Wednesday, September 21, 2016

દાદરો કે લિફ્‌ટ?

(બોલ્યુંચાલ્યું માફ)

પગથીયાં ચઢું કે ન ચઢું? આવો હેમ્લેટ સવાલ ઘણા શહેરીઓને  વારંવાર મૂંઝવે છે. તેમનો અંતરાત્મા કહે છે, ‘હે જીવ, તારી ત્રણ-ચાર મણની કાયાને જરા કષ્ટ આપ, તો ભલું થવા માટે તારે આવતા જન્મની રાહ નહીં જોવી પડે. આ જન્મમાં જ તારું ભલું થશે. ડાયેટિશ્યન જોડે જવું નહીં પડે, જિમના રૂપિયા બગાડવા નહીં પડે, ડાયેટ કોક પીવી નહીં પડે ને મોંઘાદાટ સલાડ ખાવાં નહીં પડે. વિચાર છોડ અને કર્મ કર. લિફ્‌ટ છોડ ને દાદરા ચઢ.

પરંતુ અંતરાત્માના અવાજ સાંભળનારની ભારતમાં કેવી દશા થાય છે, તે ૧૯૪૮ની ૩૦ જાન્યુઆરીએ ભારતવર્ષના લોકોએ જોઇ લીધું. એમ પાછા આપણા લોકો હોશિયાર વિદ્યાર્થી. તરત શીખી ગયા કે આ રસ્તે ન જવાય. એટલે તેમણે પહેલાં તપાસ કરી : અંતરાત્માને ફિક્સ ડિપોઝીટમાં મૂકવાથી વ્યાજ-બ્યાજ મળે ખરું? ખબર પડી કે નાણાંકીય વ્યવહારમાં એની ખાસ કશી કિંમત નથી. એને વેચવાની ને ગીરવે મૂકવાની અનેક વ્યવસ્થાઓ છે, પણ એને વણવપરાયેલો છતાં હેમખેમ રાખીને નાણાંકીય ફાયદો મેળવવાની કોઇ સ્કીમ જડી નહીં. ત્યારથી અંતરાત્માના અવાજનું વજન ભાજપની વરિષ્ઠોની સમિતિના સભ્યો જેવું થઇ ગયું : લખવામાં નામ મોટું, પણ વ્યવહારમાં કશું ઉપજે નહીં.

દાદરા અને લિફ્‌ટના દ્વિભેટે ઉભેલો માણસ અંતરાત્માની અસલિયત વિશે વિચારવાનું શરૂ કરે તે પહેલાં જ તેના બહિરાત્માનો અવાજ શરૂ થઇ જાય છે, ‘હે જીવ (હા, ભારતમાં આધ્યાત્મિક પરંપરા મજબૂત હોવાથી, સંબોધનો આવી રીતે જ થાય), જન્મ્યો ત્યારે તારું વજન શેરમાં હતું. પછી તું મણમાં ગયો ને હવે ટન ભણી ધસી રહ્યો છું. તારું જીવનધ્યેય પ્રગતિ અને વિકાસ છે--અને તું ચતુર નાગરિક હોવાને કારણે જાણે છે કે ભારતમાં શ્રમ કરનાર શોષાય છે ને શ્રમ કરાવનાર કમાય છે. લાંબા રસ્તા લેનાર પાછળ રહે છે ને ટૂંકા રસ્તા અપનાવાર આગળ નીકળી જાય છે. તો પછી હે ત્રણ-મણીયા, તું પણ દાદરા ચઢવાનો ને પરસેવા પાડવાનો મોહ છોડીને, લિફ્‌ટનો શરણે જા. એમાં જ તારું હિત છે. એમાં જ તારી પ્રગતિ છે.

