથી અત્યાર સુધીમાં આ અભિગમમાં નહીંવત્‌ સુધારો થયો છે અને બગાડો ચાલુ છે. આઝાદી અને ભાગલા વખતે, ભારતમાં તો ઠીક, ‘ઇસ્લામના નામે સ્થપાયેલા પાકિસ્તાનમાં પણ સફાઇ કામદારોની હાલત કફોડી થઇ હતી.  ધર્મના નામે દેશના ભાગલા પડ્યા ત્યારે મહંમદઅલી ઝીણાના મનમાં એવો ખ્યાલ હશે કે પાકિસ્તાનમાં દલિતો સાથે (પ્રમાણમાં) ન્યાયી વ્યવહાર કરીને ભારતને શરમાવવું અથવા અસ્પૃશ્યોના મુદ્દે પોતાની રીતે કામ કરતા ગાંધીજીની સામે આ મુદ્દે ઊભા રહેવું. પાકિસ્તાનના પહેલા પ્રધાનમંડળમાં બંગાળના દલિત નેતા જોગેન્દ્રનાથ મંડલનો સમાવેશ થતો હતો. મંડલ પણ મુખ્યત્વે એ આશાએ અલગ પાકિસ્તાનના ટેકેદાર હતા કે મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતમાં હિંદુ ધર્મના દૂષણ જેવી અસ્પૃશ્યતાથી મુક્તિ મળે. પરંતુ બન્નેનો આશાવાદ ઝડપથી ઓસરવા લાગ્યો.

અખંડ ભારતમાં ગુજરાત-રાજસ્થાનને અડીને આવેલા સિંધ પ્રાંતમાં દલિતોની નોંધપાત્ર વસ્તી હતી. ભાગલા પછી કેટલાક દલિતો (આગળ જણાવેલા કારણસર) પાકિસ્તાનમાં જ રહેવા ઇચ્છતા હતા. કારણ કે ભારતમાં તેમનું શું સ્થાન હશે, એ તે બરાબર જાણતા હતા. પરંતુ ઘણા દલિતોએ સરહદ ઓળંગીને ભારત આવવાનું શરૂ કર્યું. નંદિતા ભાવનાનીએ તેમના પુસ્તક ધ મેકિંગ ઓફ એક્ઝાઇલ : સિંધી હિંદુઝ એન્ડ ધ પાર્ટિશન ઓફ ઇન્ડિયામાં, એકથી વધુ ઠેકાણે સુચિત્રા બાલાસુબ્રમણ્યનને ટાંકીને, લખ્યું છે કે દલિતો જવા લાગતાં શહેરોની હાલત કફોડી બનવા લાગી. સિંધ પ્રાંતના શહેર સક્કરમાં રાષ્ટ્ર સેવા દળ અને મુસ્લિમ નેશનલ ગાર્ડના સભ્યોએ સફાઇકામ હાથ ધરવું પડ્યું.  ચોતરફ ખૂનામરકી અને લાશોના ઢગ ખડકાતા હોય, ત્યાં સફાઇ કામદારો દેશ છોડીને જતા રહે તે મુસ્લિમ લીગની સરકારને પરવડ્યું નહીં.

રેલવે, જાહેર સેવાઓ, બંદરો જેવી આવશ્યક સેવાઓ ખોરવાઇ ન જાય એ માટે સિંધની સરકારે સિંધ પબ્લિક સેફ્‌ટી ઓર્ડિનન્સજારી કર્યો હતો. એ સેવાઓમાં કામ કરતા લોકો ચસકી શકે એમ ન હતા. એ વટહુકમમાં સફાઇ કામદારોનો સમાવેશ થતો ન હતો. પરંતુ કચરાના ખડકલા, ગંદકી અને મૃતદેહોમાં સતત વધારો થતો હતો અને દલિત સફાઇ કામદારો ન હોય, તો આ કામ કોણ કરે? (કેમ જાણે, આ કામ અણુબોમ્બ બનાવવા જેવું ખાસ હોય) એટલે સિંધની સરકારે તત્કાળ વટહુકમમાં ફેરફાર કર્યો અને (દલિત) સફાઇ કામદારોને ભારત જવા પર સત્તાવાર પ્રતિબંધ મૂકી દીધો. એ સાથે ઇસ્લામના ભાઇચારાની વાર્તાઓ હવા થઇ ગઇ અને જ્ઞાતિવાદનો ચેપ રૂંવે રૂંવે ફૂટી નીકળ્યો. દલિત એટલે સફાઇ કામદારએવું સમીકરણ બની ગયું. કોઇ પણ દલિતને સિંધ છોડવું હોય તો જિલ્લા મેજિસ્ટ્રેટની લેખિત પરવાનગી જોઇએ. દલિત મહોલ્લામાં પોલીસ તહેનાત કરી દેવાઇ, જેથી તે ભાગી ન જાય. દલિતોને ઓળખ સૂચવતા બિલ્લા પહેરવાની ફરજ પડાઇ અને અગાઉ સફાઇકામ ન કરતા હોય, એવા દલિતોને પણ સફાઇકામમાં જોતરી દેવાયા.