કેટલાક બહિરાત્માઓમાં પણ આધ્યાત્મિકનો પેટાપ્રકાર હોય છે. તે દેહધારીને ભોગવાદના રસ્તે ચડાવવાનો આભાસ આપ્યા વિના, પૂરી સાત્ત્વિકતાથી કહે છે,‘જો ઇશ્વરે ઇચ્છ્‌યું હોત કે તારે દાદરા જ ચઢવા, તો તેમણે લિફ્‌ટ ને લિફ્‌ટનો શોધનાર બનાવ્યાં ન હોત ને એસ્કેલેટર પણ શોધ્યાં ન હોત. ઇશ્વર તને મણમાંથી સવા છ શેર બનાવવા ઇચ્છતા નહીં હોય. એટલે તારી કારકિર્દીને આપે કે ન આપે, પણ તને લિફ્‌ટ આપી છે. એની ઉપેક્ષા અને અવગણના કરવી, એ દૈવી ડીઝાઇનનું અવમાન છે. આ સંસારના નાવનું સુકાન તું ઇશ્વરના હાથમાં સોંપ અને દાદરા ચઢવાનું કષ્ટ લેવાને બદલે, ઇશ્વરીય પ્રસાદ જેવી લિફ્‌ટનો ઉપયોગ કર. શ્રી રામચંદ્ર જે રીતે લંકા પહોંચ્યા, એ જ રીતે લંકાથી પાછા અયોધ્યા ન જઇ શક્યા હોત? પણ તેમણે પુષ્પક વિમાનનો ઉપયોગ કર્યો. તું પણ મિથ્યા શ્રમનો મોહ ટાળ અને લિફ્‌ટનો ઉપયોગ કર. એમ કરતાં તને જરા પણ ખચકાટ થતો હોય તો, લિફ્‌ટના કારણે તારો જેટલો સમય બચ્યો હોય, એટલા સમય માટે તું ઉપર જઇને હરિસ્મરણ કરજે. બસ?’  એેસ્કેલેટર હોય ત્યારે તે કહે છે,‘ઇશ્વરેચ્છા વિના પાંદડું પણ હાલતું નથી એ તને ખબર છે. અહીં તો આખેઆખો દાદરો હાલે ને ચાલે છે. તો પછી તેને ઇશ્વરેચ્છા ગણીને તેને અનુસરવામાં ક્ષોભ શાને?’

દાદરા ચઢવા એ ફક્ત શારીરિક શ્રમનો મામલો નથી. કેટલાક લોકો કાચી ક્ષણે (મેડિકલ ટેસ્ટના રીપોર્ટ આવ્યા પછી તરતની મિનીટોમાં) પ્રતિજ્ઞા લઇ બેઠા હોય છે કે મારે કાગડાકૂતરાના મોતે મરવું નથી. માટે હવે હું આજીવન, જ્યાં સુધી શક્ય હશે ત્યાં દાદરા જ ચઢીશ.શરૂઆતમાં તેમને પાણી દેખી કરે સ્નાનની જેમ, દાદરા જોઇને તેમને ચઢવાનો જ વિચાર આવે છે.

પ્રતિજ્ઞાપાલનના આરંભિક ગાળામાં મલેશિયાના પેટ્રોનાસ ટાવર કે દુબઇના બુર્જ ખલીફા કે પેરિસના એફિલ ટાવરને જોઇને તેમને પહેલો વિચાર આ ઇમારતોની ભવ્યતાનો નહીં, પણ તેમાં કેટલા દાદરા હશે અને એ ચડતાં મને કેટલી વાર લાગે, એ આવે છે. તેમને લાગે છે કે આખું વિશ્વ એક દાદરો છે ને મારો જન્મ એ દાદરા પર ચઢઉતર કરવા માટે જ થયો છે. ક્યારેક વહેલે પરોઢીયે તેમને એવું પણ સ્વપ્ન આવે છે કે કુતુબમિનારના દાદરા ચઢવાની શરૂઆત કરે છે અને ટોચે પહોંચતાં તેમનું કોલેસ્ટેરોલ ધડામ્‌ દઇને સામાન્ય થઇ જાય છે-વજન દસ-વીસ કિલો ઘટી જાય છે.