ગાંધીજીએ સિંધના દલિતોની સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી. સિંધની કોંગ્રેસ સમિતિએ પ્રતિબંધને બાજુએ રાખીને, સિંધમાંથી દલિતોને ગુજરાત લાવવાના પ્રયાસ આદર્યા. તેમાં ૨૮ વર્ષના સિંધી નેતા જીવણલાલ જયરામદાસ કેવલરામાણીની ભૂમિકા મહત્ત્વની હતી. પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, હરિજન સેવક સંઘના કાર્યકરોએ દલિતોને મોટી પાઘડી પહેરાવીને રાજસ્થાની જેવા દેખાડવાનો અને એ રીતે સરહદ પાર કરાવવાનો પ્રયાસ કર્યો. સિંધની સરકારને એ વિશે જાણ થતાં, કોંગ્રેસના કાર્યકરો પર તવાઇ આવી. જીવણલાલ જયરામદાસ સામે વોરન્ટ નીકળતાં, વેશપલટો કરીને તે કરાચીથી ઓખા થઇને અમદાવાદ આવ્યા. પાકિસ્તાનમાં રહેલા ભારતના હાઇકમિશનરે દલિતોને અટકાવવાની આ નીતિ સામે વિરોધ નોંધાવ્યો, ત્યારે પાકિસ્તાને આવો કોઇ પ્રતિબંધ હોવાનો જ ઇન્કાર કરી દીધો.

ગાંધીજીએ જહાજની કંપનીના માલિકો એવા શાંતિકુમાર મોરારજી અને શૂરજી વલ્લભદાસને તેમની સ્ટીમરો કરાચી મોકલવા કહ્યું, જેથી ત્યાંના દલિતોને લાવી શકાય. સુચિત્રા બાલાસુબ્રમણ્યનની નોંધ પ્રમાણે, હરિજન સેવક સંઘે દલિતો માટે બોમ્બે સ્ટીમ નેવિગેશનનાં ચાર જહાજ  કરાચી મોકલ્યાં હતાં. ૧૯૪૮માં ભારત સરકારે ડીસ્પ્લેસ્ડ હરિજન રીહેબિલિટેશન બોર્ડની સ્થાપના કરી, જેનો આશય પાકિસ્તાનથી આવેલા દલિતોનું ભારતમાં પુનઃસ્થાપન કરવાનો હતો. તેનું મુખ્ય મથક અમદાવાદના હરિજન આશ્રમ (સાબરમતી આશ્રમ)માં રખાયું હતું. કરાચીથી આવેલા જીવણલાલ જયરામદાસ અને ઠક્કરબાપાએ બોર્ડના કામમાં રસ લીધો. તેના જ એક ભાગરૂપે ઠક્કરબાપા કોલોની ઊભી થઇ, જેમાં પાકિસ્તાનથી આવેલાં દલિત પરિવારોને વસાવવામાં આવ્યાં.

પાકિસ્તાન હોય કે ભારત, સિંધ હોય કે ગુજરાત, ૧૯૪૭ હોય કે ૨૦૧૬, સફાઇ કામદારો પ્રત્યે વહીવટી તંત્રના અભિગમમાં કેટલો ફરક પડ્યો છે?

1 comment:

  1. સત્ય સાત સમન્દર પર થી પણ લાવી વાચકો ને પીરસવું જોઈએ ...
    સિંધ (પાકિસ્તાન જ્યાં લોકશાહી નહિ સરમુખત્યાર શાહી જ છે )
    સરમુખત્યાર ચુકાદો ઉજાગરા કરતો રસપ્રદ કિસ્સો રજુ કરવા બદલ
    આભાર

    ReplyDelete