આવા અરસામાં પ્રતિજ્ઞાપાલકો માટે ઘણી વાર દાદરા ચઢવા કરતાં પ્રતિજ્ઞાપાલનનો--અને દાદરા ચઢવા કરતાં, પોતે દાદરા ચઢઉતર કરે છે તે જાહેર કરવાનો આનંદ વધી જાય છે. પરંતુ તપસ્વી વિશ્વામિત્ર માટે જે કામ મેનકાએ કર્યું, ઉપવાસીઓ માટે ફરાળી જે કામ કરે છે, એવા જ કોઇ અવતાર કાર્ય માટે એસ્કેલેટરની શોધ થઇ હશે. યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર પણ મોલમાં એસ્કેલેટર પર પાંચમા માળે પહોંચ્યા હોત અને ત્યાં ઉભેલા ગુરુ દ્રોણે તેમને પૂછ્‌યું હોત, ‘દાદરેથી આવ્યો કે લિફ્‌ટમાં?’, તો સત્યવાદી ધર્મરાજાનો શો જવાબ હોત? ‘નરો વા, કુંજરો વાનો આશરો લીધા વિના તે ગણગણાટીભર્યા અવાજમાં નહીં, ખોંખારીને કહી શક્યા હોત કે દાદરેથી.જ્યોતીન્દ્ર દવેના પ્રખ્યાત નિબંધ મારી વ્યાયામસાધનામાં દંડબેઠક કર્યા?’ એવા વડીલોના સવાલના જવાબમાં નાયક કર્તા અધ્યાહાર રાખીને કહે છે,‘કર્યા.એવો આત્મવિશ્વાસ એસ્કેલેટરમાં ઉપર આવેલો માણસ દાદરા ચઢવા વિશે અનુભવે છે. પોતે ભલે દાદરા ચઢ્‌યો ન હોય, પણ દાદરો પોતે તો ઉપર ચઢ્‌યો ને. આમ પણ, શું સ્થિર છે ને શું ગતિમાન, એ સાપેક્ષ બાબત છે. પૃથ્વી ફરતી હોવા છતાં સ્થિર લાગે છે ને મકાન કે વૃક્ષ સ્થિર ઉભું હોવા છતાં (ચોક્કસ પ્રકારનાં પેયની અસર તળે) ગતિમાન લાગી શકે છે. એ વિશે મિથ્યાભિમાન કેવું? કેટલાક સત્યનિષ્ઠ પ્રતિજ્ઞાપાલકો ચાલુ એસ્કેલેટરે પગથીયાં ચઢવાનું ચાલુ રાખે છે, જેથી એસ્કેલેટરના પાપે દાદરો ચઢ્‌યાનું પુણ્ય ગુમાવવું ન પડે.

વચ્ચે એક સમયગાળો એવો હતો, જ્યારે પગથીયાં ચઢવાં એ ડાઉનમાર્કેટચેષ્ટા ગણાતી હતી : ભણેગણે તે નામું લખે ને ના ભણે તે દીવો ધરેએવી જૂની કહેવતની જેમ, ‘સમૃદ્ધો લિફ્‌ટમાં મહાલે ને શ્રમિકો દાદરા ચઢેએવું મનાતું હતું. ધીમે ધીમે આરોગ્યની સમસ્યાઓ વધવા માંડી અને ઉપર જવા માટે નહીં, પણ વજનકાંટો નીચે ઉતારવા કે સ્થાયી રાખવા માટે પગથિયાંનો મહિમા શરૂ થયો. તેમાં મુશ્કેલી ફક્ત એક જ હતી : પગથિયાં ચઢવામાં એક પણ રૂપિયો ખર્ચવાનો ન હતો કે ઘરની બહાર પણ નીકળવાનું થતું ન હતું. તેથી જેમને કસરત જ કરવી હોય તેમને એ બહુ ઉપયોગી લાગે, પરંતુ કોઇ પણ કાર્ય નાણાં ખર્ચવાથી જ સંતોષકારક રીતે પૂરું થાય એવી દૃઢ માન્યતા ધરાવતા લોકોથી માંડીને, મોર્નિંગ વોક પૂરું થયા પછી ભરપેટ નાસ્તો કરીને ઘરે જતા ઘણાને કસરત તરીકે દાદરા અનુકૂળ આવતા નથી.


માણસના બીજા કેટલાક સંબંધોની જેમ દાદરા સાથેનો તેનો સંબંધ એટલો લપસણો છે કે ગાફેલ રહેનાર વ્યક્તિને પછડાવાનો વારો આવે છે--અને દાદરાને કદી વાગતું નથી.

3 comments:

  1. આ લેખ વાંચીને તાત્કાલિક ધોરણે 'મણમાંથી ટનમાં' ફેરવાયેલી કાયા ઉતારવા કેટલાં પગથિયાં ચડવાં પડશે, એ ગણવાનું સૂત્ર આપ્યું હોત તો ઘણું જ ઉપયોગી નિવડત.

    ReplyDelete
    Replies
    1. Anonymous10:56:00 PM

      મારા જેવા પાતળાઓ ,પાતળા શરીરના ફાયદા બતાવવા મિત્રોને લિફ્ટમાં બેસાડીને ઝડપથી દાદર ચડીને લીફ્ટ સાથે હરીફાઈમાં ઉતરે છે, ભલે શ્વાસ ચડી જાય પણ ઓલંપિગમાં મેડલ મળ્યા જેટલા રાજી થતા હોય છે.

      Delete
  2. ઉત્કંઠા12:01:00 PM

    આખો લેખ જ બહુ ગમ્યો. તેમાંયે બીજો આખો ફકરો જોરદાર ...અંતરાત્મા પરિચય અદ્ભુત...સચોટ..

    ReplyDelete